Ank :15 Mulakat books and stories free download online pdf in Gujarati

અંકઃ ૧૫ મુલાકાત સિનિયર સ્માઈલ

મુલાકાતઃ કુંજલ પ્રદીપ છાયા
kunjkalrav@gmail.com

સિનિયર સ્માઈલઃ

વડિલોની છત્રછાયામાં રહે છે આ ‘છાયા’
“સિનિયર સ્માઈલ” એક અનોખું ઘર…

ઢળતી સંધ્યા અને પાનખરની ઋતુને કાયમ સાહિત્યિક ભાષામાં વૃધ્ધા અવસ્થા સાથે સાંકળવામાં આવે છે. આ વૃધ્ધા અવસ્થા વ્યક્તિનાં જીવનનો આખરી તબ્બ્કો. અઢળક અનુભવોનું ભાથું ભેગું કરી વાળ સફેદ થયા હોય, આંખોનું તેજ અસ્ત થવાના આરે હોય, લચી પડેલી ચામડી અને દાંત વિનાનાં બોખા મોંમાંથી થોથવાતી જીભ કઈક કેટલાય સંભારણાંઓ પોતાનાં અસ્તિત્વમાં સમાવીને આરમદાયક અને સન્માનીય જીવન વ્યતિત કરવા ઈચ્છતા હોય છે. પોતાનાં ભાગનો સંઘર્ષ એમણે કરી જ લીધો હોય છે; પોતાથી બને એટલી આર્થિક અને સામાજીક મૂડી ભેગી કરી જ લીધી હોય છે. ‘રિટાયર’ થયાનું એમને લેબલ ફક્ત આર્થિક ઉપાજનમાંથી જ મળે છે, સામાજીક અને પારિવારીક જવાબદારીઓથી કુટુંબનો ‘મોભી’ કે ‘વડિલ’ કદી ભાગી શક્યો છે ખરો?

પેટનાં જણ્યાં કે કૌટુંબિકજનોનું અળખામણાપણું ઘણી વખત આ ઉંમરે સહન કરવું પડતું હોય છે. કહેવાય છે ને કે ‘એક માતા પાંચ દિકરાને સાચવી શકે પણ પાંચ દિકરા ઘરડી માંને સાચવી નથી શકતા.’ સૌ પોતપોતનાં કામમાં વ્યસ્ત હોય, પરિવારમાં બાળકો શાળાએ જતાં હોય દિકરો અને વહુ, દિકરી અને જમાઈ પોતાની ગૃહસ્થીમાં રચ્યાંપચ્યાં હોય. ઘરના ડ્રોઈંગરુમમાં બેસીને ટી.વી જોતા દાદા કે માળા ફેરવતાં ભજન ગાતાં દાદીમાં લીલીવાડી સમાં ધમધમતાં ઘરમાં પણ એકલાં હોય એવું ક્યારેક અનુભવે છે. વડિલોને ઘરનું ‘તાળું’ કહેવાય છે. પણ આજ તાળું કટાય ત્યારે? શારીરિક દર્દો વધે, આંખ/કાન કામ કરતાં ઘટે, ઘરનાં વડિલ જેને પૂછીને પાણી પીવાતું; એને પાણી પણ હાથે પીવડાવવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ જાય. આ અવસ્થા વાસ્તવિક્તાનો અરિસો છે. દરેકને પરવશતા સાંપડવાની જ છે વે’લી કે મોડી. જાણે કે “અમ વીતી તમ વિતશે, ધીરી બાપુડિયા..” દર્દીની સેવામાં બધાં જ ખડે પગે થઈ જ જાય. પણ આ પથારીવશ ઉંમરલાયક વડિલનું આયખું કોણે દિઠ્યું હોય છે? ઘણીવાર ચાકરી કરતાં ધીરજ ખૂટે, કયારેક કંટાળો કે સહનશક્તિ જવાબ આપી જાય. પોતાની ઘરેડમાંથી સમય ફાળવવોએ પણ અઘરું જ છે આજનાં પ્રગતિશીલ જમાનાંમાં એમાં પણ ના નહીં જ. તો શું કરવું? જીવતર આખું ભરણપોષણ કર્યું હોય એ મા-બાપનું આખી જીંદગીનું ઋણ કેમ ચૂકવવું? આયા કે પગારદાર ચાકર રાખવો? એમાં પણ ખોટૂં કશું જ નથી. યોગ્ય માવજત અને સેવા થતી જ હોય તો…….

એક દંપતિ કાયમ પોતાનાં લગ્નની વર્ષગાંઠ કોઈ વૃધ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં અનુદાન કરીને કે ભોજનની વ્યવસ્થા કરીને ઉજવે છે. એ કુટુંબમાં પતિ-પત્ની અને એક બાળક. સાથે સાસુ-સસરા પણ. આર્થિક, સામાજિક અને કૌટુંબિક રીતે પરિપૂર્ણ એવા પરિવારમાં ઈશ્વરીય આશીર્વાદની ખોટ નથી. એક વખત રાબેતા મુજબ લગ્નની વાર્ષિક ઉજવણી પેઠે વૃધ્ધાશ્રમમાં અનુદાન આપી આવ્યા. પણ ઘરે આવીને પત્નીએ પોતાનો એક વિચાર કહ્યો, વૃધ્ધાશ્રમમાં તો જેમને આર્થિક પહોંચ ન હોય એવી દયનીય પરિસ્થિતિ વાળા લોકો રહેતાં હોય છે પણ એવાં વડિલો હશે જ ને કે જેમનું પરિવાર પામતું પોષતું હોય પણ જતન ન કરી શકતાં હોય. અમુક-તમુક વડિલો જીવનસાથીને ઢળતી સંધ્યાનાં આછાં અંધારાં એકલાં મૂકી ગયા હોય; કે પછી સંજોગો વસાત પરણ્યાં જ ન હોય, આર્થિક સધ્ધરતા તો હોય પણ કૌટુંબિક સુખ ન હોય એવાં વડિલો શું કરતાં હશે? ઘઢપણ કઈં રીતે ગાળાતાં હશે? આ વિચારની અનેક કડીઓ એક બીજાં જોડે ચર્ચી, પરિવાર સાથે પણ ચર્ચાવિચારણાં કરી. પ્રથમ ચરણે તો પ્રતિસાદ નકારાયો જ ! કેમ કે.. આવી સંસ્થામાં સામે ચાલીને કોણ આવે? છાયા પરિવારે નક્કિ કર્યુઃ ના, સંસ્થા કે ટ્ર્ષ્ટ કે ફાઉન્ડેશનનું નામ નથી અપવું! વયોવૃધ્ધનું જતન, માવજત એમનાં સ્વભાવ અને સ્વાસ્થ્ય સચવવું કપરું પડે. એક એવું ઘર કે જ્યાં વડિલ વયનાં લોકો પોતાની મરજી મુજબનું જીવન વ્યતિત કરે. કોઈનું ઓશિયાળાપણું નહીં, નહીં કે કોઈની મહોતાજી. એકલતાની બીક નહીં, હુંફની ભરપૂર વ્યવસ્થા હોય. દાન કે ડોનેશન વિનાનું, એવું એક ઘર કે જેમાં વડિલો પોતાનાં સમોવડિયાં સાથે, સ્વતંત્ર રીતે, સધ્ધરતાથી રહે! એવુ ઘર હોય તો કેમ રહે?

એવું જ ઘર બનાવવામાં સફળ થયા છે રાજકોટનાં શ્રી નિર્મિત્તભાઈ છાયા અને એમનાં પત્ની શ્રીમતિ ખુશી છાયા. “સિનિયર સ્માઈલ” નામ આપયું છે આ ઘરને. અહીં સાત જેટલાં વડિલો રહી શકે એવી વ્યવસ્થા છે. અત્યાર સુધી પંદર જેટલાં વડિલો રહી ગયાં છે અને અપાર આશિર્વાદ મળ્યા છે એવો અનુભવ નિર્મિત્તભાઈનો છે.

થ્રી, બી.એચ.કે. ફ્લેટમાં ઉમરલાયક લોકોને ભાવે તેવું અને ફાવે તેવું ભોજન બનાવવા અને સારવાર કરવા આયા રખાય છે. દવા અને ડોક્ટર્સની પણ જોગવાઈ રાખી છે. અનેક અનુભવો જણાંવતાં કહે છે કે લોકોનાં ઘણાં પ્રશ્નો સામાં દેખાયા. “અમારાં વડિલને અહીં મૂકી ગયાં પછી. બધી જ જવાબદારી તમારીને?” “એકસાથે અમુક રુપિયા આપી દઈએ તો જવાબદારી….?” “અમે ક્યારે મળાવા આવી શકીયે?” એવા પ્રશ્નો પરિવારજનોના હોય છે. કૌટુંબિક મનમોટાવ કે કોઈને પારકાંને ન કહી શકાય એ રીતે વડિલો પારિવારિક અંગત રહ્સ્યો કહી પોતાનું મન ઠાલવી નિશ્નિંત મને રહે છે. એક ૯૫ વર્ષનાં દાદીમાંની હાજરી છે. તો એકાદ રિટાયર દંપતિ રહે છે. એક મુંબઈમાં આખું જીવન ગાળેલ દાદીમાંએ દાદાજીને ગુમાવ્યા બાદ વિદેશ સેટ્લ થયેલ દિકરા પાસે જવાની પ્રોસિજર થાય ત્યાં સુધી અહીં રહેવાની વાત હતી પણ હવે અહીં જ ગમી ગયું છે. ૮૫ વર્ષનાં વડિલની વર્ષગાંઠ સૌએ મળીને ઉજવી.. આ દંપતિનો લાડલો દિકરો પણ આટલાં બધાં દાદા-દાદીનો લાડ મેળવે છે. રવિવારે ક્યારેક મળવા ન પહોંચે તો વડિલો પૂછે છે કે “સ્વયમ કેમ ન આવ્યો આજે?” છાયાભાઈનાં માતા યામિની બહેન અને પિતા દિનેશ ભાઈ સહીત એક પારિવારીક ઘરોબો બંધાઈ ગયો છે.

આ રીતે બીજા ઘણાં વિચારો સ્ફુરે છે કે જે “સિનિયર સ્માઈલ”નાં નેજા હેઠળ આદરવા છે નિર્મિત્તભાઈને. જેમ કે, આધેડવયનાં વડિલોનાં પૂર્નલગ્ન કરાવવા લગ્નમેળો કે પછી કોઈ સ્વાસ્થ્ય કેમ્પ રાખવો જેવા કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરવું છે. આ જ “સિનિયર સ્માઈલ”ને એક નાનકડા ફ્લેટમાંથી બહુમાળી મકાન બનાવવાની મહેચ્છા ધરાવે છે! શ્રી નિર્મિત્તભાઈ છાયા અને એમનો પરિવાર “સિનિયર સ્માઈલ”ને અવિરત જહેમતથી અમર રાખી આશિર્વાદ મેળાવતા રહે એવી શુભેચ્છા.