Aasude chitarya gagan 26 books and stories free download online pdf in Gujarati

આંસુડે ચીતર્યા ગગન ૨૬

આંસુડે ચિતર્યા ગગન

(26)

‘ખરેખર ?’

‘હા ’

‘તો વ્યક્ત કર ને …!’

‘શું ?’

‘આભારનો ભાર – ’

‘કેવી રીતે ?’

‘ગાંડો રાજ્જા મારો ! -’ હેતથી અર્ચના અંશને ચૂમી લે છે.

‘અર્ચી ! થેન્કસ…’

‘શેને માટે’ ‘ પપ્પી માટે ’

‘તું મને થેન્ક્સ કહે એ થેન્ક્સનાં ફરી હું તને થેન્ક્સ કહું પછી એ થેન્ક્સના પર્વતો આપણા હૃદય પરથી ઉતારીને થોડુંક આપણે આપણા માટે જીવીશું ?’

‘આપણે આપણા માટે જ જીવવું છે પણ અર્ચી આ બધા ઝંઝાવાતો… હું એકલો કેમ સહી શકત ?’

‘કયા ઝંઝાવાતો ?’

‘શેષભાઈનું ન હોવું અંશીતાનું ન હોવું – એમની અમાનત બિંદુભાભીને જાળવતા – હું તો ખલાસ થઈ ગયો. મારી પાસે મારા માટે મારું જીવવાનું તો કશું રહ્યું જ નથી. ’

‘લોકો બીજાને માટે જીવતા હોય છે. પોતાને માટે તો પશુપક્ષીઓ જીવે છે. આપણે માણસ છીએ. થોડુંક આપણે માટે તો થોડુંક બીજાને માટે જીવી લઈએ.’

અંશની છાતીમાં માથું નાખી પંદર મિનિટ સુધી અર્ચના મૌન શ્વસતી રહી – તેના માથામાં અંશ હાથ ફેરવતો રહ્યો – અચાનક અર્ચના ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અંશ એની વ્યથા સમજી શકતો હતો. અર્ચના રડી શકતી હતી. – પણ અંશને એનું હૈયું સાથ નહોતું આપતું. એ રડી નહોતો શકતો.. એમના મિલનને આડે આવતા વિઘ્નોને તેઓ દૂર કરતા હતા – પણ એ વણઝાર અટકતી નહોતી. વિઘ્નો દૂર કરવાની ગતિવિધીમાં થોડોક જે થાક લાગતો હતો તે એકમેકની હૂંફમાં થોડુંક શ્વસીને રડીને દૂર કરતા – પણ હજી ક્યાંય છેડો દેખાતો નથી – બિંદુભાભી સાજા થાય કે શેષભાઈના કંઈક સમાચાર આવે તો આ વિઘ્ન દૂર થઈ શકે તેમ છે.

દિગ્મૂઢ શો અંશ અર્ચીને પંપાળતો રહ્યો – એના દર્દને પીતો રહ્યો.

***

અર્ચના જોઈ શકતી હતી કે બિંદુની સારવાર દરમ્યાન અંશ ખૂબ ભાવુક બની જતો હતો. શેષભાઈ અને અંશીતા બંનેનું દૂર જવું એ બિંદુને પાગલ બનાવવા માટે પૂરતા કારણ હતા. અને એ જલ્દી સાજા થાય કે શેષભાઈ પાછા આવે તો જ એમને માથે ચાલતી આ પનોતીનો અંત આવે. એણે ત્રીસ વર્ષ પૂરા કરવા જ રહ્યા…

ઓગણત્રીસમું ચાલી રહ્યું હતું. ટપાલમાં પેલી ડૉક્ટરની કેસ હિસ્ટ્રી આવી.

નજમાની મા એટલે કે આસમા અને એનો પતિ રફીક એ ત્રણ જણ વચ્ચેના તાણાવાણા હતા. આ મુસ્લિમ કુટુંબમાં રફીક તેના કાકાનો દીકરો હતો. રફીકનો ભાઈ સાદીક આસ્માના આક્રમણનો ભોગ બની ચૂક્યો હતો. જે રીકવરી આવ્યા પછી આપઘાત કરી ચૂકી હતી. ગાંડપણમાં સાદીકને રફીક માની બેસી કામુક આક્રમણ કરે છે. સાદીક આસ્માને ઝંઝોરી નાખીને પાછી કાઢવા મથે છે. સેક્સનું ગાંડપણ અટકતું નથી અને તે તોફાનમાં સાદીકને બૂરી રીતે ઘાયલ કરે છે. ડૉક્ટરનું સૂચન એવું હતું કે એ ગાંડપણ દરમ્યાન થયેલ સંભોગથી ગર્ભાધાન રહે છે જેને કારણે એને માતૃત્વ મળવાનું છે એવો ખ્યાલ આવે છે ત્યારે રફીકની ગેરહાજરીમાં પોતે શું કરી બેઠી વાળી વાત એને સાદીકની પત્નીએ કરી – સાજી થયેલ આસ્મા એ વાતનો પસ્તાવો આત્મહત્યાના રૂપે કરી ગઈ. પેપરનું નિષ્કર્ષ એક જ હતું આ ગાંડપણ દૂર કરવાની એક રીત એ પણ છે કે જે કારણે એ ગાંડપણ આવ્યું હતું તે કારણ દૂર કરી નાખો તો રીકવરી આવી શકે છે.

આ પેપર અંશને આપવું કે નહીં તે દ્વિધા હતી. આ કેસની પૂર્વ હિસ્ટ્રી અને પછીના પરિણામો નકામા હતા.

અંશ અત્યારે ડીસ્પેન્સરી પર હશે. બિંદુની પાસે એને જવાની ઇચ્છા થઈ આવી. પછી લાઇબ્રેરી તરફ તેના પગ વળી ગયા.

તે વિચારતો હતો કે બિંદુને કયા ગુનાની સજા મળી છે તે જ સમજાતું નથી – શેષભાઈ જીવતા હશે તેવું પણ અંશની જેમ તે માની શકતી નહોતી. એક એવી કેદીની જેમ બિંદુ જીવતી હતી કે જ્યાં અફાટ રણમાં એકલી અટૂલી કોઈપણ કિનારો ન દેખાય તેવી ધ્યેયહીન, અર્થહીન જિંદગી જીવતી હતી. મગજની અસ્થિરતાએ એના પતિ વિશે વિચારવાનું ભૂલાવી દીધું હતું. અને એની ઢીંગલી એની અંશીતા હતી – તે દિવસે અંશીતાને દૂધ પિવડાવવાની ચેષ્ટા કરી ત્યારે ખરેખર આંખમાં ઝળહળિયા આવી ગયા.

એને ક્યાં ખબર હતી કે ઢીંગલીને ભૂખ લાગે છે. એને નવડાવતી, ખવડાવતી, રમાડતી કપડા પહેરાવતી અને એની સાથે વાતો કરતી – એને ઘોડિયામાં નાખીને લોરી ગાતી બિંદુ એક કોયડો હતી. સગપણ અને દર્દી એમ બે સંબંધો બાંધી બિંદુને સાજી કરવા અર્ચના પ્રયત્નશીલ બની હતી.

રોજ સાંજે સૂતી વખતે ઊંઘની ગોળીઓ આપવાનો પ્રયોગ ઘાતક છે. એને એ ગોળીઓથી એડીક્ટ થઈ જશે તેવી ભીતિ લાગતી હતી. પણ એ ઉપાય હમણાં પ્રાથમિક સારવાર જેવો હતો.

ગાંડપણનો આ એવો તબક્કો છે જ્યાં ઈલેક્ટ્રીક શોક ટ્રીટમેન્ટ આપવા જેટલું કે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવવા જેવું ગાંડપણ નથી. પરંતુ તેને અપાતા ટોનીક કે દવાઓની પણ અસર થતી નથી. એને જરૂરી બંને વસ્તુઓ એટલે કે સંતાન અને પતિ તે ક્યાંયથી લાવી શકે તેમ નથી.

ડૉક્ટરોની પીડા અસહાય અવસ્થામાં ખાસ વધી જતી હોય છે. કેન્સરનો દર્દી સાજો નથી કરી શકવાના અને એ મરે ત્યાં સુધી એ સાજો થઈ જશે તેવી ખોટી વાતો કર્યા કરવાની અથવા તો નિ:સહાય હાલતમાં તેને ધીમે ધીમે ખલાસ થતો જોયા કરવાનો એ ખરેખર પીડાદાયક છે ડૉક્ટર એ મર્યાદાને તોડી નથી શકતો તે વાતનું દુ:ખ હોય છે. આ દુ:ખ અર્ચનાને કોરતું હતું. પોતે સાઈકીયાટ્રીસ્ટ હોવા છતાં બિંદુ માટે શ્રેષ્ઠ ઉપચાર શોધી નથી શકતી.

વિચારોનાં તાણાવાણાઓમાં તે લાઇબ્રેરી ક્યારે પહોંચી ગઈ તેને ખબર સુધ્ધાં ના પડી. આસ્માનાં પેપરના કનેક્શનમાં બીજા પેપર શોધવા માંડી.

***

શેષ અને રાવજી દિલ્હીમાં રાવજીના ઘરે બેઠા હતા. રાવજીના મનમાં હજી શેષની વાત ઊતરતી નહોતી. શેષનો ગુપ્તવાસ કેવી રીતે ઉપયોગી થઈ પડશે તે સમજાતું નહોતું.

‘તારી જેમ ઇચ્છા છે તેમ હું ગોઠવી દઈશ. પણ તું ભૂલ કરે છે તેવું મને લાગે છે. ’

‘આફ્રિકાથી મીનાનો આ જ પત્ર હતો ને ? ’

‘હા . પણ અહીં તારી ત્યાં જરૂર છે. એ ગાંડી છે. – ’

‘પણ ગાંડીને સાજી કરવા હૂંફ આપી શકીશ – અને સારી થયા પછી ફરીથી મારી પાસેથી અંશી માગશે હું ક્યાંથી આપી શકીશ ?’

‘તારી દવા ચાલુ રખાવ. ક્યારેક તો તેનો અંત આવશે. ’

‘ચાન્સ જો લેવાનો હોય તો – આ જ ચાન્સ લેવા જેવો છે. ’

‘ભલે , તારી મરજી – અનસુયાબહેનને આ બધી વાત કરવાને બદલે એટલું જ કહી દઉં ને કે શેષનો મિત્ર સહેગલ આવે છે. ’

‘હા . કદાચ પગાર ગયા પછી અંશ તને મળવા માંગશે. ’

‘હું જરૂર મળીશ. ’

‘પણ એ ઓળખી જશે તો… ?’

‘એ નહીં ઓળખી શકે તેટલી તકેદારી રાખીશ. ’

‘ભલે. ’

‘મીના જે પરીક્ષા મારી લે છે તે પરીક્ષામાં બિંદુભાભી ને તું ધકેલે છે.. અર્ચનાના ભોગે. ’

‘ના, ભોગ તો અંશ અને અર્ચના બંનેનો લઉં છું. ’

‘પણ હું તો માનું છું કે કશું જ નહીં થાય. ’

‘તેં તારી ધારણાને ખોટી પાડવા હું મથતો નથી – હું તો એક નાનકડી શક્યતાને અજમાવવા નીકળ્યો છું. હમારે ભાઈ લોગ હૈ ના ?’ વાળી ઘટનાને જન્માવવા પ્રયત્ન કરું છું. બિંદુનું ગાંડપણ જો આશીર્વાદરૂપ બની જાય તો… ’

‘મીના અને બિંદુનો તફાવત તને કદાચ શક્યતા લેવા પ્રેરે છે. પણ મને એ ઠીક નથી લાગતું. ’

તે દિવસે રાત્રે હું અને અર્ચના ઘરે આવ્યા. હું ચશ્મા ડિસ્પેન્સરી ઉપર ભૂલીને આવ્યો હતો.પરંતુ તે ખ્યાલ જ્યારે આવ્યો ત્યારે ખૂબ મોડો પડી ગયો હતો. બિંદુ મને જોઈને એકદમ દોડી – મારા કપડા ફાડવા માંડી મારી છાતીમાં મુઠ્ઠીઓ મારવા માંડી. બબડવા માંડી – ‘ક્યાં જતા રહ્યા તમે ? નિષ્ઠુર ? મને એકલી રઝળાવીને ? મેં તમને કઈ વાતનું દુ:ખ દીધું હતું ? કઈ વાતનું ઓછું આવવા દીધું હતું તે આમ મને અધવચ્ચે રઝળાવીને ચાલ્યા ગયા ?’

‘પણ બિંદુ ! હું શેષ નથી – અંશ છું. અંશ ! અર્ચના પણ થોડીક હેબતાઈ ગઈ. આનું મગજ અંશને શેષ કેવી રીતે માની બેઠું ?’

રડતી રડતી બિંદુ અંશને બાઝી પાડી. અંશ બહુ ઓકવર્ડ પરિસ્થિતિમાં હતો. અર્ચનાની હાજરીમાં બિંદુનું આ વલણ એ સમજી શકતો નહોતો.

અર્ચના જોઈ શકતી હતી કે બિંદુનાં મન ઉપર દુ:ખ અને સુખનું સંમિશ્રિત વાદળ છવાયેલું હતું. કેટલાય વર્ષો પછીની તપશ્ચર્યાને અંતે જાણે ભગવાન પાછા મળ્યા હોય તેમ તે અંશને વળગી પડી હતી. આ ભગવાન પાછા ન જતા રહે તેવા ઝનૂનથી એને પકડી રાખ્યો હતો.

અર્ચના સામે હું જોતો હતો – ડૉક્ટર અર્ચના મારી સામે જોઈ રહી – ‘અંશ તારામાં શેષભાઈમાં દેખાવમાં ફક્ત ચશ્માંનો ફેર હતો – તે અચાનક દૂર થઈ ગયો. તારી નાનકડી ભૂલ અને આ મારી પેશન્ટ સાથેની છ મહિનાની વધુ સારવાર લંબાઈ ગઈ તને દૂરથી જોયો અને મગજની નસો તંગ થઈ ગઈ. મારી હાજરી પણ ન પારખી શકી. ’

ઘેનનું ઇંજેક્શન આપીને સુવડાવ્યા બાદ ડૉક્ટર અર્ચના – અર્ચના બની ગઈ.

‘અંશ !’

‘હં.’

‘બિંદુભાભી બહુ ક્રીટીકલ સ્ટેજમાં આવી ગયા છે. હું માનતી હતી કે ગાંડપણમાં તે પોતાના પતિને ભૂલી ગયા છે. પણ આજે તને ચશ્માં વિના જોયા બાદ કરેલ હરકતોથી અને એની આ બેહોશીથી એને ભૂલાયેલો પતિ યાદ આવી ગયો છે. કદાચ તને હવે અંશભાઈ તરીકે ભૂલી જશે. ’

‘એ તો ચશ્માં પહેર્યા વિના ગયો હતો તેથી… ?’

‘પણ હવે એનું મગજ તને શેષભાઈ તરીકે જ જોશે. તને અંશભાઈ તરીકે ઓળખશે પણ નહીં .’

‘તો ?’

‘બિંદુભાભીની રીકવરી અથવા તો સંપૂર્ણ ગાંડપણ બે રસ્તાઓની વચ્ચે આપણે છીએ. એનું મગજ હવે આપણા કંટ્રોલમાં છે. તેને સાજી કરવી હશે તો તારે શેષભાઈ બનવાનું નાટક કરવું પડશે. એને સત્ય કહેવાથી તેણે પાગલખાનામાં જવું પડશે. ’

‘ફરીથી કંઈ કોમ્પ્લીકેશન્સ નહીં થાય ને ? ’

‘કેવા કોમ્પ્લીકેશન્સ ? આ આખો કેસ જ કોમ્પ્લીકેટેડ છે. દોરાની ગૂંચ કેવી દોરાનો એક છેડો પકડીને રીતે ઉકેલાય ખબર છે ને… એક દોરો પકડીને જ્યાં જ્યાં ગૂંચવાતો હોય ત્યાં ત્યાં ઉકેલતા જવાનું એના જેવું છે. દોરાનો છેડો મળ્યો છે, એને ધીમે ધીમે ઉકેલતા જઈશું. ’

‘ભલે ’

‘અંશ બિંદુભાભીની સારવામાં સંવેદનશીલ થઈ જવાય તે ડૉક્ટર તરીકે નબળી નિશાની છે. પણ કોણ જાણે કેમ પેલું ગરીબ છોકરું એની એકની એક ઢીંગલીને જાળવી રાખવા જે જતન કરે છે તેવું જતન આપણે કરીએ છીએ કે નહીં ? ’

‘હા , અને એ ન હોય તો ખરેખર આપણે ગરીબ જ છીએ ને. ’

‘અને એક વધુ વાત – એમને પ્રમાણમાં જ મળજે.’

‘કેમ ?’

‘શેષભાઈ એમની સાથે જે વર્તન કરતા હતા તે તારે પણ કરવું પડશે. ’

‘એટલે ?’

‘ગાંડા માણસને એ જે કારણે ગાંડું થયું હતું તે ગાંડપણ દૂર કરવાનું કારણ દૂર થઈ જાય તો શક્ય છે કે તેઓ સાજા પણ થઈ જાય. ’

‘શેષભાઈ તો એમની ઉપેક્ષા કરતા હતા. ’

‘હા, પણ તું ઉપેક્ષા નહીં કરતો – અને જરૂર કરતા વધુ લાગણીશીલ પણ નહીં બનતો.’ડોક્ટર અર્ચનાએ બતાવેલી લાલ બત્તી અંશ સમજી ગયો.

‘ભલે…’