Operation Abhimanyu - 2 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન અભિમન્યુ - ૨

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૨ ટાર્ગેટ પ્રગતીમેદાન મેટ્રો સ્ટેશન

ટૂંકો થતો જતો દિવસ અને લાંબી બનતી જતી રાત શિયાળાના આગમનનું સૂચન કરી રહ્યા હતા. આવી એક સાંજના સમયે પોલિસ કોલોનીના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા. વાતાવરણમાં ગુલાબી ઠંડીનો વધતો જતો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવી શકાતો હતો. અજવાશ ધીમેધીમે ઓછો થતો જતો હતો અને અંધારાનું સામ્રાજ્ય વધી રહ્યું હતું. રસ્તાની બંને બાજુએ કતારબધ્ધ આવેલા રો-હાઉસિસના ગેટની બંને બાજુએ એક-એક લેમ્પ ઝળહળતો હતો.

“મિસ દવે તમને ઘર શોધવામાં કોઈ તકલીફ પડી.?” પોલિસ કોલોની A સ્ટ્રીટના સાતમા નંબરનું રો-હાઉસ સુભાષ કોહલી, સુપ્રિટેંડંટ ઓફ પોલીસ એવી તકતી ધરાવતું હતું. ત્યાંનો મુખ્ય દરવાજો ખોલતા એસપી કોહલીએ નિહારિકાને પૂછ્યું.

“પોલિસ કોલોનીના રસ્તાઓથી સારી એવી માહિતગાર હોવાના લીધે ખાસ કોઈ સમસ્યા ન રહી અને તમારા બંગલો પરની નેમ પ્લેટના લીધે આસાનીથી ઘર મળી ગયું.” સફેદ મખમલી કુર્તી અને બ્લેક ટ્રાઉઝરમાં સ્વતંત્ર સમાચાર ન્યુઝ ચેનલની એન્કર નિહારિકાએ અંદર પ્રવેશ લીધો. પેવર બ્લોકના બનેલા રસ્તાની બંને તરફ ઘાસ હતું. જમણી બાજુએ એક ઝૂલો તથા થોડી આગળની તરફ એક ટેબલ અને એની ફરતે ચાર ખુરશીઓ ગોઠવાયેલી હતી.

“સાંજના સમયે હું ખુલ્લા વાતાવરણમાં સંગીત સાંભળવાનું પસંદ કરું છુ. તમારી એ નવલકથા માટે કહેવાલાયક વાતો પણ અહી બહાર બેસીને કહેવી મને વધારે યોગ્ય લાગશે.” પેવર બ્લોકના રસ્તા પરથી ઉતરીને ઘાંસના મેદાન પર આવતા એસપી કોહલીએ કહ્યું. બંને જણે ટેબલ પાસે આવેલી ખુરશીઓ ખેંચી તેના પર સામસામે બેઠક લીધી.

“હમ્મ...મને પણ આ જગ્યા ખૂબ પસંદ પડી રહી છે. આખો દિવસ ચેનલના બંધ રૂમમાં બેસીને કંટાળ્યા પછી ખુલ્લા વાતાવરણમાં ટહેલવાનું હું પણ પસંદ કરું છુ સર.” નિહારિકાએ પોતાના વાંકડિયા વાળને પસવારતા આસપાસ નજર કરી. ઘાંસનું મેદાન પૂરું થતું હતું ત્યાં કિનારીઓ પર કેટલાક ફૂલો અને અન્ય ઓર્નામેંટલ છોડવાઓના કુંડા આવેલા હતા. તેમની યોગ્ય માવજત થતી હોવી જોઈએ એવું નિહારિકાએ અનુમાન લગાવ્યું.

“પલ્લવીનો હમેશાથી શોખ રહ્યો છે. એ ફૂલોની માવજત વધારે સારી રીતે કરી જાણે છે.” એસપી કોહલીએ નિહારિકાની નજર પારખીને કહ્યું. નિહારિકા પ્રશ્નાર્થ ભાવે એસપી કોહલી સામે જોઈ રહી. “એ મારી ધર્મપત્ની છે.” તેનું મૂડ પારખીને એસપી કોહલીએ જવાબ આપ્યો.

“એક કપ ચાય મને વાત કહેવામા અને તમને વાત સાંભળવામાં વધારે મદદરૂપ થશે, મિસ દવે તમે અહી બેસવાનું પસંદ કરશો કે મારી સાથે રસોડામાં આવશો.?” થોડીવાર મૌન સેવ્યા બાદ અચાનક એસપી કોહલીએ ખુરશી પરથી ઊભા થતાં કહ્યું.

“સર ઉમરમાં તમારાથી નાની હોવાના લીધે મને નિહારિકા કહો એ વધારે યોગ્ય રહેશે, બાય દ વે હું તમારા સાથે રસોડામાં આવવાનું પસંદ કરીશ.” નિહારિકા ખુરશી પરથી ઊભી થઈ. બંને જણ ફરીથી ઘાંસ પર ચાલતા ચાલતા પેવર બ્લોકના વોક વે પર આવ્યા. ઘરનો મુખ્ય દરવાજો ખોલીને એસપી કોહલીએ નિહારિકા સાથે ઘરની અંદર પ્રવેશ કર્યો.

“શું આ પલ્લવી મેડમનો ફોટો છે.? મરાઠી સાડીમાં એ ખૂબ સરસ લાગે છે.” ઘરમાં પ્રવેશતાની સાથે જ સામેની દીવાલ પર 60” X 40” ની ફોટો ફ્રેમ જોઈ નિહારિકાએ કહ્યું. એ ફોટોમાં પીળી સાડીમાં એક યુવતી સરસ મજાનું સ્મિત આપતી ઊભી હતી.

“એનું મૂળ વતન મહારાષ્ટ્રમાં છે, અત્યારે એ અયાન-મારા પુત્ર સાથે પોતાના પિયર ગયેલી છે.” એસપી કોહલીએ રસોડામાં પહોંચી મોટા અવાજે કહ્યું. નિહારિકા અદબવાળીને થોડીવાર એમ જ પલ્લવી મેડમનો ફોટો નીરખી રહી.

“સર માફ કરશો પણ એક પ્રશ્ન પૂછી શકું.?” ફોટો સામે ઊભાઊભા નિહારિકાએ મોટા અવાજે કહ્યું.

“ચોક્કસ પરંતુ જો જો એ મને લાગણીશીલ ન બનાવી દે નહિતર આજે હું વાર્તા કહેવાની શરૂઆત પણ નહીં કરી શકું.” એસપી સાહેબનો રસોડામાંથી અવાજ આવ્યો.

“એ બાબતે કશું કહી ન શકાય.” નિહારિકાએ રસોડામાં પ્રવેશ લીધો અને ડાઈનિંગ ટેબલ પાસેની એક ખુરશી પર બેઠક લીધી.

“આઇ વોસ જોકિંગ એક્ચ્યુલી.!” નિરવ શાંતિમાં તપેલીમાંથી કિટલીમાં પડતી ચાનો અવાજ સંભળાઇ રહ્યો. થોડીવાર બન્નેમાંથી કોઈ કશું ન બોલ્યું.

“તમારા લવ મેરેજ થયા કે અરેંજ.?” નિહારિકાએ પૂછ્યું.

“એને હું એક સમજૂતિ તરીકે ઓળખાવી શકું.!” એક ટ્રેમાં કિટલી, કપ અને રકાબી લઈ એસપી કોહલીએ રસોડાની બહારની તરફ ડગ માંડ્યા.

“મતલબ.! હું કઈ સમજી ન શકી.” તેમને જોઈ પ્રશ્નાર્થભાવે નિહારિકાએ પણ ખુરશી પરથી ઊભા થઈ બહારની તરફ પ્રયાણ કર્યું.

“સમજાવીશ કદીક”

એસપી કોહલીનો જવાબ સાંભળવા છતાં નિહારિકા તેમના જવાબ પાછળનો મર્મ સમજવા મથામણ કરવા લાગી. ઘરની બહાર જતાં પહેલા નિહારિકાએ ફરી પાછા વળીને એક નજર ફોટો ફ્રેમ પર નાખી. લાલ કિનારીઓવાળી પીળા કલરની સાડીમાં પલ્લવી મેડમનો હસતો ચેહરો જોઈ બીજી કોઈ વાતનો અણસાર આવતો નહતો.

“નિહારિકા ચાલવામાં ખૂબ ધીમા છો.!” નિહારિકાએ બગીચાની લોન પર પગ મૂક્યા એટલે એસપી કોહલીએ કહ્યું.

“સર એક્ચ્યુલી એ ફ્રેમ મને ખૂબ ગમી ગઈ, એને જોવામાં બે મિનિટ મોડુ થયું.” નિહારિકાએ ખુરશી પર બેઠક લેતા કહ્યું.

“કદાચ એમાં કોઈ ચુંબકીય આકર્ષણ હોવું જોઈએ, હું પણ ઘણો સમય એ ફ્રેમ એમ જ જોયા કરું છુ.” ટ્રેમાંથી બે બે કપ-રકાબી સામસામે ગોઠવી એસપી કોહલી તેમાં ચાય ભરવા લાગ્યા.

“એસપી સર તમે સરસ ચાય બનાવો છો.!” પોતાની તરફ રહેલો કપ ઉપાડી ચાયની એક ચૂસકી લેતા નિહારિકાએ કહ્યું.

“તમે એને મારી ખાસિયત અથવા મજબૂરી પણ કહી શકો છો.” ખુરશીની બેઠક પર ટટ્ટાર થતાં એસપી કોહલીએ કહ્યું.

“માફ કરશો પણ તમારા ઉખાણા મને વ્યાકુળ બનાવી રહ્યા છે. જો તમે એની ફોડ પાડવાના હો તો વાંધો નહીં. નહિતર રિપોર્ટર છુ સાહેબ, સ્ટિંગ ઓપરેશન કરીને જાણી લઇશ.”

“ધીરજ નામનો ગુણ કેળવશો તો સ્ટિંગ ઓપરેશનની જરૂર નહીં પડે.”

“શું એ બધી વાતો પણ મારી નવલ માટે કહેશો.?” નિહારિકાએ કહ્યું. એસપી કોહલીએ હકારમાં માથું ધૂણાવ્યું.

“એટલે જ તો કહેલું નિહારિકા એની સાથે જોડાયેલી વ્યક્તિઓનું દિલ ન દુભાય એની તકેદારી રાખજો.”

“તો હવે શરૂ કરશો.?” ચાનો કપ પૂરો કરીને નિહારિકાએ ટેબલ પર મૂકતાં કહ્યું. બંને હાથની મુઠ્ઠીવાળીને એસપી કોહલીએ ક્ષિતિજ તરફ મીટ માંડી ધ્યાનમગ્ન થવા લાગ્યા.

“આ ઘટના કદાચ મારા જીવનમાં બનેલી સૌથી રોચક ઘટના છે જે તમારી સમક્ષ વર્ણવવા જઈ રહ્યો છું. દિલ્લીમાં આસીસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ પદ પર ફરજ બજાવતા જે ઘટના થયેલી એમાંથી એક રોચક નવલકથા લખી શકાય એવું બધું જ છે. નિહારિકા આ કહાની તમને એક્શન, રોમાન્સ અને સસ્પેન્સ દરેક પ્રકારના મુદ્દાઓ પુરા પાડશે. આ વાત છે આજથી દસ વર્ષ પહેલાની...આ વાત છે ઓપરેશન અભિમન્યુની...”

@ @ @

“હેલ્લો તિલક માર્ગ પોલિસ સ્ટેશન.?”

તિલક માર્ગ પોલિસ ચોકી પર ઢળતી સાંજનો સમય હતો. હું અને મારો સીનીયર રાઘવ હંમેશાની જેમ નાઈટ પેટ્રોલિંગ માટે તૈયારી કરી રહ્યા હતા. ટેબલ પર બેઠાંબેઠાં રાઘવ F.I.R. ની ફાઈલના પાના ઉથલાવી રહ્યો હતો. થોડે દુર હું કબાટમાં કેટલીક મહત્વની ફાઈલો શોધી રહ્યો હતો. એકાએક ટેબલ પર રહેલા લેન્ડલાઈન પર રીંગ વાગવા લાગેલી. રાઘવે તેને અવગણતા ફાઈલમાંથી માથું ન ઉચક્યું. મેં ટેબલ પાસે જઈને ફોન ઉપાડ્યો. સામે છેડેથી અવાજ સંભળાયો.

“હલ્લો..”

“જી મારે એસપી રાઘવ શર્માથી વાત કરવી છે.” મેં રાઘવ સામે જોયું. તે મોમાં પેન્સિલ પાછળની રબર ચાવતા મારી સામે જ ટગર ટગર જોઈ રહ્યો હતો. મેં તેને ઇશારાથી ફોન પર વાત કરવા કહ્યું.

“હલ્લો...એસપી રાઘવ શર્મા સ્પીકિંગ.” ટેલીફોનનું રિસીવર પોતાના હાથમાં લેતા રાઘવે તેના ઘોઘરા અને પહાડી અવાજમાં કહ્યું.

“જી એસપી સાહેબ અહી પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનના ઓવરબ્રિજ નીચેથી એક બ્લેક સફારી કાર નંબર DL 12 XX OOOO અકસ્માતોની હારમાળા સર્જીને નાસી છુટેલ છે. તમે જલ્દીથી અહી પહોંચો.”

“જી આપ બેફીકર રહો અમે જલ્દીથી જલ્દી ત્યાં પહોંચીએ છીએ.” રાઘવની વાત પરથી મને કોઈ ઈમરજંસીનો અણસાર આવતો હતો. આવી ઈમરજંસીઝ અમારા માટે રોજીંદી અને સાવ સામાન્ય બાબત હતી. મેં તુર્ત જ ગાડીની ચાવી લઇ પાર્કિંગ તરફ પ્રસ્થાન કર્યું.

“સુભાષ બે મીનીટમાં પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનના ઓવરબ્રિજ નીચે લઇ ચલ. ત્યાં કોઈ પાગલ કે બેવડા ડ્રાઈવરે અકસ્માતોની હારમાળા સર્જી છે.” મારી બાજુની સીટ પર બેઠક લેતા રાઘવે કહ્યું. અમે તિલક માર્ગ પર સુપ્રીમ કોર્ટ પાસેથી પસાર થતા ગણતરીની મીનીટોમાં ત્યાં પહોચી ગયા.

પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનની બહારના ઓવરબ્રીજ નીચે એક જગ્યાએ લોકોનું મોટું ટોળું જમા થઇ ગયું હતું. ગાડીમાંથી ઉતરીને અમે લોકોનું એ ટોળું ચીરતા વચ્ચે પહોંચ્યા. ટોળાની વચ્ચે એક વયોવૃદ્ધ વ્યક્તિ આંસુઓ સારતા પોતાની આપવીતી લોકોને કહી રહ્યો હતો. બ્લેક સફારી કારે તેના બંને પગ છુંદી નાખ્યા હતા.

“સર આ ખુબ ભયાનક દ્રશ્ય છે. એ કારે આ વૃદ્ધના શું હાલ કર્યા છે.?”

“સુભાષ તું આજે ફરી ઈમોશનલ બની મારી પર ત્રાસ નહિ ગુજારતો પ્લીઝ.”

“પણ આ ગરીબને જુઓ કારે એના શું હાલ કર્યા છે.!”

“જે રીતે આ બુઢ્ઢો પોતાના હાલહવાલનું માર્કેટિંગ કરી રહ્યો છે એને જોતા મને લાગે છે સરકાર એને એટલું ફંડ આપશે કે એને હવે આજીવન કોઈ મહેનત નહિ કરવી પડે પણ એસીપી સુભાષ કોહલી તમારે અને મારે આ કેસ પાછળ હવે મેહનત કરવી પડશે નહીતર પેલો મદ્રાસી બળેલો ઢોસો આપણે બંનેને નહિ છોડે. માટે આ બુઢાની ચિંતા છોડ અને પોતાની ચિંતા કર.” રાઘવ સાથે થતું આ મારું રોજે રોજનું ઘર્ષણ હતું. હું તેને અત્યંત સ્વાર્થી અને લાગણીઓ વગરનો માણસ ગણતો હતો અને મારા મતે હું એકસો દસ ટકા સાચો પણ હતો.

“એમ્બ્યુલન્સ આવી ગઈ છે આમને જલ્દીથી સ્ટ્રેચર પર બેસાડવામાં મદદ કરો.” એમ્બ્યુલન્સનું આગમન થતાં રાઘવે આસપાસના લોકોને ફરમાન કર્યું. ચાર પાંચ લોકો એ વૃદ્ધને સ્ટ્રેચર પર બેસાડવામાં મદદ કરવા લાગ્યા.

“સુભાષ આ ચશ્મદીદ વ્યક્તિઓ છે એમનું બયાન નોટ કર.” રાઘવ અને હું કેટલાક આસપાસના લોકોની પુછતાછ કરવા લાગ્યા.

“સર આ લોકોના કહેવા પ્રમાણે એ કાર હજુ હમણાં જ અકસ્માત સર્જીને અહીંથી દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર ગઈ છે. મને લાગે છે આપણે એનો પીછો કરવો જોઈએ.” ચશ્મદીદોની પુછતાછ કરતા તેમના બયાન પરથી જણાઈ આવતું હતું કે અકસ્માત અમારા આવ્યાના ગણતરીની સેકન્ડો પહેલા થયો હોવો જોઈએ.

“એ પોસીબલ નથી સુભાષ, તે ઘણી આગળ નીકળી ગઈ હશે. મેં આગળ નાકાબંદીનો ઓર્ડર આપી દીધો છે. એ જલ્દીથી પકડાઈ જશે.” રાઘવ કશુક વિચારવા લાગ્યો.

“સુભાષ, ફરિયાદીના કોલ પ્રમાણે એ કારે બીજા કેટલાક અકસ્માતો સર્જેલા છે. આપણે આગળ પણ જવું જોઈએ” મેં હકારમાં માથું ધુણાવતા ફરી એકવાર પોલિસ જીપનો દરવાજો ખોલ્યો અને ડ્રાયવીંગ સીટ પર બેઠક લીધી. રાઘવ બાજુની સીટ પર બેઠો. ચશ્મદીદોના કહેવા મુજબ એ કાર પંડિત દિન દયાળ ઉપાધ્યાય માર્ગ પર જતી હતી. અમે લોકો એ જ માર્ગ પર આગળ વધ્યા. કેટલીક લારીઓ રસ્તા પર ભંગાર બની ને વેરવિખેર થઇ પડી હતી. આગળ એક જગ્યા એ બીજું ટોળું જમા થયું હતું. મેં ટોળાની પાસે જઈ ગાડી ઉભી રાખી. ટોળાની વચ્ચે એક યુવાન મૂર્છિત અવસ્થામાં પડ્યો હતો.

“સાહેબ આ બધું મેં મારી આંખોથી જોયું. આમની પત્ની દુર પેલા ડીવાઈડર પાસે ફંગોળાઈ ગઈ અને તેમનું બાઈક ૧૦૦ મીટર સુધી દુર ઢસડાઈ આગળ પડ્યું.” એક વ્યક્તિ રાઘવને ઘટનાની માહિતી આપવા લાગ્યો. રાઘવ અત્યંત ચિંતિત મુખે આ બધું જોઈ રહ્યો. તે એક બાહોશ ઓફિસર હતો, ચોક્કસ તેના મનમાં કશીક ગડમથલ ચાલુ હતી.

“આમને જલ્દીથી નજીકની હોસ્પીટલમાં પહોચાડો. જરાપણ ટાઇમ લાગ્યો તો બંને દુનિયા છોડી જશે.” એ વ્યક્તિની ગરદન પર પોતાની બે આંગળીઓ રાખતા રાઘવે કહ્યું. કોઈએ ફોન કરી દીધેલો હોવાથી અહી પણ તરત જ એમ્બ્યુલન્સ આવી ગઈ.

“સુભાષ એ કોલ આશરે કેટલા સમય પહેલા આવ્યો હતો.?” રાઘવે મારી પાસે આવીને પૂછ્યું.

“સર કદાચ અત્યારથી ૨૦ મિનીટ પહેલા...” મેં ઘડિયાળમાં જોઇને કહ્યું.

“ભાઈસાહેબ...આ એક્સીડંટ થયા ને કેટલો સમય થયો.?” પાસે ઉભેલા એક ચશ્મદિદને રાઘવે પૂછ્યું.

“જી સાબ કરીબ ૭ મિનીટ...!”

“પોસ્સીબલ જ નથી. સુભાષ તું સાચો હતો.!” રાઘવે કપાળ ઘસ્યું.

“શું થયું.?” રાઘવ કોઈપણ જવાબ આપ્યા વિના ત્યાંથી દુર ખસીને ફોન પર વાત કરવા લાગ્યો.

“સુભાષ તું જીપ લઈને જલ્દીથી પ્રગતિમેદાન મેટ્રો પહોચ. દરરોજની માફક પેટ્રોલિંગ કરજે અને આજે એક એક જણનું ચેકિંગ કર.” ફોન પૂરો કરીને મારી પાસે આવતા રાઘવે કીધું.

“રાઘવ સાહેબ થયું છે શું.?”

“આપણી પાસે વધુ સમય નથી સુભાષ. મેં કરતારને અહી બોલાવ્યો છે. તે હમણાં જ આવતો હશે. હું એની સાથે આગળ વધુ છું તું જલ્દીથી પાછો જા.” ઉતાવળમાં રાઘવ ત્યાંથી ભાગવા લાગ્યો. તેનું વર્તન અજુગતું લાગતું હતું. મેં કરતારની જીપ જોઈ. રાઘવે તેમાં બેઠક લીધી અને બંને માર્ગ પર આગળ વધ્યા. મેં ફરી પ્રગતીમેદાન મેટ્રો સ્ટેશન તરફ જવા જીપ ચાલુ કરી.

@ @ @

થોડીવારમાં હું પ્રગતીમેદાન મેટ્રો સ્ટેશન પહોંચી ગયો. મેટ્રો સ્ટેશનની બહારનો માહોલ મને જરાય વાંધાજનક ન લાગ્યો. બધું દરરોજની માફક શાંતિથી ચાલતું હતું. જીપમાંથી ઉતરીને હું મેટ્રો સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો. મારી આજુબાજુ અપડાઉન કરતા પ્રવાસીઓની જ ચહલ પહલ હતી. જો આ ફોન ન આવ્યો હોત તો અત્યારે પણ હું અને રાઘવ અહિયાં જ રૂટીન પેટ્રોલિંગ કરતા હોત. રસ્તા પર જ્યાં બ્લેક સફારી કારે પેલા વૃદ્ધને કચડેલો ત્યાં થોડા લોહીના દાગ હતા. એ સિવાય ત્યાં પણ હવે બીજું કોઈ નહતું. રાઘવ એક બાહોશ અધિકારી હતો, તેના નિર્ણયોનું માન રાખતા તેના કીધા પ્રમાણે મેં તપાસ ચાલુ કરી. મેટ્રોના પગથીયા ચઢીને હું ચેકિંગ કાઉન્ટર પર ગયો.

“અશરફ, બધું બરાબર ચાલે છે ને.?!” ચેકિંગ કાઉન્ટર પર પહોંચીને ત્યાંના મુખ્ય સિક્યુરીટી ગાર્ડને મેં પૂછ્યું. મારા આવી રીતે અચાનક ત્યાં આવી ચડવાથી તથા હાંફતા સ્વરે પુછતાછ કરવાના લીધે તે ગભરાયો હોય એવું મને લાગ્યું.

“જી સાબ બધું રોજની માફક બરોબર ચાલે છે.!” તે ગભરાઈને પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો અને મને સલામ કરતા બોલ્યો.

“બરાબર ચાલે છે તો બેઠા શું કામ છો. આસપાસ નજર રાખો.!” થોડા કડક સ્વરમાં મેં કહ્યું. ત્યાં ચેકિંગ કાઉન્ટર પર લોકો એક્સ રે સ્કેનરમાંથી એક પછી એક લાઈનમાં પસાર થઇ રહ્યા હતા. તેમનો સમાન બાજુના રોલર પટ્ટા પર પસાર થઈ સ્કેન થઇને અંદરની તરફ જતો હતો. ત્યારબાદ સૌ પોત-પોતાનો સામાન લઈને અંદરની તરફ પ્રયાણ કરી રહ્યા હતા.

મેં એક્સ રે સ્કેનરની ગતિવિધિઓ જોઈ ખરેખર બધું જ બરાબર ચાલી રહ્યું હતું એટલે મને પણ રાહતનો અનુભવ થયો. મેં ઈશ્વરનો આભાર માન્યો અને સાથોસાથ પ્રાર્થના કરી કે રાઘવ અને કરતાર જલ્દીથી બ્લેક સફારી કાર ચાલકને પકડીને જેલ પહોચાડી દે. એક્સ રે સ્કેનરથી આગળ વધીને હું તેનું મોનીટરીંગ જોવા કંટ્રોલ રૂમ તરફ આગળ વધ્યો.

“અશરફ...” મેં કંટ્રોલરૂમમાં પ્રવેશ કર્યો. ત્યાં કંટ્રોલ રૂમમાં કેટલાક કમ્પ્યુટર રહેલા હતા તે બધા બંધ હાલતમાં હતા અને ત્યાં કોઈ હાજર નહતુ. મેં અશરફને બુમ પાડીને બોલાવ્યો.

“જી જનાબ...” મારી બુમ સાંભળીને તેમના સહ કર્મચારીઓ સાથે અશરફ જલ્દીથી કંટ્રોલ રૂમમાં આવ્યો.

“કંટ્રોલ રૂમમાં કેમ કોઈ હાજર નથી.? અને આ બધા મોનીટર બંધ હાલતમાં કેમ છે.?” ગુસ્સામાં લાલચોળ આંખે મેં અશરફને પૂછ્યું. તેના ચેહરાના હાવભાવ જોતા તે ગભરાયેલો લાગતો હતો અને તેના કપાળે પરસેવાની નદીઓ વહેવા લાગી હતી.

“જી એ મેડમ હજુ હમણાં જ અહીંથી ગયા.!”

“જલ્દીથી ઈજનેરને અહિયાં બોલાવો અને સિસ્ટમ ચાલુ કરાવો.” મેં ઊંચા સ્વરે કહ્યું. ખબર નહિ કેમ પરંતુ હવે મને પણ કશું અજુગતું થવાના એંધાણ વર્તાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. અહી કોઈપણ પ્રકારની બેદરકારી મોટી મુસીબત સર્જી શકે એવું લાગતા મેં રાઘવને ફોન જોડ્યો.

“હેલ્લો રાઘવસર”

“હેલ્લો સુભાષ, ત્યાં બધું ઠીક છે ને.?” મને રાઘવનો અવાજ ઠીકથી સંભળાતો નહતો. તેની આસપાસ બહુબધો શોરબકોર થતો હતો.

“સર અહી ચેકિંગના કંટ્રોલ રૂમના મોનીટર બંધ હાલતમાં છે.”

“મોનીટર ચાલુ કરાવ અને બધાનું ફરીથી ચેકિંગ કર.” રાઘવનો અવાજ કપાતો હોય એવું લાગતા હું કંટ્રોલરૂમની બહાર આવ્યો. રાઘવનો અવાજ સ્પષ્ટ બન્યો કારણકે ત્યાં ફાયર થતી ગોળીઓનો અવાજ પણ હવે હું સાંભળી શકતો હતો.

“સર એના માટે બહુ બધો સમય લાગી જશે.”

“સુભાષ મેં કીધું એમ કર, મેટ્રો અધિકારીની પરમિશન લઇ લે અને સ્ટેશન પર ઉભેલી મેટ્રો આગળ જવી ન જોઈએ આ મારો હુકમ છે.”

“પણ સર...”

“જસ્સ શટ અપ એન્ડ ડુ એસ આઈ સેડ. સુભાષ તું જેટલું જાણશ એના કરતા પરિસ્થિતિ અતિ ગંભીર છે.” મેં તુર્ત જ કોલ કાપ્યો.

“સર સોફ્ટવેરમાં ગરબડ થઇ છે.” અશરફે મારી પાસે આવીને કહ્યું. “અમે સોફ્ટવેર ઇજનેરને જાણ કરી દીધી છે તે હમણાં જ પહોચી આવશે.” અશરફ સામે કઈ ન બોલતા તે ગભરાયો અને હાંફતા સ્વરે બોલ્યો.

“બધા લોકોને પાછા બોલાવો, ફરીથી ચેકિંગ કરવું પડશે.” મેં અશરફને કહ્યું.

“વાત શું છે સર.?”

“જસ્સ શટ અપ એન્ડ ડુ એસ આઈ સેડ.” ગુસ્સામાં ઊંચા સ્વરે મેં કહ્યું. મારી રાઘવ સાથે થોડીવાર પહેલા જે દલીલ થઇ એ વખતે રાઘવ કેવું અનુભવી રહ્યો હશે એનો અત્યારે મને અનુભવ થઇ રહ્યો હતો.

મેં મેટ્રો અધિકારી સાથે ફોન પર વાત કરી. થોડી જ વાર બાદ મેટ્રોના માઈકમાં ઘોષણાઓ થવા લાગી હતી. આ ઘોષણાઓ મેટ્રોના નિર્ધારિત સમય કરતા વિલંબ થવા તથા મેટ્રો પર હાજર સૌ કોઈ લોકો અને તેમના સામાનનું રીચેકિંગ કરવા બાબતે હતી. સૌ કોઈ આ ઘોષણાઓ સાંભળીને અસમંજસમાં મુકાયા કારણ કે આવી ઘોષણાઓ થવી બિલકુલ અસામાન્ય બાબત હતી.

સૌ કોઈ ફરી એકવાર ચેકિંગ માટે ચેકિંગ કાઉન્ટર તરફ પાછા વળતા હતા. હું મોનીટરીંગ જોવા માટે ફરી એકવાર કંટ્રોલ રૂમમાં ગયો. કેટલાક મહિલા કર્મચારીઓ, અશરફ અને સોફ્ટવેર એન્જીનીયર ત્યાં ઉભા હતા.

“સર, કોઈકે મેટ્રોનું સર્વર હેક કર્યું હતું એટલે કામકાજ ઠપ્પ થઇ ગયું. મેં ફરી પાછુ બધું બરાબર કરી દીધું છે. હવે ચિંતાની કોઈ વાત નથી.” સોફ્ટવેર ઈજનેરે માહિતી આપતા કહ્યું. ‘હવે ચિંતાની કોઈ વાત નથી’ તેના આ શબ્દોએ ખરેખર તો મારી ચિંતામાં વધારો કર્યો હતો.! તેમ છતાં તેના યુધ્ધના ધોરણે કરાયેલા કામના લીધે મેં તેની પીઠ થાબડી. ત્યારબાદ સ્કેનીંગની ગતિવિધિઓ જોવા ફરી એકવાર ત્યાં જવા માટે પગ ઉપાડ્યા. ચેકિંગ કાઉન્ટર પર બધા લોકોનો જમાવડો થઈ ગયો હતો. સૌ લોકોના સામાનનો પણ ખડકલો લાગી ગયો હતો. તેમના શોરબકોરના લીધે વાતાવરણ ત્રસ્ત બન્યું હતું અને આટલું ઓછુ હોય તેમ લાઉડસ્પીકર પર લોકોને ફરી ચેકિંગ કાઉન્ટર પર આવવા, શાંતિ જાળવવા તથા મેટ્રોના વિલંબ બાબતે ઘોષણાઓ થઇ રહી હતી.

“સર મારી વાઈફ પ્રેગ્નન્ટ છે તેને લેબર પેઈન શરૂ થઇ ગયું છે. મારું પંદર મિનીટમાં રાજીવ ચોક પહોંચવું અત્યંત આવશ્યક છે.” ચેકીંગની કતારમાં ખુબ પાછળની બાજુ ઉભેલા એક ભાઈએ મને કહ્યું.

“તમારું નામ શું છે.?” મેં તેમને પૂછ્યું.

“જી, રાહુલ રાજ” થોડી ગભરાહટ સાથે તેણે જવાબ આપ્યો.

“મિ. રાજ, આ ચેકીંગની કામગીરી કરવી અત્યંત આવશ્યક છે. આ પરિસ્થિતિમાં તમારો સહકાર જોઈએ છે. બસ થોડીવાર રાહ જુઓ હમણાં બધું વ્યવસ્થિત કાર્યરત થઇ જશે.” મેં તેમને દિલાસો આપતા કહ્યું. ખરેખર તો કેટલીવાર લાગવાની છે એની મને પણ જાણ નહતી.

“બેટા મારો દીકરો હોસ્પીટલમાં દાખલ છે. એની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જો થોડો વધારે વિલંબ થશે તો હું મારા પુત્રનું મો નહિ જોઈ શકું.!” રાહુલ રાજની પાછળ ઉભેલા એક વૃદ્ધ માજીએ કહ્યું.

“માજી તમારા પુત્રને કશું જ નહિ થાય અને તમે પણ થોડીવારમાં તેની સાથે હશો.” ફરી એક વખત ફોગટ લાગણી પ્રગટ કરીને મેં જુઠ્ઠો દિલાસો આપતા માજીને કહ્યું. હવે આ વાતાવરણમાં મને પણ અકળામણ થવા લાગી હતી. દસેક મિનીટ જેવો સમય વીતી ચુક્યો હતો.

“અશરફ, તમારું કામ જલ્દીથી પૂરું ના થઇ શકે.?” અશરફ પાસે જઈને મેં પૂછ્યું.

“સર આમ જોઈએ તો ચિંતાની કશી વાત નથી. મોટાભાગના લોકોનું ચેકિંગ થઇ ગયું છે. બસ હવે થોડા લોકો જ બાકી છે.” અશરફે કહ્યું. ત્યાં એક્સ રે સ્કેનરમાંથી પસાર થઈ લોકો રોલર પટ્ટા પર રહેલો પોતાનો સમાન ઊંચકીને પ્લેટફોર્મ તરફ જતા હતા.

“એક કામ કરો અશરફ, તમે લોકો સૌ લાઈનમાં ઉભેલાને જલ્દીથી આગળ વધવા ફરમાન કરો. ચાલો હું પણ આ કામમાં તમને મદદ કરું છું.” લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા હોવાથી મેં અશરફને કહ્યું. ત્યારબાદ અમે લોકો સૌને જલ્દીથી આગળ વધવા ફરમાન કર્યું. થોડી જ વારમાં લાઈન ક્લીયર થવા લાગી. હવે બસ નવા આવનારા પ્રવાસીઓનો જ ધસારો હતો. એક મોટું મિશન પાર પડ્યું હોય એમ મેં અને અશરફે હાશકારો અનુભવતા એકબીજાની સામે જોયું.

થોડીવારે મેં ફરી રાઘવને ફોન જોડ્યો.

“હલ્લો રાઘવસર, અહી સૌ લોકોનું ચેકિંગ પૂરું કરવામાં આવ્યું છે અને બધું સહી સલામત છે. શું હવે મેટ્રોને આગળ જવા દેવી છે.?”

“જો બધું બરાબર હોય તો મેટ્રો અધિકારીથી વાત કરી લે અને કામકાજ યંત્રવત ચાલવા દઈ હેડક્વાટર પહોંચ ખુબ અગત્યની ચર્ચા માટે સુબ્રમણ્યમએ બોલાવ્યા છે.” આટલું કહીને રાઘવએ ફોન કાપી નાખ્યો. મેં ત્યારબાદ મેટ્રો અધિકારીને વાત કરી પરિસ્થિતિ સારી હોવાના સમાચાર આપી મેટ્રો રેલ-વ્યવહાર પૂર્વવત ચલાવવા જાણ કરી.

આવી પરિસ્થિતિ પહેલા કદી અનુભવી નહતી. પોલીસચોકીમાં અમારી સાંજ દરરોજની માફક શાંતિથી શરૂ થઇ હતી, ત્યારબાદ એક ફોન કોલે અમને આટલા દોડાવ્યા. રાઘવના મનમાં શી ગડમથલ ચાલી હતી એ હજુ પણ મારી વિચારશક્તિની બહાર હતું. આવા જ બધા વિચારો સાથે હું મેટ્રો સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો. રાઘવના કીધા મુજબ જલ્દીથી હેડક્વાટર પહોંચવાનું હતું. મેટ્રોના પગથીયા ઉતરતા ઉતરતા એક નજર મેટ્રોના બ્રિજ પર નાખી. સ્ટેશન પર ઉભેલી મેટ્રો શરૂ થઇ અને રાજીવ ચોક તરફ પ્રયાણ કરવા લાગી. હું નહતો જાણતો કે મિ.રાહુલ રાજ તેમના પત્ની પાસે સમયસર પહોંચી શકશે કે નહિ. હું એ પણ નહતો જાણતો કે પેલા માજીના દીકરા નું શું થશે પણ એ છતાં રાહતની વાત એ હતી કે બધું શાંતિપૂર્વક પૂર્ણ થયું.

@ @ @

“સારું થયું ને.? તમારા લોકોની સમયસુચકતાએ કોઈ અનિચ્છનીય ઘટનાને બનતા અટકાવી દીધેલી.” નિહારીકાના વાંકળિયાવાળ રાત્રીના ઠંડા પવનોમાં લહેરાઈ રહ્યા હતા. પોતાના વાળમાં હાથ ફેરવતા નિહારીકાએ કહ્યું.

“નહિ નિહારિકા, હું સદંતર ખોટો હતો. મારા એ વિચારો હકીકતથી તદન વિરોધી હતા. કોઈક તો કચાશ રહી ગયેલી નહીતર એ ના થયું હોત.!” બંને હાથની મુઠ્ઠીવાળીને સુભાષ કોહલી લીલા ઘાંસની જમીન પર નજર ટેકવતા બોલી રહ્યા હતા. તેમનો અવાજ ધીમો પડી રહ્યો હતો. લાંબા સમયથી બોલી રહ્યા હતા એટલા માટે કે પછી કોઈ ગંભીર બનાવ પોતાના મનમાં ચાલી રહ્યો હોઈ તેમનો અવાજ ધીમો પડ્યો હોય કારણને જાણવું ખુબ મુશ્કેલ હતું.

આ દરમિયાન નિહારીકાને એક બગાસું આવ્યું પણ એસપી સુભાષ કોહલીના છેલ્લા શબ્દો સાંભળ્યા બાદ તે વચ્ચે જ અટકી ગયું. “શું ન થયું હોત.?!” આશ્ચર્ય વ્યક્ત કરતા નિહારીકાએ પૂછ્યું.

“હું જેને મારી સફળતા માનતો હતો એ જ સૌથી મોટી નિષ્ફળતા તરીકે મારી સામે આવી. મંદ ગતિએ ચાલુ થયેલી મેટ્રો બોમ્બની માફક ફાટી. તેની એકએક બારીના કાચ ઉડીને રસ્તા પર વેરાયા. થોડીવાર પહેલા જ્યાં સફેદ લાઈટો ચાલુ હતી ત્યાં એની જગ્યાએ કાળમુખી જવાળાઓનો પીળો પ્રકાશ જ દેખાવા લાગ્યો હતો. મેટ્રોની અંદરથી કોઈ ઉંહ કરવા પણ જીવતું નહતું બચ્યું પરંતુ મારા સહીત રસ્તા પરના જેટલા લોકોએ આ દ્રશ્ય જોયું તેઓ મરણચીખ પાડવામાંથી બાકાત ન રહ્યા. મારી જ નજર સામે મેં એ બધું થતા જોયું. પોતાના કાર્યસ્થળેથી છુટેલા લોકો પોતાના ઘર તરફ હોંશે હોંશે જઈ રહ્યા હતા તે સૌ હવે પરમધામ પહોંચી ગયેલા. પળવારમાં જ પરિસ્થિતિ એવી બદલાઈ ગયી કે શું કરવું શું ન કરવું એનું ધ્યાન ન રહ્યું. ગાંડાની માફક લોકો આમતેમ દોડાદોડી કરવા લાગ્યા. આવી પરિસ્થિતિમાં હું પણ કઈ કરી ન શકતા બસ બધું એમ જ જોતો રહ્યો...” સુભાષ કોહલીએ પૂરું કર્યું. થોડીવારથી નિશ્ચેતન થઇ ગયેલા નિહારીકાના હાથોમાં જીવ આવ્યો હોય એમ ડાયરી પર બોલપેન ફરી દોડવા લાગી હતી.

“આજ માટે અહી વિરામ આપીએ કાલે પાછી અહીંથી વાત આગળ વધારીશું, નિહારિકા મારી સાથે ડીનર લેવાનું પસંદ કરશો.?” સુભાષ કોહલીએ પૂછ્યું.

“થેંક યુ સર પણ ખુબ મોડું થઇ ગયું છે, મારા પેરેન્ટ્સ રાહ જોતા હશે. ફરી ક્યારેક વાત.” નિહારિકાએ લેખન પૂર્ણ કરતા કહ્યું. ત્યારબાદ ડાયરી બંધ કરીને તે ઉભી થઇ. સુભાષ કોહલી પણ પોતાની બેઠક પરથી ઉભા થયા. નિહારીકાને ગેટ સુધી વળાવ્યા બાદ પોતે ઘરના દરવાજે પ્રવેશ લીધો. ચાંદનીરાતની નિરવ શાંતિમાં તારાઓ ટમટમતા હતા.