Gandhivichar Manjusha - 5 books and stories free download online pdf in Gujarati

ગાંધીવિચારમંજૂશા - 5

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૫. આત્મકથામાં પ્રાયશ્ચિતનાં બે પ્રકરણો

ગાંધીજીની “સત્યના પ્રયોગો અથવા આત્મકથા” એક એવી કૃતિ છે જેનાથી તેમની સત્યોપાસના અને દૃઢ અહિંસકતા પ્રગટે છે. માનવ સહજ નબળાઇઓ ધરાવતો એક અદનો આદમી મોહનદાસ મહાત્મા કેવી રીતે બન્યો તેનો ચિતાર તેમાંથી મળે છે. તે પ્રત્યેક માનવને મહામાનવ બનવાની પ્રેરણા અને માર્ગ દેખાડે છે.

“સત્યના પ્રયોગો અથવા આત્મકથા”માં ગાંધીજીએ બે પ્રકરણોનાં શીર્ષક આવાં આપ્યાં છેઃ “ચોરી અને પ્રાયશ્ચિત”(ભાગ ૧લો, પ્રકરણ ૮મું), અને “એક પૂણ્‌ય સ્મરણ અને પ્રાયશ્ચિત” (ભાગ ૪થો, પ્રકરણ ૧૦મું). અહીં આ બંને પ્રકરણોના સંદર્ભમાં વાત કરવાનો ઉપક્રમ છે.

પહેલાં “ચોરી અને પ્રાયશ્ચિત”ની વાત કરીએ. તેમાં બે ચોરીની વાત છે. આ પ્રકરણમાં બાળસહજ વૃત્તિનું નિરૂપણ થયું છે. દેખાદેખીને કારણે બાળમાનસમાં પ્રવેશી જતી બદીઓ ઉપર આ પ્રકરણ પ્રકાશ પાડે છે. પહેલી ચોરી નાનપણમાં ગાંધીજીને બીડી પીવાનો શોખ લાગેલો ત્યારે કરેલી. આ શોખમાં સામેલ તેમના સાથીદારનું નામ તેમણે નથી આપ્યું, ‘એક સગા’ તરીકે ઉલ્લેખ કર્યો છે. આખી આત્મકથામાં તેમણે તે વાતની ખરી કાળજી લીધી છે. જ્યાં ગૌરવ આપવાનું હોય ત્યાં નામોલ્લેખ અવશ્ય કર્યો છે, પણ જ્યાં ઘસાતી વાત આવે છે ત્યાં ક્યાંય તેમણે બીજાની ઓળખ નથી આપી; પોતાનાં ચિત્રણને જ રજૂ કર્યું છે. તેમનો ઇરાદો તો સત્યના પ્રયોગો વર્ણવવાનો છે. આત્મકથા લેખનની આ ખૂબી અસર કરે તેવી છે. તેમના બીડી પીવાના શોખ પાછળ તેમના એક કાકાની બીડી પીવાની ટેવ તેમના શોખનું કારણ બને છે. બીડી પીવાની ભારે ઇચ્છાને લઇ તેમણે બીડીનાં ઠૂંઠાં ચોર્યાં, ચાકરનાં દોકડાં ચોર્યાં. તેમ છતાં મન ન ભરાયું તે એક જાતનાં છોડનાં ડાંખળા સળગાવી પીધાં ને છેવટે બીડી પીવાની ઇચ્છા અસહ્ય થતાં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. એક ખરાબ ટેવ વ્યક્તિનું કેટલું અધઃપતન કરી શકે તેનું મર્મસ્પર્‌શી વર્ણન અહીં છે. ગાંધીજીની લક્ષણિકતા છે કે તેમની પ્રત્યેક ભૂલમાંથી તેઓ શીખે છે. તેમણે નોંધ્યું છે કે “હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલ નથી. આથી જ્યારે કોઇ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી તેમ કહું તો ચાલે. પ.આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા.”

આ જ પ્રકરણમાં ચોરીનો બીજો એક પ્રસંગ હ્ય્દયસ્પર્શી રીતે રજૂ થયો છે. પહેલી ચોરી કરતાં ગાંધીજીને મન પણ આ ચોરી વધુ ગંભીર હતી. ભાઇનાં કરજને લીધે તેનાં સોનાનાં કડાનો કકડો કપાવી વેચી દીધો. કરજ તો ફીટયું પણ જે થયું તે તેમને ખૂબ વસમું લાગ્યું. હવે પછી ચોરી ન કરવાનો તેમણે નિશ્ચય કર્યો. પિતાજી પાસે બોલીને માફી માગવાની હિંમત ન ચાલે. પરિણામ ગમે તે આવે પણ માફી તો માગવી જ જોઇએ તેમ સમજી પિતાજીને ચીઠઠી લખી. પિતાજી તાડન તો નહીં જ કરે તે તેમને ખબર હતી પરંતુ તે પોતે પોતાની ઉપર દુઃખ વેઠી લેશે તેવી તેમને દહેશત હતી. આથી, ચીઠઠીમાં તેમ ન કરવા આજીજી લખી ને ભવિષ્યમાં આવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા પણ લખી. ગાંધીજી આ પ્રસંગનું આલેખન કરતાં લખે છે, “તેમણે ચીઠઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં. ચીઠઠી ભીંજાઇ. તેમણે ક્ષણવાર આંખ બંધ કરી ચીઠઠી ફાડી નાંખી, ને પોતે વાંચવા સારૂ બેઠા થયા હતા તે પાછા સૂતા.” બહુ ઓછા શબ્દોમાં વર્ણવાયેલા આ પ્રસંગનો ગાંધીજીનાં જીવન ઉપર બહુ મોટો પ્રભાવ તે દિવસથી પડયો. “એ મોતીબિંદુનાં પ્રેમબાણે મને વિંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે.” એવા તેમના શબ્દો કેટલું બધું કહી જાય છે. તરૂણ મોહનનાં મન પર પિતાજીનાં સ્વાભાવિક વર્તન કરતાં વિપરિત વર્તનની, આ પ્રેમની એવી તો ઊંડી છાપ પડી! તેઓ લખે છે કે “મારે સારૂ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. તે વેળા તો મેં તેમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું તેને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું.” એટલે કે તેમના ચિત્તમાં આ પ્રસંગ વારંવાર આકારિત થયા કર્યો અને તેમની સમજ વિકસિત થઈ ત્યારે તેમને તેમાંની અહિંસા ચોંટી ગઈ. ગાંધીજી આવી જ અહિંસાને વ્યાપક સ્વરૂપ આપવા સત્યના પ્રયોગો કરતા રહ્યા. રામબાણ વાગ્યા રે હોય તે જાણે.

બીજું પ્રાયશ્ચિત વિશેનું વર્ણન ૪થા ભાગનાં ૧૦માં પ્રકરણ તરીકે છે. તેમાં ગાંધીજી અને કસ્તુરબાનો સામાન્ય ગૃહસ્થી તરીકે પરિચય મળે છે. સમગ્ર આત્મકથામાં ગાંધીજી પોતાને સાધારણ મનુષ્ય તરીકે જ નિરૂપે છે અને તેમનો તે જ ઇરાદો હતો. તેમનું મહાત્મા બનવું કોઇ ચમત્કાર ન હતો, પરંતુ કઠોર તપશ્ચર્યાની નિપજ હતી તે વાત સતત ઉજાગર થતી રહે છે. આ પ્રસંગમાં પણ ગાંધીજી પોતાને સાધારણ પતિ સ્વરૂપે વર્ણવે છે. આપણા સમાજમાં આવા ઉદાહરણો આજે પણ સરળતાથી હાથવગાં છે. ફેર એટલો છે કે ગાંધીજી તેમના જીવનમાં તેમણે કરેલી ભૂલમાંથી બોધપાઠ લે છે અને અમલમાં મૂકે છે. આટલો અમથો તફાવત તેમને મોહનમાંથી મહાત્મા બનાવે છે. અહીં વર્ણવાયેલો બનાવ ૧૮૯૮ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં બન્યો હતો. આ પ્રકરણમાં પરોક્ષ રીતે ગાંધી-દંપતીના જીવનની કેટલીક લાક્ષણિકતાઓ પ્રગટે છે તેનાં પર એક દૃષ્ટિ નાખવા જેવી છે.

ગાંધીજીને વ્યક્તિઓમાં અભેદ અનુભવાતો હતો.

તેઓ સૌ સાથીદારોને કુટુંબીજનો ગણતા અને તેમ કરવામાં પત્ની તરફથી કોઇ વિઘ્‌ન આવે તો તેની સાથે લડતા.

ગાંધીજીના દાંપત્ય જીવનમાં નાનામોટા કંકાસ થયા કરતા, પણ તેનો અંત સુખદ આવતો.

તેઓ એક પ્રેમાળ પતિ હતા.

તેઓ એક ઘાતકી પતિ હતા.

કસ્તુરબા અદ્‌ભુત સહનશીલતા ધરાવતા હતા.

કસ્તુરબા પરંપરાગત અર્થમાં પતિપરાયણ પત્ની હતાં.

કસ્તુરબા લોકલાજ પ્રત્યે ઘણાં સભાન હતાં.

ગાંધીજીના સ્ત્રી વિશેનાં વિચારો સાધારણ પુરૂષ જેવા હતા.

સને ૧૯૦૦થી ગાંધીજીના વિચારોમાં ગંભીર પરિવર્તન થયું અને ૧૯૦૬ની સાલમાં પરિણામ પામ્યું.

આ પ્રકરણમાં તેમણે તેમનામાં રહેલી માનવસહજ નબળાઇને છતી કરી છે. વળી, અન્ય પ્રસંગોની જેમ અહીં પણ બોધપાઠ તારવે છે.

જ્યારે ગાંધીજી ડરબનમાં વકીલાત કરતા. તેમના મહેતાઓ તેમની સાથે જ કુટુંબીજનની જેમ રહેતા. ઘર પશ્ચિમ ઘાટનું હતું તેથી દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારૂ ખાસ વાસણ રહેતું. એક પંચમ કુળમાં જન્મેલા ખ્રિસ્તી મહેતા નવા હતા. તેમનું વાસણ ઉપાડવાની નોબત આવી ને પતિ પત્ની વચ્ચે ક્લેશ થયો. રડતારડતા ક્સ્તુરબાએ વાસણ ઉપાડયું. ગાંધીજી લખે છે, “આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઇ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊંચે સાદે કહ્યા. ‘આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે’ હું બબડી ઊઠયો.”

ગાંધીજીએ કસ્તુરબાની એક સ્વમાની સ્ત્રી તરીકેની છાપ અહીં ઉત્તમ રીતે ઉપસાવી છે. ગાંધીજીના આ શબ્દો સાંભળતા જ તેમણે આપેલી પ્રતિક્રિયામાં તે દર્શાવાયું છે, “ત્યારે તમારૂં ઘર તમારી પાસે રાખો, હું આ ચાલી.” ગાંધીજીએ તેમનું બાવડું પકડી તેમને ખેંચ્યા. દરવાજો અરધો ઉઘાડયો. આ પળે કસ્તુરબાએ બાજી સંભાળી લીધી. તે ગાંધીજીના શબ્દોમાં આમ છે, “આંખમાંથી ગંગાજમના વહી રહ્યાં હતાં, અને કસ્તુરબાઇ બોલીઃ ‘તમને તો લાજ નથી મને છે. જરા તો શરમાઓપપહું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઇ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.’

આ પછી તેમના સંબંધોમાં આવેલા પરિવર્તનની ઝાંખી આ શબ્દોમાં મળે છે, “ આજે અમે કસાયેલાં મિત્રો છીએ, એકબીજા પ્રત્યે નિર્વિકાર થઈ રહીએ છીએ.” જોકે ગાંધીજી એ વાતની નોંધ કરવાનું પણ ભૂલતા નથી કે “ આ પૂણ્‌યસ્મરણમાંથી કોઇ એવું તો નહી માની લે કે અમે આદર્શ દંપતી છીએ.” કહેવાય છે કે ‘પ્રત્યેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રી હોય છે.’ ગાંધીજી સફળ પુરૂષ બન્યા તેમાં કસ્તુરબાનું યોગદાન નાનુંસૂનું નથી. ગાંધીજીના જ શબ્દો જુઓ, “ પમારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે, અને સ્વચ્છ જીવન ગાળવાના મારા પ્રયત્નમાં મને કદી રોક્યો નથી. આથી જોકે અમારી બુઘ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારૂં જીવન સંતોષી, સુખી અને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે.”

આ બંને પ્રકરણોમાં ગાંધીજીએ વ્યક્ત કરેલી નિખાલસતા હ્ય્દયને સ્પર્શી જાય છે. તેમના અવગુણોને, એબને જાહેરમાં સ્વીકારવાની તેમની જીગર અને પતિ તરીકેના તેમના ઘમંડને ઓગળતો દેખાડવાની તેમની ખૂમારી કાબિલેદાદ છે. “ધણીપણું” અને “અંગ્રેજોના ગાઢ પરિચયો” પ્રકરણોમાં પણ તેમણે પોતાના સાધારણ પતિવર્તનોને છતાં તો કર્યા જ છે, પરંતુ આ પ્રકરણમાં તેની લાઘવયુક્ત શૈલીમાં થયેલી રજૂઆત સહેજે સલામ કરવા વાચકને મજબૂર કરે તેવી છે.