Sindur books and stories free download online pdf in Gujarati

સિંન્દુર

સિંદુર

નડિયાદ પાસે આવેલા રાજપરા ગામની આ વાત છે. આ નાનકડા ગામમાં રહેનારા દરેક લોકો પોતે સુખી હોવાનું કારણ ગામના રાજા માનસિંહને માનતા હતા. વર્ષો પહેલા માનસિંહએ ગામમાં કાપડની મિલ બનાવી હતી. તેથી ગામના દરેક લોકોને ગામમાં જ રોજીરોટી મળી રહેતી હતી. અને આજે પણ એમના વારસદાર અમરસિંહ આ મિલનું સંચાલન કરે છે. અમરસિંહને ગામના દાદા કહેવામાં આવે છે. દાદા ગામની કોઈ પણ સમસ્યાને બુધ્ધિ અને ન્યાયપૂર્વક વિચારીને ઉકેલે છે.

અમરસિંહને બે સંતાન.....મોટો દીકરો દેવસિંહ અને નાનો જગતસિંહ. દેવસિંહની દીકરી નંદિની, પત્ની માયા અને જગતસિંહના ત્રણ સંતાન વેદ, વંશ, અને અંજલી, તથા પત્ની ગીતા. આ બધા જ ગામનું ગૌરવ મનાતી એવી વિશાળ હવેલીમાં હળીમળીને રહે છે. જોતજોતામાં અમરસિંહના ચારેય પૌત્રો મોટા થઈ ગયા અને ચારેય સંસ્કારથી સીંચાયેલા...

નંદિનીની સગાઈ થઈ ગઈ છે, અને લગ્ન લેવાના છે. જગતસિંહનો મોટો દીકરો વેદ અમદાવાદ, વડોદરા, સુરત, અને મુંબઈ જેવા મોટા શહેરોમાં કાપડનો ધંધો કરે છે. નાની એવી ઉમરમાં જ એણે વારસામાં મળેલી મિલનું નામ અને કામ છેક મુંબઈ સુધી ફેલાવ્યું છે. આરસપહાણ જેટલો ઉજળો, દિવ્યચમકીલિ આંખો, હસે તો જાણે મોતી વરસે, ચહેરા પર ઘમંડનો છાંટોય નહી અને પોતાના કામમાં જ મગ્ન રહેતો આ વેદ, દાદા અમરસિંહનો ડાબો હાથ મનાય છે.

વેદના નાના ભાઈ વંશને ભગવાને માટી નહી પણ મોતીથી બનાવ્યો હોય એવો ચમકતો વાન, પારસમણિની ચમક ધરાવતી આંખો, આંખોમાં આકાશ અડવાના સપના, અને હદયમાં ઘોડાની નાળ જેટલો સપના પૂરા કરવાનો તેનો જુસ્સો,અને બસ પોતાનામાં જ મગ્ન રહેવા વાળો આ વંશ અસલ કાનુડા જેવો નટખટ છે.એની કોલેજ પૂરી થઈ ગઈ છે, અને એ હવેલીમાં જ માટીને આકાર આપીને મૂર્તિઓ બનાવે છે. માટીમાથી નિતનવા ચહેરા બનાવવા એ એની કળા છે અને આ કળામાં જ રચ્યાપ્ચ્યા રહેવું એ એનો શોખ છે.

પરિવારની સૌથી નાની અને લાડલી અંજલિ અમદાવાની એક કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે.

હોસ્ટેલમાં અંજલિ એની સહેલી દિવ્યા સાથે રહે છે. દિવ્યા... નામ જેવો જ એનો વાન, બદામ જેવી આંખો, ગુલાબની પાંખડી જેવા હોઠ, પાતળું નાજુક નાક, લાંબા કાળા ધોધ જેવા વાળ, શાલિગ્રામ જેટલા લીસ્સા એના ગાલ અને ગાલ પર ઊંડા પડતાં ખાડા, જેટલી સરળ, તેટલી જ ચંચળ એવી આ દિવ્યા દરેક વાતમાં અવ્વલ છે. રમવા, ગાવા, નાચવા, રસોઈ, કામ-કાજ, સાથે સાથે ભક્તિભાવમાં પણ માને છે. સર્વગુણસંપર્ણ અને સંસ્કારી આ છોકરી સાથે એક જ અન્યાય થયો છે કે, એ જન્મ થી જ અનાથ છે.એનું કોઈ ઘર નથી. એણે મા-બાપનો પ્રેમ જોયો જ નથી.

અંજલિ અને દિવ્યાની પરીક્ષા પૂરી થવા આવી છે,એટલે કે, કોલેજ અને હોસ્ટેલમાંથી વિદાય લઈને છૂટા પડવાનો સમય આવ્યો છે. અને નંદિનીના લગ્નની તારીખ પણ નજીક આવે છે. બંને છેલ્લું પેપર આપીને બહાર નીકળ્યા અને અંજલિની માનો ફોન આવ્યો, અને કહ્યું, " બેટા, નંદિનીના લગ્ન નજીક છે. હવે તારે પરીક્ષા પણ પતી ગઈ છે. કાલે જ ઘરે આવી જા." અંજલિએ પુછ્યું, "મા, દિવ્યાને પણ લઈને આવું ?" મા એ કહ્યું, હા, જરૂર. અમારે પણ તારી સુવર્ણસખીને મળવું છે, જેના વખાણ કરતાં તું થાકતી નથી. અંજલિએ આનંદથી કહ્યું, થેન્ક યુ મા, અમે કાલે જ આવી જઈશું. અંજલિ એ દિવ્યાને કહ્યું, " ચાલો મેડમ, નંદિનીના લગ્નમાં ધૂમ મચાવવા તૈયાર થઈ જાઓ." દિવ્યા થોડી ખચકાઈ કે, તારા ઘરે ? અંજલિએ કહ્યું, ના, તારા ઘરે, તું એક વાર આવ તો ખરી, એ તને તારું જ ઘર લાગશે. દિવ્યા બોલવા જ જતી હતી કે, પણ...ત્યાં તો અંજલિ બોલી કે, હું કઈ નથી સાંભળવાની, મા એ કહ્યું છે. તારે આવવાનું જ છે, બસ...દિવ્યાએ માની વાતનું માન રાખ્યું અને આવવા સહમત થઈ.

બીજા જ દિવસે સવારે બંને બસમાં બેઠા અને નડિયાદ પહોંચી ગયા. અને વંશ બંનેને લેવા માટે ત્યાં પહોંચી ગયો હતો. અંજલીને જોઈને વંશ ગાંડો થઈ ગયો. અને વંશને જોઈને અંજલિ પણ તેના તરફ દોડી. દિવ્યાને થોડી નવાઈ લાગી. કદાચ, એણે એની જિંદગીમાં ભાઈ-બહેનનો પ્રેમ પહેલી વાર જોયો હતો. પછી વંશ અને દિવ્યાની આંખો મળી. બંને ઘડીભર સ્તબ્ધ થઇ ગયા. સમય જાણે ચોંટી ગયો અને નજરથી નજર એવી મળી જાણે નદી મળે સાગરને, બંને માટે આ કઈંક નવો અને વિચિત્ર અનુભવ હતો. ત્રણેય ઘરે પહોંચ્યા. અને જોયું તો હવેલીના દરવાજે બધા જ અંજલિ અને દિવ્યાના સ્વાગતમાં ઊભા હતા. માયાએ બંનેની આરતી ઉતારી. અને બધા અંદર ગયા. અંજલિએ બધાની ઓળખાણ દિવ્યા સાથે કરાવી.

દિવ્યાને પળેપળ નવાઈ લાગતી હતી કે, આ લોકો આરતી કેમ ઉતારે છે. અને અંજલિની આરતી નંદિનીની મા ઉતારે છે. અને આ બધા અંજલિને જોઈને રડે છે, કેમ ? દિવ્યાએ પરિવાર અને એનો પ્રેમ આજ સુધી ક્યારેય જોયો જ નહતો. અંજલિ અચાનક બોલી વેદભાઈ ક્યાં છે ? દાદાએ કહ્યું કે, કામથી સુરત ગયો છે તારો ભાઈ, હમણાં આવી જશે. ગીતા અને માયા એ નાસ્તો પરોસ્યો અને માયાએ અંજલિને એના હાથેથી ખવડાવ્યું. દિવ્યા આ બધુ જોતી હતી. દિવ્યાની આંખોમાં આંસુ આવી ગયા, કદાચ તે વિચારતી હતી કે, મારી મા હોત તો.... એટલામા ગીતા એની સામે આવી અને કહ્યું, શું થયું બેટા, માની યાદ આવી કે શું ? અંજલી બોલી, " મા, શું બોલે છે તું ? દિવ્યા અનાથ છે." દિવ્યા રડવા લાગી અને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી ગીતા એ કહ્યું, કોણ કહે છે કે, દિવ્યા અનાથ છે... આ એનો જ પરિવાર છે, અને એ મારી જ દીકરી છે....દિવ્યા ગીતાને વળગી પડી અને જિંદગીમાં પહેલીવાર પોતાના મોઢામાંથી 'મા' શબ્દ બોલી.

નાસ્તો કરીને નંદિની, અંજલિ અને દિવ્યા ત્રણેય નંદિનીના રૂમમાં ગયા. તેઓ એમની વાતોમાં મગ્ન હતા કે, ત્યાં વંશ આવ્યો. આવીને ચુપચાપ બેસી ગયો. હંમેશા ઉછળકૂદ કરતો વંશ આમ શાંત બેસે તો નવાઈ તો સૌને લાગવી જ જોઈએ. પણ અંજલિ અને નંદિની લગ્નમાં શું પહેરશે એ વાતમાં એટલા મશ્ગુલ હતા કે, એમણે વંશને સરખી રીતે જોયો પણ નહીં. પણ દિવ્યાની નજર વંશ પર જ અટકી હતી. અને કદાચ, વંશના શાંતપણાનું કારણ પણ દિવ્યા જ હતી.

અચાનક અંજલીને યાદ આવ્યું કે, એ નંદિની માટે અમદાવાદથી એક ચણિયાચોળી લાવી છે, એ બતાવા માટે અંજલિ નંદિનીને એના રૂમમાં લઈ ગઈ. અને વંશને કહીને ગઈ કે, ભાઈ હું હમણાં જ આવી. ત્યાં સુધી તમે દિવ્યા સાથે વાતો કરો.

ઘડીક બંને કશુય બોલ્યા નહીં. પછી વંશ એ શરૂઆત કરી, અંજલિ તો તમારા બહુ વખાણ કરતી હતી કે, મારી સખી આમ ને મારી સખી તેમ, પણ હવે ખબર પડી કે, અંજલિની સખીમાં તો કશુય નથી... દિવ્યા એ ઊંચું જોયું અને બોલી... મતલબ ?... વંશ બોલ્યો, ગાડીમાં પણ આખા રસ્તે સાથે હતા, અને અત્યારે પણ સામે બેઠી છે, પણ અમારી અંજલિની સખી તો બોલતી પણ નથી અને લાગે છે કે, એને હસતાં પણ નથી જ આવડતું. અને દિવ્યા હસી પડી. એ નાનકડી વાતથી બંનેના પ્રેમપ્રકરણની શરૂઆત થઈ. અને ઘરમાં લગ્નનો માહોલ પણ જાણે એમને મદદ કરવાનો જ હતો.

વેદ સુરતથી પાછો આવીને સૌ પ્રથમ અંજલીને મળ્યો. ત્યાં દિવ્યા પણ હતી. પહેલી જ નજરમાં વેદને જાણે દિવ્યા ગમી ગઈ. આજ સુધી ક્યારેય વેદ એ કોઈ છોકરીને આમ ટગરટગર નહતી નિહાળી.

નંદિનીના લગ્નના દરેક કામ અને જ્વાબદારીઓ દાદા અમરસિંહે વેદ અને વંશમાં વહેંચી. ડેકોરેશન અને રસોડાને લગતા કામ વંશને અને માલસામાન લાવવા તેમજ ખરીદીના કામ વેદને સોંપવામાં આવ્યા. અંજલિ આખો દિવસ નંદિની જોડે જ રહેતી, અને એના આણાની શોપિંગ અને પેકિંગ કરાવતી. દિવ્યા ક્યારેક સંગીત માટે સૌને ડાન્સ શીખવાડતી તો ક્યારેક રસોડામાં મીઠાઈઓ બનાવતી. ક્યારેક વેદને તો ક્યારેક વંશને મદદ કરતી.

આમ દિવ્યા અને વંશને સાથે ગાળવાનો સમય મળી જતો. વંશ તો એમ પણ નટખટ... દિવ્યા આસપાસ આવે ત્યારે ડેકોરેશનના ફૂલો દિવ્યા પર નાખતો, એ રસોડામાં હોય ત્યારે બિલાડી માફક ત્યાં જઈને એના ગાલે હળદર લગાવતો. દિવ્યા રંગોળી પૂરે તો ત્યાં જઈને પણ એને અડપલાં કરતો. આ બધુ દિવ્યાને પણ ગમતું. આમને આમ કરતાં બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા. એની તો એમને પણ જાણ ના થઈ.

હવે બંને રોજ રાતે બધા સૂઈ જાય પછી અગાશી પર મળતા. ક્યારેક તારા ગણતાં, ક્યારેક ચાંદો જોતાં, ક્યારેક આંગળિઓમાં આંગળીઓ તો ક્યારેક હાથમાં હાથ વીંટળાવતા. અને આવી ઘડીએ મીઠો વાયરો દિવ્યાના વાળ અને ઓઢણીને અડપલાં કરતો. અને વંશ આછી ચાંદનીની સાક્ષિએ દિવ્યાના વાળને ઉડતા અને એની ઓઢણીને સરકતા અટકાવતો.

અને બીજી તરફ દિવ્યા માયા અને ગીતા સહિત આખા પરિવારના દિલમાં રાજ કરવા લાગી. અને માયા અને ગીતા દિવ્યામાં એમના ઘરની વહું શોધવા લાગ્યા. મોટી વહુ... વેદની વહુ... ઘરના દરેક લોકો દિવ્યાને વેદ સાથે બહાર મોકલવા લાગ્યા.... બંને એકબીજા સામે શરમાળ રહેતા... પણ ઘરમાથી સોંપેલા કામ તો સાથે કરવા જ પડે ને... આ દરમિયાન વેદને પણ ખૂબ ગમતું. એ દિવ્યાની દરેક નજાકત, નિખાલસતા અને નખરાંને નિહાળતો. એને દિવ્યાની દરેક અદાથી માંડીને એના દરેક શબ્દો સાથે જાણે પ્રેમ થઈ ગયો હતો. અને એ વાતથી અજાણ દિવ્યા ફક્ત વંશના જ વિચારોમાં ડૂબેલી રહેતી હતી.

દિવ્યા વેદ સાથે કામથી બહાર ગઈ હોય ત્યારે વંશ મૂર્તિઓ બનાવતો. આ વખતે એ બહુ ખાસ મુર્તિ બનાવતો હતો.... દિવ્યાની દિવ્ય મુર્તિ...

એક દિવસ માયાએ વેદને પૂછ્યું કે, "નંદિનીના લગ્ન પછી તારા અને દિવ્યાના લગ્નની કંકોતરી છપાવડાઇ દઉં ? " વેદ શરમાઈને જતો રહ્યો અને માયાને જવાબ મળી ગયો. બધા મહેંદી મૂકાવતાં હતા ત્યારે અચાનક ગીતાએ દિવ્યાને પુછ્યું કે, " બેટા, મારા ઘરની લક્ષ્મી બનીશ ? મારા ઘરની વહુ બનીશ ? " દિવ્યાને લાગ્યું કે, બધા વંશ અને એના સંબંધ વિષે જાણી ગયા હશે. એણે પણ શરમાઈને હા પાડી. અને તરત માયા બોલી કે, દિવ્યાની મહેંદીમાં 'વી' જરૂર રચજો. બધા હસવા લાગ્યા, દિવ્યા શરમાતી રહી અને એના હાથમાં 'વી' પણ રચાઇ ગયો.

નંદિનીના લગ્ન થઈ ગયા. વિદાય પણ થઈ ગઈ. અને ઘરનું વાતાવરણ સૂનું થઈ ગયું હતું. ઘરમાથી દીકરીની ઝાંઝરી ખખળતી બંધ થાય અને દરવાજે એના હાથના થાપા જ માત્ર એની કમી સારતા હોય એ ઘડિએ ઘરમાં નવી વહુના પગલાં પાડવાનો ખ્યાલ માત્ર જ ઘરની દીવાલો પર ચમક પાછી લાવી શકશે. એમ વિચારીને માયા અને ગીતા એ દાદા અમરસિંહને વેદ અને દિવ્યા વિષે જણાવ્યુ. અને બધા ખુશ થઈ ગયા.

દાદા અમરસિંહે બધાને બોલાવીને દિવ્યાને પુછ્યું કે, " બેટા, ખરેખર તું મારા ઘરની વહુ બનીશ ? " વંશ અને દિવ્યાએ એકબીજાની સામે જોયું. અને દિવ્યાએ થોડું શરમાઈને નમણાશ ભરેલી હા પાડી. દાદા અમરસિંહએ એલાન કર્યું કે, "મારી હવેલીને દુલ્હનની જેમ શણગારો, આખુય રાજપરા ગામ જમાડો. મારા ઘરે લક્ષ્મી પધારશે. મારા વેદ અને દિવ્યાના લગ્ન તેડાશે."

અને આ સાંભળીને જ દિવ્યા અને વંશ એકબીજાની સામે સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. અને વેદ શરમાઈને ત્યાંથી જતો રહ્યો. દિવ્યા અને વંશ પણ કશુય ના બોલ્યા.

રોજની જેમ આજે રાતે પણ બંને અગાશી પર મળ્યા. લગભગ છેલ્લી વાર... દિવ્યાએ કહ્યું કે, "વંશ, હું તો અનાથ હતી, મને અહી આવીને બે માનો પ્રેમ મળ્યો છે. તારા દાદા, પિતા, બહેન બધાએ મને એટલો જ પ્રેમ આપ્યો છે, અને હવે મારા અને વેદના લગ્નના એમના આ સપનાને તોડવાની મારી હિમ્મત નથી ચાલતી. તું જ કહે વંશ, હું શું કરું ?" દિવ્યા અને વંશ બંનેની આંખોમાં વાદળાં ઉમટી આવ્યા હતા, જાણે હમણાં જ વરસી પડશે. પણ કોણ જાણે કોની શરમ એ પાંપણની અણી સુધી આવીને અટકી રહ્યા હતા. વંશએ દિવ્યાનો હાથ પકડ્યો, દિવ્યાના ચહેરાને એની હથેળીની બાથમાં ભર્યો અને એના માથે પ્રેમથી ચુંબન કર્યું. અને કહ્યું કે, "દિવ્યા, નાનપણથી જ દરેક વસ્તુમાં મને વેદભાઈથી વધારે જ ભાગ મળ્યો છે, મારી ભૂલોને હંમેશા એમણે ઢાંકી છે, મારા બદલે કેટલીય વાર એમણે માર પણ ખાધો છે, એમના ખભા પર બેસીને તો હું આખી હવેલીમાં ફરતો હતો. એમણે આજદિન સુધી ફરજો જ નિભાવી છે. અને બસ બધુ આપ્યું જ છે. આજે પહેલી વાર મને એમની ઈચ્છાને માન આપવાનો મોકો મળ્યો છે. અને હું આપીશ... એમની ઇચ્છા તું છે દિવ્યા, એમનું સપનું તું છે, એમની ખુશીઓ તું છે, તું મને વચન આપ દિવ્યા કે, તું મારા ભાઈને સદા ખુશ રાખીશ..." બંને એકબીજાને ભેટીને રડ્યા. અને બંનેએ પોતપોતાની જ્વાબદારીઓ અને નસીબને સેથી સિંદૂરને સ્વીકારે તેવી જ રીતે આવકાર્યા. આ હતી અગાશી પર એમની છેલ્લી મુલાકાત...

દિવ્યા અને વેદના લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. દિવ્યાના હાથમાં મહેંદીથી વેદના નામનો 'વી' રચાઇ ગયો હતો. અને બીજી બાજુ વંશએ દિવ્યાની દિવ્ય મુર્તિ બનાવી લીધી હતી.

આજે દિવ્યા અને વેદના લગ્ન હતા. દિવ્યા અને વેદ ચોરીમાં બેઠા હતા, અને વંશ એના રૂમમાં.... આજે દાદા અમરસિંહની હવેલીમાં એક નહીં પણ બે લગ્ન થઈ રહ્યા હતા. એક તરફ વેદ અને દિવ્યા સાત વચનોમાં બંધાઈ રહ્યા હતા, અને બીજી તરફ વંશ દિવ્યાની મુર્તિને વચન આપી રહ્યો હતો કે, "વંશ માત્ર ને માત્ર દિવ્યાનો જ છે, મારી જિંદગી અને હદયમાં બીજી કોઈ છોકરીને સ્થાન નહિ મળે." વચનોની આપ-લે બાદ, ચોરીમાં વેદ એ દિવ્યાની સેથીમાં સિંદુર પુરયું અને બીજી તરફ વંશએ દિવ્યાની દિવ્ય મુર્તિને પાનેતર ઓઢાડી એની સેથીમાં સિંદુર પુરયું. અને આમ આજથી વિધિ, રીત-રિવાજો, અને સિંદૂરના કહેવા મુજબ દિવ્યા વેદની અને વંશ દિવ્યાનો થઈ ગયો હતો.

લગ્ન પછીની એ પહેલી રાત હતી. વેદના શરમાળ સ્વભાવના કારણે એણે આજ સુધી દિવ્યા સાથે સરખી રીતે વાત જ નહતી કરી કદાચ એને એવો સમય આજે જ મળ્યો હતો. ઘણું વિચારીને રાખ્યુ હતું એણે, જે એને દિવ્યાને કહેવાનું હતું. થોડો ડરેલો, થોડો અસમંજસમાં ડૂબેલો અને બહુ જ ખુશ એવો એનો ચહેરો લઈને એ રૂમમાં ગયો. અને જોયું કે, દિવ્ય અપ્સરા એવી દિવ્યા એને મોહી જવા બેઠી હતી. એ રાતે દિવ્યાએ વેદને દરેક સુખ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. એણે એના શરીરનું સમર્પણ કર્યું હતું. પણ હજુય એના શરીરની સાત ચામડીના થર અને હાડકાં-માંસ વટાવીને હદયરૂપી ગોખલામા વંશ જ છુપાયેલો હતો. છતાય એણે એની આજની રાતની તમામ જ્વાબદારીઓ નિભાવી હતી. એક તરફ દિવ્યાનું પાનેતર ઉતરી રહ્યું હતું, અને બીજી તરફ વંશના રૂમમાં ખુલ્લી રહેલી બારીમાથી આવતા પવન દ્વારા ઉડતું મૂર્તિનું પાનેતર વંશએ પકડી રાખ્યું હતું.

બીજા દિવસે દિવ્યા અને વેદને અંબાજી દર્શન કરવા મોકલવામાં આવ્યા. અને અંજલીએ કહ્યું કે, ભાઈ, આબુ પણ નજીક જ છે, જતાં આવજો અને ઘરની ચિંતા ના કરતાં...આટલું કહીને અંજલિએ દિવ્યાને આંખ મારી.

વેદ ગાડી ચલાવતો હતો અને દિવ્યા બાજુની સીટ પર બેઠી હતી. અચાનક સામેથી એક ખટારા વાળો રોંગ સાઈડથી આવ્યો અને વેદની ગાડીને ભટકાયો. વેદએ ધક્કો મારીને દિવ્યાને ગાડીની બહાર ધકેલી અને ગાડી ખીણમાં પડી ગઈ. દિવ્યાને થોડું વાગ્યું. એણે જેમતેમ પોતાની જાતને સંભાળી અને ઊભી થઈ. એણે ઘણી બૂમો પાડી, પણ કોઈ મદદે ના આવ્યું. અને દૂરદૂર સુધી એને વેદ પણ ના દેખાયો. એણે વંશને ફોન કર્યો અને બધી વાત કહી.

થોડા કલાકમાં વંશ, દેવસિંહ, અને ગીતા ત્યાં પહોંચી ગયા. અને પોલીસ પણ ત્યાં આવી પહોંચી. પોલીસે ઘણું ખોળ્યું પણ, વેદ કે એની ગાડી નજરે ના પડી. પોલીસે કહ્યું કે, કદાચ, વેદ જીવિત નહિ હોય. અને આ સાંભળીને જ દિવ્યા અને ગીતા ત્યાં જ ભાંગી પડ્યા. જેમતેમ વંશ અને દેવસિંહ એ બંનેને ઘરે લઈને આવ્યા. અને સમાચાર મળતા જ આખા રાજપરા ગામમાં માતમ છવાઈ ગયું.

બીજી તરફ એક વૈદની છોકરી તળાવે કપડાં ધોવા જતી હતી અને એને રસ્તામાં વેદની ગાડી નજરે પડી. એણે નજીક જઈને જોયું તો અંદર બેહોશ હાલતમાં વેદ હતો. અને એના માથેથી લોહી વહેતું હતું. એણે જલ્દીથી વેદને બહાર કાઢ્યો અને એના ઘરે લઈ ગઈ. એ છોકરીના પિતા વૈદ હતા. એમણે વેદની દવા કરી. અને થોડા કલાકમાં વેદને ભાન આવ્યું. પણ વેદ એની યાદદાશ ભૂલી ગયો હતો.

એ છોકરીનું નામ હતું.... પુનમ...અને હતી પણ અસલ પૂનમના ચાંદ જેટલી ઊજળી, છવ્વીસની કમર અને કમર પર લપેટેલી પાતળી સાડી. જેમાં એના શરીરની દરેક રેખાઓ અને વળાંકો સ્પષ્ટ દેખાતા હતા. એની આંખોમાં તાજી જન્મેલી માછલી જેટલી ચમક હતી. અને જાણે ઝરણું ખખળતું હોય એમ હસ્તી.

પૂનમએ વેદની ઘણી સેવા કરી. એના શરીરના ઘાવ એણે એટલા પ્રેમથી ભર્યા કે, ચાર દિવસમાં તો વેદ સાજો થઈ ગયો. અને એ પછીના અઠવાડીયામાં વેદ અને પુનમ એકબીજાની ખાસ્સા એવા નજીક આવી ગયા હતા.

પૂનમના પિતા કામથી મોટાભાગે ઘરની બહાર જ રહેતા. અને એ દરમિયાન ઘરમાં બંને એકલા જ રહેતા. ક્યારેક બંને જંગલમાં લાકડા વીણવા સાથે જતાં, ક્યારેક તળાવે પાણી ભરવા, અને વેદ તો પૂનમના દરેક કામમાં એને મદદ પણ કરાવતો. તળાવની આસપાસની જગ્યા ઘણી મનમોહક હતી. બંને સાંજે ત્યાં જ સમય ગાળતા. રાત્રિના અંધારામાં ચાંદો પાણીમાં દેખાતો એ જોઈને પુનમ બહુ ખુશ થઈ જતી. પણ જ્યારે ચાંદો વાદળીઓમા લપાઈને અદ્રશ્ય થઈ જતો ત્યારે પુનમ ઉદાસ થઈ જતી. ત્યારે વેદ એના ગાલે ચુંબન કરતો અને પુનમ ફરી ખીલી ઉઠતી. આમને આમ પંદરેક દિવસો વીતી ગયા. દવાની અસરથી વેદને થોડું ઘણું યાદ આવવા લાગ્યું કે, એ રાજપરા ગામનો રાજકુમાર છે, અને દાદા અમરસિંહ એની રાહ જોતાં હશે.

બીજી બાજુ, વેદના મૃત્યુના સમાચાર સાંભળ્યાના બીજા જ દિવસે રાજપરા ગામની સ્ત્રીઓ હવેલી પર આવીને દિવ્યાને જેમતેમ બોલવા લાગી કે, "નાગણ છે તું, લગ્નના બીજા જ દિવસે તું તારા પતિને ડસી ગઈ. તું એકેય સંબંધોને સાચવી ના શકે, કદાચ એટ્લે જ ભગવાને તને અનાથ રાખી હશે. જે ઘરે તને આશરો આપ્યો એના જ ચિરાગને ખાઈ ગઈ ? અને હજુ માથામાં આ સિંદુર શેનું પુરયું છે? કાઢ એને... ઉતાર આ સિંદુર. તું લાયક જ નથી એને, સિંદૂરનું મુલ્ય જ નહિ સમજાય તને." ઘરમાં બધા માતમમાં હતા. કોઈએ એ મહિલાઓને ના રોકી અને તેઓ દિવ્યા સાથે જબરજસ્તી કરવા લાગ્યા. દિવ્યા એ કહ્યું કે, " નહિ ઉતારું હું આ સિંદુર, મારા પતિ જીવિત છે. એમનું મૃતદેહ નથી મળ્યું, હું માની જ ના શકું કે એ જીવિત નથી....એ જીવિત જ છે. મારો વિશ્વાસ કહે છે, મારો શ્વાસ કહે છે, મારૂ આ સિંદુર કહે છે કે એ જીવિત જ છે."

દિવ્યા બૂમો પાડતી રહી પણ એની વાત કોઈએ ના સાંભળી અને બધી મહિલાઓએ દિવ્યાની સેથીનું સિંદુર ભૂંસી નાખ્યું. દિવ્યા હવેલીના એક ખૂણામાં પત્થરનો ઢગલો થઈને બેસી રહી અને રડતી રહી. ઘરના તમામ લોકોને જાણે ગામની મહિલાઓની વાતમાં જ વિશ્વાસ હોય એમ એમણે દિવ્યાની સામે પણ ના જોયું. દિવ્યા બે દિવસ સુધી જમ્યા વગર ત્યાં જ પડી રહી. અને પછી વંશ ત્યાં આવ્યો. દિવ્યાની આ હાલત એનાથી જોઈ ના શકાઈ. વંશએ દાદા અમરસિંહને અને ઘરના તમામ લોકોને સમજાવ્યું કે, "આ જે થયું છે, એમાં દિવ્યાનો કોઈ જ વાંક નથી. અને દિવ્યા તો લગ્નના બીજા જ દિવસે વિધવા બની છે. એની જિંદગીનું તો જરા વિચારો. હવે કોણ એનો હાથ પકડશે. કોણ એનો સાથ આપશે ? પહેલા અનાથ હતી, હવે વિધવા છે. એના માટે તો એની આ જિંદગી જ નરક બની ગઈ છે. અને વેદભાઈની પહેલા એ આ ઘરની દીકરી છે, એ વાત ભૂલી ગયા તમે લોકો ? તમારી જ પસંદ છે એ, અને તમારા સંસ્કાર જ અત્યારે આ બધુ બોલી રહ્યા છે. હવે તમે સમજદાર છો. મારે કશુય નથી કહેવું. પણ દિવ્યાને આપણાં સૌની જરૂર છે. પછી તમારી મરજી ..." આ સાંભળીને દાદા થોડું વિચાર્યા પછી બોલ્યા કે, દિવ્યા ને ઘરની વહુ બનાવી ત્યારે મે એને વચન આપ્યું હતું કે, જે ખુશીઓ આજ સુધી તને નથી મળી, એ તને અમે આપીશું. દરેક પ્રેમ આપીશું. હવે એ વચન પૂરું કરવાનો સમય આવ્યો છે. આટલું કહી તેમણે વંશને પુછ્યું કે, " વંશ, તું મારી દીકરી દિવ્યાની સેથીમાં સિંદુર પુરીશ ? એને એ બધી ખુશીઓ આપીશ જેની એ હકદાર છે ?" વંશ એ કહ્યું, "જેવી તમારી ઇચ્છા, દાદા"

ખૂબ સાદાઈથી દિવ્યા અને વંશને લગ્નના બંધનોમાં બંધવામાં આવ્યા. વિધવા બનેલ દિવ્યાના હાથમાં ફરી એકવાર મહેંદીએ 'વી' રચ્યો...વંશનો 'વી'... ફરી એકવાર દિવ્યાની સેથીમાં સિંદુર પુરાયું. ફરી એકવાર ચાંદાની સાક્ષીએ ચુંબનો થયા. અને ફરી એકવાર રાત્રિના અંધકારે દિવ્યાનું પાનેતર ઉડયું. પણ આ વખતે વંશએ એને પકડી નહતું રાખ્યું. એને ઉડવા દીધું, એને સરકવા દીધું....

બીજી તરફ વેદ અને પુનમએ વૈદને એમના સંબંધ વિષે બધુ જણાવ્યુ. અને પૂનમના પિતાએ વેદ અને પુનમને પરણાવ્યા. એક ચપટી સિંદુર પૂનમની સેથીની શોભા બન્યું. અને વિદાય લઈને બંને રાજપરા આવવા નીકળી ગયા.

હવેલીના દરવાજે વેદને જોઈને સૌ નવાઈ પામ્યા અને ખુશ થયા. અચાનક વેદની નજર દિવ્યા પર પડી. અને તેને આછા દ્રશ્યો દેખાવા લાગ્યા. એને યાદ આવવા લાગ્યું કે, આ છોકરી સાથે એણે લગ્ન કર્યા હતા. પણ જો એની સાથે લગ્ન કર્યા હતા, તો પુનમ સાથે કેમ કર્યા ? મે તો બે છોકરીઓની જિંદગી બગાડી દીધી. આવા વિચારોનો ઉમળકો એ સહન ન કરી શક્યો અને તે ત્યાં જ ઢબી પડ્યો અને બેહોશ થઈ ગયો. એને રૂમમાં લઈ જવાયો. ડોક્ટર બોલાવ્યા. અને દવા અપાઈ. એ દરમિયાન પુનમએ બધાને વેદના એક્સિડંટથી માંડીને લગ્ન સુધીની તમામ વાતો કહી. વેદ ભાનમાં આવ્યો ત્યારે બધાએ એને શાંતિથી સમજાવ્યો કે, "ભૂલી જા જે થયું એ, પુનમ તારી વર્તમાન છે. એની સાથે નવી જિંદગી શરૂ કર. અને દિવ્યા અને વંશ પણ સાથે ખુશ છે. ભગવાનને ગમ્યું તે ખરું... પણ આમાં અમારા નસીબ ચમકી ગયા હો...નામ જેવા જ ગુણો ધરાવતી બે વહુઓ, બે લક્ષ્મીઓ ઘરમાં આવી છે. ભગવાન મહેરબાન થયા છે. "

વેદ અને પુનમને દરવાજે જ ઊભા રાખ્યા અને દિવ્યાને કહ્યું કે, "બેટા, જલ્દીથી પૂજાની થાળી લાવ અને તારી જેઠાણીની આરતી તું ઉતાર. "

દિવ્યા જલ્દીથી સીડીઓ ઊતરતી હતી. અને એની સાડી એના પગમાં આવી ગઈ અને એ પડી ગઈ. સીડીઓ લોહી લુહાણ થઈ ગઈ હતી. વંશ તરત દિવ્યાને ઉપાડીને દવાખાને લઈ ગયો. પરંતુ દિવ્યાને માથામાં વાગ્યું હોવાથી હેમરેજ થઈ ગયું હતું, અને એ ત્યાં જ મૃત્યુ પામી હતી.

હવેલીમાં બે વર્ષના માતમ પછી,...... વેદ અને પૂનમના ઘરે છોકરી જન્મી, જેનું નામ દિવ્યા રાખવામાં આવ્યું હતું.

દિવ્યાનું મૃત્યુ વંશને પાગલ કરી ગયું. આજે આ વાતને સાત વર્ષ વીતી ગયા. આજ સુધી વંશ એના રૂમની બહાર નીકળ્યો નથી. આજે પણ બારીમાથી આવતી ચાંદનીથી દિવ્યાની મુર્તિ ચમકે છે. આજે પણ બારીમાંથી આવતા પવનના કારણે મૂર્તિનું પાનેતર ઊડે છે. આજે પણ રોજ સવારે મૂર્તિની સેથીમાં સિંદુર પુરાય છે. અને વંશએ એક હાથ વડે પાનેતર પકડીને એને સરકતું અટકાવ્યું છે. અને એના બીજા હાથમાં સિંદૂરની ડબ્બી છે.

BY :- DARSHITA DANGRECHIYA