Bhartiy sanskrutina pratiko books and stories free download online pdf in Gujarati

ભારતીય સંસ્કૃતિના પ્રતીકો

ભારતીય સંસ્કૃતિના પ્રતીકો

નીતા શાહ. 'સ્વસ્તિક'


વારે તહેવારે હું વહેલી સવારે નિત્ય ક્રમથી પરવારીને સૂર્યનારાયણ ને જળ ચઢાવીને ઉંબરાપૂજન કરતી. ત્યારે મારી સાત વર્ષની દિકરી ભૂમિ આગળ-પાછળ ફરતી. એક દિવસ હું ઉંબરાપુજન કરતી'તી બંને બાજુ કુમકુમ ના સાથીયા અને વચ્ચે લક્ષ્મીજીના પગલા બનાવતી’તી. અચાનક ભૂમિ બોલી,'' મમ્મા આપણે સ્વસ્તિક ની જગ્યાએ સ્માઇલી ડ્રો કરીએ તો ? મને તો સ્માઇલી બહુ જ ગમે .'' નાની અમથી બાળકીના મગજ માં કેટલો સુંદર વિચાર...! ત્યારે મેં નક્કી કર્યું કે વાતો વાતો માં મારે મારી દિકરી ભૂમિ ને આપણી સંસ્કૃતિના પ્રતિકો વિષે સાચી સમજણ આપીશ જ ! કારણ મગજ માં ખોટી વાત ઠસી જાય પછી એ કાઢીને સાચી વાત ઠસાવવી અઘરી હોય છે. જે રીતે મારા મમ્મી પણ વાર્તા કહેતા કહેતા આવી અમુલ્ય વાતોને પણ ગુંથી લેતા એ મને આજે પણ યાદ છે.

'' સ્વસ્તી ન: ઇન્દ્રો વૃધ્ધશ્રવા:
સ્વસ્તી ન: પૂષા વિશ્વ-વેદા:''

કોઈ પણ મંગલ કાર્યના પ્રારંભમાં બ્રાહ્મણો આ સ્વસ્તી મંત્ર બોલે છે. જેમ ઈલેક્શન વખતે નિશાન જોઇને આપણે વોટ આપીએ છીએ તેવી જ રીતે દરેક વ્યક્તિ સ્વસ્તિક ના નિશાન દ્વારા પોતાના શુભકાર્યનું માંગલ્ય ઈચ્છે છે. સુ+અસ =કલ્યાણ ની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ ! એક ઉભી રેખા અને તેના પર બીજી આડી રેખા તેના જેટલી જ લાંબી એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી. ઉભી રેખા જે વિશ્વની ઉત્પત્તિનું કારણ છે અને જ્યોતિઁલીંગ નું સુચન કરે છે. આડી રેખા એ વિશ્વ નો વિસ્તાર બતાવે છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુ ના ચાર હાથ જે ચારે દિશાનું પાલન કરે છે. સ્વસ્તિકનું મધ્યબિંદુ એ દેશ અને કાળનું મિલનબિંદુ છે. આમ સ્વસ્તિક ના પ્રતિક માં જ માંગલ્ય ભાવના રહેલી છે.

* પરણનાર નવદંપતીનું આજીવન સખ્ય રહે તે માટે પોતાની દ્રષ્ટિ સ્વસ્તિક પર સ્થિર કરવી જોઈએ.

* નવજાત શિશુને છઠ્ઠીના દિવસે સ્વસ્તિક દોરેલા વસ્ત્ર પર સુવડાવવામાં આવે છે. તેનો હેતુ જીવનમાં એ બાળકને સ્વસ્તી-પ્રેમ પ્રાપ્ત થાય છે.

* વિખુટા પડેલા સ્વજનોમાં ફરી મિલન સંયોગ થાય તેના માટે સ્વસ્તિકની પૂજા કરવાની પ્રથા છે.

* દિવાળીના દિવસે ચોપડાપૂજન કરી તેમાં કુમકુમના સાથિયા દોરવાની પાછળ પણ આવનારું નવું વર્ષ સૌભાગ્ય સમ્પન્ન, સમૃદ્ધ અને માંગલિક બને તે ભાવ રહેલો છે.

* ચાતુર માસમાં મંદિરમાં ભગવાનની પાસે સાથિયા અને અષ્ટદળની રંગોળી કાઢનાર સ્ત્રીને વૈધવ્યનો ભય રહેતો નથી.

* ઉંબરાપુજનમાં પણ બહેનો સાથિયા કરે છે તેની પાછળ પણ આ જ ભાવ છે. '' પ્રભુ મારા ઘરમાં જે પણ વૈભવ છે તેને પવિત્ર રહેવા દો. અનર્થ થી મેળવેલો વૈભવ જીવનમાં પણ અનર્થ સર્જે છે. બહારથી હસતું પણ અંદરથી રડતું જીવન મને માન્ય નથી.''

સ્વસ્તિક એટલે કલ્યાણ નું કાવ્ય. સર્વ દિશાઓની સૌરભ, પુરુષાર્થનું પ્રેરક બળ, સર્જનહારની સહાયનું સુચન ! આમ સ્વસ્તિક એ આપણી ભારતીય સંસ્કૃતિની અતિ પ્રાચીન ધરોહર છે. એનું મુલ્ય સમજવું અને સાચવવું આપણી ફરજ છે.

ઘણી વાર આવનાર નવી પેઢી આપણને પૂછે તો આપણી પાસે સાચા જવાબ નથી હોતા. ગોળ ગોળ વાત કરીએ છીએ અથવા તો વાત ને ટાળીએ છીએ. જેમ કે મારી મમ્મી કરતી હતી એટલે હું કરું છું અને એટલે તું પણ કરજે. આવી વાતો આ નવી જનરેશન સ્વીકારશે ? અપનાવશે ? શું લાગે છે આપને ?

નીતા શાહ

##લતા સોની કાનુગા ''શ્રીફળ''

જોકે દરેક ધર્મમાં પ્રતીક નું મહત્વ હોય છે.
આજે આપણે શ્રીફળ વિશે વાત કરશું. પણ એ પહેલા થોડી પુર્વ ભૂમિકા પ્રતીક અને તેનાં મહત્વ વિશે કહું.
હિન્દુ સંસ્કૃતિમાં પ્રતીકો નું ખૂબ મહત્વ છે. ભગવાન ને આપણે નિરાકાર ને આકાર એમ બે ભાવ થી પુજીએ છીએ. આપણે ભગવાન ને જે આકાર ભાવથી પુજીએ છીએ એ પણ એમનાં સ્વરૂપના પ્રતીકો ની જ પૂજા કરએ છીએ. કોઇએ ભગવાન ને જોયા નથી છતાં એ દરેક ભગવાન નાં અલગ અલગ પ્રતીક ને લીધે ભગવાન ને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ. જેમ કે શિવજી ને લિંગ સ્વરૂપે પણ ઓળખીએ છીએ.
એ જ રીતે હિન્દુ ધર્મમાં પૂજન અર્ચન માટે નાં પણ અલગ અલગ પ્રતીકો હોય છે. દરેક પ્રતીકો નું આગવું સ્થાન છે.
શ્રીફ્ળની જ વાત કરીએ તો કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના, સારા માઠા પ્રસંગે શ્રીફળ વગર ન ચાલે. બાળક નાં જન્મ પછીના નામકરણ વિધી થી લઈ ને મૃત્યુ સુધીના દરેક પ્રસંગે શ્રીફળ વગર ન ચાલે. શ્રીફળ નું આટલું બધુ મહત્વ કેમ છે એ વિશે જાણીએ.
શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી જેમ જીવન માં સતત ઉપયોગી છે એમ જ શ્રીફળ પણ આપણાં જીવનમાં સતત ઉપયોગી છે. એનાં એક એક ભાગ નું આગવું મહત્વ છે અને આપણ ને દરેક ભાગ કૈક શીખવી જાય છે.
બહારથી કડક અંદરથી પોચું. બહારથી બરછટ અંદરથી મુલાયમ. એ આપણને એ વાત શીખવે છે કે ભલે વ્યવહારિક રીતે કડક હોવાનો ડોળ કરો તો પણ જરૂર પડે કુટુંબ કે સમાજ માં પોતાના સ્વભાવ ની મૃદુતાથી વહાલ કરો…નરમાશ થી કામ લો. ઘરમાં પિતા મોટેભાગે શ્રીફળ જેવા જ હોય છે. એમની કડકાઈ ને લીધે બધા ડરે. પણ તેમનુ કોમળ હૈયું કેવું હોય છે એનો અહેસાસ દીકરીની વિદાય વેળાએ થયાં વગર ન રહે.
શ્રીફળ ના ઝાડ ને નારિયેળી કહેવાય છે એટલે એના ફળ ને નાળિયેળ પણ કહેવાય છે. શ્રીફ્ળનુ ઝાડ પાતળું ને ખુબ ઊંચું હોય છે છતા વજનદાર ફળો થી લથબથ હોય તો પણ લચી નથી પડતું. જાણે કુટુંબ નો મોભી આખા કુટુંબનો ભાર પોતાને શિરે રાખે તો એ છાતી કાઢીને ચાલે. ઝાડ થી લઈ ને એની દરેક વસ્તુ જીવનમાં ઉપયોગી છે. એનાં પાન ની સળીઓ માથી આંગણું વાળવા નું ઝાડુ બને. શ્રીફળ નાં બહાર નાં છીલ્ટા કે રેસાનો પણ ઉપયોગ પગ લુંછણીયા થી માંડી ને સુવાની પથારી માં પણ ઉપયોગ થાય છે.
શ્રીફળ ને ભગવાન ને ધરી એનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ થાય છે. એ માટે પુરાણ માં ઋષિમુનિઓ એ કઈ રીતે પ્રતીકાત્મક ઉપયોગ શરુ કર્યો એ વાત શ્રી પાંડુરંગજી આઠવલે એ એમનાં પ્રવચન માં તથા એમના પુસ્તક ‘સંસ્કૃતિ પૂજન’ માં પણ ખુબ સારી રીતે સમજ પાડી છે.
પહેલા ભગવાનને ભોગ રૂપે માનવ વધ થતો. એ અટકાવવાના ભાગ રૂપે ૠષિમુનિઓ એ શ્રીફળ નો ઉપયોગ શરુ કયોઁ. પુરુષની જેમ શ્રીફળ બહારથી કડક હોય છે. માનવનો ભોગ લેવાતો ત્યારે શીશનો ભાગ ભોગ તરીકે ધરવામા આવતો અને એની ઉપર એના રકતના છાટા કરાતા. એની જગા એ શ્રીફળનો ઉપરનો ભાગ ભગવાન ને ધરવામા આવે છે ને નીચેનો ભાગ માનવજાત પ્રસાદ રૂપે આરોગે છે. રકત ની જગાએ શ્રીફળના પાણીનો છંટકાવ કરવામા આવે છે.
શ્રીફળ આપણને આપણે કેવું જીવન જીવવુ જોઇએ એ શીખવે છે. આ ફળ દરિયા કિનારે થાય છે એટલે સ્વાભાવિક જ જમીન માંથી ખારુ પાણી ગ્રહણ કરે છે છતા આપણને મીઠુ પાણી આપે છે એ વાતથી એ શિખ આપે છે કે દુનિયામાં કડવા મીઠા અનુભવ આપણને થાય પણ આપણે દુનિયાને મીઠાસ જ આપવી જોઇએ. કોઈ વાર ખોપરાની જેમ મીઠુ ને મુલાયમ તો કોઈ વાર એના પાણીની જેમ મીઠાસ નો અહેસાસ કરાવવો. ખોપરુ લીલુ કે સુકુ હોય એનો ખોરાકમા પણ ભરપૂર ઉપયોગ થાય છે. સુવાવડી ને ધાવણ વધારે આવે એટલે એના મુખવાસ…વસાણા માં ખવડાવવા માં આવે છે. માથામા વાળને મુલાયમ ને વધારવા માટે પણ નારિયેળ ના તેલનો ઉપયોગ થાય છે. દરિયા કિનારા ના લોકો તો નારિયેળ ના તેલનો ઉપયોગ ખાવામા પણ કરે છે. શ્રીફળની શિખા ને બાળી એની ભસ્મ નો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.
આમ આ ફળ આપણને જીવનમા આપણે તન મન ધન થઈ સમાજમા ઉપયોગી થવુ જોઇએ એ પાઠ શીખવે છે.
લતા સોની કાનુગા.

##વત્સલા દેસાઈ 'બિલીપત્ર'

બિલીપત્રનું ઝાડ ગમે તેવી જમીનમાં કે કોઇપણ પ્રકારની આબોહવામાં સહેલાઇથી ઉછેરી શકાય છે.
શિવજીનું ખૂબજ પ્રિય છે. બિલીપત્ર ને શ્રાવણ માસમાં ભક્તો પ્રેમથી ને ભાવપૂર્વક શિવજી પર ચઢાવે છે.શિવમંદિરોમાં બિલીનું ઝાડ લગભગ હોય છે. એ ઝાડ કલ્યાણકારી છે ને તેનાથી હવા પણ શુધ્ધ રહે છે.
બિલીનું વૈજ્ઞાનીક નામ "ઇગલ મામેલોસ (Aegle mamelos) છે. તેનાં ઝાડ બ્રહ્નમદેશ, મલાયા, શ્રીલંકા, પાકિસ્તાન, ફીલીપાઇન્સ ને ભારતમાં પણ જોવા મળે છે.
બિલીપત્રનાં ઝાડ પર "બિલી" નામનું ફળ થાય છે. તેમાં ૧૦૦ગ્રામ ખાવાલાયક પાણી ને પ્રોટીન, ચરબી,કાર્બોહાઇડેટ્રેસ ને કેરોટીન છે. ૫૫ મીલીગ્રામ પોષક તત્વ છે. બિલીનાં પાન, ફળ, છાલ તેમજ મૂળીયાં પણ વિવિધ રીતે ઉપયોગી છે. તેનાં પાનની ઔષધીયો બનાવી જુદાં જુદાં રોગનાં ઉપચાર કરવામાં આવે છે.
બિલી નાં કાચા ફળનું શાક ને અથાણું પણ બને છે. પાકાં બિલી ગળ્યાં લાગે છે, એથી એનું શરબત બનાવી શકાય છે, જે ઉનાળામાં ગરમીમાં રાહત આપે છે. બિલીમાં ઘણાં પૌષ્ટિક તત્વો હોવાથી તેનો અશક્તિમાં ઉપયોગ થાય છે. જુના મરડામા બિલીના ફળનો મુરબ્બો ખુબ રાહતનુ કામ કરે છે. આર્યુવેદની બનાવટો તેમ જ જામ, સીરપ, સ્કોવોશ,જેલી ચોકલેટ ની બનાવટમાં ઉપયોગ થાય છે.
ભારતીય ઋષિઓએ બિલીપત્ર ને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્વ વધાર્યુ છે.
પુરાણ પ્રમાણે " એકવખત ફરતાં ફરતાં દેવી પાર્વતીનાં લલાટ પર પરસેવાનું બિંદુ આવ્યું જે દેવીએ ખંખેરીને તેને જમીન પર નાંખ્યું ને તેમાંથી જે વ્રુક્ષ પાંગરયું તે બિલીપત્ર". સમગ્ર વ્રુક્ષમાં દેવીનો જુદાં જુદાં સ્વરુપે વાસ છે. તેથી ભગવાન શિવજીનાં પૂજનમાં બિલીપત્રનું ખૂબ મહત્વ છે.
એવું પણ કહેવાય છે કે બિલ્વવૃક્ષ મહાદેવનું જ રૂપ છે. એની દેવી દેવતાઓ પણ સ્તુતી કરે છે. એક તાર્કિક સમજણ છે કે તે "ત્રિદલ" છે અને ત્રણ પાંદડાં "જ્ઞાન, કર્મ અને ભક્તિનું પ્રતિક છે.
શિવરાત્રીનાં દિવસે ને સોમવારે ને શ્રાવણ માસમાં મોટાભાગે આપણે ત્યાં શંકર ભગવાનને અર્પણ કરીએ છીઅે.તેનાથી આપણી સર્વ મનોકામના પુરી થાય છે.
કહેવાય છે કે શ્ર્રાવણ માસમાં નિયમીત રુપે શિવજી ને અર્પિત કર્યા પછી ખાવામાં આવે તો મધુપ્રમેહ (ડાયાબીટીસ) નાં રોગીઓ માટે લાભદાયી છે. બિલીપત્ર દિલ ને દિમાગ બંને ને સ્વસ્થ રાખે છે. શરીરને પ્રૄષ્ઠ ને સુડોળ બનાવે છે.
બિલીપત્ર ત્રણ પાન ઉપરાંત પાંચ, સાત ને નવ પાનવાળા થાય. છે જે ચઢાવાનું બહુ મહત્વ છે.
શિવપુરાણમાં એક દાખલો છે. એક ભીલ શિકાર માટે નીકળ્યો. જતાં રાત પડી ગઇ ને તેને જંગલમાં એક ઝાડ પર આશરો લીધો. તે ઝાડ બિલીપત્રનું હતું. ઝાડ નીચે શીવલીંગ ની સ્થાપનાં હતી. રાત ડરામણી હતી. ગાઢ અંધકારમાં તેને કંઇ દેખાતું નોતું તેથી તે જોવા માટે બિલીપત્ર નાં પાન તોડી તોડીને નીચે નાંખવા લાગ્યો .લગભગ ત્રણ હજાર પાન તોડીને પોતાની સગવડ માટે નીચે નાખ્યાં પણ અજાણતાં જ આ પાન શિવલીંગ પર પડતાં ભગવાન ખુશ થઈ ગયા ને પ્રસન્ન થયાં. પારધીનાં મૃત્યુ પછી તે ને તેનું કુટુંબ કૈલાસ ને પામ્યાં.
કહેવાય છે કે અજાણતાં પણ બિલીપત્ર નાં પાન શિવજી પર પડી જાય તો અભિષેક જેટલું પુણ્ય મળે છે.
"ઓમ નમઃ શિવાય"

વત્સલા દેસાઈ

##વત્સલા દેસાઈ 'શ્રીયંત્ર'

શ્રીયંત્ર શિવ અને શિવાનું વિવાહ યંત્ર છે. તે પત્ર પર સપાટ અને રજત સુવણૅ વગેરે પર કુર્માકાર કે સુમેરી પર્વત ની જેમ ઉપરથી ઉઠેલા આકારનું મળે છે.

આ યંત્રમાં મુખ્ય રુપે ચક્ર શકિતઓનું અચઁન હોય છે. આ શક્તિઓ જે સંપૂણૅ બ્રહ્યાંડને નિયંત્રિત કરે છે. સાધક આ શક્તિઓનાં અર્ચન પૂજનથી પોતાનાં શરીર ,મન ,બુધ્ધિ, ચિત્ત, અહંકાર અને દસ ઇન્દ્રિયો ની સાથે સાથે સમસ્ત બહ્યાંડ અથવા બાહ્ય જગતને પોતાનાં વશમાં કરી શકે છે.

શ્રીયંત્ર બધા પાપનો નાશ કરે છે ને એની ચમત્કારી સિધ્ધિઓ...- આ યંત્ર કારખાનામાં, ઘરમાં રાખવાથી ધન, ધાન્ય ને સુખની ને સ્વાસ્થય ની પ્રાપ્તિ થાય છે. ને વ્યવસાયમાં ઉન્નતી ને વૃધ્ધિ થાય છે.

શ્રીયંત્રની સાધના વામ ને દક્ષિણ બંને માર્ગેથી કરવામાં આવે છે.

શ્રીયંત્રનાં સવારે ઊઠીને દર્શન માત્રથી દરેક પ્રકારનાં લાભ થાય છે.

શ્રીયંત્ર પંચધાતુ, ચાંદી, સોનું કે સ્ફટિક નાં અથવા ભોજપત્ર પર બનાવામાં આવે છે. તેને મંદિર કે તિજોરીમાં રાખી શકાય. વર્ષમાં એકવાર તિજોરીમાં મૂકેલું શ્રીયંત્રનું પૂજન ધનતેરસે કરવામાં આવે છે, ને એ દિવસે ચાંદીનાં સિક્કા રુુપે પણ પૂજન થાય છે. ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ તેને માને છે.

શ્રીયંત્ર સ્થાપિત કરતી વખતે લાલ રંગનાં વસ્ત્ર પહેરીને કોઇ પણ મુર્હતમાં વિધિવત સ્થાપિત કરવું. જળ દૂધથી સ્નાન કરાવવું. પછી રુદ્રાક્ષની માળાથી પાંચ માળા નિયમાત જપવાથી આ યંત્ર સિધ્ધ થાય છે.

ધનતેરસનાં પવિત્ર દિવસે શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે અથવા પોષ માસની સક્રાંતિએ જો રવિવાર નો દિવસ હોય તો તે દિવસે આ યંત્રની સ્થાપનાનું મહત્વ વિશેષ ગણાય.

લક્ષ્મીજીનું સૌથી પ્રિય યંત્ર છે. કારણ તેની અધિષ્ઠાત્રી સ્વંય ત્રિપુર સુંદરી ભગવતી લક્ષ્મીજી છે. " શ્રી નો અર્થ છે લક્ષ્મી" . શ્રીયંત્ર શક્તિશાળી લલિતાદેવીનું પૂજા ચક્ર છે. આ યંત્ર સિધ્ધ કષ્ટનાશક ને સર્વ વ્યાપી છે. તે સિધ્ધીઓ ને ધનધાન્ય આપનાર છે. સૌભાગ્યનું પ્રતિક છે.

મેરુપુષ્ઠીય યંત્રમાં નવ ત્રિકોણ ને તેમાંથી બીજા ૪૩ ત્રિકોણ બને છે. આ યંત્ર રહસ્ય ને ચમત્કારીક ને સર્વશ્રેષ્ઠ ગણાય છે. ધ્યાન સારી રીતે થાય છે. શિવ ઉપાસના માટે ખૂબ ઉપયોગી થાય છે.

શ્રીયંત્રનું મહત્વ પુરાણ કાળથી અથવા તો જ્યારથી લક્ષ્મી પુરાણની સમજ આવી ત્યારથી છે.

શ્રીયંત્રની પ્રસિધ્ધ કથા છે.
" એકવાર લક્ષ્મીજી અપ્રસન્ન થઈ ધરતી પરથી વૈકુંઠમાં ચાલ્યા ગયાં તેથી ધરતી પર અનેક સમસ્યા થઈ. બ્રાહ્યણ, વણિક.. લક્ષ્મી વિના ગરીબી ની હાલતમાં ભટકવા લાગ્યાં. આ બધું જોઈ વશિષ્ઠ મુનીએ નિર્ણય કર્યો હું લક્ષ્મીજીને રીઝવીશ. તેઓ વૈકુંઠ માં જઈ ને લક્ષ્મીજીને મળ્યાં. પણ એ રિસાયેલાં જ રહ્યાં. કોઈ પણ ભોગે ધરતી પર આવવા તૈયાર નહોતાં. એ જોઈ વશિષ્ઠ મુનિ આસન લગાવી વિષ્ણુજીનું ધ્યાન કરવા લાગ્યાં. તે જોઈ વિષ્ણુજી પ્રસન્ન થયાં.મુનીએ કહ્યું લક્ષ્મીજી રિસાયાં તેથી ધરતી હર્ષોલ્લાસ વગરની છે. તમે માર્ગ કાઢી આપો. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને મનાવા પ્રયત્ન કર્યો પણ ના માન્યાં તેથી વશિષ્ઠ મુની ધરતી પર પાછા ફર્યા. બધાં ઋષિગણ વિચાર વિમર્શ કરે છે કે શું કરવું?
દેવતાઓ નાં ગુરુ બૄહસ્પતિ એ કહ્યું એક માર્ગ છે હવે જો શ્રીયંત્રની સાધનાનો સિધ્ધી મંત્ર બનાવી એની સ્થાપનાં કરવામાં આવે તો લક્ષ્મીજીને પધારવું પડે. નક્કી કર્યા મુજબ ધાતુમાં શ્રીયંત્ર બનાવી દિવાળીનાં બે દિવસ પહેલાં એટલે ધનતેરસનાં દિવસે સ્થાપનાં કરી પૂજન અર્ચન કર્યાં, ને પૂજા પુરી થતાં જ લક્ષમીજી હાજર થયાં ને કહ્યું, “હું કોઈ પણ સંજોગમાં આવવાં તૈયાર નોતી પણ 'શ્રીયંત્ર મારો આધાર છે ને તેમાં મારો આત્મા છે. મને પ્રિય છે. જયાં તેની સ્થાપનાં હોય ત્યાં મારો વાસ હોય જ છે."

આ યંત્રની સ્થાપનાં થતાં દરિદ્રતાનો નાશ થાય. દેવામાંથી મુક્ત થવા ખૂબ ઉપયોગી છે. આ યંત્ર સફળતા આપનારું છે.

શ્રીયંત્રનું રહસ્ય પામવાં હજુ શોધખોળ ચાલુ છે. પાશ્ચાત્ય યંત્ર વિશેષજ્ઞ વુડરોકે કહ્યું છે જે દિવસે યંત્રનું સંપુર્ણ પૂજન હાથ લાગશે એ દિવસે દુનિયા બદલાઈ જશે. આ યંત્ર સાથે સંકળાયેલ મંત્ર શ્રી સુક્ત નાં સોળ મંત્રો નાં ગૂંચ ઉકેલાઈ જશે ત્યારે તેની વિધિથી કોઇ પણ ધાતુમાંથી સોનું બનાવી શકાશે. આ રાસાયણીક ચાવી શ્રીસુક્ત ની ગાઢ લીપી શ્રીયંત્ર માં છુપાયેલી છે.

શ્રીયંત્રની સાથે વેપારીઓ નવા ચોપડા લાવી દિવાળીને દિવસે ચોપડાં પૂજન કરે છે ત્યારે "શ્રી સવા"લખીએ છીએ કંકુવાળા હાથે. શા માટે લખાય છે તેની ખબર છે મિત્રો?
" શ્રી એ લક્ષ્મીજીનું પ્રતિક છે. લક્ષ્મી મેળવતી વખતે કોઇ વિધ્ન ના આવે માટે ગણપતિજી હાજર જોઈએ. "એકનો "આંક ગણપતિજીની સૂંઢ અને" પા" ની માત્રા એમનો અખંડ દંતશૂળ છે એટલા માટે શ્રી સવા લક્ષ્મીજીનું આહવાન કરવા માટે છે.......

વત્સલા દેસાઈ

##અર્ચિતા પંડ્યા 'દિપક'

પ્રકાશ , અજવાળું કે અગ્નિ નું મહત્વ ક્યાં કોઈથી અજાણ્યું છે ? પ્રકાશ કે તેજ માત્ર સૂર્ય સ્વરૂપે મનુષ્ય એ જોયો હશે,અને પછી કાળક્રમે અગ્નિ ની મહત્વની શોધ થઇ . તેથી જ અગ્નિ અને સૂર્ય વેદિક કાળથી દેવતા ગણાય છે .

આદિ માનવને પોતાની એકદમ કુદરતી દુનિયામાં અગ્નિ એટલે એક પ્રકારની શક્તિ છે એ સમજાયું જ હશે. અગ્નિનાં પ્રકાશ વગર અંધારે શું દેખાય? ચકમક પથ્થર અને આગની ઉત્પતિ થવી અને આગ ને સાચવી રાખવાની ભાવના થવી, નગર સંસ્કૃતિનો પાયો કહી શકાય. ગુફામાં જીવતા થયેલા માનવની આ જરુરિયાત કહી શકાય. એ ઉપરથી સમજાય છે કે સવારે અને સંધ્યાકાળે પ્રગટાવાતો દિપક આપણાં માટે કેમ આટલો મહત્વનો હોઇ શકે?

અંધારું એ અજ્ઞાનનું સૂચક છે અને અગ્નિ એ જ્ઞાનનું. ઇશ્વર સમક્ષ દિપ પ્રગટાવતા આ જ ભાવના કરવાની હોય છે કે આપણાં દિલ રુપી ઘરમાં પણ જ્ઞાનનો દિપક જલ્યા કરે.

ગરબા નાં ગર્ભમાં દીવો એ જ્ઞાન ઉપરાંત માતૃત્વ નું પ્રતીક છે. આપણો સમાજ ભલે પુરુષ પ્રધાન રહ્યો પણ સ્ત્રી અથવા માતાનું મહત્વ જરા પણ ઓછું અંકાતું નથી.

દિવાળીમાં ઘેરઘેર દીવા થવા એ પણ જ્ઞાન નું પ્રસારણ, ભક્તિ અને ઉલ્લાસનું પ્રતિક છે. દિલની અયોધ્યામાં રાજા રામ એટલે આતમરામ નાં રાજ્યાભિષેકનું પ્રતિક છે.

યજ્ઞને ખૂબ મહત્વ આપતો આ સનાતન ધર્મ દિપકને એક સંસ્કૃતિ ચિહ્ન ગણે છે અને દિપકને એનું પ્રતિક ગણે છે. એટલુંજ નહીં પણ શરીરમાં સમાયેલ જીવ ને પણ દીપ સાથે સરખાવાય છે, જીવનાં શક્તિ પુંજ સમો ગણાય છે. એટલે મૃત્યુ વેળા એ આપણે ત્યાં દીપ પ્રગટાવાય છે.

દિપક એટલે અગ્નિ નું સૌમ્ય સ્વરુપ. એ આપણી સંસ્કૃતિનું આ રીતે અભિન્ન અંગ છે.

અર્ચિતા પંડ્યા

##ક્રિષ્નાઆશર 'તુલસી'

વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||

તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે 'અદ્વિતીય'. તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તે મોટેભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે. હિંદુ ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે—"રામ તુલસી" જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે. અને "કૃષ્ણ તુલસી" જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પુજા માટે મહત્વના છે. હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે.

તુલસી વિવાહ નામના એક ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણાવવામાં આવે છે. આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. વૈષ્ણવો ખાસ કરીને કારતક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે.

તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે. અને ડાળીમાંથી આવા જ ઝીણા મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે.

ઘા રુઝવવાના તુલસીના ગુણને કારણે તુલસી હજારો વર્ષોથી આયુર્વેદમાં વપરાતી આવી છે. ચરકે આયુર્વેદનાં પ્રાચિનતમ ગ્રંથ ચરક સંહિતામાં તેનો ઉલ્લેખ કર્યો છે. તુલસી બળપ્રદાયી ગણાય છે. તેની તીવ્ર સુગંધ અને તીખા સ્વાદને લીધે, તેને આયુર્વેદમાં રામબાણ જીવન ઔષધ મનાય છે અને તે દીર્ધ આયુષ્ય આપે છે એમ કહેવાય છે.

તુલસીના અર્કનો ઉપયોગ આયુર્વેદમાં સામાન્ય શર્દી, માથાનો દુખાવો, પેટની તકલીફો, સોજા, હૃદયના દર્દ, ઝેર વિકાર અને મલેરિયામાં કરવામાં આવે છે. ઉકાળા તરીકે, સુકા ચૂર્ણ તરીકે, તાજા પાંદડા કે ઘી સાથે મેળવીને, તુલસીમાંથી કાઢેલા સુગંધી-તેલને ઔષધિ તરીકે સૌંદર્ય પ્રસાધનોમાં અને તેના જીવાણું-નાશક ગુણધર્મને લીધે તેને ત્વચા રોગના ઔષધોમાં વપરાય છે. સદીઓથી તુલસીના સુકાવેલા પાંદડા અનાજમાંથી જીવડા (ધનેરા વગેરે)ને દૂર રાખવા જાળવણીમાં વપરાય છે.

આમ આપણા ધર્મ સાથે સંકળાયેલું આ તુલસી પત્ર તેના ગુણધર્મોના કારણે અનેરુ મહત્વ ધરાવે છે.

ક્રિષ્ના આશર

##સુષ્મા ઠક્કર 'માળા'

દોસ્તો, દરેક ધર્મમાં માળા તો હોય જ છે. પછી તે હિંદુ ધર્મ હોય, ઇસ્લામ હોય , ખ્રિસ્તી હોય, બૌદ્ધ હોય કે કોઈ પણ ! નામ ભલે તેને જુદાં – જુદાં અપાતા હોય, અને તેને ફેરવવાની રીત જુદી હોય! જેમ કે ઇસ્લામમાં હિંદુ ધર્મથી બિલકુલ વિરુદ્ધ દિશામાં ફેરવે..મતલબ તો એ જ હોય! ખ્રિસ્તી ધર્મ માં જે મારા ફેરવે છે એને રોઝરી કહેવાય છે.
જ્યારે મુસ્લિમ ધમઁમાં તશ્બી કહે છે.
હિંદુ ધર્મ પ્રમાણે માળા કરતી વખતે મણકાને જમણા હાથની ત્રીજી આંગળી ઉપર રાખી અંગુઠાની મદદથી બહારથી અંદરની તરફ ફેરવવાનો હોય છે. અને આમ ૧૦૮ મણકા ફરે, એટલે ૧ માળા થઇ ગણાય. બહારથી અંદર તરફ લાવવાનો અર્થ એ છે કે, બહારની પોઝિટીવીટી અંદર લાવીએ..! મંદિરમાં ઈશ્વરની સામે બેસીએ, અને માળા કરીએ, એટલે ઈશ્વરના આશીર્વાદ કે સારા વાઈબ્રેશન આપણને મળે. હેતુ એ જ છે કે આપણા વ્યક્તિત્વમાં રહેલી ખામીઓ દૂર થઇ ખૂબી વધે!

એના માટે એક ઉદાહરણ આપીશ કે એક ગ્લાસમાં થોડું ડહોળું પાણી હોય, એમાં ચોખ્ખું પાણી ઉમેરતા જ જાવ, ધીમે ધીમે ગ્લાસ ભરાઈને છલકાઈ જશે અને છતાં ઉમેર્યા કરીશું તો એક વખત એવો આવશે કે ગ્લાસનું પાણી એક્દુમ ચોખ્ખું થઇ જશે ! ઇસ્લામમાં તશ્બી અંદરથી બહાર ફેરવે, એનો મતલબ એ જ છે કે અંદરની નેગેટીવીટી બહાર નીકળે, જેથી પોઝીટીવીટી માટે જગ્યા બને !

એના ૧૦૮ મણકા પણ સૂચક છે ! એવું કહેવાય છે કે માનવ ૨૪ કલાકમાં ૨૧૬૦૦ વખત શ્વાસ લે છે. એમાંથી રાત્રીના ૮ કલાક અને બીજા રોજીંદી જીવનચર્યાના ૪ કલાક કાઢીએ તો ૧૦૮૦૦ વખતના શ્વાસ ગણાય ! પણ એ દિલના ઊંડાણથી લીધેલું એકવારનું નામ ૧૦૦ વખત લીધા બરોબર છે. આમ ૧ માળા એટલેકે ૧૦૮ વખત અંતઃકરણ પૂર્વક લીધેલું ઈશ્વરનું નામ એટલે ૧૦૮૦૦ વખત ગણાય. એટલેકે આપણું ‘શ્વાસે શ્વાસે સ્મરણ’ થયું ગણાય..!

બીજી એક વાત શેર કરવી હતી કે એક જ દિવસમાં ખાલી દસ વખત તમે કોઈ ગાળ બોલો. ધીમે ધીમે તે શબ્દ તમારી વાતમાં વણાતો જશે, અને તમને તે બોલવાની આદત પડતી જશે. પછી તે તમારી ભાષાનું એક અભિન્ન અંગ બનીને રહી જશે ! જેમ એક અપશબ્દનું બને, તો ઈશ્વરનામ સંકિર્તનનું ના બને? એક માળા કરવાથી થોડી થોડી વારે અન્તઃકરણમાં તે નામ ગૂંજ્યા કરશે, અને આમ બીજી કોઈ બદી આપણા મનમાં પ્રવેશી શકશે નહિ !

માળા કરવાથી એકાગ્રતા વધે છે અને એકાગ્રતા વધવાથી મનની સ્થિરતા વધે છે! એમ કરતાં આપણો આપણા મન પર કાબુ વધતો જાય છે.

ચાલો એક બીજું થોડું હળવું ઉદાહરણ આપું. કોઈક મકાનની બાલ્કનીમાં ત્રણ મિત્રો વાતો કરી રહ્યા છે. શંકરલાલ, રણછોડભાઈ અને ગણેશલાલ !
હવે નીચેથી કોઈક મોટેથી બૂમ પાડીને બોલાવે છે,” શંકરલાલ! ઓ શંકરલાલ ! “
પણ આ શંકરલાલ જોવા માટે પણ ઉભા નથી થતા. તેમને પૂછ્યું, તો કહે કે આ અવાજ મારો ઓળખીતો નથી. !
હવે જો દુનિયામાં રહેતો એક સામાન્ય શંકરલાલ પણ અવાજ ઓળખતો ના હોય, ને ઉભા થઈને નીચે જોવાની પણ તસ્દી ના લેતો હોય, તો ઉપર બેઠેલા ભગવાન શંકર કે રણછોડરાય કે પછી ગણેશજી જોશે?
માળા એ ઈશ્વરને પોતાનો અવાજ ઓળખીતો કરાવવાનું સાધન છે ! રોજની ૫-૭ મિનીટ ઈશ્વરજપ કરવાથી બાકીના ૧૧ કલાક ૫૦-૫૨ મિનીટ સુધારી શકાય છે !
અસ્તુ !
સુષ્મા ઠક્કર