Ek babuchak kagdo books and stories free download online pdf in Gujarati

એક બબૂચક કાગડો.

એક બબૂચક કાગડો..

*********************

સૂરજનો કેસરી ગોળો ગોલુજીની વાડીમાં દદડી પડ્યો. આંબે બેઠો કલ્લુ કાગડો કૂદકો મારીને ટગલી ડાળે ચઢી ગયો. એણે પોતાની ચાંચથી પાંખોમાં ચળ કરી. પછી કોક ફળ સમજી સૂરજને ઠોલો મારી જોયો. ચાંચને ડાબે અને જમણે એમ બે વાર ડાળ ઉપર ઘસી. શ્યામા હજુ ઊંઘતી હતી. કલ્લુએ સાદ પાડ્યો – ‘શ્યામા.. ઓ શ્યામા..’ પણ બીજા બધાંને તો એ કાગડાનું કાં કાં જ સંભળાયું ! ...હશે, એમાં કલ્લુને શું ?

શ્યામા કાગડીને પોતાની મીઠી નીંદરમાં આ ખલેલ ગમ્યું નહીં. એણે ડાબી આંખ ઉઘાડીને જમણી બાજુ જોયું. પછી જમણી આંખથી ડાબે જોવા ડોક ફેરવી. સહેજ ત્રાંસી કરીને એની ડોક ફેરવવાની અદા કલ્લુને બહુ ગમે. ખેર, શ્યામાએ અણગમો વ્યક્ત કરવા થથરીને પાંખો ધ્રુજાવી. ખીજાઈને બોલી, ‘શું છે ?’ પણ, બીજાને તો એ કાગારોળનું કાં કાં જ સંભળાયું. ...હશે, એમાં શ્યામાને શું ?

કલ્લુ કાગડો અને શ્યામા કાગડી – ગોલુજીની કેસર કેરી વાડીમાં એક ડાળ ઉપર મળ્યાં. બંનેએ સમવેત સ્વરમાં કાં કાં કર્યું. ઓળખાણ થઇ અને પછી મળેલાં જીવની જેમ હળી મળીને રહેવા લાગ્યાં. કલ્લુ બહુ કામોઢો. આખો દિવસ ઉડાઉડ કરે. કોણ જાણે કઈ ને કઈ ક્ષિતિજુને અડી આવે. જાત જાતનું ખાવાનું અને ભાત ભાતની વાતું ચાંચમાં ઝાલી આવે. શ્યામાને સંભળાવે. શ્યામા ભારે વાતોડિયણ. આખો દિવસ વાતોના વડા કરે. બીજાને તો નર્યું કાં કાં જ લાગે. એક બસ ગોલુજી ભગત માણસ.. એને તો શ્યામાનું કાં કાં પણ ગમે. રાજી થઈને સાદ પાડે – ‘સાંભળો છો ? આજે આ કાગડી મજ્જાનું બોલે છે – મહેમાન આવશે.. લાપસીનું આંધણ મૂકો !’

એક વસંતની વાત છે.. કલ્લુ આખા દિવસનો થાકેલો પોતાની મનગમતી ટગલી ડાળે બેસીને વાસંતી વાયરામાં પરસેવો સુકવતો હતો. ત્યાં જ એક નવું પંખી બાજુવાળી ડાળે આવી બેઠું..

પંખી બોલ્યું – ‘કેમ છો ?’

કલ્લુને એનો સાદ બહુ ગમ્યો. એણે જવાબ આપ્યો, ‘એય્યને મજ્જામાં. તમે કોણ છો ? ક્યાંથી આવ્યા ?’

પંખી ટહુક્યું – ‘હું કોયલ. દૂર દૂરના પરદેશથી આવી છું.’

એક ઠેકડો મારીને કલ્લુ એની પાસે સરક્યો – ‘અરે વાહ ! તમે દેખાવે તો મારા જેવા જ છો પણ કેટલું મીઠું બોલો છો ! મારા ફ્રેન્ડ બનશો ?’

કોયલે કહ્યું – ‘ઓકે.. હું આ દેશમાં નવી નવી છું. ચાલો આપણે મિત્ર બની જઈએ. તમારા પીંછા કેવા ચમકદાર છે ! તમારું નામ શું છે ?’

કલ્લુએ હરખાઈને મોટ્ટેથી કાં કાં કર્યું – ‘હું કલ્લુ.. આ મારી શ્યામા.. તમારી સાથે કોઈ નથી આવ્યું ?’

‘ના રે, હું તો સાવ એકલી. પણ, હવે તમે બંને મારા મિત્ર છો ને ! બસ, આપણે હળી મળીને રહેશું.’

‘હા, એય સાચું. તમે કેવું સરસ બોલો છો. હું તમારું નામ કામણગારી પાડું તો તમને કોઈ વાંધો ખરો ?’

‘અરે વાહ ! એમાં શું વાંધો ? મને તમારી ડોક ફેરવીને એક આંખથી જોવાની સ્ટાઈલ બહુ ગમે છે. તમે બહુ હેન્ડસમ લાગો છો. હું તમને ‘હેન્ડસમ’ કહું તો ?’

પત્યું.. કલ્લુ કાગડો – હેન્ડસમ !?! આપણા કાગડા ભાઇ તો ફૂલીને ફૂલણજી થઇ ગયાં. પછી તો દરરોજ કલ્લુ અને કામણગારીની ગોઠડી જામવા લાગી. ક્યારેક વચ્ચમાં શ્યામા પણ કાં કાંની ટાપસી પુરાવી જાતી. આખી વસંત કામણગારી પંચમ સ્વરે ગાતી રહી. કલ્લુ મગન બનીને પોતાનાં કાનમાં શાકરનો ગાંગડો ઓગળતો હોય એમ સાંભળતો રહ્યો. ક્યારેક હેન્ડસમ કલ્લુ પણ પોતાના વડવાઓની વીરગાથા છાતી ફુલાવીને કહી સંભળાવતો. મોટા ઘડાના તળિયે રહેલા પાણીને કેવા ચાતુર્યથી કલ્લુના પરદાદા કાંકરા નાખી નાખીને પી ગયાં – એ પ્રસંગ તો કામણગારી વારંવાર આગ્રહ કરી કરીને સાંભળતી. કલ્લુ જાણતો હતો કે પરદાદાના આ પરાક્રમ પછી જ આખાય કાગડા કુળને ‘ચતુર’ માની લેવામાં આવ્યું હતું. એ સગર્વ કહેતો – ‘અમારા કાગડા કુળની ‘હેન્ડસમતા’થી પ્રેરિત થઈને દેશના એક મોટા ચિત્રકાર આર. કે. લક્ષ્મણએ તેઓના અનેક સુંદર રેખા ચિત્રો દોરીને આ ખાનદાનને વિશ્વ પ્રસિદ્ધિ અપાવી હતી.’

કલ્લુ રાજી થઇ એક મોટી ઉડાન ભરીને હવામાં ગુલાંટ ખાઈ દેખાડતો. કામણગારી તાળીઓ પાડી ટહુક્યા કરતી. દિવસો પાંખ ફફડાવીને ઉડતા રહ્યાં. કલ્લુ-કામણગારીની મૈત્રી પાક્કી થતી રહી. શ્યામાને આ બધું વેવલાવેડા જેવું લાગતું. એટલે ક્યારેક ગુસ્સે ભરાઈને કાગારોળ કરી મૂકતી. જોકે, કલ્લુ તેનું પૂરતું ધ્યાન રાખતો. અને, રોજ એકાદું દહીંથરું ગમે ત્યાંથી આંચકી આવતો. શ્યામા તો એટલામાં રાજી !

વસંત વીત્યો.. વર્ષાના આગમનનો પડઘમ વગાડતાં કાળા વાદળાઓ આકાશ પર માર્ચ-પાસ્ટ કરવા લાગ્યાં. કલ્લુ અને શ્યામાને પોતાનાં માળાની ચિંતા થઇ. આખા વરસ દરમ્યાન એને ખાસું નુકસાન થયું હતું. કલ્લુ સુક્કા સાઠીકડા ભેગાં કરીને લાવવા લાગ્યો. શ્યામા ચોકસાઈથી તેને પરોવી, ગૂંથીને માળામાં ગોઠવવા લાગી. કામણગારી બાજુની ડાળે બેઠી આ કામગીરી જોયાં કરે અને મધુર ગીતો ગાયા કરે.. પરસેવે રેબઝેબ થયેલો કલ્લુ ક્યારેક એનું ગીત સાંભળવા બે ઘડી પાંખો વાળીને બેસી રહેતો. શ્યામાને આ જરાય ના ગમતું પણ એ માળાની ચિંતામાં પરોવાયલી રહેતી. આંખ આડી પાંખ કરી તણખલાં ગોઠવતી.

એક દિવસ હાંફળા ફાંફળા થયેલા કલ્લુની પાંખો પકડીને કામણગારી ટહુકી – ‘હાય હેન્ડસમ ! ક્યાં ઉડાઉડ કરો છો યાર ? થોડી વાર જંપીને બેસોને..’ રઘવાયો કલ્લુ ટગલી ડાળે બેસી હિંચકવા લાગ્યો. કામણગારી સાથે ગપ્પા મારતાં અચાનક તેની નજર વાડીની માટીમાં પડેલી દોરા જેવી કોઈ ચીજ ઉપર ગઈ. કલ્લુએ ઠેઠ ટગલી ડાળેથી સીધી ડાઈવ લગાવી અને દોરાનો ગૂંચડો આંખના પલકારે ઉપાડી આવ્યો. કામણગારી તો મટકું માર્યા વગર આ કરતબ જોઈ રહી. શ્યામાએ પણ મહત્વની ચીજ મળી જતાં કાં કાં કર્યું અને, માળો ગૂંથવામાં મશગુલ થઇ ગઈ.

કામણગારી બોલી, ‘વાહ બીડું ! તમે તો એકદમ મિગ વિમાનની ઝડપથી ડાઈવ લગાવો છો. આફરીન !’

ફૂલણજી કલ્લુ સહેજ વધુ ફુલાઈ ગયો. શ્યામાએ ક્યારેય પણ તેના આમ વખાણ કર્યા નહોતાં. એ તો બસ એના માળે બેસીને ઈંડા સેવતી અને કાં કાં કર્યા કરતી. કલ્લુને પોતાના શૌર્યનું ક્યારેય ભાન જ નહોતું. પોતાનામાં રહેલી આવડતો અને ખૂબીઓ એ જાણતો જ નહોતો. ભલું થજો આ કામણગારીનું કે તેને આવું ઊંડું જ્ઞાન છે. અને પાછી તે કલ્લુની પાંખો થાબડીને પોરસાવી પણ જાણે છે. કલ્લુ તો થેંક્યું કહીને સટ્ટાક કરતો નવું તણખલું લેવા ઉડી ગયો.

માળાના સમારકામમાં કલ્લુ બીઝી હતો એ દરમ્યાન કામણગારી એકલી એકલી ગાતી. ધીમે ધીમે કલ્લુની જેમ કેટલાયે લોકોને એના ગીતો ગમવા લાગ્યાં. પ્રશંસકોની સંખ્યા વધતી જ ગઈ. અરે, પેલાં ગોલુજી અને તેમના પત્ની તો કામણગારીના જબરા ચાહક. કલ્લુ ક્યારેક કંટાળો ખંખેરવા કાગારવ કરે તો વાડીના મજૂર સુદ્ધાં પથ્થર મારીને તેને ઉડાડી મૂકે. જ્યારે કામણગારીને ધરાઈને ગાવાની છૂટ. કલ્લુના મનમાં ઈર્ષ્યાનો કીડો સળવળવા લાગ્યો. ઈર્ષ્યાની આગમાં બળતો કલ્લુ માળા પાસેથી પસાર થતાં કોઈ પણ માણસ માત્રના માથે ઝપટીને ઠોલો મારી આવતો. કામણગારીની અદેખાઈથી એ પીડાતો ઝંખવાતો, ખિસિયાણો થઇ જતો. જેની તાનમાં કદીક ગુલતાન રહેતો, એ પણ હવે તેને ગમતી નહોતી. કામણગારીથી અળગો અળગો રહેવા લાગ્યો. એ ચિઢાવાનું કારણ પૂછતી તો કલ્લુ બમણો ચિઢાતો. કાગડા અને કોયલની મૈત્રી કેટલી ટકે ? ધીમે ધીમે બંને વચ્ચેની તિરાડ વધતી ગઈ. કામણગારીને મહેનતુ, કર્મઠ, પરિવાર વત્સલ કલ્લુ બહુ ગમતો એટલે એ બિચારી પાસે આવવાનો, મનાવવાનો પ્રયત્ન કરતી. પણ કલ્લુ તો ક્રોધે ભરાઈને તેની પાછળ પડી જતો. આંબા ડાળે એણે બેસવા જ ના દ્યે..

શ્યામાને ‘સારા દિવસો’ જઇ રહ્યાં હતાં. માળો તૈયાર હતો. ગમે ત્યારે ઈંડા મૂકવાની તૈયારી હતી. પણ, કામણગારીની કુહૂ કુહૂથી બંને ત્રાસી ગયાં હતાં. અજાણ્યા દેશમાં પરદેશી એવી કામણગારી મૈત્રીના હૂંફે જ તો આવીને વસી હતી. અને, ઈર્ષ્યામાં બળતો કલ્લુ કંઈ જોઈ, સમજ નહોતો શકતો.

થોડા દિવસથી કામણગારી પણ પોતાનાં પંડમાં અજાણ્યો ફેરફાર અનુભવતી હતી. શરીર ભારે ભારે હતું. મન વિહ્વળ થઇ જતું. ગાતાં ગાતાં રડી પડતી. ઉપરથી મિત્ર સાથેનો અણબનાવ.. એક દિવસ કાળજાના કટકા કરી નાખે એવી દુઃખ ભરી તાન છેડીને એ ગાવા લાગી. શ્યામાએ તાજે તાજા ઈંડા મૂક્યા હતાં. કામણગારીની કુહૂથી એ કંટાળી ગઈ. કલ્લુને ઘાટો પાડીને બોલાવ્યો. કાનમાં ભંભેરણી કરી. બંને જણે કામણગારીને ઉડાડવાના ઘણાં પ્રયત્નો કર્યા.. આજે કામણગારી પણ જીવ પર આવી જઇ ટેર લગાવી રહી હતી. છેવટે ત્રાસીને કલ્લુ અને શ્યામા હારી ગયેલા જીવની જેમ માળો મૂકીને બીજે ઉડી ગયાં. એકલવાયી કામણગારી શાંત થાય, પછી જ આવશું...

કામણગારીએ શ્યામાનો રેઢો માળો જોયો. એના મનમાં વાત્સલ્ય ઉમટી આવ્યું. એ શ્યામાના ઈંડાને પંપાળવા માળામાં જઇ ચઢી. બે પાંચ વાર જોરથી ટેર લગાવી. તેના હૈયામાંથી હેત ઉભરાઈ પડ્યું. શ્યામાના ઈંડાને પસવારતી વખતે કામણગારીના શરીરનો કોઈ ભાગ ઓગળીને છૂટો પડતો હોય, એવું તેને લાગ્યું. એણે બે મજ્જાના ઈંડા ત્યાં મૂક્યા. અંતરનો અજંપો શાંત થયો. શરીરનું વાવાઝોડું શાંત થતાં તે ગુમસુમ થઈને ઉડી ગઈ. કલ્લુ અને શ્યામા પાછા આવ્યા ત્યાં સુધીમાં તો બેની સાથે બીજા બે ઈંડા ગોઠવાઈ ગયાં હતાં. એ બંનેનું ગણિત ખૂબ નબળું. ઈંડા ગણતા આવડે જ નહીં. શ્યામાએ મમત્વની હૂંફ સકોરીને ચારે ચાર ઇંડાઓને પોતાની પાંખમાં સમાવી લીધા. બીજા બે ઈંડા પણ તેના બે ઈંડા જેવા જ ગોળમટોળ હતાં. શ્યામા દિવસને રાત ઈંડા ઉપર પાંખો પાથરીને બેસી રહેતી. કલ્લુ મિગ વિમાનની જેમ ડાઈવ લગાડીને જાત જાતની વાનગીઓ લઇ આવતો.

તેવામાં શ્રાધના દિવસો આવ્યા. લોકોને કલ્લુ અને શ્યામાની ભીતર પોતાના માતા પિતા દેખાવા લાગ્યાં. તેઓ દર રોજ ખીર-પૂરી-મિષ્ઠાન્નનું ભોજન ભાવપૂર્વક જમાડતાં. શ્યામાને જામો પડી ગયો.

કામણગારી એક ખૂણામાં ઝૂલતી આ બધું જોયાં કરતી અને ક્યારેક હરખથી એકાધ ટહુકો કરી લેતી. જોકે એ ટહુકામાં તેના મનની પીડા છતી થઇ જતી. એક દિવસ એ ટીસ અચાનક ચીસ બની ગઈ. કામણગારી – કલ્લુ અને શ્યામા અને આંબો અને માળો અને ઈંડાને કાયમ માટે મૂકીને પોતાનાં દેશ પાછી જવા માટે ઉડી ગઈ... આવતી વસંતમાં ફરી પાછી આવશે – એવો વાયદો કરીને !

~ કુમાર જિનેશ શાહ. 126, 10 B/C.

વિદ્યાનગર, રાધેશ્યામ બંસલ માર્ગ.

ગાંધીધામ, કચ્છ. મો-9824425929.