Mobile Chori books and stories free download online pdf in Gujarati

મોબાઈલ ચોરી

મોબાઈલ ચોરી

-વિપુલ રાઠોડ

એક સ્ત્રી હોવાથી વિશેષ કોઈ ખાસ સુંદરતા નહીં ધરાવતી, ખુબ જ સાધારણ જીંદગી જીવવા ટેવાયેલી નૈના માટે આજનો દિવસ પણ હંમેશાની માફક સામાન્ય હતો. પોતાની કાર લઈને ઓફિસ પહોંચી અને બે-ચાર વ્યક્તિઓ સામે ફક્ત કેઝ્યુઅલ હળવા સ્મિતની આપલે કરતાં તે પોતાના ક્યુબમાં જઈને ખુરશી ઉપર થોડી આરામથી બેઠી. સ્ટાફનાં અન્ય લોકો સાથે વધુ કોઈ સરોકાર ન રાખતી હોય તેમ તે ઓફિસમાં પ્રવેશી ત્યારે અન્યોએ પણ તેનાં આગમન કે હાજરીની વિશેષ નોંધ લીધી નહી. પોતે સ્ટાફમાં સૌથી વધુ આર્થિક સંપન્ન હતી અને નોકરી તેના માટે માત્રને માત્ર વ્યસ્ત રહેવાનું એક બહાનું માત્ર હતી. આમછતાં તેનાં વસ્ત્ર પરિધાનથી માંડીને શોખ અસાધારણ રીતે ખુબ જ સાધારણ રહેતાં. ખુબ જ ઓછા લોકો સાથે ભળવું અને ઓછું બોલવું તેની તાસીરનો એક ભાગ બની ગયો હતો. ઓફિસમાં કામ સીવાયનાં સમયમાં પોતાની એકલતા સાથે વાતો કરવી અને દિકરીએ બે વર્ષ પહેલા જન્મદિવસે ભેટમાં આપેલા કિંમતી સ્માર્ટફોનમાં માતૃભારતી એપ ઉપર વાંચન કરતાં રહેવું તેનો ક્રમ બની ગયેલો.

હંમેશાની માફક આજે પણ પોતાનું પર્સ ટેબલ ઉપર એક ખુણામાં મુકતા પહેલા તેમાંથી પોતાનો ફોન કાઢીને કોમ્પ્યુટરની બાજુમાં રાખી તેણે આજનાં કામનાં શ્રીગણેશ કર્યા. હજી તો તેનો જીવ કામમાં પરોવાય તે પહેલા જ દસ-પંદર દિવસ પહેલા નવા-નવા નોકરીએ લાગેલા નિત્યનું આગમન થયું. ખુબ જ ગરીબીમાં ઉછરેલો અને અત્યંત સાધારણ દેખાતો આ યુવાન હજી ઓફિસમાં નવો હોવાનાં કારણે સહકર્મીઓ તેનાથી અંતર રાખતાં હોય તેવું લાગતું હતું. બોલકો અને મળતાવડો નિત્ય બધાં સાથે હળીમળી જવાનાં તમામ પ્રયાસો કરી ચુકેલો પણ સામેના લોકોએ તેને હજી સુધી મચક આપી ન હતી, ભાવ આપ્યો ન હતો. એટલે તે આ ઓફિસમાં થોડું અસહજ અનુભવતો હતો. જો કે તેની નોકરીનાં પહેલા એક-બે દિવસમાં નૈનાએ તેને અન્ય લોકો કરતાં પ્રમાણમાં સારો અને પોતાનાં સ્વભાવ અનુસાર યથાશક્તિ, છતાં સારો પ્રતિભાવ આપેલો એટલે અવાર-નવાર પોતાની નવરાશમાં તે નૈના પાસે આવી જતો. ત્રણ-ચાર દહાડા નૈનાએ આ સાહજિક ગણ્યું પણ નિત્યનો આ ક્રમ નિત્યક્રમ બનવા લાગતાં નૈનાને આમાં અકળામણ થવા લાગેલી. આટલાં વર્ષની નોકરીમાં તેના બાજુમાં ભાગ્યે જ કોઈ આવી રીતે આવીને ગામ ગપાટા મારતું. વળી, પોતાની પ્રાઈવસી પણ નૈનાને છીનવાતી હોવાનું લાગવા લાગ્યું હતું.

ઓફિસનાં અમુક લોકોને બાદ કરતાં નૈના સહિત બધાને સામેથી ગુડમોર્નિગ કરતો કરતો નિત્ય પોતાના ટેબલ ઉપર કામે લાગી ગયો. નૈના પણ પોતાના કામમાં પરોવાઈ ગઈ હતી. આખી ઓફિસમાં લાયબ્રેરી જેવી શાંતિ પ્રસરી ગયેલી. એકાદ કલાકનો સમય પસાર થયો હશે ત્યાં જ નૈનાને સ્હેજ અચંબો પમાડે તેવી રીતે નિત્ય તેની પાસે ધસી આવ્યો.

'કેમ છો નૈના બેન?'

આજે પણ આ વ્યક્તિ સમય ખોટી કરશે અને પછી ફુરસદ નહીં મળે એટલે પોતાનું વાંચન નહીં થઈ શકવાનાં ડર સાથે નૈનાએ તેના ઉપર વધુ ધ્યાન નહીં આપતાં કહ્યું 'ફાઈન... આપને કામમાંથી નવરાશ પણ મળી ગઈ?' નૈનાએ પોતાનું કામ ચાલું રાખીને એવું ધાર્યુ હતું કે નિત્ય ત્યાંથી રવાના થશે પણ તેની આ ધારણા રોજની માફક ખોટી પાડતાં નિત્ય આવીને નૈનાની બાજુની ખુરશીમાં ગોઠવાઈ જતાં બોલ્યો 'કામ તો થોડું બાકી છે પણ થયું થોડી ફ્રેશનેસ પણ જરૂરી છે.'

નૈના પોતાના સ્વભાવ અનુસાર વધુ કોઈ પ્રતિક્રિયા નથી આપતી પણ નિત્યનું બકબક શરૂ થઈ જાય છે. 'આજે તો સવાર-સવારમાં ખુબ જ હેરાન થયો. પંચર પડ્યું, બે કિલોમીટર સ્કૂટર દોરવ્યું ત્યારે મારો મેળ પડ્યો. સારું છે તમારી જેમ કાર નથી નહીંતર ધક્કો મારીને હું ક્યારે પહોંચું?' આટલું બોલીને તે મોટેથી હસ્યો. જો કે નૈનાએ તેના મોટા અવાજથી અન્ય લોકોને કામમાં ખલેલ પડી શકે તે મતલબથી આજુબાજુ જોતાં નિત્ય હાસ્ય અટકાવે છે અને ટેબલ ઉપર રહેલા સ્માર્ટફોન સામે જોતા આગળ કહે છે, 'નૈના બેન તમારા જેવો જ ફોન ક્યારેક મારે પણ લેવો છે. આમાં મસ્ત ગેમ્સ ચાલે ને ! મને તો બાળપણમાં કોઈ ગેઈમ મળી નથી. હવે શોખ પુરા કરીશ.' આટલું બોલીને તે નૈનાને પુછ્યાવગર ફોન પોતાના હાથમાં લઈને ફંફોળવા લાગે છે. અગાઉ લગભગ છ-સાત વખત આવું બની ગયેલું. નૈનાબેને પોતાની નાખૂશી છતાં તેને હજી સુધી આવી રીતે ફોન નહીં અડકવા ટોકેલો નહીં. પરંતુ રોજ આવી રીતે આવીને ઘરોબો કેળવવાનાં પ્રયાસ કરનાર અને પોતાનાં ફોનમાં રમત કરવાં લાગતાં નિત્યથી હવે તે બરાબર ચીડાતી હતી અને નિત્યનાં નિકટતા વધારવાનાં પ્રયાસો પણ નૈનાને અસહજ લાગતા હતાં. ગુસ્સો પણ આવતો. જે અત્યાર સુધી નૈનાએ દબાવી રાખેલો.

'મારે ખરેખર ખુબ જ કામ છે' કહીને નૈનાએ નિત્યને ત્યાંથી રવાના થવા મોઘમ કહ્યું. નિત્ય પણ સમજદારી દેખાડતાં ત્યાંથી જતો રહ્યો. વધુ એકાદ કલાક પસાર થઈ ગયો. આ દરમિયાન પણ નિત્ય બે વાર નૈના નજીક આમતેમ ચક્કર મારી ગયેલો. નૈનાને હવે પોતાના કામમાં ઘણી રાહત થઈ ગઈ હતી. તેની કામની ઝડપ પણ હવે ઉતાવળી નહોતી. ત્યાં ફરીથી નિત્ય આવી પહોંચ્યો. 'નૈનાબેન, ચાલો ચા પીવા જઈએ.' નૈના હંમેશા એકલી જ ચા પીવા જતી. ઓફિસ જે બહુમાળીમાં હતી તેની સામે જ બરાબર ચાની કિટલી હતી. જે ચાવાળો નૈનાની પસંદનો મોળો ટેસ્ટ સ્પેશિયલ બનાવી આપતો. છેલ્લા થોડા દિવસોમાં એકાદ બે-વાર નૈનાએ નિત્યને ચા પીવામાં કંપની આપેલી. ત્યારે નૈનાએ નિત્યને ચાનાં પૈસા આપવા દીધા ન હતાં. નૈનાને પણ હવે ચા પીવાની ઈચ્છા તો હતી જ. આની સાથોસાથ નિત્યનો રોજીંદો વ્યવહાર પોતાને માફક ન હોવાનું મોકો મળ્યે કહેવાનું તેણે નક્કી કરી રાખેલું. એટલે તે હકારાત્મક ભાવે ઉભી થઈ.

'નૈનાબેન... આજે પૈસા આપવાનો વારો મારો. રોજેરોજ તમે આપો તે મને સારું નથી લાગતું. ભલે હું તમારી જેમ સુખી નથી પણ ચા તો મને પણ પોસાય.' ઓફિસમાંથી નીકળતાં વેત નિત્યની વાતો શરૂ થઈ ગઈ. ચાની કિટલીએ પહોંચતા સુધીમાં નિત્ય ઘણી બધી વાતો કરતો જાય છે. નૈના તેની આ વાતો સાંભળી-ન સાંભળી કરતી રહી. નૈનાને આવેલી જોઈને ચાવાળો તેની સ્પેશિયલ ચા બનાવવા લાગે છે અને હંમણા જ ચા પહોંચાડવાનો જવાબ માત્ર હાવભાવથી આપી દે છે. ત્યાં રાખવામાં આવેલી ખુરશી ઉપર બેઠા પછી ચા આવે તે પહેલા નૈના શક્ય તેટલાં ગળપણ સાથે પોતાની પ્રાઈવસી છીનવાતી હોવાની લાગણી પ્રગટ કરતાં પોતાના એકલતાપ્રિય સ્વભાવ વિશે નિત્યને ઘણું બધું કહે છે. નિત્યનો ચહેરો થોડો ઉતરી ગયો અને પોતાના કારણે નૈનાને આટલાં દિવસોમાં તકલીફ પડી હોવાનું જાણીને 'સોરી નૈનાબેન... હવે ધ્યાન રાખીશ.' કહીને મૌન થઈ ગયો. બન્ને વચ્ચે થયેલા આ વાર્તાલાપ દરમિયાન ચા આવી અને પીવાઈ ગઈ હતી. ત્યાંથી નીકળીને બન્ને ઓફિસ પહોંચી જાય છે પણ આ વખતે નિત્ય ખુબ જ ઓછું બોલ્યો હતો.

ઓફિસમાં બન્ને પોતપોતાના સ્થાન ગ્રહણ કરી ફરીથી ધીમેધીમે કામે લાગે છે. અચાનક નિત્ય પોતાની જગ્યાએથી ઉભો થઈ થોડા ઉતાવળા પગલે ઓફિસની બહાર નીકળ્યો. પોતાની બેઠક પાસેથી પસાર થયેલા નિત્ય ઉપર નૈનાનું ધ્યાન પડ્યું હતું પણ તે પોતાના કામમાં વ્યસ્ત રહી. થોડીવારમાં નિત્ય ફરીથી પાછો આવ્યો ત્યારે પણ તે નૈના પાસેથી પસાર થયો, બન્નેની નજર મળી પણ નિત્ય કંઈ જ બોલ્યા વગર પોતાની જગ્યાએ બેસી ગયો.

નૈના પોતાના કામમાંથી નવરાશ મળતાં હવે થોડું વાંચવાની ઈચ્છા થતાં ટેબલ ઉપરથી ફોન ઉપાડવા હાથ લંબાવે છે. ફોન ત્યાં નહોતો ! કદાચ પોતે ફોન બહાર કાઢવાનું ભૂલી ગઈ હોવાનું માનીને તે પોતાનું પર્સ ખોલીને જુએ છે પણ ત્યાંય ફોન ન હતો. પોતે ચા પીવા ગઈ ત્યારે ફોન સાથે લઈ ગઈ હતી કે નહીં એ પણ તેને બરાબર યાદ આવતું નથી. અચાનક તેના દિમાગમાં તિખારો ઝર્યો. છેલ્લા કેટલાંક દિવસથી નિત્યની નજર તેના ફોન ઉપર હતી અને પોતાને ગમતું ન હોવા છતાં તે હળવામળવાનાં પ્રયત્નો શા માટે કરતો હતો તે હવે નૈનાને સમજાવા લાગ્યું. અનેકવાર આવા ફોનની ઈચ્છા પણ નિત્યએ દર્શાવેલી અને તેની દાનત બગડી હોવાની મજબૂત શંકા નૈનાને થઈ. વળી, ચા પીધા પછી ઓફિસમાંથી નિત્ય થોડીવાર માટે બહાર પણ ગયો હતો. નક્કી એ ફોન બહાર ક્યાક સંઘરવા માટે જ ગયો હોવાનુ નૈના માનવા લાગી. નૈનાએ ટેબલ ઉપરનાં લેન્ડ લાઈનમાંથી પોતાના નંબર ઉપર કોલ પણ કરી જોયા. ફોન દરવખતે બંધ જ આવ્યો. હવે નૈનાને પાક્કી શંકા હતી કે ફોન ઉપર નિત્યએ જ હાથ સાફ કર્યો. આવી જ રીતે ચાવાળાએ પણ કદાચ ફોન મળ્યા પછી લઈ લીધો હોઈ શકે. ચાની કિટલીએ ફોન ભૂલાઈ ગયો હશે તો બીજા કોઈ ગ્રાહકને પણ ફોન મળી ગયો હોવાનું નકારી શકાય નહીં. તેવા વિચાર પણ નૈનાએ કરી જોયા. જો કે અચાનક કોઈ ઉપર આવી રીતે આળ મુકવી પણ નૈનાને ઉચિત નહોતી લાગતી એટલે તે કેવી રીતે નિત્ય કે ચાવાળાને ફોન વિશે પુછવું તેવી ઉલઝનમાં પડી ગઈ.

ગૂમ થયેલા પોતાના ફોનની ચિંતા અને નિત્ય ઉપર શંકા વચ્ચે નૈનાનું મન બેચેની અનુભવતું હતું અને આમ જ કલાકો પસાર થતાં ગયા, ઓફિસ છૂટી પણ ગઈ. નિત્ય આજે નૈના કરતાં ઓફિસમાંથી વહેલો નીકળી ગયેલો. નૈના ઓફિસમાંથી નીકળતા પહેલા ફરી એકવાર પોતાના ટેબલ ઉપર ખાંખાંખોળા કરી જુએ છે અને પછી નિત્યનાં ટેબલને તપાસવા માટે પણ પહોંચી જાય છે. જો કે ફોન નિત્યએ લીધો હોય તો તેના ટેબલમાં છુપાવે એટલો તે મૂર્ખ નથી એવું માનીને નૈના તલાશી લેવાનું માંડી વાળે છે. જો કે ઓફિસમાંથી જતાં-જતાં તે પટ્ટાવાળાને કહેતી જાય છે કે તેનો ફોન મળે તો સાચવીને રાખે.

પોતાની દિકરીએ ગિફ્ટ કરેલો મોંઘો ફોન ખોવાયાની ચિંતા અને નિત્ય ઉપર ચોરીની મજબૂત શંકાની ઉધેડબૂનમાં તે પોતાની કાર લઈને બહાર રોડ ઉપર નીકળે છે. ત્યાં જ પેલા ચાવાળાની નજર પડી જાય છે અને 'નૈના બેન...' કહેતી મોટી બૂમ પાડે છે. નૈનાને અચાનક યાદ આવી જાય છે કે તે ચા પીવા આવી ત્યારે વાતોવાતોમાં પૈસા આપ્યા વગર જ જતી રહી હતી. એટલે ફટાફટ કાર સાઈડમાં પાર્ક કરીને પોતાના પર્સમાંથી પૈસા કાઢતા કિટલીએ આવી બોલી 'વાતોવાતોમાં પૈસા આપવાનું ભૂલી ગઈ હતી.'

'પૈસા તો તમારા સાથે હતા એ ભાઈ તમે લોકો ગયા પછી તરત જ પાછા આવીને આપી ગયેલા' કહેતા-કહેતા ચાવાળાએ પોતાના ખાનામાંથી ફોન કાઢીને નૈનાને આપ્યો અને બોલ્યો 'એ ભાઈ ઓછીવાર અહી તમારા સાથે ચા પીવા આવેલા છે એટલે ભરોસો તેના ઉપર કેમ કરવો? મેં એને ફોન આપવાનું ટાળ્યું અને ઘણાં બધા ફોન આવતાં હતાં એટલે પછી ફોન પણ બંધ કરીને મુકી દીધેલો. આજે ઘરાકી જાજી હતી તો તમને ફોન આપવા આવવાનું પણ ભુલાઈ ગયું.' મનમાં ફોન મળી ગયાનાં હાશકારા સાથે ભોઠપ અનુભવતાં નૈના ફોન લઈને આભાર માનતાં ત્યાંથી રવાના થઈ.

................................................