Sukhi Jivan books and stories free download online pdf in Gujarati

સુખી જીવન

Vaishali Radia Bhatelia

vaishaliradiabhatelia@gmail.com

લવમૅરેજ કે ઍરેન્જ્ડ મૅરેજ

પરીણયના પરિચયથી પાંગરે પ્રણય

કે,

પ્રણયના પરિચયથી પામીએ પરીણય

શરત માત્ર એટલી ‘ઉડાન’

સમજણની પાંખ હો વિશાળ.

જિંદગી તો ‘છેડા-છેડી’, સાજ છે. સૂરીલો સાજ છેડાય, ત્યારે સૂરીલી અને બેસૂરો સાજ છેડાઈ જાય, ત્યારે નાસૂર બનીને ખટકે! કોઈ જિંદગી સો ટકા સૂરીલી કે સંપૂર્ણ બે સૂરી નથી હોતી. બંને સૂર જિંદગીમાં રેલાય, ફેલાય, ક્યારેક સંકોચાય, તો ક્યારેક વિસ્તરે. એ જ તો છે, જીવનસંગીત.

પૃથ્વી પરના તમામ સજીવો એક ચોક્કસવયે હંમેશાં વિજાતીય સાથી સાથે જોડાવાના ઊભરા અનુભવે છે. કોઈ પામે છે, કોઈ ગુમાવે છે, કોઈ પામીને સુખી, કોઈ ખોઈને દુ:ખી. પણ, પામીને પણ જીવનભર સુખી થાય, એવા વિરલા તો કોઈક જ હોય. પક્ષીઓમાં જેમ ચક્રવાક, સારસ બેલડી અપવાદ તેમ માણસોમાં અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગનાં પાત્રો પોતાના પ્રિયને મેળવવા જે ધમપછાડા કરે, એ જ ધમપછાડિયો પ્રેમ સમય પસાર થવાની સાથે સાથે પછડાટીયો વધુ થતો જાય, એવું અનેક કિસ્સામાં બનતુ હોય છે.

યુવાન વયે દરેક વ્યક્તિની શમણાંની એક દુનિયા હોય છે. ગમતા પાત્ર સાથે અમુક કલાકો ગાળે, ત્યારે તો બંને પોતાનું શ્રેષ્ઠત્તમ એકમેક સામે ઠાલવી દે છે. ઘર-સમાજ સામે બાંયો ચઢાવીને કોઈ આ જંગમાં જીતી ગયાના કેફમાં ઢળે છે, કોઈ લાગણીશીલ પંખીડાઓ ઘર-સમાજની પસંદગી સામે ઝૂકીને લગ્નની વેદી પર બલી ચઢી રોતલિયા ચહેરે એકમેકથી વિખૂટાં પડી, જિંદગીભર દિલના કોઈ ખૂણે એ ધબકારા ધબધબાવ્યા કરે! ને કોઈ એવાં કઠપૂતળિયાં પાત્રો પણ હોય, જેને કોઈ સ્પંદન ન ફૂટે, આંખોમાં સ્પાર્ક ન થાય અને કોઈ ઝંઝાવાત કે વાવાઝોડા વિના જ્યાં એનું કોઈ ગોઠવી આપે, ત્યાં ગોઠવાઈને ‘સુખી જીવન’ના લેબલમાં શાંતિથી ઘર-પરિવાર, જીવનસાથી, બાળકો બધાંને સેટલ કરી, સંતોષના શ્વાસથી જીવી જાય! ને વળી અપવાદરૂપ નરબંકા-નરબંકી ભેગાં થવાની હિંમત ન કરી શક્યાં હોય અને બીજે ગોઠવાઈ પણ ન શક્યાં હોય, યા બેમાંથી એક પાત્ર બીજે ગોઠવાય ને બાકી રહેલું પાત્ર ‘દેવદાસ’ કે ‘દેવદાસી’ (પ્રતીકરૂપ શબ્દ)ની જેમ જાતને ખોઈને ઊતરેલા ચહેરે પોતાની ત્યાગભાવનાને ઊચ્ચસ્તરે પહોંચાડી, ચડેલા થોબડે આખી જિંદગી જીવી જાય અને લોકોની ‘આહ’ ને ‘વાહ’ મેળવી જાય!

‘લગ્ન’ એક એવો શબ્દ છે, જે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર મનાય છે. પાશ્ચાત્ય દેશોમાં ‘લગ્ન’ એટલે સહજીવન – સાથે રહેવું – ફાવે ત્યાં સુધી. અને ભારતીય સંસ્કૃતિમાં - સાથે રહો - શ્વાસ ચાલે, ત્યાં સુધી! શ્વાસ મહેકે ત્યાં સુધી નહીં, પરંતુ શ્વાસ સિસકે ત્યાં સુધી.

પ્રાચીનકાળમાં ઉદ્દાલક ઋષિના પુત્ર શ્વેતકેતુએ જોયું કે એક અજાણ્યો પુરુષ આવીને તેની માતા પાસે દેહસુખની માગણી કરે છે. પિતા-પુત્રની હાજરીમાં જ માતા અજાણ્યા પુરુષ સાથે એકાંત માણવા જતી રહે છે, ત્યારે શ્વેતકેતુને ઠેસ પહોંચે છે અને તે પિતાને પૂછે છે કે આવું કેમ? ત્યારે ઋષિ કહે છે કે, ‘બેટા, આપણા સમાજમાં પ્રત્યેક પુખ્ત વ્યક્તિને એ હક છે કે તે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ કારણસર સંબંધ બાંધી શકે છે. તે માટે પતિ-પત્નીને એકબીજાંની આજ્ઞાની જરૂર નથી હોતી.’ શ્વેતકેતુ વિચલિત થયો અને સમય જતાં તેણે લગ્નપ્રથા વિકસાવી. શાણા સમાજ માટે આ પગલું આવકારદાયક રહ્યું. ઘણા મહાપુરુષોને થયું, ચાલો સ્વચ્છંદ અટક્યો. એનાં દુષ્પરિણામો અટક્યાં, પરંતુ દ્રાૈપદી જેવા અમુક અપવાદોને બાદ કરતાં પુરુષો પર એ નિયમ લાગુ ન પડ્યો. રાજા-મહારાજાઓનાં અંત:પુર તો રમણીઓથી ઊભરાતાં રહ્યાં. રમણીઓનાં દિલ અમુક સમય પછી ઊભરાઈને સૂકાતાં ગયાં એના માટે કોઈ સંશોધન સમિતિઓ ન બની. ખાનગી અહેવાલો ઘણા બહાર પડ્યા અને આપણે એ ઇતિહાસ જાણી શક્યા!

અર્વાચીન સમયમાં આપણે આપણો ભવ્ય વારસો જાળવ્યો. સ્ત્રીના શરીરની રચના જ કુદરતે એવી નિર્માણ કરી છે કે ઐહિક આવેગ અને સંબંધ તો બંને પક્ષે સમાન જાગે, સમાન ભોગવે, પરંતુ દૈહિક ભોગવટા પછી સ્ત્રીના ભાગે પરિણામો અપેક્ષિત કે અનઅપેક્ષિત આવી શકે. એટલે જ, કન્યાને સલામતી, રક્ષણ આપવા તેના જન્મદાતાઓ-પાલકો-કુટુંબ-સમાજ, લાગણી ધરાવનારા કે ન ધરાવનારો, સાચી ચિંતાથી કે ખોટી ખટપટથી દરેક રીતે હંમેશાં તૈયાર જ રહે છે. કન્યાના સાચા શુભેચ્છકો એ જવાબદારી સોંપે કે ન સોંપે, અમુક વ્યક્તિને હોંશ આવી જાય, સમાજસેવાની તો એ વગર ફીએ પણ સરસ સેવા-જવાબદારી નિભાવતા રહે છે. અને હા! અમુક કિસ્સામાં એ જરૂરી પણ બને છે. દરેક ‘પંચાતિયા’ હંમેશાં ચીલાચાલુ જ નથી હોતા. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘કન્યાનો જ’ પગ લપસતા એ પાપ ગણી લે અને એ સમાજમાં જ્યારે તમારે રહેવાનું છે, તો એ સલામતી ઘણીવાર જરૂરી બની જાય છે. અમુક પાશ્ચાત્ય દેશો એવા છે કે જ્યાં આ બધી વાતોથી કોઈને અંગત જિંદગીમાં ફરક નથી પડતો. પણ આપણે જ્યારે આપણી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ, ત્યારે એના ભાગરૂપે સમાજના ચોકઠામાં ફિટ થવું જ પડે છે. જે નથી થતા અને ગોળ-ચોરસ એવા ભૌમિતિક આકારોને અવગણી ‘દિલ’ના નવા આકારમાં ચાલી, મન થાય તેમ જીવીને પોતાનો નિજાનંદ મેળવી લે, તેને સમાજ બહિષ્કૃત કરે ને સફળ થાય, તો પૂજા પણ કરે. એમાં ઘણા જિંદગી પૂરી કરી ખોવાઈ જાય ને ઘણા વિભૂતિઓ પણ બની જાય. ભારતમાં જ એનાં ઉદાહરણ આપણી સામે છે.

ઓશો, રવીન્દ્રનાથ ટાગોર, નીના ગુપ્તા, પ્રતિમા બેદી અને આફ્ટર ઑલ મોસ્ટ ફેમસ નરેન્દ્ર મોદી દિલ બોલે તેમ જીવ્યા છે અને જીવે છે. ભલે તે નિજાનંદ હોય, સમાજ સેવા હોય, દેશભક્તિ હોય, વાત તો એટલી જ કે જીતીને જીવી ગયા.

આવા અપવાદ બાદ કરતાં અત્યારે પરિસ્થિતિ સમજીએ, તો યુવાનો મરજી કે નામરજીથી પણ જ્યારે વડીલોની ઇચ્છાને માન આપીને લગ્ન કરે છે, ત્યારે અમુક યુગલ સફળ થાય છે અને પરીણય પહેલાંના પ્રેમવાળા કિસ્સા કરતાં પણ વધુ સફળ થઈ શકે છે. એ માટે જરૂર છે, કુટુંબના સભ્યોની સમજદારી જવાબદારી અને પ્રેમપૂર્ણ વ્યવહારની. એરેન્જ્ડ મૅરેજમાં એક-બે મુલાકાતો, બાહ્ય દેખાવ, શરમથી ઝૂકેલી પાંપણો પલકાવી અલપ-ઝલપ દર્શન અને દસવાર વાંચી ગયેલી એ જ બાયોડેટાના પ્રશ્નો, શું ભણ્યાં? શું શોખ? વગેરે... વગેરે...

મારો કોઈ પ્રત્યક્ષ વિરોધ નથી આ પ્રથા માટે, કેમ કે, ઘણા કિસ્સા સફળ થતા પણ જોયા છે. આવી રીતે ‘બાયોડેટા’થી ‘જીઓ, બેટા’ના આશીર્વાદ મેળવી, બહુ સરસ જિંદગી જીવી જતાં. એટલે જેને પ્રેમ નથી થતો, જેનું દિલ જ એમાં ખુશ હોય કે આપણાં વડીલો કરે એનાથી બેસ્ટ આપણા માટે કશું જ નહીં. એના માટે ક્યાં દિલ-ઓ-દિમાગની કશ્મકશ જેવું રહે? એને માટે તો એ જ દિલની ખુશી અને એ જ એના માટે ભવોભવનો પ્રેમ! તો એમાં કોઈ વિરોધની વાત જ નથી રહેતી!

પણ, પક્ષપાત તો ત્યાં થાય છે કે... જ્યારે વડીલો આજના યુવાનોની પસંદગીને જોયા-જાણ્યા વિના સીધો પોતાનો નિર્ણય સંભળાવી દે અને પોતાની પસંદગીની મહોર મારી દે ને પોતાનું દિલ ખુશ કરી, સંતોષનો શ્વાસ લઈ લે. અને હા, આ પરિસ્થિતિની હજી તો શરૂઆત હોય છે. આ ‘દિલખુશ’ વડીલો ઘરમાં વહુ આવે, એટલે પોતાના રિવાજ, પોતાની ખાનદાની, પોતાની ઇજ્જત, પોતાની માગણીઓ એટલી હદે નવયુગલ પર ઠોકી બેસાડી, એને એક ‘ફ્રેમ’માં ફિટ કરી દે છે કે વ્યક્તિ સ્વાતંત્ર્યની વ્યાખ્યા નક્કી કરવી એ ‘દાદ’ માગી લે છે. જેમ કે, એમની વાણી, વિચારો એવાં હોય કે અરે! આવું પહેરવા-ઓઢવા-હરવા-ફરવા બીજે ક્યાં મળત? અમારા ‘ઘર’ જેવું તમને ક્યાંય ન મળત. અમે બધી જ ‘છૂટ’ આપી છે. બસ, ઘર-વડીલો બધું સચવાઈ જવું જોઈએ. બાકી, તમને બધી ‘છૂટ’. ને એમાં યુગલમાંનો વર પણ સામેલ હોય. અરે યાર! આ કંઈ ‘ડીલ’ થોડી છે? ‘દિલ’ની વાત છે. લગ્ન એટલે જોડાણ. એમાં ફક્ત કુટુંબ-સમાજ જ નહીં. મુખ્ય વાત છે, બે દિલ-બે આત્માના જોડાણની. એમને અવકાશ આપો, સમય આપો. ‘પ્રેમ’ એવું રસાયણ છે કે, પ્રેમરત યુગલ કંઈ આખી જિંદગી સ્થૂળ પ્રેમ જ નહીં કર્યાં કરે! સંવાદિતા સાધી, સાયુજ્ય સાધી સરસ જીવન બનાવે એ અદૃશ્ય પ્રેમથી તો માણસ પોતે જીવી જાય અને બીજાને પણ જીવાડી જાય. નવયુગલ એકલું રહેતું હોય, કે સંયુક્ત કુટુંબમાં રહેતું હોય, કોઈ પણ મુશ્કેલીમાં સહજતાથી બધું ટકી જાય ને કિલકિલાટથી જીવાય જાય, જો એ પરીણયમાં પ્રણય ભળે, તો! આવાં બહુ ઓછાં ઘર જોયાં છે, જેને દિલથી વંદન આપોઆપ થઈ જાય. જ્યાં પ્રેમને પ્રાધાન્ય હોય , કોઈ પ્રથાને નહીં!

આ જ પરિસ્થિતિ પ્રેમલગ્નમાં પણ લાગુ પડે છે...

આંખો ચાર થઈ,

દિલ પર વાર થઈ,

જાણે દુનિયા દુશ્મન થઈ ને

જુવાની ફના થઈ.

આ પરિસ્થિતિ જોઈ, અમુક કિસ્સા બાદ કરતાં વડીલો કહે કે પ્રેમ કરો, પણ આપણી બરાબરી, આપણા ધર્મ, આપણી જ્ઞાતિમાં, તો... વિચારીશું, મંજૂરીની મહોર મારવામાં. બાકી તો, દુશ્મની ને ફના... ફના... ને એકદમ સહજ બનેલી પરિસ્થિતિ ભાગી જવું, થોડા સમયમાં ફરી સ્વીકાર યા અસ્વીકાર, પછી બધું થાળે પડી જવું અને સમાજ ફરી નવા કિસ્સા તરફ વળી જાય. જે યુવાનો-યુવતીઓ આજકાલ મૅરેજ સાથે મની, સ્ટેટસ, ક્રેડિટ કાર્ડ જોઈ, ‘પ્રેમ’માં પડે છે, એની આપણે આ ‘પ્રેમલગ્ન’માં ગણતરી નથી કરતા, પણ આમાં મુખ્ય વાત એ છે કે ઘણીવાર પ્રેમલગ્ન પછી સમય જતાં પ્રેમ પસાર થઈ જાય છે અને લગ્ન રહી જાય છે, ત્યારે આવા નિર્બંધ વિચારો ને વિષયો આપણને વિચાર કરવા પ્રેરે છે.

પ્રેમમાં પડતી વખતે તો ફક્ત બાહ્ય દેખાવ જોઈને, દિલ ધબકી જાય ને જેમ નજીકથી ઓળખાણ થાય, ત્યારે થોડાઘણા ગુણદોષ તો તરત સ્વીકારાઈ જાય છે ને થોડા સમયની મુલાકાતો, ગુટર ગુ અને શમણાંમાં જ સમાઈ જાય છે. પણ જ્યારે 24 કલાક, 365 દિવસ એ જ વ્યક્તિ સાથે રહેવાનું થાય, ત્યારે એને આંખો ખોલતાં વેંત હંમેશાં ‘એટિકેટ’માં જ જોવા મળે, એવું નથી બનતું. એને વાસી મોઢે, વિખરાયેલા વાળ ને ચોળાયેલાં કપડાં ને રસોઈના મસાલા ને બાળકોનાં ટિફિન ને ઑફિસની ફાઇલોમાં માથું ખૂંચેલા યા બિઝનેસનાં બિલના પત્રોમાં અટવાયેલા સ્વીકારવા પડે છે. કામ કરતી હથેળી થોડી બરછટ બને, ત્યારે પ્રેમપત્રો કે દિલવાલા ‘નેટ-ચેટ’ની પુરાણી યાદમાં લાગી આવે ને બહુ ખુમારી અને વિશાળતાથી સ્વીકારાયેલા ગુણ-દોષ ઊભરી-ઊભરીને, દિલ ફાડીને, છાતી ચીરીને ઠલવાવા લાગે! પણ, આ બધું અનુભવવા માટે લગ્ન તો કરવાં જ પડે! ને પ્રેમ પણ કરવો જ પડે! પોતે બધું કરીને પછી બીજાને ‘ન કરો’ એવી સલાહ દેવા જઈ, ગાળો ન ખાવી! કેમ કે, દરેકને હક છે, દરેક સ્વતંત્ર છે, પોતાના સારા કે માઠા અનુભવને જાતે જ ફીલ કરે, થ્રિલ કરે, રોમાન્સ કરે, ઝૂમે-ઘૂમે અને ઝુમાવે-ઘુમાવે કે ચકરડી ફરે! એ પછી જે થાય, એ એનું નસીબ એમ માનવું!

થોડા દિવસ પહેલાં સૌરભ શાહે રૂબરૂ કહેલી એક વાત યાદ આવી, કે પ્રેમ પુષ્કળ કરવા દો, પણ લગ્ન પહેલાં એક ટેસ્ટ લો. જેમાં જવાબદારી, છૂટાછેડાની પ્રોસેસ, પૅરેન્ટિંગ તમામ પાસાં આવી જાય. લગ્ન સરળતાથી કરો અને છૂટાછેડામાં પ્રૂફ માંગો, એ વ્યાજબી નથી. જેટલી પ્રોસેસ લગ્ન પછીના કોઈ પણ પ્રશ્ન વખતે કરવી પડે, તેના કરતાં લગ્ન પહેલાં જ આ બધી પ્રક્રિયા કરી લેવી સારી. જેથી યુગલો ‘સફળ લગ્ન’ના શિખરે પહોંચી શકે.

લગ્ન ગમે તે પ્રકારનાં હોય, મૂળ વાત છે, તેમાં પ્રેમનું રસાયણ વિસ્તરતું રહે! ગમે તે પરિસ્થિતિમાં લગ્ન કરો, વડીલોની ઇચ્છાને માન આપીને કરો કે, જાતે જાતે ફુદરડી ફરીને કરો, પણ વાસ્તવિક જવાબદારી માથે અાવે, ત્યારે તેને નિભાવતાં નિભાવતાં પ્રેમના રસાયણની બાટલી એક્સપાયરી ડેટવાળી દવાની બાટલી ભેગી ભંગારમાં ન જતી રહે, એ સજગતા રાખી શકીએ, તો સારું! ગમે તે ‘ચીજ’ની એક્સપાયરી ડેટ આવે, એટલે આપણે તરત એ છોડી નવી લઈએ છીએ, તે જ રીતે ‘લવ બ્રાન્ડ’માં પણ જો આપણે નવું-નવું અપનાવતા રહીએ, તો મોબાઈલની બેટરી રિચાર્જ થાય તેમ, કોઈ બીમારીમાંથી ઊભા થઈને નવા જોમથી, નવી નજરથી, ફરી-ફરીને પ્રેમમાં પડતાં રહીઅે અને લગ્નને સફળતા બક્ષતા રહીએ.

આમાં એક જોખમ એ છે કે ઍરેન્જ્ડ કે લવ કોઈ પણ મૅરેજમાં નવું નવ દહાડા, પછી ઘણીવાર એવું બને કે અચાનક કૅફ ઊતરે ને રગરગમાં જાગી ઊઠે કે આ તો ‘કજોડું’ સર્જાય ગયું, ત્યારે શું? જો ઊતાવળે કરેલો પ્રેમ ફુરસદમાં નફરત પેદા કરી શકતો હોય, તો મારા મતે પુખ્ત વયનાં એ યુગલોને જ એમની નિયતી નક્કી કરવા દેવી બેસ્ટ રહે. વડીલો મત ભલે આપે, માર્ગદર્શન ભલે કરે, પણ પોતાને મનપસંદ ચોક્કસ માર્ગ ન દોરી આપે! ઍરેન્જ્ડ કે લવ ગમે તે લગ્ન હોય પ્રેમ, સમસ્યા, સમાધાનો - બધું જિંદગીમાં આવતું રહેશે, તો લગ્નના અમુક સમય પછી જ બાળકોનું પ્લાનિંગ કરો, ત્યાં સુધી ટ્રાયલ બેઇઝ પણ માની શકો! એકવાર તમે આ ધરતી પર નવો જીવ લાવ્યાં, તો એની જવાબદારી માથે ઉપાડીને ગમે તે પ્રકારનાં લગ્નમાં સમાધાનનો મધ્યમમાર્ગ કાઢી લેવાનું મોટાભાગનાં યુગલો નાછુટકે પસંદ કરતાં હોય છે. એ સિવાયની કોઈ પણ પરિસ્થિતિમાં એ બે જ વ્યક્તિ નક્કી કરે, કે એ સાથે જીવન પસાર કરી શકે તેમ છે કે જીવન તેમને પસાર કરી નાખશે?

એ માટે જરૂર છે, બે વ્યક્તિઓને સમય અને મોકળાશ આપવાની. હા, ખરાબ પાત્રની પસંદગી થતી હોય, કે છોકરો કે છોકરી કોઈ ફસામણીમાં સંડોવાતું જતું હોય, એની પૂરી ખાતરી જેને હોય, એ પુરાવા સાથે તેને રોકે એ એકદમ વ્યાજબી વાત છે. ‘લવ’ના નામે ‘લવજિહાદ’માં કે ‘પ્રેમ’ના નામે રોમિયોગીરીમાં ફસાઈ જતાં પાત્રોને પૂરી સમજ કે સચ્ચાઈથી, હિંમતથી ‘અવરોધ’ બનો, પણ સચ્ચાઈની ખાતરી વિના ફક્ત જ્ઞાતિ, ધર્મ કે તમારા સિદ્ધાંતો આગળ કરીને આડ‘ખીલી’ બનશો, તો હથોડા ખાવાનો વારો પણ આવે કેમ કે, દરેક નવયુગલ શાંત જ હોય, એવું જરૂરી નથી. આજની જનરેશન, તો ‘આઈ ડૉન્ટ કૅર’વાળી પણ છે. યુવાનીનો ધગધગાટ લાવા હોય ને રેશમી સાથમાં રંગાયેલું રક્ત હોય, એ ગમે ત્યારે સારું કે ખરાબ વિચાર્યા વિના, કંઈ પણ કરી શકે છે, કંઈ પણ! એ યુવાનીની મોસમ છે, લગ્નની લાલસા છે, પ્રેમની પરાકાષ્ઠા છે અને ભાંગી નાખું, તોડી નાખું, ભુક્કો કરી નાખુંવાળી તાકાત પણ છે. એટલે કોઈ પણ પ્રકારના લગ્ન પછી જો આપણે સફળ થવું હોય, તો લગ્નનાં બધાં જ પાસાં સમજીને ‘મગ્ન’ થવું પડે.

મારી લગ્નવય પહેલાં મને ગમેલું એક ગીત ‘રોમાન્સ કા ભી એક લેક્ચર હોના ચાહીએ...’ પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. બચપણમાં, યુવાનીમાં, લગ્ન પહેલાં કે લગ્ન પછી કે મરણ સુધીમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે પ્રેમ થઈ શકે છે. કરવો પડે એ ‘પ્રેમ’ નથી.

ઍરેન્જ્ડ કે લવ કોઈ પણ પ્રકારના મૅરેજને આપણે ક્યાંય ‘ગૅરેન્ટી-વૉરન્ટી’વાળાં સર્ટિફાઇડ થયેલાં જોયાં નથી. આ બધું બન્યા પછી જ વાસ્તવિકતા આપણી સામે આવે છે. ને એ જેની જિંદગીમાં નથી બન્યું, એને મોટાભાગે બીજાની સાથે બનેલું કામ લાગતું નથી. દરેક વ્યક્તિ એમ જ વિચારે કે મારી સાથે થોડું આવું થાય?! ‘એ તો પડશે એવા દેવાશે’, ‘અરે! આપણે થોડા બીજા જેવા છીએ’, ‘મારી મૅરેજલાઇફ તો બધાથી બેસ્ટ જ હશે’!

જો આ બેસ્ટને બેસ્ટ જ રાખવું હોય અને વેસ્ટને દૂર કરવું હોય, તો એ માટે જરૂર છે, યુવાજોડાં માટે ‘લવગાર્ડન’ બનાવવાની. નાના છોકરાઓ માટે બગીચા બને છે, દાદા-દાદી પાર્ક પણ બન્યા, તો ભઈ, આ યુવાનોનું શું? એની પણ તો ઉંમર છે, પ્રેમ કરીને પરણવાની. તો પ્રેમ કરવા અવકાશ તો આપો, જેથી એના પરીણયની ગાંઠ મજબૂત બને અને એ લગ્ન સાચા અર્થમાં ‘પ્રેમલગ્ન’ બને. જેને ઍરેન્જ્ડ કરીને વડીલોએ ‘લવગાર્ડન’માં મોકલ્યાં હોય, અેવાં જોડાંને ‘છાનગપતિયાં’વાળાં લગ્નમાંથી મુક્તિ મળે.

ગયા વર્ષે મધ્યપ્રદેશની મુલાકાત વખતે ઓશોઆશ્રમમાં જોયેલું લવગાર્ડન દિલ ખુશ કરી ગયું. ગાર્ડનમાં યુગલ પરણેલું કે વગર પરણેલું, ફક્ત રોમાન્સ જ કરી શકે ને એ યુગલ જો આનંદિત રહી, સફળ લગ્નજીવનના પ્રયત્નો કરી શકે, તો એનાથી રૂડું શું?

એ અવકાશ નથી મળતો, એટલે જ ઘણાં કજોડાં, લગ્ન પહેલાંની ભૂલોમાં ફસાતાં, મરાતાં, લગ્ન પછી પણ મનમાં ને મનમાં હજારોવાર નંદવાતાં હૈયાં જોયાં છે અને જેણે હિંમત કરીને ‘કુંવારી મા’ કે કોઈ પુરુષ કે સ્ત્રીએ ‘છૂટાછેડા’ એવું લેબલ સ્વીકાર્યું, એને સમાજે હજી પણ ફક્ત કાગળ પર વધુ સ્વીકાર્યાં છે. એકવીસમી સદી ભલે આવી, પણ આપણે આપણી સંસ્કૃતિમાં હજી ક્યાંક લગ્નપ્રથાને સમજવામાં ઊણાં ઊતરીએ છીએ.

ભારતીય સંસ્કૃતિના મૂળિયાં તો વિશ્વભરમાં પ્રેમની મિસાલ બની શકે તેમ છે. સહજીવનના આદર્શો તો આપણી સંસ્કૃતિમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. આપણા ઘણા ભગવાનોની ગાથા, આપણે લવ મૅરેજ કે સ્વયંવર જે કહો તે, ગ્રંથો દ્વારા જાણી છે. જેમની આપણે પૂજા કરીએ છીએ.

આ કહેવાનો આશય કોઈ સમાજપ્રથા કે લગ્નપ્રથાનો વિરોધ બિલકુલ નથી. કેમ કે, આપણે માણસો છીએ, સમાજ સાથે જોડાયેલા છીએ. કોઈ પણ માણસ ગમે ત્યારે પ્રકૃતિ, સ્વભાવ અને પ્રેમનું પાત્ર બદલી શકે, એવું કુદરતી વરદાન છે! એટલે આ વરદાનના અતિરેકમાં એનાં ફળ એની સાથે જોડાયેલાં પાત્રો માટે ‘શાપ’ ન બને, એ સલામતી માટે આપણે સમાજવ્યવસ્થા બનાવી, તેને અનુસરવી પડે એ સારી વાત છે. નહીં તો, બધા મન ફાવે તેમ, ધણખૂંટની જેમ ચરતા રહે. એટલે કોઈ પણ પ્રથા કે વ્યવસ્થાને આપણે આવકારીએ છીએ, પણ એમાં જરા જેટલો બદલાવ આપણને પોષાતો નથી.

પ્રકૃતિનો નિયમ છે ‘પરિવર્તન’. પરિવર્તન સ્વીકારીશું, તો જ આગળ વધીશું. સમાજની વ્યવસ્થા એવી જડ પણ ન બનાવવી કે કોઈ ચેતનવંતુ માણસ અવ્યવસ્થિત થઈ જાય. જો કોઈ યુગલ ઍરેન્જ્ડ મૅરેજ પછી પ્રેમના પ્રયત્નો કરે અને તેનું સહજીવન આનંદિત હોય, એ આવકાર્ય છે. એમાં કોઈ પણ સભ્યોએ પછી ‘પાણા’ મારી, ‘કાણાં’ પાડવા પ્રયત્ન ન કરવો જોઈએ અને પ્રેમલગ્ન કરે, સફળ થાય, તો વૅલ એન્ડ ગુડ, પણ પ્રેમલગ્ન જો નિષ્ફળ જાય, તો એની માથે છાણાં ન થાપવાનાં હોય. કેમ કે, લગ્નનો પ્રકાર ગમે તે હોય, જ્યારે બંનેમાં પ્રેમનું રસાયણ ખૂટશે, ત્યારે એ ટકાવવું મુશ્કેલ છે. જો તમે એ એક્સપાયરી ડેટવાળી બાટલીમાં તમારા પ્રયત્નથી નવું રસાયણ ભરી શકો, તો ઘણું સારું. પણ ન ભરી શકો, તો એ બાટલીને હલાવીને કેટલું ખાલી ને કેટલું ભરેલું એવી તમારી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટે હાથમાં ન લો, એ ઘણું વધુ સારું રહેશે!

ઍરેન્જ્ડ મૅરેજ કે લવમૅરેજ ટકી ગયાં, એટલે ‘ભયો... ભયો...’ કહેનારો સમાજ વ્યવસ્થાના નામે ઘણા માણસોનાં લગ્નજીવન સાથે જાણે-અજાણે ખેલ કરી નાખે એ પ્રથા સામે જરૂર વિરોધ નોંધાવવો. પણ ક્યારેક કોઈ સરસ રીતે પ્રેમમગ્ન, આંખોમાં અમી ભરેલું નવયુગલ જુઓ, તો એને કાંકરીચાળો ન કરતા, ‘જીઓ બેટા’ના આશીર્વાદ મનમાં જરૂર બોલજો. અને માણસ છે આ તો, ગમે તે પ્રકારનાં લગ્ન પછી પણ, જ્યારે બે પાત્રો તેનાં અંગત કારણોસર લગ્નજીવન સફળ ન બનાવી શકે, અથવા બની શકે પ્રેમના બેસી ગયેલા ઊભરા ફરી ઉફાણે ન ચઢાવી શકે, તો માફ કરજો. એને અલગ થવાના એના નિર્ણયમાં કોઈ બ્લૅકમેઇલિંગ ન કરતા. ઘણાનાં બીજાં કે ત્રીજાં લગ્ન સફળ થયાના દાખલા છે જ. હા, બાળકો હોય, ત્યારે લગ્નજીવનના કોઈ પણ નિર્ણયમાં વિચારીને પગલું લેવું જોઈએ. કેમ કે, ફરી કોઈ અવ્યવસ્થિત, હૃદય નંદવાયેલો સમાજ નથી જોવો. પણ, શક્ય એટલા કિસ્સામાં પ્રેમથી રસ્તો સાથે પસાર કરે, કે એકલો પસાર કરે અથવા અન્ય પાત્ર સાથે પુનર્લગ્ન કે પુન:પુન: પ્રેમલગ્ન કરે, એમાં યોગ્ય કારણ વિના ભંગાણ પડાવશું, તો બધા છાનેખૂણે બધા જાણે જ છે કે, શ્વેતકેતુએ બંધ કરાવેલો સ્વૈરાચાર આજે પાછલા બારણે થાય છે, થતો રહેશે. અત્યારનો સમાજ એને દુરાચાર નામ આપે છે, પણ ધરાર ચોરીમાં બેસાડી, પોતાના સંતોષથી લગ્ન કરાવનાર, પ્રેમ પકડાઈ જતાં, યોગ્ય હોય તો પણ સિદ્ધાંતને ખાતર પ્રેમી યુગલને મારી નાખનાર કે આપઘાત માટે મજબૂર કરનાર અને લગ્ન પછી પ્રેમ કે પ્રેમ પછી લગ્ન કરનાર યુગલને રોજ રોજ હૈયું નંદવાઈ, ઢસરડીને લગ્નને ‘આદર્શ લગ્ન’ બનાવનાર સભ્યને કયા આચારનું નામ આપીશું?! આવી રીતે જીવતાં યુગલને આપણે શું સફળ લગ્નજીવનની ઉપમા આપીને અંદરથી જીવંત જ રહીશું?

કોઈ પ્રથા પ્રત્યે આક્રોશ કે ઉપેક્ષા નથી. આક્રોશ કે ઉપેક્ષા ત્યારે જાગે છે, કે વ્યક્તિને કોની સાથે લગ્ન કરવાં, લગ્ન ક્યાં સુધી ટકાવી શકે તેમ છે, ટકે તો તેને કેમ જીવવું? એ ઠોકી બેસાડીને સમાજ હાશકારાનો શ્વાસ લે છે, ત્યારે સમજાતું નથી કે ઍરેન્જ્ડ મૅરેજને સફળ કહેવા કે લવ મૅરેજને સફળ કહેવા?! કે ગમે તે પ્રકારે થયેલાં લગ્નને પ્રેમનું તત્ત્વ જીવંત રહી શકે, તેવી લાગણી ને સમજદારી તેમજ સચ્ચાઈના સ્વીકારનું અમૃત પાતાં રહી, એ ‘લગ્નયુગલો’ને સફળ બનાવવા સહભાગી થવું!

આપણી ભારતીય સંસ્કૃતિ તો ‘જીવો અને જીવવા દો’ પર રચાયેલી છે, તો વ્યક્તિ સ્વાતંત્ર્ય સાર્થક કરી, ખોટી કૂથલીમાં કોઈના જીવનનો ઠેકો ન લઈ લઈએ, તો સમાજમાં વધુ સારો માણસ ઉમેરી શકીશું. એ લહાવો લેવા જેવો તો ખરો જ!

કોઈ બાળ-બચ્ચાંવાળા પરિવારને વિખેરી નાખવાનો ઉદ્દેશ નથી, આ તો લગ્નમાં સફળતાપૂર્વક મગ્ન થવાની વાત છે. દરેક માણસને જીવવા માટે પ્રેમ-હૂંફની આવશ્યકતા છે, એ તો સિદ્ધ થયેલી વાત છે. જો આપણે માનસિક રીતે બીમાર સમાજ ન જોઈતો હોય, તો મનની તંદુરસ્તીથી એક જ વાત સ્વીકારવી જોઈએ કે વ્યક્તિ પોતાની મરજીથી ઍરેન્જ્ડ કે લવ મૅરેજ કરે યા લગ્ન પછી પોતાનું ઘર સાચવીને ફરજ કે જવાબદારી નિભાવીને એના સદનસીબે કોઈ બીજા પાત્ર સાથે દિલની લાગણીથી જોડાઈને, એ જીવે અને એની સાથે જોડાયેલાને જીવાડી દે, તો એને નિંદા કે કૂથલીનો વિષય ન બનાવતા, સફળ જિંદગી તરીકે સ્વીકારવાની ઉદારતા રાખી, શાંત, પ્રેમપૂર્ણ, સમજદાર સામાજિક જોડાણ – ‘લગ્ન’ને માન્ય રાખી, દરેક યુગલ ઍરેન્જ્ડ મૅરેજ કે લવ મૅરેજ, મૈત્રી કરાર કે પાછલી ઉંમરે શોધેલો હૂંફાળ જીવનસાથી, દરેકને યુગલસ્વરૂપે સ્વીકારી શકીએ, એ ‘અમીનજર’ મળે.

‘લગ્ન’ એટલે જોડાણ, એ ‘દિલ’થી જોડાવનો વ્યાપક અર્થ છે. લગ્નને ફક્ત ‘સેક્સ’ કે ફાવે કે ન ફાવે, તો પણ જીવનભર ‘ટેક્સ’ ભર્યા કરવાની સીમિત વ્યાખ્યામાં બાંધી એને વખોડો નહીં, કોઈના સુખમાં વમળો પેદા ન કરતાં નિતાંત ઝરણું થવામાં સહાય કરી શકીએ, એ જ ‘સફળ લગ્ન’.

પરીણય કરીએ, પ્રેમ કરીએ,

એકબીજાંને માપતાં માપતાં પામી લઈએ,

પણ,

એકબીજાંને માપતાં માપતાં કાપી ન લઈએ,

લગ્નમાં જોડે જોડે ચાલીએ

કે, પરસ્પરના વિશ્વાસે એકલા ‘ઉડાન’ ભરીએ,

અંતિમ ધ્યેય તો એ જ રાખીએ

કે, પ્રેમથી પાંખો ફેલાવી સફળ થઈએ!

-------------------------

-વૈશાલી રાડિયા ભાતેલિયા.‘ઉડાન’

vaishaliradiabhatelia@gmail.com