Fareb - 4 books and stories free download online pdf in Gujarati

ફરેબ - ભાગ 4

( પ્રકરણ : 4 )

‘બચા..વ...!’ની ચીસ પાડતાં કશીશ રેઈનકોટવાળા માણસના હાથમાંથી છુટવા-છટકવા ગઈ, પણ ત્યાં જ રેઈનકોટવાળા માણસે પોતાના હાથમાંનું ખંજર પૂરા જોર અને જોશ સાથે કશીશના પેટમાં ખોંપી દીધું, -ખચ !!!

-અને કશીશે એક પીડાભરી ચીસ પાડી, અને..., અને એ સાથે જ કશીશની આંખો ખૂલી ગઈ અને તે પલંગ પર સફાળી બેઠી થઈ ગઈ. તેણે પોતાના પેટ તરફ અને પછી રૂમમાં ચારે બાજુ જોયું. તેને ખંજર વાગ્યું નહોતું. રૂમમાં કોઈ રેઈનકોટવાળો માણસ પણ નહોતો.

તેણે એક નિશ્વાસ નાંખ્યો. રેઈનકોટવાળા માણસના રૂપમાં આવીને અભિનવે તેનું ખૂન કર્યું હતું, એવું તેને સપનું આવ્યું હતું.

તેણે સામેની કાચની બંધ બારી બહાર નજર નાંખી. બહાર વરસાદ પડતો નહોતો, તેણે સામે લાગેલી ઘડિયાળ તરફ જોયું. રાતનો એક વાગ્યો હતો.

બાર વાગ્યે અભિનવ ‘‘ખાસ કામ પતાવીને અડધો-પોણો કલાકમાં જ પાછો આવુંં છું,’’ એવું કહીને ગયો હતો, પણ હજુ પાછો ફર્યો નહોતો.

અત્યારે કશીશના કાને અભિનવની કારના હોર્નનો અવાજ પડયો.

અને ચોથી મિનિટે રૂમની બહારથી પગલાંનો અવાજ સંભળાવા માંડયો. કશીશે રૂમના દરવાજા તરફ જોયું. દરવાજો ખુલ્યો ને અભિનવ અંદર આવ્યો.

‘...હજુ જાગી રહી છે ?’ અભિનવે તેની તરફ આગળ વધતાં પૂછયું.

‘તારા પાછા ફરવાની વાટ જોઈ રહી હતી.’ જુઠ્ઠાણું ચલાવીને કશીશે પૂછયું, ‘કામ પતી ગયું ?’

‘હા !’ કહેતાં અભિનવ કશીશની બાજુમાં સૂતો.

અને એ સાથે જ અચાનક જ કશીશના મગજમાં વિચાર દોડી ગયો, ‘મે થોડીક વાર પહેલાં જોયેલું સપનું સાચું તો નહિ પડે ને ? ! હું ઊંઘમાં હોઈશ એ દરમિયાન કયાંક અભિનવ મારું ખૂન તો નહિ કરી નાંખે ને ? !’

ટ્રીન..ટ્રીન..! ત્યાં જ ફોનની ઘંટડી રણકી ઊઠી. વિચારોમાંથી બહાર આવતાં કશીશે બાજુની ટિપૉય પર પડેલા ફોનનું રીસિવર ઉઠાવીને કાને ધર્યું, ‘હેલ્લો !’ તે બોલી.

સામેથી અવાજ આવ્યો નહિ.

‘હેલ્લો !’ તે ફરી બોલી, આ વખતે પણ સામેથી કોઈનો અવાજ સંભળાયો નહિ, જોકે, સામેથી કોઈકના શ્વાસનો અવાજ આવી રહ્યો હતો. જાણે સામેની વ્યકિત તેનો અવાજ સાંભળી રહી હતી, પણ કોઈ કારણસર બોલવાનું ટાળી રહી હતી !

‘કોણ છે ? !’ અભિનવે કશીશને પૂછયું.

‘...કોઈ બોલતું નથી.’ કહેતાં કશીશે ફોનનું રિસીવર મૂકી દીધું.

અભિનવ કશીશ તરફ તાકી રહ્યો. તો કશીશ પણ અભિનવ તરફ જોઈ રહી.

જોકે, બીજી જ પળે જાણે સામેવાળી વ્યકિત પોતાની આંખો પરથી પોતાના મનના ભેદ પામી જવાની હોય એમ બન્ને જણાંએ આંખો પર પાંપણના પડદાં પાડી દીધાં.

૦ ૦ ૦

બીજા દિવસે સવારના ઑફિસે પહોંચતાં પહેલાં કશીશે અનુરાધા સાથે ‘કૉફી ડે’માં મુલાકાત ગોઠવી હતી.

અત્યારે કશીશે ‘‘ગઈકાલે રાતના અભિનવ તેનું ખંજરથી ખૂન કરી રહ્યો હતો,’’ એવું સપનું આવ્યું હતું, એ અનુરાધાને કહ્યું, એટલે અનુરાધા હસી પડી.

‘અનુરાધા !’ કશીશે પૂછયું : ‘આમાં હસવા જેવું શું છે ?’

‘તું પણ ગજબ છે.’ અનુરાધા બોલી : ‘સપનાની વાતને તેં એવી રીતે રજૂ કરી જાણે કે, અભિનવ તને સાચેસાચ જ મારી નાંખવા માટે તૈયાર ન થઈ ગયો હોય !’

‘અનુરાધા મને એવું લાગે છે કે, અભિનવ...’ કશીશ આગળ બોલવા જાય એ પહેલાં જ અનુરાધા બોલી : ‘તું સપનાની વાતને ભૂલી જા. અભિનવ તને એટલો બધો પ્રેમ કરે છે કે, એ તને મારી નાંખવા માટે હરગીજ તૈયાર ન થાય, બલકે એ તારે ખાતર મરી જાય.’

‘પણ અનુરાધા...’

‘તારે સપનાની વાતને આટલી સીરિયસ નહિ લેવી જોઈએ.’ અનુરાધા બોલી : ‘જો હું સપનાની વાતને તારી જેમ આટલી ગંભીરતાથી લેતી હોત તો હું અત્યાર સુધીમાં તો એક ડઝન બાળકોની મા બની ચૂકી હોત !’

‘છટ !’ કશીશ બોલી.

‘બાય ધ વે,’ અનુરાધા બોલી, ‘તેં તો મને પૂછયું જ નહિ કે, મારા સપનામાં કોણ આવે છે ?’

‘બીજું તે વળી કોણ હોઈ શકે છે, તારા અને અભિનવના દોસ્ત ઈશાન સિવાય !’

‘વાઉ !’ અનુરાધા મલકી : ‘તને કેવી રીતના ખબર પડી ?’

‘તું જે નજરે ઈશાનને જોતી રહે છે, એને જોઈને કોઈ અંધ વ્યકિત પણ કહી શકે કે, તું એના પ્રેમમાં છે ?’

‘હાય !’ અનુરાધાએ નિસાસો નાંખ્યો : ‘બધાંને ખબર પડી જાય છે કે, હું ઈશાનના પ્રેમમાં છું અને ઈશાનને જ આ વાતની ખબર નથી પડતી !’

‘પડશે-પડશે, આજ નહિ તો કાલે ઈશાનને એના માટેના તારા પ્રેમની ખબર પડશે !’ કહેતાં કશીશે ઘડિયાળમાં જોયું : ‘દસ વાગી ગયા. ચાલ નીકળું.’ કહેતાં કશીશ ઉતાવળે ‘કૉફી ડે’ના દરવાજા તરફ આગળ વધી ગઈ.

અનુરાધા કશીશને જતી જોઈ રહી, બળબળતો નિસાસો નાંખતાં કંઈક વિચારી રહી.

૦ ૦ ૦

બપોરના બાર વાગ્યા હતા. કશીશ એડ એજન્સીની પોતાની ઑફિસમાં બેઠી હતી. સવારના ‘કૉફી ડૅ’ પરથી, અનુરાધાથી છૂટી પડીને કશીશ ઑફિસે આવી, ત્યારે કલાકેક કામમાં મશ્ગૂલ રહી હતી, પણ પછી તેને નિશાંતની યાદ સતાવવા માંડી હતી.

તેણે બપોરના લંચ અવરમાં નિશાંતના ઘરે જવાનું, એની સાથે પ્રેમભરી પળો માણવાનું નકકી કરી રાખ્યું હતું. લંચ પડવાને કલાકની જ વાર હતી, પણ તેના તન-મન નિશાંત પાસે પહોંચી જવા બહાવરાં બની ગયાં હતાં.

‘હમ તુમ્હે ચાહતે હંય ઐસે..

..મરનેવાલા કોઈ જિંદગી ચાહતા હો જૈસે...’ કશીશના મોબાઈલ ફોનનો રિંગટોન ગુંજી ઊઠયો. તેણે મોબાઈલના સ્ક્રિનમાં જોયું. નિશાંતનો નંબર ઝળકતો હતો. તેણે મોબાઈલ કાને ધર્યો ને કહ્યું : ‘હા, બોલ નિશાંત !’

‘કશીશ !’ સામેથી નિશાંતનો અફસોસભર્યો અવાજ આવ્યો : ‘આપણે આજ બપોરની મુલાકાત કેન્સલ કરવી પડશે !’

‘કેમ ? !’ કશીશથી ઊંચા અવાજે પૂછાઈ ગયું.

‘તારા હસબન્ડનો મોબાઈલ હતો.’ સામેથી નિશાંતનો અવાજ આવ્યો : ‘ગઈકાલે સાંજની અધૂરી રહી ગયેલી મુલાકાતને પૂરી કરવા માટે તે બપોરના એક વાગ્યે મને મળવા આવવાનો છે.’

‘ઓફ !’ કશીશે અફસોસભર્યો શ્વાસ બહાર છોડયો : ‘મેં અભિનવ પાસે તારી ફોટોગ્રાફીના આટલા વખાણ ન કર્યા હોત તો આમ એ તારા ફોટા જોવા માટે તારી પાછળ પડયો ન હોત.’

‘...હશે, કશીશ !’ સામેથી નિશાંતનો અવાજ આવ્યો : ‘આજની આપણી મુલાકાત કૅન્સલ થયાનો અફસોસ મને પણ છે, પણ અભિનવ આજે મારા ફોટા જોઈ જશે એટલે પછી કયાં વારે-ઘડીએ મારી પાસે આવવાનો છે ? પછી આપણી મુલાકાતોમાં કયાં રૂકાવટ આવવાની છે ? !’

‘હં !’ કશીશે કહ્યું : ‘તું અભિનવ જાય એટલે મને ફોન કરીને કહેજે, એની સાથે તારે શું વાતચીત થઈ ? !’

‘ઓ. કે. ડાર્લિંગ !’ નિશાંતે કહ્યું : ‘ગુડ બાય !’ અને સામેથી નિશાંતે મોબાઈલ કટ કરી દીધો.

કશીશે મોબાઈલ ટેબલ પર મૂકયો, ત્યારે તેના ચહેરા પર, નિશાંત સાથેની તેની બપોરની પ્રેમભીની મુલાકાત કૅન્સલ થયાના અફસોસની સાથે જ, અભિનવ નિશાંતને મળવાનો હતો, એ વાતનું ટેન્શન પણ તરવરતું હતું.

૦ ૦ ૦

બપોરનો એક વાગ્યો હતો. નિશાંત પોતાના ઘરમાં અભિનવની વાટ જોતો આંટા મારી રહ્યો હતો. અત્યારે નિશાંતને મુખ્ય દરવાજાની બહાર પગલાંનો અવાજ સંભળાવાની સાથે જ દરવાજા પર ટકોરા પડવાનો અવાજ સંભળાયો.

નિશાંતે દરવાજો ખોલ્યો.

બહાર સૂટ-બૂટમાં ઊભેલો અભિનવ એક હળવી મુસ્કુરાહટ રેલાવતો, હાથમાંની બ્રીફકેસ સાથે અંદર આવ્યો.

નિશાંતે દરવાજો બંધ કર્યો.

‘બેસો ને !’ નિશાંતે કહ્યું, એટલે અભિનવે હોલ જેવા એ મોટા રૂમમાં નજર ફેરવી.

રૂમમાં બેસવા માટે સોફા કે ખુરશી નહોતી. સામે પલંગ પડયો હતો. અભિનવ પલંગ પર બેઠો.

‘તમારે મારા ફોટા જોવા છે ને ?’ નિશાંતે કહ્યું : ‘આલબમ બતાવું ને ? !’

‘ના.’ અભિનવે સાફ શબ્દોમાં કહી દીધું : ‘તારા ફોટા..., તારી ફોટોગ્રાફી બિલકુલ બકવાસ છે.’

‘બકવાસ ? !’ નિશાંત બોલી ઊઠયો : ‘જો મારી ફોટોગ્રાફી બકવાસ છે, તો પછી તમે અહીં શા માટે આવ્યા છો ?’

‘મારી પત્ની કશીશના પ્રેમીને મળવાનું મારા માટે જરૂરી બની ગયું હતું, એટલા માટે !’

‘તમે...તમે આ શું બકવાસ કરી રહ્યા છો ? !’ નિશાંત થોથવાયો.

‘હું બકવાસ નથી કરી રહ્યો.’ અભિનવે સીધું જ નિશાંતની આંખોમાં જોતાં પૂછયું : ‘સાચું કહે, શું તું મારી પત્ની કશીશ સાથે ઈશ્કબાજી નથી ખેલી રહ્યો ?’

‘અભિનવજી ! હું....’

‘હવે એ સમય આવી ગયો છે કે, તું મને ફકત અભિનવ કહે અને મને તું-તુંકારે બોલાવે.’

નિશાંત અભિનવ તરફ બે પળ જોઈ રહ્યો, પછી છાતીમાં એક ઊંડો શ્વાસ ભરતાં બોલ્યો : ‘અભિનવ, હું અને કશીશ બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ.’

‘બસ, આટલું જ.., આટલું જ કહેવું છે, તારે ? !’ અભિનવની આંખોમાં રોષ અને અવાજમાં ગુસ્સો આવી ગયો : ‘તું માણસની સહુથી વધુ કિંમતી વસ્તુ ચોરી લે છે, અને પછી બચાવ માટે તારી પાસે એક જ બહાનું છે, પ્રેમ ! પણ આ પ્રેમ એ કાયદેસરનો પ્રેમ નથી ! આ પ્રેમ એ એક મોટું પાપ છે, પાપ !’

‘પણ...પણ આ પ્રેમ જો સાચો હોય તો ?’

‘કશીશને તારાથી સાચો પ્રેમ છે, નિશાંંત ! પણ તારા માટે તો કશીશનો આ પ્યાર એ ફકત ફાયદાનો એક વેપાર છે !’

‘શું બકવાસ કરી રહ્યો છે, તું ?’ નિશાંત ચિલ્લાયો.

‘હું બકવાસ નથી કરતો, પણ બધું સાચેસાચું બકી રહ્યો છું. લે સાંભળ સચ્ચાઈ !’ અને અભિનવે કહ્યું : ‘તું ફોટોગ્રાફર છે, પણ તેં મને ગઈકાલે રાતના અનુરાધાની પાર્ટીમાં જે કંઈ પણ કહ્યું એ બધું હળાહળ જુઠ્ઠાણું છે. ન તો તું દિલ્હીનો રહેવાસી છે, અને ન તો તેં દિલ્હીની જાણીતી એડ કંપની ‘રોઝ મર્કેટિંગમાં’ નોકરી કરી છે, કે ન તો તેં ‘સુચેતા એડવર્ટાઈઝિંગ’માં કામ કર્યું હતું. તારું અસલ કામ તો મોડલિંગના બહાને ખૂબસૂરત યુવતીઓને ફસાવવાનું છે !’

‘તું..તું...’

‘પહેલાં મને મારી વાત પૂરી કરી લેવા દે.’ અભિનવે કહ્યું : ‘મારી વાત ખોટી હોય તો સુધારો કરાવજે.’ અને અભિનવે પોતાની વાત આગળ ચલાવી : ‘આ રીતના ખૂબસૂરત યુવતીઓને ફસાવવાનો ધંધો તો તેં પછી શરૂ કર્યો, પણ એ પહેલાં તો તું બીજા ગુનાખોરીના ધંધા કરતો હતો.

‘કલકત્તાની એક ગંદી વસ્તીમાં જન્મ્યા પછી દસ વરસની ઉંમરે તું પહેલાં ખિસ્સા કાપવાના અને પછી ચોરીના કામમાં લાગી ગયો. તું પકડાયો અને તને ‘બાળ સુધાર ગૃહ’માં મૂકવામાં આવ્યો, પણ તું સુધર્યો નહિ.

‘તું ગુનાખોરીના કામો કરતો રહ્યો. તેં બે-ત્રણ વખત એક-એક બે-બે વરસ માટે જેલની હવા પણ ખાધી. આ બધું ત્યાં સુધી ચાલતું રહ્યું, જ્યાં સુધી તને એ વાતનો ખ્યાલ ન આવ્યો કે, તારામાં કંઈક એવો જાદુ છેે કે, ખૂબસૂરત યુવતીઓ તારી તરફ ખેંચાય છે, તારી તરફ આકર્ષાય છે. અને એટલે તેં હાથમાં કૅમેરા લઈ લીધો અને મોડલિંગના બહાને યુવતીઓને ફસાવવા માંડયો.’

‘તને...’ નિશાંતે પૂછયું : ‘...તને આ બધી વાતની ખબર કયાંથી પડી ? !’

‘પૈસાથી બધું મેળવી શકાય છે. તો તારા વિશેની આટલી માહિતી ન જાણી શકાય ?’

‘હું એ કબૂલુું છું કે, મારા વિશેની આ માહિતી સાચી છે.’ નિશાંતે અવાજમાં સચ્ચાઈનો રણકો ભેળવતા કહ્યું : ‘પણ..પણ હવે હું ગુનાઓની દુનિયામાંથી બહાર નીકળી જવા માંગું છું. હું નવેસરથી, એક સારા માણસ તરીકેની જિંદગી જીવવા માંગું છું. હું કશીશને પ્રેમ કરું છું અને કશીશ પણ મને પ્રેમ કરે છે !’

‘કશીશ ફોટોગ્રાફર નિશાંતને પ્રેમ કરે છે, ચોર-ગુનેગાર નિશાંતને નહિ. જોકે, હવે આનાથી કોઈ ફરક પડતો નથી.’ અભિનવ બોલ્યો : ‘તું કશીશ સાથે ફરેબ કરી રહ્યો છે, એની સાથે દગાબાજી રમી રહ્યો છે. તેં કશીશને બરાબરની લપેટામાં લીધી છે. એ હવે મારાથી છુટાછેડા લેશે અને પછી તને પરણશે. એ તને પરણશે એટલે એની બધી મિલકત તારી થઈ જશે.’

‘તને ગેરસમજ થાય છે.’ નિશાંત બોલ્યો, ‘મેં કશીશને એની મિલકત માટે પ્રેમ નથી કર્યો.’

‘તું બેશક મહેલમાં ઘૂસી આવ્યો છે, પણ તને ખજાનાની ચાવી કયારેય નહિ મળે.’

‘મેં કહ્યું ને કે, મને કશીશની મિલકતની કોઈ પરવા નથી.’

‘એક ફરેબીને.., એક ચોરને અને દગાબાજને કશીશની કરોડો રૂપિયાની મિલકતની કોઈ પરવા નથી ?’ અભિનવ પલંગ પરથી ઊભો થઈ ગયો : ‘બકવાસ બંધ કર. તને પરવા છે, પરવા ન હોત તો તું મારી સાથે આટલી વાત-આટલો વિવાદ કરવા રોકાયો ન હોત.’ અભિનવે કહ્યું : ‘તને અહીંથી ભાગી છુટવા માટે એક જ વાત રોકી રહી છે અને એ છે તારા શરીરમાં વહી રહેલું ગંદું લોહી ને માલ-મિલકતની લાલચ.’

નિશાંત જોઈ રહ્યો.

‘હું કશીશને તારી અસલિયત જણાવી દઈશ એટલે એ તને નફરત કરતી થઈ જશે. કશીશ સાથેનો તારો ખેલ ખતમ ! તારી જિંદગી પાછી ફોટોગ્રાફીમાં ઢળી જશે અને તું પાછો એક સામાન્ય ફોટોગ્રાફર બની જઈશ, કે પછી,’

‘....કે પછી શું ? !’ નિશાંતે પૂછયું.

‘...કે પછી તું રૂપિયા કમાઈ શકે ? બે-પાંચ લાખ રૂપિયા નહિ, પણ પૂરા એક કરોડ રૂપિયા !’

‘એક કરોડ રૂપિયા ! ? !’ નિશાંત અભિનવ સામે તાકી રહ્યો : ‘કેવી રીતના ? ! !’

‘હું તને એક કરોડ રૂપિયા આપીશ ? !’

‘શા માટે ?’ નિશાંતે કહ્યું : ‘કશીશનો પીછો છોડી દેવા માટે ?’

‘ના !’ અભિનવ કાતિલ હસ્યો : ‘કશીશને હંમેશ-હંમેશ માટે મારી જિંદગીમાંથી ખસેડી મૂકવા માટે..., કશીશનું ખૂન કરી નાંખવા માટે !’

થોડીક પળો સુધી નિશાંત અભિનવ તરફ જોઈ રહ્યો પછી બોલ્યો : ‘મને રૂપિયામાં નહિ, પણ કશીશમાં રસ છે !’

‘ખોટી વાતોમાં સમય ન બગાડ.’ અભિનવ બોલ્યો : ‘મને ખબર છે કે, તને શેમાં રસ છે. અને વળી હવે તારે મારી વાત માન્યા વિના છુટકો પણ નથી.’

‘એટલે....? !’

‘..એટલે...’ અને અભિનવે બ્રિફકેસમાંથી એક ફાઈલ કાઢી. એ ફાઈલ ખોલીને નિશાંતને બતાવી. એમાં નિશાંતના ફોટા સાથે ચોરીમાં પકડાયાના, જેલમાં જઈ આવ્યાના છાપાના કટિંગની ઝેરોક્ષ તેમ જ નિશાંતના ગુનેગાર હોવાના બીજા પુરાવા પણ હતા.

‘હવે બિલકુલ સીધી જ વાત છે.’ અભિનવે એ ફાઈલને પાછી પોતાની બ્રીફકેસમાં મુકતાં કહ્યું : ‘તું મારી વાત માનીશ તો હું તને એક કરોડ રૂપિયા આપીશ. અને જો મારી વાત નહિ માને તો હું તારા વિરૂદ્ધના આ પુરાવા પોલીસને બતાવી દઈશ અને મારી પત્નીને ફસાવવા બદલ તને જેલભેગો કરી દઈશ.’ અભિનવે નિશાંત સામે જોઈ રહેતાં કહ્યું : ‘હવે તું નકકી કર. તારે એક કરોડ રૂપિયા વાપરવા છે કે પછી જેલની હવા ખાવી છે ?’

નિશાંત અભિનવ સામે જોઈ રહ્યો, થોડીક પળો વિચારી રહ્યો અને પછી હોઠના ખૂણે સ્મિત રમાડતાં બોલ્યો : ‘મને જેલની હવા માફક નથી આવતી ! હું કશીશનું ખૂન કરીશ અને એક કરોડ રૂપિયાથી એશ કરીશ ! !’

(ક્રમશઃ)