Handsome Husband books and stories free download online pdf in Gujarati

Handsome Husband

~ હેન્ડસમ હસબંડ ~

લેખક:- અશ્વિન મજીઠિયા

.

"અરે ? વૉટ ઈઝ ધીસ? તું હજી તૈયાર નથી થઇ? - ઘરમાં પ્રવેશતા જ મંજુલ બોલી ઉઠ્યો- "યુ નો? આપણે તનવીરની કૉસચ્યુમ-પાર્ટીમાં જવાનું છે. વી વીલ બી લેટ યાર..!"

પોતાની પત્ની આશાવરીને પલંગ પર આળોટતી જોઈ તેને નવાઈ ન લાગી કારણ, અમસ્તીયે કોઈ દિવસ ટાઈમપર તે તૈયાર હોય જ નહીં. અને એટલે જ... આજે તે સાંજના છ વાગ્યામાં જ ઘરે આવી ગયો હતો.

પાર્ટીમાં પહોંચતા આમ તો બસ કલાકે'ક જ લાગે તેમ હતો, પણ આશાવરીની પાછળ પડી પડીને તૈયાર કરાવવામાં ય બીજો કલાક સહેજે લાગી જશે, તેવું તેને પોતાનાં પાછલા અનુભવો પરથી લાગતું જ હતું, માટે તે એક કલાક વહેલો જ આવી ગયો.

.

જો કે આ વખતે આશાવરીનો વાંક કાઢી શકાય તેમ નહોતો, કારણ છેલ્લા અડધા કલાકથી તેનું માથું સખત ચડ્યું હતું. દુ:ખાવો મટાડવાની ગોળી તો તેણે ખાઈ જ લીધી હતી, પણ અડધો કલાક થઇ ગયો તોય પાઈભારનો ય ફરક નહોતો પડ્યો.

.

"આઈ થીંક તું એકલો જ જઈ આવ.." -આશાવરી માથા પર ઓશીકું દબાવતા બોલી- "મારું માથું બહુ દુઃખે છે એટલે બિલકુલ જ મૂડ નથી. યુ કૅરી ઑન.."

.

"અરે..? ચીયર અપ બેબી..! તૈયાર થઇને બહાર નીકળીશ એટલે ઠંડી તાજી હવામાં ફ્રેશ થઇ જઈશ અને બધો મૂડ આવી જશે..કમ ઑન.. જો આ વખતે તો હું ફ્લોરોસેન્ટ-ગ્રીન કલરનાં કૉસચ્યુમ અને માસ્ક લઇ આવ્યો છું. તું કહેતી'તી ને, કે ગયા વખતે આપણા કૉસચ્યુમ સાવ કોમન અને સાવ બીજા બધાં લોકોનાં જેવાં જ દેખાતા હતાં એટલે કોઈ થ્રિલ નહોતી મળી. તો જો આ વખતે આ.. એકદમ એક્સ્ટ્રા-ઓર્ડીનરી છે." -સાથે લાવેલ પેકેટ ખોલીને બતાવતાં મંજુલ બોલ્યો- "અને આ.. આ માસ્ક પણ સાવ નવો જ છે માર્કેટમાં. અસ્સલ ચિત્તા જેવો જ ગેટ અપ છે તેનો. "

.

"ના.. તું જઈ આવ. મારાથી ડોકું ય નથી હલાવાતું.. હથોડા પડતાં હોય તેટલું પેઈન થાય છે.." -આશાવરી કંટાળા સાથે બોલી. તેણે મંજુલની વાતમાં કોઈ જ ઇન્ટરેસ્ટ ન બતવ્યો.

.

"વેલ.. તો હું એકલો નથી જતો તને આમ એકલી મુકીને..!" -આશાવરીની તબિયતની ગંભીરતા ખ્યાલમાં આવતા જ મંજુલ એક કૅરીંગ હસબંડની જેમ બોલી ઉઠ્યો.

.

"નો.. યુ મસ્ટ ગો. તું જઈ આવ ને રાજા, હું કંઈ એવી બધી બીમાર નથી. આઈ ઓન્લી નીડ સમ રેસ્ટ, ધૅટ'સ ઓલ.." -આશાવરીનું મન તો નહોતું પોતાનાં પતિને એકલો મોકલવાનું, પણ તો ય એક કૅરીંગ હસબંડની લવિંગ વાઈફ હોવાનો ડોળ કરતાં તે બોલી.

.

"નહીં યાર.. મારે આમ સાવ એકલું જવું નથી.."

.

"ઇટ્સ ઓકે જાનુ..આઈ'લ મૅનેજ.." -મંજુલની વાત કાપતા આશાવરી બોલી- "હું કંઈ નાની કીકલી નથી.. યુ ગો અહેડ.. આપણે બંને નહીં જઈએ તો તનવીર મે ફિલ બૅડ.." -આશાવરીએ પોતાની વાત ચાલુ રાખી.

.

"ફાઈન.. ઓકે... ઍઝ યુ સે.. ચલ જઈ આવું છું. પણ વહેલો જ પાછો આવી જઈશ." -મંજુલ એક આજ્ઞાકારી પતિની જેમ બોલ્યો.

.....

"અરે, આટલું તૈયાર થવાની શું જરૂર છે..? ઉપર તો કૉસચ્યુમ પહેરવો જ છે ને !" -આટલું બોલતાં ય આશાવરીનાં જીવ પર આવતું હતું. પણ તો ય પોતાના આ ખુબસુરત, હૅન્ડસમ પતિને થોડી વાર સુધી તૈયાર થતો જોઈ રહ્યા બાદ, ન રહેવાતા આશાવરી આખરે બોલી પડી.

.

"ઓહ યસ.. " -બધું પડતું મૂકીને પોતાનો માસ્ક અને કૉસચ્યુમ ઉઠાવતાં મંજુલ બોલ્યો- "યુ ટેક કૅર.. સી યુ સૂન.."

.

"એન્જૉય.." -આશાવરી પોતાનાં સોહામણા પતિને નજર ભરીને જોતાં જોતાં બોલી.

આમ તો પોતે ય સારી એવી, સુંદર કહી શકાય તેવી ફેશનેબલ યુવતી હતી. પણ તોય... પોતાનાંથી ક્યાંય ચડિયાતો યુવાન, એવા પોતાનાં આ પતિને જોઈ તેને ગર્વની સાથે સાથે ઈર્ષા પણ થઇ આવતી. અસલામતીની એ લાગણી, ક્યારે ય તેનો પીછો ન છોડતી કે આવા દેખાવડા યુવાને તો કોઈ પણ છોકરીને ફસાવવામાં ઝાઝી મહેનત કરવી જ ન પડે. કોઈ પણ માછલી સામે ચાલીને આની જાળમાં ફસાવવા આવી જ જવાની.

અને માટે જ, આટલું માથું દુઃખતું હોવા છતાં ય તેને આશ્ચર્ય થતું રહ્યું, કે પોતે પોતાનાં આવા ખુબસુરત અને જવાન પતિને, આવી સાવ જુદાં જ પ્રકારની પાર્ટીમાં એકલો મોકલી રહી છે.

.

મંજુલ ગયો પછી આશાવરી થોડી વાર સુતી રહી.

કલાકેક વીત્યો હશે કે સરદર્દની ગોળીએ પોતાની અસર બતાવવાનું શરુ કર્યું. તેને હવે સારું લાગવા લાગ્યું અને માથા તરફથી તેનું ધ્યાન ધીરે ધીરે ખસવા લાગ્યું, એટલે ગયા વખતની તનવીરની આવી જ પાર્ટી તેને યાદ આવી ગઈ.

ત્યારે બધાં ગેસ્ટ અલગ અલગ પ્રકારનાં કૉસચ્યુમ અને માસ્ક પહેરીને આવ્યા હતા, જાણે કોઈ ફેન્સી ડ્રેસની કૉમ્પીટીશન હોય. અને છેવટ સુધી કોઈએ માસ્ક ઉતર્યા નહોતાં.

આ દરમ્યાન બધાં જાતજાતની ગેમ્સ પણ રમ્યા હતા, પણ તે વખતે જયારે પોતે હારી જતી તો તેને કોઈ અફસોસ કે શરમ ન થતી. કારણ માસ્ક પહેરેલો હોવાને કારણે, તે હારી ગઈ છે એ વાતની કોઈને ખબર નથી પડી તેનાંથી તેને ધરપત હતી. અને આ જ કારણસર બીજા બધાં ગેસ્ટ પણ બેધડકપણે વર્તતા હતાં. ખાવા-પીવામાં પણ સંકોચ નહોતો થતો. કારણ કોણે શું અને કેટલું ખાધું કે ‘પીધું’ તે બધું આ માસ્ક-કોસચ્યુમની નીચે ઢંકાઈ જતું હતું. ડાન્સ-ફ્લોર પર પણ કોણ કોની સાથે ડાંસ કરતુ હતું તે ખબર જ નહોતી અને કોઈને ફિકર પણ નહોતી. આમ બધાંની સાથે તેણે ય આ બધું ઍન્જોય કર્યું હતું,
અને એટલે જ... આ વર્ષે જયારે તેમને ફરીથી આવી જ પાર્ટીનું ઇન્વીટેશન મળ્યું, તો કેટલાં ય દિવસથી તે ઉત્સાહમાં હતી.

પણ માથાનો આ જોરદાર દુઃખાવો..ઓહ..!

.

બટ યસ.. હવે તો દુ:ખાવામાં ઘણી રાહત છે, તેવું તેને લાગ્યું.

“પાર્ટીમાં જવું હોય તો હજી પણ જઈ શકાય, કારણ હજી તો બસ સાડા સાત જ થયા છે. ને ઉપર કૉસચ્યુમ અને માસ્ક પહેરવાનાં હોવાથી ખાસ કંઈ તૈયાર તો થવાનું નથી.” -આશાવરી વિચારતી રહી.

થોડો કંટાળો આવ્યો અને માંડી વાળવાનું વિચારતી હતી, કે તેને યાદ આવ્યું કે તેનો પેલો હૅન્ડસમ હસબંડ ત્યાં સાવ એકલો જ હશે. હા, આજે તો તેને ફૂલ ફ્રીડમ હશે. તો જઈને જોવું જોઈએ કે તે કેવો'ક 'સખણો' રહે છે, એ રંગીલી પાર્ટીમાં.

.

યસ.. જવું તો જોઈએ..પણ માસ્ક-કૉસચ્યુમ બીજા જ પહેરવાં પડે. મંજુલ આ આજે ફ્લોરોસેન્ટ કલરના જે નવાં લાવ્યો છે, તે તો ન જ પહેરાય. તેમાં તો ઓળખાઈ જવાય અને પતિદેવ સાવધ પણ થઇ જાય કદાચ. આખરે નિશ્ચય કરીને આશાવરી એકદમ જોશભેર ઉભી થઇ.

.

કબાટમાંથી ગયા વર્ષનાં માસ્ક-કૉસચ્યુમ કાઢ્યા અને તેમનાં પર એક નજર નાખી. સાચે જ સાવ કૉમન ટાઈપનાં હતા તે. ડ્રેસિંગ-સેન્સ વગરના કેટલાંય અણઘડ લોકો આ વર્ષે ય આવા જ કૉસચ્યુમ પહેરીને આવ્યા હશે, તો એ બધામાં ભળી જઈને મંજુલની નજરથી બચીને રહેવાનો પોતાનો હેતૂ તો સરશે જ, એવું આશાવરીને લાગ્યું.

.

બસ, બીજી પંદર મીનીટ પછી તો તે કૉસચ્યુમ-માસ્કની થેલી સાથે ટૅક્સીમાં હતી.

"મલાડ, મઢ આઈલેન્ડ.." -ટૅક્સી ડ્રાઈવરને તેણે સુચના આપી, અને જરા ઝડપથી લેવાનું કહ્યું. તેને અંદાજો હતો, કે સાડા આઠ કે નવ સુધીમાં તો પહોચી જ જવાશે.

સમગ્ર પ્રવાસ દરમ્યાન પોતાનાં આ ક્વિક એન્ડ સ્માર્ટ ડીસીશન પર ખુશ થઇ પોતાની જાતને શાબાશી આપતી તે પોરસાતી રહી, અને સાડા આઠે તો તે પાર્ટી-સ્પૉટ પર પહોંચી ય ગઈ.

.

પાર્ટી વેલ-ઇન-ટાઈમ શરુ થઇ ગઈ હતી. બધાં ગેસ્ટ અવનવાં કૉસચ્યુમ-માસ્ક ધારણ કરીને અહીં તહીં ફરતાં હતા. કોઈ જ ઓળખાતું નહોતું. બસ.. ફક્ત ઑર્ગનાઈઝર તનવીર જ માસ્ક વિનાનો હતો. તો આશાવરીએ તેને વેવ કર્યું.

તનવીર નજીક આવ્યો એટલે માસ્ક ઉતારી તેણે ફક્ત તેને 'હાય' કર્યું. પણ પછી કંઇક વિચારીને, તનવીર તેને ઓળખે તે પહેલાં જ ઝડપથી માસ્ક ઓઢીને તરત જ તે ભીતર ચાલી આવી. તનવીર પણ બીજાં બધાં ગેસ્ટમાં રોકાયેલ હોવાથી, સમજ્યા વગરનું વળતું ગ્રીટ કરીને તરત જ બીજી દિશામાં ચાલ્યો ગયો.

.

અંદર આવીને આશાવરીએ અહીં તહીં નજર કરી. જાતજાતના કૉસચ્યુમ અને માસ્ક પહેરીને પચાસેક ગેસ્ટ અહીંતહીં ફરતાં દેખાયા.. કોઈ ઓળખાતું નહોતું. એક ખૂણામાં મ્યુઝીકલ ચેર જેવી કોઈક ગેમ રમાઈ રહી હતી. તો એક નાનકડાં સ્ટેજ પર કોઈ મિમિક્રી કરી રહ્યું હતું..અલબત્ત માસ્ક પહેરીને જ.

હાર્ડ અને સોફ્ટ ડ્રીંક પીરસતાં ડ્રીંક-કાઉન્ટર ઘણી ભીડ વર્તાઈ રહી હતી. એટલી જ ગીર્દી સ્નેક્સ કોર્નર પર પણ હતી. પણ મંજુલનો અણસાર ક્યાંય નહોતો વર્તાતો.

.

તેણે થોડી વાટ જોવાનું નક્કી કર્યું. પોતાનાં માટે એક લાર્જ-ડ્રીંક બનાવડાવીને હાથમાં લઇ તે મિમિક્રી શો તરફ વળી. પ્રાણીઓના માસ્ક પહેરેલા મહેમાનોનો આ કોઈ સાવ ફાલતું ટાઈપનો શો જણાતો હતો. એક ખૂણામાં બે બકરાંઓને બાંધ્યા હતા. સામે એક બિલાડી નાચી રહી હતી, તો એક કુતરો અને બે વાંદરા તાળીઓ પીટી રહ્યા હતા. નજીક જઈને જોયું તો ‘શોલે’ ફિલ્મની પેરોડી ચાલતી જણાઈ. બાંધેલા બે બકરાં જય અને વીરુ હતા. તો બિલાડી પેલી બસંતીની જેમ 'મૈ નાચુંગી મૈ નાચુંગી" કરતી હાથ હલાવી રહી હતી, અને ગબ્બર નામનો કુતરો અને કાલીયા અને સાંબા નામનાં બે વાંદરાઓ હાહા-હીહી કરતાં તાલ દઈ રહ્યા હતા.

.

બસ..પાંચ-સાત મિનીટ જ તે પેરોડીને માણ્યા બાદ આશાવરીની ધીરજ ખૂટી ગઈ. તેણે તનવીરને મળીને મંજુલ વિષે પૂછવાનું વિચાર્યું જ હતું, કે તેનું ધ્યાન બીજા ખૂણેનાં ડાન્સ-ફ્લોર પર ગયું. જોયું તો કમ્મર પર હાથ રાખીને વીસ-પચીસ યુગલો ધીમા તાલે ડાન્સ કરી રહ્યા હતા.

પહેલી જ નજરે તે ડાન્સ-ફ્લોર પર દુરથી જ તેને ફ્લોરોસેન્ટ-ગ્રીન કલરનું કૉસચ્યુમ અને ચિત્તાનો પેલો માસ્ક નજરે ચડ્યા, અને તે સાથે જ આશાવરીનાં ચહેરાં પર એક લુચ્ચું સ્માઈલ દોડી આવ્યું.

.

વેલકમ-ડ્રીંકનાં બીજા રાઉન્ડનો આસ્વાદ લેતાં લેતાં થોડીવાર સુધી આશાવરીએ ડાન્સ-ફ્લોર પર પોતનાં શિકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેનો પતિ કોઈક યુવતી સાથે ડાન્સ કરી રહ્યો હતો.

યસ.. આ તો એકસપેકટેડ જ હતું. અને આશાવરીની નજર તેની પર પહેરો દેતી રહી. વધુ પડતા જ ટાઈટ-ફીટીંગવાળા આ કોસચ્યુમમાં મંજુલનાં સ્નાયુબદ્ધ શરીરનાં વળાંકો આજે વધુ જ આકર્ષક રીતે ઉપસી આવેલા જણાતાં હતા.

તે હવે પેલી યુવતીની ખુબ જ નજીક સરી ગયો હતો અને તેનાં શરીર પર ખાસ્સી એવી છૂટછાટ લઇ રહ્યો હતો. યુવતી પણ જાણે મજા લઇ રહી હોય તેવું લાગતું હતું.

પણ બે ડ્રીંક પૂરા થયા બાદ, આખરે આશાવરીથી ન રહેવાયું. તેને લાગ્યું કે હવે બહુ થયું. મંજુલને હવે રોકવો જ જોઈએ. એટલે તે ડાન્સ-ફ્લોર પર જઈ ચડી.

તેને એકલી જોઈ કોઈ બીજો યુવાન તેની નજીક આવી ગયો, અને પોતાનો હાથ ઓફર કર્યો. આશાવરીએ પોલાઇટલી તેને પોતાની નામરજી દેખાડી, કારણ તેનું આકર્ષણ અને મંઝીલ તો હજી દસ કદમ દુર હતાં.

.

આશાવરીએ ત્યાં જઈ પાછળથી તેનાં હાથ પર હાથ મુકી પોતાનો સાથ ઑફર કર્યો. આશાવરીની સાથે ડાન્સ કરવા માટે જે ઝડપથી તેણે પેલી યુવતીને પડતી મૂકી, તે જોઈ આશાવરીને ખાતરી થઇ ગઈ કે પોતે હજી સુધી ઓળખાઈ નથી.

અને બસ.. એક કે બે મિનીટ બાદ જે આવેગથી તેણે આશાવરીની કમર પર હાથ મૂકીને તેને પોતાની નજીક ખેંચવાની કોશિષ કરી, તે જોઈ આશાવરીને પોતાનાં આ સેક્સી ફિગર પર ગુમાન થઇ આવ્યું. કારણ ચહેરો છુપાયેલો હોવાથી, ફક્ત અને ફક્ત તેનું આ ફિગર જ હતું, કે જેનાંથી લલચાઈને તેનો આ કામાતૂર પતિ તેની સાથે આટલા ઉન્માદભેર ડાન્સ કરવા લાગ્યો હતો.

થોડી વારમાં તો તે આશાવરી સાથે પણ તેવી જ છૂટ લેવા લાગ્યો, કે જેવી તે પેલી યુવતી સાથે લઇ રહ્યો હતો.

મનમાં ને મનમાં હસતી આશાવરીએ તેને રોક્યો નહીં, બલ્કે થોડું પ્રોત્સાહન પણ આપ્યું. તેને આ તમાશો જોવામાં મજા પડી રહી હતી.

.

જયારે પેલી તરફ.. એક અજાણી યુવતી તરફથી આટલો પૉઝીટીવ રિસ્પોન્સ મળતો જોઈ પેલાની તો હિંમત બમણી થઇ ગઈ. બંને દેહ હવે ખુબ જ આત્મીય આશ્લેષમાં સમાઈને નૃત્ય કરતા રહ્યા. ફ્લોર પર બધાં જ પોતપોતાનામાં ખોવાયેલ હતાં, એટલે કોઈને કોઈ તરફ જોવાની ફુરસદ પણ નહોતી.

.

એટલામાં જ આશાવરીને લાગ્યું કે મંજુલ તેનાં કાનમાં કંઇક કહી રહ્યો છે. લાઉડ મ્યુઝીકનાં શોરમાં તેણે ધ્યાનથી સાંભળ્યું. હા, તે તેને બહાર ગાર્ડનમાં આવવા કહી રહ્યો હતો, કે જ્યાં ગેસ્ટની બધી કાર પાર્ક થઇ હતી.. કે જ્યાં ઘણું અંધારું ય હતું.

.

હાર્ડ-ડ્રીંકનાં બે પેગની અસર હેઠળ હવે આશાવરી થોડી બોલ્ડ થઇ ગઈ હતી. પણ તો ય તેને અહીં કોઈ તમાશો નહોતો કરવો. હા, ઘરે જઈને જ બધી ચોખવટ કરીને સફાઈ માંગવી હતી.

પણ તે છતાં ય, ગાર્ડનમાં જઈને હજી તે કેટલો આગળ વધવા માંગે છે તે પણ ચકાસી લેવાની આશાવરીને ઈચ્છા થઇ આવી, એટલે તેણે હકારમાં માથું હલાવ્યું.

.

બંને બહાર આવ્યા. થોડે દુર..ઊંડે ઊંડે ગયા, કે જ્યાં કોઈકની કાર પાછળ સારી એવી પ્રાઈવસી હતી.

મંજુલની હિમ્મત ખુબ જ વધી ગઈ છે, તેવું આશાવરીને લાગ્યું, કારણ હવે તો તે આ સાવ નવી અજાણી ઓળખાણને છેલ્લી પાયરી સુધી લઇ જવા ઈચ્છતો હતો. આશાવરીએ તેને રોક્યો નહીં. ભલે તેને અજાણી યુવતી સમજીને તે પ્રેમ કરતો હોય, પણ ગમે તેમ તોય...હતો તો તેનો પતિ જ ને..!

તો શું ફરક પાડવાનો..? અને આમે ય અંધારું પણ ઘણું હતું, તો બહાર જાહેર જગ્યાનો ય તેને ક્ષોભ ન રહ્યો. તેને તો બસ તેનાં પતિને રેડ-હેન્ડેડ પકડવો હતો.

.

પણ ધીમે ધીમે હાર્ડ-ડ્રીંકની કૃત્રિમ ઉત્તેજનામાં પતિ-પ્રેમની અસલી ઉત્તેજનાનું મિશ્રણ થતાં જ આશાવરી પોતે પણ ભાન ભૂલતી ગઈ અને સેમી-પબ્લિક પ્લેસમાં પહેલી જ વાર પ્રાપ્ત થતાં આ અનોખા રોમાંચની અસર હેઠળ તે ખોવાતી ગઈ.

.

પાંચ પંદર મિનીટના જીવનકાળ બાદ..પેલી ઉત્તેજનાઓ શમી જતાં, આશાવરીનું શેતાન દિમાગ ફરી જાગી ઉઠ્યું. માસ્ક ઉતાર્યા વિના જ ત્યાંથી સરકીને ઘરે ભાગી જવામાં જ તેને મજા લાગી. કારણ પાછળથી ઘરે આવીને મંજુલ આ વાત કઈ રીતે છુપાવે છે, તે જોવાની તેને હવે તાલાવેલી લાગી હતી.

તો લોથપોથ મંજુલ કંઈ વાત કરવા લાયક સ્થિતિમાં આવે અને માસ્ક ઉતારી ચહેરો જોવા ઈચ્છે, અથવા ફરી પાછી તેને પાર્ટીમાં ખેંચી જવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ... તેને 'બાય' કહેવાની ફોર્માલીટી ય પૂરી કર્યા વિના આશાવરી તેનાંથી દુર સરકી આવી.

.

બસ.. બીજાં એક કલાકમાં તો આશાવરી પોતાનાં ઘરમાં હતી. મંજુલ હજુ આવ્યો નહોતો.

સાડા-દસ પોણા અગ્યાર થયા હતાં, એટલે હવે ગમે ત્યારે તે આવી ચડશે એવું લાગતાં તે ફરી પલંગ પર જઈને આડી પડી અને બાજુમાં પડેલ મેગેઝીનનાં પાનાં ફેરવવા લાગી.

મંજુલ વહેલો આવવાનું કહી ગયો છે, એટલે ગમે ત્યારે તે આવવો જ જોઈએ તેવી તેને ખાતરી હતી, કારણ આવી બાબતમાં તો તે બહુ ચોક્કસ હતો તે આશાવરી જાણતી હતી. અને બસ..બીજી પંદર વીસ મિનીટમાં તો મંજુલ આવી પણ ગયો.

.

.

.

"હેય.. આયે'મ બૅક.. હાઉ યુ ફિલિંગ નાઉ..?" -આવતાંની સાથે જ મંજુલ ચહેકી ઉઠ્યો. આશાવરીને જબરું આશ્ચર્ય થયું કે આ લુચ્ચો પુરુષ કેટલું સ્વાભાવિક રીતે વર્તી રહ્યો છે.

.

"યાહ.. ફિલીંગ બેટર.. કેવી રહી પાર્ટી..?" -આશાવરી તો મંજુલથી ય ચડે એટલી સ્વાભાવિક રીતે વર્તવા લાગી. તેને તો બસ પોતાનાં આ દિલફેંક અને ડેશિંગ હસબંડનો જવાબ ચકાસવો હતો. અને પછી તેનો ભાંડો ફોડવો હતો..તેને ભોંઠો પાડવો હતો. પોતાની જ પત્નીને અજાણી યુવતી સમજીને તેની સાથે મોજ માણવાની તેણે જે હરકત કરી હતી, તે ભેદ ખોલતી વખતે આ નાટકી યુવાનનાં ચહેરાં પર છવાતી સ્તબ્ધતા તેને જોવી હતી.

.

"પાર્ટી..? યાર, તારા વગર પાર્ટીમાં શું મજા હોવાની.. તને તો ખબર છે કે મને બહુ બધો ઇન્ટરેસ્ટ નથી આ બધાં તમાશાઓમાં. આ તો તારું મન રાખવા હું એટેન્ડ કરું.. બાકી.."

.

"બસ બસ હો..બહુ મસ્કા મારવા રહેવા દે.. બોલ ને પ્લીઝ.. શું કર્યું ત્યાં..? કોણ કોણ આવ્યું હતું..? કોની કોની સાથે ફર્યો ત્યાં..?"

.

"કંઈ નહીં યાર. ત્યાં પહોચ્યો કે ગેટ પર જ તનવીરની સાથે પેલા ચંચલ અને નીરજ મળી ગયા. બસ.. પછી તો એક એક ડ્રીંક લઈને અમે ત્રણે તો ત્યાંથી નીકળી ય ગયા. યુ નો..? ચંચલે હાલમાં જ પોતાનાં મલાડના બંગલાની ટેરેસ પર જકુઝી ઇન્સ્ટોલ કરાવ્યું છે, અને તેનો બંગલો ત્યાંથી સાવ નજીક જ છે. તો ત્યાં તેનાં બંગલે જઈને હોટ-વોટરમાં આરામથી રીલેક્સીંગ મૂડમાં બે બે ડ્રીંકસ બીજા લીધાં. અને પછી બસ..આવી ગયો પાછો. પેલી પાર્ટીની ધમાલ કરતાં તો ક્યાંય વધુ એન્જોય કર્યું."

.

આશાવરીએ પોતાનાં પતિનાં ટાઢા પહોરનાં ગપ્પા સાંભળી રહી.
"અને પેલું કૉસચ્યુમ? માસ્ક? ક્યાં મૂકી આવ્યો એ બધું?" – તે ચાલાક યુવાનને ગુંચવવા તેણે આગળ પૂછ્યું.

.

"અરે, ચંચલનો કોઈ કઝીન આવ્યો છે દિલ્હીથી. તેણે કોઈ દિવસ આવી કૉસચ્યુમ-પાર્ટી ઍટેન્ડ નહોતી કરી, ને તેને બહુ મન પણ હતું. તો એ કૉસચ્યુમ-માસ્ક તેને આપી દીધાં. ને પછી પાછા શું માંગવાના..! એટલા કંઈ કૉસ્ટલી નથી.. ફરગેટ ઈટ..!" -કહેતાં મંજુલ ટોઇલેટ તરફ ગયો.

.

આંચકો ખાઈ ગઈ આશાવરી. કંઈ સમજાતું નહોતું તેને. જેવું ટોઇલેટનું બારણું બંધ થયું, કે તેણે ચંચલને ફોન લગાડ્યો.

"હાય ચંચલ.. મંજુલ છે ત્યાં?"

"હેય.. આશાવરી.. હાઉ આર યુ..?"

"મંજુલ..? મંજુલ છે તારી સાથે?"

"યસ..મંજુલ મારી સાથે જ હતો. મેં નવું જકુઝી ઇન્સ્ટોલ કરાવ્યું ને.. તો તે કહેતો’તો કે તેને પણ લેવું છે. એટલે મારા બંગલે જોવા લઇ ગયેલો. જો કે અહીંથી તો ક્યારનો ય નીકળી ગયો છે. નીરજ પણ તેની સાથે જ છે. બસ.. પહોંચતો જ હશે. તો? હાઉ'ઝ યુ નાઉ..? મંજુલ કહેતો હતો તારી તબિયત..."

"આયેમ બેટર નાઉ.. ચલ થેન્ક્સ.. પછી વાત કરીએ" –વધુ કંઈ વાત કર્યા વગર જ આશાવરીએ ફોન મૂકી દીધો.

.

જબરદસ્ત ચક્કર આવવા લાગ્યા તેને. પેટમાં વમળ ઉપાડવા લાગ્યા અને પલંગ પર જ દીવાલને અઢેલીને તે ફસડાઈ પડી.

આ.. આ શું થઇ ગયું.. ? પોતે આ શું કર્યું..?

આટલી શંકા..? આટલો અવિશ્વાસ..!!!

ઝેરનાં પારખાં કરવા જતાં આ તો જાણે કે પોતાને જ કમોતે મરવાનો વારો આવ્યો..!

.

.

"હે..ય નોટ અગેઇન..! પાછું શું થયું..? -ટોઇલેટમાંથી બહાર આવતાંની સાથે જ પોતાની પત્નીને ફરી પાછી સાવ આમ નંખાઇ ગયેલી જોઈ મંજુલ બોલી પડ્યો.

"લીવ મી અલોન. મંજુલ.. પ્લીઝ.." -આશાવરીએ પડખું ફરીને બીજી તરફ મ્હોં ફેરવી લીધું, કે જેથી પોતાની છલકાતી આંખોને મંજુલ જોઈ ન શકે.

.

.

.

"યાર.. આ બધી લેડીઝ..! અને ઘડી ઘડીમાં ચેન્જ થતો તેમનો આ મૂડ..! શી..આયે'મ ફેડ અપ વિથ ઓલ ધીસ. ...!" -મનમાં ને મનમાં બબડતો મંજુલ લીવીંગ રૂમમાં આવી ગયો, ને ટીવીની સ્વીચ ઓન કરી ટીવી જોવા લાગ્યો. [સમાપ્ત]

.

[અશ્વિન મજીઠિયા..]