Ghanth books and stories free download online pdf in Gujarati

ગાંઠ (Tumor)

ગાંઠ

શાંતિકાકા દિવાનખાનામાં હીંચકે ઝૂલી રહ્યાં છે. હીંચકો સીંગલ સીટર નેતરનો છે. તે સ્પ્રિંગના હુકમાં લટકી ઝૂલી રહ્યો છે અને શાંતિકાકાને ઝૂલાવી રહ્યો છે. તેમની સામે ટીપોય પર પથારો પાથરી શાંતિકાકી સોફા પર બેસી ઠાકોરજીનો હિંડોળો સજાવી રહ્યાં છે. શાંતિકાકાના ડાબા હાથ તરફ બિરાજમાન ટી. વી. નો ગણગણાટ ચાલું છે, પણ બંને જણ પોતપોતાનાં ખયાલોમાં ગૂંચવાયેલા છે. બંને જણ એકબીજાને સારીરીતે જાણે છે. લગ્નના સહવાસમાં પચાસ વરસ ખેંચી નાખ્યાં છે. તમે તો સાવ એવા છો. . તું સાવ એવી જ રહી…માં એમનું પ્રસન દાંમ્પત્ય જીવન મજબૂત રીતે સંકળાતું ગયું છે.

શાતિકાકાનો નિયમ બપોરની ચા પીને ઝભ્ભો પહેરી, દર્પણ સામે ઊભા રહી પોતાનો ચહેરો જોઈ લેવો. ક્યાંય પણ સફેદ વાળ ,આંખની ભ્રમર પર કે કાનની બૂટ પર કે નાકનાં પોલાણ પર જુએ તો બિલાડી જેવી તરાપ મારે વાળ પર અને ખેંચી લીધા પછી આંગળી અને અંગૂઠા ની પકડમાં લઈ જોયા કરે અને તીચકી મારી હવામાં ઊછાળી ફરી પાછો પોતાનો ચહેરો જોયા કરે અરીસામાં. પછી અવ્યવસ્થિત વાળને પોતાની જગાએ ગોઠવી કાળી ટોપી ફુલાવી માથે વ્યવસ્થિત ગોઠવી ધોતિયાની પાટલી સરખી કરી હાથમાં લાકડી લઈ ઠાકોરજીની છબીને નમન કરી રસોડાની રાણી શાંતિકાકીને લહેકાથી કહે કે જરી આંટો મારીને આવું અને જયશ્રી કૃષ્ણ કહી ઘરની બહાર નીકળી પડે. જવાબમાં શાન્તિકાકી કહે કે પાછા વે’લાં આવજો અને દરવાજો બંધ કરી શાંતિકાકી મંદિર જવાની પોતાની તૈયારી કરવા લાગે.

પણ આજનાં આ ક્રમમાં બંને જણ અકળામણ અનુભવી રહ્યાં હતાં. જેમતેમ સમય પાસ કર્યો અને બંને જણ એકબીજાને આશ્ચર્યથી જોઈ રહ્યાં. કારણ રોજનાં સમય કરતાં બંને જણ ઘરે વહેલાં પાછા આવી ગયાં હતાં.

શાંતિકાકા મનોમન વિચારી રહ્યાં હતાં કે શાન્તા વગર કારણે ના પૂછે કે ટ્યુમર એટલે શું? તેઓ હસી પડ્યાં, કારણ વરસો પછી પત્નીએ કશું ક પૂછ્યું હતું. અરે સાંભળો છો કે ટ્યુમર એટલે શું? સવારે મંદિરથી ઘરે આવીને સાડલો બદલે એ પહેલાં જ પૂછ્યું. રોજિંદો કાર્યક્રમ આ પ્રમાણે હોય - બહારથી આવી કપડાં બદલવાના, શાકની થેલી શાંતિભાઈને આપવાની, તેઓ રાહ જોતા જ બેઠા હોય શાક સમારવા માટે. ચૂપચાપ ચા આવી જાય, વાસણોનાં ખડખડાટ વચ્ચે રસોડું ટહુકી ઊઠે, અને ઠાકોરજીને જગાડવા ઘંટડી રણકી ઊઠે, તીણા સ્વરમાં પ્રભુ કિર્તન પાયલનાં ઝંકારની જેમ રણકી ઊઠે. શાંતિકાકા આ સમય દરમ્યાન મોં પર મૌનની પટ્ટી મારી દે! છાપું વાંચતા કે શાક સમારતાં પત્નીનું સૌંદર્ય ચોરીછૂપીથી જોઈ લે પણ ખરા! અને પકડાઈ જાય તો બંને જણ મનોમન મલકાઈ પણ ઊઠે જાણે કશી ખબર નથી !

શાંતિકાકા હીંચકે ઝૂલતાં પત્ની કશું પૂછે એની રાહ જોઈ રહ્યાં છે. કારણ તેઓ જાણે છે. પત્નીનો અવળચંડો જવાબ!. જ્યારે જ્યારે કંઈ પૂછ્યું છે જવાબ સીધો ન હોય. જ્યારે પત્ની કશું પૂછે ત્યારે દસવાર વિચારે જવાબ આપતાં. ભૂલમાં પણ મજાક ન કરે. અર્થનો અનર્થ કરતાં વાર ન લાગે અને અઠવાડિયાં સુધી મ્હેણાં સાંભળવાના તે અલગ! માટે તેમનો જબાબ સીધો,સરળ, સમજાય તેવો આપે.

“ બાર કલાક પસાર થઈ ગયાં. શાંતિએ ટ્યુમર શબ્દનો અર્થ શા માટે પૂછ્યો? કારણ વગર તો ના પૂછે જ. જરૂર કંઈક તો નવા જૂની હશે જ. જવાબ જાણીને ચૂપ છે. એ ચૂપ છે અને મારા હૈયે દાવાનળ ઉકળી રહ્યો છે. ” મનોમન પોતાની જાત સાથે વાર્તાલાપ કરી રહ્યાં હતાં. તેમની આંખો ધેરાવા લાગી હતી. આ બાજુ શાન્તાબેન મગનું નામ મરી પાડી રહ્યાં ન હતાં. રાતની નીંદર વેરી ના બને એટલે કમને, ડરતાં ડરતાં પૂછ્યું કે પેલી વાત કરી હતી તેનું શું હતું.

“ કશું નહીં. તમને કહીને કોઈ જ અરથ નથી. ”

“ પણ વગર કારણ તો ન પૂછ્યું હોય ને?”

“ મારે જાણવું હતું તે જાણી લીધું. ”

“ સરસ. ના કહેવું હોય તો તમારી મરજી. પણ મારી નીંદર તે બગાડી. ” કહી ઝૂલા પર થી ઊભા થયા. રસોડામાં જઈ

પાણી પી શયનકક્ષ તરફ જઈ રહ્યાં હતાં, ત્યાં શાન્તિબેને કહ્યું,

“ જરા સાંભળીને જાવ. તમારી નીંદર બગડશે તો મને સુવા નહીં દો” કહી મંદ મંદ શાંતિબેન હસવા લાગ્યાં. ભાવતું’ તું ને વૈધ્યે કહ્યું. શાંતિકાકા ઝૂલા પર બેઠાં. શાંતિકાકીએ ઠાકોરજીની માળા બનાવી ને બાજુ પર મુકીને કહ્યું કે સુરાભિને માથામાં ટુમર છે. ડોકટરે હાથ હેઠાં મૂકી દીધાં છે. બે દિવસ પછી ઓપરેશન છે. જીવે તો ઠીક છે. પણ તમારે ક્યાં સબંઘ છે માજણ્યા ભાઇ જોડે. મુંબઈ શહેર તો ઠીક પણ બહાર ગામથી સૌ ઉમટી પડ્યાં છે જોવાને, અને તમે ખોબા જેવડા ગામમાં હીંચકા પર ઝૂલ્યા કરો છો. જરા અમથા કજિયા માં લાગણીને તમે તો બાળી નાખી છે. જ્યારથી આ સાંભળ્યું છે ઊંધ મારી વેરણ બની ગઇ છે. ”

“ જો મને ખોટો બદનામ ના કર. આ બધું તારા લીધે થયેલું. ભાગલા પડયાં ત્યારે તને ઓછું પડેલું અને કજિયો તે ઊભો કર્યો હતો. મારા કાન ભંભેરી મારી ખોપરી ખાલી કરી નાખી હતી. અને હવે દોષનો ટોપલો મારા માથે નાખી આધિ ખસી જાય છે. ?”

“ અરે અમે તો બૈરાંની જાત. ઝઘડી એ ને પછી ભેગા પણ થઈએ. પણ તમે તો ઝઘડી ને પાણી પીવાનું હરામ કરી હૈયા ના સબંઘ બાળી જ નાંખી બેઠાં છો ઘર ની કોટડીમાં!”

“ ઠીક છે. બહુ શિખામણ ના આપ. બહુ લાગણી હતી તો તારે સબંઘ રાખવા હતાને!”

“ એ અક્કલ ભગવાને આપી હોત તો આ દિવસો ના આવત મારા. મને આવી દશા થાત એની ખબર હોત તો મેં આગ લગાવી જ ન હોત. હજી પણ મોડું થયું નથી. ભગવાન વહાલા હોય તો વિચાર બદલો ને જીવન સુધારો. ”

“ બહુ પ્રેમ ઉભરાઈ જતો હોય તો તું જઈ આવ. આ જનમે ત્યાં પગ મુકે એ બીજા” કહી તે શયન કક્ષ તરફ જવા લાગ્યાં. . ત્યાં શાન્તાકાકી એ કહ્યું,” કેવા પથ્થર દિલ છો તમે કે જે છોડી સગા બાપ કરતાં તમને વહાલ કરતાં થાકતી ન હતી તે મરવાનાં ઊંબરે પડી છે છતાં તમે જડ ની જેમ વર્તી રહ્યાં છો. . ”કહી પાલાવનાં છેડાથી આંસુ લૂછયાં. પણ આ આંસુ જોવા તે ત્યાં ન હતાં.

શાંતિકાકીને એમ કે તેઓ સૂઇ ગયાં હશે. પણ તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ બારી ખોલી આકાશ માં પથરાયેલી ચાંદની જોઈ રહયાં હતાં. મંદ મંદ પવનની લહેર આસોપાલવના તોરણ ની જેમ લહેરથી લહેરાતી હતી. પણ શાંતિકાકી કશું બોલ્યા વગર રોજની આદત મુજબ માળા ફેરવી પથારીમાં સૂઇ ગયાં. શાંતિકાકા વિચારોનાં ટલ્લે ચઢી ગયા હતા. વીસ વરસની સુરભી તેમની આંખો સામે ધીરે ધીરે ધીમે ધીમે બાર દિવસ ની થઇ તેમના બે હાથમાં રમવા લાગી ત્યારે તેમની આંખમાંથી આંસુ મોતી ના બુંદ ની જેમ ટપકવા લાગ્યાં. પોતાને સંતાન ન હતું. નાનાભાઈ સુમનની પત્નીએ બેબીનો જન્મ આપ્યાના સમાચાર સાંભળ્યાં ત્યારે બઘું કામ પડતું મૂકીને હોસ્પિટલ પહોંચી ગયાં હતા. દીકરી અવતરી એ ખુશી માં પેંડા વેચ્યાં હતાં. ઘણીવાર કહેતાં કે સુરભીએ એમનાં જીવનમાં લીલોતરી પાથરી દીધી છે. ઘરથી ઓફીસ ને ઓફીસથી ઘરની મંજીલનો મારગ બદલાઈ ગયો હતો. દરરોજ સાંજે તેઓ પત્ની અને સુરભી સાથે બહાર આંટો મારવા જાય ને જાય. નીરસ વાતાવરણ ની જગ્યાએ ઘરમાં કલરવ છવાઈ ગયો. જે દિવસે સુરભી એ શાંતિકાકાને બાપુજી કહ્યું તે સાંભળી તેઓ રીતસર હરખથી રડી પડેલાં. સુરભીનાં પગલાંથી ખંડેર જેવા ઘરમાં ખુશીઓની જાહોજલાલી છવાઈ ગઈ હતી. કોઈ ને કોઈ બહાનું ઘરમાં પ્રસંગ ની ઉજવણી કરવા શાંતિ ભાઈ શોઘી કાઢતા. સુમન અને તેની પત્ની નયના પણ મોટાભાઈને આંનદ મય જોઈ ખુશ થયા કરતાં. પછી તો કોઈ પણ નાનીમોટી વાત કે અડચણ હોય તો સુરભી શાંતિભાઈ પાસે જતી. બાપુજી શબ્દ સુરભીના મુખેથી સાંભળી શાંતિભાઈને શેર શેર લોહી ચડતું. વાતમાં ને વાતમાં તેઓ એ કહી નાખ્યું હતું કે સુરભી નું કન્યાદાન તો તે જ કરશે. સ્વપ્ને પણ તેઓએ ધાર્યું ન્હોતું કે તેઓએ જોયેલાં સ્વપ્નો વરાળ થઈને ઉડી જશે નાની અમથી વાતમાં. મા ના કહેવાથી ભાગલા પડયાં. અને તારું મારું તારું મારું , ઓછુ વતું ની બૈરાંની કચકચમાં બોલાચાલી થઈ અને એક દીવાલ ચણાઈ ગઈ. મારે કંઈ ના જોઇએ કહી શાંતિ કાકા પહેરેલે કપડે પત્નીને લઈને નીકળી પડયાં ગામને રસ્તે. મા બિચારી મરી ગઈ સમજાવતાં સમજાવતાં. પણ શાંતિ કાકાએ જીદ ના છોડી. સુરભીનો વિરહ અંદર ને અંદર બરફની જેમ બાળી રહ્યો હતો અને પોતે બળી રહયાં હતા. જયારે સુરભી એમને મળવા આવી ત્યારે તેને હડધૂત કરી નાખેલી. રડતી રડતી પાછી ફરેલી પણ પથ્થરદિલ શાંતિ કાકાને કોઈ અસર ના થયેલી. પણ તેઓ પોતે જાણતાં હતાં કે સુરભી પોતાની નબળાઇ છે. માટે એનાથી દૂર રહેવું જરુરી છે. સુરભી નો જ્યારે જ્યારે ફોન આવતો ત્યારે આંખો મીંચી સૂવા નો ડોળ કરી સાંભળવાનો પ્રયાસ કરતાં. ખિસ્સાંમાં રાખેલો સુરભી ની તસ્વીર ચોરીછુપીથી જોઈ લેતા,અને રડી પણ લેતાં. સુરભી નાં જન્મદિવસે ગાયને માટે લાપસી બનાવડાવી લઈ જતાં ગૌશાળાએ . શાંતિકાકી ચૂપચાપ કરી પણ દેતાં. પણ એક પણ પ્રશ્ન ના પુછતાં. જાણે કશી ખબર જ નથી!

ટ્યુમર એટલે ગાંઠ અને પાછી માથાની તે જીવલેણ હોય તે વાત તેઓ સારી રીતે જાણતાં હતાં. તો સુરભી ખરેખર નહીં બચે? પોતાની જાતને વારવાર પૂછી રહ્યાં હતા. અને ઘબાક કરતાં ગાદી પર એવી રીતે બેઠા કે શાંતા બેન જાગી ઉઠ્યાં. શું થયું એમ પુછયુ ત્યારે તેઓ એટલું જ બોલ્યા કે “કશું નહિં. ”

“ તો ક્યારનાં જાગો છો કેમ?”

“ ઊંધ નથી આવતી. ”

“ ઠીક છે. પણ મને નિરાંતે સૂવા દો. ”

રેશમનાં કીડાની જેમ શાંતિ કાકા પોતાની જાળમાં ફસાઈ ગયાં હતાં. ઓશીકે માથું ટેકવી, માથે ઓઢી સુવાનો પ્રયત્ન કર્યો. સુરભી નાં ખયાલો માંથી છુટવા મરણિયો પ્રયાસ કર્યા. ભગવાન યાદ આવ્યાં. જયશ્રી કૃષ્ણ નો જાપ કરવા લાગ્યાં. પણ આતો છેલછબીલો કાનુડો. સુરભી ને સાથે લાવ્યો. આંખો ભારે થવા લાગી. સ્વપલોકમાં સરી પડયાં. સુરભી તેમની જોડે રમવા લાગી. રમતાં રમતાં રિસાઇ ગઇ. જાવ તમારી કટ્ટી કઈ દોડવા લાગી. એની પાછળ પાછળ શાંતિ કાકા દોડવા લાગ્યાં. સામેથી એક ગાડી આવી. એક પળમાં આંખ સામે લોહીલુહાણ હાલતમાં તડફવા લાગી. હોસ્પિટલમાં ટોળું જામ્યું. ઓપરેશન થિયેટર માંથી ડોક્ટર બહાર આવ્યાં. એક ક્ષણ મૌન ઊભાં રહયાં. ધીમેથી કહયું , “ સ્યોરી . ” અને શાંતિકાકા બરાડી ઉઠયાં, “ ના, ના, ના. . આ ના બને. . એના વગર ના જીવાશે મારાથી. ” કહી પોક મૂકી. અને એમની આંખો ખૂલી ગઇ. આજુબાજુ જોવા લાગ્યાં. શાંતિ કાકી ના દેખાયા. લાઈટના ઝગમગાટ વચ્ચે અંદર ના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો, તે બન્ધ થઇ ગયો. શાંતિ કાકી દોડતા આવ્યાં અને પુછયુ , “ શું થ્યું, બૂમ કેમ પાડી?”

“ ભયંકર, ભયાનક. . સ્વપ્ન જોયું. . સુરભી. ચાલી ગઇ દુનિયા છોડીને. ” કહી રોવા લાગ્યાં. આ સાંભળી શાંતિ કાકી હસી પડયાં અને કહયું કે શમણાં માંથી નીકળી બહાર રૂમમાં આવો અને જૂઓ તો ખરાં કે કોણ આવ્યું છે કહી તેમને ઊભાં કર્યા. પરાણે બહાર આવ્યાં. અને બોલી ઉઠયાં, “ બેટા, સુરભી તું!” કહી વળગી પડયાં. શાંતિ કાકી એ પાણી આપીને કહયું કે જરા ગેરસમજ થઈ ગઈ. ટ્યુમર તો કાંતિ ભાઈનાં છોકરા સુમનની છોકરી નું નામ પણ સુરભી છે તેને થઈ છે.

“ઓહ આવી ગેરસમજ?”

“જે વરસો પહેલાં તમે કરી હતી તે મારથી થઇ ગઈ “

“ ઠીક છે . પણ બેટા, તું આમ એકાએક ઘરમાં બધું ઠીક તો છેને?”

“ બાપુજી, એક પ્રોબ્લેમ થયો છે?”

“ શો”. સુરભીએ શરમાંતાં શાંતિ કાકી ને કહયું, “ તમે જ કહોને”

“ વાત એમ છે કે તમારી દીકરીએ જે છોકરો પસન્દ કર્યોં છે તે તમારા ભઈને પસન્દ નથી”

“ કેમ?”

“ બીજી કોમનો છે”

“ ઓહ, બાકી બઘુ બરાબર છે ને?”

“હા” સુરભી એ શરમાંતાં કહ્યું.

“ ચલો આજે જ મુંબઈ જઈએ. એક ગાંઠ ખોલી હવે બીજી ખોલવા. ”

“એટલે?”

“ એટલે તારા પપ્પાને સમજાવા તો પડે ને…”

“ અને ગાંઠ એટલે?”“ તને નહીં સમજાય. ચાલો તૈયારી કરો મુંબઈ જવાની. ” કહી શાંતિ કાકા જોઈ રહયાં શાંતિ કાકીને!

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.