Rudi Rabaran Part-1 books and stories free download online pdf in Gujarati

રૂડી રબારણ ભાગ -1

રૂડી રબારણ ભાગ -1 લેખક - અજય પંચાલ

"એ બા.... દૂધ લઇ લો!"

એ મંજુલ ટહુકો સંભળાયો ને હું ઓસરીમાં દોડ્યો. દૂધ લેવાનું કામ મારું નહોતું. એ કામ તો બા જ કરતી. બા હાજર ના હોય તો ભાભી કે મોટીબહેન કરતી. છતાંપણ હું કોઈ ને કોઈ બહાને ઓસરીમાં જ રહેતો. એનું કારણ હતી રૂડી. રૂડી હતી જ એવી કામણગારી. ઉંમર માંડ વીસ વરસની. પાંચેક ફૂટની હાઈટ. એકદમ ગૌર વર્ણ, માંસલ શરીર, આકર્ષક ચહેરો અને એમાંય એની હડપચી પર ત્રણ છુંદડા એને ઓર આકર્ષક બનાવતાં. રૂડી ખુબ જ ઘાટીલી યૌવના હતી. એક માથે અને બીજું કાખમાં એમ દૂધના બે બોઘેણા સાથે મલપતી ચાલે એ આવતી. અમારાં પડોશમાં બધે એ જ દૂધ આપતી તેથી એનો ટહુકો તો છેક ત્રીજા ઘરે હોય ત્યાંથી સંભળાતો. મોટે ભાગે સાંજના સમયે હું ઓસરીમાં આરામ ખુરશી નાંખી ત્યાં જ વાંચતો કે પછી વાંચવાનો ડોળ કરી ત્યાં જ બેસતો એટલે રૂડી દુધ લઈને આવે એટલે એને નિહાળવાનું ચુકી ના જવાય.

આજે હું પાણી પીવા સહેજ ઘરમાં ગયો અને રુમઝુમ કરતી રૂડી આવી. હું જેમતેમ પાણી ગટગટાવતો પાણીનો ગ્લાસ પાણીયારે જ મૂકી બહાર દોડ્યો. બા દૂધ લેતી હતી. ટેવ પ્રમાણે બા અને રૂડીની વાતો ચાલુ જ હતી. મને જોઇને રૂડી હોઠના એક ખૂણે હસી. ને મને ટોણો માર્યો.

"કેમ તમારે આજે વાંચવાનું નથી? પરીક્ષા પતી ગઈ?

મને એના અવાજના ટોન પરથી ખ્યાલ આવતો હતો કે એ મારા દોડીને આવવાને કારણે ખુશ તો થઇ હતી. મનમાં મલકાતી હતી. એને એના સૌન્દર્યના જાદુની ખબર હતી. એને એ પણ ખબર હતી કે એ દૂધ માપીને આપતી ત્યારે હું એની દરેક હિલચાલ બહુ જ ધ્યાનથી માપતો રહેતો. એ ત્રાંસી આંખે જોઇને પણ એ બેખબર હોવાનો ડોળ કરતી. એના ટોણાને પચાવીને મેં કહ્યું, "
તને શું ખબર પડે ભણવાની? મારે કંઈ વાંચવાની જરૂર નથી."

'હા, હા અમને તો હું ખબર પડે? અમે તો રયા અભણ! તમ જેવા ભણેશરીને જ બધી ખબર પડે." એણે આંખો ઉલાળતાં કહ્યું.

"થોડું મુને ય હમ્જાવજો જરીક."

"તારે ભણવાનું સમજીને શું કામ છે?"

"લો તમારા જેવા ભણેલા હારે ક્યમ વાત કરવી એ તો આવડે ને?"

"પણ વાતો તો તું રોજ કરે છે મારી સાથે."

"હાં , પણ મન શીખવાડો તો તમારી હારે હારી રીતે વાત કરતા આવડે ને!" આંખ નચાવીને એણે કહ્યું. એ હમેશા બોલતી કઈંક પણ એના આંખોના ઉલાળા અને ચહેરાના હાવભાવ કંઈક અલગ જ અર્થ ઉભો કરતાં.

રૂડી ખુબ જ સુંદર હતી. જાતની રબારણ એટલે એના કપડા લઘરવઘર રહેતાં પણ ઈશ્વરે એને રૂપ તો ખોબલે ખોબલે આપ્યું હતું. એના લઘરવઘર કપડાં એના રૂપને ઢાંકી રાખવા અસમર્થ હતા. એના વાળ લાંબા અને ભૂખરાં ,પણ કંઈક અંશે રુક્ષ હતા. જો એને ય સારા શેમ્પુ અને તેલની માવજત મળે તો એ ય સુંદર લાગે. તેમ છતાંય એના વાળ એના રૂપને શોભતાં હતા. એ કાયમ ટૂંકી ઘાઘરી, ચોળી અને એની ઉપર લાંબી જાંબલી રંગની બરછટ ઓઢણી જેવું બાંધણીની ભાતનું કંઈક પહેરતી. એને સાડી તો ના જ કહેવાય, પણ જે હોય તે, પણ મને તો એ બહુ જ ગમતી. એની પોલકી ટૂંકી હોવા છતાં પણ એ માથે ઓઢતી અને જેમ તેમ છાતી ઢાંકતી. એ બાબતમાં થોડી બેદરકાર હતી એ. પણ એ ટૂંકા પોલકામાં એનું જોબન ઢાંકે નહોતું ઢંકાતું. એ વાંકી વળીને બોઘેણામાંથી તપેલીમાં દૂધ રેડતી ત્યારે એનું યૌવન ઉભરાતું. હું ત્રાંસી નજરે એના ગોરાં અને સુગઠિત સ્તનયુગ્મ પર તાકી રહેતો. એ જો મારી સામે જુએ તો હું નજર ફેરવી લેતો. મારી નવી નવી યુવાનીને રૂડીનું સૌન્દર્ય ભાવી ગયું હતું. ઉંમરમાં તો મારાથી મોટી હતી અને હતી ય થોડી તો નફફટ અને નખરાળી. એને કોઈ એના સૌન્દર્યને આડકતરી રીતે સરાહે એ ગમતું, ખાસ કરીને મારા બધા ચાળા એને ગમતા. હું આમે ય નાનપણથી દેખાવડો તો હતો જ. એમાં હમણાં મારા યૌવનની નવી નવી વસંત મ્હોરી હતી. એટલે મારા મનમાં રૂડીને જોઇને કઈંક એવી લાગણીઓ પેદા થતી કે જે હું ય સમજી નહોતો શકતો. એટલે જ એના દૂધ લઈને આવવાના સમયે હું હમેશા ઓસરીમાં હાજર રહેતો. બા કે મોટી બેન તો દૂધ લઈને અંદર ચાલી જતાં. દુધ આપ્યા પછી ય એ થોડી વાર ત્યાં બેસતી અને મારી સાથે વાતો કરતી રહેતી. એ હંમેશા બાલીશ પણ એવું કશુંક પૂછતી રહેતી જે મને ગમતું. આમ તો બધી વાતો નિર્દોષ રહેતી પણ કાચી યુવાનીમાં કોઈ પણ વાતો મનમાં ગલગલીયાં જ ઉભી કરતી રહેતી.

આજે એણે થોડીવાર આડી અવળી વાતો કરીને કહ્યું.

"મું પરમ'દી થી તમારી પાડોશમાં મંગળા બાને ઘેર કામ કરવાની છું. ઈમને કચરાં-પોતું, વાસણ અને કપડાં ધોવાનું કામ આલ્યું છ."

એની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. કેમકે મંગળાબા અને મોહનકાકાના ઘરે તો બે જ જણા હતા. એમના બે છોકરાઓ તો વિદેશમાં હતા અને એક છોકરી હતી એય પરણાવી દીધી હતી.પણ એણે એનું સમાધાન પણ વળતાં વાક્યમાં જ કરી નાખ્યું.

"ઈમનો છોકરો પરદેશથી આવ છ તે બે મૈના રે'વા નો છ. ઈનું કામ મારે કરવાનું છ. હવારથી મુ અઈય જ રઈશ. હોંજે ભગરીને દો'વાની થાય એ વેળા ઘેર પોચી જૈસ."

હવે તો રૂડીને બાજુના ઘરમાં કામ કરતી જોઈ શકાશે એથી એની વાત સાંભળીને હું મનમાં મલકાયો. ઉભી થઈને આંખનો ઉલારો કરીને એણે અંગુઠા અને આંગળીથી એનું વસ્ત્ર ખેંચીને છાતી પર સરખું કર્યું. અને બોઘેણું માથે મુકીને મલપતી ચાલે નીકળી પડી. એનાં ઝાંઝરનો ઝણકાર મારા કાનને ખુબ જ પ્રિય લાગતો. ક્યાંય સુધી હું એના થીરકતા નિતંબને જોઈ જ રહ્યો. હું રૂડીથી મોહિત હતો. આરામખુરસીમાં લાંબો થઈને વિચારવા લાગ્યો કે હાશ! હવે તો રૂડી લાંબો સમય સુધી મારી આંખ સમક્ષ રહેશે. કાચી ઉંમરમાં જાગેલી એ પ્રેમની કંઈક અસ્પષ્ટ લાગણીઓ હતી. પણ કાલે સવારે હજુ સ્કુલમાં જવાનું છે અને હોમ વર્ક હજુ બાકી છે એ વિચારીને રૂડીના વિચારો ખંખેરીને હું ઉભો થયો. પણ રૂડી મારા મનમાં હજુ ય ઘુમરાતી જ હતી.

રૂડી રબારણ એ મંગુ અને ઈચ્છા રબારીનું પાંચમું સંતાન હતી. સ્વાભાવિક રીતે જ શરૂઆતના પ્રાથમિક શાળાના ભણતર પછી એ મા-બાપના એમના દૂધ વેચવાના અને ઢોર સાચવવાના વ્યવસાયમાં કામે લાગી હતી. મંગુ રબારીનો પરિવાર દાયકાઓથી આ ગામમાં વસ્યો હતો એટલે એણે દુધના વ્યવસાય ઉપરાંત થોડી ખેતીલાયક જમીન પણ વસાવી હતી. આમ છતાં સંતાનો એના પોતાના વ્યવસાયમાં જ પરોવાઈ ગયા હતા. રૂડી પંદર સોળ વરસની ઉમરથી જ સારું એવું કાઠું કાઢી ગઈ હતી. શરીરે થોડી માંસલ અને ભરાવદાર હતી. ગૌર વર્ણની ચામડી અને થોડી ભૂખરી આંખોવાળી રૂડી યૌવનના ઉંબરે આવીને એની ઉંમર કરતા વધારે મોટી લાગતી એટલે માબાપની ચિંતાનો વિષય બની હતી. સ્વભાવની તો એ પહેલેથી જ નખરાળી હતી અને એમાં પાછો યૌવનનો ઉન્માદ ઉમેરાયો એટલે એની નાદાન મસ્તી પણ માબાપ માટે ચિંતાદાયક હતી. રબારી રસમ પ્રમાણે તો એનું સગપણ બાજુના ગામના જીવલા સાથે નક્કી હતું. જીવલો દેખાવમાં તો રબારી કોમમાં ઘણો દેખાવડો ફૂટડો યુવાન હતો. ઘેરા ઘુંઘરાળા વાળ, કજરાળી આંખો, વાંકડી અણીયારી મૂછો, ખભા પર કડીયારી ડાંગ સાથે બાંય વિનાનું કેડિયું પહેરેલો મજબુત સીનો અને કસરતી બાવડાંવાળો શસક્ત બાંકો યુવાન રબારી જયારે બહાર નીકળતો ત્યારે એની કોમની છોકરીઓના મનમાંથી એક હાયકારો નીકળી જતો. ચાર ચોપડી સુધી માંડ માંડ ભણેલો જીવલો ભણતરને બાય બાય કરીને એના બાપીકા વ્યવસાયમાં જ કામે લાગ્યો હતો. પણ કામ કરતા એના ઉધામા વધારે રહેતા. ખાધે પીધે થોડા સુખી હોવાને કારણે અને માબાપનો એકનો એક દીકરો હોવાને કારણે જીવલામાં મોટાભાગના અવગુણો ભરાઈ ચુક્યા હતા. દારુ અને જુગારની લત તો હતી જ. ગુસ્સો એના નાકના ટેરવે જ રહેતો એટલે વારે વારે એના ઝગડા ટંટા થતા જ રહેતા. રૂડીને તો એ ખુબ જ પ્રેમ કરતો હતો પણ હજુ રસમ અનુસાર વિવાહ થવાના બાકી હતા એટલે વાર તહેવારે રૂડીને મળી લેતો. પાસેના જ ગામડે રહેતો હોવાથી એ બહાનાં કાઢીને પણ રૂડીના ગામ આવીને પાદરે કે સીમમાં જ રૂડીને મળી લેતો. પણ જયારે જયારે રૂડી જીવલાના ટંટાના પરાક્રમો સંભાળતી ત્યારે એ ખુબ જ નારાજ થતી. જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ જીવલાના ઉધામા વધતા જતા હતાં એટલે ઘણી વેળા નાદાન રૂડી નારાજ્ગીમાં જ જીવલાને મળવાનું ટાળતી અને એ જ જીવલાના ઉધામાનું કારણ બનતું. રૂડી પણ જીવલાને ચાહતી હતી જ પણ ઉમરની નાદાનિયતને કારણે એ પણ એની મસ્તીમાં જ રહેતી. મારી સાથે રૂડી જયારે જીવલાની વાત કરતી ત્યારે મારા મનમાં જીવલા પ્રત્યે એક છાની ઈર્ષ્યા જાગતી. પણ જયારે એ જીવલાના ઝઘડા-ટંટાની વાત કરતાં કહેતી કે માબાપના વચનને કારણે જ એ જીવલા સાથેનો સંબંધ કબુલ રાખતી હતી ત્યારે મને છાનો સંતોષ પણ થતો.

બીજા જ દિવસની સવારે હું સ્કુલે જવા તૈયાર થતો હતો ત્યારે બાજુના મંગળાબાને ઘરે રૂડીનો ટહુકો સંભળાયો. સ્કુલે જવાનું મોડું થતું હોવા છતાં હું એમના બારણે સહેજ રોકાયો. રૂડી કંઈક નાંખવા માટે બહાર નીકળી અને એની સામે સહેજ સ્મિત કરીને હું સ્કુલે જવા નીકળ્યો. ત્યાં જ પાછળ મંગળાબાનો સાદ સંભળાયો, "સાંભળ, આજે અમરીશ લંડનથી આવે છે તો સાંજે જલ્દી ઘરે આવી જજે અને સાંજે અમારા ઘરે જમજે." "
હા બા, સાંજે જલ્દી આવી જઈશ હું."

હું મનમાં જ મલકાયો. વાહ, ઉપરવાળો પણ મને જે ગમે છે તે પ્રમાણે જ બધું ગોઠવે છે. પણ મને એ ખબર નહોતી કે ઉપરવાળો એક એવી બાજી ગોઠવી રહ્યો છે જે મારા માટે જીવનભરની યાદગીરી બની રહેવાની હતી.

એ બપોરે મંગળાબાના ઘરે એમના પુત્ર અમરીશનું આગમન થયું. સાંજે સ્કુલેથી આવીને મેં ઝડપથી મારું હોમવર્ક પતાવી લીધું. પછી મેં બાને કહ્યું, "બા! મારું જમવાનું આજે મંગળાબાના ઘરે છે.

"મને ખબર છે ભઈલા! મંગળાબા એ મને સવારે જ કહી દીધું હતું કે અમરીશ આવે છે તો તને જમવાનું કહ્યું છે. અમરીશભાઈને ય કંપની રહે ને તારી."

એ સાંભળતા જ મોટીબહેને મને તાકીદ પણ કરી કે

"જો આજે તો અમરીશભાઈ મુસાફરીના કારણે થાકેલા હશે. તો બહુ બોલી બોલીને એમનું માથું ના ખાતો. આમે ય હવે એ લાંબો સમય અહીં રહેવાના છે."
આમ બોલતાં બહેનના મોં પરના ભાવ થોડા બદલાયા. પણ મારું ધ્યાન એમાં ન હતું. મને તો બે વાતની વધુ ચટપટ હતી. અમરીશભાઈ લંડનથી આવ્યા છે એટલે વિદેશી ચોકલેટ્સ, કેન્ડી અને ગીફ્ટ જરૂર લાવ્યા હશે. અને બીજું કે રૂડી ત્યાં કામ કરતી હશે એટલે એને નિહાળવાની પણ ભરપુર તકો મળશે.

એ સાંજે હું અમરીશને મળ્યો. મારી ધારણાં મુજબ એ મારા માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા હતા. ચોકલેટ-કેન્ડી ઉપરાંત મારા માટે ઘણા કપડા લાવ્યા હતા. મને એમણે આપેલી વિડીયો ગેમ બહુ જ ગમી. આમતો એ મારા કરતાં ઉમરમાં મોટા હતા. હું અંગ્રેજી મીડીયમમાં ભણતો હોવાથી એમની સાથે અંગ્રેજીમાં વાત કરી શકતો એટલે એમને મારા પ્રત્યે વધારે પ્રીતિ હતી. થોડાક વરસો પહેલા જયારે એ એમનાં વાઈફ અને ડોટર સાથે આવ્યા ત્યારથી એમની સાથે મારે ગોઠી ગયું હતું. ઉમરમાં આટલો ફર્ક હોવા છતાં એ મને એમ જ કહેતાં કે મારે એમને ફક્ત અમરીશ જ કહેવું. પરદેશમાં બધા એકબીજાને પહેલા નામથી જ સંબોધતા હોય છે. આમે ય અંગ્રેજી ભાષામાં તું અને તમે માટે એક જ શબ્દ છે. એમણે લંડનમાં લવ-મેરેજ કર્યા હતા. એમની વાઈફ વિદેશી હતી એટલે વાઈફ અને ડોટર બંને અંગ્રેજીનો જ ઉપયોગ કરતાં. એટલે જ મારી સાથે બધાને સારું ફાવી ગયું હતું. મને ય એ બધાની સાથે સારું ફાવતું. એમની ડોટર નિશા મારી સાથે જ રમતી. નિશાની યાદ આવતાં જ મેં પૂછ્યું, "નિશા કેમ છે? એને સાથે કેમ ના લાવ્યા?"

મારા આ પ્રશ્નથી અમરીશના મોં પર સહેજ ઉદાસીના ભાવ આવી ગયા. એમણે જવાબ ના આપ્યો. પણ એમના બાપુજી મોહનકાકા તરત જ બોલી ઉઠ્યા, "નિશા બેટીને તો સ્કુલ હોય એટલે એ કઈ રીતે આવી શકે? અને નિશાને કારણે વહુથી પણ ના જ અવાય ને?"

વાતને જે રીતે વાળી લેવાઈ એ મને થોડો સંશય ઉપજાવી ગયું પણ એ જ વખતે રૂડી ડાઈનિંગ ટેબલ પરથી ડીશીશ ઉઠાવવા આવી એટલે મારું ધ્યાન એના પર ખેંચાયું. જમીને થોડીવાર વાતો કરી હું પાછો ફર્યો. આજે રૂડીને અમરીશે નવી સાડી આપી હતી. સાડી લેતી વખતે રૂડીના મોં પર જે હર્ષ હતો તે મારા ધ્યાનમાં આવ્યો હતો. ખબર નહીં કેમ પણ મને રૂડીના મોં પર એ હર્ષના ભાવ નહોતાં ગમ્યાં. ઘરે આવ્યો ત્યારે બધાં ઓસરીમાં જ બેઠા હતા. બા અને બાપુજી તો રોજ રાત્રે આમ બેસતાં હતા. આજે બહેન, મોટાભાઈ અને ભાભી પણ હતા.. ત્યાં પણ અમરીશની જ વાતો ચાલતી હતી. હવે મારા સંશયનો તાળો મળ્યો.

બા બોલતી હતી, " જો અમરીશ લંડનમાં એ અંગ્રેજ જોડે ના પૈણ્યો હોત તો આવો વારો ના આવત. અહી ઇન્ડીયામાં ઘણી ય રૂપાળી છોકરીઓ મળત. પણ નકામો ત્યાં ભણવા ગયેલો ને પ્રેમમાં પડી બેઠો. પાછો અહીં આયો ત્યારે લગ્ન કરીને જ આયો."

"હા જો ને તે વખતે ય મંગળાબા કેટલા રડ્યા હતા? કેતા'તા કે મારો છોકરો ગોરી મઢમની જાળમાં અંટવાય ગયો." મોટી બેને બાની વાતમાં ટાપસી પુરાવી.

ભાભી ય બોલ્યા, "તે એમને તો મનમાં લાગે જ ને? મોહનકાકા કેટલાય વરસોથી ગામના સરપંચ છે. આખું ગામ એમને મુખી કાકા મુખી કાકા કહેતા થાકતું નથી. એમની સામે ય કોઈ ચુંટણીમાં ય ઉભું રહેતું નથી. છોકરો નાતમાં પરણવાનું મેલીને ગોરી જોડે પરણ્યો, તો એ ગામમાં મુખીપણું કયા મોઢે કરે? મુખીકાકા ય કેટલાં ગુસ્સે થયા હતાં? એમાં પાછો અમરીશ લંડનમાં જ રહી ગયો."

"એ તો ભગવાનનો પાડ માનો કે એના ઘરે ફૂલગુલાબી છોકરી જન્મી ત્યારે એ બંનેના મોઢા પર સહેજ આનંદ આયો 'તો. અને અમરીશ અને એની ગોરી બૈરીને અપનાયા"

અમારા ઘરના મહિલામંડળની ગુફ્તેગું પરથી મને આખી વાતનો ખ્યાલ આવી ગયો.

લગ્ન પછી અમરીશ બે વાર ઇન્ડિયા આવી ગયો હતો. ત્યાં સુધી બધું સારું જ ચાલ્યું હતું. પણ છેલા એકાદ બે વરસમાં અમરીશના ઘર સંસારમાં આગ ચંપાઈ હતી. અમરીશની વાઈફને એના જ બોસ સાથે અફેર થયો હતો. થોડો સમય એમ છાનું ચાલ્યું પણ અમરીશના ધ્યાનમાં આ વાત આવી ગઈ. એ બાબતે પતિ પત્નીમાં ઝઘડો થયો અને એની વાઈફ એની દીકરી નિશાને લઈને જતી રહી. થોડો સમય પછી બંનેના ડિવોર્સ થઇ ગયા. થોડો સમય લંડનમાં એકલા રહ્યા બાદ મોહનકાકાના સમજાવવાથી એ ઇન્ડિયા આવ્યો હતો. મોહનકાકા ઇચ્છતા હતા કે એ હવે અહિયાં જ રહે. પણ અમરીશના મન પર એક ઘા પડ્યો હતો. એ અનિર્ણિત દશામાં હતો. મારા બા-બાપુજી, ભાભી, બહેન બધા પણ એવા જ મતના હતા એટલે અહીંયા પણ અમરીશ-પુરાણ ચાલતું હતું.

અમરીશે રૂડીને ખુબ સારી સાડી આપી ત્યારે રૂડી બોલી હતી.

"અમરીશ ભૈ, તઈ તમારી છોરી ય આવી સાડી પે'રે છ?"

ત્યારે અમરીશના મોં પર દુઃખની છાયા પથરાઈ ગઈ હતી. પણ એણે રૂડીને કહ્યું હતું.

"ના..ના, નિશા ત્યાં સાડી નથી પહેરતી. એ તો ડ્રેસ પહેરે છે. પણ તને સાડી ગમી કે નહીં?"ત્યારે રૂડી ખુબ જ હરખાઈને બોલી હતી.

"ઓવ્વ, મન તો બૌ જ ગમી. મારી માને કઈસ કે જો મન કેવી હારી હાડી આલી."

એના મોં પણ ખુબ જ હરખ હતો. અને આંખોમાં આભારની લાગણી છલકતી હતી.
રૂડીએ સાડી મેળવીને જે હરખ વ્યક્ત કર્યો હતો તે યાદ આવ્યું. મને એ સહેજ પણ નહોતું ગમ્યું. જાણે અજાણે મારામાં એક ઈર્ષાની ભાવના પ્રવેશી હતી. મને પણ નહોતી ખબર કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. આ ઈર્ષા જ મારી જીંદગીમાં એક એવી આગ ચાંપવાની હતી જેના ભયાનક પરિણામોની મને ખબર નહોતી.


ક્રમશ: લેખક - અજય પંચાલ (USA)