Dubata Suraje lavyu Prabhat - 5 books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત ! - 5

શૈલજા અને શુભાંગીની વચ્ચે મહા યુદ્ધ પ્રારંભ થઈ ગયું હતું. શુભાંગીની જાણી ચૂકી હતી કે શૈલજા તેની અસલિયતથી વાકેફ છે. પણ હમણાં ના તો શૈલજા કઈ કરી શકે તેમ હતી અને ના તો શુભાંગીની. બંનેના શીતયુદ્ધ વચ્ચે આખા કર્ણપુરીમાં ચકચાર મચી જાય એવી ઘટના બની. એકવાર શુભાંગીની દેવીની ન્યાય સભા ચાલતી હતી. અને અચાનક એક યુવતી આવી જોરજોરથી ઘંટ વગાડવા લાગી. બધાનું ધ્યાન એની તરફ ગયું. એ ઘંટ વગાડતા વગાડતાં ન્યાય ન્યાય બોલી ચીસો પાડતી હતી એની આંખમાં આંસુ હતાં. દેખાવે ઘણી નાજુક અને સુંદર પણ કોઈએ ચૂથી નાખી હોય એમ લાગતી હતી. માં શુભાંગીની ના સેવકો આવી તેને રોકવા લાગ્યા. પછી તેને માં શુભાંગીની સમક્ષ લાવવામાં આવી. " આ રીતે ન્યાયસભા ભંગ કરવાનો શું અર્થ છે? "શુભાંગીની દેવી ક્રોધમાં બોલ્યા. " માં ન્યાય માંગવા જ આવી છું.! મને ન્યાય આપો મા!" પેલી યુવતી રડતા રડતા બોલી.પછી શૈલજા આગળ ગઈ અને બોલી, " શું વાત છે બેટા, કેમ રડી રહી છે આ રીતે?, જે પણ થયું છે કે કહેવું છે એ કહી દે.પછી શૈલજા એના સ્થાને પાછી ગઇ. પેલી યુવતી રડતા રડતા બોલી, " માં મારું નામ વૈભવી છે." તે થોડું કંપી રહી હતી. "ગભરાઈશ ના વૈભવી. જે હોય એ સ્પષ્ટ કહી દે." માં શુભાંગીની બોલ્યા. " માં.. વાત એમ છે કે કાલે હું સાંજે ઘેર પાછી ફરતી હતી, ત્યાં રસ્તામાં બે ત્રણ ગુંડા જેવા માણસો આવ્યા. મારી આસપાસ ફરવા લાગ્યા .હું ચીસ પાડવા ગઈ તો મારું મોઢું દાબી રૂમાલ ખોસી દીધો. હું બચવા માટે દોડવા ગઈ તો મારો પગ ખેંચી પાડી દીધી. મને ઘસડીને કોઠરીમા લઈ ગયા. ત્યાં ખૂબ અંધારુ હતું. પછી... પછી... મને ભીંસી નાખી અને.. અને.. " વૈભવી એટલું કરુણતાથી રડી રહી હતી કે બાકીના શબ્દો હોઠ પર ના આવી શક્યા અને હૈયામાં જ સમાઈ ગયા પણ એના રૂદન પરથી એના પર વીતેલી જાણવી અત્યંત સ્વાભાવિક હતી. કર્ણપુરીમાં પહેલી વાર આવી કોઈ ઘટના સામે આવી હતી અને આ ખૂબ મોટી વાત હતી. માં શુભાંગીની સિંહાસન પરથી ઊભા થયાં. શૈલજાએ આગળ જઈ વૈભવી ને સાંત્વના આપવાના બહું પ્રયત્નો કર્યા પણ એનું રૂદન શમતુ નહોતુ. એ અનાયાસે શૈલજાને ભેટી પડી. શૈલજાએ મહા મહેનતે એને થોડી શાંત કરી. " કોણે કર્યું છે આ મહા પાપ!? માં શુંભાંગીનીએ ત્રાડ નાખી." સૌ મા શુભાંગીની તરફ ફર્યા. " બોલ વૈભવી બોલ, કોણ હતું એ! શું તું જાણે છે એને! એ અહીં આ મંદિરમાંથી જ કોઈ હતું કે બહારનું બોલ!" શુભાંગીની દેવી બોલ્યા. છતાં વૈભવી સૂન મારી ગઈ હતી. પણ શૈલજાએ એને હિંમત આપી. "બોલ બેટા. તું ન્યાય માંગવા આવી હતી ને.. બોલીશ નહી તો કેમ ચાલશે! બોલ ડર નઈ!" શૈલજાએ એને ઊભી કરતા કહ્યું. માં શુભાંગીની એ ફરી પૂછ્યું કોણ હતું એ! વૈભવીએ ચારે તરફ નજર કરી તેની નજર એક વ્યક્તિ પર સ્થિર થઈ તેણે એની તરફ આંગળી કરી. બધાની નજરો એ તરફ ફરી. બધા સ્તબ્ધ રહી ગયા કેમ કે એ છોકરીએ મનોહરભાઈ તરફ ઇશારો કરેલો. જેમને સૌ મનુભાઇ પણ કહેતા. તે મા શુભાંગીની ના ભાઈ પણ હતા. લોકોની નજરમાં શૈલજાની જેમ એ પણ ચરિત્રવાન હતાં. "આ તું શું બોલે છે બેટા,! મનુભાઇ? એ આવું કઈ રીતે કરી શકે!" શૈલજાએ કહ્યું. " હું સાચું કહું છું કાકી, એમણે જ મારી આ હાલત...." વૈભવી હાથ અને પગે નહોરના નિશાન બતાવતા રડી પડી. " શુભાંગીની દેવીની અને મનોહરભાઇની નજર ઘડીક માં મળી. શુભાંગીની પળવારમાં આખી ઘટના કળી ગઈ. પણ અચાનક મનોહરભાઇ આગળ આવ્યા અને બોલવા લાગ્યા, " શુભાંગીની આ છોકરી ખોટો આરોપ મુકી રહી છે મારા પર! તુ જ વિચાર શું હું આવું કરી શકું! લોકો મને વર્ષો થી જાણે છે. " શુભાંગીની બધું જાણતી હતી કે આ મનોહર નું જ કામ છે, પણ મનોહર એનો ભાઈ હતો એટલે એને સજા આપવા માંગતી નહોતી. મનોહર હજી બોલવા લાગ્યો, " મને માફ કરજે શુભાંગીની પણ તારાથી એક વાત છુપાવી છે. આ વૈભવી ઘણી વાર મને એને ઘેર બોલાવતી કોઈ ને કોઈ કામના બહાના હેઠળ. મને સંકોચ થતાં હું ના પાડું તો તારા કે શકામ્બરી મા ના સમ આપી મને બોલાવતી. હું મર્યાદા રાખવા જેટલો વધુ પ્રયત્ન કરું એટલી જ એ બેશરમ બનતી! મને કહેતાય શરમ આવે એવી અભદ્ર વાતો કરતી. મને ધમકી આપતી કે જો હું તને કહીશ તો મારો આવો જ ફજેતો કરશે . આજે ના રહેવાયું તો તને કહું છું બેન શુભાંગીની! આ સ્ત્રી મારા ચરિત્ર ને છડેચોક ઉછાળી રહી છે.. " કહી મનુભાઇ આંસુ સારવા લાગ્યા. શુભાંગીની દેવી મનમાં વિચારવા લાગ્યા મનું તો મારાથી ય બે ડગલાં આગળ નીકળ્યો . જેવો હોય એવો મારો ભાઈ છે તો બચાવો તો પડશે જ. " માં હું સાચું કહું છું! અને મનું ભાઈ મેં તમને ક્યારે ઘેર બોલાવ્યા! તમને ઘેર બોલાવા તો દુર મેં તો સરખા મોંઢે વાત પણ નથી કરી તમારી સાથે. તમે જ જ્યારે ને ત્યારે મને હેરાન કરવાનો મોકો શોધતા હતા! ઊલટાનું મનુભાઈએ મને ધમકાવી હતી કે જો હું કાંઈ બોલીંશ તો ફરી મારી સાથે... " વૈભવી અટકી ગઈ. " આ તું શું બોલે છે છોકરી! મનુભાઈએ કહ્યું. અને તું કાલની વાત કરે છે ને! કાલે તો હું કર્ણપુરીની બહાર હતો, આ સેવક જમનાદાસ સાથે મંદિર ના કામે! " મનોહરે જમનાદાસ સામે જોયું અને જમનાદાસે પણ હકારમાં જ માથું હલાવ્યુ. " માં આ ખોટું છે! આરતીના સમયેજ તો મારી સાથે આ બધું બન્યું.! મારો વિશ્વાસ... " વૈભવી આગળ બોલવા જતી હતી ત્યાંજ શુભાંગીની એ ત્રાડ નાખી. " બસ! બહું થયું! ચૂપ થઈ જા છોકરી. હવે એક શબ્દ પણ બોલી છે તો મારા થી ખરાબ કોઈ નઈ હોય! " ન્યાયસભામાં સન્નાટો છવાઈ ગયો. "પણ મા હું સાચું.." " ચૂપ! એક્દમ ચૂપ.. મારા સાધુ જેવા ભાઈ પર આટલો મોટો આરોપ લગાવી દીધો. અરે તારું ચરિત્ર તો હું પહેલેથી જાણું છું. તને કેટલાય સાથે જોઈ છે મેં! તારો ન્યાય તો હું હમણાં જ કરુ છું. મનું આને લઈ જઈને બંધ કરી દે પછી વિચારું છું શુ કરવુ એનું!" મનોહર આગળ જઈ વૈભવી નો હાથ પકડી લઈ જવા જતો હતો, ત્યાંજ શૈલજાએ એનો હાથ પકડી દુર કરી દીધો. "આ તું શું કરે છે શૈલજા! તને મા શુભાંગીની ના નિર્ણય પર શંકા છે!" મનોહર તાડૂક્યો. " ના એવું નથી. મને તો ઊલટાનું માં શુભાંગીનીના ન્યાય પર પૂર્ણ વિશ્વાસ છે, પણ હજી સુધી કઈ પણ સાબિત થયું નથી. હું એમ નથી કેહતી કે તમે ખોટા છો મનુભાઇ, પણ વૈભવી ની વિરુધ્ધ પણ હજી કઈ મળ્યું નથી, અને મને પૂરો વિશ્વાસ છે કે માં શુભાંગીની પણ વૈભવીને એક મોકો જરુર આપશે, ખરું ને માં શુભાંગીની! " શૈલજાએ કટાક્ષભરી નજરે જોઈ કહ્યું. શુભાંગીની બે મિનિટ તો મુંઝાઈ ગઈ. પણ પછી સ્વસ્થ થઈ બોલી " આમતો આ ગુનેગાર છે જ પણ તેમ છતાય તારી વાત સાંભળીને હું એક મોકો આપું છું એટલે કાલ ઊઠીને કોઈ મારા પર આંગળી ના ચીંધે! પરમ દિવસે સવાર સુધીમાં જો આ છોકરી કોઈ સાબિતી નઈ લાવે તો આખા ગામ સામે તેને ચાબુક વળે ફટકારી અને ગામનિકાલ આપવામાં આવશે." આ મારો આદેશ છે! કહી માં શુભાંગીની સિંહાસન પરથી ઊભા થયા અને ચાલ્યા ગયા વચ્ચે શૈલજા સાથે આંખ મેળવી શૈલજાએ પણ આંખમાં આંખ નાંખી..


***

આ તરફ નિત્યાની મુંઝવણ વધતી જતી હતી. તેને કઈ સુજતું નહોતું. જલ્દી જલ્દી બધા કામ કરતી. કશામાં મન લાગતું નહોતું. રહી રહીને સ્વર્ણિમના વિચાર આવ્યા કરતાં. ઊંઘતા જાગતાં સ્વર્ણિમ જ દેખાતો. આ માત્ર આકર્ષણ છે કે પ્રેમ એ સમજાતું નહોતું. આમતો નાનામાં નાની વાત એ નિષ્ઠા ને કરતી પણ આ વાત કરી નહોતી! જેવા વિચારો દરેકના મનમાં એ સમયે આવતા હોય છે એ બધા વિચારો નિત્યાના મનમાં ચાલતા હતા. પણ પ્રેમની વાત કરવામાં ક્યાંક દોસ્તી પણ ના તુટી જાય એ ડર હતો એને! છેવટે એણે નિર્ણય લીધો રોજેરોજ આમ જીવવા કરતાં ફેંસલો લાવી દેવો સારો! આ પાર કે પેલે પાર...કહીને નિત્યા બહાર નીકળી ગઈ અને સ્વર્ણિમની ઓફિસ બહાર ઊભી રહી હતી. સ્વર્ણિમ હજી આવ્યો નહોતો. ઘણી વાર થઈ પણ આવ્યો નઈ. નિત્યા બહાર જ ઊભી રહી આજે તો નક્કી કરીને જ આવી હતી જાણે! સ્વર્ણિમને બહાર આવતો જોઇ આગળ ગઇ અને એના પર વરસી પડી, "શું કરો છો! કેટલી વાર. એટલું તો શું કામ હોય છે અંદર," સ્વર્ણિમને આશ્ચર્ય થયું. "પણ મને શું ખબર તું મારી રાહ જુએ છે અને મને મળવા આવી હોઈશ!.. અને તું અહીં કેમ આવી છે મારું કઈ કામ?" સ્વર્ણિમે નિખાલસતાથી પૂછ્યું.. નિત્યા કઈ પણ બોલ્યા વગર કોઇ નું ધ્યાન ના જાય એ રીતે સ્વર્ણિમને હાથ પકડીને ઓફિસની પાછળના ભાગમાં લઈ ગઈ. "શું છે નિત્યા ક્યાં લઈ જાય છે? "સ્વર્ણિમે વચ્ચે પૂછ્યું પણ નિત્યા કાંઈ ના બોલી!" છેવટે બંને ઓફિસ પાછળ પહોંચ્યા. અને નિત્યા સ્વર્ણિમની આંખોમાં જોઈ ફટાફટ બોલી ગઈ , " સ્વર્ણિમ તું મને પ્રેમ કરે છે?" સ્વર્ણિમ નિત્યા નો અવાજ સાંભળી સહેજ હસી બોલ્યો, " તું મને પૂછે છે કે જણાવે છે!" પણ નિત્યાની આંખો જોઈ સ્વર્ણિમ સમજી ગયો કે નિત્યા મજાકના મૂડમાં નહોતી. નિત્યાએ કહ્યું "જો સ્વર્ણિમ મને ગોળગોળ વાત કરતા નથી આવડતી. એટલે સીધે સીધું કહું છું. છેલ્લા કેટલાક દિવસોથી મને કઈ સુજતું નથી. મારું કોઈ કામમાં મન નથી પરોવાંતું! એટલે હું તને સ્પષ્ટ જણાવવા આવી છું કે મને લાગે છે કે હું તને ચાહવા લાગી છું. શું તું પણ મને...? " નિત્યા સ્વર્ણિમની આંખોમાં જોઈ કહ્યું. સ્વર્ણિમ પણ જોઈ રહ્યો. બંને થોડી ક્ષણો મૌન રહ્યા. એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. પછી અચાનક ક્ષણના ભાગમાં બંને ભેટી પડ્યા. આ પરથી સ્વર્ણિમનો જવાબ સ્પષ્ટ હતો. બંને વચ્ચેનું મૌન ઘણુ બધુ કહી રહ્યું હતું. બંને એકબીજાના ધબકારા સુદ્ધા અનુભવી શકતા હતા. બંનેના હૃદય તો મળી ગયા હતા પણ શું બંનેને એકબીજાનો સાથ મળી શકશે?!!


***

પરમ દિવસ સવારનો સુરજ ઉગી ચૂક્યો હતો. શૈલજા, સ્વર્ણિમ સહ સૌ નગરજનો ન્યાયસભામાં આવી ચૂક્યા હતા. સૌ શુભાંગીની દેવી અને એમના નિર્ણય ની રાહ જોતા આતુર હતા. એટલામાં પાલખી આવી પહોંચી. જયઘોષ શરૂ થઈ ગયો. માં શુભાંગીની ન્યાયસભામાં આવી પહોંચ્યા. શૈલજાની નજર મળી પણ શૈલજાએ નજર ફેરવી લીધી. શુભાંગીનીના ચહેરા પર સ્મિત આવ્યું. વૈભવીને પણ હાજર કરવામાં આવી. મનોહર અને શુભાંગીની ખુશ હતા કેમકે વૈભવીની હતાશા પરથી સ્પષ્ટ હતું કે તે બે દિવસમાં કઈ પણ કરી શકી નહોતી. કરે પણ ક્યાંથી, ચંડાળ મનોહરે કોઈ સબૂત છોડ્યા નહોતા! વૈભવીની આંખો સુજેલી હતી. " તો વૈભવી તને શૈલજાની વિનંતીથી જે સમય અપાયેલો એમાં તું કાંઈ પણ સિદ્ધ કરી શકી છે?" વૈભવી મૌન રહી. "એટલે સ્પષ્ટ છે કે વૈભવીએ જ મારા ભાઈ મનુને ફસાવવા નો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, એના ચારિત્ર્ય પર લાંછન લગાવ્યા છે. એટલે નક્કી કરેલા ન્યાય મુજબ તને ગામનિકાલ આપું છું. પણ એ પહેલાં તને સજા આપવામાં આવશે,ખરૂંને શૈલજા!" શુભાંગીની દેવીએ શૈલજા સામે કટાક્ષ ભરી નજરે જોઈ કહ્યુ. શૈલજા લાચાર ઉભી હતી, જાણતી હોવા છતાં કે વૈભવી સાચી છે તેને મૌન રહેવું પડયું. શુભાંગીનીના રાજમાં સ્ત્રી પુરુષ સૌને સરખી જ સજા મળતી. ચાબુકવાળો ચાબુક લઈને આગળ આવ્યો અને જોરથી પહેલો ફટકો વૈભવી પર ઝીંક્યો. શૈલજા કમકમી ગઈ પણ કઈ કરી ના શકી જાણે આ ચાબૂકનો અવાજ શૈલજા સામે ચિત્કાર કરી રહ્યો હતો ‘તું હારી ગઈ શૈલજા!તું હારી ગઈ ‘આજ કુદરતનો ન્યાય હતો! શું નિર્દોષ હોવા છતાં વૈભવી હારી જશે? શું માં શકામ્બરી દેવી ને આજ મંજૂર હતું!!!

હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી