Gramoday books and stories free download online pdf in Gujarati

ગ્રામોદય

ગ્રામોદય

સવારના સમયે સૂંરજદાદા જાણે ધરતીને નવી સોનેરી પ્રભાતની શુભકામના આપી રહ્યા છે, આ વર્ષે કુદરતે પોતાની તમામ કૃપા ખરા દિલથી વરસાવી હોવાથી ધરતીનો હરખ સમાતો ન હતો, અને કુદરતની કૃપાથી ખુશખુશાલ ધરતી જાણે લીલો ઘાઘરો અને માથે સૂરજની આભા રૂપી કેસરી ઓઢણી ઓઢી નવોઢાની માફક સજીધજીને બેસી હોય તેવું લાગી રહ્યું હતું, પંખીઓનો મીઠો કલરવ વાતાવરણને જીવંત બનાવી રહ્યો હતો, આસો મહિનાના ઠંડા પવનની લહેરખીથી રામપૂર ગામની સીમમાં અનેરી શિતળતા અને શાંતિનો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ ગામની અંદરની પરિસ્થિતિ કંઈક અલગ જ હતી ગામમાં ઠેર –ઠેર કચરાના ઢગલા જોવા મળતા, જેમાંથી ગંદી વાસ આવતી અને બીજી તરફ ગામનાં લોકોને થતા અત્યાચારની દુર્ગંધ, લોકોને પીવાના સ્વચ્છ પાણી માટે પણ લાંબી કતારમાં ઉભા રહેવું પડતું, આખા ગામમાં કયાંય પાકી સડક પણ નહોતી, જેની પાસે થોડી –ઘણી જમીન હતી તેવા થોડાઘણા ઘરોને બાદ કરતા, બાકીના લોકો પાસે ન તો રહેવા માટે વ્યવસ્થિત પાકું મકાન હતું કે ન તો કોઈ વ્યવસાય, ગામના મોટાભાગના સ્ત્રી – પુરુષો બાજુના તાલુકામાં મજૂરીએ જતા.

પંદરેક હજારની વસ્તી ધરાવતા ગામમાં લગભગ એસી ટકા કોળીનાં ખોરડા છે, ગામના સરપંચ ભાણજીનું ખોરડું સૌથી મોટું અને ઉડીને આંખે વળગે તેવું છે, પણ મન ગંધાતા પાણીના ખાબોચિયા જેવું છીછરું, પ્રૌઢાવસ્થાએ પહોંચેલ ભાણજીનો ઊચો કદાવર બાંધો, ધનુંષની કમાન જેવી મૂછો અને કરડાકી ભરેલો ચહેરો જોઈ રામપૂર ગામનો ભાગ્યે જ કોઈ મર્દ સામે થવાની હિંમત કરતો, .ભાણજીના બોલ આખરી ગણાતા, ભાણજી ઘરના ફળિયામાં ખાટલો ઢાળી કંઈક વિચારતો આરામથી હુક્કામાથી ધુમાડો કાઢી રહ્યો છે, ત્યાં ભાણજીનો ખાસ મિત્ર વિરજી દોડતો આવ્યો અને હાંફળો – ફાંફળો જ બોલ્યો,

“ભાણજીભા ગઝબ થઇ ગ્યો, કરસન પાંસાની સોકરી રામલી બાઝુંના ગામના કણબીના સોકરા હારે ભાગી ગઈ.”

“તને કીમ ખબર?”

“આખાય ગામમાં વાવડ ફરેસ.”

“વાવડ હાસા હોય તો ગામમાં હાદ પડાવી દે, આઝને આઝ પંસાયત ભેગી કરવાનું કહી દે, કરસન પાંસા અને ઇના ઘરવાળાને ખાસ હાઝર રહેવાનું કહી દેઝે .”

“ઝી ભાણજીભા, હવે હું રઝા લઉં સુ.”

વિરજીએ સાદ પડાવ્યો, ઢોલ વગાડતા – વગાડતા વિરજી અને તેનો સહયોગી ગામની ગલીએ – ગલીએ ફરતા ગામના ચોરે આવી પહોચ્યાં.

ગામના પાંચ – સાત જુવાનિયાઓ ચોરે ભેગા થઇ કંઈક ચર્ચા કરી રહ્યા હતા, સાદ સાંભળીને મોહનથી રહેવાયું નહી,

“આમ આઝ અસાનક પંસાયત હુકામ?”

“ઈ ભાળ લેવી હોય તો બપોરી વેળા પંસાયતમાં હાઝર રેઝો” આમ કહી વિરજી અને તેનો મિત્ર જતા રહ્યા.

“આઝે બપોરી વેળા પંસાયતમાં બધાએ જવાનું સે”.મોહને મિત્રો સામે જોઈને કહ્યું.

“ઝાવું તો પડશે જ, ભાળ પણ મળશે ભાણજીભા કીવી રમત રમેશ.” જશું બોલ્યો

મોહન અને બીજા બે - ત્રણ જુવાનિયાં બાજુના તાલુકાની કોલેજમાંથી ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરી આવ્યા હતા, મોહન ગામનો આશાસ્પદ, બહાદૂર અને તરવરાટ ધરાવતો યુવાન હતો, પચ્ચીસેક વર્ષના ફૂટડા મોહનની કાયા ખેતરની માટી સાથે રમીને ભટ્ઠીમાં તપાવેલી ઈંટની માફક મજબૂત બની ગઈ હતી, મોહન અને તેના મિત્રોના મનમાં સરપંચની જોહૂકમી માટે ભારોભાર રોષ જોવા મળતો, ગામમાં ચાલતી દરેક ઘટનાની ચર્ચા આ મિત્રો કરતા .

બપોરના ત્રણ વાગ્યાનાં સમયે ઘરની બહારના ભાગમાં ભાણજી સરપંચ ખાટલો ઢાળી કોઈ મહારાજાની અદાથી બેઠો છે, વિરજી અને પંચાયતના બીજા સભ્યો આજુબાજુ બેઠા છે, સામેની બાજુએ લગભગ બસો – ત્રણસો જેટલા ગ્રામ્યજનો ડરામણા લાચાર ચહેરા સાથે બેઠા છે, ગામલોકો સાથે મોહન તેનાં મિત્ર – મંડળ સાથે બેઠો છે, એટલામાં જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, તે કરસન પાંચા અને તેની ઘરવાળી જાણે કોઈ મોટા ગુનેગાર હોય તેવા ભય સાથે આવ્યા કે ભાણજી સરપંચ અને બધાય ગ્રામ્યજનોની પ્રશ્નાર્થભરી નજર એ તરફ મંડાઈ, કેટલાક લોકો અંદરોઅંદર ઘુસપુસ કરવા લાગ્યા.

કરસન અને તેની ઘરવાળી ભારે ગ્લાની સાથે એક બાજુ પર બેઠા.

આખરે સભાનું મૌંન તોડતા ભાણજી સરપંચે તેના ઘાટા કઠોર અવાજે બોલવાની શરૂઆત કરી.

“ગામના વડીલો, માતાઓ, બહેનો .... આઝ બેઠક બુલાવવાનું કારણ તમી ઝાણો સો, આપણી નાતના રિવાઝ પરમાણે કોળીની નાતની સોકરી કે સોકરો બીજી નાતમાં નાતરું કરે કે લગન કરે તો ઈને નાતમાંથી બહાર મેલવામાં આવે, અને પસ્સી હઝારનો દંડ નાતમાં દેવો પડે.”

ગ્રામ્યજનોમાં સન્નાટો વ્યાપી ગયો.

“કીમ વિરજી બરાબરને?”

“ઝી સરકાર.”

“આપણી નાતના કરસન પાંસાની દિકરી રામલી કાસી વયે બાઝુના ગામના કણબીના સોકરા વેળે ભાગી ગઈ, નાતના નિયમું તોડવા બદલ કરસન પાંસાને પાંસ વરહ હુધી નાત બાર મેલવામાં આવેશ, અને પસ્સી હઝારનો દંડ કરવામાં આવેશ, આઝ પસી કોળીની નાતના કોઈ પણ માણસ કરસન પાંસાનાં ઘર હારે લેવા –દેવા નહી રાખે. કરસન પાંસા અબઘડીએ પસ્સી હઝાર દંડ ભરી ઝાય.”

કરસન ધ્રૂજતો- ધ્રૂજતો પોતાની જગ્યાએ ઊભો થઈ માંડ –માંડ બોલ્યો.

“ભાણજીભા, મારી પડખે પાંસ હઝાર રૂ..પિયા સે..ઈ હું આલી દઉં ... બાકીના પસી આલીસ .”

“નહી......સોડી ઉપર લગામ રાખી નહી, કોળીની નાતનું નાક કપાવીને હવે કેશ કે પૈસા નથી? પૈસા ન હોય તો આઝે જ ગામમાંથી તડીપાર થઇ ઝા.” ભાણજીભા જોરથી તાડૂક્યો.

કરસન પાંસા બે હાથ જોડી ભાણજીના પગે પડી કરગરવા લાગ્યો, “ભાણજીભા ...થોડી મુદત આલો...”

“નહી ...સરાજાહેર તારી સોકરીએ નાતનો નિયમ તોડ્યો ...”કહી ભાણજીએ કરસનને લાત મારી હડસેલી દીધો.

મોહન અને તેના મિત્રો અત્યાર સુધી ચુપ હતા ... મોહનથી હવે નાં રહેવાયું .

“બસ ભાણજીભાઇ... !”મોહનની સિંહ જેવી ગર્જના સાંભળી ભાણજી સરપંચ અને બાજુમાં બેસેલા સભ્યોએ આશ્ચર્યચકિત નજરે મોહન તરફ જોયું !

“ગરીબ લાચાર બાપની મજબૂરી હમઝો અને કરસનભાઈને બે ત્રણ મહિનાની મુદત આપો ...”

“એય.....!.બે કોડીના મોહનિયા ....!બહુ જોશ બતાવેશ? ભૂંડા હાલ થાહે હો ....!”

મોહને જરા પણ ડર્યા વગર ગ્રામ્યજનોને પૂછ્યું :

“ગામના વડીલો, કરસનભાઈ મઝૂરી કરી ગુઝારો હલાવેશ, બે સેડા માંડ ભેળા થાતા હોય ઈ માણસ પસ્સી હઝાર રૂપિયા ક્યાંથી આલે?”

મોટાભાગના ગ્રામ્યજનોએ સંમતિસૂચક નજરે મોહન સામે જોયું પણ સરપંચના ડરે એક પણ ગ્રામ્યજન કશું બોલી ન શક્યો.

“હું ઝાણું સું, ડરને લીધે તમે કંઈ નહી બોલો”

““મોહનિયા ..... મારા જ ગામવાસીઓને મારી વિરુદ્ધ ભડકાવેશ?”

“એમાં ભડકાવવાનું હું, હું તો માત્ર સત્ય હમજાવુંસ.””

“એય ...રાજા હરીશચન્દ્ર થાતા પહેલા ભાણજી સરપંસને ઓળખી લેઝે.”

“ઓળખું સું એટલે જ બોલું સું કરસન પાંચાને માત્ર નાત બાર મેલો ત્યાં હુધી ઠીક સે, પસ્સીસ હઝારનો દંડ માફ કરવામાં આવે.”

મોહનના મિત્રમંડળે ઊભા થઇ એક સાથે સૂર પુરાવતા કહ્યું : “ઝી સરકાર દંડ માફ કરવામાં આવે.”

એક – બે ગ્રામ્યજનોમાં પણ હિંમત આવી તેમણે પણ ઉભા થઇ સૂર પુરાવ્યો ધીરે – ધીરે બધા ગ્રામ્યજનોએ ઊભા થઇ મોહનની વાતને ટેકો આપ્યો .

ભાંણજીભા, વિરજી અને બીજા પંચાયત સભ્યો ગુસ્સામાં રાતા – પીળા થઇ ગયા.. !

“મોહનિયા તારી ખેર નથી ...બહુ ભારે પડશે.” આટલું કહી ભાણજી સરપંચ, વિરજી અને બીજા સભ્યો ગુસ્સામાં જ છોભીલા ડાચા લઇ પંચાયત છોડી જતા રહ્યા.

“મોહન તે અમારી લાઝ રાખી ..” કહી કરસન પાંચા અને તેની ઘરવાળી ગદગદ થઇ ગયા ..

“કાકા મેં તો મારી ફરઝ અદા કરી.”

સૌ ગ્રામ્યજનો પણ મોહનની હિંમતને દાદ દેતા છૂટા પડ્યા.

બીજા દિવસે મોહન અને તેના મિત્રો કંઈક અનેરા ઉત્સાહ સાથે ગામના ચોરે ભેગા થયા .

“યાર મોહન તારી બહાદૂરી ઝોઈ ભાણજીભાની બોલતી બંધ થઇ ગઈ...” પ્રેમજી બોલ્યો .

“ઈ બધુંય ઠીક સે પણ હવે આપણે ગામના ભલા માટે વિચારીએ, આપણે બધા ભેગા મળી એક મંડળી બનાવીએ, આપણી મંડળી ગામના અને લોકોના ભલા માટે કામ કરશે, પેલા ગામના હળગતા પ્રશ્નો દૂર કરવા અને પસી ગામલોકોને ભાણજીભાના ત્રાસમાંથી સોડાવવા પડશે.ભાણજીભા દંડના પૈસાનો હિસાબ – કિતાબ પણ નથી આલતો” ગામ માટે કશુંક કરી બતાવવાનું ઝનૂંન આ મંડળીના બધા યુવાનોમાં જોવા મળતું આથી મોહનનો આ પ્રસ્તાવ બધાએ સહર્ષ સ્વીકારી લીધો.

“યાર મોહન, મંડળીનું નામ પણ રાખીએ.”

“હા, શ્રી રામ યુવા મંડળી રાખીએ” એક મિત્ર બોલ્યો.

ભલે ‘શ્રી રામ યુવા મંડળી’ બધા મિત્રો એક સાથે બોલી ઊઠ્યા.

“કાઇલ આપણે અહી ગામવાળાને બોલાવી બેઠક કરીએ.” મોહન બોલ્યો .

“પણ ગામવાળાને હમજાવશે કુણ?” જશું બોલ્યો .

“આપણે બધાય.”

“તારી વાત તો મઝાની સે મોહન, પણ ભાણજીભાના ડરે આપણી બેઠકમાં આવહે કુણ?”

“આવહે .. પેલી વાર પાંસ – પસ્સીસ, આવે તો પણ ઘણા. આઝ આપણે ગામમાં ઢંઢેરો પીટાવીએ.”

મોહન અને તેના મિત્રોએ ગામમાં બેઠક કરવાં માટે ઢંઢેરો પીટાવ્યો.

ભાણજી સરપંચના કાને મોહને બેઠક બોલાવ્યાની વાત આવતા જ તે ગિન્નાયો.

ભાણજીએ વિરજીને બોલાવ્યો: “વિરઝી ... આ મોહનિયો ને ઇના ચમસા બહુ ખેલ કરેશ, ઇના ખેલ બંધ કરાવવા પડહે, તું કાઇલ ઇની બેઠકમાં ભાળ લેવા ઝા, ઈ કીવા- કીવા ખેલ કરેશ”

“ઝી સરકાર.”

બીજે દિવસે સવારે દસ વાગે મોહન અને તેના મિત્રો ગામના ચોરે ભેગા થયા, ગામવાળાના મનમાં મોહન પ્રત્યે આદરની લાગણી હતી, એટલે મોહનના ધાર્યા કરતા વધારે સંખ્યામાં ગામવાળા એક અજીબ ઉત્સાહ સાથે હાજર રહ્યા .

મોહને ગામના લોકોને સમજાવવાની શરૂઆત કરી, “ગામના મારા વડીલો , ભાઈઓ અને બહેનો .. આઝ આ બેઠક બોલાવવા પાસળનું કારણ સે આપણા ગામમાં હાલતા ખોટા રીવાઝો અને હળગતા પ્રશ્નોમાંથી સુટકારો મળે એ માટે આપણે બધાયે ભેગા મળી અને ગામમાં સુખ – શાંતિ લાવવા કામ કરવાનું સે . આપણા ગામનો સૌથી હળગતો પ્રશ્ન સે ગંદગી અને રોગસાળો, આપણા ગામમાં ઠેર – ઠેર ઉકરડા સે, ઈમાં મચ્છર અને માખિયું થાસ, ગામમાં ઘેર – ઘેર ડેન્ગ્યું, મલેરિયા ઝીવા રોગ ઝોવા મલેશ, ઇના માટે સૌ પરથમ આપણે આપણા ગામને સોક્ખું કરવા ‘સફાઈ અભિયાન’ શરુ કરવાનું છે, પસી ઝાહેર સૌસાલયો બનાવવાનાં સે .... પંસાયતવાળા કર્મસારી આડેધડ સફાઈ કરી હાલ્યા જાયસ, આ કામમાં તમારા સાથ સહકારની ઝરૂર સે.

બીજું આપણી કોળીની નાતમાં ઘણા કુરીવાઝો સે, સોકરો કે સોકરી બીજી નાતમાં પરણે તો નાત બહાર મેલવા, પસ્સી – પસ્સી હઝારના દંડ, અઢાર વર્ષ પુરા થાય ઈ પેલા જ સોકરી ને પરણાવી દેવી, સોકરીને ઝાઝું ભણાવતા નથી, સોકરા – સોકરીને એક સમાન ગણતા નથી.

તમને ઈમ નથી લાગતું કે આ બધાય કુરીવાઝોનાં કારણે આપણે જ દુ:ખી થાયેસ? આ બધા કુરીવાઝો દૂર થાવા ઝોઇએ કે નહી?””

ગ્રામજનોમાં અંદરોઅંદર ગુસપુસ થવા લાગી .

“પણ સિંહના મુઢામાં હાથ નાખવા કુણ ઝાહે?” એક ગ્રામ્યજન બોલ્યો.

“સિહના મોઢામાં કોઈ એક માંણહે હાથ નૈથ નાખવાનો, આપણે બધાયે ભેળાં ભાણજી સરપંચનાં ઘેર જવાનું સે.તૈયાર સો બધા?”

ભાણજીના અત્યાચારથી કંટાળેલા ગામવાસીઓ કંઈક પરિવર્તન થવાની આશાએ આનંદિત થઇ એકસાથે બોલ્યા .

“હા ... અમી બધા તૈયાર સે.”

ભાણજીનો મિત્ર વિરજી ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો, ગામવાળા ભાણજીભા પાસે પહોંચે એ પહેલા જ વિરજીએ દોડીને ભાણજીભાને રજેરજની માહિતી આપી દીધી.

મોહન, તેના મિત્રો અને ગામવાળા જોત-જોતમાં તો ભાણજીના ફળિયામાં આવી પહોંચ્યા.

મોહને ભાણજીભાને બહાર આવવા કહ્યું, ભાણજીભા રાતા –પીળા થતા ફળિયામાં આવ્યા, આવતા જ આટલી મોટી સંખ્યામાં ગ્રામજનોને જોઈ અવાક થઇ ગયા!

મોહને ભાણજીભા અને પંચાયતના સભ્યો સમક્ષ ગામના બધા કુરિવાજો દૂર કરવા અને ગામમાં બે –ચાર જાહેર શૌચાલય બનાવવાની વાત કરી .

ભાણજીભા રાતોપીળો થઇ બોલ્યો, “ઈ કુરીવાઝો નૈથ, ઈ આપણા ગામના નિયમું સે, ઈ તો આપણા વડીલો આપણને આલીને ગ્યાસ અને પસ્સી હઝારના દંડ નઈ રાખીએ તો ગામના સોકરા - સોકરી મન ફાવે ત્યાં વળશે”

“પણ પસ્સી – પસ્સી હઝારના દંડ આપણા ગરીબ ગામવાસીઓ ક્યાંથી આલે?પસ્સી હઝારના દંડ લવસ ઇના હિસાબ પણ નથ આલતા, ગામમાં એક પાકો રસ્તો બનાવવાના પૈસા આયવાસ પણ પાકી સડક હઝી કીમ નથ બની?” મોહન મક્કમતા પૂર્વક બોલ્યો.

આ સાંભળી પંસાયતના બીજા સભ્યો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા.

“ભાણજીભા ક્રોધિત થઇ બોલ્યો, “ગામમાં સડક બનાવવા કોઈ પેસા નથ આયવા, અને હિસાબ માગવાવાળો તું કુણ?”

“મોહનની વાત બરાબર સે, ગામમાં પાકી સડક બનાવો, કાતો હિસાબ આલો” એક ગ્રામજન હિમ્મત કરી બોલ્યો.

“હા , સરકાર હવે અમી આ ત્રાસ નહી ખમીએ” .. બીજો ગ્રામ્યજન બોલ્યો .

અત્યાચારથી દુ:ખી ગામવાળાઓએ ભાણજીભા વિરદ્ધ નારા પોકાર્યા, “ભાણજીભા હાઈ –હાઈ” ગામવાળાનું જનૂન અને આક્રોશ જોઈ ભાણજીભા, વિરજી અને બીજા સાભ્યો ગ્રામસભા છોડી ભાગ્યા .ધીરે – ધીરે ગામવાળા પણ વિખેરાયા.

“બીજી બાજુ ખૂબ જ ગિન્નાયેલા ભાણજીભાએ વિરજીને કહ્યું “આ મોહનિયો આમ સૂપ નહી રે.”

“હે.... કીવા હું માંગોસ ભાણજીભા” વિરજી સહેજ ચોંકી જતા બોલ્યો !

“સૂપ .... એમાં વધારે પ્રશ્નો પુસવાના નઈ તું આપણા ખાસ માણસોને આઘડીસ બુલાવ, ”

“જી ભાણજીભા” કહી વિરજી ગૂંડા જેવા દેખાતા બે માણસોને બોલાવી લાવ્યો.

ભાણજીભાઈએ બન્ને માણસોને ધીમેથી કાનમાં વાત કરી, બન્ને માણસોએ સંમતિસૂચક નજરે ભાણજીભા સમક્ષ જોયું, અને જતા રહ્યા, વિરજીને દાળમાં કંઈક કાળું લાગ્યું.

ભાણજીભા હવે હું રઝા લઉંસ કહી વિરજી ચાલ્યો ગયો, ઘરે આવ્યા પછી પણ વિરજીને ક્યાંય ચેન ન્હોતું પડતું, આખરે ભાણજીભાએ શું ખાસ વાત કરી હશે .. ? ઈ મોહન અને તેના મિત્રો ગમે તેમ તોય ગામના ભલા માટેસ કામ કરી રહ્યા સે, વિરજીની માનવતા જાગી ઊઠી, તે ઝડપથી ચોરા તરફ દોડ્યો .

મોહન અને તેના મિત્રો હમેંશ મુજબ ચોરે ભેગા થયા છે, હવે પછીના બાકી રહેલા શૌચાલય, કુવા વગેરે કામો કઈ રીતે કરવા અને જરૂરી આર્થિક સહાય કેવી રીતે મેળવવી તેની ચર્ચા કરી રહ્યા હતા .એવામાં વિરજીએ આવીને એક જ શ્વાસે મોહન અને તેના મિત્રો સમક્ષ ભાણજીભાએ કંઈ ષડયંત્ર કર્યું હોવાની વાત કરી. બધા મિત્રો ચોકી ઉઠ્યા .

એ જ સમયે મોહનના ફોનની ઘંટડી રણકી ,

“:હાલો .. કુણ બોલોસ ?”

“મોહન ...જીવાબાપાના ખેતરમાં આવ, જીવાબાપની તબિયત બગડીસ, શેરની હોસ્પિટલમાં લઇ ઝાવા પડશે.” સામેથી અવાજ આવ્યો .

“ઝી ...”” કહી મોહને ફોન રાખી દીધો .

“જીવાબાપાની તબિયત બગડીસ .. મને બોલાવેશ.”

“અમે બધા પણ આવીશું.”

વિરજી ત્યાં જ ઉભો હતો, “શું...! જીવાબાપા તો ઘરના આંગણામાં બેઠા હતા, હું આઘડીઝ ઝોઈને આયવો”..

“નક્કી આ ભાણજીભાના ગુંડાની સાલ સે”, વિરજીએ મોહન અને તેના મિત્રોને રોકતા કહ્યું.

“ઝાવુંસ હોય તો પોલીસને લઈને ઝઈએ...”મોહને પોલીસને બાતમી આપી .

પોલીસને લઇ મોહન અને તેનું મિત્રમંડળ, વિરજી બધા જીવાબાપાના ખેતર તરફ જવા નિકળ્યા. ખેતરમાં ભાણજીભાના ગૂંડા મોહનની રાહ જોતા ઉભા હતા, વિરજી અને પોલીસ અને મોહનના મિત્રો ઝૂપડી પાછળ છુંપાઈ ગયાં મોહન હિમ્મત કરી ગૂંડા સમક્ષ ગયો, “ “આવ મોહન”” કહી બન્ને માણસોએ તેને શર્ટની અંદર છુપાવેલ તમંચો બતાવ્યો.

આ જોઈ મોહન એક ક્ષણ ત્યાં જ થંભી ગયો,

પોલીસે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બન્નેને રંગે હાથ ઝડપી લીધા.

ભાણજીભાને પણ હત્યાનું કાવતરું કરવાના આરોપસર જેલ ભેગો કરવામાં આવ્યો.

આખરે ગામલોકોને ભાણજીભાના ત્રાસમાંથી મુકિત મળી ચારે બાજુ મોહન અને તેના મિત્રોનો જયજયકાર થયો, આવનારી ચૂંટણીમાં ગામવાળાના આગ્રહને કારણે મોહન બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયો.

રામપૂર ગામના લોકોને વર્ષોના ત્રાસ, કુરિવાજોમાંથી મુકિત મળી, ગામમાં વરસાદના પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા કરવામાં આવી, જાહેર શૌચાલાયો બનાવાયા, કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, આંતર જ્ઞાતિ લગ્નની છૂટ આપવામાં આવી, એક આદર્શ ગામ તરીકે રામપૂર ગામની ચર્ચા સમાચારપત્રોમાં થઇ, મોહન ગામડાના યુવાનો માટે રોલ મોડલ બન્યો. સુખ અને આઝાદીનો સૂરજ રામપૂર ગામને અનેરી શોભા આપી રહ્યો છે, રામપૂર ગામની ધરતી ઉલ્લાસમય વાતાવરણમાં પ્રફુલ્લિત લાગી રહી છે .

(સમાપ્ત )