Youth World - Ank 1 - Part - 1 books and stories free download online pdf in Gujarati

યુથ વર્લ્ડ - અંક ૧ ભાગ ૧

અંક – ૧

ભાગ – ૧

ઓલનાઇન ગુજરાતી મેગેઝિન

Fb.com/YouthWorldOnline

આજનું મોતી

મહાન બનવા માટે ચુકવવી પડતી કિંમતનું નામ છે જવાબદારી.~ વિન્સ્ટન ચર્ચિલ ~


યુથ વર્લ્ડ વિશે

યુથવર્લ્ડની શરૂઆત ફેસબુક પેજ સ્વરૂપે થઇ હતી. પરંતુ જેમ જેમ વાંચકોનો સારો પ્રતિસાદ મળતો ગયો એમ એમ યુથ વર્લ્ડે વધારેને વધારે નવનીત પીરસવાનો પ્રયત્ન કર્યો. ફેસબુક પેજથી યુથવવર્લ્ડ GujjuWorld.net વેબસાઇટ પર આવ્યુ.

યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે.


અનુક્રમણિકા

૧. ક્રાઇમ ફાઈલ્સ - પ્રવિણ પિઠડીયા

૨. અવરોધ – ભાવિક મેરજા

૩. ધર્મક્ષેત્ર – જિતેન્દ્ર પટેલ

૪. કુદરતનો ઓટલો – મેહુલ સોની

૫. ભલે પધાર્યા – ભગવતી પંચમતીયા

૬. વેલકમ – ભાવિશા બુદ્ધદેવ

૭. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી

૮. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ

૯. માઇન્ડ ગેમ - પઝલ


૧. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવીણ પિઠડીયા

રોબરી - પ્રકરણ-૧

એચ.એફ.સી. બેંકની કેશ લઇ જતી વાન સોલા હાઇવે પર સાવ નધણીયાત હાલતમાં પડી હતી.( તેના થોડા કલાકો પહેલા..)

બ્રિકસ સીક્યુરીટીઝની એ વાન એચ.એફ.સી. બેંકના અમદાવાદ ડિવિઝનમાં આવતા તમામ એ.ટી.એમ. સેન્ટર સુધી કેશ પહોંચાડવાનું કામ કરતી હતી. સવારે રાઇટ નવ વાગ્યે વાને બેંકના હેડક્વાટર પરથી છ ટ્રંક ભરીને કેશ કલેક્ટ કરી હતી જે વાનના પાછલા બંધ બોડીના કંન્ટેનરમાં મુકવામાં આવી હતી. વાન સાથે કાયમ ત્રણ માણસો જતા. એક વાનનો ડ્રાઇવર અને બીજા બે બ્રિકસ સીકયુરીટીઝના હથિયારધારી માણસો. અત્યારે પણ એ જ વ્યવસ્થા ગોઠવાઇ હતી.

કેશની પેટીઓ સાથે એક ગનમેન પાછળના બંધ ડબ્બામાં ચડી બેઠો હતો જ્યારે બીજો ગનમેન આગળ ડ્રાઇવરની બાજુમાં ગોઠવાયો. વાન કેશ લઇને બરાબર નવ ને પચીસ મીનીટે બેંકની મુખ્ય શાખાએથી નીકળી ચુકી હતી. વાનનું પહેલુ સ્ટોપેજ સોલા ચાર રસ્તા ઉપર આવેલુ એ.ટી.એમ. મશીન હતુ. બેંકની મુખ્ય શાખાથી સોલા ચાર રસ્તા સુધીનું અંતર ૧૦ કી.મી.નું હતુ એટલે લગભગ પંદર-વીસ મિનીટમાં વાન ત્યાં પહોંચી ગઇ હતી. સોલાના એ.ટી.એમ. સેન્ટરમાં જરૂર પુરતી કેશ ભરીને વાન ફરી ત્યાંથી રવાના થઇ. આગળનું ડેસ્ટીનેશન મેમનગર રોડ ઉપર આવેલું મંગલતીર્થ પાર્ટી પ્લોટ પાસેનુ એ.ટી.એમ. સેન્ટર હતુ. સોલાથી મેમનગર મંગલતીર્થ એ.ટી.એમ. સુધી પહોંચતા વાનને કમ સે કમ અડધા કલાકનો સમય લાગે. મતલબ કે સવા દસથી સાડા દસની વચ્ચે વાન ત્યાં પહોંચવી જોઇતી હતી. આ તેનો કાયમનો ક્રમ હતો. તેમાં ભાગ્યે જ કયારેક ટ્રાફિકની સમસ્યા નડે તો બે-પાંચ મીનીટનો ફરક પડતો.

પરંતુ આજે અગિયાર વાગવા છતાં કેશ વાન મેમનગરનાં એ.ટી.એમ. એ પહોંચી નહી એટલે ત્યાં નોકરી કરતા ગાર્ડે બેંકની હેડ ઓફિસે ફોન જોડયો.

“ હેલ્લો સરજી.... ! હું પ્રકાશ રાઠોડ બોલુ છું. મંગલતીર્થ પાર્ટી પ્લોટ વાળા એ.ટી.એમ. સેન્ટરનો ગાર્ડ.....” તેણે ફોનમાં કહ્યું. સામાછેડે બેંકનો મેનેજર રાજન શેટ્ટી હતો.

“ હાં બોલ પ્રકાશ.....”

“ સરજી....આજે કેશ નથી આવવાની....?”

“ નથી આવવાની મતલબ....? વાન તો ત્યાં આવી જ હશેને..?” રાજન શેટ્ટીએ આશ્ચર્યથી પુછયું.

“ ના....હજુ સુધીતો વાન નથી આવી. એટલે મને થયું કે કદાચ આજે કેશ નહી આવે....જો એમ હોય તો મશીનમાં જેટલી કેશ છે એ ખતમ થઇ જાય પછી આવતા કસ્ટમરોને હું સુચના આપી દઉ...? “ પ્રકાશને મેનેજર શું કહેવા માંગે છે એ સમજાયું નહી અને તેણે પોતાની વાત ચાલુ રાખી.

“ અરે પણ વાન તો ક્યારની કેશ ભરીને અહીથીં નીકળી છે. સોલા એ.ટી.એમ.માં કેશ ડીપોઝીટ થઇ એવો મેસેજ પણ હમણાં આવ્યો છે એટલે વાન ત્યાં આવી જ હોવી જોઇએ...” મેનેજરે ધડકતા હદયે કહ્યું.

“ સાહેબ...તમે શું કહો છો એ મને સમજાતું નથી. પણ વાન અહી આવી નથી એટલે મેં તમને ફોન કર્યો છે....”

“ ઓ.કે....તું ફોન મુક....હું તપાસ કરુ છું કે મામલો શું છે...? થોડીવારમાં તને ફોન કરું છું....” રાજન શેટ્ટીએ કહ્યું અને ફોન મુક્યો. તેના મનમાં કંઇક અજુગતું બન્યુ હોવાના ભણકારા વાગવા લાગ્યા હતા. તાબડતોબ તેણે એ વાન સાથે ગયેલા બ્રિકસ સીક્યુરીટીઝના ગાર્ડનો નંબર જોડયો. ગાર્ડનો ફોન બંધ આવતો હતો. ભારે હેરાનીથી તે તેના હાથમાં રહેલા પોતાના ફોન ને તાકી રહ્યો. તેના કપાળે પરસેવો ઉભરી આવ્યો હતો.....

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા

વોટ્સએપ- ૯૦૯૯૨૭૮૨૭૮


૨. અવરોધ – ભાવિક મેરજા

જ્ઞાતિવાદ

ઞતિ એવો શબ્દ આવે એટલે તરત જ આપણે કાંઈક અલગ જ પ્રાઉડ ફિલ કરતા હોઈએ છીએ. પહેલો જ વિચાર એ આવે કે મારી જ્ઞાતિ બીજા કરતા ઉંચી.

હા,બધા ની જ્ઞાતિ તો ઉંચી જ હોય છે.પણ આપણે તો આપણી જ્ઞાતિ ને બીજી જ્ઞાતિ કરતા ઊંચી બતાવવા માં મશગુલ થઇ ગયા છીએ. એટલે તો આ જળહળતો મુદ્દો "જ્ઞાતિવાદ" ઉભો થાય છે.

જો આપણે જોવા જઈએ તો ઘણા બધા વર્ષો થી આ જ્ઞાતિવાદ ચાલતો આવે છે. કોઈ એક જ્ઞાતિ વાળા એવું કહે કે મારી જ્ઞાતિ ઉંચી. તો સામે બીજો એવું કહે કે મારી જ્ઞાતિ ઉંચી. તો ત્રીજો આવી ને એ પોતાની જ્ઞાતિ ને ઉંચી સાબિત કરવામાં લાગી જાય. અને પછી તો આપણે જાણીએ છીએ તેમજ કે પોતાની જ્ઞાતિ ને ઉંચી દેખાડવા એક બીજા સાથે બોલાચાલી અને છેવટે આક્રમકઃ રૂપ ધારણ થઇ જતું હોય છે. આપણે પોતાની જ્ઞાતિ ને ઉંચી બતાવવા માં આપણી જાત ને ખોઈ બેસતાં હોઈએ છીએ, કે આપણી જાત સાથે દગો કરતા હોઈએ છીએ.

શું કોઈ જ્ઞાતિ નીચી છે ખરી?
શું કોઈ જ્ઞાતિ ઉંચી છે ખરી?

હું તો નથી માનતો કે કોઈ જ્ઞાતિ ઉંચી કે નીચી હોય શકે. કદાચ આપણાં વિચારો ઉંચા નીચા હોઈ છે.
આ જ્ઞાતિવાદ ની સમસ્યા પુરા વિશ્વમાં ફેલાયેલી છે. આપણા ભારત દેશમાં ઘણા વર્ષોથી જ્ઞાતિ ના ભેદભાવ હતા. નીચી જાતિના હિંદુઓ,દલિતો અને બીજી ઘણી બધી નીચી જાતિઓ માટે ઘણું બધું કહેવાતું હતું.

આપણે એ પણ જાણીએ જ છીએ કે ભારતમાં અને આપણાં ગુજરાત માં જ્ઞાતિના ભેદભાવ ને કારણે ઘણા બધા કોમી રમખાણો થયેલા છે.અને ઘણા બધા નિર્દોષ લોકો એ પોતાના પ્રાણ પણ ગુમાવેલા છે..જો પોતાની જ્ઞાતિ નું એટલું બધું ગર્વ હોય તો પછી રમખાણો માં જે નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે તો એની કેમ કોઈ સાર-સંભાળ લેતું નથી? એના ફેમિલી નું વિચારે છે કોઈ?ના,કોઈ જ નહિ.આપણે બસ કાંઇક ટાઈમ પાસ કરવાનું જોઈએ છીએ.કોઈક સાથે ઝગડો કરવા જોઈએ છીએ આવી એક આદત પડી ગઈ છે.

મિત્રો,ભારત દેશ એ યુવા દેશ છે.ભારત દેશ પાસે જેટલું યુવા ધન છે એટલું વિશ્વ ના કોઈ દેશ પાસે નથી.
ભારતમાં થતા જ્ઞાતિવાદ ને જોતા એવું નથી લાગતું કે આ યુવાનીમાં શીખવાની ઘણી બાબતોમાં ની આ એક બાબત રહી ગઈ હોય!

જો આજ નો ભણેલો ગણેલો યુવાન ઉચ્ચ-નીચ ના ભેદભાવ કે ઉંચી નીચી જ્ઞાતિ કરે તો આવતી પેઢી પણ એ જ કરવાની ને!

બસ જયારે જ્ઞાતિ એવો શબ્દ સંભળાય એટલે યુવાનો ના મોઢાં માંથી એકજ શબ્દ નિકળવો જોઈએ કે,"થું!"

પહેલા તો એવું હતું કે કોઈ દલિત ઘરની બહાર નીકળે તો તેને પાછળ સાવરણી બાંધી ને નીકળવાનું.કેમ કે ત્યારે એવું મનાતું કે તેના પગલાં પર કોઈ બીજી ત્યારે સારી ગણાતી જ્ઞાતિ નો પગ આવે તો એ અભળાય જાય! ખરેખર તો આવું જે કરતા એ જ પોતે અભડાયેલા હતા.અને બીજું તો એ કે આપણને કોઈ હક નથી આવી જ્ઞાતિ ના વાળા બનાવવાનો કે આ જ્ઞાતિ ઉંચી અને આ જ્ઞાતિ નીચી."
જબ લોહી બનાને વાલે ને કોઈ ફર્ક નહિ રખા,
તો હમ કોન હોતે હૈ ફર્ક રખને વાલે!!"

આપણું તો કામ જ એવું છે કે,'એક બીજા વગર રહી પણ નથી શકતા અને એક બીજા સાથે રહેવા પણ નથી માંગતા!'

આ જ્ઞાતિવાદ ને જોઈ ને હિન્દી ની એક નાનકડી કવિતા મને યાદ આવે છે..

નફરતો કા અસર તો દેખો,
જાનવરો કા બટવારા હો ગયા..
ગાય હિન્દૂ હો ગઈ,
ઔર બકરા મુસલમાન..

યે પેડ યે પૌધે યે શાખે ભી
હૈરાંન હો જાયે..
અગર પરીન્દે ભી હિન્દૂ ઔર મુસલમાન
હો જાયે.

ધર્મ ઔર મસહબ કે નામ પે હમ,
રંગો કો ભી બાંટને જા રહે હૈ કી,
હાર મુસલમાન કા ઔર લાલ હિન્દૂ કા!

તો અબ યે દિન દૂર નહિ રહા કી,
જબ સારી હરિ સબ્જીયા મુસલમાન કી,
ઔર હિન્દૂ કે હિસ્સે મેં સભી ટમાટર ઔર ગાજર હી રહ જાયે!

અબ યે તડબુચ કા ક્યાં કરે,
યે તો બિચારા ઉપર સે મુસલમાન,
ઔર અંદર સે હિન્દૂ હૈ..

મિત્રો,આ વાત મજાક માં કહેવાયેલી છે પણ તેનો ભાવાર્થ ખુબજ ઊંડો છે.

આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ છીએ કે હું એકલો જ્ઞાતિવાદ નાબૂદ કરવા નીકળું તોય મારા એકલાથી શું થાય? તો મિત્રો Don't You Think કે હમારે અકેલે સે ક્યાં હોગા?એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે કોઈ પણ મોટી સફર ની શરૂઆત એક નાનકડા કદમ થી જ થતી હોય છે.તો એ નાનકડુ કદમ આપણે જ કેમ ના રાખીએ?અને આપણાં દેશ ને આ જ્ઞાતિવાદ ની સમસ્યા માંથી બહાર લાવીએ.

- ભાવિક મેરજા


૩. ધર્મક્ષેત્ર – જિતેન્દ્ર પટેલ

ધર્મ અને ૨૧મી સદી

બાળપણ થી ભણતા આવ્યાં છીએ કે પૃથ્વી ગોળ છે અને સૂર્ય ની આસપાસ ફરે છે.પરંતુ આ સત્ય આપણને બહુ સરળતા થી મળી ગયું છે જયારે આને મેળવવા પાછળ ઇતિહાસ માં બહુ ધમપછડા થયેલા છે.

પૌરાણિક ગ્રીક લોકો પૃથ્વી ને દરિયા ની નદી માં તરતી રકાબી માનતા હતા.પ્લેટો ના જમાના માં દુનિયા ને એક શરીર અને આત્મા વાળું સજીવ માનવામાં આવતું હતું. જેમ ઈસુ એ ક્રિશ્ચિયન ધર્મ ના સ્થાપક ગણાય છે , પ્રોફેટ મુહમ્મદ ઇસ્લામ ધર્મ ના એમ હજુ સુધી હિન્દૂ ધર્મ ના સ્થાપક જેવું કઈ બહાર આવ્યું નથી.

હિન્દૂ શબ્દ આવવા પાછળ બે માન્યતા છે :

૧. હિમાલય પર્વત અને ઈન્દુ સાગર પરથી આવેલો શબ્દ હિંદુ.

૨. આજ ના ઈરાન માં રહેતા સંતો એ સિંધુ નદી ના પૂર્વ માં રહેતા લોકો ને નામ આપ્યું.અને ધીરે ધીરે સિંધુ શબ્દ હિન્દૂ માં પરિવર્તિત થયો.

પછી ની સદીઓ માં આરબ, તુર્કી અને મુઘલ લોકો મધ્ય પૂર્વ એશિયા માંથી આવતા હતા અને એમને પેટા ખંડ માં રહેતા બધા લોકો ને હિંદુ કહ્યાં. અથાર્થ હિંદુ શબ્દ એ એક geographical લેબલ બન્યું.

ધીરે ધીરે પછી થી સંસ્કૃતિ આધારિત બન્યું કે આવા રીતિ રિવાજો પડતા લોકો ને હિન્દૂ કહેવા ! આમ હજુ સુધી હિન્દૂ શબ્દ એ ધર્મ આધારિત નહોતું.

હિન્દૂ ધર્મ માં આવતી અમુક માન્યતા પાછળ નું રહસ્ય :

કેમ મૂર્તિ ને ભગવાન માની ને પૂજવા માં આવે છે ?

રોજિંદા જીવન ના એક ઉદાહરણ ને સમજીએ તો જેમ હથિયાર અણી વાળું હોય એમ એ વધારે ઘાતક બને છે .વૈજ્ઞાનિક રીતે એનું કારણ એ છે કે જેમ અણીદાર ભાગ આવે એમ એનો એરિયા ઘટતો જાય આથી સ્ટ્રેસ ની વેલ્યુ વધે આથી બધો ફોર્સ ત્યાં કેન્દ્રિત થાય.

મૂર્તિ માં ભગવાન ની વિધિવત પ્રાણ પ્રતિષ્ટતા નું પણ એજ કારણ છે કે મનુષ્ય બે ઘડી માટે પોતાના વિખરાયેલા મન ને એક વિચાર માં કેન્દ્રિત કરી શકે. અમુક સમયે આ એકાગ્રતા માં કરેલો વિચાર હકીકત માં પરિણમે છે એવી પણ એક ગૂઢ માન્યતા છે.

સવામી દયાનંદ સરસ્વતી નામ ના વ્યક્તિ એ મૂર્તિપૂજા નો વિરોધ પણ કરેલો પણ એ ખોટા નહોતા કેમ કે લોકો મૂર્તિ પૂજા નો કંઈક અલગ જ અર્થ લેતા હતા.


21 મી સદી

આજ ની સદી ધર્મ ને સમજવા માં કાચી છે , યોગ્ય સિદ્ધાંતો ના આધારે ધર્મ એટલે શું એ સમજવા ને બદલે જો માથે તિલક કર્યું છે એટલે હિન્દૂ છે , ટોપી પહેરી છે તો મુસ્લિમ છે અને ગળામાં ક્રોસ છે તો ઈસાઈ પણ ખરેખર તો ધર્મ ની વહેંચણી કર્મ પ્રમાણે થાય છે , જો એક વ્યક્તિ ભલે મુસ્લિમ સમાજ માં જન્મ લે છે પણ એની રહેણી કરણી, ચાલ ચલન એ હિન્દૂ ધર્મ ગ્રંથો ના સુચવેલા માર્ગે છે તો અર્થ એ છે કે એ હિન્દૂ ધર્મ નો છે. આજ ની સદી પાસે ઇતિહાસ જાણવાનો સમય નથી, એટલે કદાચ કોઈ પૂછશે કે તું હિન્દૂ કેમ કહેવાયો તું? તો એની પાસે જવાબ નહિ હોય. રહી વાત મૂર્તિ પૂજા ની તો એ બાબતે અત્યારે ઘણી બધી અંધશ્રદ્ધા ઓ બની ગયી છે.

લોકો એવું માનવા લાગ્યા છે કે જો 2 કલાક મૂર્તિ સામે આંખો બંધ કરી ને બેસી રહીએ એટલે આપણી ધર્મ પ્રત્યે ની ફરજ પુરી હવે આપણું ભલુજ થવું જોઈએ! મંદિરે જવું અને ભગવાન ને પગે લાગવું એ હવે આજ કાલ ફેશન બનતી જાય છે.

હિન્દૂ ધર્મ નો પૌરાણિક ઇતિહાસ અને 21 મી સદી માં એની સ્થિતિ બંને બચ્ચે ખુબ જ ક્રાંતિ આવી છે , આશા છે કે આ ક્રાંતિ ભવિષ્ય ની યુવા પેઢી ને યોગ્ય માર્ગદર્શક બની રહે .

~ જીતેન્દ્ર પટેલ.


૪. કુદરતનો ઓટલો – મેહુલ સોની

વાત પ્રકૃતિની

જે સર્વત્ર છે અને જે કદી નાશ નથી પામતી તે પ્રકૃતિ. પ્રકૃતિ હમેંશા પોતાના નિયમ અનુસાર જ ચાલે છે..
પણ પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એ જ કુદરત અને એજ ઉર્જા જે પ્રકૃતિને અલગ અલગ સ્વરૂપે ઓળખીએ છીએ હકીકતે તે અવર્ણનીય સ્વરૂપનો આનંદ માણવા જેવો છે..


જ્યારે ફૂલો ખીલે વૃક્ષો ઉગે છે ત્યારે પ્રકૃતિ ખુશ થાય પરંતુ જ્યારે તે વૃક્ષોનું નિકંદન નિકળવા લાગે છે ત્યારે પ્રકૃતિ નારાજ થતી જ હોય છે

સમજવું આપણાં જ પર છે પ્રકૃતિને ચાહીશું તો પ્રકૃતિ આપણને ચાહશે જ.
કરામત કુદરત જ કરે છે અને ચમત્કારો પણ પ્રકૃતિમાં જ થાય છે.કુદરત પોતાના આયોજન પ્રમાણે જ ચાલે છે તેમાં આપણે અમુક પરિવર્તન જે (આમ તો માનવ સર્જીત હોય છે) તે કરી શકીએ છીએ બાકી કુદરતનું મેનેજમેન્ટ ખૂબ જ પરફેક્ટ હોય છે.
કુદરતની સિસ્ટમ અજાયબી જ છે..

જન્મ અને મૃત્યું એ સૌથી મોટો ચમત્કાર છે પરંતુ તે છે માત્ર કુદરતના હાથની જ વાત આપણે આજે ખૂબ જ પ્રગતી કરી રહ્યાં છીએ પરંતુ જો કુદરતને ભુલીને બીજા રસ્તે ચડી જઈશું તો પ્રગતીના નહી અધોગતીના દરવાજે જઈને ઉભા રહી જશું. કુદરત કે પ્રકૃતિ એટલે આ દુનિયામાં દેખાતી દરેક ઘટના કે વસ્તું પ્રકૃતિમાં કેટલું સુંદર છે જરા નિહાળો યાર.
સુરજમુખીનું ફુલ સુર્યની સાથે તે ફરતું જાય! લજામણીનો છોડ સપર્શ કરતા સંકોચાય જાય! અહો અદ્ભૂત આવા તો અનેક ઉદાહરણો છે

ઝરમર વરસતા વરસાદના ધરતી જ્યારે વધામણાં કરતી હોય ખેડૂતોને મન હર્ષ સમાતો ના હોય, દેડકાનું ડ્રાઉ-ડ્રાઉ અને પ્રેમી જનોમાં પ્યાર ભીંજાતો હોય, કામદેવ પણ પોતાનું બાણ લઈ અને નિશાન તાકવા લાગ્યાં હોય,ભીની માટીની સુગંધ (અહા સુગંધમ) આવવા લાગી હોય બાળકો વરસતા વરસાદમાં પ્રકૃતિની ગોદમાં મન મુકીને રમવા લાગ્યાં હોય અને એ પ્રકૃતિ આકાશમાં સુંદર સર્જન કરે જેને આપણે રેઈન્બો (મેઘ ધનુષ) કહીએ છીએ તે જોવાનો લહાવો અનેરો હોય છે. ચાલો જોઈએ પ્રકૃતિ શું આપે છે અને આપણે પ્રકૃતિને શું આપી શકીએ પ્રકૃતિ સતત આપણાંને કંઈકને કંઈક આપતી જ રહે છે પ્રકૃતિમાંથી જીવનદોરી એવો ઓક્સિજન વાયું, પાણી,પવન,પ્રકાશ વૃક્ષ,ફળ,ફુલ વગેરે પ્રકૃતિની જ દેણ છે
કહે છે પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય એમ પ્રકૃતિ શરીર સાથે પણ જોડાયેલી છે. પ્રકૃતિ હમેંશા તટસ્થ હોય છે તે સમાન હોય છે.
જલ,આકાશ,વાયું, પૃથ્વી,અને અગ્નિ આ પંચમહાભુતથી બનેલી સૃષ્ટિ એ જ પ્રકૃતિ છે.

પ્રકૃતિ પ્રેમાળ છે દરેક જીવ માટે. અને પ્રકૃતિ વિનાશકારી પણ બને છે જ્યારે પ્રકૃતિના વિરોધી કાર્યો થાય છે ત્યારે પ્રકૃતિ કંઈક ને કંઈક વિનાશ સર્જે છે. આપણે પ્રકૃતિને શું આપીએ છીએ? જંતુનાશક ઝેર,પૃથ્વી તત્વને નુકશાન કરે છે, પ્લાસ્ટીક,ધમધમતું પ્રદુષણ, ધુમાડો,અવાજ, અને વિદ્યુત કિરણો,સેટેલાઈટ વાઈબ્રેશન આ બધાજ ના દુરુપયોગથી પ્રકૃતિને ઘણી જ હાનિ પહોંચે છે.જંગલો કપાતા જાય છે જેથી પ્રકૃતિનું મુળ જાણે કે નાશ પામતુ જાય છે.વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોના નારા તો હોય છે પરંતુ વાવે તેથી વધું કપાય જાય છે.આ બધું અંતે હાથના કર્યા હૈયે વાગે તેમ માનવજાતિને અને જીવસૃષ્ટિને નુકશાન થશે.ખરેખર પ્રકૃતિ સાથે તાલ મેળવવા માટે આપણે હવે વિચારવું જોઈએ-સમજવું જોઈએ કારણ પ્રકૃતિ જ પરમેશ્વર છે.પ્રકૃતિની સાથે તાલ હશે તો દરેક વ્યક્તિ સારું જીવન વ્યતિત કરી શકશે,અને સમાજ મજબૂત બનશે.
પ્રકૃતિને સ્વચ્છ રાખવી પહેલું કાર્ય છે પછી,વૃક્ષો વાવીએ, મંદિર હોય તો બાજુમાં જ સુંદર બગીચો બનાવીએ, પ્લાસ્ટીક જેવા ઝેરનો ઉપયોગ બંધ કરીએ,પ્રદુષણ જેટલું ઓછું થાય તેટલા પ્રયાસો કરીએ,અને વિકિરણોનો ઉપયોગ સમજદારી પૂર્વક કરીએ...


પ્રકૃતિ આપણાને જેટલું આપે છે તેનો થોડો પણ આદર કરીશું તો પણ ઘણું. પ્રકૃતિ એવી ઉર્જા છે આપણે જે ઈચ્છીએ તે આપી શકે છે.! સાયન્ટિફિક રીતે પણ બ્રહ્માંડમાં ઉર્જા ફરે છે જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ અને બ્રહ્માંડને પણ પ્રકૃતિ કહીએ છીએ મૂળભૂત રીતે આપણી સાથે જે કઈ પણ જોડાયેલું છે તે જ પ્રકૃતિ છે.
પ્રકૃતિને પ્રેમ કરીએ પ્રકૃતિ હમેંશા ખુશ રહેશે તેની સાથે તાલ મેળવીએ અને આપણે પણ ખુશ રહીશું.

-મેહુલ સોનીmo:-
7567537800


૫. ભલે પધાર્યા – ભગવતી પંચમતીયા

પાનખર પછી

પાનખરે પાન ખરે

પછી વસંત પીંછી ફરે.

ને એના એ સ્મિતભર્યા

મૃદુલ કર-સ્પર્શથી

છોડ અને ઝાડ, હસી

હસી ફૂલ નવલાં ઝરે.

વસંતના ફૂલઝરમાં ડૂબીને

માનવ હૈયાં હેલે ચડે,

ફાગણના ફોરમતા ફાગમાં,

ને હોળી-ધુળેટીના રંગ અને રાગમાં.

નિર્દોષ, નિશ્ચલ મસ્તી ફરફરતી,

અબાલ-વૃદ્ધ સૌના તન-મનને રંગતી.

મહત્વ છે પાનખરનું યે જીવનમાં,

એ જો ન હોત, કેમ માણત વસંતને?!!


૬. વેલકમ – ભાવિશા બુદ્ધદેવ (રસોઈ સ્પેશ્યલ)

વાનગી : મૂળા ના પરાઠાં

બનાવવામાં લાગતો સમય : ૩૦ મિનિટ

સમગ્રી :

લૂઆ માટે : ૪ વાટકી ઘઊં નો લોટ, ૧ ચમચો તેલ નુ મોણ , નમક તથા ૧ ચમચી જીરા પાઊડર

અંદર ભરવા માટે (મિશ્રણ) - ૧ મૂળા ની છીણ, ૧ ડૂંગરી સમારેલી, ૪ લીલાં મરચા બરીક સમારેલા, થોડી કોથમરી બારીક સમારેલી, ૧ ચમચી જીરા પાવડર, પા ચમચી ગરમ મસલો, મીઠું સ્વાદ પ્રમાણે ,પકાવા માટે અને સજાવા માટે ૮-૧૦ ચમચી માખણ.

રીત : લોટ બાંધી, એક સરખા ૪-૫ લૂઆ બનાવો, એક લૂઆ ને પતલો વણી અને વચમા થોડૂ મિશ્રણ ભરી વણો. તેને લોઢીમાં નાખી બનેં બાજુએ મખણ લગાવી પકવી લો. આ રીતે બધા પરાઠાં બનવી લો. એક થાળી માં ગરમ પરઠાં ઉપર મખણ સજાવી ચટણી અથવા રાયતા સાથે પિરસો.


૭. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી

ધૃજવતો બંગલો – પ્રકરણ - ૧

વિનય,દિવ્યા,સોનાક્ષી,મયુર અને વૃંદા તથા સમિર આજે વેકેશન પછી પ્રથમ વખત મળ્યા હતા.તેઓ આજે ખુબ જ ખુશ હતા.આજે કોલેજના લેક્ચર બંક કરીને તેઓ કેન્ટિનમાં બેઠા હતા.વેકેશન બાદ મળ્યા હતા તેથી તેઓની વાતો અને ગપશપ આજે ખુટવાની જ નહતી.

ઘર,વેકેશનમાં કરેલી પ્રવૃતીઓ અને બીજા ઘણા ટોપિક પર બસ વાતો જ ચાલુ હતી.આમ તો તેઓ આખા વેકેશન દરમિયાન વૉટ્સ અપ અને ફોન કૉલ કરતા જ હતા.પણ રૂબરૂ મળીને આજે તેઓને વધારે મજા આવતી હતી.

વિનય અને મયુર હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા.સોનાક્ષી અને વૃંદા પણ ગર્લ્સ હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા.જ્યારે સમીર અને દિવ્યા તો શહેરમા જ રહેતા હતા, તેથી તો તો ઘણીવાર મળતા હતા.વિનય સોનાક્ષી મયુર અને વૃંદા એ બધા નજીકના અલગ અલગ ગામડાઓમા રહેતા હતા તેથી તો તો વેકેશન દરમિયાન ક્યારેય મળી શકતા ન હતા.

કોલેજમાં તેઓનુ ગ્રુપ બિન્દાસ અને નીડર ગ્રુપ તરીકે જાણીતુ હતુ તેઓનુ છ જણાની મિત્રતા ખુબ જ પાકી હતી.તેઓ મુશ્કેલીમાં મુકાયેલ વ્યકિતઓની મદદ કરતા અચકાતા નહી અને અન્યાય સામે કયારેય ઝુકતા નહી.

આજે બધા વાતોના ગપાટા સાથે નાસ્તો લેતા હતા ત્યાં દુર કોલેજનો ગિલિન્ડર અને કજુંસ કશ્યપ આવતો દેખાયો.કશ્યપ મહા ગિલિન્ડર હતો ઇસકી ટોપી ઉસકે સર ફેરવવામાં મહા ઉસ્તાદ હતો. સાથે મહા કજુંસ પણ.તેના પિતાજીની રાજકોટમાં મોટા વેપારીમાં ગણના થતી હતી અને પોશ એરિયામાં વિશાળ બંગલો હતો તેઓનો છતાંય કશ્યપ તેના પિતા જેવો મહા કંજુસ હતો.બધા સાથે વાતો કરીને ફ્રી માં નાસ્તો કરી લેતો અને ગમે તેની પાસેથી પૈસા પડાવી લેતો બધા તેનાથી દુર ભાગતા હતા પરંતુ પરંતુ મયુરના આ ગ્રુપથી તે ડરતો હતો અને તેનાથી દુર ભાગતો હતો કારણ કે આ લોકો તેની જાહેરમાં મશ્કરી કરતા અને તેની કરતુતનો સબક સારી શિખવાડતા હતા. કશ્યપને દુરથી આવતો જોઇને વૃંદાએ કહ્યુ, “પેલો ફટિચર ચંબુ આવે છે.”

“સાલાને પહેલે જ દિવસે મસાલો લેવો હશે તે આપણી પાસે આવે છે.આવવા દે જો કેવી વાટ લગાવુ છુ ફટિચર ચંબુની.” મયુરે કહ્યુ.

“રહેવા દે ને યાર.શુ કોલેજના પહેલા જ દિવસે બબાલ ઉભી કરવી.”દિવ્યાએ કહ્યુ.

“ચલ તુ કહે તો રહેવા દઉં છુ પણ કાંઇ આડી અવળી વાત કરીને તો સાલાની ખેર નહી.એન્યુઅલ ડે માં બહુ હોશિયારી કરતો હતો મને તો ત્યારનો ગુસ્સો છે તેના પર એકવાર લાગમાં આવવા દે એટલી જ વાર છે.” મયુરે ગુસ્સામાં કહ્યુ.

“બસ ચુપ થાઓ બન્ને,જો એ અહી જ આવે છે.” દિવ્યાએ બાજુમા બેઠેલા મયુરને ટપલી મારતા કહ્યુ.

“હાય એવરીબડી” કશ્યપે બાજુમાથી એક ચેર ખેચીને બેસતા બોલ્યો.કોલેજની એવરગ્રીન ટોળકી તો અહી બેઠી છે અને હુ તો તમને આખી કોલેજમા શોધતો હતો.”

હા મહારાજ તમારી જ રાહ જોતા હતા કે મહારાજ કશ્યપના દર્શન થઇ જાય પછી જ ક્લાસરૂમમા પ્રવેશ કરીએ.” મયુર બોલ્યો.

“મસ્તી નહી પ્લીઝ.” કશ્યપે કહ્યુ.

અરે કશ્યપ મસ્તી નહી કરતા અમે,પુજાની થાળી અને આરતી પણ સાથે લાવ્યા છીએ.”પર્સમાથી નાનકડી ઘંટડી કાઢીને સોનાક્ષીએ કહ્યુ.

અરે યાર. હુ તો ફુલનો હાર પણ લાવવાનો હતો.” મયુર બોલ્યો.

“અરે પ્લીઝ દોસ્તો,મજાક બંધ કરોને હવે.હુ તમને એક અગત્યની વાત કહેવા માટે અહી આવ્યો છુ.” કશ્યપે ગંભીર થઇ કહ્યુ. “હા...હા......હા.......તુ અને અગત્યની વાત???બોલ બોલ ચંબુ તારે કેટલા પૈસાની જરૂર છે?” વિનય બોલ્યો.

પ્લીઝ દોસ્તો.હવે મજાક બંધ કરોને હવે અને સાંભળો મારી વાત.”

“ઓ.કે ઓ.કે. બોલ બોલ તારી વાત.” સોનાક્ષી બોલી.

“હુ વેકેશનમા મારા કાકાને ઘરે ગયો હતો ત્યાં મને એક અજીબોગરીબ વાત જાણવા મળી.મારા કાકાનો દોસ્ત અને તેનો પરિવાર બધા સાથે પિક્નિક પર ગયા હતા.ત્યાં નદીને કિનારે ગાઢ જંગલ છે તે જોવા માટે ગયા હતા.જંગલમા ગયા તો તેમણે જોયુ કે એક સુંદર આલીશાન મકાન હતુ.તેનો પુત્ર બહુ થાકી ગયો હતો તેથી તે મકાનમા જઇ થોડુ પાણી પીવા મળે તે આશાએ તેઓ મકાન તરફ આગળ વધ્યા.પણ બન્યુ એવુ કે મકાનમા તેઓ ગયા તે ગયા,સવારે ત્યાંથી તે બધાની લાશના કટકા મળ્યા.ખુબ જ ખરાબ રીતે તેમની હત્યા કરવામા આવી હતી.પાછળથી એવુ જાણવા મળ્યુ કે તે બંગલામા ભૂત પ્રેતનો વાસ છે અને તે બંગલામા કોઇ પણ જાય ત્યાં રાત રોકાઇ શકતુ જ નથી.

એક વખત પેરા-વૈજ્ઞાનિકોની ટીમ પણ તે બંગલાની મુલાકાતે આવી હતી અને તેઓની પણ સવાર થયે લાશ મળી હતી તેમ મારા કાકા કહેતા હતા.ત્યાર બાદ એ મકાન બાજુ કોઇ જતુ જ નથી.લોકોમા એવો ભય વ્યાપી ગયો છે કે હવે તો સાંજ થતા તે બાજુ કોઇ જતુ નથી.લોકોનુ કહેવુ એમ છે કે રાત્રે તે મકાનની આજુબાજુમા અજીબ અજીબ અવાજ આવે છે.

રાત્રે જંગલની બાજુમાથી જ પસાર થતા રસ્તે પણ કોઇ આવ-જાવ કરતુ નથી.ઘણા લોકોને દૂરથી ઝાડ પર લટકતી પ્રેત આકૃતિઓ દેખાઇ છે.બહુ અજીબ અજીબ અનુભવો લોકોને થયા છે.

ઘણા બહાદુર થઇને તે બાજુ માત્ર જોવા ગયા હતા તો તેમાથી અમુકતો પાગલ બની ગયા છે અને કોએક તો એવા બિમાર પડી ગયા છે કે તેની વાત જ ન પૂછો.મારા કાકાએ તેના મિત્રને કહ્યુ જ હતુ કે નદીકિનારે ફરવા જઓ ત્યારે એ જંગલમા ન જતા પણ ન જાણે કેમ તેઓ એ બાજુ ગયા અને આવુ બની ગયુ.બહુ ભયાનક છે એ બંગલો.

“હા....હા.....હા............ફેકુચંદ.આવુ કાઇ હોય જ નહી.આજના આ ફાસ્ટ અને ઝડપી દુનિયામા આવુ કાઇ હોતુ જ નથી.તને કોઇકે ખોટી ખોટી કહાની કહીને ડરાવ્યો છે, એન્ડ બાય ધ વે તુ આ બધી વાત અમને કેમ કરે છે?” મયુર બોલ્યો.

“હું કે અમારા માંથી કોઇ તારી આવી વાતથી ડરી જવાના નથી સમજ્યો??? એ ડર લાગતો હશે તારા જેવા કમજોર મનવાળા મહારાજને,અમને નહી...ચલ ભાગ અહીથી.....” વિનયે તેની વાત ઉડાડતા કહ્યુ અને બધા જોર-જોરથી હસવા લાગ્યા.

“અરે મને શું કામ કમજોર મનવાળો કહો છો?મે તો એ જ કહ્યુ જે મે સાંભળ્યુ.અને જો એવા જ તમે નિડર અને મજબૂત મનવાળા હોવ તો એક કામ કરો,તમે એ બંગલામા એક રાત રોકાઇ આવો તો તમે બધા સાચા.” કશ્યપે મયુરને ચેલેન્જ આપતા કહ્યુ.

“એ ચલ ચલ હવે બંધ થા અને ચાલતો થઇ જા અહીથી,તારી આવી બકવાસ ચેલેન્જ સ્વિકારવાનો કે તારી સાથે આવી આધાર વિનાની વાતો કરવાનો અમને કોઇ શોખ નથી સમજ્યો.” વિનય ગુસ્સે થઇ બોલી ઉઠ્યો.

“મને ખબર જ હતી કે તમે બધા ખાલી વાતો જ કરો છો કે તમે બહાદુર છો બાકી મનથી તો તમે બધા પણ બીકણ અને ડરપોક જ છો.તે દિવસે એન્યુઅલ ફંક્શનમા તો બધાની વચ્ચે તો એવી બડાઇ કરતા હતા કે તમે કોઇ પણ ચીજ કે વસ્તુથી ગભરાતા નથી અને આખી કોલેજ સામે એવી ઓપન ચેલેન્જ આપી હતી કે તમારી ટીમ કોઇ પણ મુશ્કેલીભર્યુ કામ હોય તે કરવામા પણ ક્યારેય પિછેહઠ કરતા જ નથી.” કશ્યપ બોલ્યો.

“ચલો તો આજે મારી તમને ઓપન ચેલેન્જ છે કે એવા જ બહુ બહાદુર હોવ તો એ મકાનમા જઇ બસ એક રાત રોકાઇ આવો તો તમે ખરા અર્થમા બહાદુર કહેવાઓ.”

“અરે તારી તો...................તુ અમને અમારી ટીમને ચેલેન્જ આપે છે?બીકણ હશે તારો કહુ તે............ચુપ થા કંજુસ બીકણ ફેકુચંદ.” મયુર ઉભો થઇ તાડુકી ઉઠ્યો.

“આપ તારા એ રહસ્યમય બંગલાનુ એડ્રેસ.અમે બધા ત્યાં જશું અને એક તો શું તુ કહે તો બે રાત ત્યાં રોકાઇ આવીશું અને પાછા સહી સલામત આ જ સ્થળે તને મળશુ.બહુ આવ્યો ચેલેન્જ આપવા વાળો.” વિનયે પણ મયુરની વાતમા સુર પુરાવ્યો અને તેણે બધા વતી કશ્યપની ઓપન ચેલેન્જનો સ્વિકાર કર્યો.

“અરે હા જાઓ જાઓ.હું તમને હમણા જ એડ્રેસ અને પરફેક્ટ લોકેશન મેસેજ કરુ છું” કશ્યપે કહ્યુ.“તુ પણ આવીશ અમારી સાથે? બોલ બીકણ કશ્યપ,” મયુરે પૂછ્યુ.“ના બાબા ના મારે ક્યાંય આવવુ નહી.મને તો ખુબ જ ડર લાગે.” કશ્યપ બોલ્યો. “અમને બીકણ કહેવા વાળા ચંબુ તુ જ બીકણ છે,અને અમને તુ ચેલેન્જ કરે છે?હવે તો તને એક કે બે દિવસ નહી પણ પૂરા એક વીક ત્યાં રહીને બતાવશું” વિનય બોલ્યો. “ઓ.કે. ફ્રેન્ડ્સ,ઑલ ધ બેસ્ટ તમને બધાને.તમે બધા જાઓ અને સુખરૂપ પરત આવી જાઓ એટલે આ કંજુસ કશ્યપ એક ભવ્ય પાર્ટીનુ આયોજન કરશે તમારી જીતની ખુશીમા.”

“હા...હા.....હા...... તુ અને પાર્ટી? ઇમપોસિબલ.ચલ હવે અમારા લેક્ચરનો સમય થઇ ગયો.બાય.અને હા,એડ્રેસનો મેસેજ કરવાનુ ભુલતો નહી હો મિસ્ટર ફેકુચંદ...” વિનય બોલ્યો અને બધા હસતા હસતા લેક્ચર માટે રવાના થયા.

વધુ આવતા અંકે................

ગોકાણી ભાવિષા રૂપેશકુમારbrgokani@gmail.com


૮. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ

લાઇફ કેમેરા એક્શન

મિત્રો, આજ યુથ વર્લ્ડ મેગેઝિનની પ્રથમ કૃતિમાં હું સૌ પ્રથમ તો આપ સૌનું ‘ફિલ્મક્રીડા’ કૉલમમાં સ્વાગત કરું છું. તમને ગમે એવી પ્રમાણમાં થોડી ઓછી જાણીતી ફિલ્મોની તેના પ્રકાર પ્રમાણે વાત કરી રહ્યા છીએ. આજે આપણે ડ્રામા વિભાગની હેન્ડપિક્ડ ફિલ્મોની વાત કરીએ. હાલો ત્યારે...

ડ્રામા

ધ ટર્મિનલ : બે સિવિલ વોરની વચ્ચે કમર્શિયલ બ્રેક જેવી કામચલાઉ શાંતિમાં અસ્તિત્વ ટકેલું છે, એવા એક અંગૂઠા જેવા દેશનો નાગરિક અમેરિકાના એરપોર્ટ પર ઉતરે છે. ત્યાં જ તેને ખબર પડે છે કે એના દેશમાં જે હિંસા ફાટી નીકળી છે, એને કારણે દેશનું સત્તાવાર અસ્તિત્વ જ રદ્દ કરી દેવાયું છે. બસ, ત્યાં જવાની ફ્લાઇટ પણ કેન્સલ અને અમેરિકામાં પ્રવેશવાની પરમિશન પણ કેન્સલ અને પેલો નાગરિક એટલે કે અદાકાર ટોમ હેંક્સ ત્યાં જ ફસડાઈ પડે છે. અધૂરામાં પૂરું એરપોર્ટ પર તેની ભાષા સમજનાર પણ કોઈ નથી. બસ, ત્યાંથી શરૂ થાય છે એની સર્વાઇવલ સ્ટ્રગલ. કેવી રીતે ચીલલર એકઠું કરે છે? અને ખવભેગો થાય છે અને કેવી રીતે એ એરપોર્ટ પરના અધિકારીઓનું દિલ જીતી લે છે એ બધુ ટોમ હેંક્સની બેલેન્સ્ડ એકટિંગમાં જોવા જેવું છે. સ્વાભાવિક છે આ ફિલ્મ મસ્ટ વોચની યાદીમાં હોય જ, કેમ કે એના ડાયરેક્ટર નન અધર ધેન સ્ટિવન સ્પીલબર્ગ છે.

અમિસ્ટાડ : સ્પીલબર્ગની જ વાત નીકળી છે, તો એમના એક પ્રકરણમાં ઓછા ચર્ચાતા મૂવીની વાત કરવી જોઈએ. વાત એવી છે કે બીજાને ગુલામ બનાવવાની વૃતિ માણસ સિવાય બીજા એક પણ સજીવમાં નથી. પ્રાણી કે પ્રકૃતિને ગુલામ બનાવ્યા બાદ માણસે પોતાનાથી અલગ માણસનો વારો કાઢ્યો અને આફ્રિકાના લોકોને વહાણોમાં માલ સામાનની જેમ ઠાંસી ઠાંસીને કહેવાતા વિકસિત દેશોમાં વેચવા લાગ્યો. આ માનવ તસ્કરીમાં જહાજના માલિકને પકડવાનો ડર લાગે તો એ લોકોને મધદરિયે પાણીમાં ‘ડમ્પ’ કરી દેતાં પણ અચકાય નહીં! આવી સ્થિતિમાં ‘લા અમિસ્ટાડ’ જહાજમાં પુરાયેલા આફ્રિકન ‘ગુલામો’ એ ચુંગાલમાંથી છૂંટવા બળવો કરીને જહાજ કબજે કરી લે છે અને એમના હક્કો માટે અમેરિકામાં ખેલાય છે એક કાનૂની જંગ. સત્યઘટના પરથી બનેલી આ ફિલ્મ જોઈને ખ્યાલ આવશે કે સ્વતંત્રતા વસતાવમાં કેટલી મોટી ચીજ છે.

શ્વાસ : હોલિવુડની તો આપણે વાત કરી પણ આવી બહુ ચર્ચામાં ના આવેલી ફિલ્મોમાં આપની ભારતીય ફિલ્મો પણ પાછળ નથી. ‘તમારા આ આઠ વર્ષના પૌત્રને આંખમાં એવી ગંભીર બીમારી છે કે એનો જીવ બચાવવો હશે તો એની આંખ જ કાઢી નાખવી પડશે.’ એક દાદાને ડોક્ટર આવું કહી દે તો એનું રીએક્શન શું હોય? આ ફિલ્મમાં પણ દાદાજી ભાંગી જ પડે છે, પણ ઓપરેશનના આગલા દિવસે એ પૌત્રને લઈને ક્યાંક ગાયબ થઈ જાય છે. બીજી બાજુ હોસ્પિટલમાં દેકારો. સાંજે દાદા-પૌત્ર પાછા ફરે ત્યારે ડોક્ટર ખખડાવી નાખે છે કે આમ કહ્યા વિના જાઓ છો તો ખબર નથી પડતી? ક્યાં ચાલ્યા ગયેલા બંને? છોકરો તો નાનો છે, પણ તમારામાં તો અક્કલ છે ને! દાદાએ જે જવાબ આપ્યો એ હચમચાવી નાખે એવો હતો. ભારત તરફથી ઓસ્કારની ઓફિશિયલ એન્ટ્રી અને ટોપ ફાઇવમાં સિલેક્ટ થતાં સહેજમાં જ રહી ગયેલી આ ફિલ્મ જોયા પછી તમારી આંખના ખૂણા ના ભીંજાય અને જીવનની દરેક ક્ષણને માણી લેવાનું જોમ ના ઉભરાય તો માનજો કે તમારી સંવેદન સિસ્ટમને રિચાર્જ કરવાનો સમય પાકી ગયો છે.

મિત્રો આવી તો ઘણી ફિલ્મો છે જેમકે હોટલ રવાન્ડા, ધ ગ્રીન માઈલ, એરિન બ્રોકોવીચ, ડોમ્બિવલી ફાસ્ટ, ઓલ ધ પ્રેસિડેન્ટ્સ મેન વગેરે. જેનો કદાચ ક્યારેય કોઈપણ વર્તમાનપત્રો કે ટીવી ચેનલમાં ઉલ્લેખ થયો નથી પરંતુ આવી ફિલ્મો સમય મળ્યે જોવાથી જરૂર મનોરંજન મળી શકે એવી ફિલ્મો છે. આવી ઘણી ફિલ્મો અને તેની સાથે સંકળાયેલા લોકો વિશે વાતો કરીશું આવતા અંકમાં...

રવિ એ. રાજ્યગુરૂ

ઈ-મેઈલ :


૯. માઇન્ડ ગેમ – પઝલ

જશંવતને જેટલા ભાઇઓ હતા તેટલી જ બહેનો હતી.પરંતુ તેની બહેન જૈશીને જેટલી બહેનો હતી તેનાથી બે ગણા વધારે ભાઇઓ હતા. તો તેઓ કેટલા ભાઇ-બહેનો હશે?

જવાબ આવતા અંકે....


અમને સંપર્ક કરો

જો તમે પણ ગેસ્ટ કોલમમાં લખવા માંગતા હો અથવા મેગેઝિન વિશેની વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. જો તમને અમારા મેગેઝિનનો કન્ટેન્ટ ગમ્યો હોય તો રેવ્યુ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિ. પ્લીઝ શેર એન્ડ સ્પ્રેડ વર્ડ.

Facebook Pages

Fb.com/YouthWorldOnline

Fb.com/GujjuWorld.net

Website

Email Address