rotary midtown library books and stories free download online pdf in Gujarati

રોટરી મીડટાઉન લાઈબ્રેરી

રોટરી મીડટાઉન લાઈબ્રેરી

રાજકોટની રોનક : રોટરી મીડટાઉન લાઈબ્રેરી : રીડર્સનું લિટરેચર લેન્ડ.

લાઈબ્રેરીનાં સંચાલન, સાધનો, સાહિત્ય અને સભ્યોનાં સુસંગત વાતાવરણને કારણે બ્રિટીશ લાઈબ્રેરીની નામના ધરાવતી રોટરી મીડટાઉન લાઈબ્રેરી : ભવ્ય રાવલ

ગુજરાતી સાહિત્ય અને સમાજમાં છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વ, અંગ્રેજી ભાષાનાં આક્રમણ અને વાંચકોની ઘટતી સંખ્યા વિશે અવારનવાર ચર્ચાઓ કરવામાં આવે છે. આ ચર્ચાઓનું પરિણામ શું આવે છે એ ખબર નથી પણ હા, આવી ચર્ચાઓમાં ભાગ લેતા, ન લેતા સૌને ત્રણ બાબતો જણાવવાની કે, ગુજરાતી ભાષાનું અસ્તિત્વ અમર છે. અંગ્રેજી ભાષાનું આક્રમણ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને એમણે હિન્દી-ગુજરાતી શીખી આપણને અંગ્રેજી બોલતા-વાંચતા કર્યા ત્યારે પણ ન હતું અને આજે પણ નથી અને સૌથી મોટી અંતિમ બાબત એ સાક્ષરતાની સાથે વાંચકોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. આ ત્રણેય બાબતો સાથે કદાચ વર્તમાનમાં ન જીવતા કે વ્યવહારમાં ન જતા-આવતા માણસને ખબર નહીં જ હોય. આજનાં બાળકોથી લઈ યુવા પેઢી અને મોટેરાઓનું અંગ્રેજી ‘ફાંકડું’ છે. તેમ છતાં તેઓ ‘ગુજરાતી’ અખબારો જ વાંચે છે અને હા, વોટ્સઅપમાં અંગ્રેજી મીડિયમવાળા પણ ચેટિંગ ગુજરાતીમાં જ ટાઈપ અને મેસેજમાં ગુજરાતી જોક્સ જ ફોરવર્ડ કરે છે. રહી વાત વાંચનની તો.. કોઈ વિચારકનાં છપાયેલા પુસ્તકો નવી પેઢી ખરીદતી નથી તો એ વિચારક મહાશયને યુવાનો તો વાંચતા જ નથી એવું પ્રતિત થાય છે પણ ના.. જી. ના.. ગુજરાતીનાં જાણકાર, અંગ્રેજીનાં વાંચકો અને એ પણ યુવાનો.. આ બધાનો સંગમ અને મારી વાતનો પુરાવો જોઈએ તો રાજકોટની રોટરી મીડટાઉન લાઈબ્રેરીની મુલાકાત અવશ્ય લેવી પડે.

આજથી અગિયાર વર્ષ અગાઉ દિપકભાઈ અગ્રવાલનાં ઘરે રિદ્ધિ-સિદ્ધિ સમાન બે બાળકીઓનો જન્મ થયો એ સમયે તેઓને રાજકોટમાં બાળકો અને યુવાનો માટે બે અલગ-અલગ ક્ષેત્રોમાં કઈક કરવાનું મન થયું જેમાંથી એક એટલે રોટરી મીડટાઉન લાઈબ્રેરી અને બીજું રોટરી મીડટાઉન ડોલ્સ મ્યુઝિયમનો જન્મ થયો. રોટરી મીડટાઉન ડોલ્સ મ્યુઝિયમની વાત પછી ક્યારેક.. આજે રાજકોટનાં અમીન માર્ગ પર આવેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહયોગ અને રોટરી મીડટાઉન સંચાલિત રોટરી મીડટાઉન લાઈબ્રેરીની વાત કરીએ..

રોટરી મીડટાઉન લાઈબ્રેરી સાથે કોર્પોરેશનનું નામ વાંચીને જે લોકોએ અન્ય કે પોતાના શહેરની લાઈબ્રેરી જોઈ હશે એ લોકોને આશ્ચર્ય થયા વિના નહીં રહ્યું હોય.હા. હું જે લાઈબ્રેરી અંગે વાત કરી રહ્યો છું એ રાજકોટ કોર્પોરેશન સંલગ્ન જ લાઈબ્રેરીની વાત કરી રહ્યો છું લેકીન, કિન્તુ, પરંતુ.. આ લાઈબ્રેરી તમારા વૈચારિક વિશ્વમાં જે અન્ય લાઈબ્રેરીની છબી અત્યારે ઉપસાવી રહી છે તેવી નથી. મોટાભાગે પુસ્તકાલયોનું વાતાવરણ કેવું હોય? એક વિધવા કે ત્યક્તા લાઈબ્રેરિયન હોય, બે-ચાર ઘરેથી કાઢી મુકેલા ગઢીયા-બુઢિયા ખોખારો ખાતાં ધાર્મિક સામાયિકો ફંફોસતા હોય, ગામડેથી આવેલા બે-ત્રણ યુવકો રોજગાર સમાચાર શોધતા હોય, એકાદ જાડી ચશ્માં પહેરેલી છોકરી ક્લાસ વન-ટુ પરીક્ષાની તૈયારી કરતી હોય, એકાદ વ્યક્તિ માંકડ ખાઈ ગયેલાં પુસ્તકોમાં કયું પુસ્તક દેખાવમાં સારું ને ઘરે વાંચવા લઈ જવા લાયક છે તે વિચારતો હોય અને જેને કઈક વાંચવું જ છે એ ફલાણા લેખકનું ઢીકણું પુસ્તક માંગશે ત્યારે લાઈબ્રેરિયન ચશ્માં પાછળથી આંખો ફાડી કહેશે, ‘આવતા મહિને આવજે ભઈલા..’ હુહ.. આ પરિસ્થિતિ છે આજનાં મોટાભાગનાં પુસ્તકાલયોની ત્યારે આજે રોટરી મીડટાઉન લાઈબ્રેરી છેલ્લાં એક દસકથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ લાઈબ્રેરિમાં નામના ધરાવે છે જે રાજકોટને ગૌરવ અપાવનારી ઘટના કહી શકાય.

રોટરી મીડટાઉન લાઈબ્રેરી બીજી બધી જ લાઈબ્રેરી કરતાં બધી જ રીતે અલગ તરી આવે છે. જેમ કે, અહીં જાહેર જનતાને (સભ્યો ન હોય તેવા) સામયિકો અને અખબારોનાં વાંચન માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય સભ્યો માટે વિશાળ અંગ્રેજી-ગુજરાતી ભાષાનાં પુસ્તકો તેમજ સીડી.ડીવીડીનો અપટુડેટ સંગ્રહ છે. વળી, ખુદ રોટરી મીડટાઉન લાઈબ્રેરીનાં લાઈબ્રેરિયન પ્રીતિબેન અને મેનેજમેન્ટ લાઈબ્રેરીને સતત જીવંત અને જાજરમાન બનાવવા સતત પ્રયત્નશીલ રહે. જેમ કે, રોટરી મીડટાઉન લાઈબ્રેરીમાં દર શનિવારે બુક ટોક, મુવી ટોક, સ્ટોરી ટેલીંગ અને રવિવારે જુદા-જુદા વિષયને લગતા વર્કશોપ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે. ક્યારેક પુસ્તક વિમોચન તો ક્યારેક વ્યક્તિ વિશેષનું સન્માન ગોઠવાય. રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ વાંચકોને પુરસ્કાર અને પ્રસંગોપાત લેખકોનું સન્માન પણ કરવામાં આવે છે. લાઈબ્રેરી હોય એટલે ફક્ત વાંચન જ નહીં પરંતુ રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા રાજકોટ સાયકલ ક્લબ, ડ્રામા ક્લબ, ડીબેટ ક્લબ, મધર્સ ક્લબ જેવાં ગૃપ ચલાવવામાં આવે છે. દર વર્ષે નેશનલ લાઈબ્રેરી વિક અને સમર રીડીંગ ચેલેન્જ પ્રોગ્રામનું આયોજન રોટરી મીડટાઉન લાઈબ્રેરીમાં કરવામાં આવે છે. સાથોસાથ આ બધી જ પ્રવૃત્તિની માહિતી, પ્રોગ્રામની જાણકારી સહિત નવા પુસ્તકો લાઈબ્રેરીનાં સભ્ય બને તો લાઈબ્રેરીનાં અન્ય સભ્યોને વોટ્સઅપ પર સંદેશ આપવામાં આવે! અધૂરામાં પૂરું લાઈબ્રેરીનાં સભ્યો મળીને તહેવારો - ઉત્સવો - દિવસોની ઉજાણી સાહિત્યની સંગાથે કરે. યાની રોટરી મીડટાઉન લાઈબ્રેરી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે જ છે એ સાથે સતત સાહિત્ય અને સામાજિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવાનું કાર્ય કરતુ કરે છે.

વર્ષો જૂના પુસ્તકો સાંચવીને બેઠેલી અન્ય લાઈબ્રેરીઓમાં પુસ્તકો કાઢવા કબાટ ખોલો તો દરવાજો હાથમાં આવી જાય ત્યારે રોટરી મીડટાઉન લાઈબ્રેરી સીસીટીવીથી સજ્જ છે. આ લાઈબ્રેરીમાં ફિલ્મો જોવા નાનો પણ એ.સી.વાળો ઓડિયો-વ્યુઝીઅલ રૂમ છે. સંપૂર્ણ હવા-ઉજાશ અને શાંતિપૂર્ણ હકારાત્મક રોટરી મીડટાઉન લાઈબ્રેરીની સ્વચ્છતા, શિસ્તતા અને સુંદરતાની નોંધ દરેક મુલાકાતી લઈને લખી ચૂક્યા છે. મતલબ તમે રોટરી મીડટાઉન લાઈબ્રેરીની મુલાકાત લો ત્યારે સૌથી વધુ યુવા વાંચકો અને વહેલા તે પહેલાનાં ધોરણે સામયિકો અને પુસ્તકો તમોને અહીં જોવા મળે.. મળે.. ને મળે જ. લાઈબ્રેરી હોય એટલે જેટલા પુસ્તકો બજારમાં આવે એટલે લાઈબ્રેરીમાં મૂકી દેવાના એવું પણ નહીં. રોટરી મીડટાઉન લાઈબ્રેરીમાં ક્યાં પુસ્તકો મૂકી શકાય તે માટે પરેશ રાજગોરની સલાહ લેવાય. કોઈ નકામા પુસ્તકો કે સામયિકો અહીં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રખાય. લાઈબ્રેરિયન પ્રીતિબેન પરમાર અને તેમનો સ્ટાફ લાઈબ્રેરીનાં અપડેશન માટે ઓલવેય્સ રેડી રહે. આથી જ રાજકોટમાં જ્યારે પણ કોઈ મોટા લેખક, સાહિત્યકાર, પત્રકાર, રાજકારણનાં નેતાલોગથી લઈ ફિલ્મ જગતનાં કલાકાર પધારે ત્યારે રોટરી મીડટાઉન લાઈબ્રેરીની મુલાકાત અવશ્ય લે. સમાયંતરે શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓઓની વિઝીટ પણ આ સ્થળે ગોઠવવામાં આવે છે.

રોટરી મીડટાઉન લાઈબ્રેરી વિશે વધુ તો કેટલું જણાવું? બસ તમે રાજકોટનાં હોય તો આ સ્થળની મુલાકાત લઈ આ લેખને વધુમાં અનુભવીને જાણી લો અને આ સિવાયનાં લોકો રાજકોટ આવો ત્યારે રાજકોટનાં જોવાલાયક સ્થળોની યાદીમાં આ સ્થળનું નામ ઉમેરી લો..

રોટરી મીડટાઉન લાઈબ્રેરી : ફેક્ટ ફાઈલ

સ્થાપના : ફેબ્રુઆરી ૨૦૦૬

સંચાલન : રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

લાઈબ્રેરિયન : પ્રીતિબેન પરમાર

સભ્ય સંખ્યા : ૧૦ હજાર

પુસ્તકોની સંખ્યા : ૨૦ હજાર

સીડી, ડીવીડી સંખ્યા : ૧૦ હજાર

બોક્સ : રાજકોટની સાહિત્ય પ્રેમી જનતા માટે અહીં વર્ષોથી પુસ્તક મેળાઓ યોજાતા નથી ત્યારે રોટરી મીડટાઉન લાઈબ્રેરી તદ્દન નવા પુસ્તકો વાંચવા-મેળવવા માટેનું એકમાત્ર સ્થળ છે. આ એક એવી લાઈબ્રેરી છે જે લાઈબ્રેરી નથી પણ રીડર્સનું લિટરેચરલેન્ડ છે. અહીં આવીને યુવાનો પુસ્તકોનાં પ્રેમમાં પડ્યા વિના રહેતા નથી. રોટરી મીડટાઉન લાઈબ્રેરી બીજી લાઈબ્રેરીઓથી એટલે પણ વિશિષ્ટ અને વિભિન્ન છે કેમ કે, અહીં જેટલાં પ્રમાણમાં ગુજરાતી એટલાં જ પ્રમાણમાં અંગ્રેજી પુસ્તકો છે. હવે બની શકે કે આજનો આ લાઈબ્રેરીનો વાંચક ભવિષ્યનો કોઈ ગુજરાતી તો ઠીક પણ અંગ્રેજી ભાષાનો કોઈ સારો લેખક કે બેસ્ટ સેલર્સ બને. એ પણ થઈ શકે કે અહીંનો ગુજરાતી સાથે જ અંગ્રેજી પુસ્તકો વાંચતો વીર જીપીએસસી કે નેટ-સ્લેટ જેવી પરીક્ષાઓ પાસ કરવા સહિત ક્યાંક વિદેશોમાં આપણી ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર અંગ્રેજીમાં કરતો જોવા મળે. આમેન..

- ભવ્ય રાવલ