Sochanalay?? books and stories free download online pdf in Gujarati

સોચનાલય??

સોચનાલય ??

એક પરમ મિત્રને ફોન કર્યો ગુજરાતમાં. આ મિત્ર એકલાં એવા છે કે જે મને સામેથી અમેરિકા ફોન કરતા હોય છે. બાકી કોઈ સગા સંબંધી સામેથી ફોન ના કરે. માન્યતા એવી કે અમેરિકા સ્થિત હોય તેણે જ ફોન કરવો પડે. ભલે તેના કરતા ભારતમાં રહેનાર વધારે ધનવાન હોય.કદાચ કરવો પડે તો મિસકોલ કરી મૂકી દે. પણ આ મિત્ર એમનું પ્રીપેઇડ કાર્ડ પૂરું થાય ત્યાં સુધી વાતો કરે. હું કહું કે તમે મૂકો હું કરું છું પણ માને તો મિત્ર શાના?

ફોન કર્યો આશરે સવારે ત્યાં નવ વાગ્યા હશે, મેં પૂછ્યું શું કરો છો? મજામાં? તો જવાબ મળ્યો સોચનાલયમાં બેઠો છું. મને થયું ભોજનાલય એટલે ડાઈનીંગ રૂમમાં બેઠાં હશે નાસ્તો કરવા, તો કહે ના સોચાનાલયમાં બેઠો બેઠો છાપું વાંચું છું. મારી એકદમ ઝબકી.અરે શૌચાલયમાં બેઠાં છો? તો જવાબમાં અટ્ટહાસ્ય. ઘરમાં બધા વિચારતા હશે ભાઈ ત્યાં બેઠાં બેઠાં એકલાં એકલાં કેમ આટલું જોરથી હસતા હશે? મને કહે શૌચાલયમાં બેઠાં બેઠાં ઉત્તમ વિચારો આવે માટે એને સોચનાલય કહો કે શૌચાલય કહો. જ્ઞાનવર્ધક છાપું વાંચ્યા વગર ખુલાસો થાય નહિ. મેં કહ્યું આતો પેલું બીડીવાળું થયું. બીડી પીધા વગર પ્રેશર આવે નહિ. તો કહે હા ! મને છાપું અહીં અંદર બેસીને વાંચ્યા વગર મુક્તિ મળે નહિ. અમે બંને ખૂબ હસ્યા. પણ એમને પ્રૉબ્લેમ ત્યારે થાય કે ૨૬ જાન્યુઆરી કે ૧૫ ઓગસ્ટ કે પછી દિવાળીની રજાઓમાં છાપું આવે નહિ ત્યારે કોઈ જુની પૂર્તિ ખોળવી પડે. ઘણાને તમાકુ ચૂનો મસળીને મોમાં મૂક્યા વગર મુક્તિ મળતી નથી હોતી. એક જાતનું કંડીશનિંગ થઈ જતું હોય છે. હવે છાપાને અને પાચનતંત્ર કે ઉત્સર્જન તંત્રને કોઈ લેવાદેવા ખરી ?

એકવાર એક મિત્રને ફોન કરેલો તો એ રસ્તામાં હશે બાઈક ચલાવતા હશે. મને કહે ઘેર પહોંચું છું, દસ મીનીટમાં ફરી ફોન કરો. મેં ફરી ફોન કર્યો મારી આદત મુજબ પૂછ્યું કે શું કરો છો ? તો કહે હલકો થવા ગયેલો, છોકરાને કહીને ગયેલો કે અમેરિકાથી ફોન આવે તો કહેજે કે હલકા થવા ગયા છે. છોકરો પૂછે એવું કહીશ તો સમજી જશે? તો કહેલું કે ચોક્કસ સમજી જશે. સાચી વાત છે મેં કહ્યું ૧૦૦ કે ૨૦૦ ગ્રામ થોડું વજન તો ઓછું થવાનું માટે થોડા હલકા થવા ગયેલા તે સાચું કહેવાય.

સંડાસ વિષે સંડે મહેફિલ દ્વારા બે સુંદર લેખ વાંચવા મળેલા. એક તો સ્વામી સચ્ચિદાનંદ(દંતાલી)નો લખેલો હતો. એકદમ રીલેક્ષ થઈને બેસવાથી ત્યાં કદાચ ઘણાને ઉત્તમ વિચારો આવતા હશે, પણ મારી જૂની સ્મૃતિઓ સંડાસ વિષે ભયાનક હોવાથી આજે પણ અહીં અતીસ્વચ્છ સંડાસમાં પણ હું બેચાર મિનિટથી વધારે બેસી શકતો નથી. ઉત્તમ વિચારો તો ઠીક ફક્ત જલદી કામ પતાવી ભાગવાના વિચારો આવતા હોય છે. હું નાનો હતો ત્યારે વિજાપુરમાં ડબાવાલા સંડાસ હતા. તેલનો ડબો અડધો કાપીને મૂકી દેવાતો. સવારે સફાઈ કામદાર આવીને એક પછી એક સંડાસના ડબા મોટી ડોલમાં ખાલી કરી માથે મૂકી ચાલ્યો જતો. એવા સંડાસમાં આરામથી બેસવું મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. આશરે ૪૨ કે ૪૫ વર્ષો પહેલાની આ વાતો છે. પણ બે દિવસ પહેલા ઓનલાઈન દિવ્યભાસ્કરમાં જાણીતા મલ્લિકા સારાભાઈનો લેખ વાંચ્યો. તો જાણ્યું કે ૧૯૯૪ થી ભારત સરકારે માથે મેલું ઉપાડીને લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકેલો હોવા છતાં હજુ પણ ભારતમાં કેટલાક રાજ્યોમાં માથે મેલું ઉપાડવાની પ્રથા હજુ ચાલુ છે. ત્યારે આ વાંચીને ખૂબ દુખ થયું. મને ખ્યાલ છે ત્યાં સુધી આશરે ૪૦ વર્ષો પહેલા આવા સંડાસ હતા, પણ પછી મેં જોયા નથી. વિજાપુરમાં એ દિવસોમાં નવી પધ્ધતીના સંડાસ બનાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. નવી પેઢીને તો કદાચ કલ્પના પણ ના આવે કે આવું હતું. જોકે હવે તો વેસ્ટર્ન સ્ટાઇલનાં સંડાસ આવી ગયા છે. એટલે વિચારકો વધી ગયા લાગે છે.

મને સંદેશ વાંચવાની આદત. કે એમાં કોલમ લેખકો સરસ હતા. શ્રી ગુણવંત શાહ, સ્વામી સચ્ચિદાનંદ, સોક્રેટિસ, લીલાબેન પટેલ, વિનોદ ભટ્ટ, વર્ષા અડાલજા અને મારા પ્રિય ડો મૃગેશ વૈષ્ણવ, આ બધાની કોલમ નિયમિત વાચવાનું વ્યસન. એક દિવસ છાપું વાંચતા વાંચતા કશું કામ હશે તો ટીપોય પર મૂકી અંદર બીજી રૂમમાં ગયો, બહાર આવ્યો છાપું ગાયબ. બધે શોધી વળ્યો મળે નહિ. થયું હાલ તો અહીં હતું, એટલામાં ક્યાં ગયું ? સાલું ચમત્કાર જેવું લાગ્યું. કલાક પછી ઘેર આવેલા સંબંધી સંડાસમાંથી પાછાં આવ્યા તો છાપું એમના હાથમાં હતું. જો કે એ છાપું મેં વાંચ્યા વગર પસ્તી ભેગું કરી દીધું.

જોકે ઘણા સંબંધીઓને ત્યાં ગામડાઓમાં જવું પડે તો આભની છત અને દિશાઓની દીવાલોવાળા સંડાસનો લહાવો પણ લીધેલો છે. પૃથ્વી જેવડું મોટું ભવ્ય સંડાસ જોવા મળે ખરું ? એટલે બને ત્યાં સુધી એવા ગામોમાં જવાનું ટાળતો કે આવડા મોટા ભવ્ય સંડાસ આપણાં કામના નહિ. પણ એકવાર એવા ગામમાં જ લગ્ન પ્રસંગે જવાનું થયેલું. બને ત્યાં સુધી એવા ગામોમાં રાત રોકાવાનું કાયમ ટાળી નાખતો, પણ શું થાય રહેવું પડ્યું. સવારે અમે આઠ દસ પુરુષ વર્ગ સમૂહમાં ચાલ્યા મુક્તિ મેળવવા. સ્થાનિક ભાઈ સાથે હતા જેથી ખેતરો બતાવી શકે. કારણ અમે બધા અજાણ્યા હતા. એય ! તમારે જુઓ તો દરેકના હાથમાં સ્ટીલના અને પિત્તળના, તડકામાં ચમકતા ઝગમગતા લોટા હતા. બધા ટોળ ટપ્પા કરતા જતા હતા. એક યુવાન સંબંધીએ કદી આવું અનુભવેલું નહિ. પણ ખૂબ મજાકિયા હતા. કહે આટલાં બે ગ્લાસ પાણીથી ક્લીન કઈ રીતે થવાનું ? એક તો આખી જીંદગી ખૂબ મોટા શહેરમાં રહેલા તે એમને નવાઈ લાગતી કે આટલું જ પાણી ? પાણી ની તંગી વાળું ગામ હતું. શરમના માર્યા કોઈ બેસવાની શરૂઆત કરે નહિ. તો પેલાં યુવાન બુમો પાડે કે અલ્યા કોઈ તો બેસો. બધા ખૂબ હસે. પેલાં યુવાન કહે વહેલો ઊભો થઈને પથરા મારી બધાના લોટા ઢોળી નાખીશ. મેં કહ્યું એવું ના કરતા ભાઈ. પાછાં વળતા મેં દરેકને પૂછ્યું કે બોલો લોટા સજ્જડ પકડી રાખેલા ને ? બધા કહે સાચી વાત છે આ જુવાન મજકીયાનું ઠેકાણું નહિ, પથરા મારી લોટા ઢોળી નાખે તો ક્યાં જવું?

એવાય ગામો અને ઘરો હતા જ્યાં સંડાસ તો ઠીક નહાવા માટે બાથરૂમ પણ ના હોય. એક મોટા પથરા ઉપર બેસીને એક ડોલ થી નાહી લેવાનું. પુરુષ તો નહિ લે પણ સ્ત્રી વર્ગ શું કરે ? એક ખાટલો આડો મૂકી દે અને ઉપર કપડું ઢાંકી એની આડશે નાહી લેવાનું. એમાય પાછી કપડાની આરપારથી કોઈ વોયરની નજર થી બચવાનું. કોઈ વળી પથરાની આજુબાજુ તુવેર કે કપાસની સાંઠીઓની આડશ બનાવી કાઢે તો સારું ગણાય. એક ગામમાં ના છુટકે જવાનું થયેલું ત્યાં બાથરૂમ બનાવેલું પણ ઉપર છત નહિ અને બારણું નહિ. ખાલી ત્રણ દીવાલો અને બારણાની જગ્યાએ અડધી દીવાલ. પગ જરા લાંબા હોય તો બેસાય પણ નહિ, અને પાણી એક ડોલ. સાબુ તો દૂરનાં ભવિષ્યની વાત હતી. આને સ્નાન નહિ ખાલી શરીર પલાળીને ઉભા થઈ જવાનું જ કહેવાય ને ? હવે નહાવા બેઠો તો એક ભાઈએ ડોકિયું કર્યું અને કહે નહાવા બેઠાં છો ? મેં કહ્યું હા. મારી નજર નહાવા તરફ નહિ બારણાં વગરના દરવાજા પર વધારે. ત્યાં વળી એક બહેન આવ્યા કહે નહાવા બેઠાં છો ? મેં કહ્યું ના, ખાવા બેઠો છું. તો હસતાં હસતાં ચાલ્યા ગયા.

જોકે વેસ્ટર્ન સંડાસની ઉપર પણ દેશી સ્ટાઇલ પગ ઉપર લઈને બેસી જનારા પણ હોય છે. મુક્તિ મેળવવામાં સંકડાશ પડવી ના જોઈએ. જોકે હરપ્પન સંસ્કૃતિના ધોળાવીરામાં વેસ્ટર્ન સ્ટાઇલ સંડાસ હતા. એટલે આપણે ત્યાંથી આ કૉન્સેપ્ટ વેસ્ટમાં જઈ પાછો ઈસ્ટમાં આવ્યો છે. વેસ્ટર્ન દેશોમાં કોઈ પાણી વાપરતું નથી. ટીસ્યુ પેપર એ આપણાં પૂર્વજો ઝાડના પાન વાપરતા હશે તે વારસો જાળવી રાખવાનો શુદ્ધ હેતુ સમજવો. બીજું કારણ એ પણ હોઈ શકે કે ઠંડી ખૂબ પડે, શિયાળો ખૂબ લાંબો. દિવસે પણ ઉષ્ણતામાન શૂન્ય થી નીચે રહેતું હોય, ત્યાં લોટો ભરીને જાય તો તરતજ બરફ બની જાય. હવે બરફથી કેમનું ક્લીન કરવું? બ્રેઈન સુધી ઝટકો ના લાગે ? એટલે આજે પણ જુનો રિવાજ જાળવી રાખ્યો છે કે પડી ટેવ છૂટે નહિ ?? અહીં તો આવા વાતાવરણમાં ગુસ્સામાં કોઈના ઉપર થૂંકો તો બિચારાંને બરફ વાગે એવું હોય છે. મેં સાંભળ્યું છે કે મહારાણી વિક્ટોરિયા વર્ષમાં એક જ વાર નહાતા હતાં. જો એ સાચું હોય તો એમના પતિદેવની શું દશા થતી હશે ? કારણ ટીસ્યુ પેપર્સ થી રહી ગયેલી ખામીઓ સ્નાન કરતી વખતે ઓટોમેટીક દૂર થઈ જાય. વર્ષ સુધી નહાય નહિ અને ખામીઓ ભેગી થતી જાય તો ??? નાક બંધ રાખજો

કોઈએ સજેશન કરેલું કે મંદિરોની જગ્યાએ સંડાસ બનાવવા જોઈએ. બહુ ઉત્તમ સજેશન કહેવાય. જોકે આ સંડાસ મંદિરો જેવા બનાવ્યા હોય તો વધુ ઉત્તમ. કોઈ નારકોલેપ્સીનો દર્દી મજાની ઊંઘ ખેંચી લે. આવા સોચનાલયોમાં અંદર એક લાઇબ્રેરી રાખવી જોઈએ. તો ઉત્તમ સાહિત્યકારો વધારી શકાય. અને ચિંતકોનો કોઈ પાર ના રહે..