Gandhivichar Manjusha - 6 books and stories free download online pdf in Gujarati

ગાંધીવિચારમંજૂશા - 6

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૬. ઝુલુ બળવાના ફલિતાર્થો

સત્યાગ્રહની હકીકતોથી વાકેફ કરવાનું કાર્ય ‘સત્યના પ્રયોગો’ દ્વારા સુપેરે થયું છે, પરંતુ તેની ખરી ખબર તો ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તક જ આપે છે. સત્યાગ્રહનો પ્રારંભ અને તેને મળેલી સાચુકલી ઓળખ તો આ પુસ્તકથી જ મળે. સત્યાગ્રહનો ખયાલ ગાંધીજીના મનમાં શરૂથી જ કેટલો સ્પષ્ટ હતો અને અહિંસાનું વ્યવહારમાં ઉપયોજન કરવા બાબતે તેમની પ્રતિબદ્ધતા કેટલી અને કેવી હતી તેનો પરિચય આ ઇતિહાસથી મળે છે. સત્યાગ્રહનું સ્વરૂપ કેવી રીતે ઘડાયું તેની સમજ માટે આ પુસ્તકનું વાચન અનિવાર્ય સંદર્ભ છે. ગાંધીજીએ જેને એક નાની ઘટના તરીકે અત્યંત ટૂંકમાં વર્ણવી છે તેના વિશે વાત કરવાનો અહીં ઉપક્રમ છે.

ઝુલુ બળવો

ઇ.સ. ૧૯૦૩માં ગાંધીજી ટ્રાન્સવાલમાં પ્રવેશ્યા તે સમયની વાત લખતી વખતે તેમણે એક બળવાની વાત જણાવી છે. તેમના મત મુજબ આ બળવો હતો કે કેમ તે કહી ન શકાય પણ લોકો તો તેને તેમ જ ઓળખે છે. ઝુલુ પ્રજા દ્વારા સરકાર સામે શરૂ કરાયેલો આ બળવો હતો અને તેમાં સરકાર સામાન્ય રીતે જે રીતે વર્તે તેમ વર્તતી હતી. તેમાં ઝુલુઓ ઘાયલ થતા અને પીડાતા હતા. આ જોઇ ગાંધીજીએ સરકારને ઝુલુઓની સુશ્રુષા માટે કામ કરવાની પરવાનગી માગતો પત્ર લખ્યો. સરકારે તે સ્વીકારી તેમને તેમના સ્વયંસેવકો સમેત લશ્કર સાથે જોડાવાની છૂટ આપી. નાતાલના ઝુલુઓ બંડ કરતા હતા અને ગાંધીજી પણ નાતાલના જ રહીશ ગણાતા. આ બંડને શમાવવા નાતાલના ગોરા સ્વયંસેવકો મથતા હતા. ગાંધીજીને લાગ્યું કે તેમણે પણ તેમાં જોડાવું જોઇએ અને વીસ-પચ્ચીસ માણસોની નાની ટુકડી બનાવી તેમાં જોડાયા. આ કામગીરી એક મહિનો ચાલી. તે દરમિયાન તેમને જે કામ કરવાનું આવ્યું તે તેમણે ઇશ્વરની કૃપા ગણી કર્યું. તેમણે અનુભવ્યું કે જે હબસીઓ ઘાયલ થાય તેમને ઉપાડે તો જ ઉપડે અન્યથા એમને એમ રીબાતા પડયા રહે. વળી, ગોરાઓ તો જખમીઓની સેવા કરવાથી રહ્યા. ગાંધીજી નોંધે છે કે જે દાક્તરના હાથ નીચે તેમણે કાર્ય કરવાનું આવ્યું હતું તે પોતે અત્યંત દયાળુ હતા. કોઇ ગોરો સારવારમાં તેમની મદદ કરતો ન હતો અને એ દાક્તર કોઇને આદેશ કરી શકે તેમ ન હતા. તેથી તેમણે ગાંધીજી અને તેમના સાથીદારોને આ દયાનું કામ કરવા વિનંતી કરી. ગાંધી-ટુકડી તો તેમને જે કામ સોંપે તે ઇશ્વરની કૃપા ગણી કરતી હતી, આ પણ કર્યું. હબસીઓના જખમ દુર્ગંધ મારતા હતા કારણ કે કેટલાકના જખમ પાંચપાંચ છછ દિવસ થયા દુરસ્ત કરવામાં આવ્યા જ ન હતા. આ કાર્ય ગાંધી-ટુકડીએ કર્યું અને ઝુલુઓના પ્રેમનું સંપાદન કર્યું.

એક મહિનો ચાલેલા આ કાર્યથી સરકારને પણ સંતોષ થયો અને તે મતલબનો ગવર્નરે કાગળ પણ લખ્યો. તેમાં ટુકડીના ત્રણ ગુજરાતી સભ્યોને તો સાર્જન્ટનો ખિતાબ પણ મળ્યો.

ઝુલુ બળવો અને સત્યાગ્રહ

ઝુલુ બળવો તો શમી ગયો, પણ તેનાથી ગાંધીજીના સત્યાગ્રહના વિચારને પુષ્ટ થવામાં મદદ મળી. સમગ્ર ઘટના બહુ નાની હોય તેમ ગાંધીજીએ વર્ણવી દીધી છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની આધારશિલા રચાઇ તેમાં આ ઘટનાનું ભારે મહત્ત્વ જણાય છે. મોહનદાસમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયામાં આ બળવાની ઘટનાનું ખાસ મહત્ત્વ છે. સત્યાગ્રહના સ્વરૂપને સ્પષ્ટ થવામાં સારૂં એવું બળ તેમાંથી મળ્યું. ગાંધીજીના અહિંસાના વિચારને તેનાથી પુષ્ટિ મળી. ગાંધીજી નોંધે છે તે પ્રમાણે તેમને આમાંથી બે બાબતો સ્પષ્ટ થઇઃ

૧. સત્યાગ્રહી સેવાકાર્ય કરવામાં પહેલ કરે છે અને તે સારૂં બ્રહ્‌મચર્યનું પાલન અગત્યનું છે.

૨. સેવાધર્મ બજાવનારે સ્વૈચ્છિક ગરીબીનો સ્વીકાર કરવો જોઇએ. એવા કોઇ કાર્યમાં ન જોડાવું જે સેવાધર્મ બજાવવામાં આડે આવે.

એક રીતે જોતાં ‘ઝુલુ બળવો’કાંઇ ગાંધીજીના સત્યાગ્રહનો ભાગ ન હતો. તે તો તેમના સેવાધર્મ બજાવવાના નૈતિક મનોવલણની ફલશ્રુતિ હતો. ઝુલુ બળવાનાં કારણે તેમનામાં સત્યાગ્રહીઓની આચાર વિષયક સંહિતા સ્પષ્ટ થઇ હતી. સત્યાગ્રહ આદરનાર સેવાધર્મી છે તે તેનાથી સ્પષ્ટ થયું હતું અને સત્યાગ્રહીએ કઇ આચાર સંહિતાનું પાલન કરવાનું થાય તે પ્રકાશમાં આવ્યું હતું. સત્યાગ્રહીએ કાંઇ કશાકનો વિરોધ નથી કરવાનો બલ્કે તેણે તો રચનાત્મક અભિગમ ધારણ કરીને પોતાના હિસ્સામાં આવેલા કાર્યને નિષ્ઠાપૂર્વક કરી બતાવવાનું હોય છે તે સમજાયું હતું.

ઝુલુ બળવાના ફલિતાર્થો

ગાંધીજીએ ઝુલુ બળવાની ઘટનાનું વર્ણન સમાવી ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’માં કમાલ કરી છે. ગાંધીની રજૂઆત કાલ્પનિક નવકથાનાં નિરૂપણની નથી. તેઓ પોતાને સાહિત્યકાર તરીકે રજૂ નથી કરતાં પરંતુ આ ઘટનાનાં વર્ણન અને તેનાં સમગ્ર પુસ્તકમાં સમાવેશથી તેમની રજૂઆતની ખૂબી દેખાઇ આવે છે. ઇતિહાસનું નિરૂપણ કરવામાં શી કાળજી લેવાવી જોઇએ તે જોઇ શકાય છે.

ઝુલુઓને આપેલી સેવાઓ ગાંધીની પોતાની કોમ માટેની સેવાઓ ન હતી. પરંતુ તેઓ માનવ-કોમના સદસ્ય છે અને સમગ્ર માનવજાત માટે તેમને અનુકંપા છે તે આ ઘટનામાં દેખાઇ આવે છે. તેમની સેવાધર્મ બજાવવાની ઉત્કંઠા તેમાં પ્રગટ થાય છે. સત્યાગ્રહી અમુક કોમના હોય છે અને તે અમુક કોમ માટે કાર્ય કરે છે તે વાત નો છેદ ઊડી જાય છે.

ગાંધીનો સંઘર્ષ ગોરી સરકાર સામે હતો અને આ બળવો પણ ગોરી સરકાર સામે હતો. ગાંધીએ ધાર્યું હોત તો આ બળવાનો લાભ લઇ સરકાર પર દબાણ વધારી શક્યા હોત. તેમણે તેમ ન કર્યું. તેમણે સરકારે કરવાનું કાર્ય હાથ ધરી સરકારને ઉપયોગી થવાનું નક્કી કર્યું. આ માટે તેમણે પોતાના લોકોને પ્રથમ વિશ્વાસમાં લીધા, તેમની પરવાનગી લીધી અને અનુકંપાથી ઝુલુઓની સેવામાં જોતરાયા. વિરોધીઓની લાગણીને ઝંઝોડી. સત્યાગ્રહ વિરોધ ખાતર વિરોધ નથી પરંતુ પ્રેમનું સંપાદન છે. વિરોધીને પણ પોતાના પક્ષે કરવાનું સાધન છે એ આ ઘટના દ્વારા વર્ણવાયું છે.

આમ, ઝુલુ બળવો થયો તેનાથી ગાંધીના મહાત્મા બનવાના અનાયાસ કાર્યનું એક સોપાન સંપન્ન થતું જોઇ શકાય છે. સત્યાગ્રહી ગાંધી સરકારના વિરોધમાં નહીં, સરકારની સાથે; અને પોતાની કોમ માટે નહીં, માનવજાત માટે કાર્ય કરે છે તે પ્રગટ કરતી આ નાનકડી ઘટનાનું ગાંધીદર્શનના સંદર્ભમાં બહુ મોટું મૂલ્ય છે. અહિંસાનું આચરણ વ્યક્તિના કાર્યને સર્વવ્યાપક બનાવે છે, એક વૈશ્વિક વ્યક્તિત્વનું નિર્માણ કરે છે તે તેમાંથી ફલિત થાય છે. વળી, સારા, ઉમદા, યોગ્ય, નૈતિક કાર્યની નોંધ વિરોધીએ પણ હકારાત્મક રીતે કરવી પડે છે તે પણ જોવા મળે છે. આગળ જતા સત્યાગ્રહી અને આશ્રમની આચાર સંહિતામાં પણ આ ઘટનાથી ગાંધીને મળેલી કેળવણીનું પ્રતિબિંબ જોઇ શકાય છે.

Share

NEW REALESED