JINDAGI NA DHABKAR books and stories free download online pdf in Gujarati

JINDAGI NA DHABKAR

‘‘મોતિયો તો જિદંગીમાં સહુ કોઈને આવે છે. પણ દેખવાનું કેટલાના નસીબમાં છે. ?’’

સુનંદાબેન હવે સીત્તેર વર્ષના થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી. હાથપગમાં જાણે જોરજ રહ્યું ના હતુ. મોંમાંથી લગભગ બધાજ દાંત પડી ગયા હતા. ખોરાક ચાવવાની અને ખાવાની તકલીફ વધી ગઈ હતી. આંખોનું તેજ જાણે ધીમે ધીમે ઘટી જવાથી દેખાવાનું ધુંધળું થઈને લગભગ બંધ થઈ ગયું હતુ સમયનું પંખી તો ઉડીને જાણે સડસડાટ પસાર થઈ રહ્યું હતું.

હજુ પંદર વર્ષ પહેલાજ તેમનો એકનો એક દીકરો અમિત ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગી ગયો હતો. તેમના વર મનોજભાઈની પણ પ્રાઈવેટ કંપનીમાં ટૂંકા પગારની નોકરી હતી. ખર્ચના બે છેડા માંડ માંડ ભેગા થતા હતા. છતાં પેટે પાટાબાંધીને ખૂબ કરકસર કરીને તેમણે અમિતને ભણાવ્યો હતો. અમિતનો દેખાવ સુંદર હતો પાછો ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગી ગયો એટલે એક પછી એક સારા ઘરના માંગા આવવા લાગ્યા હતા. છેવટે પૈસે ટકે સુખી એવા જમનાદાસની એકની એક દીકરી પ્રિતી સાથે અમિતના લગ્ન ગોઠવાઈ ગયા. વેવાઈ પૈસાદાર એટલે તેની બરોબરી કરવા મનોજભાઈને ખેચાવું પડતુ હતુ. સુનંદાબેન ટકોરતાં તો કહેતા કે ‘‘હશે, હવે આપણે તો એક જ છોકરો છે ને!’’

છેલ્લે લગ્નના બીલો ચુકવવાના આવ્યા ત્યારે ખબર પડી કે ખર્ચ ધારવા કરતાં ઘણો વધી ગયો હતો. આ મોંઘવારીમાં તેમના દરેક બજેટ ખોટા પડી ગયા હતા. છેવટે સીત્તેર હજારનું દેવું કરીને મનોજભાઈએ બીલો તો ચુકવી દીધાં, પણ દેવાનો બોજ તેમનું હૃદય સહન ના કરી શક્યું, અને માત્ર અઠ્ઠાવન વર્ષની ઉંમરે પહેલાજ એટેકમાં મનોજભાઈ, ફકત અડધાજ કલાકમાં ઘરના સહુંને રડતા રાખી, દુનિયાને સદાય મોટે રામરામ કરી ગયા.

સુનંદાબેન એકલા પડી જવાથી તૂટી ગયા. એકનો એક દીકરો અમિત અને પ્રિતીજ તેનો સધિયારો હતા. દિવસોને જતાં કયાં વાર લાગે છે? ત્રણ વર્ષ પછી અમિત અને પ્રિતીને ઘેર દીકરા - જયનું આગમન થતાં ઘર ખુશીઓથી ભરાઈ ગયું. અમિતની પત્ની પ્રિતી દેખાવડી અને પૈસાદાર મા બાપની દીકરી હતી કરિયાવરમાં પણ તે દાગીનાં, ફ્રીઝ, ફર્નીચર વિગેરે લાવી હતી. એટલે ઘરમાં તેનો રૂઆબ જામી ગયો હતો. અમિતને પ્રાઈવેટ નોકરીમાં પગાર તો ઠીક હતો પણ આ મોંઘવારીમાં આઠ દસ હજાર રૂપિયા તો કયાંય ચટણીની જેમ ઉડી જાય છે. અમિત અને પ્રિતી ખુબજ કરકસર પૂર્વક ખર્ચ કરતાં જય પણ બાર વર્ષનો થઈ ગયો હોવાથી તેના ભણતર માટે રૂપિયાની જોગવાઈ જરૂરી હતી.

સુનંદાબેનનો મોટાભાગનો સમય જય સાથે પસાર થઈ જતો. પૌત્ર જયને પણ સુનંદા દાદી સાથે જ રમવાની વધારે મજા આવતી. હમણાં હમણાં ઝાખું દેખાવાથી અને ડાબી આંખે બિલ્કુલ ના દેખાતું હોવાથી સુનંદાબેને દીકરા અમિતને ફરિયાદ કરી.

‘‘બેટા અમિત મને હમણાં ઝાખું દેખાય છે, કોઈ ડોકટરને બતાવીએ તો ?’’

‘‘પ્રાઈવેટમા ંતો ડોકટરની ફી વધારે હશે, તેને બદલે બાજુના ધર્માદાના દવાખાને બતાવી દઈએ’’ અમિતને બદલે પ્રિતીએ જવાબ આપ્યો.

‘‘પણ ધર્માદામાં કેવું જોશે?’’ અમિતનો અંતરાત્માં પાંડતો હતો.

‘‘આમાં નિદાન કરાવવામાં શું નુકશાન છે ?’’ પ્રિતીના મગજમાં પાંચસો રૂપિયા બચાવવાની ગણત્રી હતી.

અંતે ધર્માદાને દવાખાનામાં ફકત દશ રૂા.માં કેસ કાઢી આંખોની તપાસ કરવામાં આવી ઉમરનો તકાજો અને દૃષ્ટિની નબળાઈથી નિદાન તો સ્પષ્ટ હતું. બન્ને આંખોમાં મોતિયો આવી રહ્યો હતો, અને ડાબી આંખમાં તો મોતિયો પાકી ગયો હતો, તેથી તાત્કાલિક ઓપરેશન જરૂરી હતુ. સુનંદાબેનની ઓપરેશનની ઈચ્છા પ્રાઈવેટની હતી,પણ ખર્ચના પંદર વીસ હજાર લાવવા કયાથી ??

અંતે અમિતે માને ધર્માદાના દવાખાને ફકત ત્રણ હજારમાં ઓપરેશન માટે મનાવી લીધા.

પ્રિતીબેનને આ વાતની ખબર પડતાં બગડયાં. ‘‘આ ઉંમરે ના દેખાય તો શું વાંધો છે ? ભગવાનની ભકિત તો ઘેર બેઠાય કરાયને ! છ મહિને સગવડ થયે ઓપરેશન કરાવીશું.’’ માજીના ઓપરેશનના ત્રણ હજારની પણ પ્રિતીબેન બજેટમાં જોગવાઈના કરી શકયા અમિત પણ તેની પત્ની આગળ કાંઈજ બોલી ના શક્યો.

સુનંદાબેનનો જીવ કકળી ગયો. તેમને દેખાવાનું સાવ ઓછું થઈ ગયું હતું. ચાલતાં ચાલતાં બે વખત તો પડી ગયા. પ્રિતીબેન વધારે ઉકળી ઉઠયા. ‘‘માજી ખોટો ઢોંગ કરે છે.?’’

ઉતરાણના આગલા દિવસે જયની સ્કુલમાં પતંગ હરિફાઈ હતી. જયને પતંગ ચગાવવામાં કોઈ હરાવી શકે તેમના હતુ. પ્રથમ નંબરનો મેડલ તો જયને જ મળશે તે વાત સ્કુલમાં બંધા જાણતાં હતા. અમિત અને પ્રિતી પણ ઉત્સાહમાં આવી ગયા હતા. પ્રિતીને પિયરથી બધા જોશમાં હતા. શેઠ જમનાદાસે પોતાના ભાણીયા જયને પતંગ હરિફાઈમાં સૂર્યપ્રકાશથી બચવા ઈર્મ્પોટેડ ગોગ્લસ માટે ત્રણ હજાર રૂપિયા મોકલાવી દીધા હતા.

ઉત્તરાણને હવે એકજ દિવસની વાર હતી. તેથી પ્રિતીબેને આગલા દિવસે સવારે જ જય માટે ઈર્મ્પોટેડ ગોગલ્સ મંગાવવાનું નક્કી કર્યું. અમિતને સવારે ઓફિસે જવાનું હતું, અને સુનંદાબેનને ચાર કલાક માટે તેની બહેનપણી સાથે દેવદર્શન જવાનુ હતું. તેથી ત્રણ હજાર રૂપિયા પ્રિતીબેને જયને અને તેના મિત્ર અશોકને આપી સારામાં સારા ગોગલ્સ ખરીદવા મોકલ્યો. ચાર કલાક પછી જય અને અશોક બિલકુલ નિરાશ વદને ઉતરેલા ચહેરે આવ્યા અને ‘‘રસ્તામાં તેમનું પાકીટ કપાઈ જતાં ત્રણ હજાર રૂપિયા જતા રહ્યાની વાત કરી’’

પ્રિતી બેન ગરમ થઈ ગયા ‘‘આવોને આવો બેદરકાર રહ્યો હવે કાલે પતંગ હરિફાઈમાં શું કરીશ ? બીજા રૂપિયા તો અત્યારે ક્યાંથી લાવવા ??’’

“કઈ નહી ગોગ્લ્સ વગરજ હરીફાઈમાં ભાગ લઈશ.” કહીને જયે મમ્મીને આશ્વાસન આપ્યું.

બીજે દિવસે હરિફાઈ જોવા અમિત અને પ્રિતી સાથે આવવા સુનંદાબેને પણ હઠ પકડી. પ્રિતીબેને ટોણો માર્યો ‘‘માજી બન્ને આંખે દેખાતું નથી, તો આકાશમાં જોશો શું??’ ‘‘મને તો ફકત જયનો અવાજ સંભળાયતો પણ બહું છે.’’ સુનંદાબેન બોલ્યા. સામો સૂર્ય હોવાથી જયને પતંગ દેખાતોજ નહોતો પહેલાંજ રાઉન્ડમાં તે હરિફાઈ હારી ગયો હતો. અમિત અને પ્રિતી બેન ચીડાઈ રહ્યાં હતાં. ‘‘આટલી પણ સાચવણ શકિત ન હોયતો જીદંગીમાં આગળ કઈ રીતે વધીશ ?’’

સુનંદા દાદી ડાબી આંખે મોતિયો ઉતરી જવાથી, જય સામે જોઈને આર્શિવાદ વરસાવી રહ્યા હતા. જયને આ પતંગ હરિફાઈ હારી જવાનો કોઈ ગમ ન હતો, તેણે જીંદગીની બાજી જીતી લીધી હતી.

‘‘માલિકે હાથીને આપ્યા છે, સુંદર હાથીદાંત,

પણ બતાવવાના અને ચાવવાના અહીં અલગ છે દાંત.’’

મનસુખલાલ દેસાઈ અમારા વિસ્તારના ધારાસભ્ય હતા. છેલ્લી ત્રણ ટર્મથી વિરોધપક્ષની ટીકીટ પર ચૂંટાતા હોવાથી, આ વખતે વિરોધપક્ષના નેતા બની ગયા હતા.સાદો સરળ દેખાવ, ખાદીના સફેદ કપડા અને ઠંડીમાં જવાહર જાકીટ, આ તેમનો પહેરવેશ હતો. પોતાની બે ફેકટરી હતી, અને પૈસે ટકે સુખી હતા.તેથી ચૂંટણી લડવામાં અને રાજકારણમાં સમય આપી શકતા હતા. બેઠી આવકમાંથી ગુજરાન ચલાવવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. લોકોના કામ માટે હંમેશા તૈયાર રહેતા.

કોઈની બદલી કરવાની હોય રોકવાની હોય, સારવાર મફત કરવાની હોય, કે બીજી કોઈ નાની મોટી તકલીફમાં પણ તે હંમેંશા આગળ રહેતા. એટલે જ લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીતી લીધા હતા. એટલા માટે જ સતત ત્રીજી વખત વિરોધપક્ષમાંથી ઉભા રહીને પણ ચૂંટણી જીતી ગયા હતા.

તેમના શ્રીમતિ રમાબેન પણ અનેક મહિલા મંડળો અને મહિલા મોરચાના પ્રમુખ હતા. તેમને એકજ દીકરો હતો-સંજય. ભણવામાં સંજય દેસાઈ ખૂબ જ હોંશિયાર હતો. સ્કૂલમાં હંમેંશા પ્રથમ નંબરે જ આવતો. દસમાં ધોરણમાં તો સમગ્ર સ્કૂલમાંથી પ્રથમ આવી બોર્ડમાં ફકત ત્રણ માર્ક માટે જ રહી ગયો હતો.

છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું, તે ચિંતા કરવાતી હકીકત હતી. કોઈપણ શિક્ષણમાં મેરીટની સાથે સાથે ડોનેશનની સીટો વધતી જતી હતી. તેની ચિંતા બધાને અને ધારાસભ્યશ્રી મનસુખલાલને પણ થયા કરતી.

સરકારના આ પગલાંનો તેઓ ડગલેને પગલે વિરોધ કર્યા કરતા. મુખ્યમંત્રીને અને શિક્ષણમંત્રીને અંગત મળીને આ બાબતે તેમણે બે વખત આવેદન આપેલા હતા. છતાં પણ ડોનેશનની સીટો અને સેલ્ફ ફાયનાન્સ કોલેજો વધતી જતી હતી. ગરીબ યુવક મંડળ તરફથી આના વિરોધમાં એક મહાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બે કલાક ફરીને રેલી શહેરની મધ્યમાંમોટા ટાઉનહોલમાં સભાના રૂપમાં ફેરવાઈ જવાની હતી.

આજે જ બારમાનું રીઝલ્ટ હોવાથી, મનસુખ લાલને તેમના દીકરા સંજયનું રીઝલ્ટ લેવા જવાનું હતું, છતાં પણ મનસુખ લાલ રેલીનું નેતૃત્વ સ્વીકાર્યું. બે કલાકને રસ્તે તેમણે અનેક સુત્રો પોકાર્યા-શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરો.‘‘ગરીબ વિદ્યાર્થીઓને ન્યાય આપો.’’ રેલી અનેક બેનરો અને પોસ્ટરો સાથે પસાર થઈ અંતે ટાઉનહોલ પહોંચી ગઈ. બે ગરીબ યુવકમંડળના નેતાઓના ભાષણો પછી મનસુખલાલ બોલવા ઉભા થયા.

‘‘ભાઈઓ અને બહેનો.’’ આપણી સરકારના આ પગલાનો સખત વિરોધ કરતા જણાવું છું કે, શિક્ષણમાં ફકત મેરીટ જ ગણતરીમાં લેવું જોઈએ. ગરીબ

માબાપને ઘરમાં ખાવાના પણ ફાફા પડે છે, તેમાં ડોનેશનના ચાસ્લીસ લાખ રૂપિયા કયાંથી લાવશે? મેડિકલની ફીના વર્ષે અઢી લાખ રૂપિયા કયાંથી કાઢશે? પૈસાદારોની આ સરકાર એક મિનીટ પણ ચાલે તેમ નથી.’’ ચારેકોરથી તાળીઓના ગડગડાટ ચાલું હતા.આગળ બોલતા ખીલી ઉઠયા હતા. ‘‘હોશિયાર વિદ્યાર્થી દિવસરાત મહેનત કરીને ટકા લાવે અને તેને એડમીશન ના મળે અને પૈસાદારોના છોકરા આખુ વર્ષ રખડી ખાય, ફકત પાસીંગ માર્કસ લાવે અને સારી લાઈનમાં એડમીશન લઈ જાય એ બિલકુલ વ્યાજબી નથી. અત્યાર સુધી આપણે ત્યાં ફકત મેરીટ લીસ્ટ મુજબ જ એડમીશન મળતું. સાઉથમાં ડોનેશનની સીટો વધારે હોવાથી ત્યાં પૈસાદારોના છોકરા જતાં રહેતા. પરંતુ હવે આપણા રાજ્યમાં પણ આ દુષણ વધી રહ્યું છે, તેનો આપણે સહુએ કોઈપણ ભાગે વિરોધ કરવો જ પડશે. આપણે સહુ કાલથી ઉપવાસ પર બેસીને આનો વિરોધ કરીશું’’ પબ્લીકમાંથી તાલીઓ સાથે આ વાતને વધાવી લેવામાં આવી.

અમે ત્રણ મિત્રો, ડો.જોષી, ડો.શાહ અને હું પણ ટાઉનહોલમાં મનસુખલાલને સાંભળવા ગયા હતા. તેમના ભાષણથી અમે અભિભૂત થઈ ગયા હતા. સરકારના વ્યાપારીકરણથી અમે સહુ પણ વ્યથિત હતા. બહાર નીકળીને અમે તેમને ઔપચારિક રીતે મળ્યા તો તરત બોલયા‘‘ આવા પૈસાના જોરે પેદા થયેલા ડોકટરો દરદીનું શું ભલું કરવાના?

અમે ત્રણેય મિત્રો અમારી સંસ્થા દ્વારા હોંશીયાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી સ્કોલરશીપ આપવાના હતા, તેમાં અમે મનસુખલાલનું નામ મુખ્ય મહેમાન તરીકે નકકી કર્યું. રાત્રે તેની જાણ કરવા અમે મનસુખલાલના ઘેર ગયા. મનસુખલાલના ઘરનું બારણું અનાયાસે ખુલ્લુ રહી ગયુ હતુ. તેથી અમે ધીમે પગલેં તેમના ડ્રોઈંગરૂમમાં આગળ વધ્યા. મનસુખલાલ ધીમા અવાજે તેમના મોબાઈલ ઉપર તેમના સેક્રેટરી રમેશભાઈને સુચના આપી રહ્યા હતા. ‘‘ આપણા સંજયને આ વખતે ટકા ઓછા છે એટલે અહીં ગુજરાતમાં તો મેડિકલમાં એડમીશન મળે તેમ લાગતું નથી. આવતીકાલે તમે બંને પૂના કે બેંગલોર જતા રહો. ત્યાં પાંત્રીસ કે ચાલીસ લાખમાં મેડિકલમાં એડમીશન લઈ જ લો. આપણે કોઈપણ ભોગે બાબાને ડોકટર બનાવવો જ છે. વાત નકકી થાય એટલે મને જણાવશો, જેથી રોકડ રૂપિયા લઈને હું આવી જઈશ.’’

અમે ત્રણેય ડોકટરો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. અમે તરત જ મનસુખલાલને અમારા સંમારંભમાં મુખ્ય મહેમાન બનાવવાનો વિચાર માંડી વળ્યો, અને પરત આવી ગયા. મને વિચાર આવ્યો, બહાર દેખાતા હાથીના દાંત કેટલા સુંદર લાગે છે, પણ ચાવવાના કામમાં તો અંદર રહેલા સાચા દાંત જ કામ

લાગે છે, બહારના દાંતને ચાવવા સાથે કોઈ જ લેવા દેવા જ નથી. મનસુખલાલ બીજા દિવસથી ડોનેશનનો વિરોધ કરવા ઉપવાસ પર બેસવાના હોવાથી રાત્રે પેટ ભરીને ખાવા અંદર રસોડા તરફ જતા રહ્યા.

‘‘હમ પૂરબ હૈ, પૂરબવાલે હર જાનકી કિમત જાનતે હૈ’’

‘‘ડોકટર સાહેબ, અહીં આવવામાં કેટલું મોડું કરી દીધુ. મારો દીકરો સુનિલ સીરીયસ બની રહ્યો છે.’’ તેના પપ્પા કિરીટભાઈ ઉત્તેજીત

અવસ્થામાં બગડી રહ્યા હતા.

શિયાળાની વહેલી સવારે ધુમ્મસ હોવાથી બે મોટરસાયકલ વચ્ચે જબરજસ્ત એક્સિડન્ટ થયો હતો. તેમાં સુનિલ જોદાર ઘવાયો હતો. ચારે તરફથી લોહી નીકળી રહ્યું હતું. પેટની અંદરના ભાગમાં પણ ઈજા થઈ હતી. વહેલી સવારે બંને મોટરસાયકલવાળા ફુલ સ્પીડમાં સામસામે આવી રહ્યા હતા, ત્યારે જ અચાનક સુનિલનો બ્રેક ઉપર કાબૂ જતો રહ્યો, અને જોરદાર ધડાકા સાથે બંને ફંગોળાઈ ગયા. નસીબજોગે સુનિલને ઈજાઓ બહુ હતી, પણ તે બચી ગયો હતો, પણ સામેવાળો તો બિચારો વાંકગુના વગર મગજની નસ ફાટી જતાં તરત જ મૃત્યુ પામ્યો હતો.

સુનિલનો એક્સિડન્ટ થયો સાંભળી તેના પિતા કિરીટભાઈ, માતા રૂપાબેન અને તમામ સગાવહાલાઓ ઈન્કમટેક્ષ ચાર રસ્તા પહોંચી ગયા

હતા. તરત જ ગાડીમાં સુનિલને નાખીને ડો.અનિલ દવેના સર્જીકલ નર્સીંગ હોમમાં લઈ આવ્યા હતા.

ડો.અનિલ દવે શહેરના સુપ્રસિધ્ધ સર્જન હતા. તેમના હાથે આવા એક્સિડન્ટના તમામ કેસ બચી જતાં હતા. સુનિલ તેમના હાથે બચી જ

જશે. એવી આશા સાથે કિરીટભાઈ અને સહુસગાઓથી ડો.દવેનો વેઈટીંગ રૂમ ભરાઈ ગયો હતો. ‘‘ડો.દવેને જલ્દી બોલાવો’’ તમામ સગાઓ સીસ્ટરને બૂમો પાડી રહ્યા હતા. સુનિલના દરેક ઘામાંથી લોહી વહી રહ્યું હતું, અને હાલત બગડતી જતી હતી.

સીસ્ટરને મોબાઈલમાં જવાબ મળ્યો. ‘‘હમણાં જ ડો. આવી જશે.’’ તેણે તરત જ બધાને આજ જવાબ આપ્યો.

આમને આમ સમય પસાર થતો જતો હતો ફરીથી સીસ્ટરને ફોન કરવા કહ્યું. સીસ્ટરને દરેક વખતે એક જ જવાબ મળતો.

‘‘ડોકટર અગત્યના કામમાં ફસાયેલ છે. થોડા સમયમાં આવી જશે.’’ સહું સગાવહાલા ઊંચાનીચા થઈ ગયા હતા.

ચાલીસ મિનિટ પછી સીસ્ટરે ત્રીજી વખત મોબાઈલ કર્યો, અને જવાબ મળ્યો, ‘‘ડો.નું કામ પતી ગયું છે અને રસ્તામાં જ છે, હમણાં આવી જશે.’’ અંતે ડો.અનિલભાઈને આવતા જોઈ સૌ સગા તૂટી પડયાં.

‘‘ડોકટરે તો આવા સીરીયસ કેસ માટે તૈયાર રહેવું જોઈએ’’ સુનિલના કાકા બરાડયા.

‘‘ડો.દવે,તમારે ત્યાં ઈમરજન્સી કેસ આવે પછી આટલા મોડા આવો અને દર્દી ખલાસ થઈ જાય તો કોની જવાબદારી ?’’ સુનિલની મમ્મી

રૂપાબેનથી બોલ્યા વગર ના રહેવાયું.

ડો.અનિલભાઈએ કશું જ કહ્યા વગર શાંતચિતે તરત જ દર્દીને ઓપરેશન થિએટરમાં લીધો. એનેસ્થેટીસ્ટ અને સર્વ ટીમ તૈયાર હતી. તરત

જ ઓપરેશન ચાલુ કરી લીવરની અંદરથી ટાંકા લઈ લોહી વહેતું બંધ કરી દીધું. બીજા નાના મોટા ઘાવ ઉપર ટાંકા લઈ ડ્રેસીંગ કરી દીધું. લોહી

બહુ જ વહી ગયું હોવાથી તરત જ લોહીનો બાટલો ચાલુ કરી દીધો. સુનિલની હાલત સુધરવા લાગી.

એક કલાકની મહેનત બાદ ડો. દવે ઓપરેશન થિએટરની બહાર આવ્યા, અને કિરીટભાઈને બાજુમાં બોલાવી કહ્યું ‘‘તમારો દીકરો સુનિલ

બચી ગયો છે, અત્યારે લોહીનો બાટલો ચાલુ છે, વાંધો નહી આવે.’’

સુનિલ બચી તો ગયો, પણ હજુ સગાવહાલામાં ડોકટરના મોડા આવવા બાબતે ચણભણ ચાલુ જ હતી. એક સગાં બોલ્યા ‘‘જો આનાથી વહેલા આવ્યા હોતતો પરિસ્થિતિ આટલી ગંભીર ના બની જાત.’’

બીજા સગા બોલ્યા‘‘ઈમરજન્સી ફોન પછી પણ ડોકટર પોણા કલાકે આવે તો શું કરવાનું’’

ડો. દવે શાંતચિતે બધાને સાંભળી જવાબ આપી રહ્યા હતા. સુનિલ આટલી મહેનત પછી બચી ગયાનો આનંદ હતો પણ ડો. દવે ઈમરજન્સી

કેસમાં આટલા બધાં મોડા આવ્યા તેનો વસવસો દરેકના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. સુનિલના પાપા કિરીટભાઈથી બોલ્યા વગર ના રહેવાયું

‘‘ ડોકટર, આટલા મોડા આવ્યા પણ અમારો સુનિલ બચી ગયો, પણ આ જગ્યાએ તમારો દીકરો હોત તો ? ’’

અને ડો.દવેની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ જ બોલ્યા વગર ધીમા પગલે જતાં રહ્યા.

આ બધું સાંભળી રહેલા સીસ્ટરથી હવે ના રહેવાયું. ધીમેથી એ બધાની તરફ આવીને બોલ્યા. ‘‘ડો. અનિલ દવેની કરૂણતા તમે જાણશો તો

તમારી બોલતી બંધ થઈ જશે. તમારા દીકરા સુનિલ જોડે જેને અકસ્માત થયો હતો, તે બીજો કોઈ નહી પણ ડોકટરનો એકનો એક દીકરો નીલ

દવે હતો. કોઈપણ વાંકગુના વગર સ્થળ ઉપર જ, મગજની નસ ફાટી જતા તેનો દેહાંત થઈ ગયો.’’

બધાના મોઢા આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલી પડયા ‘‘હે!!’’ મહિલાઓની આંખો ભીની થઈ ગઈ. આગળ બોલતા સીસ્ટરે કહ્યું‘‘ ડોકટર તો એક્સિડન્ટની જગ્યાએ પહોંચી ગયા, અને જોયું કે તેનો દીકરા નીલનું પોસ્ટમોર્ટમ કરવા સિવાય હવે કઈ બાકી નથી. ચાલીસ મિનિટ તો પોલીસની પૂછપરછ ચાલી. એકનો એક દીકરો જતો રહેવાથી ડોકટર સાવ હતાશ થઈ ગયેલા.

તમારા દીકરા સુનિલ માટે ફોન આવ્યો ત્યારે ડોકટરે વિચાર્યું કે એક જીવ તો ગયો, હવે બીજા જીવને બચાવવા માંડમાંડ હોંસલા અને હિંમત ભેગી કરીને અહીં આવી ગયા. નીલના માતા અને બીજા સગાવહાલાઓ તો સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર રડી રહ્યા છે.’’

સુનિલના માતા પિતા અને સહું સગાવહાલાની આંખોમાં પાણી આવી ગયા. ડોકટર દવેને આટલું બધુ સંભળાવવા બદલ સહું મનોમન

પસ્તાઈ રહ્યા હતા.

ડો.દવે લડખડાતા પગલે પોતાની ઓફિસમાંથી નીકળી, પોતાના દીકરા નીલને કંધો દેવા સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ તરફ રવાના થયા.

‘‘સારા બુટ નથી તો રડે શું કામ?

પગ વગરના માનવીને જોઈતો આવ.’’

‘‘કોઈનો મહેલ જોઈને આપણી ઝું૫ડી બાળવા ના નિકળાય.’’ આ વ્યવહારૂ જ્ઞાન યશને નાની ઉંમરે જ આવી ગયું હતું.

‘‘ડોકટર સાહેબ, આ યશ તો બિલકુલ ઓછું ખાય છે, એનું વજન પણ ઘટતું જાય છે.’’મારી ઓફીસમાં આવતાવેત વિજયભાઈએ ચિંતા જતાવી. ૧૦ વર્ષના યશનું વજન ખરેખર ચાર કિલો ઘટી ગયું હતુ. તેના મમ્મી રૂપાબેન પણ સાથે આવેલ હતા. યશના શરીરની સામાન્ય તપાસમાં બધું જ નોર્મલ હતુ. તેના લોહી, પેશાબ અને એક્સરેના રીપોર્ટ પણ તદ્દન નોર્મલ હતા.

‘‘કેટલા સમયથી આ તકલીફ થઈ છે?’’ મેં વિજયભાઈ અને રૂપાબેનને પ્રશ્ન કર્યો.

‘‘સાહેબ, પહેલા તો બધું બરાબર હતું. છેલ્લા બે મહિનાથી તેની ભૂખજ ઘટી ગઈ છે, અને વજન ચાર કિલો ઘટી ગયું છે.’’મને કોઈ શારીરિક નિદાન બંધબેસતું ન હતું. મને આમાં શારીરિકને બદલે બીજુ જ કારણ લાગતું હતું. આને માટે તેમની આર્થિક અનેસામાજીક પરિસ્થિતિ સમજવી જરૂરી હતી. વિજયભાઈ એક પ્રાઈવેટ ફર્મમાં કલાર્કની નોકરી કરતાં હતા. સવારથી સાંજ સખત મહેનત કરતાં હતાં,પણ પ્રમાણમાં પગાર પુરતો ન હતો. ઘરમાં ઘરડાં દાદા,દાદી અને પતિ પત્ની હતા. તેમના લગ્ન પછી છેક ૧૦ વર્ષ પછી આવેલ એકનું એક સંતાન એટલે યશ. ઘરમાં એક જ છોકરો હોવાથી તેના દાદા, દાદી અને મમ્મી પપ્પા યશની તમામ ફરમાઈશો પુરી કરતા. આમાને આમાં યશ જીદ્દી અને ગુસ્સાવાળો બની ગયો હતો. બિચારા વિજયભાઈ અને રૂપાબેન યશની તમામ જીદ પુરી કરતા.પરંતુ મધ્યમ વર્ગના કુટુંબમાં પાંચ જણાં ખાનારા, અને એકજ કમાનાર વ્યક્તિ. બે છેડા ભેગા કરવા મુશ્કેલ હતા. ત્રણ મહિના પહેલા જ યશે નવી સાયકલ અપાવવાની જીદ કરી હતી. વિજયભાઈએ માંડમાંડ બચાવેલા બધાજ રૂપિયા કાઢતાં પણ ઓછા પડતા, તેમણે રૂપાબેનના ગલ્લામાંથી પણ બચતના રૂપિયા કાઢીને તેમણે નવી સાયકલ ખરીદી, યશની જીદ પુરી કરી હતી.

યશનો ખાસ મિત્ર હતો મયુર. તેના પિતા યશવંતરાય બે ફેકટરીના માલિક હતા. તેથી મયુરને વાપરવાના રૂપિયાની કોઈ કમી ન હતી. તેને શાળામાં મુકવા પણ ડ્રાઈવર સાથેની ગાડી આવતી. કોઈ કોઈ વખત તો મયુર તેના પપ્પાએ અપાવેલ ઈમ્પોરટેડ મોબાઈલ પણ શાળામાં લાવતો.

‘‘ મારી મમ્મી પપ્પા સાવ નકામા છે મને વાપરવાના પૈસા પણ સાવ ઓછા આપે છે.’’ એમ વિચારી યશ હંમેશા ગુસ્સામાં રહેતો.બે મહિના પહેલા મયુરની વર્ષગાંઠ નિમિત્તે, તેના તમામ દોસ્તોને શહેરની સૌથી મોંઘી સુપર પેલેસ હોટલમાં પાર્ટી રાખેલ હતી.યશ માટે તો આ પહેલી વખત જ ફાઈવ સ્ટાર હોટલમાં જમવાનું આવ્યું હતું. મોટા એરકન્ડીશનના હોલમાં બધાની તાળીઓના ગડગડાટ વચ્ચે મયુરે કેક જકાપીને પછી બધાને પંજાબી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યા. યશ તો આશ્ચર્યથી જોતોજ રહી ગયો હતો. કેટલી બધી ગીફટ અને કેટલી ભવ્ય પાર્ટી !!

‘‘મારા મમ્મીપપ્પા તો માંડમાંડ સાયકલ અપાવી શકયા. તેનાથી ચાર ગણા રૂપિયા તો મયુરના પપ્પાએ ફકત પાર્ટીમાં જ વાપરી નાખ્યા.’’ વિચારીને મનમાં ધુંધવાઈ ઉઠયો હતો. બીજા જ અઠવાડિયે યશની વર્ષગાંઠ આવી. તેણે ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટીની જીદ પકડી. વિજયભાઈ અને રૂપાબેને તેને ખૂબ સમજાવ્યો. ‘‘આપણને પોષાય તેમ નથી.’’ પણ નાનકડાં યશને એનાથી કયાં સંબંધ હતો. તેને તો મિત્રમંડળમાં વાહવાહ બોલાવવી હતી. મોટી પાર્ટી આપવી હતી. મધ્યમ વર્ગના કુટુંબને મહિનાના ખર્ચા કઈ રીતે પુરા કરવા પડે છે, તેની તેને સમજણ જ ન હતી. અંતે રૂપાબેને આખો દિવસ મહેનત કરી સરસ મજાના ભાજીપાઉં અને ઢોંસાની ડીશ બનાવી. યશનો ગુસ્સો હાથમાં ન રહ્યો.‘‘ રોજ રોજનું ઘરનું ખાવાનું તો પાર્ટી કહેવાતી હશે?’’ રૂપાબેન રડી પડયા. યશે જરાપણ ના ખાધુ.તેના દાદાદાદી અને પપ્પા પણ ચિંતામાં પડી ગયા.

બર્થડેમાં ભૂખ્યા પેટે સુઈ ગયેલા યશે પછી ધીમે ધીમે ઘરનું ખાવાનું જ ઓછું કરી દીધું. આખી વાત સાંભળ્યા પછી મને ખ્યાલ આવ્યો કે યશને દવાની નહીં, સમજાવટની જરૂર છે. બીજા દિવસે મેં યશને તેના મમ્મીપપ્પા સાથે લો ગાર્ડનની પ્રખ્યાત ભાજીપાઉંની લારી ઉપર બોલાવ્યા. પછીથી દવા લખી આપવાની વાત કરી.

રવિવાર હોવાથી વીસપચ્ચીસ મિનિટ બેસવું પડે તેમ હતુ. અમે ખાસ કચરાપેટીની બાજુના વેઈટીંગ ટેબલ પર બેઠા. બાજુમાં જ ધુળી ભીખારણ તેના બે નાગાંપૂંગા, આઠ અને દસ વર્ષના છોકરાઓને લઈને ભીખ માંગતી હતી.બન્ને છોકરાઓના કપડા ફાટી ગયેલા હતા. એ લોકો અઠવાડિયાથી નાહ્યાના હોય તેમ તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. બન્નેની આંખો અંદર ઉતરી ગઈ હતી. લાચાર અને દયામણા મોઢે તેમણે અમારી પાસે ભીખ માંગી.

યશ તેની ઉંમરના છોકરાઓને આવા હાલે ભીખ માંગતા જોઈ રહ્યો. ત્યાં તો બાજુના માણસે અર્ધી ખાધેલી એંઠી ભાજીપાઉંની ડીશ ફેંકી, અને બન્ને ભિખારી બાળકો દોડી ગયા. એકજ ડીશ માટે બન્ને ઝુંટાઝુંટી અને મારામારી પર આવી ગયા. યશ તો જોતોજ રહી ગયો. ‘‘ મને તો એકલાને મમ્મી કેટલા પ્રેમથી ભાજીપાઉં ઘેર બનાવીને ખવડાવે છે. ’’ વિચારતા તેની આંખો ભરાઈ ગઈ. તેને દાદાદાદીનો અને પપ્પાનો ખવડાવવાનો આગ્રહ અને પ્રેમ યાદ આવી ગયા. તે પપ્પા મમ્મી સામે જોઈને રડી પડયો.

‘‘ કોઈનો મહેલ જોઈને આપણી ઝુંપડી બાળવા ના નિકળાય’’ આ વ્યવહારૂ જ્ઞાન તેને આ ઉમરે જ આવી ગયું.ઘરે જઈને, આવી કોઈ જ જીદ નહી કરૂ, એવું મનમાં ગાંઠ વાળી. હવે તો યશ નિયમિત રીતે ઘરનો પોષ્ટિક ખોરાક મમ્મીપપ્પાના આગ્રહ વગર ખાઈ લે છે. તે ઘરના બધાં મોટાનું કહ્યું માને છે. તેનું વજન પણ પાછું વધીને નોર્મલ થઈ ગયું છે.

મહિના પછી વિજયભાઈ અને રૂપાબેન મારી ઓફીસમાં આવી રડવા જેવા થઈ ગયા. ‘‘ ડોકટર તમે તો દવા વગર અમારા યશને સાજો કરી દીધો.’’ વિજયભાઈ ગદ્‌ગદ્‌ થઈ બોલ્યા. વર્ષોના અનુભવ પછી અજમાવેલ આ પ્રેકટીકલ નુસ્ખો સફળ થઈ જતાં મેં કહ્યું. ‘‘તમારો યશ નોર્મલ થઈ ખાવા લાગ્યો, એજ મારી ફી છે.’’ તેના દાદાદાદી પણ દવા વગર યશ નોર્મલ થઈ ગયો જાણી ખુશખુશ હતા.