Online Vepar Jangi : Deliveryman'ni Tangi books and stories free download online pdf in Gujarati

ઓન લોાઈન વેપાર જંગી: ડિલિવરીમેનની તંગી

જેપી 31 ઓસી 1

ઓનલાઈન કારોબાર જંગી : ડિલિવરીમેનની તંગી

પેટા...

ઈ-વ્યાપારની લોકપ્રિયતા વધતા એક વર્ષમાં ડિલિવરી મેનની માંગમાં 60-70 ટકાનો જબરો વધારો આવ્યો, વર્ષ પહેલા દેશમાં 40 હજાર ડિલિવરી મેનથી કામ ચાલતું અત્યારે 1 લાખથી વધુની માંગ છે

-રાજકોટમાં 400-500 ડિલિવરી બોય છે

-જયદીપ પંડયા

દુકાનમાં કે મોલમાં ફરી ભાવતાલ કરી અને ખરીદી કરો એ જમાનો ગયો હવે. ઈ કોમર્સની બોલબાલા છે. ઓનલાઈન વેપાર કદાચ ધીરે ધીરે દુકાનદારની બાદબાકી કરી નાખશે. ઈ કોમર્સના લીધે તમારા હાથમાં આખો મોલ ખુલે છે. પણ મંગાવેલી વસ્તુ માટે બે દિવસથી માંડી એકાદ અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે. નવી વસ્તુની ખરીદી કર્યા પછી વેઈટીંગ કરવું કોઈને પરવડે નહીં. કેમ કે જેતે વસ્તુ ઝડપથી હાથમાં આવે તેવી જીજીવીસા બધાને હોય છે. ગુજરાતીઓ તો એક હાથ સે માલ દો એક હાથ સે પૈસા દેવા વાળી પ્રજા છે. એમાં પણ નવરાત્રીથી દિવાળીના સમયે ઓનલાઈન ઓફરો ચાલતી હોય છે. આ વેળા તો ડિલિવરી 1પ-1પ દિવસે થાય છે. બહુ મોટા ઓર્ડરનું બહાનું આગળ ધરી ગ્રાહકોને માલ મોડો મોકલે છે. ખરેખર બમ્પર ઓર્ડરનું તો બહાનું છે વાસ્તવિકતા એ છે કે ડિલિવરી મેનની દિવાળી સમયે તંગી ચાલે છે !

ડિલિવરી બોય મળતા નથી. ઉંચુ વેતન આપવા છતા આજે ઈ-કોમર્સ કંપનીઓને માણસો મળવા મુશ્કેલ છે. તો ઘણા યુવાનો આ ભાગદોડ વાળી જોબ કરવા નથી માંગતા.

ઓનલાઈન વેપાર કરતી ફલીપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ, ચિત્રા, જબોંગ જેવી મુખ્ય કંપનીઓએ દિવાળીની બિગ બિલિયન ઓફરોમાં ધૂમ કમાણી તો કરી અને હજુ સીલસીલો ચાલુ જ છે. પણ માણસોની અછતના લીધે માલ મોકલવામાં કંપનીઓએ વધુ સમય લેતા ઘણા ઉતાવળિયા લોકોએ હોંશેહેંશે કરેલા ઓર્ડર કેન્સલ કરી નાખ્યા છે. પરિણામે હવે કંપનીઓને ફટકો પડી રહ્યો છે. દેશભરમાં ઈ કંપનીઓને આ પ્રશ્ર માથાના દુખાવા સમાન છે. મુંબઈ, કોલકતા, દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં માલ પહોંચાડવા માટે માણસો મળતા નથી. મોં માગ્યા પૈસા આપવા છતા યુવાનો આ કામ માટે તૈયાર નથી. ઘણા આવવા માંગે તો તેઓ પાસે વાહન નથી. તો અમુક પાસે લાયસન્સ નથી. અમુક પાસે બંને છે તો અંગ્રેજી વાંચતા પણ નથી આવડતું.

ઈ- કારોબાર દિવસે દિવસે વિકસતો જતા ડિલિવરી મેન હવે ઓન ડિમાન્ડ રહેવા લાગ્યા છે. છેલ્લા એક વરસમાં માલ આપલે કરનાર માણસોની માંગમાં 60-70 ટકાનો જબરો વધારો આવ્યો છે ! અત્યારે દેશમાં ઈ વ્યાપાર કરતી કંપનીઓને 1 લાખથી વધુ બાઈકર્સ અને ડિલિવરી મેનની જરૂર છે. એક વરસ પહેલા માત્ર 40 હજાર માણસોથી આ કામ ચાલતું હતું.

આપણા દેશમાં ઓનલાઈન ધંધો કરનારી 300 જેટલી કંપનીઓ છે. તેના કારણે ડિલિવરી મેનની જોબનો નવો વિકલ્પ મળ્યો. એમાં પણ ફેસ્ટીવલ મેગા સેલના કારણે આ ધંધામાં અત્યારે 1 લાખ જેટલા નવા માણસોની માલ પહોંચતો કરવા, માલ ઉતારવા, કસ્ટમર કેર માટે જરૂર છે. તેમ કિલ્લે સર્વિસના ડિરેકટર કમલ કાર્ણાથે જણાવ્યું હતું.

રાજકોટમાં ઓનલાઈન ધંધો કરતા કુણાલ જોષી કહે છે કે, હાલ દેશમાં 30 ટકા જેટલી માંગ ડિલિવરી મેનની છે. રાજકોટમાં દરરોજ 8-10 હજાર ડિલિવરી કરવાની હોય છે. તહેવારોમાં દૈનિક 10-1પ હજાર ડિલિવરી થઈ જતા વાર નથી લાગતી. ઓર્ડર રદ થયા હોય તે તો અલગ. મોટા ભાગે લોકો બૂટ ચપ્પલ, કપડા, મોબાઈલ જેવી વસ્તુઓ વધુ મંગાવતા હોય છે. આ કામમાં મોટાભાગે હોસ્ટેલ કે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ હોય છે. જે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે. પરીક્ષા સમયે નોકરી છોડી દેતા હોય છે. તો ઘણા યુવાનોને આવી રૂટીન નોકરી કરવી પસંદ નથી. આમા ફયુચર નથી દેખાતું આખો દિવસ તડકામાં ભાગદોડ ભરી નોકરી કરવી નથી. એક ડિલિવરી મેને 70થી વધુ ઓર્ડર ગ્રાહકોને પહોંચાડવાના હોય છે. રાજકોટમાં એક અંદાજ પ્રમાણે 400-પ00 ડિલિવરી મેન છે. માત્ર 70 તો ફલીપકાર્ટ સાથે જોડાયેલા છે. એક માણસને રૂ. 7પ00 ફિકસ પગાર અને એક ઓર્ડર દીઠ પાંચ રૂપિયા મળે છે.

જીનિયસ કન્સલ્ટિંગના મેનેજીંગ ડિરેકટર અને ચેરમેન આર.પી. યાદવ કહે છે કે, તહેવારોની મોસમ અને ઘણી નવી ઈ- કારોબાર કંપનીઓ આ ધંધામાં આવી જતા અત્યારે ઓનલાઈન વેપારમાં માલ આપલે કરનાર માણસોની માંગ વધી છે. અંદાજે 60 ટકા નવી કંપની બજારમાં આવી છે.

મેન પાવર ગ્રુપ સર્વિસ ઈન્ડિયાના ડિરેકટર એ.જી. રાવના કહેવા મુજબ ઓકટોબર- નવેમ્બરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારના લીધે એક ડિલિવરી મેન આરામથી મેટ્રો સિટીમાં રૂ. પ0 હજાર કમાઈ શકે છે. પરંતુ મોટા ભાગના યુવાનોને આવી નોકરી કરવી નથી. કોલેજીયન પાર્ટ ટાઈમ માટે પેટ્રોલપંપ, મોલ્સ કે પછી અન્ય સ્ટોરમાં નોકરી કરવાનું પસંદ કરે છે.

ઓનલાઈન ધંધો લોકપ્રિય તો બનતો જાય છે. છૂટક વેપારીઓ બેફામ નફાખોરી કરીને આપણને નિર્દયતાથી લૂંટતા હતા. એ ભોંયભેગા થઈ ગયા છે. હમણા જ ફલીપકાર્ટ, સ્નેપડીલ અને એમેઝોને 90 ટકા જેટલો ભાવ ઓછો કરીને છૂટક અને જથ્થાબંધ વેપારના સમ્રાટોને પરસેવો લાવી દીધો. પણ માલ ઘરે પહોંચાડવામાં એકાદ અઠવાડિયા જેટલો સમય વીતી જતા લોકોની ધીરજ ખૂટે છે. એટલે જ અમુક તો તેમણે મંગાવેલી વસ્તુઓ રદ કરી દે છે. પણ સાચી હકીકત માણસોની તંગીથી માલ સમયસર મળતો નથી. તો કંપનીઓ મેગા સેલ વેળાએ બધા ઓર્ડર મળી ગયા પછી શિપીંગ કરતી હોવાથી પણ સમય મર્યાદા કરતા વસ્તુ મોડી ગ્રાહકોના હાથમાં આવે છે. ઈ કંપનીઓનું વર્ચસ્વ તો વધ્યું પણ માલ પહોંચતો કરવામાં કયાંકને કયાંક પાછળ રહી જાય છે. એટલે હજુ અમુક લોકો બજાર કે મોલમાં જઈને તુરંત ખરીદીમાં હજુ માને છે. મંગાવેલી વસ્તુઓ કયારે આવશે? કેવી આવશે? અને જો ભાંગતોડ વાળી આવે તો ફરી મોકલવાની પણ ચિંતા રહે છે. તાત્કાલિક ડિલિવરીના ઓપ્શન પણ એમેઝોન, ફલીપકાર્ટ, સ્નેપડિલ જેવી કંપનીઓ આપે છે. પણ તેનો લાભ વધુ પૈસા આપવા છતા તહેવારોની મોસમમાં મળતો નથી.

.......