Maa joiae ke masi books and stories free download online pdf in Gujarati

માં જોઈએ કે માસી

માં જોઈએ કે માસી ?

‘માં’ ને સન્માન આપવું તે આપણી ફરજ છે, તો શું ‘માતૃભાષા’ને સન્માન આપવું તે આપણી ફરજ નથી?

‘અંગ્રેજો ગયા પરંતુ અંગ્રેજી અહી જ છોડતા ગયા’. આજના યુવા વર્ગને ‘thank you’ અને ‘sorry’ બોલવામાં પોતાનું અભિમાન નથી નડતું. પરંતુ ‘તમારો ખુબ ખુબ આભાર’ અને ‘મને માફ કરજો’ એવું વાક્ય ઉચ્ચારવામાં એમના સ્વાભિમાનને ઠેસ જરૂર પહોચે છે. આજનો યુવાન ‘please help me’ બોલતા અચકાતો નથી. પરંતુ ‘મહેરબાની કરીને મારી મદદ કરશો’ એવું બોલતા જરૂર અચકાય છે.

પરંતુ એક વાત સમજવા જેવી અને અનુભવવા જેવી છે. ‘તમારો ખુબ ખુબ આભાર’ અને ‘મહેરબાની કરીને મારી મદદ કરશો’ જેવા શુદ્ધ ગુજરાતી વાક્યના ઉચ્ચારણમાં જે લાગણી અનુભવાય છે તે લાગણી ‘thank you’ ‘sorry’ અને ‘please help me’ જેવા અંગ્રેજી શબ્દોમાં નથી અનુભવાતી.

ટેકનોલોજીના આ યુગમાં અંગ્રેજી શીખવું અનિવાર્ય છે. પરંતુ રોજીંદા જીવનમાં ગુજરાતી ભાષા છોડીને અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવો એ જરૂરી નથી. આજના વાલીઓએ અંગ્રેજી અભ્યાસ પાછળ ગાંડી દોડ મૂકી છે. દરેક માતા પિતા પોતાના સંતાનોને અંગ્રેજી સ્કુલમાં જ દાખલ કરવાનો આગ્રહ રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી સ્કૂલોની સંખ્યામાં નિરંતર વધારો થતો રહ્યો છે.

બાળક ક્યારેક શાળાએ મોડું પહોચે છે તો ‘હું અંદર આવી શકું?’ એવું પૂછવાને બદલે ‘મેં આઈ કમીન સર’ એવું જ વાક્ય ઉચ્ચારે છે. આવા પ્રશ્નનો વળતો જવાબ આપતી વેળાએ શિક્ષક પણ ‘હા’ કહેવાને બદલે ‘યસ’ એવું જ બોલે છે. શિક્ષક ‘આજે મોડું કેમ થયું?’ એવું પૂછવાને બદલે ‘આજે કેમ લેત થયું?’ એવું વાક્ય ઉચ્ચારી બેસે છે. શિક્ષક દ્વારા પુછાયેલ પ્રશ્નના જવાબમાં બાળક પણ ‘સોરી સર, બાત આજે બસ જ લેટ હતી’ એવો જવાબ આપે છે. ઉપરોક્ત તમામ વાક્યોમાં અંગ્રેજી તથા ગુજરાતી ભાષાનું મિશ્રણ થયેલ જોવા મળે છે. જ્ઞાન આપનાર શિક્ષક જ જયારે શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ કરવા સક્ષમ ન હોય તો બાળક ક્યાંથી શુદ્ધ ગુજરાતી વાક્યો ઉચ્ચારી શકે?

આપણી ભારતીય સંકૃતિને વિશ્વની સર્વ શ્રેષ્ઠ સંસ્કૃતિ માનવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના દેશના લોકો આપણી સંસ્કૃતિને, આપણા મુલ્યોને, આપણા સંકારોને ખુબ જ પસંદ કરે છે. પરંતુ આપણે આપણી જ સંકૃતિને છોડીને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળવા લાગ્યા છીએ.

માતાપિતા પોતાની મિલકત ગીરવે મુકીને પણ સંતાનોને ભણવા માટે વિદેશ મોકલે છે. આમ છતાં સંકારો તો ભારતના જ ઝંખે છે. પરંતુ સંતાનો જયારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીને પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે એ જ માતા પિતા પોક મુકીને રડે છે. અને પોતે કરેલ ભૂલ પર અન્ય સમક્ષ પસ્તાવો વ્યક્ત કરે છે. આજે આપણા દેશમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવવું ઉપલબ્ધ છે તો પછી સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ પારકી સંસ્કૃતિની વચ્ચે મોકલવાની જરૂર જ શી છે? આજનો યુવા વર્ગ વિદેશમાં જઈબીજા નીચે નોકરી કરવા તૈયાર છે પરંતુ પોતાના પિતાએ વર્ષોથી શરુ કરેલ વ્યવસાયને આગળ વધારવા તૈયાર નથી. આજના યુવાનને યુવતી તો જીન્સ અને ટી-શર્ટ પહેરતી જ ગમે છે. પરંતુ યુવતીના નકારો તો ભારતના જ જોઈએ છે. એ જ રીતે આજની મોર્ડન યુવતીને છોકરો તો મોર્દ્સ્ન જ ગમે છે. પણ એનું ચરિત્ર તો ભગવાન રામ જેવું હોય તો જ ગમે છે. આજના પુરુષને સીતા જેવી ચારિત્રવાન પત્ની જોઈએ છે પણ પોતાને મર્યાદા પુરુષોતમ રામ નથી થવું. અને આજની સ્ત્રીને ભગવાન શંભુ જેવો ભોળો ભરથાર જોઈએ છે પણ તેને પામવા માટે માતા પાર્વતી જેવું કઠીન તાપ નથી કરવું. આજ્નો યુવાવર્ગ ભાતીગળ ગરબા રમવા તો જાય છે પરંતુ ગરબા તો પાશ્ચાત્ય સંગીત પર જ રમે છે. “પહેરવેશ ભાતીગળ પણ નૃત્ય પાશ્ચાત્ય”.

આપણી એક માનસિક ખોટ છે. આપણે ગુજરાતમાં રહેવા છતાં, ગુજરાતી હોવા છતાં ચાઇનીસ, પંજાબી કે સાઉથ ઇન્ડિયન ભોજન વધુ પસંદ કરીએ છીએ. પરંતુ સાઉથમાં જઈને ઈડલી-સાંભર, ઢોસા ખાવાને બદલે ગુજરાતી ભોજન શોધતા ફરીએ છીએ. પંજાબમાં જઈએ ત્યારે પંજાબી વાનગી ચાખવાને બદલે ગુજરાતી ભોજનના સ્વાદ માટે તરસીએ છીએ.

હવે તો મોટાભાગની ફિલ્મો તથા સીરીયલોમાં પણ આપણી માતૃભાષાનો ઉપયોગ વધી રહ્યો છે. આપણા સૌની સૌથી પ્રિય સીરીયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ને અદભુત સફળતા મળવા પાછળનું સૌથી અગત્યનું પરિબળ આપણી માતૃભાષા અને આપણા સંકારો જ છે. આજે ગુજરાત સિવાય અન્ય રાજનું નાનું બાળક પણ આપણા ગુજરાતના સૌથી લોકપ્રિય ગીત માનું એક ગીત ‘ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીચ લેવી છે’ ગણગણીરહ્યું છે. કારણ કે આ ગીતની મુખ્ય કડી જ જેઠાલાલના મોબાઈલની રીંગટોન છે. તદ ઉપરાંત અનેક એવી સીરીયલો પ્રસ્તુત થઇ રહી છે કે જેમાં ગુજરાતી ભાષા તથા આપણા મુલ્યો, રીતરીવાજો અને માન્યતા સૌથી મોખરે રહેલ હોય છે. રામલીલા હિન્દી ફિલ્મ હોવા છતાં એમના ઘણા સંવાદો ગુજરાતીમાં લખાયેલ હતા. આ ફિલ્મની અંદર આપણા ભાતીગળ પહેરવેશ અને આપણી લોક્બોલીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. અને માટે જ આ ફિલ્મેં હિટ ફિલ્મોમાં સ્થાન મેળવી કરોડો રૂપિયાનો વેપાર કર્યો હતો.

ટુકમાં બીજાને તો આપણી માં ગમે છે પણ આપણને જ આપણી માં કરતા માસી વધુ વહાલી લાગે છે. આજનો માનવી પોતાની જન્મદાત્રી માં, ગાય માતા અને ધરતી માતાને સન્માન આપવા સક્ષમ નથી રહ્યો તો માતૃભાષાને સન્માન આપવા ક્યાંથી સક્ષમ હોય........

ધર્મિષ્ઠા પારેખ

૮૪૬૦૬૦૩૧૯૨