Shayar - 4 books and stories free download online pdf in Gujarati

શાયર - 4

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ-૪.

મહેફિલ

વળતાં દિવસની સાંજની પ્રભુરામની પાર્ટી એ સુરત જે કોઈ કાંઇક પણ હતું એને માટે એક ઘણોજ યાદગાર પ્રસંગ હતો. સુરતના પ્રભુરામની નાતાવાળાઓ એમા હતા. વેપારીઓ હતા. અમલદારો હતા. સરકારી સાહેબો પણ હતા. પ્રભુરામની લાગવગનો જેટલો વિસ્તાર હતો એટલો ત્યાં પથરાયો હતો. અંગ્રેજી ખાણીપીણીની, ખાવાની અંગ્રેજી રીતભાતની, છરી અને કાંટાની, પાંઉ અને બિસ્કીટની, દારૂ અને ચાહની ઘણા માણસોએ ઘણી વાતો સાંભળી હતી. સાંભળેલી વાતમાંથી કેટલીક વિચિત્ર

હતી. કેટલીક સમજાય નહિ એવી હતી. કેટલીક અકુદરતી લાગતી હતી. એ તમામ વાતોના સત્યાસત્ય તારવવાનો પ્રભુરામે એક અવસાર આપ્યો.

એ પાર્ટીમાં પ્રભુરામે ગૌતમ સાથે આશાનું વેવિશાળ જાહેર કર્યું. સાહેબોએ ગૌતમ અને આશાને અભિનંદન આપ્યાં. ને સાથે સાથે ગૌતમ સાથે કામ કરવાનો એમને અવસર મળશે અને ગૌતમ

સરકાર તરફ વફાદારી બતાવીને , ચાલાકીથી નોકરી કરીને ઉપરી અમલદારોની શુભેચ્છા મેળવીને ભવિષ્યમાં બહુ ઊંચી પદવીએ પહોંચશે એવી શુભેચ્છા વ્યક્ત કરી.

આ પાર્ટીમાં કોઈને શોભારામ યાદ ન આવ્યો. પ્રભુરામ આમંત્રિત મહેમાનોની સારવારમાં પરોવાયો હતો. ગૌતમ ભાવિ નીમાતા ને ભાવિ અમલદાર તરીકે બહુ જ ઓછી હલચલ કરતો એક સ્થળે

બેઠો હતો. આજના સમારંભમાં પોતાના પિતા આવે જ અને પોતે એને ન દેખતો હોય તો આ મોટા જમેલામાં એ કયાંક તો હોવા જ જોઈએ, એ એની દ્ર્ઢ માન્યતા હતી.

પરંતું આશાને સુરતમાં આવે માંડ અઠવાડિયું થયું હશે તોય પોતે આ મોટા સમુદાયમાં કોની ભાળ રાખવી જોઈએ અને કોની ન રાખવી જોઈએ એ સમજી ચૂકી હતી. શોભારામ એને પોતાની

ભાળને લાયક દેખાયા હતા. બે ત્રણ ઓરડા, બે પરસાળ ને બહાર ચોકમાં મોટો પથારો પાથરીને પડેલી આ મહેફિલમાં એની ચકોર આંખોએ શોભારામને શોધવાની કોશિશ કરી. પરંતુ એ

કોશિશ સફળ ન થઈ. શોભારામને એણે ક્યાંય ન જોયા.

ચતુર બાળા બહાર સરકી ગઈ. પાડોશમાં જ શોભારામનું ઘરહતું. એની ડેલી ઉઘાડી ડેલીમાં એ પેઠી. ફળિયામાંથી ઘરમાં જવાના પડથારના પગથિયા ઉપર પગ મૂકતાં એણે શોભારામને ખાટે

હીંચતા જોયા.

'બાપુ !' આશાએ કહ્યું. ' કોણ?' તંદ્રામાંથી ઝબકીને જાગતા હોય એવા ચમકેલા અવાજે શોભારામે મનમાં પરોવાયેલી આંખોને પરાણે બહાર જોતી હતી ઃ'કોણ તું ? આશા ?'

'બાપુજી ! તમે કેમ નથી આવ્યા ?' શોભારામે જરા સ્મિત કર્યુંઃ 'મારું ત્યાં કામ નહિ, બેટા. હું તો હવે ડોસો થયો શોભતો હોઉં ત્યાં શોભું. '

'એવું નહિ ચાલે . હું તમને બોલાવવા આવી છું.' આશાએ લાડ કરતા અવાજે કહ્યું. 'મને રહેવા દે ને. ત્યાં મને મજા નહિ આવે ને અહીં મને મજા છે.'

'એમ તે કાંઈ ચાલે ? તો હું ય આંહી બેસીશ.' ' તો તારું મન રાખ્યા વગર કાંઇ રહેવાશે ? તારી મહેફિલમાંથી તને રોકું એ કાંઇ બને ? પણ.... '

'બાપુજી, આપણી નાતવાળા તમામને માટે અલગ જ બંદોબસ્ત રાખ્યો છે. આભડછેટ જેવું કશું ન મળે. ને બટેટા-પૌંઆ તો મેં કર્યા છે.'

'ઠીક, ચાલો. તને કાંઇ ના પડાશે ને તારું રાધ્યું અન્ન પાછું થોડું ઠેલાશે . જયહરિ ! ' કહેતાં શોભારામ ઉઠ્યો, ને પોતાનાં કપડાં પહેરવા લાગ્યો.

આશાને એક ચમક આવી ગઈ. ડોસા પાસે મહેફિલમાં જવા માટે કપડાં ન હતાં. આવડી તવંગર મહેફિલમાં જવા માટે છાજતાં કપડાં તો હોવા જોઈએ. શોભારામનું ન આવવાનું કારણ એને

સમજાયું ને ક્ષણભર એને ક્ષોભ થયો. 'બાપુ ! તમારે કાંઇ કપડાં પહેરવાનો માલીસો કરવાની જરૂર શી? તમારાથી કપડાં ન પહેરાય. પહેરણ પહેરીને આવો !'

'અરે ગાંડી ! મહેફિલમાં તે...' ' મહેફિલ તો તમે આપનારા છો. આપણે આપીએ છીએને ઘરધણી કાંઈ કપડાં પહેર ? મારા બાપુજીને તો મોટા સાહેબો પાસે જવાનું એટલે પહેરવાનું. તમારે

તો નાતવાળાની દેખરેખ રાખવાની ને ? એ કાંઈ મારા કાકાને ન આવડે.'

આશા શોભારામને લઈ ગઈ ને નાતવાળાઓની વચમાં એમને મૂકી આવી. નાતવાળાઓને સગાઈ કરવાની આ રીત નવી લાગી. પરંતુ ચિત્રવિચિત્ર ખાણાપીણા સાથેની આ રીત સામે એમને

વાંધો ન હતો. એઓ શોભારામ સાથે વાતોએ વળગ્યા. શોભારામ એમની સાથે વાતોએ વળગ્યો.

ને એ વાતોનો સાર એ હતો કે ગૌતમ ઘણો લાયક છોકરો હતો. આશા રૂપાળી કન્યા હતી. પ્રભુરામ વસીલાવાળો ને પૈસાવાળો માણસ હતો. એકંદરે શોભારામ ઘણો જ નસીબદાર માણસ હતો.

ને ભગવાન વરઘોડિયું હેમખેમ રાખે તો ગંગા નહાયા.... '

અમલદારી વર્ગને અમલદારી રસમની વિદાય કરીને પ્રભુરામે બધાની વચમાં આવીને કહ્યું ઃ ' અરે ભાઈ, કોઈએ જવાનું નથી હો. આ સહેબો ગયા. હવે જ આપણી મહેફિલ શરૂ થાય છે.

કોઈએ ઘેર ખાવાપીવા જવાનું નથી. અઠેહી દ્વારકા જ કરવાનું છે. બૈરાંઓએ ગરબાની સગવડ કરી છે. આપણો સંગીતનો કાર્યક્રમ છે. ગંજીફા છે, ચોપાટ છે, શતરંજ છે. ચાલો આજે તો મારે ઘણે

વરસે ચોપાટ રમવી છે. ક્યાં છે શોભારામભાઈ ? હાલ ગવરીશંકર તું, ને ચોથો.. આ રહ્યો વજેરામ...ચાલો વજેરામ.'

ને આમ મોડી મધરાત સુધી મહેફિલ મચી. મહેફિલ તો ખરેખરી મધરાતે ચગી. એક બાજુ ચાહનાં રંગાડા ઉકળતાં હતાં. બીજી બાજુ રમતગમતની રમઝટ જામી હતી. પાન સોપારી બીડી બાકસ

નો કાંઈ હિસાબ નહોતો. ને ભાઈ ! ધોળી બીડીઓ કાંઇ રોજ રોજ મળે છે. ફ્ળો પણ પાર વગરનાં હતા. પ્રભુરામભાઈનો ઉમંગ તો ક્યાંય સમાય નહિ. કાંઇ જેવો તેવો માણસ થોડો હતો એ ?

આશાએ હળવે રહીને ગવરીશંકરને ટકોર કરી. ને ગવરીશંકરે પ્રભુરામને કહ્યુંઃ 'પ્રભુરામભાઈ ! હવે જરા રમતમાં પોરો ખાઈએ. ને મારી એક માંગણી છે.'

' બોલને શું છે ? નોકરી જોઈએ છે ? બેસી જા કાલ પેઢીએ.' ગવરીશંકર પગે પડ્યો. ધૂળ તો 'ધૂળ' જ છે, પણ મોટા માણસના પગને અડે તો એનોય ઉધ્ધાર થાય છે. આપની દયા. કાલ હું

આવીશ.' 'આવજે, વજેરામ ! આ ગવરીશંકરને કાલ પેઢીએ બેસારી દેજે. પચાસ રૂપિયા પગાર માંડી દેજે. બસ.'

'ચોપાટમાં તો મેં નતોડિયું ખાધું. પણ છેવટ તોડ થયો ખરો મારો. પણ શેઠજી ! મારી વાત બીજી હતી.'

'બોલ શું ?'

'ગૌતમભાઈ કવિતા સારી લખે છે. મહેફિલમાં એક બે જરા થવા દ્યો એમને મોઢેથી તો મજા આવે.'

'એમ? કવિતા લખે છે ! મને ખબર નહિ. શોભારામભાઈ ! ગૌતમ ક્યાં છે ? બોલાવો તો ખરા.'

'જી ! એ કાંઈ થોડા કાલિદાસ કે ભવભૂતિ છે ? જોડકણાં લખે. નિશાળની કવિતા એ તો નિશાળમાં સમાણી !'

'એ તો સાચી વાત કહી તમે, કાલિદાસ કે ભવભૂતિ મોટા કવિ મનાતા હશે પણ હવે એ જૂનવાણી થયા, જૂનવાણી ! એમની બધી બામણીયા કવિતા આજ અંગ્રેજી રાજમાં ન ચાલે. આજ તો

શેક્સપિયર ને વર્ડઝવર્થ જેવા કવિ જોઈએ. ગુજરાતી ભાષામાં તે વળી કવિતા લખાતી હશે ? એમાં તો રાસડા લખાય રાસડા.' પાવા તે ગઢથી ઊતર્યા મા કાળી રે !' ગુજરાતી તે વળી

કાંઇ ભાષા છે ?' ગૌતમ આવ્યો. ' મને બોલાવ્યો, બાપુજી !' એણે પોતાના પિતાને પૂછ્યું.' ' મેં જરા યાદ કર્યા તમને સાંભળ્યું છે કે તમે ગુજરાતીમાં કવિતા લખો છો. તો સંભળાવો તો ખરા કે ' શું શાં પૈસાચાર' વાળી ભાષામાં

તે વળી કવિતા લખાય છે કેમ ?'

'જી, એ તો કોલેજમાં... '

' અરે ભાઈ, કવિતા તો નિશાળમાં જ લખાય ને નિશાળમાં જ સમાય. નિશાળ બહાર તો પરીક્ષાનું સર્ટિફિકેટ જ કામનું કે તરત રોટલો થાય ચાલતો. પણ ભાઈ , હવે સંભળાવો તો ખરા.'

' જી. એમાં આપને મજા આવશે નહિ.'

' અમારો આ ગવરીશંકર કહે છે. તમારી કવિતાની વાત કરવાને બહાને પેઢી ઉપર નોકરીએ જૂતી ગયો. હવે એનું માન રાખો.'

' ભાઈ ! ગવરીશંકરે કહ્યું ઃ ' રામને નામે પથરા તરે તેમ હું તમારી કવિતાના નામથી તરી ગયો. હવે હું તો સાંભળ્યા પહેલાં એનો પૂજારી, હવે મારું માન રાખો ને એકાદ તો સંભળાવો.'

' ભાઇ, મારી કવિતાઓ તો આપ કહો છો તેમ કોલેજમાં જ રહી. પણ આપ કહો તો એકાદ બે જૂની કવિતાઓ સંભળાવું.'

' તમારી મરજી.' પ્રભુરામે વાતને ટૂંકી કરવા ચાહ્યું. એક તો ગુજરાતી કવિતા વિષે એનો મત જરાય ઊંચો નહોતો. એમાંય આજકાલ ની કવિતા નથી હવા વગરની જ હોય તો જૂના ગંધાતા

ખાબોચિયા ડહોળવામાં શું મજા ? તેમ આટલા બધા મોટા સમુદાય વચ્ચે ગૌતમ કાંઈ જોડકણાં કે ' પાપ તારું પરકાશ જાડેજા ' જેવું લોકવરણનું ભજન ગાઈને માનહીન ન બને એ પણ એને

જોવું હતું .'

પોતાને વાત ટૂંકી કરવી હતી. ગવરાએ ઉઘાડે છોડે માગણી કરી ને એ ન સ્વીકારે તો શિષ્ટાચારનો ભંગ થાય. એના કરતા ગૌતમ થોડુંક જેમ તેમ ગાઈ નાંખે ને પોતે ઝટપટ વાહાઅહ કરી

ને વાતને વાળી લે એ એની ગણતરી હતી.

ગૌતમે કહ્યું ઃ' કવિતા એટલે લોકનો આત્મા. જેટલું લોકજીવનમાં ખમીર એટલું કવિતામાં જોમ. ખરી રીતે કવિતા કદી પાંગળી હોતી જ નથી. લોકો જ પાંગળા હોય છે. એનો એક દાખલો

બસ થશે. આપણે હોમરની 'ઇલિયડ' વખાણીએ, મેકોલેની' હોરેશિયસ' વખાણીએ, પણ એના જેવી ઉત્તુંગ ભાવનાવાળી કવિતા આપણે ત્યાં પણ છે. હમણાં જ મૂળુ માણેક મરાયા છે.

બળવાનો વાવટો જેણે આખા હિન્દમાં બળઓ સમી ગયા પછીયે ડુંગરાઓમાં દશ દશ વરસ સુધી પકડી રાખ્યો હતો ને જેનું અરમાન હતું કે.-'

' મૂલુ મૂછે હાથ, બીજો તરવારે તવાં

' હત જો ત્રીજો હાથ , નર અંગ્રેજ આગળ નમતે.'

આવો અટંકી વીર જ્યારે બરડામાં ઘેરાઈ ગયો ને એને કહેવામાં આવ્યું કે " ' મૂળુ ! હથિયાર મૂકીને તાબે થઈ જા.' ત્યારે લોકકવિ શું કહે છે ? ' ના છડિયાં હથિયાર, અલ્લા લા બેલી, ના છડિયાં હથિયાર,

પાંજે મરણું જો હકડી વાર અલ્લા લા બેલી, ના છડિયાં હથિયાર.'

ગૌતમનો બુલંદ ઘેરો ને દર્દભર્યો અવાજ સારી સભા ઉપર સન્નાટો પાથરી રહ્યો.

'એમ - એમ -એમ ' પ્રભુરામ આકળા થઈને ગૌતમને વારવા માંડ્યા ઃ' બસ બાપલા બસ. તમારી કવિતા સાંભળી, ને તમે ઘણું સરસ ગાઓ છો. બસ પણ આ 'બેકડા'નું ગાણું બંધ કરો. કોઈક

સાંભળે તો કહેશે કે પ્રભુરામની મહેફિલમાં આવા રાજદ્રોહી લૂંટારા ને બહારવટિયાનાં ગાણાં ગવાય છે ? મેં તો જાણ્યું કે તમે ' રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી' કે સામળ ભટનો છપ્પો કે

ભરથરીનાં ગીત ગાશો ને તમે તો બહારવટિયા ને ડફેરનાં ઉખાણાં કાઢ્યાં. '

' જી. મૂળુ માણેક...'

' મૂળુ માણેક મરી ગયો એ ગયો જંતર વગાડતો. સરકારની સામે થનારો ભાગી ભાગીને જાય કેટલે ? ચંદરમાથી શિયાળ ભાગીને જવાની હતી ક્યાં ? તમે સમજુ થઈને સરકારી નોકરી કરવા

જતાં વળી આ લપમાં ક્યાં પડ્યાં ? આ બધું કરવું જ શું કામ જોઇએ ? ને કરવું હોય તોય ઘરખૂણે કરવાનું. કોલેજમાંથી તાજા બહાર આવો છો ત્યારે મારી આ અનુભવની શીખ માનજો. '

ગૌતમે જવાબ આપ્યો નહિ. ને બીજું કાંઇ એણે ગાવું જોઈએ એવો પ્રભુરામે આગ્રહ ન કર્યો. પ્રભુરામે ફરીને ચોપાટ માંડી.

પણ ચોપટનો એનો રંગ ઊડી ગયો. મહેફિલનો રંગ પણ ઊડી ગયો. ને ધીમે ધીમે મહેફિલ સંકેલાવા માંડી. કાંઇક અજુગતું થઈ ગયું હોય, એમ બધાને લાગ્યું. બનેલી વાતની જો કોઈને ગંધ

જશે તો પોતાને કાંઇક સહેવું પડશે એ આશંકા જાણે સહુને લાગી.

શોભારામે રસ્તામાં ગૌતમને કહ્યું ઃ 'તમે જરાક વ્યવહારું થતાં શીખો તો સારું.'

ગૌતમને વાતાવરણમાં થયેલો પલટો કળાયો હતો. પરંતુ એ પલટો અત્યાર સુધી મહેફિલના થાકને આભારી હોવાની એની માન્યતા હતી. પોતાની અવ્યવહારિકતા એને માટે જવાબદાર

હતી એ ખ્યાલ તો પોતાના પિતાનાં વાક્યોથી જ એને આવ્યો.

' જી. મને... '

' સમજ્યો. તમને ખ્યાલ નથી એમને ? પન ભલા માણસ, ખ્યાલ તો રાખવો જોઈએ ને? તમે ક્યાં બેઠા છો, કેવા માણસો વચ્ચે બેઠા છો, કેવી રીતે કરો છો એની અસર કેવી થાય એનો

વિચાર કરવાનું તમને સમજાવવા જેવું હોય ખરું કે ? મલક આખો જેને બહારવટિયો કહે એના વળી દુહા તમે ક્યાંથી જોડી કાઢ્યા આવા ?' ' ના બાપુજી. મેં જોડ્યા નથી. એ તો ક્યારનાયે જોડ્યા છે. મેં તો ખાલી સંધર્યા છે.' સંધરી સંધરીને તમે સાપ જ સંઘરવા માંડ્યા ? મૂળુ માણેક બળવાનો વીર હોય, જવાંમર્દ હોય કે બહારવટિયો હોય, ચોરડાકુ હોય, એમાં તમારા ટકા કેટલા ? જેવો હતો તેવો એ તો મરી ગયો. એ થોડો હવે તમારી જગ્યાએ નોકરી કરવા આવવાનો છે કે તમે નોકરી વગરના હો તો તમને રોટલા આપવા આવવાનો છે ? તમે પ્રભુલાલ-ભાઈનો અરધો ઉમંગ બગાડી નાંખ્યો. '

'જી. મને ખ્યાલ ન રહ્યો. હવે એવું નહિ થાય '

ઘર પહોંચીને બાપ દીકરો બન્ને સૂઈ ગયા. સવારના પહોરમાં નાહીધોઈને ગૌતમ મેરાઈને ત્યાં જઈ ઊભો રહ્યો.

મેરાઈને પાસે ખ્યાલ હતો કે નવા અમલદાર માટે સાહેબલોકનાં કપડાં એને કરવાનાં છે. એટલે બિચારાએ રાત જાગીને એક કોટ ને એક પાટલૂન શીવી રાખ્યું હતું.

એ કપડાં લઈને ગૌતમ ઘેર આવ્યો.

ઘેર એના પિતાએ બન્ને જણ માટે રસોઈ કરી રાખી હતી. જમીને ગૌતમે

પોતાનાં કપડાં પહેર્યાં.

( ક્રમશ )