Vat Chade ke Vahal books and stories free download online pdf in Gujarati

Vat Chade ke Vahal

વટ ચડે કે વ્હાલ?

જયવંત પંડ્યા

પોલીસ સ્ટેશનમાં રેડિયો એફ. એમ. ચેનલ પર ગીત વાગી રહ્યું હતું :

માર દિયા જાય કિ છોડ દિયા જાય, બોલ તેરે સાથ ક્યા સુલૂક કિયા જાય.

‘સાયબ, છોડ દિયા જાય...’ આંખો નચાવતો ગામનો દારૂડિયો બોલી ઊઠ્યો. ‘ચૂપ સાલા,’ હવાલદાર સોલંકી બોલ્યો, ‘હમણાં હરુભા આવશે ને તો તારી ખેર નથી. તને પીતાંય નથી આવડતું. અમારી જેવું શીખ. પીએ તો ખબર ન પડવી જોઈએ.’

‘પણ સાયબ, તમે તો પોલીસ ઇસ્ટેશનમાં જ નોકરી કરો સો, તમને ઇ હરુભા કંઈ ન કહે.’ દારૂડિયાને પીએ તોય ખબર ન પડે એ વાતનું રહસ્ય જાણવું હતું.

‘એલા ડોબા, અમે પીએ પણ બહાર પીએ. પોલીસ સ્ટેશનમાં એની ગંધેય ન આવે. હું હમજ્યો?’ સોલંકીએ સમજાવ્યું, ‘જો પોલીસ સ્ટેશનમાં એની ગંધ આવી જાય ને તો આ હરુભા સૌની પહેલા તો મને જ લોકઅપમાં પૂરે અને પછી કેવો ધબધબાવે એની તો હું કલ્પના પણ નથી કરી શકતો.’

‘શું ચાલે છે સોલંકી?’ બહારથી એક ઘેઘૂર અવાજ સોલંકીના કાને અથડાયો ને સોલંકીએ સીધા સડાક થઈ ને સલામ ઠોકી દીધી. ‘સાયબ, ઇ તો હું આ પશલાને સમજાવતો હતો કે દારૂ ન પીવાય. દારૂ બહુ ખરાબ ચીજ છે.’

‘દારૂ તો ખરાબ ચીજ છે જ સોલંકી, પણ એનાથી ય ખરાબ આ લઠ્ઠો છે. આટલા બધા લોકો લઠ્ઠામાં મરી જાય છે તોય આપણે એમાંથી શીખતા નથી.’ હરુભાએ પોતાનો પટ્ટો કાઢવાનું શરૂ કર્યું ને પશલાએ ગુનેગારની ટેવ મુજબ માર પડે તે પહેલાં જ રોકકળ શરૂ કરી દીધી. દયામણાં મોંઢે તે માફી માગવા લાગ્યો, ‘નહીં સાયબ, કોઈ દી’ નહીં પીવું. હંતોકડીના હમ. સાયબ રે’વા દ્યો.’

‘બિચારી સંતોકના સમ શું કામ ખાય છે? તારે વધારાની દીકરી છે? તને ઠમઠોરવો તો પડશે જ. આ – નહીં પીવું તે તો તું મારથી બચવા કહે છે. તને મારીશ નહીં ને તો તું સુધરીશ નહીં.’ હરુભા પટ્ટો કાઢી ચૂક્યા હતા. સટ્ટાક. એક ઘા પડ્યો ને ઘા પડ્યો એ પહેલાં તો પશલો બોલી ઊઠ્યો, ‘ઓય માડી રે. મારી નાખ્યો.’ સટ્ટાક. સટ્ટાક. સટ્ટાક. પટ્ટાના માર વધુ ને વધુ પડવા લાગ્યા. ત્યાં વચ્ચે સોલંકીએ પટ્ટો પકડી લીધો, ‘સાયબ, આને મારી નાખશો કે શું?’

‘મારી જ નાખીશ સાલાને, સંતોકના સમ ખાય છે.’

‘પણ હંતોક તો ઇની દીકરી છે.’

‘એ જ વાંધો છે, સોલંકી. દીકરી કંઈ વધારાની છે. આગળ પાછળ કોઈ છે એનું આ સંતોક સિવાય? સરસ મજાની ફૂલ જેવી દીકરી આપી છે. ઠામવાસણ કરીને કમાય છે ને આ પશલો ફૂલ જેવી સંતોકને હથેળીમાં રાખવાના બદલે એની જ કમાણીના પૈસા આ દેશી કોથળી પીવામાં વાપરી નાખે છે. ખીજ ન ચડે? અમસ્તુંય મને ગુનેગારોમાં ત્રણ પ્રકારના ગુનેગારો સામે સખત નફરત છે – એક તો, આ દારૂ પીએ તે, બીજું સ્કૂટર મારંમાર ચલાવે તે અને ત્રીજું કોઈની દીકરી- બહેનની છેડતી કરે તે. તને તો ખબર છે ને સોલંકી.’

‘હા સાયબ, પણ આજના દી’નો કોટા પૂરો થઈ ગયો. હવે હાઉં કરો. સાયબ, ક્યાંક એવું તો નથી ને કે તમને તમારાં દિવ્યાબા યાદ આવી ગયાં હોય...’ સોલંકી ગભરાતા ગભરાતા દબાતા સૂરે બોલ્યો.

ને પહાડમાંથી ઝરણું ફૂટે એમ હરુભાની આંખ ભીની થઈ ગઈ.

------------------------------------------

હરુભા જાડેજા. અમરેલી જિલ્લામાં એક નાના એવા ગામમાં પોલીસ ઇન્સ્પેક્ટર. છ ફૂટ ઊંચાઈને બાવડેબાજ કસરતી શરીર. પોલીસ ઇન્સ્પેક્ટરનું હોવું જોઈએ તેવું જ. આંકડેદાર મૂછો. રાતી આંખો. કાચોપોચો ગુનેગાર તો જોતાં જ ડરી જાય. ગામમાંથી એના બાઇક, જેને એ સ્કૂટર જ કહેતા, પરથી નીકળે એટલે ગામના ઉતાર જેવા લોકો, દારૂડિયાઓ, જુગારિયાઓ, નવરા બેઠાં પંચાત કરનારાઓ આઘાપાછા થઈ જાય. જો કોઈ છોકરો નિશાળે જવાના બદલે આડીઅવળી સંગતમાં ખેતર બાજુ બીડી ફૂંકતો હોય અને હરુભાની નજરે ચડે તો બીડી ફેંકી નિશાળે જવા હડી કાઢે. એવી એમની ધાક. કોઈનું સાવ નાનું છોકરું સતત રો- રો કરતું હોય ને માથી કોઈ વાતે છાનું ન રહેતું હોય તો, ‘શોલે’ના ગબ્બરસિંહની જેમ મા છોકરાને કહે, ‘એય હુઈ જા, નહીં તો હરુભા આવી પૂગહે.’ છોકરું શાંત ન રહે તો મૂછ મુંડાવી નાખવાની. મારી નહીં, એ હરુભાની!

આવા હરુભાથી ઘરમાં તેમનાં પત્ની પણ ફફડે. ન ફફડે તો એક તેમની દીકરી દિવ્યા અને તેમના મોટાભાઈ જોરુભા. જોરુભાની ડેલી અલગ હતી, પણ હક કરવા એ ઘણી વાર હરુભા પાસે આવી જતા. જોરુભાને હરુભા સાથે રહેવાનું ફાવતું નહોતું એટલે હરુભાએ જ અલગ મકાન લઈ દીધું હતું, નજીક જ. હરુભાને સંતાનમાં જે ગણો તે આ દિવ્યા. પહેલી ને છેલ્લી આ દિવ્યા જ. દિવ્યા પછી હરુભાએ કોઈ સંતાન ન કર્યું, બાકી ઈલા – તેમનાં પત્નીની તો ઈચ્છા હતી કે એકાદ ખોળાનો ખૂંદનાર આવી જાય. સાચું કહીએ તો તેમનાં પત્નીની જ નહીં, તેમના મોટાભાઈ જોરુભા અને સમાજના બીજા વડીલોની પણ ઈચ્છા હતી જે હરુભાએ કદી પૂરી ન કરી. ગામમાં રહેતા હોવા છતાં હરુભા ખૂબ જ પ્રગતિશીલ હતા. તેઓ ‘એક સંતાન બસ’ના સિદ્ધાંતમાં માનતા હતા. તેમને મન દીકરી દીકરાથી જુદી નહોતી. અરે, બીજા બધાં તો દીકરીને દીકરાની જેમ ઉછેરે, તેને દીકરાની જેમ જ કપડાં પહેરાવે, દીકરાની જેમ બોલતાં શીખવે, ‘હું ગઈ હતી’ના બદલે ‘હું ગયો હતો’ની જેમ. પણ હરુભાએ તો દિવ્યાને દિવ્યાની જેમ જ ઉછેરી. દીપકની જેમ નહીં. હા, બીજી બધી વાતોમાં નરમ હરુભા દિવ્યા નિશાળે જાય, સરખું ભણે, સરખાં કપડાં પહેરે, કોઈની ખોટી સોબતમાં ન આવી જાય તેનું પૂરતું ધ્યાન રાખે.

ગામમાં હજી બધી છોકરીઓ સાઇકલ પણ નહોતી ફેરવતી ત્યાં હરુભાએ પોલીસના ટૂંકા પગારમાં વેંત કરીને દિવ્યાને ઇ- બાઇક શહેરથી લાવી આપ્યું હતું. એનાથી તો જોરુભા અને તેમના જેવા અનેક લોકોના મોંઢા ચડી ગયા હતા, ‘હરુ, તું તો બહુ લાડ લડાવે છે તારી દિવ્યાને. સાસરે જશે પછી શું થશે?’ ત્યારે ગુનેગારો સામે ઘેઘૂર અવાજે બોલતા હરુભા મોટા ભાઈની સામે નીચા અને નમ્ર અવાજે કહેતા, ‘પણ હું વર અને સાસરું પસંદ કરીને જ દિવ્યાને વળાવીશ. દિવ્યાને કોઈ તકલીફ ન પડે એવું જ સાસરું ગોતીશ, મોટાભાઈ.’

દિવ્યા મોટી થતી ગઈ અને મોટી થતી ગઈ તેમ બધી રીતે કાઠું કાઢતી ગઈ હતી. રૂપનો તો અંબાર જ હતો. ગામના જુવાનિયાંવની તો આંખો એને જોઈને જ અંજાઈ જતી, પણ કોઈની હિંમત નહોતી કે એને બોલાવે. અરે! એને પોતાની પરણેતર બનાવવાની કોઈને મનમાંય કલ્પના નહોતી આવતી...બીજી બધી વાત તો પછી. કારણ? ભૂલેચૂકેય જો સપનામાં તરંગો રચાઈ જાય તો એ તરંગોને વિખેરી નાખતો એક કરડાકીભર્યો ચહેરો – આ હરુભાનો દેખાઈ જાય ને બધાં જ તરંગો વિખેરાઈ જાય. દિવ્યા દસમા ધોરણમાં આવી ત્યારે હરુભાએ એનું ટ્યૂશન બાજુના ગામમાં રખાવ્યું હતું અને ટ્યૂશનમાં દિવ્યાને એકલી મોકલતા. જોરુભાને ખબર પડી ત્યારે તેમણે હરુભાને ટપાર્યા પણ હતા, ‘હરુ, દીકરીને આમ છૂટો દોર આપ્ય મા. બીજા ગામે એકલી ન મોકલાય.’ પણ હરુભાએ હસતા હસતા કહ્યું, ‘બીજા ગામે શું, મોટાભાઈ, હું તો એને શહેર પણ એકલી મોકલવા તૈયાર છું. મારે મન દીકરી અને દીકરામાં કોઈ ફેર નથી.’

જોરુભા એના જવાબમાં કહેતા, ‘હરુ, તારે મન ભલે કોઈ ફેર ન હોય, પણ ઈશ્વરે તો ફેર કર્યો છે ને. પુરુષ અને સ્ત્રી બેય એકસરખા નથી હોતા. બેયના કાઠીકદ જુદાં હોય છે. બેયનાં બંધારણ જુદાં હોય છે. સમાજ બેયને અલગ રીતે જુએ છે. કાલે હવારે ઇને કંઈ થઈ જાહે તો કોઈને મોઢું બતાડવા લાયક નહીં રહીએ, હરુ.’

‘એને કંઈ નહીં થાય મોટાભાઈ, ફિકર ન કરો. મેં એને એવી તૈયાર કરી છે કે કોઈ એની સામે આંખ ઊંચી કરીને જોઈ ન શકે.’

‘પણ ઈ તો તારી બીકના લીધે, હરુ.’

‘ના, મારી બીક તો આ ગામમાં હોય. મેં તો એને એવી તૈયાર કરી છે કે એની સામે જોનારાની આંખ્યું કાઢી લે, મોટાભાઈ. મારા જેવી જ છે એ પણ.’

‘હરુ, તને સમજાવવો એટલે પથ્થર પર પાણી રેડવું.’ જોરુભા કંટાળીને સમજાવટ પડતી મૂકતા.

દિવ્યા હવે બારમા ધોરણમાં આવી હતી. બારમામાં તે ખૂબ મહેનત કરતી અને તેની મહેનત રંગ પણ લાવી. અમરેલી જિલ્લામાં તેનો પહેલો નંબર આવ્યો હતો.

જોરુભા હરુભાની ડેલી ખખડાવતા આવી પહોંચ્યા. તમને એમ હશે કે ભત્રીજીને અભિનંદન આપવા આવ્યા હશે, પણ ના. તેમનો ઈરાદો તો કંઈક બીજો જ હતો.

‘હરુ, હવે આ છોડીનું કંઈક વિચાર.’

‘હા, મોટાભાઈ, વિચારું જ છું. તેને અમદાવાદ મોકલીએ તો કેવું મોટાભાઈ?’

‘કેમ? અમદાવાદથી કોઈ માગું આવ્યું છે?’

‘માગું?’ હરુભા હસી પડ્યા. ‘અત્યારથી માગું ક્યાંથી આવે? હજુ તો એને ગ્રેજ્યુએટ થવાનું છે.’

‘એલા, હવે છોડીને કેટલું ભણાવવાનું હોય? હવે એને લાયક કોઈક સારો મૂરતિયો આ ગામ કે આજુબાજુના ગામમાંથી ગોતી નાખ્ય એટલે તારે બોજો ઉતરે. આ તો સાપનો ભારો...’

‘જોજો મોટાભાઈ, એવું ન બોલતા. દિવ્યા મારે મન સાપનો ભારો નથી. અને રહી વાત મૂરતિયાની. મને તો આ ગામમાંથી કે આજુબાજુના ગામમાંથી કોઈ સારા મૂરતિયા દેખાતા નથી. જે સારા હતા તે ભણવા ને કામધંધો ગોતવા અમદાવાદ કે રાજકોટ ચાલ્યા ગયા છે. આપણો જિલ્લો આમેય સૂકો ભઠ્ઠ. ન મળે વરસાદ કે ન મળે કામધંધો. બે પાંદડે થવું હોય તો અમદાવાદ કે રાજકોટની જ વાટ પકડવી પડે. આપણા સૌરાષ્ટ્રના નેતાઓએ પોતાના ખિસ્સા જ ભર્યા છે. સૌરાષ્ટ્રનો વિકાસ તો કર્યો જ નથી. બાજુમાં ભાવનગર છે. એ આપણા અમરેલી કરતાં કંઈક સારું પણ ન્યાંય એવું જ છે. આગળ પ્રગતિ કરવી હોય તો અમદાવાદ કે રાજકોટ સિવાય છૂટકો નથી.’ હરુભા એકશ્વાસે બોલી રહ્યા.

‘તો હું તું છોડીને અમદાવાદ પરણાવીશ? ત્યાંની રીતભાત અલગ- ત્યાંના વહેવાર અલગ. છોડીને ત્યાં ગોઠશે?’

‘ગોઠશે, મોટાભાઈ. હું તેને અમદાવાદ ભણવા મોકલી રહ્યો છું. કોમર્સ કરાવીને સીએ કે એલએલબી કરાવવું છે.’

‘હરુ, તું કોઈને ગાંઠતો નથી.’ એમ કહીને ફરી એક વખત જોરુભા નિરાશ થઈને પાછા ફર્યા.

અને હરુભાએ મનનું ધાર્યું જ કર્યું. ઘરવાળાંનું પણ ન સાંભળ્યું ને, બાકી ગામમાં જ પિયર ધરાવતા તેમનાં પત્ની ઈલાબાની પણ ઈચ્છા ‘છોડીને હવે ઠેકાણે પાડવાની હતી’ અને દબાતે સૂરે તેમણે ઈચ્છા પણ વ્યક્ત કરેલી ત્યારે હરુભાએ તેમની ટેવ મુજબ એક જ વાક્ય કહેલું, ‘બેસ હવે તું તારે. તને કંઈ ખબર ન પડે.’

દિવ્યાને જ્યારે અમદાવાદ હોસ્ટેલમાં ને ...કોલેજમાં દાખલો અપાવવા હરુભા રવાના થતા હતા ત્યારે ઈલાબાએ આંસુ સારી લીધાં હતાં. પણ દિવ્યાય હરુભા પર ગઈ હતી. ‘બા, તમે રુઓ છો શું કામ? હું થોડી અમેરિકા જઈ રહી છું. અહીં અમદાવાદ તો જાઉં છું. પાંચ કલાકનો રસ્તો છે. ઈચ્છા થશે ત્યારે બસમાં બેસીને આવી જઈશ. તમને ઈચ્છા થાય ત્યારે તમે આવી જજો.’ દિવ્યાની આંખમાં આંસું નહોતા. તેની આંખમાં તો કંઈક બનવાનાં સપનાં અંજાયેલાં હતાં. દીકરીને દાખલો અપાવીને હરુભા પાછા ફર્યા ત્યારે જોકે તેમની આંખ જરૂર ભીની હતી અને તે ને પણ દેખાયું નહોતું.

---------------------------------

અને એક દિવસ...

‘સાયબ,’ પોલીસ સ્ટેશનમાં સોલંકી ગભરાતા ગભરાતા બોલતો હતો, ‘સાયબ, તમે મારો નહીં તો એક વાત કહેવી સે.’

‘બોલ, સોલંકી બોલ.’ હરુભા ખુશ હતા કેમ કે આજે જ દિવ્યાનું પરિણામ આવ્યું હતું. દીકરી કોમર્સમાં ત્રીજા અને છેલ્લા વર્ષમાં ડિસ્ટિક્શન સાથે પાસ થઈ હતી.

‘સાયબ, વાત એવી સે ને કે...’ સોલંકીની જીભ થોથવાતી હતી.

‘સોલંકી, બોલ, ગભરામા.’

‘સાયબ, વાત એવી સે ને કે બીક જ લાગે.’

‘કેમ ભૂત બૂત જોયું છે?’ હરુભા ખુશ હતા ને બે ઘડી ગમ્મત કરવાના મૂડમાં પણ.

‘ના સાયબ, ભૂત બૂત નથી જોયું, બીક તો તમારી લાગે છે?’

‘કેમ? હું ભૂત જેવો લાગું છું?’ હરુભા આજે તો પોતાની પણ મજાક કરી રહ્યા હતા.

‘સાયબ, હું કામ ઠઠ્ઠો કરો સો? આ વાત એવી સે ને કે તમારી બીક લાગે સે. તમે વચન આપો કે વાત હાંયભ્ળા પછી મારસો નહીં.’

હરુભા હવે ગંભીર થયા. નક્કી કંઈક મહત્ત્વની વાત હોવી જોઈએ. તેમણે કાન સરવા કર્યા અને સોલંકીને વચન આપ્યું. ‘સોલંકી, બોલ, ધરપત રાખીને બોલ. હું તને કંઈ નહીં કરું.’

‘સાયબ, ઈ...ઈમાં તો એવું સે ને કે હું અમદાવાદ ગયો હતો. ત્યાં મારો એક સગો પોલીસ સ્ટેશનમાં જ છે. ઘણા વખતથી ઈ બોલાવતો’તો...પાર્ટી કરવા.’

‘તો એમ વાત છે ત્યારે. તું છાંટો પાણી કરીને આવ્યો છે અને એટલે તને મારી બીક લાગે છે.’ હરુભાના જીવ હેઠો બેઠો.

‘સાયબ પૂરી વાત તો હાંભળો. ત્યાં ગયો ત્યારે ઈ મારા મામાના દીકરા ભાઈએ મને વાત કરી કે આપણી દિવ્યા...’ સોલંકી અટકી ગયો.

‘શું થયું દિવ્યાને? હરુભાનો જીવ પાછો અધ્ધર ચડ્યો. ‘શું થયું એને બોલ, સોલંકી, જલદી બોલ.’

‘પણ સાયબ, તમે મને મારસો તો નહીં ને.’

‘સોલંકી,’ હરુભાનો અવાજ હવે ઊંચો થયો હતો, ‘તું નહીં બોલે તો તને હવે મારીશ. બોલ, જલદી બોલ.’

‘સાયબ, દિવ્યાને મારા ઈ ભાઈએ કોઈ છોકરા હારે ફરતા જોઈ. ઈ પણ બગીચામાં.’

‘સોલંકી,’ હરુભાના અવાજનો સૂર હવે ઘણો ઊંચો થઈ ગયો, ને એમાં કરડાકી પણ ભળી હતી, ‘તને ખબર છે ને તું કોની દીકરી વિશે વાત કરે છે? તેં પીધો તો નથી ને?’

‘સાયબ, પૂરા ભાનમાં જ આ વાત કરું છું ને મારા ઈ ભાઈને તો ક્યારેક ફોન પર વાત થતી હોય ને તમારી વિશે તો બહુ વાત થતી હોય. તમારા ગુણ તો મેં બહુ ગાયા છે ઈની આગળ. એ તો મને એવુંય કહે કે સારું છે, તમારા એ હરુભા અહીં આગળ નથી. નહીં તો બોસ, આપણને તો મજા જ ન આવે. આપણે તો રોજ પાર્ટી કરવા જોઈએ. એટલે ઈ મારા ભાઈને ખબર છે કે દિવ્યાબા ત્યાં ભણે છે. મેં તેને તેનું ધ્યાન રાખવા જ તમારા કહેવાથી જ કામ સોંપેલું, ભૂલી ગયા સાયબ?’

‘હા, હા યાદ છે, પણ એ નશાખોરને બરાબર દેખાયું નહીં હોય. નશામાં હશે ને બીજા કોઈનો ચહેરો દિવ્યા જેવો દેખાયો હશે.’ હરુભા હજુ માનવા તૈયાર નહોતા.

‘સાયબ, મેં પણ ઇને ઇ જ કહ્યું. એટલે ઇ મને એક વાર સીધો બગીચે લઈ ગયો અને મેં મારી સગી આંખે જોયું ત્યારે મારી આંખ્યું પણ ફાટી ગઈ, સાયબ, આંય આપણા ગામમાં સીધાસાદાં લાગતાં દિવ્યાબાને નક્કી શહેરની હવા લાગી ગઈ છે સાયબ.’

સટ્ટાક. સોલંકીને જે વાતની બીક હતી તે જ થયું. હરુભાના મજબૂત હાથનો એક તમાચો સીધો જઈને સોલંકીના ગાલ પર નિશાન ઉપજાવી ગયો.

ગાલને પંપાળતા પંપાળતા પણ સોલંકીએ કહ્યું, ‘સાયબ, તમારે મારવું હોય એટલું મારો. પણ વાત સાચી છે. દિવ્યાબાને પાછા બોલાવી લો, સાયબ. હજુ કંઈ બગડ્યું નથી.’

‘હા, સોલંકી, હજુ કંઈ બગડ્યું નથી. તને ઓલા વકીલસાહેબ યાદ છે – દીપક દવે?’

‘એ જ ને સાહેબ, જેને તમે હાઇ કોરટના કેસ અહીંથી મોકલાવો છો? કોઈકની મારફત તમને એની ભલામણ મળી હતી ને તમે ઇમનો ચહેરોય જોયો નથી, પણ આપણા સૌરાષ્ટ્રના છે ઈ સંબંધે તમે કેસો મોકલાવો છો. ઈ જ ને?’

‘હા, સોલંકી એ જ. દિવ્યાને એલ. એલ. બી.માં દાખલો અપાવીને એમની આગળ આસિ. તરીકે મૂકી દઈશ. એ ભલા માણસ મારી વાતની ના નહીં પાડે.’

---------------------------------

હરુભા બીજા જ દિવસે અમદાવાદ ગયા ને દિવ્યાને દીપક દવેના, સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો, ‘રખોપા’માં મૂકતા આવ્યા. પૂરી ભલામણ કરી દીધી. ‘દવેસાહેબ, તમારે હવે દિવ્યાનું ધ્યાન રાખવાનું છે. મને ખબર મળ્યા છે કે દિવ્યા મોટી થઈ છે અને કોઈકની હારે ફરે છે. અમારા ગામમાં આ વાત ફેલાય તો ભલભલા ગુનેગારોનું જીવવાનું હરામ કરી નાખતા આ પોલીસ ઇન્સ્પેક્ટર હરુભાને જીવવાનું હરામ થઈ જશે.’ દીપક દવેએ તેમને ખાતરી આપી, ‘હરુભા, તમે કોઈ જાતની ચિંતા કરો મા. તમારી દીકરી દિવ્યા એ મારી બહેન.’ હરુભાને પૂરી ખાતરી હતી કે દીપક દવે આગળ તેમની દીકરી સલામત છે. આમેય દીપક દવે પરણેલા હતા અને તેમની છાપ અમદાવાદમાં જ નહીં, સુરેન્દ્રનગરમાંય સારી હતી. સગવડ ન હોય અને ફરિયાદી સાચો હોય તો તેનો કેસ તો મફત લડી દેતા. ખમતીધર હોય તેને ખંખેરી પણ લે. હરુભાને હવે કોઈ ચિંતા નહોતી.

---------------------------------

પણ થોડા દિવસ પછી...

હરુભાએ લોકઅપમાં ગામની એક યુવતીની છેડતી કરનારને એવો ધિબેડ્યો હતો કે આ જનમમાં તો શું, આગામી સાત જનમમાં પણ એણે બધી યુવતીનું માબહેન માનવાનું પ્રણ લઈ લીધું. રસ્તામાં એક બાઇકસવાર હરુભાની હડફેટમાં આવી ગયો કારણકે તે બધાને હડફેટે લેતો ‘ધૂમ’ સ્ટાઇલમાં બાઇક ચલાવતો હતો.

ગામવાળાને થયું કે ગમે તે હોય, નક્કી હરુભા ખિજાયેલા છે. પણ હરુભાની ખિજનું કારણ આ ગુનેગારોના ગુના ઉપરાંત સોલંકીએ, પોલીસની ભાષામાં કહીએ તો, આપેલી ‘બાતમી’ હતી. સોલંકીને તેના મામાના દીકરા ભાઈએ કહ્યું હતું અને વાત એ જ કે દિવ્યાબા હજુ પણ એ જ છોકરા સાથે હરેફરે છે. હરુભા દીકરીની વાતનો રોષ અને ગુનેગારોના ગુનાનો રોષ ઠાલવીને ઘરે જઈને કંઈક શાંત થયા. પૂરા તો શાંત થયા જ નહોતા. ઈલાબાને પણ લાગ્યું કે નક્કી, ઇમને કંઈક ખિજ ચડી સે. કોઈ વાત વગર ન ખિજાય, પોલીસ ભલે રહ્યા.

થોડી વાર પછી હરુભા દીપક દવે સાથે મોબાઇલ પર વાત કરી રહ્યા હતા અને આ તરફ અંદરના ઓરડામાંથી ઈલાબાના કાન હરુભાના હોઠમાંથી પ્રગટતા અવાજને પકડવા મથી રહ્યા હતા કારણકે અમરીશ પુરી જેવા ભારે અવાજવાળા હરુભા આજે નરમઘેંસ જેવા થઈને દબાતા સૂરે બોલી રહ્યા હતા, ‘દવેસાહેબ, તમારા રખોપામાં મારો કાળજાનો કટકો સોંપ્યો હતો. પણ મને હજુય સમાચાર મળ્યા રાખે છે કે એ તો બહાર હરેફરે જ છે. તમારા પર ભરોસો હતો સાહેબ. તમારા વિશ્વાસે વહાણ છૂટું તરતું મૂક્યું હતું, સાહેબ.’

સામેથી દીપક દવે શું બોલતા હશે તેનો ઈલાબા માત્ર અંદાજ જ લગાવી શકતાં હતાં. પૂછવાની હિંમત તો હતી નહીં. પણ હરુભાની વાતચીત પૂરી થયા પછી હામ ભેગી કરી જ લીધી, ‘હું વાત છે? કિમ આટલા બધા ગરમ સો?’ ‘હવે ઇ તમને બૈરાની જાતને ખબર ન પડે.’ હરુભાએ તેમનો તકિયાકલામ જેવો હરહંમેશ અપાતો જવાબ આપી દીધો. હરુભા પોતે પતિ-પત્ની કે દીકરા- દીકરીની અસમાનતામાં નહોતા માનતા પણ જ્યારે વાત ટાળવી હોય ત્યારે તેમનો આ જવાબ કાયમી રહેતો.

ધીમેધીમે સોલંકીની જીભનું થોથવાવાનું પ્રમાણ વધી રહ્યું હતું. તેના મામાના દીકરા ભાઈના ફોન પણ . આ તરફ હરુભાની દીપક દવે સાથે વાતચીત અને લોકઅપમાં કે ગામમાં ગુનેગારો પર હરુભાના ગુસ્સાનું પ્રમાણ પણ.

વાત હવે ગામમાં પણ ધીમેધીમે આગની જેમ ફેલાઈ રહી હતી. કંઈ સોલંકીના એકલાના જ સગાં થોડા અમદાવાદમાં રહેતા હતા? ચરોતરમાં જેમ દરેકના ઘરમાંથી કોઈને કોઈ અમેરિકા કે લંડનમાં વસે છે તેમ જ સૌરાષ્ટ્રના લગભગ દરેક ગામમાં અને શહેરમાં દરેકના ઘરમાંથી કોઈને કોઈ અમદાવાદ વસવા લાગ્યા છે. વાતનું ફેલાવું અને હરુભાની ધાકનું વ્યસ્તપ્રમાણ હતું એ ગણિતજ્ઞ સારી રીતે સમજી શકે, પણ જે ન સમજી શકે તેમના માટે, જેમ જેમ વાત ફેલાતી ગઈ તેમ તેમ હરુભાની ધાક ઘટવા લાગી. હરુભાની પાછળ પાછળ વાતો થવા લાગી. ‘ઇમની સોડી તો અમદાવાદમાં સાનગપતિયાં કરે સે ને પાસો મૂઓ અમારા દીકરાને હમજાવા હાયલો સે.’ ‘હરુભાની સોડી આવું કરે ઇ માનવામાં નથી આવતું હોં.’ ‘બિચારા હરુભા, કેટલાં લાડથી સોડીને મોટી કરી સે. ઇમને આવા દિવસો જોવાના આયવા?’ જેટલાં મોંઢા એટલી વાતો.

જોરુભા તો હરુભાની આગળ આવીને કહી ગયા, ‘જોયું ને, મેં કીધું’તું, મારી વાત ન માયનો. સોડીને ગામમાં જ પયણાવી દીધી હોત તો નજર હામે તો રે’ત. ગઈ ને સોડી હાથમાંથી?’ હરુભા નીચી મૂંડીએ મોટાભાઈની વાત સાંભળતા રહ્યા. એ સિવાય કંઈ છૂટકો ય નહોતો.

-------------------------------------

એ દિવસે પોલીસ સ્ટેશનમાં સોલંકી ઊંચોનીચો થતો હતો. ના, આજે એની જીભ નહોતી થોથવાતી, પણ ‘સાયબ’ની વાત સાંભળીને ગુનેગારના ધબકારા પોલીસ ઇન્સ્પેક્ટરના મારથી વધી જાય તેમ જ વધી ગયા હતા. એ ઈશારાથી હાથ હલાવીને એના ‘સાયબ’ને આવું ન કરવા કહી રહ્યો હતો. ગમે તેમ તોય દિવ્યાને એણેય નાનપણથી જ મોટી થતી નજર સામે જ જોઈ હતી. એના ‘સાયબ’એ એને ઘરના સભ્યની જેમ જ રાખ્યો હતો, ભલે કોઈક દી’ વઢી લેતા, મારી લેતા, પણ એ તો એના ‘સાયબ’ હતા. એટલો હક આપ્યો હતો એણે એના ‘સાયબ’ને, કંઈ આજના વાલીઓ જેવો થોડો હતો જે તેમનાં સંતાનોને સુધારવા શિક્ષકોને મારવાનો હક પણ આપતા નથી ને સંતાનોને ટપારવાના બદલે તેમનું ઉપરાણું લઈને ફરિયાદ કરવા દોડી આવે છે? જોકે એના ‘સાયબ’ પણ આજના શિક્ષકો જેવા નહોતા કે જે મોંઢામાં ગુટખા ચાવતા હોય, એના જેવા હવાલદાર આગળ ઘરનાં કામ કરાવતા હોય કે પછી એના સી. આર.ના નામે બ્લેકમેઇલ કરતાં હોય, શિક્ષકો જેમ માર્કના નામે ટ્યૂશન માટે બ્લેકમેઇલ કરે છે તેમ જ.

સોલંકી આકળવિકળ થઈ રહ્યો હતો. એના કાને હરુભાના શબ્દો પડી રહ્યા હતા. અને આજે હરુભા નરમ ઘેંસ જેવા નહીં, એમના મૂળ ભારેખમ અવાજમાં બોલી રહ્યા હતા, ‘દવેસાહેબ, તમારી પાસે આવી અપેક્ષા નહોતી. કહી દેજો, મારી દીકરીને, અરે! હું ભૂલ્યો, હવે એ મારી દીકરી શાની? મેં તો એના નામનું નાહી નાખ્યું છે. કહી દેજો એ કુલક્ષણીને, મારા અને એના હવે કોઈ સંબંધ નથી. એને જે કરવું હોય તે કરે. એના માટે હું અને એની મા બંને મરી ગયાં છીએ.’

વાત પૂરી થઈ ગયા પછી સોલંકી એના ‘સાયબ’ના પગ પકડીને રડી પડ્યો, ‘સાયબ, તમે ગુનેગારોને મારતા’તા ત્યારે મેં તમને કોઈ દી’ રોક્યા નથ, પણ આજ રોકું સું. દિવ્યાબાએ એવો તે કયો ગુનો કયરો સે કે તમે ઇ પંખી જેવી નિર્દોષ બાળને આવડી મોટી સજા આપો સો, સાયબ, ઇનો ગુનો હું?’

‘સોલંકી, એનો ગુનો એ કે એણે મારી આબરૂ ડૂબાડી. એના માટે મેં કેટલાંય સપનાં જોયાં હતાં. એણે એના પર પાણી ફેરવી દીધું. માન્યું કે એ એલ. એલ. બી. થઈ ગઈ. વકીલાત પણ શીખવા લાગી, દવેસાહેબ પાસે. પણ એ પેલા છોકરા સાથે ફરે છે એ હું ક્યારેય માફ નહીં કરું?’

‘પણ સાયબ, ઇ જુવાન તો ઓલ્યું કહે છે, સી. એ. સે. હિસાબ કરવાનો હોય ને. ઊંચી માયલી કામગીરી કરે સે. અને આપણા સૌરાષ્ટ્રનો જ સે, સાયબ. ઇ ધંધૂકાનો સે.’

‘સી.એ. છે, એ માન્યું, પણ એ પરનાતનો છે, સોલંકી. અમારા નાતવાળા – મારા મોટાભાઈ જોરુભા ક્યારેય એને જમાઈ તરીકે નહીં સ્વીકારે. પાછો એ ધંધૂકાનો છે. ઓલી કહેવત તો તે સાંભળી છે ને કે દીકરીને બંદૂકે દેવી પણ ધંધૂકે નહીં.’ સોલંકીને સમજાવતા હરુભાના સ્વરમાં થોડી ભીનાશ ભળી હતી એ સોલંકીએ જોયું.

‘પણ સાયબ, તમે ક્યાં ઊંચનીચમાં માનો સો. અને ધંધૂકા અહીંથી નજીક તો સે ને. અને સાયબ, તમે જ એક દી’ નો’તા કે’તા કે પાણીની તકલીફ તો બધે થવાની. મુંબઈમાં તો શરૂય થઈ ગઈ. તો પછી હવે દીકરીને ધંધૂકે દેવાના બદલે બંદૂકે દેવાની મમત સોડી દ્યો, સાયબ, તમારા પગે પડું.’

‘સોલંકી, એ નહીં માને ને તો એને બંદૂકે જ દેવી પડશે. કહી દેજે તું ગામવાળા બધાને. એના દસમાબારમામાં જમવા પહોંચી જાય.’

સોલંકીને લાગ્યું કે ગમે ઇ થાય, પણ આજે હરુભા નહીં જ માને.

ઈલાબાને જ્યારે ખબર પડી ત્યારે એમના માથે તો આભ જ તૂટી પડ્યું. એ હરુભાને સમજાવવા જાય ત્યાં તો જોરુભા આવી ચડ્યા હતા, હરુભાને ઓર ઉશ્કેરવા. ‘હરુ, તેં બરાબર જ નિર્ણય કર્યો સે. ઇ દિવ્યાએ તો આપણી આબરૂ ડૂબાડી. જરૂર પડે ઇને ગોળી મારતાય અચકાતો નહીં, જો મરદનું લોહી હોય તો.’

તે પછી બીજી વાર જ્યારે જોરુભા આવ્યા ત્યારે તેઓ ગુસ્સામાં હતા. ‘મેં હાંયભ્ળું કે તેં ઇ દિવ્યા હારે વાત કરી? તેં તો ઇના નામનું નાહી નાયખું’તું પસી હું સે? કે પછી બાપનું હૈયું પીગળી ગ્યું? તું ભૂલી ગ્યો હોય તો યાદ દેવડાવું કે ઇ દિવ્યાએ આપણને નીચા જોવા જેવું કયરું છે...હું કે’તો તો ત્યારે ન માયનો કે ઇ સોડીને આંયા આપણા ગામમાં જ પયણાવી દે.’

નીચી મૂંડીએ સાંભળતા હરુભાને કહેવાનું મન તો થયું કે મોટાભાઈ, તમે મારી દિવ્યાએ આબરૂ ડૂબાડ્યાની વાત કરો છો પણ તમારી રમલીય ક્યાં ઓછી છે? આપણા જ ગામમાં, આપણી જ નાતમાં લગ્ન કર્યાં છે અને તોય ઘણી વાર પીવાનું પાણી ભરવા જતી વખતે એની જુવાનીની તરસેય બાજુના ખેતરમાં ઓલા ગામના ઉતાર હારે છિપાવતી આવે છે.

પણ હરુભાની ભલમનસાઈ તેમને આવું કહેતા રોકતી હતી. જોરુભાને આ વાતની ખબર ન હોય તેવું પણ ન બને. એક વાર એ ગામના ઉતારને હરુભાએ ઠમઠોર્યો ત્યારે રમલી જ વચ્ચે પડી હતી ને હરુભાને કહ્યું હતું, ‘કાકા, તમે મારી વાતમાં ન પડો. નહીં તો તમારું માન નઈ રે.’

આ તરફ જોરુભાનું બોલવાનું હજુ ચાલુ જ હતું... ‘તને કીધું’તું, ત્રેવડેય હતી, એયને સરસ મજાનો પોલીસનો પગાર સે ને મરદાનગી પણ એવી જ સરસ મજાની સે તો બીજું સોકરું કર. ખોળાનો ખૂંદનાર પેદા કર. પણ ના. ધરાર ધાર્યું જ કર્યું. એક સોડી પસી હાઉં કરી દીધું.’

ફરી હરુભાના મોંઢે વાત આવતા આવતા રહી ગઈ કે, મોટાભાઈ તમારે તો ધીરુ છે જ ને, પણ એ કેવો પાક્યો છે? લઠ્ઠો પીને પડી રહે છે ને ગામની છોકરીઓની છેડતી કર્યા કરે છે. તમારી તો સહેજ પણ માનમર્યાદા રાખતો નથી. મને કહેવાને બદલે, મોટાભાઈ, તમારાં સંતાનોને બે બોલ શિખામણનાં આપ્યા હોત તો આવા ફાટીને ધૂમાડે ન ગયા હોત. મારી દીકરી દિવ્યાએ તો છોકરો જ પરનાતનો ગોત્યો છે ને.

જોરુભાનું બોલવાનું એકધારું ચાલુ જ હતું. ટીવી જોવાની ટેવ હોત તો હરુભાને લાગ્યું હોત કે આની કરતાં તો રાખી સાવંતને સહન કરવી સારી. અંતે તેમણે શરણાગતિ સ્વીકારી લીધી, ‘એ તો એ કહેવા મેં દિવ્યા સાથે છેલ્લી વાર વાત કરી હતી કે હજુ સુધરી જા, નહીંતર આપણા બાપદીકરીના સંબંધ નહીં રહે અને બહુ થયું ને નહીં માન તો અમદાવાદમાં આવીને ગોળી મારી દઈશ. ભલે મારે ફાંસીએ ચડી જવું પડે. આમેય ગુજરાતમાં હમણાં પોલીસવાળાઓને જેલના જ યોગ છે. એક વધુ પોલીસવાળો.’

‘તો ઠીક ભાઈ, બાકી આબરૂ ન જવી જોઈએ.’ જેમનાં સંતાનો આબરૂને જાહેરમાં લીલામ કરતાં રહ્યાં હતાં એ જોરુભા બોલ્યા ને એમના બળતા હૈયાને ટાઢક વળી.

એમની સાથે હવે ગામવાળાને પણ ટાઢક વળી ગઈ હતી. સોલંકીએ હરુભાને સમાચાર આપ્યા ને હરુભાએ જોરુભાને અને ઈલાબાને. એ સમાચાર ગામમાંય પહોંચી ગયા હતા. કંઈ સોલંકીના એકલાનાં સગાં થોડા અમદાવાદમાં રહે છે?

સમાચાર એમ હતા કે દિવ્યા પેલા પરનાતવાળા છોકરા સાથે લગ્ન કરીને મુંબઈ ભાગી ગઈ હતી. મુંબઈમાં ક્યાં રહેતી હતી એ ગામવાળા માટે શોધવું અઘરું નહોતું. સોલંકીની જેમ એમનાં સગાં મુંબઈમાંય હતા, પણ હરુભાની જેમ બધાએ એમ માનીને આશ્વાસન મેળવી લીધું હતું કે ‘ઘો ગઈ. મુંબઈ ગઈ તો એમ માનીશું કે મરી ગઈ. મુંબઈમાં તો બધુંય હાલે. અને હવે તો ગામડામાંય છોકરીયું છોકરીયું હારે, ઓલું બળ્યું હું કેસે? લેબિનય જેવું થવા લાયગું હોય તો મુંબઈમાં તો હાલે. મુંબઈમાં તો આપણે કો’ક દી’ જવાનું થાય. અમદાવાદ હોય તો હાલતાચાલતા જવાનું થાય. મુંબઈ કરતાં વધુ સગાં તો અમદાવાદમાં રહે. ઈ બધાં વારેઘડીએ સમાચાર પહોંચાડે ને આપણે દખી થવાનો વારો આવે. મુંબઈના માણહુંને તો એવો ટેમ જ ન મળે ને.’

ટૂંકમાં દિવ્યાના નામ પર ચોકડી મૂકાઈ ગઈ હતી, નહોતી મૂકાઈ તો માત્ર હરુભા અને ઈલાબાના મનમાં. હરુભા ઇ- બાઇક જોઈને કે દિવ્યાનો ફોટો જોઈને ઘણી વાર આંખ ભીની કરી લેતા અને ઈલાબા તો ઓશિકાં જ પલાળી મૂકતાં. હરુભા એમને સમજાવતા, ‘આપણે દીકરો નથી તો આપણને કંઈ દુઃખ છે? એમ માન કે આપણે દીકરીય નહોતી.’ ત્યારે ઈલાબા તો પોક જ મૂકતાં.

------------------------------------------

દિવ્યાના નામ પર ચોકડી મૂકાયાના થોડા દિવસ પછી હરુભા એમના ઘરમાં મોબાઇલમાં દીપક દવે સાથે વાત કરી રહ્યા હતા. એમનો અવાજ ફરી એક વાર નરમ ઘેંસ જેવો હતો, ‘દવેસાહેબ...’ ગળે ડૂમો ભરાઈ આવ્યો ને હરુભા આટલું જ બોલી શક્યા.

સામેથી દીપકભાઈ બોલી રહ્યા હતા, ‘કંઈ બોલવાની જરૂર નથી, હરુભા. દિવ્યાની લગ્નવિધિ બહુ શાંતિથી પતી ગઈ, પણ દિવ્યા બહુ રડી તમને અને ઈલાબાને યાદ કરીને, વધુ તો તમને યાદ કરીને. વિધિ પછી મને પગે લાગીને કહે, સર, મારા બાપુએ મને તરછોડી દીધી, પણ તમે સગા બાપ જેવી ફરજ નિભાવી છે, તમે અને ભાભીએ મારું ક્ન્યાદાન અને મારાં લગ્ન કરાવીને. ઊંચનીચમાં ન માનતા મારા બાપુ મારાં લગ્નના કેમ વિરોધી થયા? ગામવાળાની વાતમાં આવીને? અરે! અમે તો મુંબઈ સ્થાયી થવાના છીએ. ધંધૂકામાં નહીં. કમલેશને સી. એ. તરીકે ટાટામાં જોબ મળી ગઈ છે. વિલેપાર્લેમાં સરસ મજાનો વન બીએચકેનો એપાર્ટમેન્ટ લેવાનું પણ નક્કી છે, કમલેશના મિત્રે જ શોધી આપ્યો છે, સર. કોઈ વાતે ચિંતા નથી. એક સારી કંપનીમાં લિગલ એડવાઇઝર તરીકે મનેય જોબ મળી ગઈ છે. કોઈ વાતે ચિંતા નથી, સર. કોઈ વાર મારા બાપુ સાથે વાત થાય તો આ બધું કહેજો અને કહેજો કે એમણે ભલે મને તરછોડી દીધી હોય, હું તો આજેય તેમને એટલા જ યાદ કરું છું અને કહેજો કે એમની લાડલી દિવ્યાએ આમંત્રણ આપ્યું છે એમનું મુંબઈનું ઘર જોવા આવવાનું. ગામની શરમ નડતી હોય તો કોઈ વાર કંઈક બહાનું કાઢીને જોવા આવી જાય.’

દીપક દવેની વાત ચાલુ હતી અને આ તરફ હરુભા નાનપણમાં પણ ન રોયા હોય એવી રીતે બાળકની જેમ આંસુ સારી રહ્યા હતા, ‘તમે મોકલાવેલા એક લાખ રૂપિયા જ્યારે મેં દિવ્યાને આપ્યા ત્યારે તો એ એટલી રોઈ કે વાત ન પૂછો. એને તો એમ કે મેં જ એને આ રૂપિયા આપ્યા છે કરિયાવરમાં. મને તો એણે ભગવાનની જ ઉપમા આપી દીધી. એને ક્યાં ખબર છે કે તમે જ – એના વહાલા બાપે જ આ પૈસા મોકલાવ્યા હતા પેલા સોલંકી સાથે અને તેના લગ્નમાં તમારીય મૂક સંમતિ હતી!’

ફોન જોડ્યો ત્યારથી જ હરુભા કાને માંડીને ફોન પર વાત કરી શકે એવી સ્થિતિમાં નહોતા એટલે તેમણે મોબાઇલમાં સ્પીકર ચાલું કર્યું હતું. તેમને ખબર નહોતી પણ એમને પાણી આપવા આવેલા ઈલાબા આ આખી વાતચીત સાંભળી રહ્યા હતા. જ્યારે એમના કાને હરુભાના ‘દવેસાહેબ’ શબ્દો કાને પડ્યા ત્યારે એ ચમકી ગયાં હતાં. તેમને થયું કે નક્કી કંઈક દીકરીના ખબરઅંતર જાણવા મળશે અને એટલે હરુભાને પાણી આપવાના બહાને ઊંબરે આવી ગયાં.

દીપક દવેનો અવાજ મોબાઇલના સ્પીકર દ્વારા ઓરડામાં રેલાઈ રહ્યો, ‘હરુભા, દિવ્યા ને કમલેશ સાથે ફરતાં હતાં તે માહિતી તમને મળી ત્યારે જ દિવ્યાને તમે મારી સંભાળમાં મૂકી ગયાં હતાં. મેં કમલેશની તપાસ કરાવીને તમને કહ્યું હતું કે છોકરો ભલે બીજી જ્ઞાતિનો છે, પણ તેના સંસ્કારો ઊંચા છે. સી.એ.નું કરે છે અને એની ધગશ જોતાં એ સી.એ. થઈ પણ જશે. અને સી.એ. થયા પછી એ મુંબઈ તરફ જવા માગે છે એનો પણ મને અંદાજ છે. મેં તમને એ પણ કહ્યું હતું હરુભા કે બંને ભલે હરેફરે છે પણ દિવ્યામાં તમારા જ સંસ્કાર છે. એ કોઈ દિવસ તમારે નીચું જોવું પડે તેવું નહીં કરે. તમે જો ઊંચનીચમાં નહીં માનવાનું તેને ન શીખવ્યું હોત ને તો એ કદાચ આ બીજી જ્ઞાતિના છોકરાને જીવનસાથી તરીકે પસંદ પણ ન કરત. તે દિવસે તમને ધરપત થઈ હતી પણ તમે કહ્યું હતું કે તમારે ગામમાં રહેવાનું છે અને તમારી જ્ઞાતિમાં આવું સહન નથી થતું. આજકાલ ઓનરકિલિંગની ઘટનાઓ બને છે તેમાં જેમ દીકરીને મારી નાખવાની હદ સુધી કેટલાક ગાંડા લોકો જાય છે એવું તમારી નાતમાંય છે. પ્રાણ જાય પણ આબરૂ ન જાય, વટ ન જાય. એટલે તમે દીકરી સાથે છેડો ફાડીને ગામવાળાઓને ઠંડા પાડી દીધા હતા. પણ સામે તમે તમારી વ્હાલસોયી, જીવથી પણ વધુ પ્યારી અને અત્યંત લાડકોડથી ઉછરેલી દીકરીનું દિલ દુભાવ્યું જ નહીં, પણ તોડીય નાખ્યું તેનો અંદાજ તમને નથી હરુભા. હું તો કહીશ કે મેં મારી જિંદગીમાં આવો એક પણ કેસ જોયો નથી.’ સામે છેડેથી દીપક દવેના શબ્દોમાં ભીનાશ હરુભાને વરતાઈ આવી. તેમનો વારંવાર આભાર માનીને અને સામે છેડેથી દીપક દવેએ પણ તેમની પ્રશંસા કરીને વાત પૂરી કરી.

આ વકીલ – પોલીસ ઇન્સ્પેક્ટરની વાતોમાં બળાત્કાર, ખૂન, છેતરપિંડી, દગો, બનાવટના કિસ્સાના બદલે લાગણીભીના સંબંધોનો કિસ્સો ઈલાબાએ પહેલી વાર સાંભળ્યો. તેમની આંખોના ખારાં આંસુ તો ગ્લાસમાં રહેલા મીઠા પાણી સાથે એકરૂપ બનવા લાગ્યા હતા. ‘દિવ્યાના બાપુ,’ હરુભાની વાત પૂરી થઈ એ વખતે ઈલાબા આંસું લૂછતાં બોલ્યા, ‘મેં બધી વાત હાંભળી લીધી સે. તમે આવું હું કામ કયરું?’

હરુભા બોલ્યા, ‘તને નથી ખબર, એમ ન કરત તો મારી આબરૂ જે મેં ભેગી કરી હતી તે બધી ધૂળધાણી થઈ જાત. ગામમાં મારું માન ન રહેત. મને ખબર છે કે દિવ્યાએ મારી આબરૂ કંઈ નથી ડૂબાડી, પણ આપણી નાતના અને ગામવાળાઓને સમજાવવું બહુ મુશ્કેલ છે, ઈલા.’ થોડી વાર અટક્યા પછી એ બોલ્યા,

‘હાલ, હવે બહુ થ્યું...થોડો દિવસ પછી આપણે મુંબઈમાં સિદ્ધિવિનાયકના દર્શન કરવા નથી જવાનું? મોટાભાઈ કહેતા હતા કે તમારી દિવ્યાનો પ્રશ્ન ઉકેલાઈ જાય એના માટે મેં મુંબઈના સિદ્ધિવિનાયકની માનતા માની છે. તો તમે બંને વરબાયડી એકવાર મુંબઈમાં દૂંદાળા દેવના દરસન કરતાં આવજો.’