Bavro books and stories free download online pdf in Gujarati

બાવરો

બાવરો

સવારમાં ઊઠતાં જ શિવા હાંફળી ફાંફળી બહાર વરંડામાં આવી ગઈ....વિચારવા લાગી જતો રહ્યો..??? ક્યાં ગયો હશે એ અબુધ ? સામે લીમડા નીચે તો એ નથી...વરંડાનાં પગથિયાં ઉતરી છેક ઝાંપો ખોલી ને રસ્તાની બંને બાજુ દૂર સુધી નજર લંબાવી જોઈ...આડે અવળે પણ જોઈ લીધું કે વળી સૂર્યનો સીધો તડકો એ બેસે છે ત્યાં લીમડા પાસે આવતો હોવાથી ક્યાંક આડશ લઈને બેઠો હોય ! ક્યાંય ના દેખાયો. નિરાશ થઇ ગઈ એક ઊંડો નિસાસો નાખ્યો અને ઘરમાં પાછી આવી ગઈ. મન એકદમ બેચેન બની ગયું હતું... ક્યાં જતો રહ્યો હશે એ બાવરો..?

ઘરમાં આવી ગઈ હાથમાં ટૂથબ્રશ લઈને ગેસસ્ટવ પર ચા મૂકીને પણ ઘડીઘડીમાં બહાર આવે લીમડા નીચે જૂએ અને હતાશ થઈને પાછી અંદર આવે..” શું કરું હે ભગવાન ! ક્યા શોધું ? કોને કહું એને શોધી લાવવા માટે ? આ રામુડોય હજુ આવ્યો નહીં.”

બહુ મૂંઝાઈ ગઈ કોઈ જ કામમાં મન ચોંટતું નથી. આમથી તેમ ઘરમાં આંટા માર્યા કરતી હતી.

“હમણા મનન જાગશે પણ એની સાથે તો વાત કરવાનો જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને એ તો જાણશે તો રાજી થશે કે હાશ બલા ટળી.”

વિચારોમાં અટવાતી રહી...મૂંઝાતી રહી.

“અરે ઓ પાગલ તું ક્યાં જતો રહ્યો..? મેં કંઈક કીધું અને તું જતો રહ્યો ? મારાથી ગુસ્સામાં તને અહીંથી જવાનું અને ના કહેવાનું કહેવાઈ ગયું...અને તું જતો રહ્યો પગલા ? ક્યાં જઈશ તું આવી હાલતમાં ? લોકો હેરાન કરશે તને....!! આ નિષ્ઠુર દુનિયા મારી નાખશે તને ઓ બાવરા......આંખમાંથી આંસુ ધસી આવ્યા પણ આગળ પાછળ જોઈ ને આંસુ લુછી નાખ્યાં...મનન જોશે તો ઓર ભડકશે દસ સવાલ પૂછશે.”

“ હે ભગવાન સાચવજો એ બાવરાને.” મનોમન પ્રાર્થના કરવા લાગી.... અને એટલામાં જ રામુ આવ્યો. હવે એના જીવમાં જીવ આવ્યો.

“રામુ... તું જલદી જા અને તપાસ કર ચારે બાજુ....જો પેલો બાવરો ક્યાંક જતો રહ્યો લાગે છે. જ્યાં પણ હોય એને શોધીને પાછો લઈ આવ. સાહેબ ઉઠે એ પહેલા તું અહીંથી જઈને શોધી આવ...ક્યાંક લોકો એને.....?

અત્યંત વ્યગ્ર બની ગઈ હતી.

“શું થાય ? મેં જ તો એને કાલે ના કહેવાના શબ્દો કહ્યા... ભલે એ સમજી શકતો ન હતો પણ મારી આંખોનો ગુસ્સો... મારી નફરત તો એને દેખાઈ જ હોય ને ? એટલે જ તો એ જતો રહ્યો..” મનમાં ને મનમાં પોતાની જાતને કોસવા માંડી..

નજર સામેથી એ બાવરો ખસતો નથી....ઘડીઘડીમાં આંખો છલકાઈ જાય છે. ચિંતામાં ને ચિંતામાં કશું જ કરી શકતી ન હતી. ઘરમાં હવે શિપ્રા અને મનન જાગી ગયાં અને પોતપોતાના કામે જવાની તૈયારીમાં પડી ગયાં.

શિપ્રા એના રૂમમાંથી બહાર આવી ત્યારે શિવા એ એને ધીમેથી કહ્યું “ શિપ્રા...! બેટા જો પેલો બાવરો લીમડા નીચે નથી...ક્યાંક જતો રહ્યો લાગે છે.”

“કેમ પપ્પા એને લડ્યા હતા..?”

“ના બેટા એવું તો કંઈ જ નથી થયું” કેવી રીતે કહે કે એણે જ તો એને જતા રહેવાનું કહ્યું હતું.!!

આ પાગલ માણસ છેલ્લા છ એક મહિનાથી અહીં આવ્યો હતો.

એક દિવસ શિપ્રા કૉલેજથી પાછી ઘરે આવતી હતી અને ત્યાં રસ્તામાં એ સામો મળ્યો. સાવ બેહાલ અવસ્થા...કપડાનાં કોઈ ઠેકાણા નહીં ઠેરઠેર થી ફાટેલું એક માત્ર પેંટ પહેરેલું હતું..કેટલાં મહિનાઓથી કદાચ નાહ્યો પણ નહિ હોય... વર્ષોથી નહિ કપાયેલા લાંબા વાળ અને લાંબી દાઢી અને ભૂખ-તરસનું પણ ભાન નહિ હોય એટલે સાવ એકવડિયું શરીર... અને એવો એ પાગલ માણસ ક્યાંક થી અચાનક રસ્તામાં શિપ્રાની સામે આવીને ઉભો રહી ગયો.... હસતાંહસતાં એને એક ફૂલ આપવા હાથ લંબાવ્યો...શિપ્રાતો એકદમ ગભરાઈ ગઈ અને એકદમ ઘર તરફ દોડવા માંડી...એ પાગલ માણસ પણ એની પાછળ ને પાછળ આવી ગયો... શિપ્રાએ ઘરમાં જઈને બારણા બંધ કરી દીધાં અને જોરથી બૂમો પાડવા માંડી.

“મમ્મી...ઓ મમ્મી...” એની બૂમમાં ગભરાટ વર્તાતો હતો અને શિવા એ પામી ગઈ...દોડતી એ પણ બહાર લીવીંગ રૂમમાં આવી ગઈ “ શું થયું બેટા ...કેમ આમ ગભરાયેલી છે..?”

“મમ્મી બહાર એક ગાંડો ઉભો છે અને એ છેક બસસ્ટોપથી મારી પાછળ ને પાછળ આવ્યો છે.”

શિવા એ બારણું ખોલીને બહાર જોયું તો એ ત્યાં જ ઘરની સામે ઉભો હતો.

“ શું થયું હતું ...એ કેમ તારી પાછળ આવ્યો...તું એકલી હતી ? બસમાંથી તો તારી ફ્રેન્ડસ પણ હશે ને..?”

ના મો’મ... આજે કોઈ જ ન હતું..પણ હું તો રોજની જેમ બસમાંથી ઉતરી ને ઘર તરફ આવતી હતી..ત્યાં ખબર નહીં એ કઈ બાજુ થી આવ્યો અને મારી એકદમ નજીક આવીને હસવા માંડ્યો અને મારી સામે એક ફૂલ ધર્યું.... હું તો એકદમ ગભરાઈ ગઈ દોડતી દોડતી ઘરે આવી ગઈ. “

હજુ શિપ્રાનો થડકાટ ઓછો થતો ન હતો અને શ્વાસ પણ એકદમ ઝડપથી ચાલતા હતા. શિવા એ કિચનમાંથી પાણી લાવી ને એને પિવડાવ્યું. શિવા એ ફરી દરવાજો ખોલી ને જોયું તો હજુ એ ત્યાં જ ઉભો હતો. આમ તો એ ખાસ્સો દૂર ઉભો હતો કારણ એમનો બંગલો જાહેર માર્ગ પર હતો અને એ માર્ગની બીજી બાજુ એક ખુલ્લું મેદાન હતું ત્યાં એક ઘટાદાર લીમડાનું વૃક્ષ હતું એટલે એ પાગલ માણસ ત્યાં ઝાડની નીચે ઉભો રહીને એકી નજરે આ બંગલા તરફ જોઈ રહ્યો હતો.. હવે તો શિવાને પણ ડર લાગવા માંડ્યો.

કોણ હશે..?.કેમ શિપ્રાની પાછળ પડ્યો હશે..? હજુ કેમ એ અહીં જ ઉભો છે..? અનેક પ્રશ્નો એની સામે આવવા માંડ્યા. અંતે ઘરમાં જતી રહી પણ એનું મન ફરી ફરીને એક જ પ્રશ્ન પૂછતું હતું...કોણ છે આ ? કેમ શિપ્રાની પાછળ આવ્યો હશે..?

સાંજે મનન ઘરે આવ્યો અને થોડીવાર પછી ફ્રૅશ થઈને બહાર વરંડામાં આવ્યો...હીંચકા ઉપર ઝૂલવા માંડ્યો.. હજુ જમવાની વાર હતી.... શિવા કિચનમાં હતી...એટલામાં મનનને કશુંક સુજ્યું અને જોરથી બુમ પાડી..

“શિપ્રાઆઆઅ... ....શિપ્રા બેટાઆઆ”.....

“આવે છે એનું હોમવર્ક કરે છે..” શિવા એ અંદરથી જ જવાબ આપ્યો...અને શિવા એ પણ શિપ્રાને બુમ પાડીને કહ્યું “ બેટા ડેડી તને બોલાવે છે...”

“આવી ડેડ...!” એમ બોલતી બોલતી શિપ્રા બહાર છેક વરંડામાં આવી ગઈ અને ડેડીને વળગી પડી... વીસ વર્ષની આ છોકરી નાના બચ્ચાની જેમ ડેડ સાથે રમત કરવા માંડી... થોડી વારે એની નજર સામે બેઠેલા પેલા ગાંડા પર ગઈ...અને પછી તો એ દિવસે બનેલી આખી ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું...અને મનનનો ગુસ્સો ફાટી નીકળ્યો...એકદમ ઉભો થઈને એ પાગલ માણસ પાસે ગયો....શિપ્રા એ મમ્મીને પણ બુમ પાડીને કહ્યું એટલે એ પણ રસોડામાંથી દોડતી આવીને મનનની પાછળ ગઈ.. ત્યાં સુધીમાંતો મનને એને ધોલધપાટ કરી હતી.. એ પાગલ તો બસ એક પણ અક્ષર બોલ્યા વગર બેસી રહ્યો પણ એના હાથમાં ફૂલ હતું તે એ મનનની સામે ધરવા માંડ્યો જાણે કહેતો હતો કે ..”આ બીબી માટે છે...”

મનને એના હાથમાંથી ફૂલ ઝૂંટવીને પગ તળે કચડી નાખ્યું અને પાછી બે ધોલ મારી દીધી.. પાગલના નાકમાંથી લોહી નીકળવા માંડ્યું.... પણ મનનને તો ક્યાં પરવા હતી એની..! શિવાએ એને પાછો ખેંચ્યો... અને ત્યારે જ શિવાએ એ પાગલને આટલો નજીકથી જોયો એ પાગલની આંખ પણ એ જ વખતે શિવાની સાથે મળી પણ એને તો ક્યાં કશી સમજ હતી ! એક ધાર્યું જોઈ રહ્યો....

તમાશા ને વળી તેડું ના હોય એમ ત્યાં બીજા લોકો પણ એકઠાં થઇ ગયાં અને બે ચાર લોકોએ તકનો લાભ લઈ એને મારવા માંડ્યો. શિવાને કોણ જાણે શું થયું, કદાચ ભય લાગ્યો પણ એ આગળ આવી અને બધાને રોકવા માંડી અને મનનનો હાથ પકડીને રીતસર ખેંચીને એને ઘરે લઈ ગઈ. મનનનો ગુસ્સો હજુ પણ ઠંડો પડતો નહતો એણે પોલીસને બોલાવીને એને સુપ્રદ કરી દીધો. બધું ધીમેધીમે શાંત થવા માંડ્યું થોડીવારે ત્રણેય જણ જમવા બેઠાં...મનન તો જાણે કશું જ થયું નથી એમ નચિંત થઈને જમતો હતો શિપ્રા એની મસ્તીમાં મસ્ત હતી પણ શિવાનો જીવ બળતો હતો..

શિવાથી રહેવાયું નહિ એટલે ગુસ્સામાં બોલી: “ શું કામ આટલો બધો માર્યો એ પાગલને ? શું બગાડ્યું હતું તમારું? એ ક્યાં કશું કરતો હતો ? બિચારાને કેટલું બધું લોહી નીકળ્યું ? લોકોએ આટલો બધો માર્યો તે ક્યાંક મરી જાત તો ? શું લુંટી લીધું છે એણે તમારું તે નિર્દયી થઇને આટલો બધો માર્યો..?“

મનન કશું જ બોલ્યો નહીં એને પણ થોડો ભય તો લાગ્યો જ કે જો કંઈક થઇ જાત તો ? પણ ધીમેધીમે બધું શાંત થઇ ગયું.... મનન જમીને ટીવી જોવામાં અને શિપ્રા એના કામમાં વ્યસ્ત હતી..... શિવા કિચનના કામમાં પરોવાયેલી હતી પણ મન એનું કેમે કરીને સાંજની ઘટનામાંથી બહાર આવતું ન હતું... રાત્રે બધાં જ સૂઈ ગયા પણ શિવાની નજર સામેથી એ ઘટના કે એ પગલો માણસ હટતાં ન હતાં...એક જ પ્રશ્ન એને થયા કરતો હતો કે કેમ એ શિપ્રાની પાછળ આવ્યો..? પડખાં ફરતી રહી પણ આંખ બંધ થવાનું નામ લેતી નથી અને એક અવાજ અચાનક એના કાનમાં ઘેરાઈ રહ્યો.. એ જ વર્ષો જૂનો એક અવાજ ઘેરાઈ ગયો.

“શિવા...શિવા હું પાગલ થઇ જઈશ તારા વગર..! હું નહિ રહી શકું તારા વગર..”

શિવા એકદમ એના બેડમાં બેઠી થઇ ગઈ “ઓહ માય ગોડ...આ શું ...શું થયું આ..? હે ભગવાન શું કર્યું તેં આ...?” એકદમ આંસુ ધસી આવ્યાં...બેડમાંથી ધીરેથી ઉભી થઇ જેથી મનન જાગી જાય નહીં. વોશરૂમ જઇ આવી..કિચનમાં જઈ ફ્રીઝમાંથી ઠંડું પાણી પીધું અને એજ ઠંડા પાણીની ત્રણ-ચાર છાલકો આંખો પર મારી અને થોડા સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. ધીરેથી લીવીંગ રૂમમાંથી અવાજ ના થાય એમ બારી ખોલીને સામે લીમડા નીચે જોયું...સાવ સૂનકાર હતો.. કોઈ ના દેખાયું એટલે બારી બંધ કરીને પાછી બેડરુમમાં આવીને સુતી પણ ઊંઘ તો ગઈ...જતી રહી...આંખો સામેથી એ પાગલ ખસતો નથી. અનેક પ્રશ્નો લઈને એ પાગલ આવ્યો છે... કોણ છે એ ? ક્યાંથી આવ્યો ? ખરેખર એ જ હશે કે મારા મનની ભ્રમણા ??? અતીતનો એ ચહેરો એની આંખ સામે આવી ગયો...ચહેરોમાં તો ઘણું સામ્ય છે પણ આ ગંધાતી લાંબી દાઢી અને લાંબા જુલ્ફાં..કેમ કરીને ઓળખાય ? એ તો હતો હ્રુષ્ટપુષ્ટ અને આતો સાવ કૃશકાય...ગડમથલમાં પડી ગઈ....કોઈપણ રીતે એ જાણે તાળો મેળવવા માંગતી હતી...પ્રશ્નો પણ એના મનમાં ઊઠતાં અને જવાબ પણ એજ શોધીને એનું સમાધાન કરતી હતી.... પાછો એક વિચાર આવ્યો” અરે હા...! એક વસ્તુ તો બિલકુલ ચોખ્ખેચોખ્ખી દેખાતી હતી તે એના કપાળ પરનું ઘાનું નિશાન...અર્ધા કપાળ પર એનું વાગેલાનું નિશાન હતું અને એવું જ આના માથા પર પણ છે.... બસ આમ વિચારોમાં ને વિચારોમાં ક્યારે આંખ મીચાઈ ગઈ ખબર ના રહી. વહેલી સવારે પાછી ઊંઘ ઉડી ગઈ અને એકદમ બેડમાંથી ઉભી થઇ ગઈ... ધીરેથી બેડરૂમનો દરવાજો બંધ કરીને બહાર આવી ગઈ. લીવીંગ રૂમમાંથી બારી ખોલીને સામે લીમડા નીચે જોયું પણ એ ના દેખાયો. હતાશ થઇ ગઈ... એનું મન હવે કોઈ કામમાં લાગતું નથી. બહાર દીવાનમાં થોડીવાર સૂતી પણ ઊંઘ ના આવી. ઉભી થઇ અને કામે વળગી. થોડીવારે મનન જાગ્યો, શિપ્રા જાગી અને બધાં પોતપોતાના નિત્યક્રમ પ્રમાણે તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી ગયાં. રહી ગઈ એકલી શિવા.....! આજે શિવાનું મન કશાયમાં લાગતું નથી. વિચારો અને અતીત એની સામે બિહામણી ભૂતાવળ બની ને આવ્યા છે... એકદમ મજબૂત મનની આ સ્ત્રી આજે સાવ પાંગળી બની ગઈ છે...એક પ્રશ્ન સતત એને સતાવે છે કે મને શોધ તો શોધતો એ કેવી રીતે અહીં સુધી આવી ચડ્યો ?કેમ એ શિપ્રાની જ પાછળ પડ્યો ?

બસ, આમને આમ ત્રણચાર દિવસ પસાર થઇ ગયાં, અને એક સવારે જેવું બારણું ખોલીને એ બહાર વરંડામાં આવી તો સામે કંપાઉંડ વોલ પર ફૂલોની એક છાબડી મુકેલી હતી...અને તરત એની નજર સામે લીમડા પાસે ગઈ તો એ પાગલ પાછો ત્યાં જ બેઠો હતો અને એકી નજરે એ આ બાજુ જોઈ રહ્યો હતો..... શિવાને મનમાં હાશ થઇ...મનોમન ભગવાનનો ખૂબ આભાર માનવા લાગી, આજે જાણે એને જીવનમાં કશુંક પામ્યાનો આનંદ થયો. નિત્યક્રમ પ્રમાણેનું જીવન ગોઠવાઈ ગયું. હવે એના સિવાય કોઈ એ તરફ લક્ષ આપતું નથી.. રોજ એ રાત્રે ગમે ત્યાંથી ફૂલો ચૂંટી લાવે અને સવારે ફૂલોની છાબડી કંપાઉંડવોલ પર મૂકી દે, અને આખો દિવસ ઝાડ નીચે બેસીને આ બાજુ જ જોઈ રહે... શિવાનો વિશ્વાસ દ્રઢ થવા માંડ્યો કે આ એ જ છે.

એક દિવસ શિપ્રા સવારે કૉલેજ જવા નીકળી અને એની નજર એ તરફ ગઈ તો એ પગલો એને હાથથી ઇશારો કરીને એની પાસે બોલાવવા માંડ્યો... શિપ્રા ધીમેધીમે એની પાસે ગઈ એટલે એ પગલાએ એની સામે એક ફૂલ ધર્યું... શિપ્રા એ ફૂલ લીધું એટલે એ પગલો એકદમ ખુશ થઇ ગયો અને હસવા માંડ્યો. જાણે એને સંતોષ થઇ ગયો. હવે એ નિત્યક્રમ બની ગયો. રોજ સવારે એ શિપ્રાને ફૂલ આપે અને પછી બહુજ ખુશ થાય. શિવાએ આ દ્ગશ્ય જોયું એટલે બહુ વિચારતી હતી કે એ પગલો શિપ્રાને જોઇને કેમ બહુ રાજી થઇ જાય છે..??

એક દિવસ શિવા બહાર જતી હતી અને એ સામે જ બેઠો હતો પણ શિવાને જોઈ તો એકદમ ઉભો થઇ ગયો.. શિવા વધારે ખાતરી કરવા માંગતી હતી કે એ એ જ છે કે નહીં ? શિવા એની નજીક ગઈ તો એનો ચહેરો વધુ સ્પષ્ટ થયો અને એણે પૂછ્યું:

“કોણ છે તું...? શું નામ છે તારું હેં..?”

“.................”

ફરી પૂછ્યું “ તારું નામ શું છે..?”

“..................”

કંઇજ બોલતો નહતો કે કદાચ બોલી શકતો નહતો.. શિવા એને જોતી રહી અને એ પાગલ પણ એની સામે જોતો રહ્યો.. ફરી પાછું એણે પૂછ્યું:

“તું ક્યાંથી અહીં આવ્યો..?”

“..................”

ઘણાં બધાં પ્રશ્નો પૂછ્યા પણ એ સામે કોઈ પ્રત્યુત્તર નહિ.. પણ અચાનક એ પગલાએ એની દાઢી પર હાથ ફેરવ્યો અને એના હાથની છ આંગળીઓ પર નજર પડતાં જ શિવાનો વિશ્વાસ એકદમ દ્રઢ થઇ ગયો.

“હા...! આ એ જ છે.”

શિવાની આંખમાંથી આંસુની ધાર વહી આવી...એક-બે ક્ષણ એની સામે ઉભી રહી અને તરત જ પાછા પગલે દોડતી ઘરમાં આવી ગઈ, ચોધાર આંસુ છુટ્ટાં મોઢે રડી પડી. પોતાની જાતને, નસીબને અને ભગવાનને કોસવા માંડી... એક ગુનાઈત ભાવ એનામાં આવી ગયો કે એના કારણે એક નિર્દોષ માણસનું જીવન બદતર થઇ ગયું..બરબાદ થઇ ગયું. એના હૃદયમાં આક્રોશ પ્રગટ્યો અને મનમાં સંવાદ કરવા માંડી: “વાહ ભગવાન વાહ.... કોઈને પ્રેમ કરવાની આ સજા છે તારી આ દુનિયામાં ? એક હોનહાર અને નેક ઇન્સાનની જિંદગીને તેં દોજખ બનાવી દીધી ? એક નિર્દોષ માણસ આજે દુનિયાદારી ભૂલીને દરબદર ઠોકરો ખાતો થઇ ગયો...! શો ગુનો હતો એનો... એણે પ્રેમ કર્યો એ ?”

ઘણું બધું બોલી ગઈ...અને બોલતાં બોલતાં એ સાવ મૂઢ જેવી થઇ ગઈ... આખો અતીત એની સામે સીનેમાસ્કોપિક સ્ક્રીન પર જોતી હોય એમ દેખાવા માંડ્યો. . થોડી વારે ઉભી થઇ વોશરુમમાં જઈ ફ્રૅશ થઇ ને બહાર આવી અને ફરી વરંડામાં આવી ને જોયું તો એ ત્યાં જ બેઠો હતો. શિવા કિચનમાં ગઈ એક ડિશમાં જમવાનું કાઢીને લઈ ગઈ અને એને આપ્યું.. એ જોઈ જ રહ્યો. શિવાએ કહ્યું: “ ખાઈ લે...”

પણ એ બેસી જ રહ્યો...શિવા ની આંખ ભરાઈ આવી અને એને દયાભરી દ્રષ્ટીએ જોઈ રહી... ફરી કહ્યું :

“ખાઈ લે “

એ તો એમ જ બેસી રહ્યો..કદાચ એની સામે જમતા એને સંકોચ થતો હોય એમ માની ડીશ ત્યાં જ મૂકીને એ ઘરમાં આવી ગઈ. બસ પછી તો આ એનો નિત્યક્રમ થઇ ગયો.. શિવા રામુની મદદથી એનું બધું જ ધ્યાન રાખવા માંડી. જૂના કપડાં આપ્યા. મનન આ બધું જોતો પણ અણદેખ્યું કરતો....પણ ક્યારેક કહેતો પણ ખરો કે તું તો એ ગાંડાનું ધ્યાન એવી રીતે રાખે છે કે જાણે એ તારો કોઈ નજીકનો સગો હોય..!

આમને આમ ખાસ્સો એવો સમય વીતી ગયો..

હવે ઠંડી પડવાની શરૂઆત થઇ ગઈ હતી.. એ પગલા પાસે તો કશું જ હતું નહીં ઠંડીમાં ધ્રૂજતો હતો અને શિવાએ એ જોયું એટલે રાત્રે બધા સૂઈ ગયા પછી શિવા બહાર જઈને એને બ્લેન્કેટ ઓઢાડી આવી.

બીજા દિવસે સવારમાં બધું નિત્યક્રમ પ્રમાણે ચાલતું હતું અને મનન ઓફીસ જવા નીકળ્યો. અનાયાસ એની નજર એ ગાંડાએ ઓઢેલા બ્લેન્કેટ પર પડી અને એનો ગુસ્સો ફાટી નીકળ્યો. ઘરમાં આવીને શિવાને બેફામ બોલ્યો અને તોડફોડ કરી નાંખી. ખૂબ ઝઘડો થયો એ બંને વચ્ચે.

એ દિવસે શિવાએ એને જમવાનું પણ આપ્યું નહીં... એતો બસ એમ જ બેસી રહેલો.. એને તો ક્યાં કશી ખબર હતી....???

બપોરે શિવા એકદમ ગુસ્સામાં ગઈ એની પાસે અને કહ્યું: “ જતો રહે અહીંથી...શું કામ આવ્યો છે આટલા વર્ષે અહીં મને શોધતો શોધતો...હેં..? કશું જ મળવાનું નથી તને અહીંથી....જતો રહે, જા.... તારા ભગવાને તારી જોડે ખેલ કર્યો છે તો એમાં હું શું કરું...હેં..? જતો રહે અહીંથી આજ ઘડીએ નહી તો હવે તો હુંજ પોલીસને બોલાવીશ...”

એ બાવરો તો ક્યાં કશું જ સમજતો હતો..! બોલી તો આમ પણ નથી શકતો માત્ર એકધારી લાચાર નજરે એની સામે જોઈ રહ્યો હતો..

શિવાના ગુસ્સાનો પાર નથી..” હું તારું મોં જોવા નથી માંગતી..જા જતો રહે અહીં થી મારું લોહી પીધા વગર..”

એની આંખો જાણે પૂછતી હતી..” ક્યાં જાઉ...?”

“જ્યાં જવું હોય ત્યાં જા...જહન્ન......”

બહુ ખરુંખોટું બોલીને શિવા ઘરમાં આવી ગઈ.....અને ઘરમાં આવીને ખૂબ રડી....બારી દરવાજા બંધ કરી દીધા અને આખો દિવસ શિવા ઘરમાંથી બહાર ના આવી. રાત્રે મનન ઘરે આવ્યો.. ઘરનું વાતાવરણ એકદમ બોઝિલ હતું...

એ રાત્રે શિવા ઊંઘી ના શકી..અને ઊંઘ આવે પણ કઈ રીતે...?

રાત્રે જોકે એનો જીવ ના રહ્યો અને એક-બે વાર બારી ખોલીને જોઈ લીધું પણ એ ત્યાં જ બેઠેલો હતો..!!!

પણ સવારે જ્યારે ઉઠી ત્યારે એ ત્યાં ન હતો....રામુ એને શોધવા ગયો છે પણ હજુ સુધી આવ્યો નથી.. આકળવિકળ થઇ ગઈ... અને એટલામાં રામુ એ બહારથી બુમ પાડી

“બેન...બેન...બાવરો મરી ગયો......એનો ટ્રક સાથે એકસીડન્ટ થયો......... એના હાથમાં ફૂલોની છાબડી એમની એમ છે બેન !!! ”

************