Aavaj me pad gai darare books and stories free download online pdf in Gujarati

આવાઝ મેં પડ ગઈ દરારેં -

ફિલ્મ ગીતોમાં કાવ્યતત્વ

  • હર્ષ બ્રહ્મભટ્ટ
  • આવાઝ મેં પડ ગઈ દરારેં

    સંપૂરણ સિંઘ કાલરા- આ નામ કદાચ ઘણા બધાને અપરિચિત લાગે, પરંતુ ‘ગુલઝાર’ કહેતાં જ બધા એ વ્યક્તિને તુર્ત જ ઓળખી જાય. ગુલઝારનો જન્મ ૧૮-૦૮-૧૯૩૬ના રોજ પંજાબના દીના (હવે પાકિસ્તાનમાં) નામના એક નાનકડા ગામમાં થયો હતો. શીખ કુટુંબમાં જન્મેલા ગુલઝારને શાળાજીવનથી જ અંતાક્ષરી અને શેરો-શાયરીનો બહુ શોખ હતો.

    દેશના વિભાજન પછી ગુલઝારનું કુટુંબ અમૃતસર (ભારત) આવી ગયું, પરંતુ ગુલઝાર મુંબઈ પહોંચ્યા. ત્યાં તેમણે શરૂઆતમાં નાનીમોટી જે કંઈ નોકરી મળી તે કરી. તેમણે મુંબઈના વરલીમાં આવેલા એક ગેરેજમાં મિકેનિક તરીકે પણ કામ કર્યું. ત્યાં નોકરી સિવાયના સમયમાં તેઓ શેરો-શાયરી/કવિતા લખતા. થોડા સમય પછી તેમણે જાણીતા નિર્માતા-નિર્દેશક બિમલ રોયના આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

    બિમલ રોય તે સમયે ફિલ્મ ‘બંદિની’ બનાવી રહ્યા હતા. આ ફિલ્મના ગીતકાર હતા શૈલેન્દ્ર અને સંગીતકાર સચિન દેવ બર્મન. ‘બંદિની’ માટે આકસ્મિત રીતે જ એક સિચ્યુએશન માટે ગીત મૂકવાનું નક્કી થયું, પણ ત્યારે શૈલેન્દ્ર ઉપલબ્ધ નહોતા. શૈલેન્દ્રનો ફોનથી સંપર્ક કરાતાં તેમણે કહ્યું કે, આપણી સાથે બિમલ રોયના સહાયક તરીકે ગુલઝાર કામ કરે છે, મેં તેની લખેલી કેટલીક કવિતાઓ જોઈ છે, તે છોકરો આ સિચ્યુએશન માટે ગીત લખી શકશે. બિમલ રોય પણ યુવા પ્રતિભાઓને તક આપવા માટે જાણીતા હતા. તેમણે ગુલઝારને ગીત લખવા જણાવ્યું. ગુલઝારે ગીત લખ્યું અને બિમલ રોય, એસ.ડી. બર્મન સહિત બધાને એ ગીત ખૂબ ગમી ગયું. ગીત રેકોર્ડ થયું અને ખૂબ જ લોકપ્રિય થયું. ગીત હતું, ‘મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે...’ આમ ગુલઝારનું ફિલ્મોમાં ગીતકાર તરીકે પદાર્પણ થયું, (૧૯૬૩).

    ત્યાર બાદ ગુલઝારે ગીતકાર તરીકે-

  • પૂર્ણિમા (૧૯૬૫) (હમસફર મેરે હમસફર, પંખ તુમ પરવાઝ હમ...)
  • (તુમ્હેં ઝિંદગી કે ઉજાલે મુબારક...)

  • બીવી ઔર મકાન (૧૯૬૫) (દબે લબોંસે કભી તો કોઈ સલામ લે લે...)
  • સન્નાટા (૧૯૬૬) (બસ એક ચૂપ સી લગી હૈ...)
  • દો દૂની ચાર (૧૯૬૮) (બડા બદમાશ હૈ યે દિલ...)
  • (હવાઓં પે લિખ દો હવાઓં કે નામ)

  • આશીર્વાદ (૧૯૬૮) (એક થા બચપન, છોટા સા પ્યારા સા બચપન...)
  • (જીવન સે લંબે હૈ બંધુ, યે જીવન કે રાસ્તે...)

    (ઝિર ઝિર બરસેં સાવની અખિયાં...)

  • રાહગીરી (૧૯૬૮) (જનમ સે બન્જારા હૂં બંધુ, જનમ જન્મ બન્જારા...)
  • ખામોશી (૧૯૬૯) (હમને દેખી હૈ ઉન આખો કી મહેકતી ખુશ્બૂ...)
  • (વો શામ કુછ અજીબ થી...)

    (તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ...)

  • આનંદ (૧૯૬૯) (મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચૂને...)
  • (ના, જીયા લાગે ના, તેરે બિના મેરા કહીં...)

  • ગુડ્ડી (૧૯૭૧) (બોલે રે પપિહરા...)
  • (હમ કો મન કી શક્તિ દેના...)

    આમ ૧૯૬૩થી ૧૯૭૧ સુધી ગુલઝારે થોડીક ફિલ્મોમાં ગીતકારની ભૂમિકા નિભાવી. દરમિયાનમાં તેમને હૃષિકેશ મુકરજી, બાસુ ચેટરજી, આસીત સેન, બાસુ ભટ્ટાચાર્ય જેવા દિગ્દર્શકો સાથે સ્ક્રિપ્ટ રાઈટર તરીકેની ભૂમિકા બજાવી.

    ૧૯૭૧ની ફિલ્મ ‘મેરે અપને’થી તેમણે દિગ્દર્શક તરીકેની કેરિયર શરૂ કરી. પછી તો ગુલઝાર નિર્માતા, દિગ્દર્શક, ગીતકાર, સ્ક્રિપ્ટ રાઇટર, કવિ, ફિલ્મી ગીતકાર, ચિત્રકાર, વાર્તાકાર તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ બની ગયા, પરંતુ તેમની પ્રથમ ઓળખ તો ગીતકાર તરીકેની જ રહી. ૧૯૭૧થી ૧૯૯૬ દરમિયાન તેમણે કેટલીયે ફિલ્મોમાં યાદગાર ગીતો લખ્યાં-

  • મેરે અપને (૧૯૭૧) (કોઈ હોતા જિસકો અપના...)
  • (રોજ અકેલી આયે, રોજ અકેલી જાયે

    ચાંદ કટોરા લિયે ભિખારન રાત...)

  • સીમા (૧૯૭૧) (જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ...)
  • અનુભવ (૧૯૭૧) (મેરી જાં, મેરી જાં, મુઝે જાં ન કહો મેરી જાં...)
  • પરિચય (૧૯૭૨) (મુસાફિર હૂં યારો...)
  • (બીતી ના બિતાઈ રૈના...)

  • દુસરી સીતા (૧૯૭૨) (દિન જા રહે હૈ કે રાતોં કે સાયે...)
  • મૌસમ (૧૯૭૫) (દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાતદિન...)
  • (રૂકે રૂકે સે કદમ રૂક કે બાર બાર ચલે...)

  • ખુશ્બૂ (૧૯૭૫) (ઓ માંઝી રે અપના કિનારા નદિયા કી ધારા હૈ...)
  • (દો નૈનોં મેં આંસુ ભરે હૈ હૈ...)

    (બેચારા દિલ ક્યા કરે...)

    (ઘર જાયેગી, તર જાયેગી, દુલ્હનિયા...)

  • આંધી (૧૯૭૫) (તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ....)
  • (તેરે બીના ઝીંદગી સે કોઈ શીકવા તો નહીં...)

    (ઈસ મોડ સે જાતે હૈ કુછ સુસ્ત કદમ રસ્તે...)

  • ઘર (૧૯૭૭) (આપકી આંખો મેં કુછ મહેકે હુવે સે રાઝ હૈ...)
  • (આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે...)

    (તેરે બિના જીયા, જાયે ના...)

    (ફિર વહી રાત હૈ, રાત હૈ ખ્વાબ કી...)

  • ખટ્ટામીઠા (૧૯૭૭) (થોડા હૈ, થોડે કી જરૂરત હૈ...)
  • કિનારા (૧૯૭૭) ( જાને ક્યા સોચકર નહીં ગુજરા...)
  • (અબ કે ના સાવન બરસે...)

    (નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા...)

  • પલકોંકી છાંવ મેં (૧૯૭૭) (ડાકિયા ડાક લાયા...)
  • ઘરૌંદા (૧૯૭૭) (દો દીવાને શહેરમેં, રાત મેં યા દોપહર મેં...)
  • (એક અકેલા ઈસ શહેર મેં...)

  • કિતાબ (૧૯૭૭) (ધન્નો કી આંખો મેં રાત કા સુરમા...)
  • દેવતા (૧૯૭૮) (ચાંદ ચૂરાકે લાયા હૂં....)
  • (ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા...)

  • સ્વયંવર (૧૯૭૯) (મુઝે છૂ રહી હૈ તેરી ગર્મ સાંસેં...)
  • ગોલમાલ (૧૯૭૯) (આનેવાલા પલ જાનેવાલા હૈ...)
  • ગૃહપ્રવેશ (૧૯૭૯) (મચલ કે જબ ભી આંખો સે છલક જાતે હૈ દો આંસુ...)
  • થોડી સી બેવફાઈ (૧૯૮૦) (હજાર રાહેં મૂડ કે દેખીં...)
  • (આંખો મેં હમને આપકે સપને સજાયે હૈ...)

  • ખુબસૂરત (૧૯૮૦) (સુન સુન સુન દીદી તેરે લિયે એક રિશ્તા આયા હૈ...)
  • સિતારા (૧૯૮૦) ( થોડી સી ઝમીં, થોડા આસમાં, તીનકોં કા બસ...)
  • (યે સાયે હૈ, યે દુનિયા હૈ...)

  • બસેરા (૧૯૮૧) (જહાં પે સવેરા હો, બસેરા વહીં હૈ...)
  • નમકીન (૧૯૮૧) (ફિર સે આઈયો, બદરા બિદેસી...)
  • (આંકી ચલી, બાંકી ચલી...)

  • અંગૂર (૧૯૮૨) (રોજ રોજ ડાલી ડાલી ક્યા લિખ જાયે...)
  • માસૂમ (૧૯૮૩) (તુઝ સે નારાઝ નહીં ઝિંદગી...)
  • (હુજૂર ઈસકદર ભી ન ઈતરાકે ચલિયે...)

    (દો નૈના ઔર એક કહાની...)

  • સદમા (૧૯૮૩) (એ ઝિંદગી, ગલે લગા લે...)
  • (સુરમઈ અખિયોં મેં નન્હા મુન્ના એક સપના દે જા રે.....)

  • જીવા (૧૯૮૬) (રોજ રોજ આંખો તલે, એક હી સપના ચલે....)
  • ગુલામી (૧૯૮૬) ( સુનાઈ દેતી હૈ જીસકી ધડકન તુમ્હારા દિલ યા હમાર દિલ હૈ...)
  • ઈજાઝત (૧૯૮૬) (મેરા કુછ સમાન તુમ્હારે પાસ પડા હૈ ....)
  • (છોટી સી કહાની સે, બારીશોં કે પાની સે...)

    (કતરા કતરા, મિલતી હૈ, કતરા કતરા જીને દો...)

    (ખાલી હાથ શામ આઈ...)

  • લિબાસ (૧૯૮૮) ( સીલી હવા છૂ ગઈ...)
  • (ખામોશ સા અફસાના...)

  • લેકિન (૧૯૯૧) ( યારા સીલી સીલી બિરહા કી રાત કા જલના...)
  • રૂદાલી (૧૯૯૩) (દિલ હુમ હુમ કરે ...)
  • માચીસ (૧૯૯૬) (પાની પાની રે ખારે પાની રે...)
  • (છોડ આયે હમ વો ગલિયાં...)

    (ચપ્પા ચપ્પા ચરખા ચલે...)

    ૧૯૯૭થી આજ સુધી ગુલઝારે બીજી ૪૫ જેટલી ફિલ્મોમાં ગીતો લખ્યાં જે પૈકી દિલ સે (૧૯૯૮)નું ‘ચલ છૈયા છૈયા...’, બંટી ઔર બબલી (૨૦૦૫)નું ‘કજરારે...કજરારે...’, ગુરુ (૨૦૦૭)નું ‘બરસો રે મેઘા...’, સ્લમ ડોગ મિલિયોનર (૨૦૦૯)નું ‘જય હો...’ નોંધપાત્ર અને લોકપ્રિય બન્યાં.

    લેખક-દિગ્દર્શક તરીકેની ગુલઝારની ક્ષમતા અને કુશળતા પ્રદર્શિત કરતી ટીવી સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’ અત્યંત લોકપ્રિય થઈ. જગજીતસિંઘ અને ગુલઝારની ટીમે સાબિત કરી બતાવ્યું કે નાના પડદા પર પણ આવું અદભુત સર્જન થઈ શકે છે.

    ફિલ્મી દુનિયામાં ગુલઝારે જે પ્રદાન આપ્યુ છે તે તો અણમોલ છે જ પણ એ કવિ તરીકે પણ તેની કલમ સતત ચાલતી રહી છે. ‘કુછ ઔર નઝમેં’, ‘પુખરાજ’, ‘ત્રિવેણી’, ‘રાત પશ્મિને કી’, ‘રાત ચાંદ ઔર મૈં’, ‘યાર ઝુલાહે’ જેવા કાવ્યસંગ્રહો પણ તેમણે આપ્યા છે.

    લેખક તરીકે પણ તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘ધુંઆ’ને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે (૨૦૦૩). ૨૦૦૪માં તેઓ પદ્મભૂષણથી સન્માનિત થયા.

    નેશનલ એવોર્ડ ફોર ધ બેસ્ટ-

  • સ્ક્રિનપ્લે (કોશિશ)
  • દિગ્દર્શક (મૌસમ)
  • ગીતકાર (ઈજાઝત- મેરા કુછ સામાન...)
  • ગીતકાર (લેકિન- યારા સીલી સીલી ...)
  • દસ્તાવેજી ચિત્ર (ઉસ્તાદ અમજદઅલીખાન)
  • દસ્તાવેજી ચિત્ર (પંડિત ભીમસેન જોષી)
  • ફિલ્મ (માચીસ)- પણ તેમને મળ્યા છે.
  • ફિલ્મફેર એવોર્ડ તો ૧૮ વખત મળ્યા છે, જેમાં ૯ વખત ગીતકાર તરીકે, ૪ વખત સંવાદલેખક તરીકે, ૧ વખત દિગ્દર્શક તરીકે, ૧ વખત શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટેનો ક્રિટિક્સ એવોર્ડ, ૧ વખત શ્રેષ્ઠ દસ્તાવેજીચિત્ર માટે, ૧ વખત વાર્તાલેખક તરીકે અને ૧ વખત લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.

    આ બધાથી ઉપર ફિલ્મ ‘સ્લમ ડોગ મિલિયોનર’ના ગીત ‘જય હો...’ માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઓસ્કાર એવોર્ડ.

    ટૂંકમાં જે ક્ષેત્રમાં તેમણે પદાર્પણ કર્યું તેમાં સર્વોચ્ચ શિખરો સર કર્યા. માત્ર અંગત જીવનમાં તેઓ એટલા નસીબદાર ન રહ્યા. અભિનેત્રી રાખી સાથેનું તેમનું લગ્નજીવન ૧૯૭૩માં શરૂ થયું અને લગ્નથી એક દીકરી મેઘના ગુલઝાર (બોસ્કી) પરિવારમાં આવી. બોસ્કી એક વર્ષની હતી ત્યારે જ રાખી અને ગુલઝાર અલગ થયાં પણ તેમણે છૂટાછેડા નથી લીધા. મેઘનાનો ઉછેર ગુલઝારે કર્યો.

    ગુલઝાર આજે ૮૦ વર્ષના છે અને એટલા જ સક્રિય છે જેટલા યુવાનીમાં હતા. એક જીવતી દંતકથા સમી આ વ્યક્તિ વિશે આટલી વાત તો થવી જ જોઈએ એવી સમજણ સાથે એમના વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા વિશે ઉપર મુજબની થોડી વિગતો આપી છે.

    આજે આપણે ગુલઝારે લખેલા એક ગીતનો આસ્વાદ કરવાનો છે. ફિલ્મ- થોડી સી બેવફાઈ, સંગીતકાર-ખય્યામ, ગાયક કલાકારો-કિશોરકુમાર અને લતા મંગેશકર.

    દામ્પત્યજીવનમાં નાની નાની ગેરસમજો પણ કેવું મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે તેનું ચિત્રણ ફિલ્મ ‘થોડી સી બેવફાઈ’માં થયું હતું. એક વખત ગેરસમજ ઊભી થાય પછી તે દૂર કરવા માટે કોણ પહેલ કરે તે બાબત અહમનો મુદ્દો બની જાય છે અને પછી સંબંધોની નાવ ખરાબે ચડે છે અને પરિણામે ? લગ્નવિચ્છેદ. આવા જ સંવેદનશીલ વિષયને લઈને લેખક-દિગ્દર્શક ઈસ્માઈલ શ્રોફે આ ફિલ્મ બનાવી હતી. ગુલઝારે બહુ સુંદર રીતે આ વિષયને વણી લેતું ટાઈટલ ગીત લખ્યું હતું- ‘હઝાર રાહેં મુડ કે દેખીં’ જેને માટે તેમને ગીતકાર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ચાલો, એ ગીત જોઈએ-

    હઝાર રાહેં મુડકે દેખીં,

    કહી સે કોઈ સદા ના આઈ,

    બડી વફાસે નિભાઈ તુમને,

    હમારી થોડી સી બેવફાઈ.

    ગીતનું મુખડું જ કેટલું સુંદર અને ભાવપૂર્ણ છે! નાનકડી ગેરસમજને મોટું સ્વરૂપ મળતાં અલગ થયેલાં પતિ-પત્ની કહે છે કે એકવાર છૂટાં પડ્યાં પછી વારંવાર તમને યાદ કર્યા, તમારી રાહ જોઈ, તમે મને બોલાવશો એવી આશા રાખી, પરંતુ તમારા વિશે તો કોઈ દિશામાંથી કોઈ વાવડ પણ ન મળ્યા કે ન તો તમે મને બોલાવવાનો કોઈ પ્રયાસ કર્યો. તમે તો મારી નાનકડી ભૂલને ખૂબ જતનપૂર્વક સાચવી અને મને માફી ન જ આપી.

    જહાં સે તુમ મોડ મુડ ગયે થે

    યે મોડ અબ ભી વહીં પડે હૈ

    હમ અપને પૈરોંમેં જાને કિતને

    ભંવર લપેટે હુએ ખડે હૈ

    બડી વફા સે નિભાઈ તુમને

    હમારી થોડી સી બેવફાઈ.

    જે જગ્યાએથી આપણા બંનેના રસ્તા અલગ થયા હતા તે રસ્તાઓ, તે વળાંકો હજી એમ જ યથાવત્ છે. આમ ભલે આપણે જીવનમાં ક્યાંક આગળ વધી ગયા હોઈએ, પણ વાસ્તવમાં તો આપણે વિખૂટા પડ્યા એ જગ્યાએથી ક્યાંય પણ આગળ નથી જઈ શક્યા. મારા પગમાં જાણે બેડીઓ પડી હોય એમ એ ક્ષણથી આગળ વધી જ નથી શકાયું. મારું સમગ્ર અસ્તિત્વ, ચિત્તતંત્ર એ ક્ષણમાં જ સ્થિર થઈ ગયું છે.

    કહીં કિસી રોઝ યું ભી હોતા

    હમારી હાલત તુમ્હારી હોતી

    જો રાત હમને ગુઝારી મરકે

    વો રાત તુમને ગુઝારી હોતી

    બડી વફાસે નિભાઈ તુમને

    હમારી થોડી સી બેવફાઈ.

    કાશ, એવું બન્યું હોત કે આપણે છૂટા પડ્યા પછીની મારી જે સ્થિતિ છે તે સ્થિતિ તમારી હોત, આટલાં વર્ષો જાણે કે વિયોગની એક કાળીડિબાંગ રાત્રિ બની ગયાં હોય એવી રીતે મેં વિતાવ્યા છે. કાશ, આવી કદી પૂરી ન થનારી વિછોહની રાત્રિ સમાં વર્ષો તમે પણ વિતાવ્યાં હોત!

    તુમ્હેં એ ઝિદથી કે હમ બુલાતે

    હમેં યે ઉમ્મીદ વો પુકારેં

    હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન

    અવાઝ મેં પડી ગઈ દરારેં

    હઝાર રાહેં મુડ કે દેખીં,

    કહી સે કોઈ સદા ન આઈ

    બડી વફાસે નિભાઈ તુમને

    હમારી થોડી સી બેવફાઈ.

    આપણે છૂટાં પડ્યાં ત્યારે એવું કલ્પ્યું પણ નહોતું કે આ વિયોગ કાયમનો બનવાનો છે. પણ હકીકતે આવું બન્યું કે તમે તો એકવાર છૂટાં પડ્યાં પછી પાછા વળીને જોયું જ નહીં. તમારી એવી જીદ્દ હતી (અહમ હતો) કે હું તમને બોલાવું અને મને એવી અપેક્ષા હતી કે તમે મને બોલાવો. પણ આપણા બંનેમાંથી કોઈએ માત્ર પોતાનો અહમ સંતોષવા ખાતર પહેલ ન કરી અને આ વિયોગ કાયમી બની ગયો. આપણે આજે પણ એકબીજાને ચાહીએ છીએ, પરંતુ એ અનુભૂતિ વ્યક્ત નથી કરતાં. આપણે એકબીજાને નામ દઈ, સાદ દઈ બોલાવીએ તો પણ કદાચ આટલાં વર્ષોના વિયોગની જે તિરાડ આપણા અવાજમાં પડી ગઈ છે તે તો અનુભવાશે જ. સંબંધોમાં જે તિરાડો પડી છે, જે કડવાશ દાખલ થઈ ગઈ છે તેને સમુળગી દૂર કરવાનું શક્ય છે?

    હું માનું છું કે વાંક ન તો મારો હતો, ન તો તમારો. પરિસ્થિતિ અને સમય એ બે પરિબળોએ આપણી લાગણીઓ, પ્રેમ અને સંવેદનાઓને બુઠ્ઠી બનાવી દીધી અને આપણા અહમે આપણી બુદ્ધિ ઉપર કબજો કરી લીધો. આને કારણે જ આપણે વિખૂટાં પડ્યાં, પણ હવે વહી ગયેલો સમય પાછો મેળવી શકાશે નહીં અને સંબંધોની વચ્ચે જે અદ્રશ્ય દીવાલ ઊભી થઇ ગઈ છે તેને દૂર કરી નહીં શકાય. એક નાનકડી ભૂલની ખૂબ મોટી સજા આપણે ભોગવી રહ્યા છીએ.

    ગુલઝારે લખેલું સુંદર કવિતા સમું ગીત જાણે કે તેમના પોતાના જ જીવનની ડાયરીનું એક પાનું ખોલ્યું હોય એવી અનુભૂતિ કરાવે છે. ફિલ્મમાંની આ સિચ્યુએશન માટે એક ફિલ્મી ગીતકાર ગીત લખે અને ગુલઝાર જેવા સિદ્ધહસ્ત કવિ ગીત લખે તો તેમાં શું તફાવત હોઈ શકે એ આ ગીતના શબ્દોના માધ્યમથી સમજી શકાય છે.

    ગુલઝારસાહેબને સલામ!