Balkani books and stories free download online pdf in Gujarati

બાલ્કની

‌આજે પણ રોજની જેમ અનંત સાથે ઝઘડો થયો. ઝઘડામાં પહેલા બંને તરફથી દલીલો થતી પણ હવે માત્ર એક તરફથી જ દલીલ થાય છે. એમની તરફથી. હું ચૂપ રહું છું. સાંભળ્યા કરું છું. ઘણું મન પર લેવા જેવું હોય એ નકારી કાઢું છું પણ છતાંય એ લીલાછમ ખેતરમાં ઉગેલા પાકની વચ્ચેના નક્કામાં ઘાસની જેમ નડે છે. એમનું બોલવાનું બંધ થાય એટલે તરત જ હું રૂમની બહાર નીકળીને બેઠકખંડની બાલ્કનીમાં આવીને ઊભી રહું છું. સામેના ફલેટની બાલ્કની સામે અન્યમનશ્કપણે જોઈ રહું છું. આજે હું બાલ્કનીમાં આવી ત્યારે સામેના ફલેટની એક બાલ્કનીમાં બે બાળકો રમતા હતા. એક બાલ્કનીમાં માત્ર એક ટુવાલ તાર પર સુકાતો હતો. ફલેટની નીચેથી એક કાળા રંગની કાર પસાર થઈ. સામેની ફલેટની બાજુના ફ્લેટના ત્રીજા માળે આવેલા એક ફલેટની બારીમાં નજર કરી તો રમીલાબેન રસોડામાં ગેસસ્ટવ સામે ઊભા રહીને રસોઈ બનાવતા હતા. હજુય એક બાલ્કની હતી ત્યાં નજર ગઈ જ્યાં આજે માત્ર ખાલીપો હતો. અમુક વર્ષો પહેલા હું ત્યાં રોજ ઊભી રહેતી ત્યારે આ બાલ્કનીમાં અનંત ઊભો રહેતો. કલાકો સુધી અમે આમ જ ઊભા રહેતા ત્યારે માત્ર આંખોથી અમારી વચ્ચે વાતો થતી અને બધું સમજાય જતું અને આજે ગમે એટલી બૂમો પાડીને મોઢામાંથી શબ્દો નીકળતા છતાંય એકબીજા સાથે સંવાદ ન થતો. માત્ર દલીલ અને ફરિયાદો થતી.

સુરજ ઉપર ચડતો હતો તેમ બાલ્કનીમાં તડકો આગળ વધીને બેઠકખંડમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો. તડકો વધતા હું બેઠકખંડમાં આવી અને રૂમની અંદર દાખલ થઈ. આખો રૂમ ખાલીપાથી ભરેલો હતો. જે બેડરૂમ અમારી મસ્તીભરી ચિચિયારીઓ અને પ્રેમની મીઠી વાતોથી ભરેલો રહેતો એ બેડરૂમ આજે કડવા શબ્દો અને બૂમબરાડાથી ભરેલો રહેતો. અમારા પ્રેમલગ્ન થયા હતા. બંનેના પરિવારે પણ સંકોચ વગર લગ્ન માટેની સંમતિ આપી હતી. લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં મહિનામાં એકાદ બે વાર મીઠો ઝઘડો થતો અને એકબીજા સામે અબોલા લેતા પણ હવે મહિનામાં એકાદ બે વાર માંડ મીઠી પ્રેમની કૃત્રિમ વાતો થતી એ પણ કોઈક મોટો ઝઘડો થયો હોય તેના પછીના સૂક્ષ્મ પસ્તાવારૂપે. કેટકેટલું બદલાય ચૂક્યું હતું લગ્ન પછીના પાંચ વર્ષમાં. રૂમની દીવાલોનો રંગ જેટલો ફિક્કો પડી ચુક્યો હતો એટલો જ સંબંધનો રંગ પણ ફિક્કો પડી ચુક્યો હતો. રૂમમાં રાખેલો ચળકતો અરીસો અમારી વચ્ચેના પ્રેમ અને નફરત બંનેનો સાક્ષી રહી ચુક્યો છે. એ અરીસો અમારા સંબંધોને નિખાલસ સ્વરૂપે રજૂ કરતો પણ હવે એની સામે જોવાની પણ તસ્દી બેમાંથી કોઈ લેતું નહીં. હવે એ અરીસાનો ઉપયોગ માત્ર તૈયાર થવા માટે થતો. જે બેડની સોડમાં એકબીજાને હૂંફ મળતી એ બેડ પરના બે આયામો પર હવે જિંદગી જીવાતી હતી. પ્રેમની ઝંખના હવે રહેતી નહીં. ઝંખના માત્ર રહેતી તો એટલી જ કે બંને વચ્ચે કોઈ વાત પર ઝઘડો ન થાય. હવે અમને બંનેને એકબીજાના પ્રેમ કરતા વધુ શાંતિની જરૂર રહેતી. મારા હાથની રસોઈ ન મળે તો અનંત આખો દિવસ ભૂખ્યો રહેતો એ જ અનંત આજે ઝઘડો થયા પછી મારા હાથની બનાવેલી રસોઈ જોઈને ધૃણાથી મોઢું ફેરવી લેતો. સમય સાથે પરિવર્તન આવે એ માણસ સ્વીકારી શકે છે પણ સંબંધોમાં આવતા કડવા બદલાવો માણસ ક્યારેક સ્વીકારી શકતો નથી.

આજે અનંત ઓફિસેથી ઘરે આવ્યો એટલે રોજની જેમ જ એના ચહેરા પર થાક અને તણાવ વર્તાતો હતો. નક્કી ઓફિસમાં કોઇક વાતને લઈને વિનાકારણે એમને કંઈક સહન કરવું પડ્યું હશે એટલું તો હું એમનો ચહેરો જોઈને આજે પણ સમજી શકતી હતી. પાણીનો ગ્લાસ લઈને હું એમની પાસે ગઈ. એક નજર મારી સામે કરી એમણે સામે જોયા વગર પાણીનો ગ્લાસ લીધો. હું એમની ઓફિસની ચિંતા અને તણાવ સમજી શકતી એટલે જ એમના દરેક વ્યવહારને પણ સહન કરી લેતી. હું હિંમત કરીને એમની પાસે ગઈ અને એમની બાજુના સોફા પર બેઠી. એમણે જાણે મને જોવા છતાં નકારી હોય એમ સોફા પર પાછળની તરફ માથું ટેકવીને આંખો બંધ કરી. હું જોતી રહી. હું બધું સમજતી એટલે જ હું ચૂપ રહેતી. એમનો ગુસ્સો મારી ઉપર વરસતો એ ક્યાંક બીજેથી આવ્યો હતો એ હું જાણતી હતું. એમને પણ મારા માટે પ્રેમ હતો પણ આજે જીવનમાં એવી પરિસ્થિતિ સર્જાય હતી કે એ પ્રેમ દરેક વખતે ઝઘડા પછીના પસ્તાવા સ્વરૂપે બહાર આવતો અને હું એ પ્રેમનો કોઈ ફરિયાદ વગર સ્વીકાર પણ કરી લેતી. મેં સ્વીકાર કરવાનું શીખી લીધું હતું. મનમાં આશા હતી કે એક દિવસ બધું જ સરખું થઈ જશે. બધું જ પહેલાની જેમ ધબકતું થઈ જશે પણ પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી ગઈ. હું પણ હવે વધુ સહન કરવાની હાલતમાં ન હતી. સબંધ હવે નહીં બચી શકે એનો અણસાર હવે આવી ચુક્યો હતો.

એકદિવસ ખૂબ મોટો ઝઘડો થયો અને કોઈ ઇમારત કોઈ જ અવાજ વગર માત્ર કડાકભૂસ થઈને જમીનદોસ્ત બને એમ આ સંબંધે પણ રૂંધાઈને એનો દમ તોડી દીધો અને એક ડાઇનિંગ ટેબલ પર અનંત માટે આ સંબંધના અંત વિષે એક પત્ર મૂકીને મારા પિયરમાં આવી ગઈ. મને વામણી આશા હતી કે અનંત આ સંબંધને બચાવવા કોઈક પ્રયત્ન કરશે પણ એવું કશું બન્યું નહીં. બંને વચ્ચેના સંબંધો વચ્ચે એટલું બધું અંતર આવી ચૂક્યું હતું કે હવે વધુ અંતરથી કોઈ ફરક પડે એમ ન હતું. જીવનના એક એવા પડાવ પર આવીને હું ઊભી હતી જ્યાં મારા માટે કઈ દિશામાં જવું એ માટેના વિકલ્પો જ ન હતા. જિંદગી જ્યાં ઢસડીને લઇ જાય ત્યાં જવાનું હતું. મેં અને અનંતે જોયેલા સપનાંઓની દુનિયા હજુ અકબંધ હતી કેમ કે એ સંબંધના ખતમ થવા સાથે યાદો અને સાથે જોયેલા સપનાઓનું જગત પુરા જોશથી મન મગજ ઉપર કબ્જો કરી લેતું.

દિવસો વીતતા જતા હતા પણ અનંતના પક્ષેથી કોઈ પ્રતિસાદ હજુ સુધી મળ્યો ન હતો. છેલ્લો સંવાદ માત્ર એ પત્રના સ્વરૂપમાં થયો હતો એ જ. હું ઘણી વાર બાલ્કનીમાં ઊભી રહીને અનંતના ફલેટની બાલ્કની તરફ નજર કરતી પણ એ સુમસામ જ નજરે પડતી. એકદિવસ ઢળતી સાંજે હું બાલ્કનીમાં આવીને ઊભી રહી. વાદળીયું આકાશ કેસરિયા રંગથી રંગેલું હતું. વરસાદ આવવવાની તૈયારીમાં જ હતો. વાતાવરણનો ઉકળાટ તો સહન થઈ શકતો પણ મનના ઉકળાટનું શું. ?. હું ક્યાંય સુધી અનંતના ઘરની બાલ્કની સામે જોતી ઊભી રહી પણ ત્યાં કોઈ દેખાતું ન હતું. ઝરમર વરસાદ ચાલુ થયો એ સાથે જ વાતાવરણનો ઉકળાટ ઓછો થવા માંડ્યો. હું ઘરમાં જવાની તૈયારી જ કરતી હતી કે અનંતના ફલેટની બાલ્કનીનું બારણું ખુલ્યું. અનંત બાલ્કનીમાં આવીને ઊભો રહ્યો. ચહેરા પર ઉદાસી હતી. એણે આકાશ તરફ નજર કરી અને અનાયાસે જ એની નજર મારા પર પડી. બીજી જ ક્ષણે એણે નજર ફેરવી લીધી અને મારી પણ એમની સામે જોવાની હિમ્મત ન ચાલી એટલે મેં પણ બીજી દિશામાં નજર ફેરવી લીધી. આમતેમ જોવાનો ડોળ કરતા મેં ફરી એ દિશામાં જોયું. અનંતે પણ સામે જોયું. આંખો મળી. મારી આંખો ભીની થઇ. એક આંસુ ઉભરાઈને પાંપણો પર આવીને થોભી ગયું. અનંતની આંખોમાં પણ આંસુ આવ્યા એ ધ્રુસકે ધ્રુસકે બાલ્કનીમાં જ રડી પડ્યો એના ધ્રુસકામાં જાણે અમારા અત્યાર સુધીના બધા જ ઝઘડાઓ અને દલીલોનો અગ્નિસંસ્કાર થવા માંડ્યો. હું દોડીને વરસતા વરસાદમાં મારા ઘર તરફ દોડી. ઘરનો દરવાજો ખુલ્લો હતો. હું દોડીને બાલ્કનીમાં પહોંચી અને ઘડીભર થંભી. અનંતે મારી સામે જોયું અને હું એને ભેટી પડી. વરસાદના અમી છાંટા અમારા પર વરસીને જાણે સળગતા સંબંધને ઠારી રહ્યા હતા.