Operation Abhimanyu books and stories free download online pdf in Gujarati

ઓપરેશન અભિમન્યુ

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ:૧:- એસ.પી. સુભાષ કોહલીનો ઈંટરવ્યુ

સ્વતંત્ર સમાચાર ન્યુઝ ચેનલના ઓડીટોરીયમમાં આજે ખૂબ હિલચાલ જોવા મળી રહી હતી. આજે ચેનલના ખૂબ ખાસ એવા એક નવા શો નો પ્રારંભ થવા જઇ રહ્યો હતો. ઓડીટોરીયમના દુધિયા રંગના કાચના બનેલા ગોળાકાર સ્ટેજ નીચે ખૂબ બધી ટ્યુબ-લાઇટો ચાલુ હતી. ખૂબ મોટા એવા ગોળાકાર સ્ટેજની ફરતે ઉપરની તરફ ઘણી બધી ફોક્સ લાઇટો ઝળહળતી હતી. સૂરજદાદા જાણે સદેહે સ્વતંત્ર સમાચાર ચેનલના ઓડીટોરીયમમાં ઉપસ્થિત થયા હોય એટલો રૂમમાં પ્રકાશ ફેલાયેલો હતો. ગોળાકાર સ્ટેજની એક તરફ સફેદ રંગનો પડદો હતો, પ્રોજેક્ટર માટે સેટ કરાયેલો એ પડદો પ્રોજેક્ટર દ્વારા ફેંકાયેલા દ્રશ્યને દેખાડવા માટે તૈયાર હતો. થોડા અંતરે સ્ટેજની બીજી તરફ અર્ધગોળાકારે આવેલી દર્શકોની બેઠક પર સૌ દર્શકો બેઠક લઈ રહ્યા હતા. તેમના અને ન્યૂઝ ચેનલના સ્ટાફની વાતચીતના લીધે રૂમમાં શોર-બકોરનો માહોલ હતો.

સફેદ કલરના મખમલી ટોપ અને એના પર આછા પીળા કલરના બ્લેઝરમાં સજ્જ ૨૮ વર્ષ આસપાસની વય ધરાવતી પાતળી એવી એક યુવતીએ દર્શકોની હરોળ પાછળના પ્રવેશદ્વારથી પ્રવેશ કર્યો. તેણે પોતાના વાળ એક પીળા રંગની સ્ટીક વડે બાંધેલા હતા. ત્યારબાદ આ યુવતીએ સ્ટેજ તરફ પોતાના ડગ માંડ્યા. સ્ટેજ પર ચડીને ત્યાં રહેલી રીવોલ્વીંગ ચેર પર તેણીએ બેઠક લીધી.

“એવરીબડી સાયલેન્સ પ્લીઝ.!” દર્શકોની અર્ધગોળાકાર પહેલી હરોળમાં બેઠેલા શોના ડાયરેક્ટરે માઈકમાં કહ્યું એટલે ઓડીટોરીયમમાં ચારેકોર શાંતિ ફેલાઈ ગઈ.

“કેમેરામેન રેડી.?” સફેદ કલરની ખૂબ વધી ગયેલી દાઢી ધરાવતા અને કાળા રંગની કેપ અને ટી-શર્ટમાં સજ્જ ડાયરેકટરે માઈકમાં જ કેમેરામેનને પૂછ્યું એટલે ડાયરેકટરની સામેની દિશામાં કેમેરો સંભાળતા એક યુવકે અંગુઠો દેખાડી પોતાની તૈયારી દર્શાવી.

“એંકર રેડી.?” ડાયરેક્ટરે પોતાની નંબરની ચશ્માને સરખી કરતાં આગળ ચલાવ્યું. કેમેરામેનની માફક જ સ્ટેજ પર બેઠેલી એ યુવતીએ પણ અંગૂઠા વડે ઈશારો કરતાં પોતાની તૈયારી દર્શાવી.

“૩..૨..૧...સ્ટાર્ટ” ડાયરેક્ટરે માઇકમાં બૂમ પાડતાં કહ્યું એટલે કેમેરા પર બેઠેલ કેમેરામેન યુવક દ્રશ્યને ફોકસ કરવા લાગ્યો. પ્રોજેક્ટર ઓન થયું અને સફેદ પડદા પર તેનું દ્રશ્ય જીલાવા લાગ્યું. સફેદ પડદો હવે લાલ રંગીય બની ગયો જેના પર પીળા અક્ષરો વડે ‘આપણાં રક્ષકો’ એવું ન્યૂઝ ચેનલના એ નવા શોનું ટાઇટલ દેખાવા લાગ્યું.

“નમસ્તે અને સુપ્રભાત ગુજરાત, સ્વતંત્ર સમાચાર ન્યૂઝ ચેનલમાંથી હું નિહારિકા દવે આપ સમક્ષ એક નવા શો ‘આપણાં રક્ષકો’ ના પહેલા એપિસોડની શરૂઆત કરવા જઈ રહી છું. આશા છે આ શો આપ સૌને આવનારા દિવસોમાં ખૂબ પસંદ પડશે અને ઉપયોગી પણ બની રહેશે.” ન્યૂઝ ચેનલની એંકરે કોયલ જેવા મીઠા અવાજમાં એક મસ્ત મજ્જાના સ્મિત સાથે બોલવાનું ચાલુ કર્યું. એંકરનું આ વિધાન પુર્ણ થતાની સાથે જ દર્શકોની હરોળમાંથી તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો.

“આ શોમાં અમે દરેક એપિસોડ વખતે એક એવા સમાજસેવકને મેહમાન બનાવીશું જેણે સમાજ માટે અમુલ્ય યોગદાન આપેલું હોય. તો આજના આ પ્રથમ એપિસોડ માટે મેહમાન તરીકે હું એક એવા વ્યક્તિને આમંત્રિત કરવા જઈ રહી છુ જેને રિયલ લાઈફના સુપરમેન તરીકે ઓળખવામાં આવે છે. સ્વાગત છે હાલ અમદાવાદ જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા શ્રીમાન સુભાષ કોહલીનું.” ન્યૂઝ ચેનલની એંકરે જેવુ વિધાન પુર્ણ કર્યું એ સાથે જ ફરીથી દર્શકોની હરોળમાંથી તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. એંકરના નિવેદન પૂર્ણ થતાની સાથે જ દર્શકોની હરોળ પાછળ ઓડીટોરીયમના એન્ટ્રીના દરવાજા પાસેથી શ્રીમાન સુભાષ કોહલીનું આગમન થયું. લાંબી બાંયોવાળો સફેદ શર્ટ તથા ડેનિમની બ્લૂ જીન્સમાં સજ્જ એસપી કોહલી ઉપર સૌ દર્શકોની નજર સ્થગિત થઈ. ગોળાકાર સ્ટેજની ઉપર રહેલ ફોકસ લાઇટમાંથી એક લાઇટ તેમના આગમનને વધાવી રહી તથા કેમેરામેનએ પણ તે દ્રશ્ય જીલી લેવાની તક ના છોડી.

“અમારા આ શો ‘આપણાં રક્ષકો’ ના પ્રથમ એપિસોડમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે.” સ્ટેજ પર આવેલા સુભાષ કોહલીને બેસવા માટે આમંત્રિત કરતાં એંકરે નિવેદન કર્યું અને દર્શકોએ ફરી એકવાર તાળીઓનો ગડગડાટ શરૂ કર્યો. કેમેરામેને પોતાના કેમેરાને શ્રીમાન સુભાષ કોહલી તરફ ફોકસ કર્યો.

“આપનો એ માટે આભાર, તમારા આ શોના પ્રથમ મેહમાન તરીકે આમંત્રિત થતાં હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છુ.” શ્રીમાન સુભાષ કોહલીએ સ્ટેજ પર એંકરની બાજુમાં રહેલી રીવોલ્વીંગ ચેર પર બેઠક લીધા પછી કહ્યું. એમના આ શબ્દોમાં ખુમારી વર્તાતી હતી. ચાલિસી વટાવી ગયેલા હોવા છતાં તેમનામા કોઈ નવયુવાન જેવી પ્રસન્નતા જોવા મળી રહી હતી.

“શ્રીમાન કોહલી સાથે વાર્તાલાપ શરૂ કરતાં પહેલા હું દર્શકોને એ જણાવી દઉં કે શ્રીમાન સુભાષ કોહલી હાલમાં જ મળેલી બઢતીના ભાગરૂપે દિલ્લીથી અહી અમદાવાદ પોલીસમાં સુપ્રિટેંડેટ ઓફ પોલીસ પદે નિયુક્ત કરાયેલા છે. તેઓ દિલ્લીમાં આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા અને ગુનેગારોને પકડવામાં સારી એવી સફળતાઓ મેળવી ચૂક્યા છે.” એંકરે રીવોલ્વીંગ ચેર પર ફરીને પોતાની સામે આવેલા કેમેરા તરફ ધ્યાન આપતા કહ્યું. દર્શકોની હરોળમાં ઉત્સુકતાનો માહોલ હતો. શોની આગળની કાર્યવાહી જોવા માટે સૌ દર્શકો તત્પર હતા.

“શ્રીમાન કોહલીજી અમદાવાદ આવ્યા બાદ આપને કેવું લાગી રહ્યું છે.” શોમાં ઔપચારિકતા સમાન કહી શકાય એવા પ્રશ્ન પૂછવાની સાથે એંકરે શરૂઆત કરી.

“અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. એક મોટા શહેરમાં વસતા લોકોની સંખ્યા પણ વધુ હોય છે અને જ્યા લોકોની સંખ્યા વધુ હોય ત્યાં તેમની સુરક્ષા માટે પોલીસના ભાગે આવતી જવાબદારી પણ વધી જતી હોય છે.” એકદમ નિખાલસતાથી શ્રીમાન કોહલીએ એંકરના પ્રશ્નનો જવાબ આપ્યો.

“અમારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આપ આ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ માસ વિતાવી ચૂક્યા છો. આ ત્રણ માસમાં આપે કેટલાક કેસ સંભાળેલા હશે. અત્યાર સુધી સંભાળેલા કેસિસ પરથી આપ અમને એ જણાવો કે ક્યા શહેરમાં ફરજ બજાવવી વધારે સરળ છે.? અમદાવાદ કે દિલ્લી.?” શ્રીમાન સુભાષ કોહલી સાથેનો વાર્તાલાપ આગળ વધારતા એંકરે પ્રશ્ન પૂછ્યો. ખૂબ ઊંચા દરજ્જાના વ્યક્તિ સાથે નામાંકિત ન્યૂઝ ચેનલના સ્ટેજ પર વાર્તાલાપ થઈ રહ્યો હોવા છતાં ગભરાહટના એક પણ ચિહ્ન તેના ચેહરા પર જોવા મળતા નહતા. ઍંકર નિહારિકા દવેના આ ગુણ એક ઍંકર તરીકે તેનામાં રહેલી પીઢતાના દર્શન કરાવતા હતા.

“જુઓ મિસ દવે...આપ પરણિત છો કે અપરણિત.?” સુભાષ કોહલીએ ઍંકર સામે પ્રશ્ન કર્યો.

“સર હું અપરણિત છુ.”

“મારા આ પ્રશ્ન માટે મને માફ કરશો પણ અમુક બાબતોમાં હું ખૂબ ચોકસાઈનો આગ્રહ રાખું છુ. આપના ઉત્તર પરથી મારે મારૂ વિધાન સુધારવાની કોઈ આવશ્યક્તા જણાતી નથી. તો મિસ દવે આપના પ્રશ્ન પર પાછા ફરતા આપને જણાવવા માંગુ છુ કે જેવી રીતે દિલ્લીએ ભારત દેશની રાજધાની છે એમ જ અમદાવાદ ગુજરાત રાજયનું પાટનગર ભલે નથી પરંતુ એની તોલે આવી શકે એવું એક શહેર છે. માટે એમ તો ન કહી શકાય કે મેટ્રો સિટી દિલ્લી કરતાં અમદાવાદમા ક્રાઇમ રેટ ઓછો હશે. અમદાવાદમા પણ એક જવાબદાર પોલિસ તરીકે ફરજ બજાવવી એટલી જ ચેલેંજિંગ ટાસ્ક છે જેટલી એ દિલ્લીમાં હતી. પરંતુ એક વાત કહી શકાય દિલ્લી કરતાં અહીની પ્રજા પોલિસને વધુ સારી રીતે મદદ કરી જાણે છે જે અમારા માટે ફાયદાકારક બાબત છે.” શ્રીમાન કોહલીએ વિધાન પૂર્ણ કર્યું અને દર્શકોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. ઘણીવાર સુધી ચાલેલી તાળીઓ દર્શાવતી હતી કે દર્શકો એસપી સાહેબના નિવેદનને સારો એવો આવકાર આપી રહ્યા છે.

જેમ જેમ શોની કાર્યવાહી આગળ ચાલતી ગઈ તેમ તેમ દર્શકો વધુને વધુ શ્રીમાન કોહલીને વધાવતા ગયા, મિસ દવેના પ્રશ્નોનો કોહલીસાહેબ સરસ રીતે જવાબ આપતા. ક્યારેક યોગ્ય લાગે તો તેઓ થોડી રમુજ પણ માણી લેતા. દર્શકોના ચેહરા પરથી જણાઈ આવતું હતું કે તેઓ શોના આ પ્રથમ એપિસોડને પસંદ કરી રહ્યા છે. કેટલાક દર્શકોને શ્રીમાન કોહલી સાથે વાર્તાલાપ અને પ્રશ્નોતરી કરવાનો પણ અવસર મળ્યો જેમાં પણ કોહલીસાહેબે સરસ એવો સહકાર આપ્યો.

“તો દર્શકમિત્રો આજનો આ સરસ મજ્જાનો એપિસોડ પૂર્ણતાના આરે છે. આ લાજવાબ એપિસોડને સમાપ્ત કરતાં પહેલા હું શ્રીમાન કોહલીસાહેબને અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છુ” એન્કર દવેના નિવેદનથી ડાયરેક્ટરના કપાળ પર સર પડી કેમકે નક્કી કરાયેલી સ્ક્રિપ્ટ અનુસાર મિસ દવેએ છેલ્લો પ્રશ્ન પૂછી નાખ્યો હતો છતાં કોઈ પણ એક્શન લીધા વગર તે સ્ટેજ પર થતી ગતિવિધિ મનમાં થોડા ઉચાટ સાથે જોઈ રહ્યા. સ્ટેજ પર ઍંકર મિસ દવેએ સુભાષ કોહલી સામે ફરીને પૂછ્યું. “સર આપના જીવનમાં એવો કયો પ્રસંગ છે જેને આપ કદી ભુલાવી નહીં શકો.?”. દર્શકોમાં ફરીથી એક ઉત્સુકતાભરી શાંતિ ફેલાઈ ગઇ. સૌ એસપીસાહેબના ચટપટા જવાબને સાંભળવા તત્પર બની ગયા. મિસ દવે પણ દર્શકોની માફક જ જવાબ સાંભળવા ઉત્સુક હતા. તેમના ચેહરા પર એ જ પહેલા જેવુ હળવું સ્મિત હતું. આ અણધાર્યા સ્ક્રીપ્ટની બહારના પ્રશ્નને લઈને ડાયરેકટરના કપાળે હવે પરસેવો છૂટ્યો કદાચ તેમને એ વાતની ચિંતા હશે કે ક્યાક એસપીસાહેબ ગુસ્સે ના થાય. પરંતુ શ્રીમાન કોહલીનું વ્યક્તિત્વ જોતાં એવી કોઈ શક્યતા જણાતી નહતી. બીજું પણ એક કારણ એ હોઇ શકે કે શોનો ટાઈમ ઓલરેડી મોડો થયો હોવાથી સમયમર્યાદાનું ઉલ્લંઘન ના થાય. જે હોય તે ડાયરેક્ટર કશું કર્યા વગર સ્ટેજ પર ચાલી રહેલો વાર્તાલાપ સાંભળી રહ્યા.

આખા હોલમાં શાંતિ છવાયેલી હતી. દર્શકોએ જોયું આટલા સમયથી રમૂજી વાતાવરણ સર્જીને લોકોને કાયદો શીખવવા જેવી ગંભીર બાબત ખૂબ આસાનીથી સમજાવતા શ્રીમાન કોહલી આ પ્રશ્ન પુછાતાની સાથે જ ખરેખર ગંભીર બન્યા હતા. પ્રશ્ન પૂછાયાના ઘણા સમય સુધી તેઓ શૂન્યમનસ્ક થઈ બેસી રહ્યા. તેમના કપાળે બાઝેલો પરસેવો કેમેરા પર પણ સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

“મિસ દવે આવો કોઈ પ્રશ્ન સ્ક્રીપ્ટમાં નથી આપ શો નો ટાઈમ શા માટે બરબાદ કરી રહ્યા છો.?” આખરે કઇંક અણધાર્યું સ્ટેજ પર બને એ પહેલા જ ડાયરેક્ટર ઊભા થઇ માઈકમાં બોલવા લાગ્યા. કેમેરામેને જોયું શ્રીમાન કોહલી નીચું જોઈ કઇંક વિચારી રહ્યા છે. તેણે પણ ઈશારાથી ઍંકરને શો પૂરો કરી દેવા માટે સૂચન કર્યું.

“નહીં નહીં ડાયરેક્ટર સાહેબ આપ શોને ચાલુ રાખો. મિસ દવે મારા એ પ્રસંગની યાદોમાં ડૂબી જવાના લીધે હું થોડો અસ્વસ્થ બનેલો છુ એ માટે શોમાં આવેલી રુકાવટને લઈને હું દિલગીર છુ.” સુભાષ કોહલીએ રૂમાલ વડે કપાળ પરનો પરસેવો લૂછતા કહ્યું બાદમાં ટેબલ પર રહેલા કાચના ગ્લાસને ઉપાડીને તેમાંથી થોડું પાણી પીધું. ડાયરેક્ટર સહિત શોના સૌ દર્શકો શાંત ચિતે આ બધુ જોઈ રહ્યા.

“દર્શકોને મે પહેલા જણાવ્યુ એમ હું અમૂક બાબતોમાં ચોકસાઈનો ખૂબ જ આગ્રહી છુ. આ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપવા માટે થોડો સમય લીધો એ બદલ માફ કરશો.” ડાયરેક્ટરે જોયું થવા જઇ રહેલી ઘટના કદાચ શોને સારી એવી ટીઆરપી અપાવશે અને ચેનલ પણ આ શોનો ટાઈમ વધારી અડધા કલાકની જગ્યાએ એક કલાક કરી આપશે. અડધા કલાકનો શો એક કલાક તરફ જઈ રહ્યો હોવા છતાં ડાયરેકટરના ઇશારે કેમેરામેને રોલ ઓન ચાલુ રાખ્યું.

“મિસ દવે એ ઘટના હું ખૂબ ટૂંકમાં આપ સમક્ષ કહેવા જઈ રહ્યો છુ. એ વખતે હું દિલ્લીમાં હતો. એ દિવસે જ્યારે કેટલાક દેશના દુશ્મનોએ સૌપ્રથમ દિલ્લીને દિલ્લીથી જોડતી કડી એટલે કે મેટ્રો પર હુમલો કરેલો અને ત્યારબાદ અન્ય સ્થળોએ એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટોએ હજારો વ્યક્તિઓના પ્રાણ લીધેલા. પોલીસની ફરજ બજાવવામાં જે કચાશ રહી ગઈ હતી એનું આ પરિણામ હતું.” સુભાષ કોહલીએ ફરી કપાળ પરનો પરસેવો લૂછ્યો અને ગ્લાસમાંથી થોડુ પાણી પીધું.

“માફ કરશો મિત્રો હું વધારે કઈ કહી શકું એમ નથી કારણકે આ ઘટના પાછળ મારી અમુક અંગત બાબતો પણ જોડાયેલી છે અને આ બાબતને ગુપ્ત રાખવા માટે મે કેટલાક લોકોને વચન આપેલા છે. પરંતુ એટલુ જરૂરથી કહીશ દિલ્લીની નસને નુકસાન પહોચાડનારએ દરિન્દાએ મારા જીવનમાં પણ મોટી ઉથલપાથલ સર્જેલી.” કોઈકને યાદ કરી રહ્યા હોય એમ સુભાષ કોહલીએ આંખો મિચી દીધી. દબાયેલા પાંપણ અને પોપચાંની વચ્ચેથી અશ્રુનું એક ટીપું ખર્યુ.

“એસપી સાહેબ ખૂબ રમૂજી વાતાવરણ સર્જી આપે ગુજરાતની પ્રજા સમક્ષ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરસ વિચારો રજૂ કર્યા. અંતમાં પૂછાયેલા એ પ્રશ્ને આપ માટે જે વ્યથા સર્જી એ માટે હું દિલગીર છુ. એ માટે મને માફ કરશો” ઍંકર નિહારિકાએ અંતરથી દિલગીરી દર્શાવતા કહ્યું.

“મિસ દવે આવો કોઈ પ્રશ્ન સ્ક્રીપ્ટમાં નહતો. તમે મહેરબાની કરીને હવે શો ને એન્ડ આપવાની ઔપચારિકતા પૂરી કરશોજી. કેમેરામેન આ મેડમ દ્વારા પૂછાયેલા છેલ્લા પ્રશ્નથી અત્યાર સુધીનું કાપી નાખજો.” ડાયરેક્ટર દર્શકોની હરોળમાંથી ઊઠીને એકાએક સ્ટેજ પર આવીને ઍંકર નિહારિકાને કડક સ્વરમાં કાનમાં કહ્યું. જવાબમાં ઍંકરએ ડાયરેક્ટર સામે જોઈ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું. ત્યારબાદ માઈકમાં કેમેરામેનને સંબોધતા બાકીનું વિધાન પૂર્ણ કર્યું અને ફરીથી અર્ધગોળાકાર સ્ટેજની પ્રથમ હરોળમાં આવેલી પોતાની બેઠક તરફ પ્રયાણ કર્યું.

“અમદાવાદ પોલિસમાં એસપી તરીકે ફરજ બજાવતા શ્રીમાન સુભાષ કોહલીએ પોતાના કીમતી સમયનું યોગદાન આપ્યું એ બદલ સ્વતંત્ર સમાચાર ન્યૂઝ ચેનલ આપની ખૂબ ખૂબ આભારી છે. સર આપે ગુજરાતની જનતાને કાયદા વિષે સારી સમજ આપી. આપની સેવાને અમો ગુજરાતી પ્રજા બિરદાવીએ છીએ. આપ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરો અને આપની સેવાનો લાભ અમને મળતો રહે એવી કામના સાથે હું નિહારિકા દવે આજનો આ લાજવાબ એપિસોડ પુર્ણ કરી રહી છુ. આવતા એપિસોડમાં ફરી મળીશું. નમસ્તે આપ સૌનો દિવસ શુભ રહે સલામત રહે.!” ઍંકર નિહારિકા દવે એ જેવુ વિધાન પૂર્ણ કર્યું એ સાથે જ નિસાસાસભર એક ઉચ્છવાસ છોડયો.

શો પૂરો થતાં ફરી ઘોંઘાટ શરૂ થયો. દર્શકો પોતાની સીટ છોડીને ન્યૂઝ રૂમમાંથી બહાર જવા લાગ્યા. ન્યૂઝ ચેનલના સ્પોટ બોય્ઝ અને અન્ય સ્ટાફ પોત-પોતાની કામગીરીમાં વ્યસ્ત બન્યો આ સમયે શ્રીમાન સુભાષ કોહલીએ જોયું કે ઍંકર મિસ નિહારિકા દવે માથું નીચે ઢાળીને આંસુ સારી રહયા છે.

“જુઓ મેડમ સ્ટેજ પર શો ના અંતિમ ભાગમાં જે ઘટના બની એમાં આપનો કોઈ કસૂર નહતો, કદાચ મારી જગ્યાએ બીજા કોઈ એસપી હોત તો પોતાના જીવનમાં બનેલી એકાદ રોચક ઘટનાને થોડા વધારે મસાલા સાથે રજૂ કરી હોત જે આપના શોને સારી એવી ટીઆરપી અપાવત.” ઍંકર નિહારિકા પાસે જઈ શ્રીમાન કોહલીએ તેમને સાંત્વના આપતા કહ્યું. આંસુઓથી ખરડાયેલા ચેહરે નિહારિકાએ માથું ઊંચું કરી સુભાષ કોહલી સામે જોયું.

“મિસ દવે મે ચેનલને વાત કરી દિધી છે, આવતા શો થી નવા ઍંકરને જવાબદારી સોંપવામાં આવશે. તમને આ શો ની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે છે.” પોતાના મોબાઈલ ફોન પર વાત પૂરી કરીને ડાયરેક્ટર સ્ટેજ પર આવ્યા હતા. ઍંકરને સંબોધતા તેમણે આવું કહ્યું.

“ડાયરેક્ટર સાહેબ હું એ બાબતે જ એમની જોડે હાલ ચર્ચા કરી રહ્યો હતો, આપે ચેનલ સાથે મળીને જે નિર્ણય લીધેલ છે એમાં હસ્તક્ષેપ કરવાનો મારો કોઈ ઇરાદો નથી છતાં આપને ઉપયોગી બને એવા સૂચનો કરવા એ મારી ફરજ છે.” બાજુમાં ઉભેલા એસપી સાહેબે નિવેદન કર્યું.

“ઓહહ સોરી સર આપ સમક્ષ મારૂ ધ્યાન ના ગયું. આપ હજુ અહી જ છો.? હું આપના પ્રસ્થાનની સવલત ઊભી કરું ત્યાં સુધી મહેરબાની કરી આપ મેહમાનો માટેના કક્ષમાં અમારી મેહમાનગતિની મજા માણો. કોઈ સાહેબને ગેસ્ટ રૂમમાં લઈ જઈ ચા પીવડાવો.” ડાયરેક્ટરે એસપી સાહેબ તરફ વળીને નિવેદન કર્યું ત્યારબાદ સ્ટાફ તરફ વળીને ઊંચા સ્વરે બોલતા બાકીનું વિધાન પૂર્ણ કર્યું.

“મારી તમારા સમક્ષ વિનંતી છે, જે કઈ થયું એમાં ઍંકર મિસ દવેનો કોઈ વાંક નથી. આ શો ને આગળ પણ તેઓ ચલાવે એવી મારી પ્રાર્થના છે.” એસપી સાહેબે ડાયરેકટરને કહ્યું.

“સર એ બાબતે અમે ચોક્કસ ધ્યાન આપીશું, હાલ આપ અમારી મેહમાનગતિની મજા માણો. સાહેબને લઈ જવા કોણ આવશે.?” ડાયરેક્ટરે કહ્યું.

“આપને વાંધો ન હોય તો શ્રીમાન કોહલીને હું ગેસ્ટ રૂમમાં લઈ જઇ શકું.?” આટલા વખતથી શાંત બેઠેલ ઍંકર દવે એ ડાયરેક્ટર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો.

“ચોક્કસ...એમની ભલામણને ધ્યાને રાખતા આપ આપનું સ્થાન બચાવી શક્યા છો એ માટે એમને યોગ્ય બદલો વાળવો મિસ દવે આપની ફરજ બને છે.” ડાયરેક્ટરે કહ્યું. ત્યારબાદ શ્રીમાન કોહલી અને ઍંકર દવે ત્યાંથી ગેસ્ટ રૂમ તરફ ચાલવા લાગ્યા. ઓડીટોરીયમના દરવાજેથી નીકળીને બંને એ લોબીમાં પ્રવેશ કર્યો. આ દરમ્યાન મિસ દવેએ પેલી પીળા રંગની સ્ટીકને પોતાના વાળમાંથી કાઢી નાખીને પોતાના વાળ છુટ્ટા કર્યા. તેના લાંબા અને વાંકડિયા વાળ હવે હવામાં લહેરાતા હતા.

“શ્રીમાન કોહલી સાહેબ આપને વાંધો ન હોય તો સ્ક્રીપ્ટની બહારના થોડા વધુ સવાલ પૂછી શકું.?” ચાલતા ચાલતા મિસ દવેએ એસપી સાહેબને સવાલ કર્યો.

“જરૂર થી...આપના પેલા સાહેબને આ બાબતની જાણ ન થવાની હોય તો સ્ક્રીપ્ટની બહાર થોડા વધુ સવાલ પૂછી જ શકો.!” વાતાવરણને રમૂજી બનાવવાના ઉદેશ્ય સાથે શ્રીમાન કોહલીએ કહ્યું અને બંને જણ ખડખડાટ હસી પડ્યા. ન્યૂઝરૂમની લોબીમાંથી પસાર થતાં બંને ‘ગેસ્ટ રૂમ’ એવી તકતી ધરાવતા રૂમમાં દાખલ થયા.

“સર પોલીસ ડિપાર્ટમેંટમાં જોડાવાનું આપે શા માટે પસંદ કર્યું.?” ગેસ્ટ રૂમમાં એક સોફા પર બેઠક લઈને પોતાના વાળ પસવારતા મિસ દવેએ પ્રશ્ન કર્યો. બાજુના સિંગલ સોફા પર એસપી કોહલીએ બેઠક લીધી.

“લોકોની સેવા કરવાનો મને પહેલાથી શોખ રહ્યો છે મિસ દવે. હું કોલેજકાળમાં પણ NCCમાં જોડાઈ તેમનું નેતૃત્વ કરી ચૂક્યો છુ.” ગેસ્ટ રૂમમાં હિલચાલ ઓછી હતી. મિસ દવેના ઇશારે એક વેઈટરે બંનેને ચાયના બે કપ ટેબલ પર ધર્યા.

“એસપી સાહેબ હું વધારે પ્રશ્નો પૂછું એ પહેલા તમને એક વાત જણાવવા માંગુ છુ, ન્યૂઝ ચેનલમાં એંકરિંગની સાથે સાથે હું પાર્ટ ટાઇમ લેખક પણ છુ.” બે માનો એક કપ ટેબલ પરથી ઊચકીને ચાની ચૂસકી લેતા નિહારિકાએ કહ્યું. “...અને તમારી જેમ હું પણ અમુક બાબતોમાં ચોકસાઇનો આગ્રહ રાખું છુ.”

“તો એ વિષયમાં મિસ દવે હું આપની શું મદદ કરી શકું.?” થોડીવાર બંને વચ્ચે શાંતિ બની રહી. એસપી સાહેબે ચાયનો કપ પૂરો કરી ટેબલ પર મુકતા નિહારિકાને પ્રશ્ન કર્યો.

“સર જે પ્રશ્નએ ન્યૂઝરૂમમાં આપને અત્યંત વ્યથિત કરી દીધો એ ઘટના ચોક્કસ આપના જીવનની સૌથી રોચક ઘટના હોવી જોઈએ. એ ઘટના જો આપ મને વિગતવાર જણાવો તો મને એના પર એક નવલ લખવાની ઈચ્છા છે.” નિહારિકાએ સોફા પરથી ઊભા થતાં કહ્યું.

“એ ઘટના મિસ દવે મારા જીવન સાથે ખુબ અંગત રીતે જોડાયેલી છે. એ ઘટના બન્યા બાદ મારા જીવનમાં હંમેશને માટે શાંતિ છવાઈ ગઈ કારણકે એ વખતના મારા સાથીઓને ત્યારબાદ મેં હંમેશને માટે ગુમાવી દીધેલા. કોઈ પણ પ્રકારની બાધા વિના મિસ દવે એ ઘટના હું આપને ચોક્કસ જણાવીશ પરંતુ શરત એ રહેશે કે આપ એને એક કાલ્પનિક કથા તરીકે લખશો. એ નવલ વાંચ્યા બાદ એની સાથે જોડાયેલી વ્યક્તિઓનું મન ન દુભાય એની તકેદારી રાખશો.” એસપી સાહેબ પણ સોફા પરથી ઊભા થયા બંને જણ ગેસ્ટ રૂમનો દરવાજો ઓળંગીને ફરીથી ન્યૂઝરૂમની લોબી પર આવ્યા.

“આપની શરતને આધીન રહીને હું એ ઘટના એક કાલ્પનિક વાર્તાની જેમ લખીશ, આશા છે આપના ખૂબ વ્યસ્ત કાર્યક્રમમાંથી તમે મારા માટે સમય કાઢી શકશો.” લોબી પર ચાલતા ચાલતા જતાં મિસ દવેએ કહ્યું. મુખ્ય દરવાજેથી નીકળીને બંને જણ પાર્કિંગ સુધી પહોચ્યા.

“જરૂર મિસ દવે એ બધી બાબતો જેમ કે સમયમર્યાદા અને મારા ભાગે આવતી ફરજોને ધ્યાને રાખીને જ મે આ નિર્ણય લીધો છે. તમારી એ નવલ લખવા માટે હું તમને યોગ્ય મુદ્દાઓ પૂરા પાડીશ.” મિસ દવેએ પાર્કિંગમાં રહેલી એક કારનો દરવાજો ખોલ્યો તેમાં એસપી સાહેબે બેઠક લીધી.

“સર તો હવે તમારી કહાની સાંભળવા માટે યોગ્ય સ્થળ અને સમય જણાવો, જેથી કરીને એના અનુસાર હું ગોઠવણી કરી એ માટે સમય ફાળવી શકું.” કારનો દરવાજો બંધ કરીને નિહારિકાએ વિન્ડો પર કોણી ટેકવતા કહ્યું.

“જો તમને વાંધો ન હોય તો સાંજના સમયે તમે મારા બંગલો પર આવી શકો. ત્યાં બગીચામાં એ બધી વાતો કરવી યોગ્ય રહેશે.” એસપી સાહેબે કહ્યું. નિહારિકાએ સંમતિ દર્શાવી થોડીવારમાં ગાડીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. ચેહરા પર આછા સ્મિત સાથે મિસ નિહારિકા દવેએ ફરી મુખ્ય દરવાજા તરફ ડગ માંડ્યા.