Sapnana Vavetar - 39 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 39

સપનાનાં વાવેતર પ્રકરણ 39

બીજા દિવસે સુજાતા બિલ્ડર્સની તમામ સ્કીમો સમજવા માટે અનિકેતે કંપનીના મેનેજર કુલકર્ણીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. એમની ઉંમર લગભગ ૫૦ ની દેખાતી હતી.

"કુલકર્ણી... અત્યારે આપણી ટોટલ કેટલી સ્કીમો ચાલે છે એની વિગતવાર માહિતી મને જોઈએ. મેનેજર તરીકે અહીં તમારો રોલ શું છે અને અહીં કેટલો સ્ટાફ છે એ પણ મને જરા ડિટેલ્સમાં સમજાવો. " અનિકેત બોલ્યો.

" જી સર. જ્યારથી શેઠે આ કંપની ઉભી કરી છે ત્યારથી હું જોબ કરું છું અને સૌથી સિનિયર છું. અત્યારે ત્રણ કોન્ટ્રાક્ટર્સ અને બે એક્ઝીક્યૂટિવ એન્જિનિયર આપણી કંપનીમાં કામ કરી રહ્યા છે. એ બધા મોટા ભાગે સાઈટ ઉપર જ હોય છે. વર્ષોથી આપણે જાણીતા આર્કિટેકટ મુખર્જી પાસે નવી સ્કીમની ડિઝાઇન બનાવીએ છીએ. એમને આપણે સારી એવી રકમ પણ આપીએ છીએ." કુલકર્ણી બોલી રહ્યા હતા.

" ઓફિસમાં સંપૂર્ણ એડમિનિસ્ટ્રેશન મારી પાસે છે. સ્ટોક અને પરચેઝ પણ હું જ સંભાળું છું. આ ઉપરાંત એક સિનિયર એકાઉન્ટન્ટ છે અને એક કેશિયર છે. ત્રણ આસિસ્ટન્ટ છે જે અલગ અલગ ત્રણ સ્કીમોની ફાઈલ સંભાળે છે. એક માર્કેટિંગ હેડ છે જે પી.આર.ઓ નું પણ કામ કરે છે અને ગ્રાહકોની લોનનું પણ સંભાળે છે. એક પ્યુન છે અને એક ચોકીદાર છે." કુલકર્ણી બોલ્યા.

" જુઓ સિક્યુરિટીની આપણને હવે જરૂર નથી એટલે એને પહેલી તારીખે તમે રજા આપી દેજો. એને અત્યારથી જ કહી દેજો એટલે નવી જોબ શોધી કાઢે. હવે તમે મને આપણી સ્કીમો વિશે માહિતી આપો." અનિકેત બોલ્યો.

" આપણે અત્યાર સુધીમાં ટોટલ ૧૧ મોટી સ્કીમો બનાવી છે. બધી સ્કીમો મોટી છે અને પોશ એરિયામાં જ છે. હાલમાં નવી ત્રણ સ્કીમો અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહી છે. બાંદ્રામાં રિબેલો રોડ ઉપર 'ઓશન વ્યુ' સૌથી મોંઘી સ્કીમ છે. એમાં ૮ માળનાં ત્રણ ટાવરો છે જેમાં પાંચ બેડરૂમના ટોટલ ૪૮ ફ્લેટ છે. એક ફ્લોર ઉપર માત્ર બે ફ્લેટ છે. દરેક ફ્લેટ ૩૦ કરોડનો છે. " કુલકર્ણી સમજાવી રહ્યા હતા.

" બીજી સ્કીમ જૂહુ વરસોવા લેન ઉપર સાત બંગલા રોડ ઉપર નટરાજ હોટલની બાજુમાં છે. અહીં પણ બે ટાવરમાં ૩૬૦૦ ચોરસ ફૂટના ૪૮ ફ્લેટ બની રહ્યા છે. સ્કીમનું નામ 'બેલે વ્યુ' છે. આ સ્કીમમાં અડધા ફ્લેટ વેચાઈ ગયા છે. આ સ્કીમમાં ફ્લેટની કિંમત ૨૦ કરોડની છે. " કુલકર્ણી બોલ્યા.

" આપણી ત્રીજી સ્કીમ લિન્કિંગ રોડ ખાર ઉપર છે. મોટા શેઠના ઘરથી થોડેક જ દૂર આ સ્કીમ બની રહી છે અહીં એક જ ટાવર છે અને ૩૨ ફ્લેટ છે. ૧૫ કરોડની કિંમત મૂકેલી છે. મોટાભાગના ફ્લેટ વેચાઈ ગયા છે. ચોથો એક મોટો પ્લોટ મોટા શેઠે જૂહુ સ્કીમમાં જોયો હતો પરંતુ એ ફાઇનલ થાય તે પહેલાં જ એમને એટેક આવી ગયો. " કુલકર્ણી બોલી રહ્યા હતા.

" આ ઉપરાંત બાંદ્રા બેન્ડ સ્ટેન્ડથી સહેજ આગળ પરેરા રોડ ઉપર મિલેનિયમ નામનું એક કોમ્પલેક્ષ પણ બની રહ્યું છે. ચાર માળના આ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર ઉપર ૫૦૦ ચો.ફીટ ના કુલ ૧૪ શો રૂમ છે. ત્રીજો માળ આખો એક હોસ્પિટલ માટે વેચી દીધો છે. જ્યારે ચોથા માળમાં નાની મોટી ઓફિસો છે. " કુલકર્ણીએ પોતાની વાત પૂરી કરી.

"ઠીક છે. બધી સાઈડ મારે એકવાર જોવી પડશે. અત્યારે અહીં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે કોણ કામ કરે છે ?" અનિકેતને ખબર જ હતી છતાં જાણી જોઈને પૂછ્યું.

" સુનિલભાઈ શાહ કંપનીનું એકાઉન્ટ વર્ષોથી સંભાળે છે. બે નંબરના બધા હિસાબ પણ એમની પાસે જ હોય છે. મોટા શેઠના એ બહુ વિશ્વાસુ માણસ હતા. જમીનના સોદાઓમાં કરોડોની લેવડદેવડ થતી હોય છે એટલે આવા વિશ્વાસુ માણસ જ જોઈએ. " કુલકર્ણી બોલ્યા.

" અહીં સ્ટાફમાં કોને કેટલો પગાર મળે છે એની વિગતો પણ મને આપો. " અનિકેત બોલ્યો.

" જી મને કંપનીમાંથી પાંચ લાખ પગાર મળે છે. બે એન્જિનિયરને અને સુનિલભાઈને પણ પાંચ લાખ મળે છે. માર્કેટિંગ હેડને ત્રણ લાખનો પગાર મળે છે. ત્રણેય આસિસ્ટન્ટના પગાર ૭૫૦૦૦ છે. કેશિયરને એક લાખ મળે છે તો પ્યુનને ૨૫૦૦૦ મળે છે. " કુલકર્ણીએ પગારની વિગતો આપી.

" બસ... હવે તમે જઈ શકો છો. " અનિકેત બોલ્યો.

" સર એક વાત કહેવી હતી." કુલકર્ણી ધીમેથી બોલ્યા.

" વિના સંકોચે કહી શકો છો. તમે તો ઉંમરમાં પણ મોટા છો, અનુભવી છો. કોઈ સલાહ સૂચન હોય તો પણ તમે મને આપી શકો છો. " અનિકેત બોલ્યો.

"જી સર...ગઈ કાલે તમારી ચેમ્બરમાં સંજયભાઈ આવ્યા હતા. તમે તો જાણતા જ હશો કે એ શેઠના ભત્રીજા થાય. બહુ જ માથાભારે માણસ છે. એનાથી સંભાળતા રહેજો સર. મોટા શેઠ પણ એમનાથી બહુ જ પરેશાન હતા. " કુલકર્ણી બોલ્યા.

" એની ચિંતા તમે નહીં કરો. મેં એને કાલે સંભાળી લીધો છે અને હવે એ વારંવાર ઓફિસમાં નહીં આવે. કોને કેમ હેન્ડલ કરવા એ મને આવડે છે. " અનિકેત બોલ્યો.

" જી સર. " કહીને કુલકર્ણી ઊભા થયા અને ચેમ્બરની બહાર નીકળી ગયા.

કુલકર્ણીના ગયા પછી અનિકેતે પોતાનું ધ્યાન સુનિલ શાહ ઉપર કેન્દ્રિત કર્યું. બે મહિના સુધી એણે રશ્મિકાંતભાઈ ના પરિવારને બે નંબરના કરોડો રૂપિયા વિશે કોઈ જ માહિતી આપી નથી. એનો મતલબ એટલો જ હતો કે એની દાનત ખોરી છે અને તમામ રકમ હડપ કરવાની છે. અત્યારે જો એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો કરોડો રૂપિયા ભૂલી જવા પડે.

સંજયની જેમ એને પણ રિમાન્ડ ઉપર લેવો પડશે પરંતુ કઈ રીતે એ એને સમજાતું ન હતું. એણે ગુરુજીને પ્રાર્થના કરી અને હિમાલયવાળા સિદ્ધ મહાત્મા વ્યોમાનંદજી મહારાજને પણ મદદ કરવા માટે વિનંતી કરી.

અચાનક એને ટ્યુબલાઈટ થઈ. બે નંબરના કરોડો રૂપિયા ક્યાં મૂક્યા હશે એની ખબર તો રશ્મિકાંતભાઈને હોય જ અને સૂક્ષ્મ શરીરથી પણ એ ઘણું બધું જોઈ શકતા હોય. એમની મદદ લેવામાં આવે તો આ ગુત્થી સુલઝી જાય.

જ્યારે અનિકેત પોતાના દાદાને સાથે લઈને રશ્મિકાંતભાઈના ઘરે નીતાબેનને મળવા ગયો હતો ત્યારે રશ્મિકાંત ભાઈએ એને ઓફિસમાં લાંબી ચર્ચા કરવાની વાત કરી જ હતી. એણે બે મિનિટ માટે ઊંડા ધ્યાનમાં બેસી રશ્મિકાંતભાઈને ઓફિસમાં હાજર થવા માટે વિનંતી કરી. હમણાં હમણાં એણે ધ્યાનની પણ થોડી પ્રેક્ટિસ ચાલુ કરી હતી.

"બોલો અનિકેત.... મને કેમ યાદ કર્યો ?" અનિકેતે રશ્મિકાંતભાઈની હાજરી અનુભવી. એમની ઓળખ પેલી જાણીતી પરફ્યુમ હતી.

" અંકલ મારે સુનિલ શાહ વિશેની બધી જ માહિતી જોઈએ. તમારી કેટલી રકમ એણે ક્યાં ક્યાં મૂકી છે એ તમે તો જાણતા જ હશો. લોકરની ચાવીઓ ક્યાં પડી છે એ પણ તમે હવે સૂક્ષ્મ જગતમાં છો એટલે જોઈ શકતા હશો. મને બધી ડિટેલ્સ લખાવી દો. " અનિકેત બોલ્યો.

" લોકરની ચાવીઓ એના મરોલના ફ્લેટમાં બેડરૂમની તિજોરીમાં પડી છે. અંધેરી ઈસ્ટ મરોલમાં એલિઝા વસંત ઓએસિસ ફ્લેટમાં ડી બ્લોકમાં એ રહે છે. પાંચ કરોડ કેશ એના ફ્લેટમાં કબાટમાં જ છે. બેંક ઓફ બરોડા બાંદ્રા વેસ્ટ બ્રાન્ચના ૩ લોકરમાં વીસેક કરોડની સોનાની લગડીઓ છે." રશ્મિકાંતભાઈ બોલી રહ્યા હતા.

"ખાર લિન્કિંગ રોડ ૧૦મા રસ્તા ઉપર વિજય દીપ સોસાયટી છે એના બી બ્લોકમાં ત્રીજા માળે ૩૦૧ નંબરના ફ્લેટમાં ૯૦ કરોડ જેવી રોકડ કેશ પડેલી છે. એ ફ્લેટ ભાડાનો છે અને માત્ર બે નંબરના પૈસા રાખવા માટે જ રાખેલો છે. એની ચાવી પણ સુનિલના ઘરે કબાટમાં જ છે. વીસેક કરોડ જેવી કેશ મારા ઘરે છે જે નીતાને ખબર છે." રશ્મિકાંત ભાઈએ પોતાની વાત પૂરી કરી.

" ખૂબ ખૂબ આભાર અંકલ. તમે મને ઘણી બધી માહિતી આપી દીધી છે. હવે હું મારી રીતે આગળ વધીશ. તમે બિલકુલ ચિંતા ના કરશો. તમામ બે નંબરના પૈસાનો પૂરો કંટ્રોલ મારી પાસે આવી જશે. " અનિકેત બોલ્યો. એ સાથે જ સુગંધ આવતી બંધ થઈ ગઈ.

અનિકેતે પોતાના પ્લાન મુજબ સાંજે થાણા જતી વખતે રસ્તામાં સફારીના શોરૂમ માંથી એક મોટી બેગ ખરીદી લીધી અને ઘરે જઈ પોતાના બેડરૂમમાં મૂકી દીધી.

" કેમ આજે બેગ લેતા આવ્યા ? વળી પાછો બહારગામનો કોઈ પ્રોગ્રામ બનાવવાનો છે કે શું ? " કૃતિ અનિકેતના હાથમાં બેગ જોઈને હસીને બોલી.

" બહારગામનો પ્રોગ્રામ તો નથી બનાવ્યો પરંતુ હવે નજીકના દિવસોમાં તારી વેસ્ટર્ન લાઈનમાં શિફ્ટ થવાની ઈચ્છા ચોક્કસ પૂરી થશે. બાંદ્રા, ખાર અને જુહુમાં જે સ્ક્રીમો બની રહી છે તે હું બે-ચાર દિવસમાં જોવા જવાનો છું. એ જોયા પછી હું નક્કી કરીશ કે કઈ સ્કીમમાં આપણે ફ્લેટ લેવો." અનિકેત બોલ્યો.

" વાઉ ! આ તો તમે બહુ જ સારા સમાચાર આપ્યા. તમારી નવી ઓફિસ કેવી લાગી ? " કૃતિ બોલી.

"નવી ઓફિસ તો ઘણી સરસ છે. ત્યાં મારી આવડત અને મારી કાબેલિયત બતાવવાની મને તક મળશે. અત્યારે જે સ્કીમો ચાલી રહી છે એ પણ બધી હાઈફાઈ છે એટલે ગુરુજીની કૃપાથી કિસ્મત ખુલી ગયું છે એમ કહું તો પણ ચાલે. " અનિકેત બોલ્યો.

" ચાલો તમારી મહેનત ફળે એમ હું પણ ઈચ્છું છું. ત્યાં આપણે સેટ થઈ જઈએ એ પછી શ્રુતિને પણ ત્યાં શોરૂમ ખરીદીને સેટ કરી દઈએ. તમારી પાસેથી એને ઘણી અપેક્ષા છે. " કૃતિ બોલી.

" એ પણ વ્યવસ્થા થઈ જશે કૃતિ. મારી પોતાની સ્કીમમાં બાંદ્રામાં એક કોમ્પ્લેક્સ બની રહ્યું છે. બેન્ડ સ્ટેન્ડ બાજુનો એકદમ પોશ એરિયા છે. એમાં જ હું એને એક શોરૂમ આપી દઈશ. મારે ખરીદવાની જરૂર જ નહીં પડે. " અનિકેત હસીને બોલ્યો.

" તો તો શ્રુતિ બિચારી બહુ જ ખુશ થઈ જશે. એનું સપનું સાકાર થશે. " કૃતિ બોલી.

" સપનાં તો તારાં પણ બધાં સાકાર થવાનાં છે કૃતિ. " અનિકેત હસીને બોલ્યો.

" જેવું વાવો તેવું લણો. સપનાનાં વાવેતર જ એવાં દિલથી કર્યાં છે કે એ પૂરાં થયા વગર રહે જ નહીં. " કૃતિ બોલી.

" જેમણે જીવનમાં આગળ આવવું હોય એમણે સપનાં તો ઊંચાં જ જોવાં જોઈએ. " અનિકેત બોલ્યો.

"કહું છું આપણે જો વેસ્ટર્ન લાઈનમાં સેટ થઈ જઈએ અને તમે સંપૂર્ણપણે સુજાતા બિલ્ડર્સ સંભાળી લો તો પછી મુલુંડની ઓફિસ ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી રહેતો. પછી સ્ટાફને પણ આપણે છૂટો કરી દઈએ." કૃતિએ વાત બદલી.

" હું વિચારું છું કે અત્યારે દાદાની અને પપ્પાની વિરાણી બિલ્ડર્સની ઓફિસ જે થાણામાં છે એ જ બંધ કરી દઈએ અને મુલુંડની ઓફિસ ચાલુ રાખીએ. થાણા અને મુલુંડ હવે એક જેવું જ છે. ૧૫ મિનિટનો રસ્તો છે. દાદા અને પપ્પા આ નવી ઓફિસમાં બેસી શકે છે. આપણે આટલો બધો ખર્ચો કરીને એકદમ લેટેસ્ટ ઓફિસ બનાવી છે તો એ બંધ કરવાનો કોઈ મતલબ નથી. અને સ્ટાફને છૂટો કરીને મારે કોઈના નિઃસાસા લેવા નથી." અનિકેત બોલ્યો.

" એ વાત પણ તમારી સાચી છે. થાણાની આપણી જૂની ઓફિસ કરતાં મુલુંડની નવી ઓફિસ ખરેખર બહુ જ સરસ છે. સ્ટાફ પણ સારો છે. " કૃતિ બોલી.

" મારો વિચાર અનાર દિવેટિયાને બાંદ્રા ની ઓફિસમાં ખેંચી લેવાનો હતો. એ એકાઉન્ટ્સ બહુ જ સરસ જાણે છે. પરંતુ એ શક્ય નથી કારણ કે થાણાથી બાંદ્રા બહુ જ દૂર પડી જાય. નવી જ કોઈ વ્યક્તિ શોધવી પડશે. " અનિકેત બોલ્યો પરંતુ કૃતિ બીજા વિચારોમાં ખોવાયેલી હતી.

વેસ્ટર્ન લાઈનમાં શિફ્ટ થવાનું હોવાથી કૃતિ આજકાલ બહુ જ ખુશ રહેતી હતી. થાણાનો વસંત વિહારનો બંગલો પણ ઘણો સરસ જ હતો છતાં કૃતિને પશ્ચિમનાં પરાં જેટલી રોનક અહીં થાણામાં લાગતી ન હતી. બોરીવલી, કાંદીવલી, મલાડ, અંધેરી, પાર્લા એને વધારે આત્મીય લાગતાં હતાં.

કૃતિ સૂતાં સૂતાં આ બધા વિચારો કરી રહી હતી તો અનિકેત ફરી પાછો સુનિલ શાહના વિચારોમાં ખોવાઈ ગયો હતો.

બીજા દિવસે વહેલી સવારે ૪ વાગે અનિકેતની ઊંઘ અચાનક ઉડી ગઈ. જાણે કે કોઈએ એને જગાડી દીધો. . અચાનક એને હિમાલયના સિદ્ધ મહાત્મા યાદ આવ્યાં. એ ઉભો થઈ ગયો અને હાથ પગ ધોઈને ધ્યાનમાં બેસી ગયો. એણે વ્યોમાનંદજીનું ધ્યાન ધર્યું.

આલ્ફા લેવલમાં જતાં જ સ્વામી વ્યોમાનંદજી અનિકેતના ધ્યાનમાં પ્રગટ થયા. એમનો હસતો ચહેરો અનિકેતને દેખાયો.

" નમસ્કાર સ્વામીજી. આપ તો સર્વજ્ઞ છો મારી ભાષા પણ સમજી શકો છો. આપની સેવાની મને જરૂર પડી છે. " અનિકેત બોલ્યો.

" તારી મુંઝવણ હું ગઈકાલથી જાણું જ છું. સૂક્ષ્મ રીતે મારી ચેતના તારી સાથે જોડાયેલી જ છે. બોલ હું તને શું મદદ કરી શકું ? " સ્વામીજીની સૂક્ષ્મ વાણીનાં આંદોલનો અનિકેતને સ્પષ્ટ સંભળાતાં હતાં.

" આપના અને ગુરુજીના આશીર્વાદથી સુજાતા બિલ્ડર્સ કંપની મેં સંભાળી લીધી છે. એના મૂળ માલિક રશ્મિકાંત ભાટીયા બે મહિના પહેલાં દેવલોક પામ્યા છે. સૂક્ષ્મ જગતમાં રહીને એમણે મારી સાથે વાતચીત કરી છે. એમના બે નંબરના કરોડો રૂપિયા સુનિલ શાહ નામનો એમનો અંગત એકાઉન્ટન્ટ સંભાળે છે. " અનિકેત માનસિક તરંગોથી બોલી રહ્યો હતો.

"સુનિલ અંધેરી વેસ્ટ મરોલમાં આવેલા એલિઝા વસંત ઓએસિસ ફ્લેટમાં ડી બ્લોકમાં રહે છે. એના કબાટમાં કંપનીના લોકરની બધી ચાવીઓ છે. ખારના એક ફ્લેટની ચાવી પણ છે અને પાંચ કરોડ રોકડા પણ છે. સુનિલ દગાખોર છે એટલા માટે જ આપની મદદ માગી છે. " અનિકેત બોલી રહ્યો હતો.

" ટ્રેનમાં મારી બેગનું વિઘટન પ્રક્રિયાથી અણુઓમાં રૂપાંતર કરીને જે રીતે બેગ અદ્રશ્ય કરી હતી અને ઋષિકેશની મારી હોટલમાં મૂકી દીધી હતી એ રીતે આ ચાવીઓ અને આ રોકડ અહીં મારા બેડરૂમમાં મારે જોઈએ છે. આપના માટે આ બધું જ શક્ય છે. હું આ બધું કંપનીને પરત આપવા માગું છું." અનિકેત બોલ્યો.

"તને કદાચ ખ્યાલ નથી પરંતુ તને જે સિદ્ધિ મળેલી છે એનાથી આ કામ તું જાતે પણ કરી શકે એમ છે. તું કોઈપણ વસ્તુનું આકર્ષણ કરી શકે છે. ધ્યાનમાં બેસીને તારે તો સંકલ્પ કરીને માત્ર જે તે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. થોડીવારમાં જ એ વસ્તુ તારી પાસે આવી જશે. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી મને આ બાબતનો કંઈ ખ્યાલ ન હતો. હવે આપ આવ્યા જ છો તો અત્યારે આપ જ કરી આપો. જો ભવિષ્યમાં જરૂર પડશે તો હું કોશિશ કરીશ. " અનિકેત બોલ્યો.

સ્વામીજી કંઈ જ બોલ્યા નહીં. એમણે અનિકેત સામે જોઈને મંદ મંદ હાસ્ય કર્યું. એક મિનિટ પણ નહીં થઈ હોય અને અનિકેતના બેડ ઉપર નોટોનો ઢગલો થયો અને ચાવીનો જૂડો પણ આવીને પડ્યો. એ સાથે જ અનિકેતની આંખો ખુલી ગઈ. આંખો ખુલતાં જ સ્વામીજી પણ અદ્રશ્ય થઈ ગયા.

તમામ નોટો બંડલોમાં બાંધેલી હતી. અનિકેતે તમામ બંડલો એ જે મોટી બેગ ગઈ કાલે ઘરે આવતી વખતે ખરીદી લાવ્યો હતો એમાં ગોઠવી દીધી. ચાવીનો જૂડો એણે ઊભા થઈ કબાટના ડ્રોવરમાં મૂકી દીધો. છૂટી ચાવી ખારમાં વિજયદીપ સોસાયટીના ફ્લેટની હતી જ્યાં તમામ બે નંબરના પૈસા રાખેલા હતા. એ ચાવી એણે બહાર જ રાખી.

સવારે ૧૧ વાગે જમીને બાંદ્રા જતાં પહેલાં એણે ડ્રાઇવર દેવજીને બેડરૂમમાં બોલાવ્યો અને કેશ ભરેલી બેગ ગાડીમાં મૂકાવી દીધી. એ પછી એણે કબાટમાંથી એક ખાલી બ્રીફકેસ કાઢી. બ્રીફકેસ અને પેલી છૂટી ચાવી ઓફિસ જતી વખતે એણે પોતાની સાથે લઈ લીધી અને ગાડીમાં બેસીને ગાડી પોતાની થાણાની બેંક તરફ લઈ લેવાનું દેવજીને કહ્યું.

બેંક આવી ગઈ એટલે ખાલી બ્રીફકેસ લઈને એ બેંકની અંદર ગયો અને ચેક આપી દસ લાખ રૂપિયા ઉપાડ્યા. એ રકમ એણે બ્રીફકેસમાં ભરી દીધી. એ પછી એણે ગાડી ખાર અંજલીના બંગલે લેવડાવી.

બંગલે પહોંચીને એણે દેવજીને બેગ ગાડીમાંથી લઈને અંજલીના ઘરમાં મૂકવાની સૂચના આપી. અનિકેતે બેલ મારી એટલે અંજલીએ જ દરવાજો ખોલ્યો.

દેવજીએ ૫ કરોડની વજનદાર બેગ ઉંચકીને બંગલાની અંદર મૂકી અને પછી બહાર નીકળી ગયો.

આજે માથું ચોળ્યું હોવાથી અંજલીએ માથાના વાળ ટુવાલથી બાંધેલા હતા. સુંદર તો એ હતી જ પરંતુ સદ્યસ્નાતા સ્વરૂપમાં અત્યારે એ વધારે આકર્ષક લાગી રહી હતી !

"શું વાત છે અનિકેત ! આજે તો ઓફિસ જવાના બદલે સીધા મારા ઘરે જ આવ્યા લાગો છો. " અંજલી હસીને બોલી.

" હા તમારી અમાનત તમને આપવા આવ્યો છું. " સોફામાં બેઠક લેતાં અનિકેત બોલ્યો. એટલામાં નીતાબેન પણ બહાર આવ્યાં.

" આ બેગમાં પાંચ કરોડ રૂપિયા છે. તમારી પાસે બે નંબરના જે વીસ કરોડ રૂપિયા પડેલા છે એની સાથે આ કેશ પણ મૂકી દો. જમીનના સોદા કરવાનો જ્યારે સમય આવે ત્યારે રોકડા રૂપિયાની બહુ જરૂર પડે છે." અનિકેત બોલ્યો.

અનિકેતની વાત સાંભળીને અંજલી અને નીતાબેન બંનેને આશ્ચર્ય થયું.

" તમને આ ૨૦ કરોડની કેવી રીતે ખબર ? " નીતાબેને પૂછ્યું.

" દેહ છોડી દીધા પછી પણ રશ્મીકાંત ભાઈ તમારું ધ્યાન રાખે છે માસી. મને પરમ દિવસે સપનામાં એમણે આ વાત જણાવી. ૨૦ કરોડની વાત સાચી છે કે ખોટી એ તો મને નથી ખબર પરંતુ તમારી વાત ઉપરથી લાગે છે કે વાત સાચી છે. " અનિકેત હસીને બોલ્યો.

" તમારી વાત સાચી છે અનિકેત. તમારાથી શું છુપાવવાનું ? પરંતુ એ તમારા સપનામાં આવીને આવી વાત કરે એનું મને આશ્ચર્ય થાય છે. અને આ પાંચ કરોડ તમારી પાસે કેવી રીતે આવ્યા ? " નીતાબેને પૂછ્યું.

" સુનિલ શાહ પાસેથી લીધા. તમને તો ખબર હશે જ કે શેઠના બધા બે નંબરના પૈસાનો વહીવટ સુનિલ શાહ કરે છે ! " અનિકેતે જાણી જોઈને આ સવાલ કર્યો. એ જાણવા માગતો હતો કે બે નંબરના વહીવટ વિશે નીતાબેન જાણે છે કે નહીં !

" ના. અમે એમના વિશે કંઈ જાણતા નથી. એમણે આજ સુધી આવી બધી વાતો અમારી સાથે કરી નથી. સુનિલ શાહ એકાઉન્ટન્ટ છે એટલું જ અમે જાણીએ છીએ. " નીતાબેન બોલ્યાં.

સુનિલ શાહ વિશે નીતાબેન કે અંજલી કોઈ જાણતું ન હતું એટલા માટે જ રશ્મિકાંતભાઈનો આત્મા મૃત્યુ પછી પણ ચિંતામાં હતો.

ચિંતા ચિતા સમાન છે એમ કહ્યું છે પરંતુ ચિતા સળગી ગયા પછી પણ ચિંતા તો આત્માની સાથે વળગેલી જ રહે છે ! કેવું આશ્ચર્ય !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)