Ek Sanghrshsaritanu Jivannruty books and stories free download online pdf in Gujarati

એક સંઘર્ષસરિતાનું જીવનનૃત્ય

એક સંઘર્ષસરિતાનું જીવનનૃત્ય

Vaishali Radia Bhatelia

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...

જામનગરના નાગર ચકલામાં સમી સાંજે પસાર થનાર વ્યક્તિના કાનમાં આ અને આવા બીજા કેટલાય કૃષ્ણના સ્તુતિ ગીતો તેમજ ગુજરાતી સુગમ સંગીતના અને ક્યારેક ‘મંગલ ગાન કરેગા દેશ હમારા....’ શબ્દો કાને પડતા રહેતા અને મનને એક ઘડી જાણે શાંત કરી ડોલાવી જતા હતા. અજાણી વ્યક્તિ નીકળે તો એ પણ એક પળ તો થંભી જ જાય કે કાનમાં આ મીઠાશ ક્યાંથી રેલાણી? અને નાગર ચકલાના એ ખાંચામાં ઊંચે નજર કરતાં જ ‘મંગલમ્’ નામના મકાનની અગાશી પરથી એ સુરોનું સરનામું મળી જાય. જામનગરની જૂની કોઈ પણ વ્યક્તિ બોલી ઊઠે કે, “અરે! તમને નથી ખબર? એ નેહા શુક્લનું ઘર છે!”

આટલી જાણીતી, સૂર-તાલ-લયની જાગ્રુત અભિવ્યક્તિ, અને અનેક ગુણોની સામ્રાજ્ઞી, એવી એ નેહા આજ એની અગાશીમાં એક પાળી પર ઊભીને ખ્યાલોમાં ખોવાયેલી હતી. સાથે અગાશીમાં તરાના તો ચાલુ જ. ને ૨૫ થી ૩૦ બાળકીઓ અલગ અલગ મુદ્રા સાથે તબલાં અને ઘૂંઘરુંની છમ્મ છમ્મના તાલે કથ્થકની પ્રેક્ટીસ કરી રહી હતી. એક પછી એક બાળકીના મમ્મી તેડવા આવે અને નેહાદીદીના હંમેશાના સ્મિતમઢયા ચહેરે વિદાય પામે. અને આવા એક નહિ, નાની બાળકીથી શરુ કરી કોઈ પણ ઉંમરની બહેનો સાંજે રોજ ૩ કલાક માટે વારાફરતી આમ જ સ્મિત મેળવતા રહે અને એક અઠવાડિયાની એનર્જી મેળવી લે! હા, નેહાના ક્લાસના સ્ટુડન્ટસનું ટાઇમટેબલ અઠવાડિયે એકવાર એક કલાકનું પણ નેહાનું ટાઇમટેબલ તો રોજનું ૩ કલાકનું! અને હા, એ ટાઇમટેબલ ઘણા વરસોથી ફિકસ! સવારે ૪:૩૦ થી શરુ થાય. નિત્યકર્મ પતાવી પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરી ૫:૩૦ તમે નેહાને મળવા ઈચ્છો એટલે એ તળાવની પાળે સૂર્યની ગતિ સાથે કદમ મિલાવતી જોવા મળે! સવારથી બપોર જામનગરની ભવન્સ સ્કુલમાં તમને નેહા સાયન્સ ભણાવતી જોવા મળે! બપોરે જમીને અઠવાડિયામાં ૩ દિવસ મંગલ, ગુરુ અને શનિવાર રિલાયન્સ, એસ્સાર કંપનીઓમાં ટાઉનશીપમાં કથ્થકના ક્લાસ લેતી જોવા મળે! અને ફરી સાંજે એના ‘મંગલમ્’ ની અગાશીમાં હાથ અને આંખોથી ભાવ અને મુદ્રા સાથે તબલાં અને ઘૂંઘરુંના તાલે એ જ હાસ્ય, એ જ એનર્જી સાથે ઝૂમતી જોવા મળે! અરે! સાચે જ, આ સપનું પણ નહિ, ચમત્કાર પણ નહિ, સંપૂર્ણ સત્ય અને સંપૂર્ણ તાજગીભર્યો રૂપાળો હસતા ગાલવાળો અને આંખોમાં ઊર્મિ ભર્યો એ ચહેરો અને થનગનતા-થીરકતા અંગો જાણે હમણાં બોલ્યા વિના જ બધું બોલી દેશે કે નેહા એટલે આત્મવિશ્વાસનો પર્યાય! નેહા એટલે હકારાત્મક ઉર્જાનો વહેતો ધોધ! નેહા એટલે સતત ધબકતી નૃત્યશાળા!

હા, નૃત્યશાળા જ; ગુણવંત શાહનું વડોદરું અને સયાજીરાવ ગાયકવાડની કલા નગરી વડોદરામાં બરોડા મ્યુઝિકસ્કુલમાં ‘ગુરુ શ્રી પંડિત હરીશ ગંગાણી’ પાસે ખાલી કથ્થક જ નહિ, ભરતનાટ્યમ માં પણ વિશારદ! આમ જુઓ તો એને કલાનો સમુંદર કહી શકાય! બાળપણથી જ ડ્રોઈંગમાં એટલી માસ્ટરી કે તમે નેહા સામે ઉભા રહો ને રંગો ને પીંછી પકડાવી દયો એટલે અડધી કલાકમાં તમારો સ્કેચ રેડી! વોકલમાં બધાથી આગળ સુરોના સથવારે; વળી, હાર્મોનિયમ પણ આંગળીઓના ટેરવે ચાલે! અને અમદાવાદ કનોરીયા આર્ટ સેન્ટરમાં સ્કલ્પચરમાં સ્પેશિયાલીટી મેળવેલ! નૃત્ય, ગાયન, વાદન, ચિત્ર, શિલ્પ આ પાંચ કલામાં ૩૦ વર્ષની ઉમરે તો માસ્ટર બની ગયેલ! જે ઉમરે ઘણા લોકો કામ શોધવા ફાફા મારતા હોય એ ઉમરે એક સારા સાયન્સ ટીચર, કથ્થક માસ્ટર તરીકે જામનગરમાં નામ જીભે ચડી ગયું. નેહાની બીજી કળાઓ તો બધા હજુ બહુ જાણતા પણ ન’તા.

ફળફૂલથી ભરેલ વૃક્ષની મધુરતા ને સુંદરરતા તો બધાં આસ્વાદે, પણ એ વૃક્ષને જો શિયાળો, ઉનાળો, ચોમાસું દરે ઋતુમાં વર્ષો વર્ષો જીવનસંઘર્ષ કરવો પડે એ પણ પ્રેરણાનો એક મૌલિક અનુભવ આપી શકે.

આવી કલાધારી આ નેહાને આજ રાતે ઊંઘ ના આવી. અગાશીમાંથી બધાને આવજો કરી એ આજે સોળે કળાએ ખીલેલા પૂનમના ચાંદને નીરખતી રહી. ક્યારેય નિરાશ ના થનાર અને હમેશ પોઝીટીવ વિચારો વાળી માતાના પગલે એક એક ક્ષણ ને જીવંત બનાવનાર અને ક્યારેય નિરાશ ના થનાર નેહા આજે જાણે પોતાની ૪૨ વર્ષ સુધીની જિંદગી ચાંદનીમાં રેલાતા પ્રકાશમાં નિહાળી રહી! એને પણ નવાઈ લાગતી હતી કે ભૂતકાળ વાગોળવો કે ક્યાય નિરાશ થવું એ મારો સ્વભાવ નથી છતાં આજે કેમ બધું ફ્લેશબેક થયા કરે છે? અને સતત શિવની આરાધના કરતી અને હનુમાન ચાલીસા બોલતી રહેતી, ઈશ્વરમાં અડગ શ્રદ્ધા ધરાવતી એ નાગરાણી ને થયું કે, ચાલો ઈશ્વરની ઈચ્છા, આજની આ ક્ષણિક નિરાશાની અવસ્થા પણ સ્વીકારી લઉં! અને આ ચાંદનીના પ્રકાશમાં મારી પોતાની જીવનયાત્રા, તટસ્થ બનીને જોતા જોતા, એક એક તારા માંથી ઉર્જા અને ચંદ્રમાંથી શાંતિ લઈને મુગ્ધ થઇ જઉં! બસ, આ જ કરવાનું, પોતાને એક બીજી વ્યક્તિ સમજીને પોતાનું જીવન જોવાનુ! એક એક તારાને જોતા જોતા ..અને ચંદ્ર સાથે ..આજ ભલે જિંદગીની કથા ચાલે....એક રમત ચાલે..

વ્યવસાયે ટેક્સેશન પ્રેકટીશનર એવા સનતભાઈ અને દિવ્યાબેન શુક્લ..પિતા – માતા. આ બન્ને ને બે દીકરીઓ પછી થએલી ‘હું’.. ના ના.. તટસ્થતાથી જોવાનું નેહા.. ‘હું’ નથી કહેવાનું.. એક બીજી વ્યક્તિ, ‘નેહા શુક્લ’ નામની, ‘હું’ નથી.. ઓકે.. તો પાંચ ડીસેમ્બર ૧૯૭૩ ના એક મંગલ દિવસે દિવ્યાબેનને પેટમાં સંચાર થયો અને અનુભવી મા ને ખ્યાલ આવી જતા ચાલ્યા ડૉ. પાસે અને એક વધામણી આવી કે મજાની રૂપાળી, ગટુડી, નાની નાની કીકીઓમાં કૌતુક લઈને એક પરી આવી છે તમારા ઘરે. અને આજે પણ દીકરાની લાલચમાં ફસાતા જમાના કરતા એ જમાનામાં પણ બે કદમ આગળ એવા એ નાગર કુટુંબમાં હરખ છવાઈ ગયો, કે ભલે પધાર્યા મા! એક તારો હસ્યો જાણે!..

દાદા-દાદી, કાકા-કાકી બધા સાહિત્ય અને સંસ્કારથી ભરપુર એવું એ કુટુંબ જે જીવ આવે તે એક સુંદર આત્મા છે એનું સ્વાગત ઉમળકાભેર કરવાનો રીવાજ એ કુટુંબે સાર્થક કર્યો. જોતાં જ સ્નેહ આવે- નેહ આવે- વહાલ આવે એવી એ પરીને જોઈ બધાએ નામ રાખ્યું ‘નેહા’. નાની એ જમાનામાં લેખન કાર્ય સાથે સંકળાયેલા તેમજ રંગોળીની રોજ અવનવી ડિઝાઈનોથી ઘર તેમજ જિંદગી રંગીન કરવાની કલામાં નિપુણ એવા નાની એ નેહાના માથે વહાલભર્યો હાથ મૂકી કદાચ અંતરથી જ પાંચ ગણી કલા નિખરે એવા આશીર્વાદ આપી દીધા હશે! બીજો તારો. હસ્યો જાણે!.

બે મોટી બહેનો પણ સંગીતના સૂરો રેલાવાના જ પંથે પગલીઓ માંડતી હતી. અને કાકા-બાપાના બધા ભાંડરડામાં સૌથી નાની એવી નેહા બચપણમાં એમ કહી શકીએ કે સોનાની થાળીમાં જમી અને પાણી માંગો ત્યાં દૂધ મળે એમ રાજ્કુંવરી જેમ રમતી ગઈ. પણ કુટુંબના સંસ્કાર જ એવા કે ક્યારેય આ વાતનો દંભ કે ઘમંડ ના ચડયો. ખુબ જ સાલસ શબ્દો અને સારું સાંભળવું, સારું વિચારવું એ જ જોયું અને બસ એક ઢીંગલી કોઈ ફરિયાદ કે બહુ જીદભર્યા તોફાનો વિના જ હસતી-રમતી શાળાએ જવા લાગી. ત્રીજો તારો હસ્યો જાણે!..

કેટલાક લોકોને એવી રીતે બાળપણ જીવવાની તક મળે, પણ ઘણા લોકો ઈશ્વરે આપેલી આ તક આળસ પ્રમાદમાં ખોઈ બેસે છે. મેં પણ આ ભૂલ કરી હોત તો? મારી જીંદગીમાં આવેલ સંકટો સામે ‘હું’ ટકી ના શકત.. એ... શું કરે છે નેહા? ‘હું’ નથી કહેવાનું.. જો ફરી નિરાશા આવી ગઈ ને?.. આપણી આ રમતના રુલ છે એક એક તારા અને ચંદ્રને જોવાના અને ‘હું’ નથી કહેવાનું, એવી રીતે નિર્લેપ ભાવે આ તો ‘કોઈ’ની વાર્તા સમજીને રમતાં રમતાં જોવાનું છે..ચાલ હસ નેહા. ચોથો તારો પણ હસ્યો જાણે ..

આ નેહા, ૧૨ વરસે શોખ થયો અને કથ્થક શીખવા લાગી, સાથે રંગોમાં ઝબોળી પીંછીથી લસરકા પાડતા કુશળ ચિત્રકાર પણ બનતી રહી, અને સાથે ભણવામાં અવ્વલ નંબર મેળવતી રહી! હાઇસ્કુલમાં આવતા સાયન્સમાં બહુ રસ પડતા અમદાવાદમાં ઝેવિયર્સ સ્કુલમાં સાયન્સ સ્ટ્રીમમાં ભણવા જતા થોડો સમય નૃત્યનો સાથ છૂટયો, પણ સપનું સજાવેલું જ રહ્યું! આગળ અમદાવાદમાં જ M. Sc. (ફિઝીક્સ) અને શોખમાં જ સાથે સ્કલ્પચરમાં સ્પેશિયલ કરી પછી કથ્થકમાં પણ Ph.D. કરી સપનું સાકાર કરી નેહા બની ડૉ. નેહા શુક્લ! પાંચમો તારો હસ્યો .. અને ચંદ્રમા પણ..

અરે!, તમને બધાંને- ચંદ્ર-તારાઓને તો એવું લાગતું હશે કે, વાહ! આ તો મજાની લાઈફ! મોજથી સપના જોવ અને પુરા કરો. પણ ના બકા.. તો આગળ સાંભળો ચંદામામા.

આ બધી યાત્રા સાથે એક ભાવનિક લડાઈ એ યુવાન નેહા સતત લડતી રહી, મન સાથે, કરિયર કે માતા–પિતા! એક પગ અમદાવાદ, બરોડામાં અને બીજો પગ જામનગરમાં! પણ બે બહેનોના સાસરે ગયા પછી મનથી જ એક સંકલ્પ કરેલ કે મારી જિંદગીની બે પ્રાયોરિટીઝ, પેલી પ્રાયોરિટી મારા માતા-પિતા જ રહેશે! અને બીજી કથ્થક, એ બે મારી જિંદગી. મેરેજ તો હવે થઈ ગયા, તબલા અને ઘૂંઘરું સાથે અને બાળકો પણ થઇ ગયા ‘સનતભાઈ’ અને ‘દિવ્યાબેન’! જો, આ એક વાતથી મારી આંખોમાંથી પણ આંસુના ધોધ ચાલ્યા.એ નેહાના માતા-પિતા શારીરિક અને એના લીધે અસર થતા માનસિક સ્ટ્રેસ પણ અસર કરતા બીમારીમાં એવી રીતે જકડાઈ ગયા કે ‘કંપ્લીટ બેડરેસ્ટ’ ને કારણે એ બન્ને નેહાના દીકરો-દીકરી બની ગયા રે! જો ચંદામામા.. આ નેહા સ્ટ્રોંગ છે.ચાલો આગળ સાંભળો ચંદામામા..

નેહાના મા દિવ્યાબેન મનથી બહુ જ મજબુત પણ શરીર સાથ આપવામાં પછી પાની કરતુ. એટલે ઘણો સમય એવું ચાલ્યું કે પેટમાં દુખે ને ડૉ. કહેશે મરડો છે. ગમે એટલું કરે કોઈ નિદાન જ નહિ. એમ જ કૈક સાજા માંદા ૪-૫ વરસ ચાલ્યું ને વજન થઈ ગયું ૩૦ Kg! અને ત્યારે જામનગરમાં જ રહેતી, કથ્થક માટે સમયાંતરે બરોડા જતી નેહાએ કારમાં પોટલા જેમ મા ને સુવાડી કાકા પાસે ચાલી અમદાવાદ. અને ડૉ. કહે, “આ શું લાવ્યા?” નિદાન થયું આંતરડાનો ટીબી! અને એટલા લેઇટ કે બચવાના ચાન્સીસ દેખાતા નથી. ૨ વર્ષ અમદાવાદ હોસ્પીટલમાં જ અને નેહાને જામનગરથી અમદાવાદ બે વરસ જાણે એક ઘર થી બીજું ઘર આટાફેરા! છઠો તારો..

આ સાથે નેહાની ગુરુબેને અચાનક જામનગર છોડતાં નેહાને કહે, ‘મારા ડાન્સ ક્લાસ ના સ્ટુડન્ટસને આ વરસના ક્લાસ તું પૂરા કરાવી દે ને પ્લીઝ!’ અને કોઈ ક્લાસ ખોલવાની ગણતરી વિના જ નેહાના ડાન્સ ક્લાસ ચાલુ થઇ ગયા.ત એ સાથે નસીબ કહો કે ચમત્કાર, મા દિવ્યાબેનને સારું થયું અને જામનગર ઘરે લાવ્યા. ખુશીની એ પળોને યાદગાર બનાવવા હવન કર્યો, ભગવાનનો આભાર માન્યો અને એ રાતે ઘણા સમયે ‘મંગલમ્’ સુખની નિંદ્રામાં પોઢયું. પણ ત્યાં બીજા દિવસની સવાર લાવી એક આંચકો. નેહાના પિતા સનતભાઈ પેરેલાઈઝડ! અને પથારી પકડી લીધી. વાચા હણાઈ ગઈ. નેહાનો સેવા યજ્ઞ ફરી ચાલુ થયો.. પણ સાંભળ ચંદ્રમા..

સાથે સાથે જામનગર જેસીસની ગરબીમાં કોરીઓગ્રાફી. સતત પ્રેક્ટીસ અને એ ખાસ તો નેહાની કોરીઓગ્રાફીના લીધે એ ગરબીમાં પાસ મેળવવા માણસો મહેનત કરતા અને ધક્કામુક્કી થતી પબ્લિક એટલું નાવીન્ય! એક્વાર ત્યાં સંચાલકોમાંથી કોઈએ કીધું કે, ‘અમારી ગરબીમાં એક રાસ તમારા સ્ટુડન્ટસનો રાખોને’. અને નેહાને થયું કે તો હું જ મારી ગરબી ચાલુ કેમ ના કરું? અને જામનગરને મળ્યું ‘મુદ્રા ડાન્સ ઓફ ગ્રુપ’ અને સાથે એક અનોખી જ ગરબી પણ મળી ‘ભાવોર્મિ નવરાત્રી મહોત્સવ’. ક્લાસમાં આવતાં નાના મોટા તમામ બહેનો આમાં જોડાયા અને જામનગરમાં જયારે ગલી ગલીમાં ‘વેલકમ’ ને ‘બાય-બાય નવરાત્રી’ થી લઇ ‘ચિટીયા કલાયા ...’ સુધી ડાન્સ પહોંચ્યા ત્યારે ‘ભાવોર્મિ’ એક અનોખા રંગ રૂપ લઇ યાત્રા કરતુ રહ્યું. ગુજરાતના ગૌરવ સમા આશિત દેસાઈ અને હેમા દેસાઈના શબ્દો અને સુરો ને નેહાએ ‘ભાવોર્મી’ માં એક નવી જ કોરિઓગ્રાફી સાથે જાણે શંખ ફૂક્યો! સાથે ‘મંગલ ગાન કરેગા’....જેવા દેશ માટે ઊર્મિ પ્રગટ કરતા ગીતોથી ભારતીય સંસ્કૃતિને નવરાત્રી તેમ જ સ્ટેજ શો દ્વારા એક અલગ ગરિમા અર્પી. બીજા કોઈ પણ પ્રોગ્રામ માટે સ્પોન્સર પસંદ ના કરતી નેહાએ ‘ભાવોર્મિ’ માટે રિલાયન્સ, એસ્સાર જેવી કંપનીઓની સ્પોન્સરશીપ સ્વીકારી અને જામનગરના ટાઉનહોલનું મેદાન ગજવી દીધું. અને નેહાનું કામ, કલા, મહેનત અને આત્મવિશ્વાસ એવા રંગ લાવ્યા કે ક્યારેય એને કોઈ પાસે ફાઈલ લઈને જવું ના પડયું, સામેથી કલા એની કદર કરતી ગઈ અને જામનગરની ‘સેતુ સંસ્થા’એ એને ‘જામનગર રત્ન એવોર્ડ’ થી નવાજી. ‘મેયોર એવોર્ડ’ પણ ‘મંગલમ્’ની શોભા બન્યો. અને નેશનલ ડાન્સ પર્ફોર્મ્નસ માં મોઢેરા ખાતે પણ એવોર્ડ જીતી જામનગરને અને કલાને એક ગૌરવ અપાવ્યું. જામનગરના ધારા સભ્ય અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી નેહાના લગભગ દરેક પ્રોગ્રામમાં હાજરી આપે અને કહે કે, “નેહા મારી એટલી વ્હાલી કે એનો પ્રોગ્રામ અચૂક જોવા આવું જ.” નવરાત્રી બધે નવ દિવસની પણ નેહાની ગરબી પાંચ દિવસની અને છેલ્લો દિવસ આખો બહેરા મૂંગા કે વિકલાંગ બાળકોને ગરબા કરાવવા પોતે સ્પેશિયલ ભાડું ચૂકવીને ‘ફ્રી ઓફ ચાર્જ’ ઝૂમે અને ઝૂમાવે! અને એમાં બહારના મેનેજમેન્ટમાં મદદ કરે એના જેવા જ એક જામનગરના મનસ્વી કલાકાર લલિત જોશી. અને નેહાનું આગામી સપનું કે મેન્ટલ ડીસએબલ બાળકો માટે ૪ થી ૫ ગરબા કરાવવા. અરે! આ શું એક તારા તૂટી ગયા..

અને આ બધી યાત્રા સાથે ફરી મળ્યો એક કુદરતી ઝટકો. મા ને વાઈ આવતા પડી ગઈ અને નિદાન બ્રેઈન હેમરેજ! એક તરફ પિતાનો ખાટલો બીજી તરફ માતાનો ખાટલો. પણ નેહા માથે હાથ દઈને બેસી નથી રહી. આત્મવિશ્વાસ અને ઉર્જા સાથે હસતા હસતા કર્મયોગ કરવાના અભ્યાસમાં નેહા અત્યાર સુધી રેડી થઇ ગઈ હતી. જીવન એક રમત છે બકા! અને નેહાને જાણે દુર્ગામા જેમ દસ હાથ ફૂટયા હોય તેમ બે ખાટલા પર પડેલા માતા-પિતા બંનેની સેવા, સ્કુલ, પ્રોગ્રામ્સ, કથ્થક ડાન્સક્લાસ અને બરોડા મ્યુઝિકસ્કુલમાં ગુરુની મુલાકાતો સાથે આગળ વધતું જ્ઞાન.

નેહા સતત માને કે ગુરુ પાસે ક્યારેય જ્ઞાન પૂરું નથી થતું. એમાં પણ એના ગુરુ તો નેહાને સૂર્ય જેવા લાગતા કે એના પાસે ઘણા સ્ટુડન્ટસ્ વરસો સુધી એક કલા રૂપી તપ-સાધના કરવા આવ્યા જ કરે, તો જેમ સૂર્યનું દરેક કિરણ અલગ છે તેમ દરેક આત્માને જ્ઞાન પણ અલગ જોઈએ છે. એમ ગુરુ દરેકને સતત અલગ જ્ઞાન આપતા રહે. હજુ તો ઘણું ઘણું શીખતા રહેવું એ જ સપનું. એટલે બધી દિશાઓમાં જાણે હાથ ફેલાયેલા. એ જો એક સાથે બે-ત્રણ તારા તૂટી ગયા! હ્મ્મમ્મ્ ! કદાચ આ તૂટતા તારાઓ આ નેહાએ ઓલી વખતે જોયા હોત તો!.

સમય સાથે પિતાની ખરાબ થતી જતી હાલત. મા કોમામાં હોત તેમ દવાઓના લીધે ઘેનમાં જ રહે. અને પિતા બધાને ભૂલતા ગયા. એટલે મોટી બે બહેનો રજાઓમાં નેહાને મદદ કરવા સતત તૈયાર, આવી જાય-જયારે સમય મળે ત્યારે, પણ નેહાના પિતા તો બધાને ભૂલી ગયા હતા, નેહાની માતાને પણ ભૂલી ગયા હતા, બસ એક નેહા યાદ એટલે કોઈની મદદ કામ ના આવે. રાત પડે અને પિતાનો દિવસ ઉગે. એને બીજું કાંઈ ન જોઈએ, બસ નેહા નેહા કરી, નેહાને હાથ પકડીને સામે બેસાડી રાખે, અને આંખોથી પોતાની દીકરી નેહા સાથે વાતો કર્યા કરે. એમ કરતા સવાર પડે અને નેહાનો સ્કુલનો સમય થાય, અને રોલ બદલાઈ ગયો જિંદગીનો જાણે એમ પિતા ગુસ્સે થાય, નેહા સ્કુલ જાય ને એ નાના બાળક જેમ બૂમો પાડે એનો હાથ જ ના છોડે! માંડ માંડ કરીને સમજાવવું પડે અને પછી બીજા કર્તવ્યપૂર્તિ માટે સ્કૂલે જઈ શકે. નેહા સ્કુલેથી પાછી આવે ત્યારે આ ૭૫ ની ઉંમરના નેહાના લાડકવાયા દીકરા એવા ખુશ થાય કે ‘આ નાના બાળક જેવા પિતા’ને જાણે લાડવો મળ્યો! આ બધી વાતની અસરથી ક્યારેક નેહા અંદરથી રોઈ લેતી પણ જરાય વિચલિત ના થતી. સતત હનુમાન ચાલીસા અને આત્મવિશ્વાસ! અંદરથી માતા-પિતાની હાલત જોઈ ક્યારેક માનસિક તાણ આવે, ગુસ્સો આવે, થાક લાગે પણ જેવી ક્લાસ લેવાનું ચાલુ કરે એટલે બધું ભૂલી ખોવાઈ જાય. તાજું ફૂલ ખીલ્યું જાણે! કામ, કામ અને સતત કામ એ જ એનો જીવનમંત્ર-બનાવવો ના પડયો વણાઈ જ ગયેલો એ મંત્ર.

ધીમે ધીમે ૪-૫ વરસ આમ નીકળ્યા ત્યાં ફરી કુદરતની કૃપા થઇ કે મા દિવ્યાબહેન સાજા થતા ગયા અને ફરી એક નવા જોમ સાથે એમણે પથારી છોડી, ત્યાં નેહાના પિતા સનતભાઈએ પણ પથારી છોડી! અને નેહાના હાથમાંથી હાથ સેરવી લીધો અને એ જીવ શિવ થઇ ગયો. એ ચંદા રે.. ચંદા રે..

કુદરત જાણે થાકતી ના હતી અને નેહા પણ જાણે હારતી ના હતી, બસ, બાથ ભીડયે જ જતી હતી. અને કુદરતે ફરી ચાબખો માર્યો. નેહા થોડું ચેસ્ટ પેઈન થતા રૂટીન ચેકઅપ માટે ૨૦૧૫ ફેબ્રુઆરીમાં બેસ્ટ ફ્રેન્ડ અને ફેમીલી ડૉ. સંધ્યાબેન શુક્લ પાસે ગઈ અને ચેક કર્યું ત્યાં સંધ્યાબેન એટલું જ બોલી શક્યા કે, “નેહા, આ શું લઈને આવી છે તું?” અને સંધ્યાબેન રડી પડયા કે, “તું અમદાવાદ જતી રહે, જમણી બાજુની છાતીમાં બહુ મોટી કેન્સરની ગાંઠ લાગે છે મને. ત્યાં તારું મોટું ફેમીલી અને વ્યવસ્થિત સારવાર થશે. અહી એકલી ના રહે.” ત્યારે નેહાની મા એની મોટી બહેન પાસે, એમના બાળકો પાસે ભૂજ હતા. બીજું કોઈ હોય તો દેકારો કરી મુકે પણ આ નેહા હતી.

પણ જો ચન્દ્રમા, જે નેહા નાનપણથી જ વહેલી ઉઠવાવાળી, રોજ મંદિરે જઈને નહિ પણ મનથી જ શિવને પૂજનારી, પ્રાણાયામથી શ્વાસ ને પણ સંગીતની જેમ એક રીધમ થી ચલાવવાવાળી, કદી કાંદા-લસણનો જીભને સ્પર્શ નહિ કરાવનારી, સાત્વિક ભોજન એટલું કે વરસે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ મરચું ખાવાવાળી અને વરસે એકાદ વાર હોટેલમાં જમવાવાળી, ક્યારેય કોઈ બર્થડે પાર્ટી કે મેરેજ કે કોઈ પણ પ્રકારના ફંકશન એટેન્ડ કરી સમય બગાડી એમાં આચર કુચર નહિ ખાવાવાળી એવી નેહાને કેન્સર થયેલ! સામાન્ય માણસ તો ચીસો પાડે કે હે ભગવાન, આનાથી વધુ શું સાદું જીવન જીવી શકું? પણ ચન્દ્રમા, મજબુત માતાની એ ‘નેહાળી’ દીકરીએ એક જ ક્ષણમાં આંસુનું એક ટીપું પણ પાડયા વિના, કોઈ ફરિયાદ વિના ભગવાનને મનોમન વંદન કર્યા કે, ‘રોજ મજબુત બનાવતો જાશ? જેવી તારી ઈચ્છા બસ?’ કઈ તાકાત કામ કરતી હતી એની અંદર કે શરીર લડયા કરે અને આત્મા પરમાત્મા સાથે જીવ્યા કરે. અને નેહા પહોંચી પહેલા અમદાવાદ અને ત્યાંથી મુંબઈ. એમ પણ એના પગમાં તો જમીન પર સ્થિર રહેવાનું ક્યાં હતું જ? પણ સારા માણસોને હંમેશા સારા માણસો પણ દુનિયામાં મળી જ રહે છે. મુંબઈમાં નેહાની ટ્રીટમેન્ટ માટે મળ્યા ડૉ.અડવાણી, જે દેશની નામાંકિત જસલોક, બ્રીચકેન્ડી જેવી હોસ્પીટલમાં અગણિત સફળ ઓપરેશન કરી ચુકેલા અને કરી રહ્યા છે. એ પણ એક કર્મયોગી, એક દિવ્યાંગ, બંને પગ પોલિયોગ્રસ્ત, વ્હીલચેરમાં ફરી ૭૦ મા વરસે પણ સતત સ્મિત સાથે રોજ ૧૮ થી ૨૦ કલાક કામ કરનાર! એવા કર્મયોગીને જોઈ જોમદાર નેહાને ડબલ જોમ ચડયું! ડૉ. અડવાણીએ નિદાન કર્યું કે જમણી બાજુની છાતીમાં બટેટાની સાઈઝ ની ગાંઠ છે. અને ડાયાલિસીસ થયું. કારણ જાણવા મળ્યું; હોર્મોનલ ચેન્જીસ, સતત સંઘર્ષ અને આટલો સમય કરેલ મનની ચિંતા-પોતાના ‘બે વયોવૃદ્ધ બાળકોની’. ત્યાં ડૉ. બોલ્યા, “છોકરી, બ્રેસ્ટ કેન્સર તો હવે કોમન જેવું અને મોટાભાગે ક્યોર થઇ જાય પણ...એક તો તને અત્યારે એ સાવ લાસ્ટ સ્ટેજમાં સાથે તને એ બોનમાં સ્પ્રેડ થયું છે જે જલ્દી થાય પણ નહિ અને જેને થાય એને જલ્દી મટે પણ નહિ! બ્રેસ્ટ તો હવે કાઢી નાખવા માટે જલ્દી નિર્ણય લેવો પડશે અને ઓપરેશન કરવું જોશે.” નેહાના ભાઈઓ રડી પડયા કાકા-મામાનું કુટુંબ બધા ભાંગી ગયા કે આપણી સૌથી નાની ઢીંગલી ને કોઈ છીનવી લેશે કે શું? અને ચાલુ થઇ અમદાવાદમાં નેહાની કિમોથેરાપી.. તૂટતો તારો...

બે ડોઝ લીધા અને થોડી શક્તિ આવતાં એની ગુરુબહેનના અમદાવાદના પાલડીમાં આવેલ એક આશ્રમમાં નેહા મળવા ગઈ ત્યાં મા આનંદમયી એ એને જોતાવેંત માથા પર હાથ મૂકી મંદ સ્મિત સાથે કીધું, “ઓપરેશન ના કરાવતી સારું થઇ જશે! સાયન્સ ટીચર આ વાત સાંભળી જરા હસી કે ઓપરેશન તો હમણાં કરવાનું જ ડૉ. એ કહી દીધું છે. મા કહે, “થોડો સમય રાહ જો.” આ સમયે નેહાએ કેમો સાથે જવેરાનો રસ, હાથલાનો રસ, ગૌમૂત્ર અને પ્રાણાયામ, સૂર્યનમસ્કાર પણ જાળવવા ચાલુ કર્યું. અને આ બધા કેમો, આયુર્વેદ, પ્રાણાયામના કારણે એક કુદરતનો કરિશ્મા થઇ ગયો, ૨ ડોઝમાં તો ગાંઠ પણ ઓગળી ગઈ અને ક્લીયર રીપોર્ટ! ડૉ.પણ આ ચમત્કારથી નવી પામી ગયા. પણ સારવાર તો હજુ પૂરી કરવાની જ હતી. પણ સુધારો ઘણો હતો અને નેહા જેનું નામ કે મૃત્યુનો ક્યારેય ભય નહિ આવ્યો કે હવે મારી પાસે સમય નહિ તો આ કરી લઉં કે તે કરી લઉં. બસ જેમ ચાલતું હતું એમજ કામ! એ ચાંદ શું જોવે છે?...

ત્યાં એક દિવસ વચલી બહેનના સાસુ ઘણા દિવસથી બહુ બીમાર હતા તે બહેનનો ફોન આવતા તે નેહા અને દિવ્યાબહેન બરોડા એમને જોવા ગયા. તે જ દિવસે બહેનના સાસુ પણ અનંતની વાટે ચાલ્યા. ત્યાં બીજા જ દિવસે નેહાના જીજાજીને સિવિયર હાર્ટ એટેક આવતાં એ પણ માતાને પગલે એક પણ વારસ મુક્યા વિના શિવાસ્તુ પંથે ચાલ્યા! અને અચાનક આઘાત અને એક્લતામાં દીકરીને સાચવવા દિવ્યાબહેન બરોડા સ્થાઈ થઇ ગયા. ત્યારે નેહાએ મંદ-મંદ હસતા-હસતા એના બેસ્ટ એસ્ટ્રોલોજર એવા મામાને પૂછ્યું, “મામા મારી લાઇફમાં હજુ સાપ-સીડી જ રમવાની કે? જ્યાં થોડું શાંત થયા અને એમ લાગે કે 99 માં ખાને પહોંચ્યા ત્યાં પાસો ફરી સીડી ઉતારી દે.” અને પ્રેમાળ મામા માથે હાથ મુકતા કહે, “ના બેટા હવે તારા ગ્રહોની અવળચંડાઈ નહિ ચાલે સંઘર્ષની લિમિટ હવે બસ કેન્સરની ટ્રીટમેન્ટ પુરતી.” 17 શેક લેવાના હતા. જામનગરથી દર મહીને સેલ્ફ ડ્રાઈવ કરી અમદાવાદ જતી, ત્યાં એક દિવસમાં તો શક્તિ ખતમ સાંજે બે લોકો કાયદેસર ઉપાડીને ઘરે પહોંચાડે અને બીજે દિવસે સવારે પેટમાં ઇન્જેક્શન લે ત્યાં તો જાણે પોટલું! અને ડ્રાઈવર કરી ત્યાંથી સીધું સ્ટીયરીંગ ફરે જામનગર. પણ નેહા જેનું નામ, ઘરે આવીને સુઈ જવાના બદલે સીધી અગાશીમાં જાય ત્યાં ચેર પર બેસે અને તરાના, ઠુમરી, તબલાં અને ઘૂંઘરુંના નાદમાં થાક જાવકમાં અને એનર્જી આવકમાં. બધા વાળ જતાં રહ્યાં અને અમદાવાદના ચક્કર કપાતા રહ્યાં પણ નેહાના પગ ક્યાંય રોકાયા નહિ. એ જ ઉત્સાહ, એ જ સવારમાં ॐકાર, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, એ જ પ્રોગ્રામ્સ, એ જ વડોદરા ગુરુમિલન, એ બે દિવસને બાદ કરતા એ જ શેડ્યલ! અને જિંદગીની બેસ્ટ પળ મેળવી જયારે આટલા વરસોમાં આ 2016ની નવરાત્રીમાં દિવ્યાબહેન પહેલીવાર એમની નેહાની ‘ભાવોર્મિ’ અને પહેલો પ્રોગ્રામ કહો તો એમ એ જોવા જઈ શક્યા અને નેહાને થયું કે હવે જો ક્યારેય ગરબી ના કરું તોય અફસોસ નથી. મા ને જોઇને એની ભાવોર્મિ તે દિવસે સોળે કળાએ ખીલેલી કે આટલા વરસોથી બીમારી, સંજોગોના લીધે મા આજે નેહાને થનગનતી જોવા આવી શકેલ.

એ સમય દરમિયાન તેણે ‘ગિરનારના સિદ્ધ યોગીઓ’ નામનું એક પુસ્તક વાચ્યું જેમાંથી એને ખુબ જ હિંમત અને તાકાત મળી. નેહા કોઈ પણ પ્રોગ્રામ કરે, અમુક ફિક્સ રકમ પોતે રાખી બાકી જેટલા વધે એટલા પૈસા જેટલી બહેનો સાથે હોય એને કવરમાં સરખા ભાગે આપી દયે. કેમકે નેહા એ કલાને ક્યારેય કમર્શીયલ આધાર બનાવેલ જ નહિ. ધારે તો એક શો આપી 2 /3 લાખ ચપટીમાં કમાઈ શકે એવું એનું કામ. 5 દિવસ ની ‘ભાવોર્મિ’ ગરબીમાં થતો વધારાનો ફાળો પણ એ જામનગરની ‘આસ્થા સંસ્થા’ ને એજયુકેશન માટે આપી દયે. આ સમય દરમિયાન મા દિવ્યાબહેનનો ઘણો આગ્રહ કે હવે તું પણ બરોડા સેટ થઇ જા તો મારે પણ જામનગરના ધક્કા નહિ, પણ અત્યારે નેહાનો જીવ જ એના સ્ટુડન્ટસમાં, એના સાથી કલાકારોમાં અને કથ્થકમાં, કારણ કે આ બધા માટે આ એક ઘડતરનું, એક પ્રેરણાનું માધ્યમ છે. અને જે જન્મભૂમીએ નેહાને આટલું આપ્યું એ છોડવા હજુ મન ન’તું માનતું. આ બધા સમય દરમિયાન ભવન્સ સ્કુલના પ્રિન્સીપાલ ભારતીબહેન અને નેહાનો સ્ટાફ સતત સપોર્ટમાં અને કુટુંબના તમામ સભ્યો નેહાના એક અવાજે દોડી આવવા, ગમે તે પ્રકારની મદદ કરવા રેડી; પણ નેહા જેનું નામ- ‘કામ કરો, કમાવ અને ખર્ચો.’ 15 થી 16 કલાક અટક્યા વિના કામ અને આસપાસના જેટલા બહેનો સંપર્કમાં આવે એને સતત માર્ગદર્શન આપતી રહે કે, “તમે જોબ કરતા હો, હાઉસ વાઈફ હો કે ગમે તે બસ તમારા માટે કોઈ પણ ગમતા કામ કે આવડતી કલા શીખવામાં યા આવડતી હોય તો એના માટે 2 કલાક કાઢશો પણ તમારું જીવન ઉર્જા અને આનંદથી ભરપુર બની જશે. અને અત્યારે આ ફાસ્ટ લાઇફમાં નિરાશા, દુઃખ, સંઘર્ષ કોને નથી હોતા? તો એમાં કેમ બહાર નીકળવું, કેમ ફ્રેશ રહેવું એ આપણે જાતે નહિ કરીએ તો કોઈ બીજું માણસ તમને હાથ નહીં આપી શકે.”

એમાં અમુક એવા પણ હોય કે વિચારે કે આને કેમ આટલો સમય મળતો હશે? એક રાઝ કી બાત એ કે એના ઘરમાં TV જુના જમાનાનું એમજ બંધ, એ ઈડિયટ બોક્સ નેહાની નજર પણ નથી પામતું! અને નેટ ચેટના આ યુગમાં ફેસબુક અને વ્હોટસ એપ તો 4 યા 5 દિવસે નેહાની નજર પામે! અને કલાસમાં આવતી કેટલી બહેનો નેહાને જોઈ એટલી પ્રેરણા મેળવે અને કરિયર બનાવવામાં માર્ગદર્શન પણ મેળવે. આજે જામનગરની જેટલી શાળામાં નૃત્યશિક્ષિકા હોય- ‘એના ગુરુ કોણ?’ એનો જવાબ હોય નેહા શુક્લ. અને ક્લાસની નાની બાળકીઓને કોઈ પૂછે કે મોટી થઈને તું શું બનીશ? તો દરેકનો જવાબ મળે ‘નેહા દીદી’!

રે ચંદ્રમા, એક સવાલ પૂંછું તમને? જો, હવે તો મા સાથે બહેન પણ બહુ આગ્રહ કરે છે નેહાને કે, “હવે બસ, અહિ સાથે આવી જા, અમારી પાસે આવી જા; ત્યાં આ ‘મંગલમ્’ જેવી મજા બનશે? તો એનુ શું કરવાનુ? શું કહેવાનુ મા ને?” ક્યારેય આટલી વિચારોમાં નેહા

એ જો, ઝાંખી થતી ચાંદનીમાં ફરીને એક તારો ખર્યો! રે ચંદ્રમા, મળી ગયો ઉત્તર નેહાને જાણે એના પ્રશ્નનો. આ ખરતા તારાના પ્રકાશથી મનમાં પણ ઝબકારો થયો. અને મને આ નેહા કહે, “હજુ તો અહિ જ. છેલ્લી ઘડી આવે તો પણ હું નૃત્ય, આયુર્વેદ, ॐકાર, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, કે અન્ય કોઈ પણ કાર્યમાં જ રત હોઉં. અને હજુ તો જ્યાં સુધી ગુરુજી એમ ના કહે કે નેહા હવે બસ! ત્યાં સુધી નવું શીખવું અને ગાંડાની જેમ કામ કરવું. હજુ શક્ય હોય ત્યાં સુધી તો જન્મભૂમી એ જ કર્મભૂમિ.”

અને ત્યાં જ ઉગતી ઉષાનો સંકેત થયો અને આકાશમાં તારાગણ, ચંદ્રમા જરા ઝાંખા થઈ ઝાંખા દેખાતા સૂર્ય સાથે બધું એકસાથે પ્રકાશમાન થઇ ગયું. અને થોડી જ વારમાં ઉગતા સૂર્યની આછી લાલીમા ચંદ્રમા ને ‘નેહાની’ વાર્તા કહેતી નેહાના ગોરા ગાલને કેસરિયાળો ઢોળ ચડાવવા લાગ્યા, અને આ નેહા ત્યાં જ પદ્માસનમાં આખો બંધ કરી એક એક નવા પ્રાણ સાથે નવા નવા આયામ અનુભવવા લાગી. અને પછી ॐ....ॐ.... પ્રણવ ધ્વનિ સાથે પુનઃ એકવાર ‘મંગલમ્’ની સવાર આ સંઘર્ષની સરિતા સાથે મંગલમય બની ગઈ. પુનઃ એકવાર આ પ્રણવોંકારથી આ સ્વરસામ્રાજ્ઞીનુ અને ‘મંગલમ્’નું આભામંડળ સુરમયી બની ગયું. અને આકાશમાંથી જોવાવાળા ચંદ્ર, તારા અને સૂર્યનારાયણ પણ આ ‘નેહા નામની સંઘર્ષની સરિતાનું તેજસ્વી જીવનનૃત્ય’ જોઇને, પોતાની ઉર્જા અને તેજ રૂપી આશીર્વાદોમાં ‘મંગલમ્’ને અને પદ્માસનમાં ॐકાર કરતી નેહાને લપેટીને, પુનઃ એકવાર એ બધાં પોતાના કર્મયોગની સાધનામાં સ્થિર થઇ ગયા. અને નેહા શુક્લના સૂર્ય સાથે સંવાદ અને પ્રવાસ શરુ થઇ ગયો. બધા બેઠાડું જીવનવાળા આ સુંદર સમયે સુવે, સંઘર્ષોથી ભાગે, પોતાના ખોટા અહંકારની રક્ષા માટે રાક્ષસ બનીને બીજા સારા માણસને નડે-કરડે, અપયશ ના દોષ બીજા ઉપર મુકીને કુતરા-બિલાડી જેવું જીવન જીવતા પથારીમાં પડયા રહે, અને ઊઠીને પછી પોતે બેસી રહે અને બીજાને હુકમ કરે, ‘જ્ઞાન’ આપતા ફરે. આ બધા બેઠાડું જીવનવાળા મુર્ખો અગર પોતાનો અહંકાર તજીને પોતાના જ કામ ઉપર ધ્યાન રાખે તો, ‘ડૉ.નેહા શુક્લ’ જેવા ‘કર્મયોગી’ બની જાય અને આ ધરતીમાતા સ્વર્ગ બની જાય. અને પછી ‘કોઈ પણ જાતના કેન્સરનો ભય ના રહે.’ ના કોઈ વ્યક્તિનું, ના સમાજનું-જે કોઈને કરડી શકે! ॐ....ॐ.... ॐ....

*--------*---------*