Rajashri Kumarpal - 23 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 23

૨૩

જીવનકાવ્યની છેલ્લી પંક્તિ

‘આંહીં જ લાગે છે, વાગ્ભટ્ટ! પેલું શ્યામ વસ્ત્રઘર દેખાય! એ પોતે ત્યાં ઊભેલ જ છે. પણ આપણે જરાક આંહીં થોભી જાઓ... આપણે વાત શી રીતે ઉપાડીશું?’

અર્ણોરાજ ને ત્રિલોચન સાંભળી રહ્યા. પરાજય સિવાયની બીજી કોઈ વાત હોય તેમ જણાયું. 

‘મને પણ એ લાગે છે,મહારાજ! વાત કહેવી શી રીતે? એક તો એ સૌથી નાનો છે. પિતાથી પહેલી જ વખત જુદો પડ્યો હતો. પિતાજી પ્રત્યે એને અનહદ પ્રીતિ છે. એને તો કોંકણરજની વિષહર છીપ લાવીને પિતાજીને બતાવવી હતી અને ત્યાં તેઓ તો ચાલી નીકળ્યા! આ સમાચાર એને કહેવા શી રીતે? કાક ભટ્ટરાજ આવી ગયા હોત –’

અર્ણોરાજ ને ત્રિલોચન સાંભળીને સ્તબ્ધ થઇ ગયા. કોંકણના પરાજય સાથે સૌરાષ્ટ્રનો પરાજય પણ આવી રહ્યો હતો કે શું? ગુજરાતદેશ ઉપર અમંગલ ચક્રની શરુઆત થતી અર્ણોરાજ અનુભવી રહ્યો. વાત સ્પષ્ટ રીતે ઉદયન મંત્રી વિશે હતી. 

‘કાક ભટ્ટરાજ ત્યાંથી નીકળી તો ગયા છે, એટલે રસ્તામાં જ હશે. આપણે આંહીં આમ્રભટ્ટની આ વાત જાણીને ઉતાવળ કરી. આમ્રભટ્ટનું વીરત્વ પરાજય સહન કરવા કરતાં મૃત્યુને પસંદ કરી લેતાં વાર ન લગાડે તેવું, એટલે આપણે દોડ્યા આવ્યા. અને ત્યાં તો આંહીં આ જુઓ ને! કાળા વસ્ત્રોની નગરી વસી ગઈ છે! આપણે તાત્કાલિક મળીએ તો ખરા... પણ મંત્રીશ્વરની વાત હમણાં પ્રગટ નહિ કરીએ!’

અર્ણોરાજ ને ત્રિલોચન સમજી ગયા. ઉદયન મંત્રીના મૃત્યુનો ઉલ્લેખ હતો. તેઓ સ્તબ્ધ થઇ ગયા. તેમણે પાટણ છોડ્યા પછી તરત જ મંત્રીશ્વર ઉદયનના કોઈ ભયંકર સમાચાર આવી પહોંચ્યા હોય તેમ જણાયું.  

મહારાજ કુમારપાલની આમ્રભટ્ટ પ્રત્યેની પ્રીતિ અથોક હતી, પણ એ પ્રીતિમાં પિતાનો સ્નેહ વરસી રહ્યો હતો એની ખબર સૌને હવે પડી. મહારાજ ત્યાં એક પથ્થર ઉપર બેસી ગયા: ‘વાગ્ભટ્ટ! તમે બેસો જરા. આ સમાચાર આમ્રભટ્ટને અત્યારે આપવા જતાં મારો જીવ ચાલતો નથી. મંત્રીશ્વરનું નિધન તો ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવું છે. પણ આપણે હવે પછી જુદી રીતે એ કહેવું પડશે.’

મહારાજ કુમારપાલ ત્યાં એક પથ્થર ઉપર બેઠા હતા. સામે વાગ્ભટ્ટ શાંત રીતે ઊભો થઇ રહ્યો હતો. બંને વિચાર કરી રહ્યા હતા. 

થોડી વાર થઇ ને મહારાજ ઊઠ્યા: ‘વાગ્ભટ્ટ! એમ કરો, તમે પાછળથી આવજો. હું જાઉં છું. આંબડનો પરાજય સાંભળીને મંત્રીશ્વર હોત તો પહેલાં એની પીઠ થાબડત. હું જાઉં... પછી તમે આવજો. હમણાં બીજી વાત તો કરવાની નથી. એણે આ સ્થિતિમાં પહેલાં હું મળું, તમે નહિ. તમે ગમે તેમ પણ તેના ભાઈ છો. ને મારે તો...’ કુમારપાલ બોલતાં અટકી ગયો.

અર્ણોરાજ એનો અધૂરો બોલ સમજી ગયો: ‘મારે તો પિતાનું સ્થાન લેવાનું છે!’ અને એ મહારાજના મનમાં વ્યાપ્ત થતી જતી કરુણાવૃત્તિને નિહાળી જ રહ્યો. એક સમય એવો આવશે કે જ્યારે કુમારપાલ મહારાજને મન કોઈજ આપ્તજનથી અળગું નહિ લાગતું હોય!... મહારાજની આ વૃત્તિને એ સાનંદાશ્ચર્ય અવલોકી જ રહ્યો. 

એટલામાં એના ખભા ઉપર પાછળથી ત્રિલોચનનો હાથ પડ્યો. શું છે એ જોવા એણે પાછળ જોયું તો ત્રિલોચને ત્યાં દૂરદૂર વન વીંધીને ચાલી આવતી એક વાટને છેડેથી આ તરફ ઉતાવળે ધસતી, કોઈ સાંઢણી ઉપર એનું ધ્યાન ખેંચ્યું. કોઈક પુરઝડપે આવી રહ્યું હતું.

‘આ વળી કોણ?’ એમને નવાઈ લાગી.

‘બીજી કોઈ નવી આપત્તિ આવી કે શું’

તેમણે ત્યાં – વાગ્ભટ્ટ તરફ જોયું તો એ શાંત રીતે એકલો વિચારમાં બેઠો હતો, જ્યારે મહારાજ આમ્રભટ્ટના સેન-પડાવ તરફ ધીમાં પગલે જઈ રહ્યા હતા. 

થોડી વારમાં પેલી સાંઢણી વધારે સ્પષ્ટ થઇ ગઈ. પાસે આવતાં પહેલાં તો અર્ણોરાજે એના સવારને પણ અનુમાને ઓળખી કાઢ્યો. કાક ભટ્ટરાજ પોતે આવી રહ્યો હતો. પણ એને એક નવાઈ લાગી. સાંઢણીના પાછળના ભાગમાં કાકભટ્ટે પોતાની સાથે બાંધેલો એ માનવી કોઈ જોદ્ધો જણાતો ન હતો. એનો અર્ધોપરધો જૈન સાધુનો વેશ જોઇને અને એને કાકભટ્ટે પરાણે સાંઢણી ઉપર ઉપાડ્યો હોવો જોઈએ એ અનુમાન કરીને અર્ણોરાજ કોઈ નિર્ણય ઉપર આવી શક્યો નહિ. કાકભટ્ટ સોરઠની વાત લઈને જ આવ્યા હોવા જોઈએ. તો એમાં આ નવી નવાઈની વાત શી છે એ જાણવાની અર્ણોરાજને તાલાવેલી લાગી. કદાચ સોરઠનો સમરસ રાણો કહે છે તે આવે વેશે ભૂમિ છોડીને ભાગી જતો હોય ને કાકભટ્ટે એને પકડી પડ્યો હોય. ગમે તેમ પણ વાત કાંઈક રહસ્યવાળી હતી. એટલે પ્રગટ થઈને વાગ્ભટ્ટ પાસે જવાથી વાતનો તાગ બરોબર મળશે એમ ધારીને તેણે ત્રિલોચનને કહ્યું: ‘ત્રિલોચનપાલજી! આ વાગ્ભટ્ટ એકલા બેઠા છે. કોઈ અનુચરને પણ મહારાજ સાથે લાવ્યા નથી. આપણે હવે તેમની પાસે જઈએ ત્યાં કાક ભટ્ટરાજ પણ આવી પહોંચશે.’

અર્ણોરાજ ને ત્રિલોચન બંને ત્યાંથી નીકળીને વાગ્ભટ્ટ પાસે પહોંચ્યા-ન-પહોંચ્યા ત્યાં તો વાગ્ભટ્ટની પાસે જ ધબ્બ દેતીને પેલી સાંઢણી ઝોકરાઈ ગઈ. ઉપરથી કાકભટ્ટ પોતે ઊતર્યો. એનો કેદી છૂટો થઈને એક તરફ નીચે જમીન ઉપર દ્રષ્ટિ કરી શાંત ઊભો રહ્યો હતો. 

વાગ્ભટ્ટ આશ્ચર્યમાં પડી ગયો. કોને પહેલું કાંઈક પૂછવું એ વિચાર કરે છે. ત્યાં કાકભટ્ટ પોતે જ પ્રણામ કરતો આગળ આવ્યો હતો: ‘મંત્રીરાજ! મહારાજ આંહીં નથી કે શું?’ 

‘કેમ, શું છે, કાકભટ્ટજી? સોરઠના રણ-સમાચાર શા છે?’

‘હર્ષનો પાર નથી! શોકની અવધિ નથી!’

વાગ્ભટ્ટે ડોકું ધુણાવ્યું: ‘એ તો સાંભળ્યું, પણ આ કોણ છે?’

‘મહારાજ પાસે એમને હું લાવ્યો છું, પ્રભુ! મારા ઉપર તો એક સુખી શાંત ઘર ભાંગ્યાનું પાપ ચઢે છે! મહારાજ ક્યાં, મંદિરમાં છે?’

‘ના, મહારાજ ત્યાં છે!’ વાગ્ભટ્ટે બતાવ્યું તે સ્થળ તરફ કાકભટ્ટે જોયું. એને પણ નવાઈ લાગી. આટલી બધી કાળી પટ્ટકુટિઓ? એ શું? કોઈ દેશવટો પામે છે કે શું? એને શંકા ગઈ. ક્યાંક મહારાજે અજયપાલજીને કોઈક અપરાધ માટે દેશવટો આપ્યો હોય નહિ! એને આંહીંની કોઈ હવાની જાણ હજી ન હતી.

‘પ્રભુ! આ શું? કોઈને મહારાજે દેશવટો દીધો લાગે છે?’

‘આપણે ત્યાં જ જવું છે, કાકભટ્ટ! અમારો આંબડ...’

કાકભટ્ટને ધ્રાસકો પડ્યો. મંત્રીશ્વરના મૃત્યુના સમાચાર પાટણમાં એણે મોકલી દીધા હતા ને પોતે તરત પૂરતો બંદોબસ્ત કરવા રોકાઇને એકદમ દોડ્યો આવ્યો હતો. પણ આમ્રભટ્ટ એ સમાચાર પામીને આ આચરી બેઠો હતો કે શું? તેણે હાથ જોડ્યા: ‘પ્રભુ! મારી સાથે આ એક વિચિત્ર વાત તો હું લાવ્યો છું; અને ત્યાં આંહીં પણ આ વિચિત્ર વાત દેખું છું! આ શું છે? આ ઊભા છે આંહીં મારી સાથે, એ તો છે નાયક વીરણાગજી!’

વાગ્ભટ્ટે પેલાં સાધુ જેવા માણસ તરફ જોયું. એક પ્રકારની અદ્ભુત શાંત વૃત્તિથી એ પૃથ્વી ભણી નિહાળી રહ્યો હતો. જમીનનાં કણેકણમાં જાણે ચૈતન્ય હોય ને એ ચૈતન્ય સાથે એ તાદાત્મ્ય સાધવા ઊભો રહી ગયો હોય તેમ એ નીમિલિત નયને અત્યંત પ્રશાંત સ્થિતિમાં ત્યાં ઊભો રહી ગયો હતો. વાગ્ભટ્ટે તેની સામે જોયું. પણ પછી એનાથી તરત હાથ જોડાઈ ગયા. ‘આ સાધુપુરુષ કોણ છે, કાકભટ્ટ? કેમ તમારી સાથે આવ્યા છે?’

‘એમની જ વાત કહું છું. પ્રભુ! મહામંત્રીશ્વરના નિધન વિશે અમે ટૂંકમાં ત્વરાથી તમને કહેવરાવ્યું, તે સમાચાર આંહીં આવ્યા છે, પણ વધારે વાત આ પ્રમાણે છે. મહામંત્રીશ્વર જ્યારે મૃત્યુશય્યા ઉપર પડ્યા ત્યારે કોઈ જૈન સાધુના દર્શનની એમને ઉત્કટ અભિલાષા જાગી. એ વખતે ત્યાં રણભૂમિમાં સાધુમહારાજ તો ક્યાંથી મળે? આ વીરણાગજી નાયક કોઈ અદ્ભુત બહુરંગી બહુરૂપી પુરુષ છે. મને એની ખબર હતી. સદભાગ્યે એમનું ગામડું પણ પાસે જ હતું. એમને એ વેશ લીધો ને એવો આબાદ ભજવ્યો કે પાસે ઊભેલાની આંખમાંથી અમૃતધારા છૂટી. પણ હવે મુશ્કેલી ઊભી થઇ છે. હવે તેઓ વેશ છોડતા નથી! એમનો છોકરો ટળવળે છે! સ્ત્રી મને ફિટકારે છે! સગાંવહાલાં મારે નામે ભાંડે છે! પણ આ નાયક હવે માનતા નથી!’ 

વાગ્ભટ્ટ વીરણાગજી નાયક તરફ જોઈ રહ્યો. એક સહેજ મોટો અવાજ કરવાથી પણ એ પુરુષનું અપમાન થશે એવું વાતાવરણ ત્યાં એની આસપાસ અનુભવીને મંત્રીશ્વર દંગ થઇ ગયો. ‘આવો રંગ!’ એ મનમાં જ બોલી ઊઠ્યો.

એટલામાં નાયક બોલ્યો: ‘જીવનકાવ્યની છેલ્લી પંક્તિ છે, પ્રધાનજી! એમાં એક અક્ષરભેદ તો કાંઈનો કાંઈ અર્થ કરી નાખે!’

વાગ્ભટ્ટનો કાવ્યાત્મા પ્રસન્ન-પ્રસન્ન થઇ ગયો. તેણે બે હાથ જોડીને કહ્યું: ‘આપણે ત્યાં ચાલો, વીરણાગજી! ત્યાં મહારાજ છે. કાક ભટ્ટરાજ! આ તો આંબડ હારીને આવેલ છે. એની શોકસેના આંહીં પડી છે. આ વાતની તો એને ખબર પણ નથી; આપણે કહીશું ત્યારે. વાઘેલાજી! તમારે પણ મહારાજને મળવું હતું નાં? ચાલો ત્યાં... મહારાજ પણ કાક ભટ્ટરાજની રાહ જોતા હશે!’