Panch tunki vartao books and stories free download online pdf in Gujarati

પાંચ ટૂંકી વાર્તાઓ.

પાંચ માઇક્રો-ફ્રિકસન વાર્તાઓ.

  • એ છોટું!
  • સાત-આઠ વર્ષનો એક ગરીબ છોકરો સ્કૂલના દરવાજા આગળ ઊભો હતો. એની જેટલી જ વયના છોકરાઓને નવા ગણવેશમાં તૈયાર થઈ દરવાજાની અંદર દાખલ થતાં એ જોઈ રહ્યો હતો. રિશેષ પડે ત્યારે દરવાજાના બે સળિયા વચ્ચેથી છોકરાઓને મેદાનમાં ખેલતા-કુદતા જોતો ત્યારે એના બાળમનમાં સતત એક વિચાર ઘૂંટાયે જતો: મનેય આમની જેમ આવી સ્કૂલમાં ભણવા અને રમવા મળે તો કેવું સરસ! હું પણ ભણીને સારો માણસ બનું.

    ત્યાંજ એક અવાજ એની પીઠ પર અથડાયો,

    ‘એ છોટું... સાલે વહાં ક્યું ખડા હૈ! યે ચાય ઓર નાસ્તા સાહબ કો દે...’ ચાની ટપરીવાળાએ તુચ્છ શબ્દોનું દોરડું નાખી બાળમજૂરી માટે ખેંચ્યો. છોકરો દોડતો ગયો અને ચા-નાસ્તો સાહેબના ટેબલ ઉપર મૂક્યો. મેલીઘેલી ઉતરી ગયેલી ગંજીમાં સાવ દૂબળો દેહ એની દરિદ્ર પરિસ્થિતિનું વર્ણન કરતો હતો.

    ‘ચલ, યે સારે ગ્લાસ ઓર ડીશ ચમકાકે જગાહ પે રખ દે... ગ્લાસ કો જરા સંભાલકે સમજા ક્યાં? વર્ના પગારમે સે કાટ લૂંગા. ચલ કામ પે લગ જા...’ ચાની તપેલીમાં ચમચી ફેરવતાં હુકમ છોડ્યો.

    છોકરો માથું હકારમાં હલાવી, ખભા ઉપર રૂમાલ મૂકી કામે લાગી ગયો. ચાની ટપરી પાછળ એ ચાના કપ અને ડીશો પાણીમાં ઝબોળી ધોઈ રહ્યો હતો ત્યારે ધબ્બ... દઈને કશુંક પડવાનો અવાજ કાને સંભળાયો. અવાજની દિશામાં એણે નજર ફેરવી. સ્કૂલની દીવાલ ઉપરથી ત્રણ સ્કૂલ બેગ બહાર ફંગોળાઈ નીચે પડી હતી. થોડીકવારમાં ત્રણ છોકરાંઓ ઝાડની ડાળી પર ચડી બહાર ભૂસકો માર્યો. ત્રણેએ હાથ ખંખેરી સ્કૂલ-બેગ ખભે ભરાવી.

    પહેલા છોકરાએ ગર્વભેર છાતી ફૂલાવી બીજા મિત્રને તાળી આપી બોલ્યો, ‘જોયું હાર્દિક્યા, સાહેબને કેવા ઉલ્લુ બનાઈ બંક માર્યો...’

    ‘મન તો ઇમ હતું ક સાલું પકડાઈ જશું તો વાટ લાગી જશે. પણ તીતો આ જોરદાર રસ્તો હોધી કાઢ્યો લ્યા...’ બીજા છોકરાંએ શાબ્દિક શાબાશી આપી મિત્રના પરાક્રમને વધાવી લીધું.

    પહેલા છોકરોએ છાતી ફૂલાવી, કોલર ઊંચો ખેંચી રુઆબભેર છટાથી પૂછ્યું, ‘આઇડિયા કુનો હતો?’

    બન્ને છોકરાઓ પેલાની પીઠ થાબડી એકસાથે બોલ્યા, ‘ગૌરવભાઇનો...’

    ‘તો પછી... હેડો અવ, પેલા ગલ્લેથી ગુટકાની પડીકી લઈ રખડીએ...’ કહી ત્રણેય ઉજળા ભવિષ્યની દીવાલ કૂદી અંધકારના ભવિષ્યની તરફ ડગ માંડ્યા.

    ચાના ગ્લાસ અને નાસ્તાની ડીશ ધોતા છોકરાએ બધુ ચૂપચાપ જોયું અને મનની દીવાલ ઉપર અંત:ઈચ્છા ઘૂંટી: કાશ! મને એમની જગ્યાએ ભણવા મળે તો!

    ***

  • આઈસક્રીમનું કાગળ
  • ભડભડતા ઉનાળાની ગરમીમાં શેકાતા રોડ ઉપર એક આઇસક્રીમવાળો ભાઈ દોરીથી સતત ઘંટડી રણકાવી દરેક ગલીમાં ફરતો હતો.

    ટીન...ટીન...ટીન...ટીન...

    ઘંટડીનો લોભામણિયો સૂર અમીના કાને પડતાં જ આંખો સામે આઇસક્રીમનું લલચાવતું મનો:ચિત્ર ખડું થઈ ગયું. હોઠ ઉપર જીભ ફેરવી પપ્પાના એસી રૂમમાં દોડતી ઘૂસી ગઈ.

    પપ્પા એસીની મસ્ત આહલાદક ઠંડકમાં આંખો મીંચી, શરીર પાથરી, અને દરેક શ્વાસે નસકોરાંનું રણશિંગુ બોલાવતા પડ્યા હતા. અમીએ એમનો ખભો હલાવી ઢંઢોળ્યા, ‘ડેડી ડેડી, મારે આઇસસ્ક્રીમ ખાવો છે. પ્લીઝ ડેડી લઈ આપોને...’ અમી પગ પછાડતી ખોટું ખોટું રડવાના નખરાં કરતાં બોલી.

    ઊંઘ ભરેલી આંખના ભારેભરખમ પોપચાં માંડ અડધા ઊંચકાયા. ઘેનાયેલા અવાજે કહ્યું, ‘બેટા, સાંજે...’ કહીને પાછી આંખો મીંચી દીધી.

    ‘ના ડેડી, અત્યારે જ... પ્લીઝ ડેડી પ્લીઝ... લઈ આપોને...’ અમી જીદ ઉપર અડી રહી.

    ગોળમટોળ અને ઘેનમાં રેલાતું શરીર ઊંચકી કમને પણ પપ્પાને ઊભા થવું પડ્યું.

    ‘જલ્દી ચાલોને ડેડી નહીંતર આઇસસ્ક્રીમવાળા અંકલ જતાં રહેશે...’ અમી પપ્પાનો હાથ ખેંચી ઉતાવળ અને ઉત્સાહમાં ઉછળતા પગે કહ્યું.

    અમી ઉઘાડા પગે જ બહાર દોડી જઇ આઇસસ્ક્રીમવાળા ભાઈને બોલાવ્યા.

    ‘ડેડી જલ્દી...’ અમી આઇસસ્ક્રીમની લારીના સ્ટેન્ડ ઉપર ચડીને બોલી.

    ‘કયો આઈસક્રીમ ખાવો છે બોલ અંકલને’ પપ્પાએ આંખો આગળ હાથનું છજું કરી કહ્યું.

    ‘ઝૂલૂબાર’ બોલીને તરત જ હોઠ ઉપર જીભ ફેરવી લીધી.

    આઇસસ્ક્રીમવાળા ભાઈએ કાગળ ખોલી ઝૂલૂબાર હાથમાં પકડાવ્યો.

    ‘યેયેયે...’ અમીએ ઠેકડો મારી આઈસક્રીમનો ઉત્સાહ વ્યક્ત કર્યો, ‘થેંક્યું ડેડી...’ દાંત વચ્ચે નાનું બટકું ભરી ‘મમ્મી મમ્મી...’ કરતી દોડતી ઘરમાં જતી રહી.

    ટીન...ટીન...ટીન...ટીન... આઇસસ્ક્રીમની લારી આગળ ચાલી.

    કચરાનો કોથળો લીંબડાના થડે ટેકવી એક નાનો છોકરો આ ઘટનાને છાંયડા નીચે ઊભો-ઊભો નિહાળી રહ્યો હતો. ઘંટડીના અવાજ સાથે આઇસક્રીમની લારી એની તરફ આવતી જોઈને એણે સૂકા હોઠ ઉપર જીભ ફેરવી ભીના કર્યા. આઈસક્રીમની લારી એની સામેથી પસાર થઈ. લારી ઉપર દોરેલા અલગ-અલગ આઈસક્રીમોના ચિત્રો એની આંખોમાં ઘડીકભર માટે તો લલચાવતી ઠંડક ભરી દીધી. મોઢામાંથી જાણે પાણીની ધારાઓ ફૂટી નીકળી. આઈસક્રીમની લારી સામેથી જતી રહી અને એનો ચહેરો નિરાશ થઈ પીગળી પડ્યો. કોઈ આઈસક્રીમ લઈ આપે એવું એનું કોઈ નહતું. મોઢામાં વળેલું પાણી ગળા નીચે ઉતારી મન મનાવ્યું. એટલામાં જ ગરમ પવનની લૂ ફૂંકાઈ અને ઝૂલૂબારનું પેલું કાગળ રખડતું-રખડતું એના પગ આગળ આવી રમવા લાગ્યું.

    ***

  • માનવતા
  • જીવન અને મૃત્યુની વચ્ચે એક દર્દી ઝૂલી રહ્યો હતો. સર્જને ક્નાઈફ વડે એનું ઓપરેશન કરી એનો જીવ બચાવે છે.

    એ જ સમયે એક સિરિયલ-કિલર ક્નાઈફ વડે એક વ્યક્તિનું ખૂન કરી નાખે છે.

    ***

  • દ્રષ્ટિકોણ
  • બે વ્યક્તિઓ ખુરશીમાં બેઠા હતા. બન્નેની વચ્ચોવચ ‘6’ નંબરનું બોર્ડ પડ્યું હતું.

    એક વ્યક્તિએ કહ્યું, ‘નંબર 6-નું બોર્ડ અહીં કેમ પડ્યું છે?’

    બીજાએ કહ્યું, ‘નંબર 6-નું બોર્ડ નથી. નંબર 9-નું બોર્ડ છે. આંધળા!’

    પહેલા વ્યક્તિએ ઊંચા અવાજે કહ્યું, ‘આંધળો તું હોઈશ અને અભણ પણ! આટલું ચોખ્ખું દેખાતું નથી નંબર 6-નું બોર્ડ છે.’

    ‘તારી હિમ્મત કેવી રીતે થઈ મને અભણ કહેવાની?’, બીજો વ્યક્તિ તરત જ ગુસ્સામાં ભભૂકી ઉઠ્યો, હાથની નસોમાં ખુન્નસ ભરાઈ આવ્યું. મજબૂત મુઠ્ઠી બાંધી ખુરશીમાંથી ઊભો થયો એટલામાં જ ત્રીજા વ્યક્તિ આવીને કહ્યું, ‘અરે ભાઈ શાંત થઈ જા… શાંત થઈ જા…’ ખભા ઉપર હાથ મૂકી એને શાંત પાડ્યો. પછી એ વ્યક્તિએ બન્ને સામે જોઈને કહ્યું, ‘એક કામ કરો. તમે બન્ને એકબીજાની જગ્યાએ બેસી જાવ. પછી બોર્ડ જુઓ.’

    ***

  • પિતાનું સપનું
  • બારમાં ધોરણનું રિજલ્ટ બહાર પડ્યું.

    ‘ભરતભાઈ, તમાર હિરેનને કેટલા આવ્યા?’ પડોશીએ પૂછ્યું.

    ’89.4% આવ્યા છે.’ ભરતભાઈએ મોઢું બગાડી નિરાશાજનક સ્વરમાં જવાબ આપ્યો.

    ‘વાહ...ભરતભાઈ, તમાર હિરેન તો જોરદાર રિજલ્ટ લાવ્યો હો. ખરેખર બ્રિલિયન્ટ બોય છે. છાપામાં ફોટો પાક્કો આવશે જોજો તમે. આવે એટ્લે મારા તરફથી અભિનંદન કહેજો...’ સ્મિત કરી કહ્યું.

    ભરતભાઇએ ફિક્કું હસી હકારમાં માથું હલાવ્યું.

    નરેંદ્રભાઈએ ઉપરના માળથી ઉમળકાભેર બોલ્યા, ‘અરે વાહ હિરેન 89.4% લાવ્યો...!’ આશ્ચર્યથી ભ્રમરો કપાળે ચડાવી કહ્યું, ‘ખરેખર હો ભરતભાઈ... તમાર હિરેને તો તમાર ડોક્ટરનું સપનું પૂરું કર્યું આખરે.’

    ભરતભાઈ ગુસ્સેથી મનમાં બબડ્યા: શું ખાખ ડોક્ટરનું સપનું પૂરું થાય આટલા રિજલ્ટમાં! સાલા નાલાયકને આટ-આટલી સગવડો આપી, જે જોવતું હોય એ બધું પૂરું કર્યું. કોઈ વાતની ક્યાંય કચાસ નથી રાખી, છતાંયે આ બુડથલ નેવું ઉપર ના લાવી શક્યો. ઘરે આવે ત્યારે સાલા નાલાયકની વાત છે. બરોબરનો લેવો છે. ગુસ્સામાં દાંત કચકચાવતાં ભરતભાઈએ વિચાર્યું.

    ‘ભરતભાઈ... હિરેન ઘરમાં હોય તો જરા બોલાવો જો અભિનંદન પાઠવી દઉં.’ નરેંદ્રભાઈએ સહસ્મિત કહ્યું.

    ‘અત્યારે તો એ એના મિત્રો સાથે સ્કૂલમાં રિજલ્ટ લેવા ગયો છે... હમણાં આવતો જ હશે.’ ફિક્કુ સ્મિત આપી પૂછ્યું, ‘અને હા, તમારા તેજસને કેટલા આવ્યા?’

    નરેંદ્રભાઈ જવાબ આપે એ પહેલા જ ગોળમટોળ તેજસ બાલ્કનીમાં આવ્યો. એક હાથમાં પેંડાનું બોક્સ પકડી ભરેલા મોઢે ગર્વભેર છાતી ફૂલાવી બોલ્યો, ‘અંકલ... હું તો ફૂલ્લી પાસ થઈ ગયો. મેં તો વિચાર્યું જ નહતું કે હું તો પાસ થઈશ, તો પણ 37% આવ્યા 37%. બોલો!’

    વાતચીત દરમ્યાન અચાનક બે બાઇક ફૂલ સ્પીડમાં ઘર આગળ આવી ઊભા રહ્યા.

    ‘કાર્તિક તમે બધા મિત્રો અહીં છો તો હિરેન ક્યાં છે?’ ભરતભાઈએ ચિંતાગ્રસ્ત અવાજમાં પૂછ્યું.

    ‘અંકલ...’ કાર્તિકની જીભ આગળ બોલતા કેમેય કરી ઊંચકાતી નહતી. એણે મિત્રો સામે વિષાદભાવે જોઈ કહ્યું, ‘અંકલ... હિ...હિરેને...’

    ‘હિરેને શું? બોલ જલ્દી?’ ભરતભાઈના અવાજમાં કશુંક અમંગળ બન્યાની અકળામણ રૂંવે રૂંવે સળગવા લાગી.

    કાર્તિકનો અધૂરો જવાબ પૂરો થયો ને... રસોડામાં ધબકતું માંનું હૈયું એ આઘાત જેરવી ન શક્યું. ધબ્બ દઈને શરીર જમીન પર પટકાયું અને ભરતભાઈની ડોક અવાજની દિશામાં ફરી...

    ***

    Writer – Parth Toroneel