Hello Patan books and stories free download online pdf in Gujarati

નમસ્તે પાટણ

નમસ્તે પાટણ 🙏
પાટણ નગરની સ્થાપના વનરાજ ચાવડાએ તેના પરમ મિત્ર અણહીલ ભરવાડના સહકારથી પાટણ રાજ્યનું ખાતા મુહૂર્ત વિ.સં.૮૦૨ તા.૨૮/૦૩/૭૪૬ ના દિવસે થયું.(પાટણ નગર પાલિકા આ તારીખ:૨૩/૦૨/૭૪૬ તારીખ ગણી આ દિવસે પાટણની સ્થાપનાની ઉજવણી કરે છે.)આજે આ નગરની સ્થાપનાનું ૧૨૭૮ મું વર્ષ ચાલે છે. અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી.
હાલના હારીજ પાસે પંચાસર ગામ એટલે વનરાજના પિતા રાજા જયશિખરીનું રાજય હતું.તેમના પિતા જયશીખરીનું મૃત્યુ કલ્‍યાણના ભુવડ રાજાના હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયું હતું.
તત્કાલિન વનરાજની માતા રૂપસુંદરીના ગર્ભમાં વનરાજનો ઉછેર થઇ રહ્યો હતો.ભુવડે જઈશીખરીને હરાવી મારી નાખ્યા પછી પંચાસર સર કર્યું.સાથે તેની રાણી રૂપસુંદરીને(વનરાજની માતા)થયું કે ભુવડને ખબર પડશે તો મારું સંતાન પણ મારી નાખશે.એટલે રાણી રૂપસુંદરી તેના સગા ભાઈ સુરપાળની મદદથી તે વનમાં એટલે કે લોટેશ્વર,શંખેશ્વર,સમી આજુબાજુના અડાબીડ જંગલ પ્રદેશમાં છુપા વેશે સંતાઈ જાય છે.અને આ રીતે બાળ વનરાજ જંગલમાં જન્મે છે,તેથી તેનું નામ "વનરાજ" પાડવામાં આવ્યું.વનરાજ યુવાન થતાં તેના મામાએ તમામ વિદ્યા શીખવી ભુવડનું કાસળ કાઢવા ધન એકત્ર કરવા દ્વારકા,સોમનાથ જતાં કલ્યાણ રાજ્યના શ્રેષ્ઠી યાત્રીકોને લૂંટી ધન એકત્ર કર્યું.
છેવટે "પત્તનનગર" એટલે કે હાલના પાટણને "પંચાસર" રાજ્યથી અલગ રાજ્યની સ્થાપના કરી.તેના બાળ સખા અણહિલના નામે "અણહિલપુર" નામકરણ કરી વનરાજે મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.પ્રાકૃત્ત ભાષામાં જે પાટણ વસ્યુ તે જગ્યા એટલે સરસ્વતી નદીના પૂર્વ કાંઠે માતરવાડી ગામથી અનાવાડા આગળ નદી કાંઠે પાંજરાપોળ છે,તેની ફરતે આખો મોટો અંદાજે ૧૩૦૦ વરસ પહેલાં સરસ્વતી નદીનો સપાટ પટ્ટ હતો.એટલે એ પટ્ટામાં આ નગરની સ્થાપના કરી અને કાળક્રમે "પટ્ટન"શબ્દનું અપભ્રન્શ "પાટણ" ઉચ્ચાર થતાં ગુજરાતના "રાજપૂત યુગ"ના ઇતિહાસનો આરંભ થયો.
આજે પણ મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પાશ્વર્થનાથ ભગવાનની મૂર્તિને આજના પાટણ મધ્યે આવેલા પીપળા શેરમાં જૈન મંદિરમાં સ્થાપિત કરેલી છે.તેથી આ મંદિર પંચાસરા પાશ્વરનાથના નામે ઓળખાય છે.તે જ મંદિરના પ્રવેશદ્વાર પાસે "વનરાજ ચાવડા"ની માત્ર એકજ અસલ મૂર્તિ દેરાસરના ગોખમાં સાક્ષી પૂરતી સાચવયેલી જોવા મળે છે.
સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં વાંચવા મળે છે.અલાલુદ્દીન ખીલજીએ પાટણ ભાગ્યા પછી પાટણના અહમદશાહે પાટનગર બદલ્‍યું અને સાબરમતી નદીને તીરે તેમણે નવું નગર અહમદાબાદ(અમદાવાદ)વસાવ્‍યું.ત્યારથી પાટણ રાજ્યની પડતીનો સમય શરૂ થયો.
જે ભારત દેશની આઝાદીના વર્ષો પછી આ નગર સ્વછતા,ખેતી,પશુપાલન,નોકરી,આરોગ્ય સેવાઓ સાથે પુનઃ ધબકતું થયું છે.હવે તો રેલ-વે અને રાજ્ય ધોરી માર્ગ સાથે જોડાયેલું ઉત્તર ગુજરાતનું શાંત અને મહત્વનું શહેર ગણાય છે.
મને પણ ગૌરવ છે,આ શહેરમાં રહેવાનું ! કેમકે આ નગરને રાણીની વાવે વર્લ્ડ હેરિટેજમાં ચમકતું કર્યું છે.દેશ-પરદેશમાંથી દરરોજ યાત્રિકો અહીં જૂની વિરાસતો નિહાળે છે.પાટણના પટોળાં અને સહસ્ત્રલિંગ સરોવર તેમજ સહાદતી વિરમેઘ માયો કેમ ભુલાય?સાથે સતી જસમાં ઓડણની યાદ અને આવી અનેક યાદો સંઘરીને પાટણ બેઠું છે.
આનંદ સરોવર કિનારે એક લટાર મારીએ તો મન શાન્તિ અનુભવે.પાટણ ડીસા હાઇવે પર આનંદેશ્વર મંદિર અને લાખો વૃક્ષથી હરિયાળુ લાગતું પાટણ સાથે સાથે ગાયત્રી મંદિર,હનુમાનજી મંદિર અને જલારામ મંદિરની આરતી અને પ્રસાદનો લાભ પણ મળે.
અંબાજી કે આબુ કે ઊંઝા,બહુચરાજી,મોઢેરા ફરવા આવો તો આ નગરનાં દર્શન કરવાનું ભૂલવા જેવું નથી.સ્વચ્છતા અને સરસ્વતી નદીનાં મીઠાં જળ પણ શરીરને તંદુરસ્તી આપશે.અહીં રહેવા જમવા હોટલ અને જોડે કુણઘેર ચૂડેલ માતા મંદિરમાં જમવાનું અને એક બે દિવસ માટે રોકાણ કરવા ધર્મશાળામાં રૂમ નજીવા દરે મળે છે.સુંદર બગીચા અને બાળકો માટે લસર પટ્ટી હિંચકા અને દેવ મંદિર પણ આજુબાજુ છે.સાથે વિદ્યાથી ધમધમતી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને મેલડી માતા,દાદા ભગવાન મંદિર,સિદ્ધિ સરોવર,પદમવાડી,આનંદ સરોવર(ગુંગળી તળાવ),પાટણ ફરતે શાહી કિલ્લો,મહાકાળી મંદિર વગેરે સ્થળો દર્શનીય છે.આ નગર વિશે હજુ આધારભુત માહિતી હોય તો મને ઇનબૉક્સમાં મેસેજ કરવા વિનંતી.અહીં આવવા માટે અમદાવાદ,મહેસાણા,રાજસ્થાન,ભગતની કોઠી તેમજ કચ્છ થી આવવા જવા ટ્રેનનું સ્ટોપેજ છે.સાથે સિદ્ધપુર,રાધનપુર,બહુચરાજી,ઊંઝા,હારીજ,ચાણસ્મા,રાધનપુર વગેરે સ્થળેથી તમામ વાહન વ્યવહાર અને સુંદર રસ્તાઓથી પાટણ જોડાયેલું છે.
- વાત્ત્સલ્ય