Prasannta books and stories free download online pdf in Gujarati

પ્રસન્નતા

પ્રસન્નતા

યશવંત ઠક્કર

કેશવ ભટ્ટ કેરોસીન ખાતર લાંબી લાઇનમાં જોડાઈ ગયો હતો. લાઇન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી. બધી સંજોગની વાતો છે. આજે એને એકાદ નવી વાર્તા લખવાની ઇચ્છા હતી! પણ રસીલા કેરોસીન વગર બેબાકળી થઈ ગઈ હતી. કેશવ ભટ્ટે કચવાતા મને હાથમાં ડબલું લઈને ઘરેથી નીકળવું પડ્યું હતું.

લાઇન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી. એ તકનો લાભ લઈને કેશવ ભટ્ટનું મન એકાદ વાર્તા માટે આમથી તેમ ફાંફા મારવા લાગ્યું.

રસ્તા પર અઢળક દૃશ્યો ભજવાતાં હતાં. કોઈ ઉતારું ભાડા માટે રિક્ષાવાળા સાથે મગજમારીમાં ઊતર્યો હતો, કોઈ જુવાનિયો ચાલુ બસે ચઢતો હતો, કોઈ બાવો શાપ અને આશીર્વાદની વહેંચણી કરતો હતો, કોઈ છોકરો મોઢું ઊંચું કરીને મોંમાં તમાકુવાળી પડીકી ઠાલવતો હતો, કોઈ છોકરી છાતી ફંગોળતી કૂદવા જેવું ચાલતી હતી, કોઈ ગાડાવાળાના ઉઘાડા શરીર પર સૂરજ પરસેવો રેલાવતો હતો, કોઈ શેઠાણી મોટરમાંથી ઊરીને ગબડવા જેવું ચાલતી હતી... આવાં અનેક દૃશ્યોની સાથે જાતજાતનો ઘોંઘાટ. આ બધાંમાંથી કેશવ ભટ્ટનું મન એકાદ નવી વાર્તા શોધતું હતું. સાવ નવા વિષય-વસ્તુવાળી વાર્તા! ને એ કેમેય કરીને જડતી નહોતી. જે કાંઈ વાર્તાઓ નજરે પડતી હતી, એ તો ખૂબ જ જૂની થઈ ગયેલી હતી. વળી, કેરોસીનની ચિંતા પણ કેશવ ભટ્ટના મનને પૂરી નિરાંત લેવા દેતી નહોતી...

...ને લાઇન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી.

લાઇનમાં ઊભેલા લોકો લાચારીના માર્યા અર્થ વગરની વાતો કરતા હતા, તાકાત વગરનો ગુસ્સો કરતા હતા, તો ક્યારેક કારણ વગરનું હસી નાખતા હતા. દુકાનદારની સ્થિતિ પણ વિચિત્ર હતી. રોજરોજ લાઇનનો નિકાલ કરતાં કરતાં એણે પોતાનામાંથી વિવેક અને મીઠાશનો પણ નિકાલ કરી નાખ્યો હતો.

કેશવ ભટ્ટ સામે સમગ્ર પરિસ્તિતિ ખૂબ જ અકળાવનારી હતી. એનું મન દેવી સરસ્વતીને આહવાન કરવા અધીરું બન્યું હતું,. પણ લાઇનમાં ઊભું રહેવું પણ એટલું જ જરૂરી હતું. કદાચ વિશેષ જરૂરી હતું.

...ને લાઇન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી.

***

એક માણસ લથડિયાં ખાતો ખાતો કેરોસીન લેવા આવ્યો. એ લાઇનમાં ઊભો ન રહ્યો. ઊભો રહી શકે તેમ પણ નહોતો. એ સીધો દુકાનદારની સામે જઈને પડવા જેવું ઊભો રહ્યો. એણે ડબલું પછાડીને કહ્યું, ‘ચલ બે, ઇસમે દો લિટર કેરોસીન ડાલ દે.’

દુકાનદારને ખ્યાલ આવી ગયો હતો કે આ માણસ પીધેલો છે, છતાંય એને શું સૂઝ્યું કે એણે દારૂડીયાને લાઇનમાં ઊભા રહેવાનું કહ્યું, ને દારૂડિયો વધારે ગાંડો થયો.

‘સાલા, મેરેકુ લાઇનમેં ભેજતા હૈ? ઇધર ધંધા કરના હૈ કિ નહીં?’ એણે તમાશાની શરૂઆત કરતાં કહ્યું.

પછી તો દુકાનદારની સમજાવટ પણ કામ ન લાગી. દારૂડિયો વધારે ને વધારે ગાળો બોલતો ગયો, લોકો વધારે ને વધારે ભેગા થતા ગયા, જોતજોતામાં તો તમાશો થઈ ગયો, અને લાઇન આગળ વધતાં અટકી ગઈ.

લાઇનમાંથી કોઈએ દારૂડિયાને કશું કહ્યું નહિ. તેઓ ગુસપુસ કરતા રહ્યા, અને હસતા રહ્યા. કેશવ ભટ્ટને આ બધું ઠીક ન લાગ્યું, પણ એ પોતે બીજા લોકો જેટલો જ લાચાર હતો.

છેવટે દુકાનદારને જ્ઞાન આવ્યું. ‘ગાલિયાં મત બોલો. તુમ કેરોસીન લે જાઓ.’ એણે દારૂડિયાના ડબલામાં કેરોસીન રેડતાં કહ્યું.

‘લેકિન તૂ લાઇન કી બાત કયું બોલા? તૂ મુઝે પેહચાનતા નહીં હૈ?’ દારૂડિયાએ તમાશો ચાલુ રાખ્યો.

...તમાશો ચાલુ રહ્યો હતો, લોકોની લાચારી ચાલુ રહી હતી, પણ દુકાનદારનો ધંધો અટકી ગયો હતો. લાઇન અટકી ગઈ હતી, અને કેશવ ભટ્ટનું કામ અટકી ગયું હતું. વહેલાસર ઘરે પહોંચીને દેવી સરસ્વતીને આહ્વાન આપવાનું પવિત્ર કાર્ય કરવાનું હતું ને પોતે લાઇનમાં ઊભો હતો.

... ને લાઇન જરા પણ આગળ વધતી નહોતી.

અંતે દુકાનદારે દારૂડિયામાં હાથમાં કેરોસીનનું ડબલું પકડાવતાં કહ્યું, ‘મેરી ગલતી હો ગઈ ભાઈસાબ, મુઝે માફ કરના.’

‘ઠીક હૈ. દારૂડિયાએ કહ્યું. ‘ફિર કભી લાઇનકી બાત બોલા તો તેરી..’

‘નહિ બોલુંગા’ દુકાનદારે ઠાવકાઈથી કહ્યું. બે રૂપિયાની નોટ ફેંકીને દારૂડિયો લથડિયાં ખાતો ચાલતો થયો.

‘સાલા મેરેકુ લાઇનકી વાત બોલતા હૈ. મેરે પાસ ઇતના ટાઈમ હૈ? એણે થોડું ચાલ્યા પછી લાઇનમાં ઊભેલા એક માણસને પૂછ્યું.

જવાબમાં એ માણસે ડોકું હલાવીને ના પાડી.

દારૂડિયો આગળ વધતો ગયો ને પોતાનો સવાલ દોહરાવતો ગયો. એને જેને જેને સવાલ પૂછ્યો એ તમામે જવાબમાં વિવેકથી ‘ના’ કહ્યું.

પરંતુ, એ જ સવાલ એણે જ્યારે કેશવ ભટ્ટને પૂછ્યો ત્યારે કેશવ ભટ્ટે જવાબ આપવાના બદલે પોતાનું મોઢું ફેરવી લીધું.

‘જવાબ દે. મેરે પાસ ઇતના ટાઇમ હૈ?’ દારૂડિયાએ ગાલ દઈને ફરીથી પૂછ્યું.

‘નહીં હૈ.’ કેશવ ભટ્ટે જવાબ આપવો પડ્યો.

‘ઐસે જવાબ દેનેકા’ દારૂડિયો બબડ્યો અને લથડિયાં ખાતો ખાતો આગળ વધ્યો.

લાઇન પણ ધીમે ધીમે આગળ વધવા લાગી. થોડી વારમાં બધું રાબેતા મુજબનું થઈ ગયું. સિવાય કે કેશવ ભટ્ટ.

***

કેશવ ભટ્ટના આળા હૈયામાંથી પીડા ટપકવા માંડી, ‘દુનિયા આવી કેમ હશે? મારા જેવા સરળ માણસનું આવું અપમાન? આવી ગાળ? એક માયકાંગલો દારૂડિયો લાઇનમાં ઊભા રહેવાની કડાકૂટમાં પડ્યા વગર, ગાળો બોલીને કેરોસીન લઈ જાય ને એને કોઈ કશું કહી ન શકે? મારો શો વાંક હતો? મેં એ અણગમતા માણસના વાહિયાત સવાલનો જવાબ ન આપ્યો એ જ કે બીજો? મને એટલી પણ આઝાદી નહિ?...

આવા કેટલાય વિચારોથી કેશવ ભટ્ટનું મન છલકાતું હતું, ત્યારે જો કોઈ માણસ એની સામે જોતું તો એને ત્યાંથી ભાગી છૂટવાનું મન થઈ આવતું હતું. એના માટે આ આઘાત જેવો તેવો નહોતો. એણે પોતે પણ આ આઘાતમાંથી બહાર નીકળવા માટે ત્રણથી ચાર દિવસનો અંદાજ બાંધી લીધો હતો. ત્યાં સુધીમાં જ્યારે જ્યારે દારૂડિયાની ગાળ યાદ આવે ત્યારે ત્યારે એના હૈયામાંથી એક મૂંગી ચીસ નીકળવાની હતી.

કેશવ ભટ્ટ લાઇનમાં ઊભો ઊભો પીડાતો હતો ને લાઇન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી.

પીપમાંથી નીકળતા કેરોસીનની ધાર પાતળી થવા લાગી, ત્યારે લાઇનમાં ઊભેલા લોકોનો ઉચાટ વધી ગયો. કેટલાક લોકો ડોકાં તાણી તાણીને જોવા લાગ્યા, પણ કેશવ ભટ્ટને આવી કશી જ ખબર રહી નહોતી.

એવામાં એક ડોશી લાઇનમાંથી બહાર નીકળીને સીધી દુકાનદારની સામે જઈને ઊભી રહી, અને તાડૂકી, ‘તેં પેલા દારૂડિયાને કેરોસીન પહેલાં કેમ આપી દીધું? એ તારો સગલો થતો હતો?’

‘અરે માડી, નાગા સાથે કોણ મગજમારી કરે? તમે જોયું ને, કેવો તમાશો કરીને ગયો?’

‘કોઈ તમાશો કરે એટલે એને કેરોસીન આપી દેવાનું? તારે ધંધો કરવો હોય તો ઇમાનદારીથી કર. અમે લાઇનમાં જખ મારવા ઊભાં છીએ?’

‘તમારે એને કહેવું હતુંને? મને શું કહો છો હવે?

‘તું દુકાન લઈને બેઠો છે. તારે એને લાઇનમાં ઊભો રાખવો જોઈએ. સમજ્યો?’

‘ના ના, એવું લખી નથી આપ્યું. તમારી સામે જ મારે કેટલી ગાળો ખાવી પડી? તમે જોયુંને?’

‘સારું, હવે આ ડબલામાં પાંચ લિટર કેરોસીન ભરી દે.’ ડોશીએ ડબલું પછાડીને કહ્યું.

‘એમ કેરોસીન નહિ મળે માડી. તમે પહેલાં લાઇનમાં જ્યાં હતાં જતાં રહો.’ દુકાનદારે ગુસ્સો કર્યો.

‘હા હા માડી, લાઇનમાં ઊભા રહો.’ લાઇનમાંથી બૂમો પડી.

‘હવે શરમાવ શરમાવ લાઇનવાળીઓ. હમણાં પેલો આવીને ગાળો બોલી ગયો ને ઊભાં ઊભાં જ ડબલું ભરાવી ગયો ત્યારે તમારી લૂલીઓ કેમ બંધ થઈ ગઈ’તી? ને હવે આ ઘરડીને શિખામણ આપવા નીકળ્યાં છો?’ ડોશી હાથ ઊંચા કરી કરીને બોલવા માંડી.

બીજા તમાશાની શરૂઆત થઈ ગઈ.

‘માડી આ બધાંનો વિચાર કરો. તમે ઘરડું માણસ થઈને આવી ખોટી વાત ન કરો.’ દુકાનદારે ડોશીને સમજાવ્યાં.

‘મારે કોઈ વિચાર નથી કરવો, ને તારે વિચાર કરવો હોય તો મારો વિચાર કર. ચાર દિવસથી કેરોસીન લીધા વગર પાછી જાઉં છું, પણ આજે નહિ જાઉં.’ ડોશી ગુસ્સામાં ધ્રુજતી ધ્રુજતી બોલી, ‘આજે તું મને કેરોસીન નહિ આપે તો હું અહીં જ મારું લોહી છાંટીશ. સમજ્યો?’

બધાં ચૂપ થઈ ગયાં. કેશવ ભટ્ટને વિચાર આવ્યો કે, ‘આવો આક્રોશ તો હું પણ વ્યક્ત કરું છું. પણ એ તો કાગળ પર જ. આવી રીતે જાહેરમાં બોલવાની તો ક્યારેય હિંમત નથી થઈ.’ પછી તો એને હાકલા અને પડકારા કરનારા તેજાબી કવિઓ અને વાર્તાકારો યાદ આવવા લાગ્યા, અને વચ્ચે વચ્ચે પેલી તેજાબી ગાળ પણ યાદ આવવા લાગી.

કેશવ ભટ્ટ લાઇનમાં ઊભો ઊભો લેખકો અને કવિઓની તેજાબી રચનાઓ સંભારતો હતો ને લાઇન જરા પણ આગળ વધતી નહોતી.

‘લાવો તમે નહિ માનો.’ દુકાનદારે ડોશીનું ડબલું લેતાં કહ્યું.

‘આ ખોટું થાય છે. સાવ ખોટું થાય છે.’ લાઇનમાંથી બૂમો પડી, ધક્કામુક્કી થઈ,

ને કેરોસીનની ધાર અટકી ગઈ.

ડોશીને નસીબજોગું કેરોસીન મળ્યું. બાકીના લોકોને બીજે દિવસે આવવાની સૂચના મળી.

કેશવ ભટ્ટ લાઇનમાં ઊભો હતો ને લાઇન વીંખાઈ ગઈ હતી.

‘ચાલો ભાઈસાબ, કેરોસીન ખલાસ થઈ ગયું. હવે ઊભા રહેવાથી કશો ફાયદો નહિ થાય.’ એક માણસે કેશવ ભટ્ટને કહ્યું.

કેશવ ભટ્ટ વિચારોની ભીડમાંથી બહાર આવ્યો.

***

કેશવ ભટ્ટે ઘરની વાત પકડી. દારૂડિયાની ગાળ એનો પીછો છોડતી નહોતી. એ ગાળ એને કેરોસીનના અભાવ કરતાં પણ વધારે ત્રાસદાયક લાગવા માંડી હતી. એ નીચલા હોઠને વારંવાર દાંત વચ્ચે દબાવીને એ આઘાત સામે ટક્કર ઝીલવાના ફાંફા મારતો હતો.

કેશવ ભટ્ટે ચાલતાં ચાલતાં એવાં દિવાસ્વપ્નો પણ જોઈ નાખ્યાં કે જેમાં એ પોતે પેલા દારૂડીયાને જાહેરમાં ફટકારતો હોય ને પેલો એના પગ પકડીને માફી માંગતો હોય, કે પછી દારૂડિયાની ડોકમાં ‘મૈ નશે મેં હૂં’ એવું પાટિયું લટકતું હોય ને પોલીસ ઇન્સપેક્ટરે મોટું સરઘસ કાઢ્યું હોય, ને પોતે ઇન્સપેક્ટર સાથે હાથ મિલાવીને એને ધન્યવાદ આપતો હોય.

કેશવ ભટ્ટને દિવાસ્વપ્નો થકી મળતી રાહત પણ વધરે વખત રોકાતી નહોતી. દારૂડિયાએ દીધેલી પેલી ગાળ એને યાદ આવી જતી હતી અને વસમી પીડા આપતી હતી.

...કેશવ ભટ્ટ ઘર તરફ જતો હતો ને એના મનમાં વિચારોની લાંબી લાઇન પડી ગઈ હતી.

કેશવ ભટ્ટે પોતાની જાતને આશ્વાસન આપ્યું, ‘મેં તો એક દારૂડિયાની ગાળ ખાઈ લીધી. એમાં શું થઈ ગયું? દારૂડિયો તો મોટા વિદ્વાનનેય ગાળ આપે. હું તો થોડુંઘણું લખું છું ને સ્વમાનથી જીવું છું. હું કાંઈ પેલા લેખકો જેવો નથી કે જેઓ તેજાબી કલામના માલિક હોવા છતાં શેઠિયાઓ સામે, પ્રકાશકો સામે કે વિક્રેતાઓની સામે પાળેલાં કૂતરાંની માફક પૂંછડી પટપટાવીને ઊભા રહી જાય છે.’

કેશવ ભટ્ટ મનને મનાવવાના પ્રયાસો કરતો હતો, પણ મન એને કેમેય કરીને દાદ આપતું નહોતું. ‘હું કાયર તો છું જ. કાગળ પર ખૂબ લડાઈ કરી જાણું છું, પણ અન્યાય સામે જાહેરમાં એક શબ્દ પણ બોલી શકતો નથી. હું પણ બીજા લેખકો જેવો જ નહોર વગરનો વાઘ છું.’

કેશવ ભટ્ટના બળતા હૈયામાં લાચારીનો ઢગલો થયો. એમાં દુકાનદારની લાચારી ભળી. દારૂડિયાની ગાળો ભળી. ડોશીનો કકળાટ ભળ્યો. લોકોની સહનશક્તિ પણ ભળી. એના હૈયામાં જાણે હોળી પ્રગટી.

...કેશવ ભટ્ટ ઘર તરફ જતો હતો. એના ડબલામાં કેરોસીન નહોતું ને એના હૈયામાં હોળી પ્રગટી હતી.

...અચાનક કેશવ ભટ્ટના મનમાં એક ઝબકારો થયો. એની આંખોમાં ચમક આવી ગઈ. એના હોઠ ફફડવા લાગ્યા. એનાથી એક ચપટી વગાડાઈ ગઈ. એના હૈયામાં પ્રગટેલી હોળી છેલ્લા એક ઝબકારા સાથે ઠરી ગઈ અને ત્યાં ઊગી નીકળ્યો એક નાનકડો છોડ!

આવું તો કેશવ ભટ્ટને આ પહેલાં પણ ઘણી વખત થયું હતું. જ્યારે જ્યારે આવું થતું ત્યારે ત્યારે એને એક સિગારેટ પીવાની ઇચ્છા થઈ આવતી. આજે પણ થઈ. એક ગલ્લાવાળા પાસેથી એણે એણે એક સિગારેટ લીધી અને સળગાવી.

ગલ્લાથી થોડે દૂર ઊભા રહીને સિગારેટનો કશ ખેંચતાં એ ફરીથી બધું યાદ કરવા લાગ્યો. કેરોસીન માટે લાંબી લાઇનમાં ઊભેલા લોકો, લોકોની લાચારી, દુકાનદારની લાચારી, દારૂડિયાની દાદાગીરી, દારૂડિયાની ગાળ, ડોશીનો કકળાટ અને એ આખી ઘટનામાં કેશવ ભટ્ટ પોતે...આ બધું જેમ જેમ એને યાદ આવતું ગયું એમ એમ એના મનમાં પ્રસન્નતા વધતી ગઈ, અને પેલો છોડ મોટો ને મોટો થતો ગયો.

સિગારેટ પૂરી થવા આવી ત્યારે કેશવ ભટ્ટે એ ઠૂંઠાને ગજબના આત્મવિશ્વાસ સાથે પોતાના સેન્ડલથી કચડી નાખ્યું. એણે ઘરની વાટ પકડી.

... કેશવ ભટ્ટ ઘર તરફ જતો હતો. એના હાથમાં કેરોસીન વગરનું ખાલી ડબલું હતું ને એનું મન પ્રસન્નતાથી ભર્યું ભર્યું હતું.

***

કેશવ ભટ્ટ ખાલી ડબલું લઈને પાછો આવ્યો એટલે રસીલા નારાજ થઇ ગઈ. પરંતુ કેશવ ભટ્ટની પ્રસન્નતા ઓછી ન થઈ.

હવે તો કેશવ ભટ્ટના મનની હાલત એવી હતી કે એને પેલો દારૂડિયો કે દારૂડિયાની ગાળ યાદ આવે તો પણ પીડા થવાના બદલે પ્રસન્નતા જ થતી હતી.

‘આટલી બધી વારે આવ્યા ને ખાલી હાથ આવ્યા?’ કેશવ ભટ્ટ ખાલી ડબલા સાથે ઘરે પહોંચ્યા ત્યારે રસીલાએ છણકો કર્યો.

‘કોણ કહે છે કે હું ખાલી હાથ આવ્યો?’ કેશવ ભટ્ટે પોતાનું મસ્તક ઊંચું રાખીને એની પત્નીને સવાલ કર્યો.

‘કેરોસીન તો મળ્યું નહિ.’ રસીલાએ નિરાશ થઈને કહ્યું.

‘તો શું થઈ ગયું? કેશવ ભટ્ટે પોતાના મનની પ્રસન્નતા છુટ્ટા ચહેરે ઉડાડતાં કહ્યું, ‘વાર્તા તો મળીને.’

કેશવ ભટ્ટે ઉડાડેલી પ્રસન્નતા રસીલાના ચહેરા પર ચોંટી ગઈ. એ ચૂપચાપ કામે વળગી.

...કેશવ ભટ્ટ ઘરની બારી પાસે બેઠો હતો. એના હાથમાં કલમ હતી, અને સામે કાગળ હતા. કાગળ પર કોરી લીટીઓ હતી, ને એ લીટીઓ ધીરે ધીરે ભરાતી જતી હતી.

...કેશવ ભટ્ટના ઘરમાં કેરોસીન નહોતું ને ઘર પ્રસન્નતાથી ભર્યું ભર્યું હતું.

[સમાપ્ત]