Pandar Varsh ni Chokri books and stories free download online pdf in Gujarati

પંદર વર્ષની છોકરી

પંદર વર્ષની છોકરી

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પંદર વર્ષની છોકરી

આગળના ભાગમાં બાંધેલી પરસાળ હતી - માંડ બે પથારી થાય તેવડી. એમાં વિપુલની સાઇકલ, બે ખુરશીઓ પણ ખરી. સરસ ગોઠવાઈ ગયાં હતાં. કશી અગવડ લાગતી નહોતી. બાપાવારીનું લોલકવાળું ભીંતઘડિયાળ - જે બંધ જ હતું.

વિપુલ મજાકમાં કહેતા : ‘બે વખત તો સાચો સમય બતાવે છે ને ? છો ર્યું ભીંતે; એની પણ વસ્તી લાગે છે.’

ભીંત પરનું - આખી રાત ફફડતું કૅલેન્ડર તો સાચો દિવસ બતાવતું હતું ને ? રાતે અચાનક જગાડી પણ દેતું, પન્નાને.

આ બંધ પરસાળ પન્નાનો શયનકક્ષ હતો. અને વાચનકક્ષ પણ ખરો જ. મા તો ભારે ઊંઘણશી. પડે તેવી જ જંપી જાય. થાકને કારણે હશે. કદાચ ઉંમરનું કારણ પણ હોય. તરત નસકોરાં બોલવા લાગે.

કુસુમ પતિને વ્યંગમાં કહેતી : ‘બાના નસકોરાં તો ભારે જોરદાર - અસલ બા જેવાં જ...!’

અને પછી હસી પડતી. તેને અકારણ હસવાની આદત હતી - એ પન્ના જાણતી હતી. રાતે... અધરાતે તે આવું જ હસી પડતી, એ શું અકારણ હશે ? તેને પ્રશ્ન થતો હતો.

પછી તે અવશ્ય ઉમેરતી, વિપુલ સામે જોઈને સ્તો : ‘બાનાં નસકોરાં છેક અંદર પણ પ્રભાવ દેખાડે !’

પન્નાએ કુસુમને આમ મજાક કરતી ઘણી વાર સાંભળી હતી. તેને જવાબ વાળવાનું મન થઈ આવતું કે તેમનાં અવાજો પણ છેક પરસાળમાં પન્નાના કાન સુધી પહોંચતા હતા. પણ એ એમ કહી શકતી નહોતી.

એમ તો કુસુમ ખાસ્સી ચીવટ રાખતી હતી. રાતે તેના ખંડમાં પેસે કે તરત જ બારી વસાઈ જાય, પરદા પણ કાળજીપૂર્વક... અને છેલ્લે મુખ્ય બારણું બંધ થઈ જાય. સ્ટૉપર વસાયાનો ‘ખટાક’ પાસે જ સૂતેલી પન્નાના કાન અને મન પર અથડાય.

પછી ઝાંઝર અને કંગનોના ખનકારા, ભાભીના દબાતા... અવાજો... ખીખીખી... ભાઈના પ્રત્યુત્તરો... બધું જ લપાતું લપાતું પન્ના સુધી પહોંચી જાય. વચ્ચે આમ તો એક બારણું જ હતું ને ? વળી પાછી રાતની નીરવતા.

પ્રારંભમાં કુતૂહલ જન્મ્યું હતું. પંદરમે વર્ષે તો કુતૂહલ જ હોય ને ! શી વાતો કરતાં હશે ભાઈ અને ભાભી ? આમ હસતાં હસતાં ? અને વાતો પણ કેવી ? ક્યારેક તો પન્ના થીજી જ જાય. કાન સરવા કરીને... ત્યારે તો તેને પણ થાય કે મા જાગે નહિ તો સારું. મા ક્યારેક જાગી જતી. બબડતી પણ ખરી.

‘હજુ જાગે છે, પન્નુ ? ઊંઘ ન આવે તો રામ-રામ કર...’

ના, પણ આવું ક્યારેક જ બનતું. પેલા અવાજો પાછા, અલ્પ સમય માટે બંધ થઈ જતા. બધો ખેલ બગડી જતો.

પન્નાને આવું સાંભળવાનો ચસ્કો લાગી ગયો હતો. રોમાંચ થતો હતો.

કુસુમ પણ બારણું ખોલીને, તેની સાથે ઘસાઈને બાથરૂમ સુધી જતી - એ પણ તેના ખ્યાલમાં હતું. બારણાંનો ખખડાટ થતો કે તરત ડાહીડમરી થઈ, આંખો મીંચીને...

કોઈ જુએ તો એમ જ લાગે કે આ તો ભરનીંદરમાં... છે !

કુસુમ પરણીને આ ઘરમાં આવી ત્યારે પન્ના પંદરમા વર્ષમાં મહાલતી હતી. પથારી... ઓરડામાંથી સાંકડી પરસાળમાં આવી તોપણ તેને ગમ્યું હતું. નવી ભાભી ઘરે આવી હતી ને !

લગ્ન થાય એટલે આમ થાય - એ તેની સમજમાં આવી ગયું હતું. બા પણ છડેચોક કહેતી હતી : ‘ક્યાં કશી અગવડ છે - આ પરસાળ છે ને ? મા-દીકરી પડ્યા રૈશું. ઘર ભલે સાંકડું છે પણ મન થોડાં સાંકડાં છે ?’

પન્નાને યાદ હતું.

પ્રારંભના દિવસોમાં ભાભી સરસ મજાની તૈયાર થથી, કામથી પરવારીને રાતે પણ સ્નાન કરતી પણ પન્ના જોતી હતી, કંઈક આશ્ચર્યથી. આ ઉંમર નર્યાં કુતૂહલોની હતી. કાંઈક સમજાતું પણ ખરું, થોડી અટવાતી પણ ખરી. ક્યારેક સિફતપૂર્વક પ્રેમાને પૂછી લેતી હતી.

‘ભાભી... આમ રાતે તૈયાર શા માટે થતી હશે ? તેને ગમતું હશે...? ગમતું જ હશે વળી. અને ભાઈને પણ ગમતું જ હશે... લગ્ન પછી આમ જ કરાતું હશે...’

તે અનુમાનો બાંધતી હતી, તોડતી હતી, નવાં બાંધતાં હતી, પણ મજા આવતી હતી - એ વાત ચોક્કસ.

કુસુમ પાસેથી પસાર થતી તો સેન્ટની સુગંધ પથરાવા લાગતી. અંદરનો ખંડ... પલંગ... ઓછાડ... ઓશીકાં તો મઘમઘતા હશે...!

પન્નાનું મન કામે લાગી જતું. અંદરનો ઓરડો અને ભાઈ-ભાભી... ચિત્ના એક ખૂણે લપાઈ જતાં; એવાં લપાઈ જતાં કે નીકળવાનું નામ જ નહોતાં લેતાં. અને પછી મન તો ક્યાંયનું ક્યાંય પહોંચી જાય. અરે ! તે ખુદ ઓરડાની ભીતર પેસી જાય !

વય વધતી ગઈ... પણ પ્રવૃત્તિ તો સતત... વણરોક ચાલુ જ રહી. નવી સમજો ભળી. નવા આનંદો ઉમેરાયા.

ભાભી રમતિયાળ હતાં અને ભાઈ પણ જરા ઓછા નહોતા. એકંદરે... બન્ને ખુશ જણાતાં હતાં.

દિવસે કેવાં ડાહ્યા-ડમરાં બની જતાં હતાં એ બન્ને ? વાતો પણ માંડ કરે. જાણે રાત ગઈ, વાત ગઈ !

ભાભી સવારે જાગતી ત્યારેય તાજી લાગતી. પન્ના - દિવસે પણ બન્નેની ચોકી કરતી. ક્યારેક આંખોમાં, શબ્દોમાં રાતની છાયા અનુભવાતી.

પન્ના સમજી શકતી હતી, વાંચી શકતી હતી.

પછી તો પન્નાને ભાગે... રાતે વાંચવાનું પણ આવ્યું. ભણતર વધે તેમ... તૈયારી પણ કરવી પડે ને ? ખાસ કરીને પરીક્ષાના સમયે તો ટેબલ-લૅમ્પમાં... થોથાં ઉઘાડીને એમાં મન ખૂંપાવવું પડે ને ?

પન્ના... માટે ‘બાવાના બેય બગડ્યાં’ જેવું થતું; ન પૂરી વાતો માણી શકતી કે ન... વાંચી શકતી...!

અને તે બેમાંથી કશુંય છોડી શકતી પણ નહોતી - એ તેની લાચારી હતી. થાકતી, કંટાળતી ને આંખો મીંચાઈ જતી. ટેબલ-લૅમ્પ ઑફ કરવાનું પણ ભુલાઈ જતું.

અને સ્વપ્નાં પણ એવાં જ આવતાં. દિવસે પરિતાપમાં પડી જતી; થતું કે રાત ન આવે તો જ સારું. કુસુમનાં નખરાં જોતી કે તરત જ - પેલાં સ્મરણો શરૂ થઈ જતાં.

‘પન્ના જાગતી હશે કદાચ. ધીમે બોલ...’ વિપુલનો અવાજ સંભળાવો શરૂ થતો. તે છળી ઊઠતી. તેમના શયનખંડમાં હું ક્યાંથી પ્રવેશી ?

‘છો જાગતી હોય. સાવ ભોટ જેવી છે. થોથામાં માથું ઘાલીને પડી હશે...’

અને તે રમતિયાળ લુચ્ચું - હસી પડી હતી.

ગઈ રાતની જ વાત હતી. તે ખૂબ વિચલિત થઈ ગઈ હતી. સાવ બેશરમ હતી - એ ! અને છતાં પણ આ છૂટી શકે તેમ પણ ન હતું.

હવે તે લોકો આમ કરતા હશે... હવે આમ... હમણાં પેલી હસશે... હવે લગભગ બારણું ખૂલશે અને કુસુમ.... તેનાથી ઘસાઈને... બાથરૂમ ભણી જશે... એ પહેલાં તે પન્નાને અવલોકવાનું નહિ ચૂકે એ જાણવા કે આ જાગતી તો નથી ને ?

પછી અંદર જઈને... પતિ પાસે હરખ વ્યક્ત કરશે : ‘એ ઘોરે... તું નકામો...!’

છતાં તેણે એક વેળાએ સાવ ભોળા બનીને પન્નાને સૂચન કર્યું હતું : ‘પન્ના, આ કરતાં તો તું રસોડામાં વાંચતી હો તો. બાના નસકોરાંમાં ફાવે છે ?’

‘ભાભી... વાંચવામાં પડી હોઉં છું કે બાના નસકોરાં યાદ પણ...’

બસ, થયું. કુસુમને સંતોષ થઈ ગયો હતો કે સાવ સલામત હતી અને એ તો સાવ બોઘી અને ભણેશરી હતી !

પન્નાને છૂપો આનંદ થયો હતો. ભાભીને કેવી છેતરી ? તેણે આ વાત તેની સખી પ્રેમા સાથે રસપૂર્વક ચર્ચી હતી.

‘આ તો કાંઈ નથી, પન્નાડી... મારી માસીની દીકરી તો... તિરાડમાંથી જોતી પણ ખરી. બારી-બારણાં હોય ત્યાં તિરાડ તો હોવાની.’

પન્ના વિસ્મયમાં ડૂબી ગઈ હતી. જે તે કલ્પતી હતી - એ જોવાનું...? ઓહ ! કેટલી મજા આવે...? પણ આવું કરાય ? પાપ... લાગે ને ! પણ જામે...

દિવસ દરમ્યાન તેણે આવી તિરાડની તપાસ પણ કરી. ઘરમાં કોઈ હાજર નહોતું ત્યારે ત્યાં આંખ પણ માંડી જોઈ પણ ખાસ જામ્યું નહિ.

એ રાતે... તિરાડ સુધી પહોંચવા, મન અનેક વાર લલચાયું, તે એક વાર તો ઊભી પણ થઈ હતી, પણ... હિંમત ન ચાલી.

બીજી રાતથી, કોઈએ કહ્યું નહોતું તોપણ રસોડામાં પથારી કરી હતી, અને પુસ્તકમાં મન ખૂંચાડવા પ્રયાસ કર્યા હતા. મહાવરો હતો એટલે... તે પટુ બની ગઈ હતી. અસ્પષ્ટ અવાજો, પરથી... બધું પકડાઈ જતું હતું. હવે એ લોકો...આમ...

પછી તો નવા વિચારો શરૂ થયા. તે પણ એક સ્ત્રી જ હતી ને. કુસુમ પણ... એક દિવસ તેના જેવી જ છોકરી હશે ને ? અત્યારે તે ભરીભાદરી, પૂર્ણ... રમતિયાળ સ્ત્રી હતી.

સમય થશે ને તેનામાં એક સ્ત્રી અવતરશે... એ પણ કુસુમની માફક જ લગ્ન કરશે... એ પણ તેની માફક જ... રાતે સ્નાન કરીને, સેન્ટ લગાવીને એક આવા ઓરડામાં પ્રવેશશે... બારી-બારણાં કાળજીપૂર્વક બંધ કરશે... પરદાઓ લગાવશે... અને કુસુમની માફક જ... સરસ... સરસ.... વાતો કરશે, બેશરમ બનીને ખડખડ હસી પડશે. પેલા સાથે..., હા... એ પણ હોય જ ને ! કોઈ પુરુષ જેવો પુરુષ...’

તે નવી કલ્પનામાં લીન બની જતી. છેલ્લી પરીક્ષા આપવાની હતી. બસ, પછી તો, આમાંથી પણ મુક્તિ.

અને એ સમય પણ આવી ગયો, આંખોની ઉઘાડ-મીંચમાં.

વિપુલ... કહી રહ્યો હતો, ઉત્સાહથી કુસુમ સાંભળતી હતી. ‘આપણા જેવા જ છે એ લોકો. આપણી પન્નાને અલપઝલપ જોઈ પણ છે. હું તો સાઇકલના પેડલ માર્યા કરું છું પણ એ લોકો પાસે તો મૉપેડ છે. આપણી જેમ જ ભાડાનું મકાન છે, પણ સારું છે. વળી નોકરી પણ સરકારી જેવી જ. પન્નાનાં ભાગ્ય હશે તો - વાંધો નહિ આવે. અને પાછા રમુભાઈ વચમાં છે..’

માતાએ ભગવાનના કૅલેન્ડર સામે જોયું હતું - ભક્તિપૂર્વક. કુસુમે પતિ પ્રતિ પ્રશંસાભરી નજર ઠાલવી હતી. પન્ના બારણા પાસે બારસાખ પકડીને ઊભી હતી. શાંતિથી સાંભળી રહી હતી.

‘આજે પન્ના કૉલેજ ન જાય...’ વિપુલે કહ્યું હતું. પછી ઉમેર્યું હતું... ‘હરભાઈ ગમે ત્યારે આવે... આપણે તૈયાર રહેવું. તું સંભાળી લેજે.’ છેલ્લું વાક્ય પત્ની તરફ જોઈને કહ્યું.

કુસુમ... કામમાં લાગી ગઈ. નાનું શું ઘર, મોટી પ્રવૃત્તિમાં પડી ગયું.

પન્ના તો સમૂળગી બદલાઈ ગઈ. જૂની છોકરી તો જાણે ક્યાંય ખોવાઈ ગઈ ! સાફ-સફાઈ, નવી ગોઠવણી, નવા પરદાઓ... પડોશમાંથી નવો ટી-સેટ પણ આવી ગયો. પલંગ પર નવો ઓછાડ પથરાઈ ગયો.

કલ્પના કરવી એક વાત હતી પણ આ તો સાચમાચ... બની રહ્યું હતું. પન્નાના ધબકારા વધી ગયા હતા. સાચેસાચ... એક છોકરો આવી રહ્યો હતો. તેને જોવા, મળવા, પસંદ કરવા ? કદાચ ના-પસંદ પણ કરે.

કુસુમ સવારથી તેને તૈયાર કરી રહી હતી. કેમ ચાલવું, કેમ બેસવું, કેમ વાત કરવી, શું બોલવું, શું ન બોલવું... શા જવાબો આપવા... અસલ પરીક્ષા હોય તેવું જ થતું હતું.

બીજી તરફ... નાસ્તામાં શું આપવું... એ સમયે આઇસક્રિમ ઠીક રહેશે કે ચા, એવા નિર્ણયો, લેવાઈ રહ્યા હતા.

પન્ના... તૈયાર થઈ રહી હતી.

મા માળા ફેરવતી હતી પણ મન તો બારણામાં જ ખૂંપેલું હતું. પન્નાને અવનવા વિચારો આવતા હતા. કેવા હશે... એ... ? પાતળી મૂછ હશે કે... કલ્ન... કેવો લાગતો હશે ? શી વાતો કરશે...? શું ગમે છે... એવું જ પૂછશે કે પછી... ! આમ તો એ લોકો... તેમના જેવા જ હતા. એવું જ જીવન જીવતા... મધ્યમ વર્ગના. ભાડાનું ઘર... તેમના જેવું જ. હા... મૉપેડ હતું... તે પાછળ બેસીને ફરવા નીકળી પડશે... હળવેથી ખભો પકડી લેશે...

અને મહેમાનો પણ આવી ગયા. વિપુલે હસીને સ્વાગત કર્યું હતું. પન્નાએ એ આડશમાંથી એ છોકરાને જોઈ લેવા પ્રયત્ન કર્યો હતો, પણ આડશમાંથી કેટલું દેખાય ?

ચાર મહેમાનો બેઠા ત્યાં ઓરડો ભરાઈ ગયો. ઔપચારિક વાતો થઈ.

‘અમારો અશોક તો...’

‘અમારી પન્ના તો...’

પન્ના સૌને પાણીના ગ્લાસ આપી આવી. તે નતદૃષ્ટિથી ઊભી હતી અને પેલી બધીય આંખો-સામટી તેના પર ઝળૂંબી હતી. કુસુમ પાસે જ ઊભી હતી.

પન્નાએ શરમ મૂકીને એ પુરુષને જોઈ જ લીધો. પહેલી નજરે ઠીક લાગ્યો. પછી નાસ્તાની ડીશો પણ ચપળતાથી સર્વ કરી આવી. કુસુમને સંતોષ થયો એ તેણે અનુભવ્યું ખરું.

પછી તો... સૌ સરકી ગયાં... અલગ અલગ કારણોસર.

ઓરડામાં તે બન્ને, અશોક અને પન્ના જ રહ્યાં. પન્નાની સાડીમાં પણ સેન્ટ મઘમઘતું હતું. ભાભીએ છાંટ્યું હતું, અસલ રાત જેવું જ ! ઓરડો પણ એ જ હતો, સાડી પણ ભાભીની હતી અને સેન્ટ પણ... મૂંઝવણ બેય પક્ષે હતી. પેલાને પણ કોઈકે શીખવ્યું જ હશે કે શું પૂછવું. શો જવાબ વાળવો... શું જોવું... વગેરે વગેરે.

આખરે... બન્ને હસી પડ્યાં. મૌનનો ભાર ક્યાં સુધી સહેવાય ?

‘હું તમને ગમું છું ને ?’ પન્નાએ શરૂ કર્યું, તે અવઢવમાંથી બહાર આવી હતી.

‘હા... ગમો છો ને.... ગમો તેવા જ છો.’ પેલો પણ ટહુક્યો હતો.

‘સરસ... તમે પણ મને ગમો છો.’ પન્નાએ વર્તુળ પૂરું કર્યું.

હવે શું ? પેલાએ હસીને ગાલ પરનો પરસેવો, રૂમાલથી લૂછ્યો. રૂમાલ નવોનકોર હતો. પન્ના હાથમાં સાડીનો પાલવ રમાડતી હતી. અચાનક પન્નાએ પૂછી નાખ્યું : ‘તમારા ઘરમાં કોઈ પંદર વર્ષની છોકરી તો નથી ને ?’