Tribhete books and stories free download online pdf in Gujarati

ત્રિભેટે

ત્રિભેટે

પશ્વિમના આકાશમાં સંગેમરમરી સંધ્યા ખીલી ઊઠી હતી. ક્ષિતિજ નજીકના આકાશના આંગણામાં કરોડો કેસરિયા પુષ્પો ખીલ્યા હોય એવું લાગી રહ્યું હતું.

સૂરજ આથમવાને હજી ક્ષણોની વાર હતી. તેમ છતાંય એમ લાગતું હતું જાણે સૂર્યોદય થવા જઈ રહ્યો છે. આવી મનમોહક તથા નશીલી સાંજની મોજ માણવા સારું અમર અને અરૂણ એમના એક વર્ષના બાળક સાથે નિર્ણયનરથી અખબારનગર નજીક આવેલી ખુલ્લા ખેતર જેવી જગ્યાએ આવી પહોચ્યા. સામેના માર્ગ પર વાહનોની અડાબીડ ભીડ ધસારા સાથે આમથી તેમ પૂરપાટે દોડી રહી હતી. ચારેકોર વાહનોનો અવાજ અને ઘોંઘાટ કાને પડ્યું કંઈ જ સંભળાવા નહોતો જ દેતો.

એ વખતે અમર અને અરૂણા આકાશની રંગીન નીરવતાને મન ભરીને માણી રહ્યાં હતાં.

અમર અને અરૂણાને સંધ્યા ખૂબ જ ગમતી હતી. તેમ છતાંય દરરોજ આથમતા સૂરજને નિહાળવાની ટેવ તો નહોતી જ ! પરંતું ક્યારેક નવરાશની પળોમાં એ બંને એમના અતીતની યાદી સ્વરૂપે સંધ્યાને મન ભરીને માણવાનો સુઅવસર ઝડપી લેતા હતાં. અતીતની યાદ એટલે કે ત્રણ વર્ષ પહેલા જ એ બેયના લગ્ન સંધ્યાની આવી મોહક પળોમાં જ થયા હતાં. એક તરફ ક્ષિતિજમાં પેલો સૂરજીયો ડૂંબું-ડૂંબું થઈ રહ્યો હતો જ્યારે બીજી પા અવની પર આ બંને એકમેકમાં સમાઈ જવા માટે સૂર્યોદય સમી પ્રભુતામાં પગલા પાડી રહ્યાં હતાં. લગ્નવેળાની એવી આ સંધ્યાની યાદમાં ક્યારેક- ક્યારેક આ બંને એમની એ લગ્નવેળાની પળને માણવા આવી જતાં હતાં.

અંધારાના કાળાઘોર ઓળાઓ અવની પર ઉતરી આવતા હતાં. આમેય શહેરમાં તો કુદરત કરતાંય વહેલી સાંજ ઉતરી આવે છે. આકાશમાં સિતારાઓ ઊગી ગયા છે કે કેમ એ તો નહોશું જાણી શકાતું પણ જો કોઈ ત્રણ-ચાર માળની ઈમારતની અગાશી પરથી નીચે જોયું હોય તો ચોક્કસ એવું લાગે જાણે સિતારાઓ આકાશ છોડીને શહેર પર/અવની પર ઊતરી આવ્યા ન હોય!અંધારું ધીમે-ધીમે વધવા માંડ્યું હતું,પણ તેનો અહેસાસ નહોતો થતો.

કાલે રવિવાર હતો. એટલે એ બેયને ઘેર જવાની કોઈ જ ઉતાવળ નહોતી. તેમ છતાંય નાના બાળકની ખાતર એ બંને ત્યાથી અખબાર નગરની ચોકડી આગળ આવવા નીકળ્યા. ત્યાં આવીને એમણે આઈસ્ક્રીમની દુકાને બેઠક જમાવી.

એવામાં એક અજીબ ઘટના સર્જાઈ!

અમર અને અરૂણા એમની મીઠી મધુરી વાતોમાં મશગુલ હતાં. નાનો બાળક આઈસ્ક્રીમની મજા માણી રહ્યો હતો. એ જ પળે 'હાય ડિયર અમર!આઈ લવ યુ!' કહેતાંકને એક યુવતી ત્યાં આવીને ઊભી રહી ગઈ! સૌંદર્યની દેવી એ સ્વર્ગની અપ્સરાસમી લાગી રહી હતી.

એનો મધુરો મોહક સ્વર, અદાઓ, ચડિયાતું અને શરીરસૌષ્ઠવ હતું. મિસ વલ્ડ વખતની એશ્વર્યાનેય શરમાવે એવી લાવણ્યમયી એનામાં સુંદરતા હતી. આજની કેટરીનાને ટક્કર મારે એવી એની લવચીક અને લોભામણી અદાઓ હતી. વાળ અને વાળની સ્ટાઇલ તો એવી કે અનેક યુવાનોને એકસામટા દિવાનાઓ એને જોઇને ગાંડા ગાંડા થઇ જાય. આંખોમાં ગજબની રોનક હતી. ચહેરામાં ગજબની ખુમારી હતી. અને હોઠો ઉપર સંગેમરમરી લાલીમાં હતી. એની ચાલ તો એવી કે એને ચાલતા જોઇને મુંબઈ જેવું ધમધમતું શહેર પણ ઘડી ભર તો થોભી જાય! કુદરતે એનામાં શકુન્તલા જેવી સુંદરતા, ઉર્વર્શી જેવી કમનીયતા, મેનકા અને રંભા જેવી મોહકતા તથા દિવ્યતા ઠાંસી ઠાંસી ને ભરી હતી.

દુનિયાના ઇતિહાસની ,વર્તમાનની અને ભાવિની શ્રેષ્ઠ સુંદરતા, મોહકતા, માદકતા, રોનકતા અને અપ્રતિમ દિવ્યતા એનામાં ભરેલી હતી. એને જોઇને એમજ લાગે કે જાણે શાક્ષાત અપ્સરા ! કદાચ કુદરતે એને સર્જવામાં ભૂલ કરી હશે!

આવી રૂપરૂપના અંબારસમી અજાણી યુવતીને જોઈને અરૂણા એકટસ તેને તાકી જ રહી. એવામાં 'હાય ડિયર,સ્વીટી અંજુ!' કહીને અમર તેને પોતાની ભુજાઓમાં લઈને ભેટી પડ્યો!ના તો એને આસપાસના લોકોનો સંકોચ હતો કે ના પોતાની પત્નીનો. કારણ કે એના ભેટવામાં નિખાલસભરી નરી નિર્દોષતા હતી. અંજુથી છૂટા થયા બાદ એણે અરૂણાને મીઠું ચુંબન આપ્યું.

એકમેકથી સાવ છૂટા પડ્યા બાદ લગભગ ત્રણેક સાલ બાદ આમ અચાનક મળ્યા હોવાથી અમર અને અંજુની આંખોમાં,હોઠોમાં,દિલમાં અને ધડકનમાં ખુશી નહોતી સમાતી!

વિયોગમાં સુકાઈને સાવ કોકડું વળીને સૂતેલ ભવ્ય ભૂતકાળ લીલીછમ્મ જહોજલાલી બનીને એમની આંખ સામે નાચી રહ્યો હતો.

જીવનસંગી બનીને જીવનભર સાથે રહેવાનું શક્ય નહોતું ત્યારે સુંદર સમાધાન કરતી વેળાએ અંજુએ અમરને કહ્યું હતું:'અમર ! મને ખબર છે કે પ્રેમ અને પ્રેમીને છોડવા મુશ્કેલ હોય છે. પણ પ્રણયની મંઝીલ એ નથી કે બે જણાએ જીવનભર સાથે જ રહેવું! પ્રેમની ખરી સફળતા એમાં જ છે કે એકમેકને કંઈ ન પામ્યાનો વસવસો ન હોય. અને આપણે એક ભરપૂર જીવન માણ્યું છે. હવે આપણે જીવનસંગી નહી બનીએ તો પણ અફસોસ કરવા જેવું કશું બચ્યું નથી. સમર્પણ જ પ્રેમની તાકાત અને મીઠી મંઝીલ છે. આપણાથી આપણે ખુદ અને માવતર સાથે સંબંધીઓ ખુશ રહે એ જ પ્રણયની આખરી અને સલામત મંઝીલ છે. તું માને તો સારુ રહેશે. '

અને અમર અંજુની વાતોને ગજવે કરીને અરૂણાને હેમખેમ પરણી ગયો હતો.

એવા જ એક સમયે અંજુ શાદી શુદા બનીને પરીની માફક પરદેશ ઉપડી ગઈ હતી. ને ત્યાં જઈને વતનના ભવ્ય વિયોગે હૈયું રોજ બાળતી હતી. વિદેશની ઝાકમઝાળ ભરેલી જહોજલાલી વતનની સાવ ગરીબી આગળ પણ એને પાંગળી લાગતી હતી. વતન આવવાના ઘણાય હવાતિયા માર્ય કિન્તું નસીબ જોગે ત્રણ સાલ સુધી વતનનો વહાલ ન મળ્યો. એવામાં એક સમય આવ્યો અને એ વતનને વહાલી થઈ. સાથે બીજા જ દિવસે એના પ્રાણસમાં પ્રેમી અમરની બાહોમાં થઈ!

એક સમયના દિલફાડ પ્રેમીઓ કે જેઓ એકમેકને મુશળધાર પ્રેમ કરતા હતાં. એ મળેલા બે જીવ જ્યારે સાવ વિખુટા પડ્યા બાદ મળ્યા હતાં ત્યારે એમની અપાર ખુશી સાતમું આસમાન અને પાંચમું પાતાળ ભેદીને ક્યાંયની ક્યાંય પહોચી ગઈ હતી!

મહોબ્બતની મિલનમાં જબરી તાકાત છે. એમાં હજારો ચુંબક સમી તાકાત રહેલી છે. આવી મધુરી મુલાકાત સ્વર્ગનેય વીસરાવી દે એવી હોય છે. એટલે જ તો પ્રેમીઓ મુલાકાત માટે આટલા બેબાકળા હોય છે!

'માય ડિયર એન્ડ લવલી વાઈફ અરૂણા,ધીસ ઈઝ માય પાસ્ટ લવર અંજુ!'અંજુ તરફ ઈશારો કરતા અમર બોલ્યો. એટલે અરૂણા પણ અંજુને ભેટી!પોતાના એક વર્ષના ખિલખિલાટ કરતા બાળકને ઊંચકીને અમરે ઊમેર્યું:'અંજુ,ધીસ ઈઝ માય લવલી સન!' અને આમ કહેતા જ એણે એ પુત્રને અંજુને ખોળે કર્યો.

પતિ-પત્ની અને પ્રેમિકાનું પ્રેમાળ જોડુ એકમેકમાં એવું ઓળઘોળ બની ગયું કે જાણે એક નાનકડો પ્રેમાળ પરિવાર!

એક સાથે ચાર જીવ એકમેકમાં એમ ભળી ગયા છતાંય કોઈના મનમાં કોઈના પ્રત્યે દ્વેશ નહી કે નહી ઈર્ષ્યા!

આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની મીઠી મીજબાની મનભરીને માણ્યા બાદ અમરે એમના અલૌકિક અતીતના પટારાની ગાંઠ ખોલવા માંડી.

પુત્રને અંજુના હાથમાંથી લેતાં એ બોલ્યો:'અરૂણા,જ્યારે આપણે એકબીજાને કલ્પ્યા સુધ્ધા નહોતાં ત્યારે અમે એટલે કે 'હું અને અંજુ' એકબીજાને નખશિશ જાણી ચૂક્યા હતાં. અમે એકમેકના ગળાની ગાંઠ અને જીગરના ટૂકડા હતાં. આંખોના અમી અને શમણાઓના સૌદાગર હતાં. માત્ર અમારા ખોળિયા ભિન્ન હતાં પણ પ્રાણ એક હતાં. અમારી મહોબ્બત અને મુલાકાત જોનારને ભયંકર ઈર્ષ્યા કરાવી જતી હતી. '

'અરૂણા,કોલેજકાળ દરમિયાન અમારી મિત્રતામાં મહોબ્બતની મોસમ ખીલી અને અમે ખુશખુશાલ બનીને પ્રણયના વાદે ચડ્યા. અને એવા ચડ્યા કે હજુ સુધી પડ્યા જ નથી. હજીયે યાદોના આકાશમાં મેઘધનુષ બનીને આનંદથી વિહરીએ છીએ. આ મારા પ્રિય શહેર અમદાવાદનું જાહરે અને ખાનગી એકેય એવું સ્થળ નહી હોય જ્યાં અમે હેતથી આનંદના ઉમળકા લઈને મળ્યા ન હોઈએ!'અંજુની આનંદથી છલકાઈ ઉઠેલી આંખોમાં આંખ ભેરવીને અમર બોલ્યો જતો હતો ને અરૂણા નિખાસલતાથી છલકતા અમરના મલકાતા વદનને તાકી અને માણી રહી હતી.

પોતાના પ્રાણ પ્રિય પતિ અને એ પતિના પ્રેમાળ પ્રિયજનને આમ એકસાથે જ પોતાની નજરો સામે જ મળતાં અને ખીલતાં જોઈને એ મનોમન બહું જ હરખાઈ રહી હતી.

'અરૂણા,આજ લગી અમને બેયને એકબીજાને છોડ્યાનો કોઈ જ વસવસો નથી. અમારા બેયના સુંદર શમણાઓને અમે ફળીભૂત કરી જ લીધા છે. બસ,એક જ આખરી ખ્વાહીશ હતી:જીંદગીભર એકમેકના સામિપ્યમાં રહેવાની! કિન્તું વિધિને શાયદ આ મંજુર નહોતું. અને અમે હરખાતાં-હરખાતાં સુંદર સમાધાન કરી લીધું હતું. આખરે મે હસતા વદને એ સમયના મારા આ અમરને અમર આશિષ આપીને તારા તરફની વાટે વળાવી દીધો હતો. ' અરૂણાની પડખે જ બેઠેલી અંજુ આમ બોલી રહી હતી ત્યારે એની સોનેરી આંખોમાં ઊભરાયેલ આંસુમાં સહસ્ત્ર દીવડાઓ ઝળહળાં-ઝળહળાં થતાં હતાં.

અતીતના બે પ્યારા પારેવાઓેએ ફરીથી પ્યાર બનીને પોતાના ભવ્ય ભૂતકાળને ખૂબ સંભાર્યો-વાગોળ્યો. અરૂણા હરખાતાં અને મલકાતાં ચહેરે એ બધું સાંભળી રહી હતી. જેમ-જેમ અંધારું વધતું જતું હતું એમ એમ એમના અતીતની રોશની પ્રકાશી રહી હતી.

રાતના નવ વાગવા આવ્યા હતાં. પણ અમદાવાદના ઝળહળતાં મારગ પરના વાહનોના અવરજવરથી એમ ભાસતું હતું જાણે પ્હોં ફાટવાદી તૈયારી થઈ રહી છે!

અચાનકની મધુરી મુલાકાતથી મસ્ત બનીને મલકાઈ ઊઠેલા ત્રણેય જણ ખુશ થયા. પછી અત્યાગ્રહથી અરૂણા અંજુને પોતાના ઘેર લઈ આવી. બંનેએ મળીને સુંદર રસોઈ બનાવી. ચારેય જણા ભેગા બેસીને જમ્યા.

બીજા દિવસે આઠ વાગ્યાના સુમારે અમર અને અરૂણાએ ભારે હૈયે પુન:મળવાના વાયદા સાથે અંજુને વિદાય કરી.

ઘડીકવારમાં તો અંજુ ઊગતા સૂરજના તેજ અજવાળામાં ઓગળી ગઈ!

-અશ્ક રેશમિયા. . . !!!