Tran Varta books and stories free download online pdf in Gujarati

ત્રણ વાર્તા

રેખાઓ

એ હંમેશા ખૂણા માં બેઠા બેઠા એક જુનો પુરાણો સિક્કો હાથના અંગુઠા વડે ઘસ્યા કરતાં.હું અવારનવાર ત્યાં કરીયાણા નો સામાન પહોંચાડવા જતો અને એમને જોયા કરતો.ધીરે ધીરે ઓળખાણ થઇ ,હકીકત માં તો મિત્રતા.

હું એમને જુના સિક્કા પર અંગુઠો ઘસતા જોઈ ઘણીવાર પૂછતો, “તમે રોજેરોજ આ સિક્કા સાથે આ શું કરો છો ?” ને એ ઘડીભર મારી સામે જોઈ રહેતા,પછી સાવ કોરું હાસ્ય ઉપજાવી હળવે થી કહેતા, “ઘસી ઘસી ને જુનો કરું છું, કદાચ રેખાઓ ભૂંસાય તો કિંમત વધી જાય.” ને હું આશ્ચર્ય થી એમની આંખો માં ટગર ટગર જોયા કરતો.

એક દિવસ અનાયાસે જ હું ‘એલ્ડર્સહાઉસ’ પહોંચી ગયો.કોલાહલ થોડો વધારે હતો.જોયું તો ખૂણો ખાલી હતો.એમના રૂમ માં જોયું તો ડોક્ટર અને બીજા સગાવ્હાલા એમના પલંગ ને વીંટળાઈ ને ઉભા હતા. દીકરો એમનો અંગુઠો સહીવાળો કરી,નિશાન લઇ રહ્યો હતો.વકીલ એ બિલોરી કાચ વડે તપાસી, ફાઈલ સાથે સરખાવી રહ્યા હતા,પણ એકેય નિશાન મળતું આવતું નહોતું.

અચાનક એક ઊંડો શ્વાસ લઇ એમને આંખો ઢાળી દીધી.વહું એ પોક મૂકી.દીકરાની આંખો ભીંની થઇ.મારી નજર ચોંટી ગઈ એમના ચહેરા પર અને ત્યાં તો જાણે અકબંધ જડાઈ ગયું હતું,પેલું કોરુંકટ હાસ્ય.વકીલે બધા સમક્ષ એમની વિલ વાંચી સંભળાવી. “જો મૃત્યુ સુધી હું મારી મિલકત કોઈના નામે ન કરું, તો એની હકદાર માત્ર ને માત્ર ‘એલ્ડર્સહાઉસ’ સંસ્થા થશે.”ને મારા મન માં શબ્દો સરી પડ્યા, “વાહ ,તમે તો ખરેખર રેખાઓ ભૂંસી ને કિમત વધારી ગયા.”

કબર

કુહાડીનો એક એક ઘા જાણે એ પોતાના જ માથા પર મારી રહ્યો હતો.પરસેવા નું ટીપું પણ પડતાં ની સાથે જ સુકાઈ જતું હતું.એને તડકા ની સહેજ પણ પડી નહોતી,એના મન માં દાવાનળ ફાટ્યો હતો.

“પૈસા ની સગવડ કરવી જ પડશે નહી તો, બાપુ ની કબર ....ના ના...”એ મનોમન બબડી રહ્યો હતો.આકાશ તરફ જોઈ ઊંચા અવાજે એ બોલ્યો, “હે પરમપિતા,તારે જન્મ આપવો જ હતો,તો મને અહિયાં જ કેમ આપ્યો ? ક્યાંક બીજે,કોઈ બીજી સંસ્કૃતિ માં આપ્યો હોત.તો...તો મારી લાશ ને તો ભાડા ની જરૂર ન પડેત.”

મધ્ય અમેરિકા ના ગ્વાટેમાલા ના એક ગરીબ કઠિયારા નો એ દીકરો હતો.જગ્યા ની તંગી ના કારણે અહિયાં કબર નું ભાડું ચુકવવું પડે છે.

પોતાના જ પરસેવા થી ભીના થયેલા ફાળીયા થી મોઢું લુછ્યું.એની નજર ઘડીભર થંભી.એને પોતાની સામે એનું બાળપણ દેખાયું.એનો બાપુ દેખાયો.ને બસ ક્ષણભર તો આખુંય જીવન પસાર થઇ ગયું.કેવી રીતે દાદા ની કબર નું ભાડું ચુકવવા પિતા એ આખી જિંદગી મહેનત કરી,ને હવે એ જ વારો એનો આવ્યો.વળી એને તો કોઈ સંતાન પણ નથી,એટલે પોતાની કબર ના પૈસા પણ એણે પોતે જ ભેગા કરવાના છે.

પોતાની કબર નો વિચાર આવતા જ એ વળી પાછો કુહાડી ના ઘા મારવા લાગ્યો.અચાનક ‘કડડડડ...’નો અવાજ સંભળાયો અને બીજી જ ક્ષણે ડાળ સાથે એ પણ ઝાડ ની નીચે હતો.એનો પ્રાણ એના દેહ નો સાથ છોડી જતો હતો.આકાશ તરફ જોઈ રહ્યો.બસ એટલું જ બોલી શક્યો, “જીવન તો ઠીક ,હવે તો મૃત્યુ ય વ્યર્થ જશે.”

કાળી

જન્મી ત્યારે બાપ ને એ નહોતી ગમી,ને ગમે પણ ક્યાંથી ? આવતા વેંત એ પોતાની માં ને ભરખી ગઈ.એવું એને ગામ વાળા એ કહી જ દીધું હતું.એટલે એણે ક્યારેય પિતા પાસે થી લાડ ની આશા નહોતી રાખી.ને એના પિતા પણ એ આશા ને પૂરો સહયોગ આપતા.એમણે ક્યારેય કાળી ને મીઠા અવાજે બોલાવી પણ નહોતી.અરે ત્યાં સુધી કે, પત્થર ઓગળી જાય એવી વેળા,કાળી ની વિદાય વખતે પણ એનો બાપ ન રોયો.

આગળ વાત કરીએ તો પિયરમાં બાપ એની સામું નહોતો જોતો,સાસરે પતિ એની હાલત સામું નહોતો જોતો.પતિને બસ એના શરીર ને ચૂંથવા માં જ રસ હતો.એણે ક્યારેય પ્રેમના બે શબ્દ સાંભળ્યા હોય એવું એને યાદ નહોતું.અપૂરતા જ્ઞાન અને શરીરસુખ ના પરિણામે, એને બાળકો થયા હતા બસ.થોડા સમય પછી એના માથે લાગેલું કાળું ટીલું સાચું સાબિત કરતા,એનો પતિ પણ મૃત્યુ પામ્યો.લોકો એ ફરી એને અપશુકનિયાળ કીધી.કોઈ ને સારું ન લાગે, પણ ત્યારે કાળી ખરેખર ખુશ થઇ હતી.એતો કેદ માંથી છૂટી’તી.

એની પાસે તો એક દીકરો હતો.એના માટે તો ભલે કાળો તોય રાજા ના કુંવર જેવો.એણે જન્મ વખતે મારેલી માં,બાપ ના અબોલા,ગામ ના મહેણાં,વર નું મોત આ બધું દીકરા થી છાનું રાખવું હતું . કદાચ એય એને અભાગણ,અપશુકનિયાળ સમજે તો ? દીકરો હજી કાલુઘેલું બોલતો,પણ બોલતો ‘માં’ જ.ભલે એણે કીધું ન હોય પણ એ અભાગણ તો હતી જ.દીકરા ને કમળો થયો.જોતજોતા માં કમળી.કાળી બહુ દોડી,પણ જેની દોરી ઉપરવાળો જ ખેંચવા બેઠો હોય એ રહે ? દીકરો મરી ગયો. કાળી ને મારી ગયો.આ વખતે કાળી બહુ રોઈ.

હવે એ પારકા કામ કરતી.રોટલો ખાઈ લેતી.ક્યારેક ભૂખી સુઈ જતી.જીવવા માં એને બહુ હવે રસ પડતો નહોતો.એને છેક હવે એની મરેલી ‘માં’ યાદ આવતી’તી.હા એણે ક્યારેય એને જોઈ નહોતી,એટલે એની પાસે યાદ પણ એના ફોટા ની જ હતી.

એક દિવસ કાળી એના કામ ના રસ્તે જતી હતી.રસ્તા ના રેલ્વે નો ફાટક ઓળંગવા જતા ફસડાઈ પડી.સામે આવતી ટ્રેન ના ચાલકે હોર્ન તો બહુ માર્યા, પણ કાળી ને સાંભળવા જ નહોતા, તે ન જ સાંભળ્યા.આખી ટ્રેન એના પર થી પસાર થઇ ગઈ.

બીજા દિવસે સમાચાર આવ્યા, “સર્વિસ પાટા પર અકસ્માત.એક અભાગી બાઈ નું મોત,કેમકે ત્યાં ભાગ્યે જ ટ્રેન આવતી, જયારે મેઈન લાઈન નું રીપેરીંગ ચાલુ હોય.”ને વાત પણ બરાબર હતી, કાળી અભાગણી તો હતી જ.