Sundartani samasyaoma salaah books and stories free download online pdf in Gujarati

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

મીતલ ઠક્કર

ભાગ-૨

* ત્વચાને પરફેક્ટ રાખવા માટે રોજેરોજ ત્વચાની કાળજી રાખવી જરૂરી છે. તમે જે પણ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતા હો તે ઊચ્ચગુણવત્તાયુક્ત હોવા જરૂરી છે. ચહેરાને સારા ફેસવોસથી દિવસમાં બે-ત્રણ વખત ધોવો. તેમજ નિયમિત સનસ્ક્રીન લોશન લગાડવું. મેકઅપ સાથે કદી સૂવું નહીં.

* હોઠ સુકાઇ જાય તો ખૂબ પાણી પીવાનું રાખવું. તેમજ હોઠ પર મધ પણ લગાડશો. મધમાં કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ત્વચાની નમી જાળવી રાખે છે. સાથે સાથે તે ત્વચાની સુરક્ષા પણ કરે છે.

* ગરદનનો પાછલો ભાગ શરીરના અન્ય ભાગો કરતાં વધુ કાળો અને પિગમેન્ટેશનવાળો થઇ જાય છે. તેનું કારણ મોટા ભાગની મહિલાઓ ચહેરાની ત્વચા પર વધુ ધ્યાન આપતી હોય છે. અને અન્ય ભાગો જેવા કે ગરદન, કોણી અને પીઠ પ્રત્યે બેધ્યાન રહે છે. આ માટે ઊચ્ચ ગુણવક્તાયુક્ત સનબ્લોક એસપીએફ ૩૦ લગાડો. તેમજ તડકામાં બહાર જતી વખતે ગરદન ફરતે સ્કાર્ફ વીંટાળશો. હોર્મોન્સનું પ્રમાણ પણ ચકાસી લેવું. તે પણ પિગમેન્ટેશનમાં મોટો ભાગ ભજવે છે.

* ચહેરા પર નાનીનાની ફોડલીઓ થયા પછી તેના ડાઘા રહી જાય છે તેને દુર કરવા લીંબુનો રસ, હળદર, ચણાનો લોટ તથા દૂધ ભેળવી પેક બનાવી ચહેરા પર લગાડવું. સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોવું. લીમડાનો સાબુ અથવા લીમડો નાખી ઉકાળેલા પાણીથી ચહેરો ધોવો. રાત્રે ચંદન તથા જાયફળ ઘસી તેનો લેપ લગાડવો. આમ નિયમિત કરવાથી ફોડલીના ડાઘા દુર થશે.

* ત્વચા તૈલીય હોય તો તેના માટે કોઇ કોઇ વખત ચહેરા પર છાશ લગાડવી. છાશ ચહેરા પરના વધારાના તેલને શોષી લેશે જેથી ત્વચા ઓઇલી નહીં લાગે. સફરજનની સ્લાઇસ ચહેરા પર મૂકવી. સફરજન ચહેરા પરના વધારાના તેલને તે શોષી લેશે. જેથી ત્વચા ઓઇલી નહીં લાગે. ટમેટાની સ્લાઇસને ચહેરા પર રગડવી. સુકાઇ ગયા બાદ ધોઇ નાખવું. ઓઇલી ત્વચા માટેનો આ સરળ અને સારો ઉપાય છે.

* આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરવા ખીરા અને બટાકાના રસને મિક્સ કરી કોટન પેડને તેમાં ભીંજવી આંખ પર મૂકવું. ૧૫-૨૦ મિનિટ પછી ઠંડા પાણીથી આંખને સાફ કરવી. આ ઉપરાંત ભરપૂર નિંદ્રા લેવી. તેમજ આંખના વ્યાયામ કરવા. સવારે ઊઘાડા પગે લીલાછમ ઘાસ પર ચાલવું. સામાન્ય રીતે લોહીમાં રક્તકણનું પ્રમાણ ઓછું હોય ત્યારે કાળા કુંડાળા થતા હોય છે. તેથી તબીબની સલાહ લઇ બ્લડ ચેક કરાવી લેવું.

* રૂક્ષ ત્વચાને કોમળ કરવા બે મોટા ચમચા સફેદ સરકાને એક કપ પાણીમાં ભેળવી સ્નાન બાદ છેલ્લી વખત આ ઘોળથી સ્નાન કરવું. આ રીતે સ્નાન કરવાથી ત્વચાના રૂક્ષપણાથી આવતી ખંજવાળ પણ દૂર થાય છે.

* લિપસ્ટિકની પસંદગી કરવી અઘરી નથી. જો તમને ત્વચા સાથે મેળ ખાતા કુદરતી રંગ ગમતા હોય તો તેવા રંગ પસંદ કરશો. સામાન્ય રીતે ચેરી કલરથી લઇ મરૂન શેડ્સ ખરીદવા. જે દરેક રંગના પોશાક સાથે મેચ થતા હોય છે.

* હાથની કાળજી માટે જે પણ સાબુ વાપરતા હો તેનો ઉપયોગ કરી ઓછામાં ઓછી ૩૦ સેકન્ડ સુધી વહેતા પાણીમાં રાખવા જોઇએ. નખને ફાઇલિંગ તેમજ નેલ પોલિશ લગાડયા ઉપરાંત અઠવાડિયે એક વાર હાથને અસેન્સિયલ ઓઇલ અને લીંબુનો રસ ભેળવેલ પાણીમાં બોળવા. દિવસમાં બે વાર હેન્ડક્રિમ અથવા લોશન લગાડવુ. એલોવિરા જેલના ઉપયોગથી હાથ મુલાયમ રહે છે. હાથને સ્વચ્છ રાખવા આલ્કોહોલયુક્ત સેનીટાઇઝર આંગળીઓ તેમજ હાથ પર સ્પ્રે કરવું.

* નેઇલ પોલીશનો રંગ ત્રણ-ચાર દિવસમાં જ નખ પરથી ઉખડી જતો હોય અને નેઇલ પોલીશ લાંબા સમય સુધી ના રહેતી હોય તો નેઇલ પોલીશ લગાડયા બાદ થોડું સુકાઈ જાય પછી બરફના પાણીમાં આંગળીઓ બોળવી. નેઇલ પોલીશ પર પારદર્શક પોલીશનો એક કોટ લગાડવો. માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત નેઇલ પોલીશ મળે છે. જે નખ પર લાંબા સમય સુધી ટકી રહે છે. નેઇલ પોલીશ નખ પર વધુ ન ટકવાનું કારણ હલકી ગુણવત્તાની નેઇલ પોલીશનો ઉપયોગ તેમજ તેને યોગ્ય રીતે લગાડાતી ન હોય એ છે. એક વખત બ્યુટી નિષ્ણાંત પાસે નેઈલ પોલિશ લગાડી જુઓ જેથી રીત સમજાઇ જશે.

* મોટા રોમ છિદ્રોને નાના દેખાડવા માટે ચહેરો સાફ કરીને ટોનર લગાડશો. ત્યાર બાદ ઓઇલ ફ્રી ફાઉન્ડેશન લેવું અને બ્લેન્ડ કરતાં એકસાર લગાડવું. અને છેલ્લે તેની ઉપર પફથી પાવડર લગાડવો.

* મુલાયમ ત્વચા મેળવવા માટે મધને એક ચમચા સંતરાના રસમાં ભેળવી ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. મધ દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. તૈલીય તેમજ ખીલયુક્ત ત્વચા માટે એક ચમચી મધમાં એક ચમચી દહીં તથા હળદર ભેળવી ૨૦ મિનિટ માટે ચહેરા પર લગાડવું.

* ત્વચા સામાન્ય હોય તો સફરજનનો પેક ઉત્તમ છે. એક સફરજનના નાના-નાના ટુકડા કરી તેને મિક્સરમાં વાટી લેવા અને તેમાં બે ચમચા મધ તેમજ અડધા લીંબુનો રસ ભેળવી ફ્રિજમાં દસ મિનિટ રાખી દેવો. આ મિશ્રણ ચહેરા પર હળવા હાથે મધ ઘટ્ટ થતું લાગે ત્યાં સુધી લગાડવું અને ત્રીસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

* ચહેરા પર કાળાશ છવાઇ ગઇ હોય તો તેને દૂર કરવા ચહેરા પર છાશ લગાડવાથી ફાયદો થશે. તેમજ ત્વચા નિખરશે. રાત્રે બદામને પાણીમાં ભીંજવી સવારે છાલ ઉતારી તેને વાટી પેસ્ટ બનાવવી. એમાં એક ચમચો સંતરાનો રસ ભેળવી ચહેરા પર લગાડી ત્રીસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ટમેટાં, ખીરા અને ગાજરનો રસ સમાન માત્રામાં ભેળવી ચહેરા પર લગાડવું.

* વાળ ખરબચડા, વાંકોડિયા તથા રૂક્ષ હોય અને તેને રેશમ જેવા મુલાયમ, સીધા કરવા અઠવાડિયે એક વખત વાળમાં તેલ અવશ્ય નાખો. વાળને મુલાયમ તથા કાંતિમય કરવા પખવાડિયે એક વાર મહેંદી લગાડવી તેમજ વાળ ધોયા બાદ કંડિશનરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત બ્રાહ્મી, આંબળા, અરીઠા તથા શિકાકાઇ ભેળવી હેર પેક બનાવી વામાં લગાડવો. વાળ રેશમ જેવા મુલાયમ થશે.

* ત્વચાનું રક્ષણ કરવા બ્લીચને બદલે તમે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સનસક્રીન લોશનનો ઉપયોગ કરો. અને ચંદનની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાનો રંગ ઝાંખો તથા નિસ્તેજ નહીં થાય.

* પીઠ તથા ખભા પર થતી ખીલ જેવી ઝીણી ઝીણી ફોડલીઓથી છુટકારો પામવા ચંદનની પેસ્ટ લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. આ ઉપરાંત આંતરિક વસ્ત્રો સુતરાઉ પહેરવા.

* હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો.

* નખ નબળા હોવાથી બટકી જતા હોય અને નખને ચળકતા તથા મજબુત કરવા હોય તો કપડાં ધોતી વખતે તથા વાસણ ઘસતી વખતે રબરના મોજા પહેરવાની આદત પાડશો. જેથી તમારા નખને હાનિ પહોંચે નહીં. ઉચ્ચ ગુણવત્તાનાં ક્રિમથી નખ તથા આસપાસની ત્વચા પર મસાજ કરવો. આ મસાજ હાથ ઘોયા બાદ તથા સ્નાન કર્યા પછી કરવું.

* ખીલયુક્ત ચહેરાને મેડિકેટેડ સાબુથી ધોવો. મેડીકેટેડ એસ્રોજન્ટ લગાડવુ અને એક ઓઇલ ફ્રી મોઇશ્રરાઇઝરનો કોટ લગાડવો. ખીલની સમસ્યા વધુ હોય તો કેલમાઇન લોશનને ફાઉન્ડેશનના બેસ તરીકે ઉપયોગ કરવો. એ પછી લૂઝ પાવડર લગાડવો. મેકઅપ કરતા પહેલા ક્લિજિંગ અને ટોનિંગ પછી ચંદનનો ફેસપેક લગાડી મેકઅપ કરવાથી ચહેરા પર ગ્લો આવશે. મેકઅપ લગાડયા પછી વારંવાર ખીલ પર કે ચહેરા પર સ્પર્શ કરવો નહીં. ચહેરાને ઇન્ફેકશન લાગવાની શક્યતા રહે છે.

* પગની આંગળીમાં નીચેના ભાગમાં સાંધા પર ચીરા પડી ગયા હોય તો તેના પર બોરીક પાવડર લગાડવાથી રાહત થશે.

* સામાન્ય રીતે શેમ્પૂ વીથ કંડિશનરના ઉપયોગથી ખાસ કોઇ નુકસાન થતું નથી. પરંતુ બન્નેનો અલગ-અલગ રીતેનો ઉપયોગ કરવો વધારે સારું છે. તેનું મુખ્ય કારણ એ છે કે શેમ્પૂનો ઉપયોગ સામાન્ય રીતે વાળના પ્રકાર પર આધારિત છે. જેમ કે, રુક્ષ વાળવાળાએ તેના માટેની ખાસ બનાવટનું શેમ્પૂ વાપરવું જોઇએ. તેજ રીતે સામાન્ય અને તૈલીય વાળવાળાએ તે માટેની બનાવટનું શેમ્પૂ વાપરવું યોગ્ય છે. ડ્રાય વાળ માટે નરિશિંગ શેમ્પૂ મળે છે જે વાળનું યોગ્ય રીતે કંડિશનિંગ પણ કરે છે. વાળમાં ખોડો હોય તો તેના માટે પણ ખાસ શેમ્પૂ મળે છે. શેમ્પૂ કર્યા બાદ કંડિશનરથી વાળ ધોવાથી વાળ મુલાયમ થાય છે તેમજ વાળને પોષણ મળે છે. તેથી શક્ય હોય તો શેમ્પૂ અને કંડિશનિંગ મિક્સ હોય તે શેમ્પૂનો ઉપયોગ કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું.