Tu pati thayo... pati nathi gayo.. books and stories free download online pdf in Gujarati

તું પતિ થયો... પતી નથી ગયો..

આજે પાંચ પાંચ વર્ષ લગ્ન જીવન ને થયા ત્યારે સંધ્યાને લાગ્યું કે એ કંટાળી ગઇ છે. ભગત સાંજે ઓફિસમાંથી ઘરે આવે, ત્યારે સંધ્યા રોજ પૂછે, ‘ચા બનાવું? તમે થાકી ગયા હશો.’

‘ના રે, મારે કયાં શારીરિક મજૂરી કરવાની હોય છે? ખુરશી પર બેસીને હાથ હલાવવાના, ફાઇલો તપાસવાની એમાં થાક શેનો લાગે?. તું બેસ, હું બે કપ ચા બનાવી લાવું.’ ભગત કિચનમાં ધસી જતો.

‘આજે રસોઇ કેવી બની છે?’ આ સવાલ સંધ્યાએ પાંચ વર્ષમાં પાંચ હજારવાર પૂછ્યો હશે. ઘણીવાર તો જાણી જોઇને દાળમાં મીઠું વધારે નાખી દેતી.

બીજો પતિ હોય તો થાળી પછાડીને ઊભો થઇ જાય.પણ ભગત સ્વામીનો એક જ જવાબ હોય : ‘ફેન્ટાસ્ટિક! તારા હાથની રસોઇ ખાઇને મને તો એમ થાય છે કે તારી આંગળીઓ ચાટી જઉ!’

‘આજે પગારની તારીખ છે. પગાર થશે ને? એક હજાર રૂપિયા મારા હાથમાં મૂકી દેજો. મારે કપડાં ખરીદવા છે.’ સંધ્યા બે-ચાર મહિને આવો હુકમ સંભળાવી દેતી. કોઇ પણ પતિ ગુસ્સો કરી બેસે કે આ શું માંડયું છે! પણ ભગતના શબ્દ કોષમાં ક્રોધ નામનો શબ્દ જ ન હતો.

સાંજે ઘરે આવીને એ પૂરો પગાર પત્નીનાં હાથમાં મૂકી દે, ‘લે, આમાંથી તારે જેટલા રૂપિયા વાપરવા હોય તેટલા વાપર! બાકી વધે એ પાછા આપજે. હું જે કંઇ કમાઉ છું એ તારાં અને બાળક માટે જ છે ને!’

એકધારું સપાટ જીવન. કશી જ ઉબડ-ખાબડ ન મળે. ઘરમાં સ્મશાનવત્ શાંતિ જોવા મળે. ભગત પહેલેથી જ મૌનનો માણસ. ખપ પૂરતી વાત કરે. સંધ્યા પૂછે એટલાનો જ જવાબ આપે.

સંધ્યા કંટાળી જતી તો સોશિયલ નેટવર્કનો સહારો લઇને ટાઈમપાસ કરી લેતી. ને ધીરે ધીરે સોશિયલ નેટવર્કમાં અનેક જુના મિત્રો મળ્યા. તે તેઓની સાથે કલાકો સુધી વાતો કરતી રહેતી.

દિવસોના દિવસો વિતતા ગયા. સંધ્યા આજકાલ ભગત પર ધ્યાન ના આપતી અને મોબાઈલમાં જ ખોવાયેલ રહેતી. તેના સ્વભાવમાં ફેરફાર દેખાતો હતો. ઘરની બહારનો અવરો જાવરો વધી ગયો હતો.

ભગતનું આજે ઓફીસના કામમાં મન લાગતું નહતું. ભગતનું મગજ ઘૂમતું હતું. તેનું કારણ એક નનામો ફોન હતો. ‘તમારી રૂપાળી ઘરવાળી ઉપર જરા નજર રાખો. તમારા ઘરે તમારી ગેરહાજરીમાં છેલબટાઉ જુવાનીયાઓને રોજ ઘરે બોલાવે છે.’

ભગત અને સંધ્યા. બંનેની સરખામણી કોઇ વાતે શકય જ નથી. એ બેયની વરચે એક માત્ર સામાન્ય બાબત તેમનો સારો દેખાવ હતો. સંધ્યા બ્યુટીફુલ હતી અને ભગત હેન્ડસમ.

ભગત તદ્દન આવેગ રહીત સાવ ‘ભગત’ જેવો, જયારે સંધ્યા તમામ જાતનાં આવેગોથી ઊભરાતી છોકરી.

ભગતને પ્રેમમાં પાડવા માટે સંધ્યાએ જ ખેંચ્યો હતો. તેઓ બંને સાથે જોબ કરતા હતાં, ત્યારની વાત. ક્યારેક બંને ઓફીસની કેન્ટીનમાં ભેગાં થઇ જતા. તે દરમિયાન ચા પીતા પીતા ભગત સંધ્યા તરફ બસ નજર ફેરવી લઇ ને જોઈ લેતો, એકવાર જોયું, બીજી વાર જોયું અને જયાં ત્રીજીવાર એની દિશામાં નજર ફેંકી એ સાથે જ સંધ્યા વિફરી, ‘કયારનો આમ આંખો ફાડીને જોયા શું કરે છે?’

ભગત ગેંગેં-ફેંફેં થઇ ગયો, ‘હું… કયાં… મેં તો બસ, એમ જ…’

‘જૂઠ્ઠું શા માટે બોલે છે? કહેતો કેમ નથી કે હું સુંદર લાગું છું માટે તું મને જોયા કરે છે?’

‘હા, તું સુંદર તો છે જ… પણ…’

‘શરમ નથી આવતી? પોતાની જાત સાથે છેતરપિંડી કરે છે? હું તને ગમું છું તો કહી દે ને કે ‘આઇ લવ યુ’. તારા કરતાં તો હું છોકરી હોવા છતાંયે બહાદુર છું. તું મને ગમે છે તો આ તને છડેચોક કહી દીધું.’

‘શું કહી દીધું?’

‘તું મને ગમે છે. સરેઆમ, છડેચોક એનાં પ્રેમની જાહેરાત કરી દીધી.

ભગતે ભલે બહારથી દેખાડયું નહીં, પણ અંદરખાને લોટરી લાગી હોય એટલો આનંદ હતો.

એક બાજુ પ્રેમપ્રકરણની શરૂઆત થઇ હતી ત્યાં જ તેને કોઈ કારણસર નોકરીમાંથી રાજીનામું આપવું પડ્યું.

હજુ તેના આઘાતમાંથી બિચારો બહાર આવે ત્યાં તો સંધ્યા એ બોમ ફોડ્યો., ‘હવે લગ્ન કયારે કરવાં છે?’

‘હજી નોકરીના ઠેકાણાં તો પડવા દે!’ ભગત થોડા ચીડાયને બોલ્યો..

‘હું તારી કમાણી જોઇને પ્રેમમાં નથી પડી. નોકરી તો બીજી મળવાની જ છે ને! એના માટે લગ્ન પાછાં ન ઠેલાય.’

‘પણ હું તને રાખીશ કયાં?’

‘કેમ,તારા પપ્પા ફૂટપાથ ઉપર રહે છે?’ સંધ્યાએ ગોફણમાંથી છૂટેલા પથ્થર જેવો સવાલ પૂછી નાખ્યો.

‘અરે! તું સમજતી કેમ નથી?

હું માનું છું ત્યાં સુધી તારાં ઘરેથી વિરોધ કરશે ’

‘વિરોધની કયાં વાત કરે છે? મારા પપ્પા તો તને પાતાળમાંથી શોધી કાઢશે ને પછી ઠાર મારશે!’ સંધ્યાએ એનાં દુપટ્ટાનો છેડો હાથમાં રમાડતાં માહિતી આપી, ભગત દસ-બાર વાર ધ્રૂજી ગયો.

‘તો પછી મારે તને લઇને સંતાવું કઇ જગ્યાએ? મારા ઘરનાં બારણાં તો બંધ જ સમજી લેજે.’ ભગત રડવાની તૈયારીમાં હતો અને સંધ્યા હસતી હતી. આ સંધ્યા હતી. ગરમ ખૂનવાળી છોકરી.

અંતે સંધ્યાએ જેમ ધાર્યું હતું તેમ જ થયું. એક સાંજે બંને નાસી ગયાં. મિત્રોના ઘરે લપાતાં-છૂપાતાં, બે ચાર દિવસે આશરો બદલતાં, કોઇ પરિચિત એમને જોઇ ન જાય એટલા માટે સૂરજના અજવાળામાં ઘરમાં જ ગોંધાઇ રહેતાં, ઊછીના-ઊધાર રૂપિયા માગીને પૂરો એક મહિનો એમણે પસાર કરી દીધો. ત્યાં સુધીમાં સંધ્યાનાં પિતાએ તમામ ધમપછાડા કરી નાખ્યા.

છેવટે બંને પક્ષના વડીલોએ હથીયાર હેઠા મૂકી દીધા. છાપામાં જાહેરખબર છપાવી દીધી, ‘તમે બંને જયાં હોય ત્યાંથી પાછા આવી જાવ. અમે તમારા વિધિસરના લગ્ન માટેનું મુહૂર્ત કઢાવી રાખ્યું છે. તમને કોઇ વઢશે નહીં.’

સંધ્યા ધન્ય થઇ ગઇ. બંને ગુપ્તાવાસમાંથી બહાર નીકળ્યાં. પરણી ગયાં. સાથે ભગત ને બીજી નોકરી પણ મળી ગઈ અને શરૂ થયો એમનો સંસાર. ભગત એક સંપૂર્ણ આજ્ઞાંકિત પતિ સાબિત થયો. પાચ વર્ષનું સહજીવન, એક દીકરો, સુખી જીવન માટે જરૂરી તમામ સુવિધાઓ અને એક પણ વાર ઝઘડો નહીં! આનાથી વિશેષ કોઇ પણ સ્ત્રીને શું જોઇએ?

પાંચ વર્ષમાં એણે પોતાની પત્નીને ઠપકાનો એક શબ્દ પણ કહ્યો ન હતો. અત્યારે પણ એ કદાચ એને રાજીખુશીથી લગ્નના બંધનમાંથી આઝાદ કરી દેત. પણ સવાલ પોતાના બાળકના ભવિષ્યનો હતો. સંધ્યા ચાલી જાય તો તેનું કોણ? ભગતને એની પત્નીમાં પૂરો વિશ્વાસ હતો. એણે કશું જ ન કર્યું હોઈ.

બપોરના ત્રણ વાગ્યા હતા. વળી ફરી કોઇએ ફોન કરીને ભગતના કાનમાં ફૂંક મારી, ‘તારી પત્ની પેલા લોફરની સાથે તારા ઘરમાં છાનગપતિયા કરે છે.’

ભગતના દિમાગની સ્પ્રીગ છટકી. બાઇક મારી મૂકી અને સીધો ઘરે પહોંરયો. રસ્તામાંથી ત્રોફાવાળો વાપરે તેવો મોટા ધારદાર છરો ખરીધો અને મનમાં જ વિચારતો હતો કે જો કઈ આડું અવળું હશે તો જોવા જેવી થશે. ઘરનો દરવાજો બંધ હતો ને અંદરથી જોર જોર થી અવાજ આવતા હતા. ભગતે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો અને ભગતે અંદર જે જોયું તે જોઈ ને દંગ રહી ગયો.

સંધ્યા પણ અચાનક ભગત ને આજે શિવના રુદ્ર અવતાર, વિખરેલા વાળ, આંખોના ડોળા મોટા, કપાળમાં શ્રીતીજની રેખાઓ, અને હાથમાં મોટો છરો, આ બધું જોઈને સંધ્યા બસ બેભાન થવાની અણી ઉપર જ હતી. પણ જેમ તેમ કરીને તેણે પોતાની જાતને સંભાળી..

ઘરનો માહોલ જોઇને ભગત દંગ તો રહી ગયો પણ સાથે સાથે આશ્ચર્ય સાથે નજર આમ તેમ ફેરવી રહ્યો હતો.. ઘરમાં હતા તે બધા ભગત અને સંધ્યાના મિત્રો હતા !

એ રાત્રે પહેલીવાર સંધ્યા પતિને અદમ્ય આવેગથી વળગી પડી હતી અને પૂછી રહી હતી, ‘આટલો બધો ગુસ્સો હતો તો અત્યાર સુધી કયાં સંતાડી રાખ્યો હતો? તમને એટલુંયે ભાન નથી કે સ્ત્રીને માત્ર પતિ નહીં, કયારેક કયારેક ધણી પણ ગમતો હોય છે?’

‘આખરે સંધ્યાએ તેના મિત્રો સાથે રચેલા આખા નાટકની વાત ભગત સ્વામીને કરી !’ અને બંને એક બીજાને વળગી પડ્યા..