Luntai rahu chhe badpan books and stories free download online pdf in Gujarati

લૂંટાઈ રહ્યું છે બાળપણ..

લૂંટાઈ રહ્યું છે બાળપણ..

*************************

નિર્દોષ, નિર્મળ, નિજાનંદમાં મ્હાલતી જીવનની અનેરી અવસ્થા એટલે બાળપણ. જીવનની પાંચ અવસ્થાઓ – બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં સહુથી સરસ, સુંદર, સરળ અવસ્થા હોય છે બાલ્યાવસ્થા. આ એક એવો અવસર છે કે જ્યારે જીવનની જડ જવાબદારીઓનો બોઝ ઉપાડવો પડતો નથી. જીવનને મુક્ત મને માણી શકાય છે. તેની પુરતી મજા મેળવી શકાય છે.

પરંતુ, હવે પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી. સમયની સાથે સંસારની વિચારસરણી બદલાતી રહે છે. આપણી આજુ બાજુનું આર્થિક, સામાજિક, વૈચારિક વાતાવરણ પલટાતું જાય છે. જેના કારણે જીવનની કોમળ અનુભૂતિઓની આ દુનિયાનો દાટ વળી રહ્યો છે.

બાળકોથી તેમનું બચપન લૂંટવા માટે સૌથી પહેલું આક્રમણ ઘરોઘર જામી પડેલા ‘ઇડીયટ-બોક્સ’ નામના ટેલીવિઝનએ કર્યું છે. આજે બાળકો ભણવા સિવાયની તમામ ઈતર પ્રવૃતિઓનો ત્યાગ કરીને ટી.વી.ના રંગમાં રંગાઈ ગયાં છે. સ્કૂલ જવું ફરજીયાત હોતાં ભણવા તો જાય છે પણ ત્યાંથી પાછા વળતાં જ ટી.વી. સામે ગોઠવાઈને બેસી જાય છે. હોમ-વર્ક નહીં થાય તો ‘મિસ’ આગળ બહાનું બનાવી કાઢશે, બાકી એમને ગમતો એકેય પ્રોગ્રામ ‘મિસ’ ના થવો જોઈએ !

આર્યમાન, સોનપરી, બાલવીર, શાકાલાકા બૂમ બૂમ જેવા કાર્યક્રમોની સાથે સતત જોવાં માટે ચોવીસે કલાક ચાલતાં કાર્ટુન નેટવર્ક તો છે જ. બોબ ધ બિલ્ડર, મોગલી અને નોર્ડી જેવા પાત્રોમાં અટવાયલા બાળકોએ પોતાનો સોનેરી સમય, અસીમ કલ્પના શક્તિ અને આંખોની દૃષ્ટિને જોખમમાં મૂકી દીધી છે.

સંયુક્ત પરિવારો ઝડપથી તૂટી રહ્યાં છે. મા-બાપથી અલગ પોતાની નાનકડી દુનિયા વસાવીને રહેતાં યુવાનોના ઘરમાં એકલદોકલ બાળક જ હોય છે. આર્થિક સંકડામણને પહોંચી વળવા મમ્મી-પપ્પા બંનેને નોકરી કરવી પડતી હોય, ત્યારે તેઓ જાતે જ એકલવાયા બાળકને ટી.વી.નું વ્યસન લગાડી દેતા હોય છે. આમ દાદીમા અને નાનીમાઓની જીવન મર્મ સમજાવતી, પ્રેરક, બોધગમ્ય વાર્તાઓ છૂટતી જાય છે.

શારીરિક અને માનસિક વિકાસ થઇ શકે એવી રમત ગમત માટે હવે તેની પાસે સમય નથી રહ્યો. ‘નાની કી કહાની’ અને તેની સાથે જાણે પેલી ‘કાગજ કી કશ્તી ઔર બારીશ કા પાની’ પણ ગુમ થઇ ગયાં છે. સમાન વયના મિત્રો સાથે નહીં રમવાના કારણે તેમનામાં મૈત્રી, સહિષ્ણુતા, સદાચાર અને સંવેદના જેવા ઉચ્ચ માનવીય ગુણોનું પૂરતું સિંચન થઇ શકતું નથી. અણસમજુ બાળક ‘શક્તિમાન’ જેવા કાલ્પનિક પાત્રનું આંધળું અનુકરણ કરવા જતાં પોતાના જીવનને જોખમમાં મૂકી દે છે. એવું નથી કે ટી.વી. પર સારા જ્ઞાનપ્રદ ને માહિતી સભર કાર્યક્રમ નથી આવતાં. પણ એને જોતાં આપણે શીખવાડવું પડશે.

ટી.વી.નું ‘ભૂત’ શમે એથી પહેલાં મોબાઈલનું ‘પલિત’ જાગ્યું. બિનજરૂરી જ્ઞાન અને જાણકારીની જે કમી રહી ગઈ હતી તે હવે મોબાઈલ યુગમાં પૂરી થઇ ગઈ છે. બાળકના હાથમાં રમકડાની જેમ રમવા આપેલાં મોબાઈલનું એને એડીક્સન થઇ ગયું છે. પાંચ-સાત વરસના બાળકને પણ તેના બધાં જ એપ્લીકેશન ઓપરેટ કરતાં આવડી ગયા હોય છે. એનું કુમળું માનસ સારા નરસામાં ભેદ પાડી શકતું નથી. પરિણામે વધુ પડતું જ્ઞાન મેળવીને બાળકો સમયથી પહેલાં પોતાના બાળપણની નિર્દોષતા કચડી નાખે છે. તેઓ સમયથી પહેલાં ‘મોટા’ થઇ રહ્યા છે. એમનાં બાળપણ ઉપર આ સીધી લૂંટ જ છે ને ?

બાળકોથી તેમનું બાળપણ ઝૂંટવી લેવામાં ટી.વી. કે મોબાઈલની જેમ આધુનિક ભણતરનો પણ એટલો જ વાંક છે. સૌથી પહેલાં તો આજની મારક હરીફાઈના યુગમાં જાતને પુરવાર કરવા માટે પોતાની માતૃભાષા કે રાષ્ટ્રભાષાને નેવે મૂકીને એ સાવ પારકી, અજાણી અંગ્રેજી ભાષા શીખવાની કવાયતમાં પોતાના મગજનું દહીં કરી રહ્યો છે. માતૃભાષામાં ભણવું કે શીખવું સ્વાભાવિક રીતે ખૂબ જ સહેલું હોય છે. ઘરમાં ઉઠતા-બેસતાં બધો વહેવાર એજ ભાષામાં કરતાં હોવાથી તેનું શિક્ષણ વધુ સરળ રહે છે. પણ હવે જમાના સાથે કદમતાલ મિલાવીને ચાલવા માટે કદાચ અંગ્રેજીનો અભ્યાસ અનિવાર્ય થઇ ગયો છે.

ભારરૂપ શિક્ષણની સાથે ચોપડાઓની બોઝ રૂપ સંખ્યા જોતાં તો એમ લાગે કે જાણે બાળક ‘વેટ લિફ્ટિંગ’ ની પ્રેક્ટીસ કરી રહ્યું ના હોય ! ક્યારેક એવોયે ભય ઉપજે કે આમ ભાર ઉચકતા ઉચકતા ક્યાંક એમનાં કમરનો મણકો ખસી જશે કે પેચોટી પડી જશે. પોતાના કદ કરતાં મસ્સમોટી બેગ ઊંચકીને સ્કૂલે જતાં બાળકને જોઈને લાગે કે જાણે શિક્ષણ તંત્રના વૈતાલી-શબને પોતાના ખભે ઉપાડીને કોઈ હઠી રાજા વિક્રમાદિત્ય જઈ રહ્યો છે. અને તેનું હોમ વર્ક પણ કેટલું ? કે સવારે સ્કૂલ ગયેલું બાળક બપોરે ઘેર આવી બે કલાક એને પૂરું કરવામાં ગાળે ત્યાં ટયુશનનો ટાઈમ થઇ જાય. ટયુશન ગયાં બાદ ફરી તેનુંય હોમ વર્ક તો ખરું જ. “ભણ – ભણ અને ભણમાં મણ – મણ અને મણનાં ભાર તળે બચપન ચગદાય છે.’ ત્યારે ડૉ. રાજેશ રેડ્ડીનો એક પ્રખ્યાત શે’ર યાદ આવે છે –

बच्चो के नन्हें हाथों को चाँद - सितारें छूने दो..

दो-चार किताबें पढ़ कर वो भी हम जैसे हो जायेंगे.

આ બધું જાણે ઓછું હોય તેમ આજકાલ વાલીઓમાં પોતાના બાળકોને નિત નવા હુનર શીખવાડી તેની સરખામણી હાલતાં ચાલતાં બીજાં સાથે કરીને ‘મોટાઈ’ બતાવાનો નવો ક્રેજ શરૂ થયો છે. સ્વીમિંગ, સિંગિંગ, શુટિંગ, ડાન્સિંગ, ડ્રોઈંગ, પેન્ટિંગ, ટ્રેકિંગ, સ્ટેજ પરફોર્મન્સ, આર્ટ ઓફ સ્પીચ, કમ્પ્યુટર, મ્યુઝિક, યોગા, જિમ જેવી દરેક કળામાં પારંગત થાય તો સમાજ, સોસાઈટી કે કિટી પાર્ટીમાં તેના વખાણ કરીને પોતાના અહમનું પોષણ આજની નૂતન ફેશન થઇ ગઈ છે. ઉપર લખેલાં ગુણો બાળકમાં કુદરતી રીતે જ હોય તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. પણ તેના માટે બિનજરૂરી દબાણ લાવીને તેના બચપણને જ ચગદી નાખવું, એ તદ્દન અપરાધ ગણાવો જોઈએ. વાલીઓના આવા ગાંડપણને સમર વેકેશન ક્લાસિસ વાળા વધુ ઉત્તેજન આપે છે. ઉનાળાની કે ક્રિસમસની લાંબી રજાઓ આવી નથી કે બાળકના રમત ગમત ભર્યા બાળપણ ઉપર કાપ મૂકીને આ અત્યાચાર ગુજારાયો નથી. બાળપણના ભોગે કેળવાતા આવા હુનર કદાચ આજના પ્રતિસ્પર્ધાત્મક યુગમાં જરૂરી થઇ પડ્યા છે.

આ તમામતર કારણોથી ઉપર આપણાં દેશની ગરીબી એ બાળપણના લૂંટાવાનું મોટામાં મોટું કારણ છે. ગરીબી, બાળકોના બાળપણને બરબાદ કરીને તેને બાળ મજૂરીની ખીણમાં ધકેલી રહી છે. દિવસો દિવસ બાળ મજૂરોની સંખ્યા વધતી જાય છે. અને તેના રાક્ષસી પગ તળે બાળપણ કચડાઈ રહ્યું છે.

૧૪મી. નવેમ્બરના બાળ દિવસ નિમિત્તે દેશના કર્ણધાર જેવો નેતા કોઈ બાળકના હાથે પોતાની ગાંધી ટોપી ઇસ્ત્રી કરાવી, કોઈના હાથે કાળા બૂટ પર પોલીસ ચમકાવી, કોઈ બાળકના માથે પોતાના સામાનનો ભાર ઊંચકાવીને, કોઈ બાળકના હાથે ફૂલોની માળા પહેરીને “બાળકોના મરી પરવારતાં બચપન” ઉપર એક લાંબુ ભાષણ ફટકારી મારશે.. અને, પોતાની ફરજ બજાવી હોય એવો ખોટો દંભ સેવશે. આવા સમયે બાળકોના બાળપણને અભિવ્યક્ત કરતી એક કવિતા ટાંકવાની ઈચ્છા અસ્થાને નહીં કહેવાય –

આ તો છે,

કોક બગીચાના બાંકડે બેઠું બચપન,

આકાશ ઓઢી આળોટતું બચપન,

વન વગડામાં વૃક્ષોને વંટોળ બની વળગતું બચપન !

જે સુંદર સુંવાળા સ્વપ્નોની સોડ તાણી સૂઈ રહે..

જે કદંબની કૂણી કૂણી કિસલય થઇ કોળ્યા કરે..

જે ફૂલડે ફૂલડે ફોરમ સૂંઘવા ફર્યા કરે..

જે મહેરામણનાં મોજાં પર મન મૂકી તર્યા કરે..

જે આંબાની ડાળ પર કોયલ થઇ હીંચક્યાં કરે..

જે વાસંતી વાયરાને વાળમાં વેણી સમ પહેર્યા કરે..

જે કોક નદીમાં નમણી નાજુક નાવ થઇ તર્યા કરે..

જે લખોટી અને પાંચીકાને સોનું સમજી સંઘર્યા કરે..

જે પરમાત્માની પાંપણોમાં પ્રેમની પેઠે પાંગર્યા કરે..

એવાં એ નિર્દોષ બચપનમાં

કહે તો કોઈ જોઉં શું શું હોય ?

એક અંજલિ આકાંક્ષા..

એક મુઠ્ઠી મસ્તી..

એક ખોબો ખટપટિયાપણું..

અને ખિસ્સામાં ઠાંસી ઠાંસીને ભરી ખોચોખીચ શમણાં

એ તો મ્હાલે દિવસ અને રાત..

બસ,

નિરાંત – નિરાંત – નિરાંત..

(દુનિયાનું જે થવું હોય તે થાય – એની કોણ કરે પંચાત ?)

~~~~~~~ કુમાર જિનેશ શાહ ~~~~~~

૧૨૬, ૧૦ બી.સી., વિદ્યાનગર, ગાંધીધામ. ૯૮૨૪૪૨૫૯૨૯.