Satubha ane Sharda books and stories free download online pdf in Gujarati

સતુભા અને શારદા

સતુભા અને શારદા, એક નાનકડું નગર કહી શકાય એવા ગામનું દંપતી. ગામ આખામાં સતુભાનો વટ! અને કેમ ન હોય? આખરે તેઓ ગામના સરપંચ હતા. ગઈ વખતની જેમ આ વખતની સરપંચની ચૂંટણીમાં પણ સતુભા શામ, દામ, દંડ, ભેદની પોતાની આગવી નીતિથી વિજયી થયા. સરપંચ બન્યા પહેલા ગારમાટીનું એમનું ઘર અત્યારે બે માળનું અને જાજરમાન આંગણાવાળું બની ગયું હતું. ગામના વિકાસ માટે ધારાસભ્ય તરફથી આવતી ગ્રાન્ટનો થોડો ઘણો હિસ્સો ગામ માટે વાપરે અને બાકીનો ઓહિયા કરી જાય, પણ એમની ઊંચા ગજાના રાજકારણીઓ સાથે સાંઠગાંઠના લીધે ગામનો એકપણ માઈનો લાલ એવો ન હતો કે અંદરથી સમસમી ગયો હોવા છતાં સતુભાની વિરુદ્ધ કઈ પણ બોલે. કમી હતી તો માત્ર એક જ. સતુભાના ઘરે કુળદીપક ન હતો. અને આ જ વાત સતુભાને આંખમાં કણાની માફક ખૂંચતી. ત્રણેય વાર છોકરીઓને અવતાર આપવા બદલ શારદા પર ઘણી વાર એમણે હાથ પણ ઉગામ્યો હતો.

હમણાં પણ શારદાને સારા દિવસો જતા હતા. સતુભાને પૂર્ણ વિશ્વાસ હતો કે આ વખતે તો છોકરો જ આવવો જોઈએ. અંતે નવ નવ માસના આણાં પછી છેવટે શારદાના પેટે રૂપાળી, કાળી ભમ્મર આંખોવાળી જોતાં જ ગમી જાય એવી છોકરી જ અવતરી. સતુભાના ગુસ્સાનો પાર નહતો. એમણે પહેલેથી જ મન બનાવી દીધેલું હતું કે જો આ વખતે છોકરી આવે તો એને ઠંડા કાળજે કોઈ મંદિરના દરવાજે મૂકી આવવી. શારદાના મનમાં પોતે સહેલી વેદનાનો ડૂમો હોવા છતાં આવા પતિની મરજી સાથે સંમત થવા સિવાય કોઈ રસ્તો નહતો. જે શહેરની હોસ્પિટલમાં એ છોકરીનો જન્મ થયો હતો એ જ શહેરના એક મંદિરે શારદાના કાળજાનો કટકો અને સતુભાનો નિરાશાવાદ એવી એ છોકરી રાત્રે લગભગ અગિયાર બાર વાગ્યાના સુમારે નધણીયાતી મુકાઈ. પોતાના આંસુ છુપાવતી શારદા ભારેહૈયે પતિ સાથે પોતાના નગર પરત ફરી. ગામમાં સતુભાએ એવી વાત ફેલાવી કે આ વખતે છોકરો હતો પણ જનમતાની સાથે જ મૃત્યુ પામ્યો. ગામલોકોએ પણ સતુભાની વાત પર વિશ્વાસ કરી લીધો.

ઘોર અંધારી રાતે એ નાનકડો જીવ કુદરતથી ડરીને રડી રહ્યો હતો. જન્મતાવેંત જેને બાપ તરછોડી મુકે એનો હવે રણછોડ સિવાય કોઈ રક્ષક નહતો. પણ કુદરતનોય સંતુલન જાળવી રાખવાનો પોતાનો આગવો અને અનોખો નિયમ છે. જોગાનુજોગ એ મંદિરના પુજારી વિઠ્ઠલદાસ જોશી અને ગોરાણી માલતીને કોઈ સંતાન નહતું. પૈસે ટકે સુખી હોવા છતા આ નિસંતાનપણું એમને હરરોજ હરપળ ડંખતું રહેતું અને એટલે જ કુટુંબીઓના મહેણાં ન સંભાળવા પડે એટલા માટે થઈને પોતાના ગામમાં પચીસ વીઘા જમીન ભાગે પડતી આપીને તેઓ ગામથી દુર આવેલા અ શહેરમાં મંદિરની સંભાળ રાખતા. એ તરછોડાયેલી સતુભાની છોકરીના રડવાનો અવાજ ગોરાણીના કાને પડ્યો અને માલતી ચમકારાની માફક ઊંઘમાંથી બેઠી થઇ ગઈ.

“અલા સાંભળો છો? કોઈ છોકરું રડે છે”, વિઠ્ઠલદાસનો ખભો હલાવીને એણે કહ્યું.

“તમને સપનું આવ્યું હશે ગોરાણી” આંખો મસળતા વિઠ્ઠલે કહ્યું. નિસંતાનપણું એમના મનમાં એટલી હદે ઘર કરી ગયું હશે એનું આ વાક્ય એક ઉદાહરણ હતું.

પણ થોડા સમય પછી વિઠ્ઠલદાસે પણ કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. હવે એ બંનેના મનમાં ફાળ પડી. ઝટ ઉભા થઈ એમની ઓરડીમાંથી બહાર આવ્યા અને મંદિરના મુખ્ય દરવાજા તરફ ગયા. ત્યાં એમણે એક ટોપલામાં બાળક જોયું. બંને અજીબ અવઢવમાં પડ્યા. આસપાસ નજર દોડાવી કે ‘કદાચ એના મા બાપ એને અહી મુકીને નજીકમાં કશે ગયા તો નથી ને?’. વિઠ્ઠલદાસ થોડા અંતર સુધી દોડતો ગયો પણ કોઈ દીઠું નહિ. પાછા ફરીને મંદિરના દરવાજે વિઠ્ઠલદાસે જે દ્રશ્ય જોયું એ આહલાદક હતું. ગોરાણી એ બાળકીને રમાડી રહ્યા હતા. બાળકીના રડવાનો અવાજ પણ શમી ગયો હતો. ગોરાણીના મુખમંડળ પર જે ખુશી વર્તાઈ રહી હતી એ ખુશીનો અત્યાર સુધી વિઠ્ઠલદાસ ક્યારેય સાક્ષી બન્યો નહતો. એણે આ બાળકને ઈશ્વરનો પ્રસાદ માનીને એના સાચા મા-બાપ ન મળે ત્યાં સુધી પોતાની પાસે જ રાખી લેવાનો નિર્ધાર કર્યો. ત્યાં પહોચીને એણે આ નિર્ણય માલતીને પણ કહ્યો. માલતી ખુશખુશાલ થઇ ગઈ. એમણે નક્કી કર્યું કે એક બે મહિના સુધી રાહ જોવી અને જો ત્યાં સુધી આ બાળકીનું માવતર એને શોધતું મંદિર સુધી ન આવે તો એના નામ પાછળ પિતા તરીકે પોતાનું જ નામ આપી દેવું.

સમય વીત્યો. બાળકીના માતાપિતામાંથી કોઈ પણ હજી સુધી ન આવવાના લીધે વિઠ્ઠલદાસ અને માલતીએ એ બાળકીને પોતાનું સંતાન માન્યું અને ‘દેવિકા’ નામ આપ્યું. દેવિકા ધીમે ધીમે મોટી થઇ રહી હતી. પહેલેથી જ પોતાના સાચા માતપિતા વિષે કંઈ જ જાણતી ન હોઈ વિઠ્ઠલદાસ અને માલતીને પોતાનું માવતર માનતી. વિઠ્ઠલદાસ અને માલતી બંને પણ હવે દેવિકાના માવતરના આવવાની આશા છોડીને માત્ર દેવિકા પર જ ધ્યાન આપતા. એને સ્કુલે મોકલાવી, સારામાં સારું ભણતર આપવું અને દેવિકાની પોતાની એક આગવી ઓળખ બને એવું એમનું એકમાત્ર મહત્વકાંક્ષી સપનું બની ગયું હતું.

આ તરફ સતુભા અને શારદાને ત્યાં પાંચમી વખતે દીકરો આવ્યો. સતુભાની ખુશીનો કોઈ પાર નહતો. શારદા પણ હવે પ્રસુતિ વખતની પીડાથી મુક્ત થવાની હોઈ હાશકારો અનુભવતી હતી. સતુભાએ આખા ગામને ઉજાણી આપી. ભોજન સમારંભ રાખ્યો. દીકરાનું નામ ‘દીપક’ રાખ્યું. દીપક ઘણા લાડકોડથી મોટો થતો જતો હતો. ત્રણેય મોટી બહેનો કરતાં સતુભાનો વિશેષ પ્રેમ દીપકને મળતો. પણ હા, શારદાબેન પોતાના દરેક સંતાનને સમાન જ રાખતા. દીપક પ્રત્યેના આટલા બધા લાડથી કદાચ દીપક સ્વચ્છંદી બની જશે એવી ભીતિ શારદાબેન રોજ સેવ્યા કરતા. દીપક અને દેવિકા વચ્ચે બે વર્ષનો જ ફરક હતો. બંને સાથે જ મોટા થતા જતા હતા.

દેવિકા દસમા ધોરણમાં સારા ટકા સાથે ઉત્તીર્ણ થઇ. વિઠ્ઠલદાસ અને માલતીના હરખનો પાર નહતો. એ બંનેનું સપનું સાકાર થતું જણાતું હતું. દેવિકાને વિજ્ઞાન પ્રવાહમાં જઈને ડોક્ટર થાવું હતું. પણ વિઠ્ઠલદાસ પાસે પોતાની જમીન સિવાય અન્ય કોઈ સંપત્તિ નહતી. પરંતુ ‘એ બધી જમીન પણ શું કામની જો એનાથી એની દીકરીનું સપનું પણ પૂરું ન થાય?’ આવું વિચારીને પોતાની દીકરી ગણેલી દેવિકાનું આ સપનું પૂરું કરવા માટે પચીસમાંથી દસ વીઘા જમીન વેચી દીધી. આવેલા પૈસાના જોરે એણે દેવિકાને બાયોલોજીમાં શહેરની સારામાં સારી ગણાતી શાળામાં એડમીશન અપાવ્યું.

દેવિકા બારમા ધોરણમાં પણ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઇ અને ઈશ્વરકૃપાથી સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી. બરાબર એ જ વખતે દીપક દસમા ધોરણમાં હતો. પહેલેથી ભણવામાં ખાસ રૂચી નહતી એટલે એનું નબળું પરિણામ દસમાના રીઝલ્ટમાં દેખાઈ આવ્યુ. પણ પિતાના પુત્રપ્રેમના લીધે કોઈ કશું બોલી શક્યું નહિ. અગિયારમા ધોરણમાં એનું ભણવાનું સાવ અનિયમિત થયું અને બારમા ધોરણમાં તો સાવ બંધ! અંતે નાપાસ થઈને એણે ભણવાનું બિલકુલ બંધ જ કરી દીધું. સતુભાના મનમાં એક યોજના હતી. પોતાની વધતી જતી ઉંમરના લીધે હવે સરપંચના પદ પર તેઓ દીપકને બેસાડવાનું નક્કી કરી રહ્યા હતા. આમેય સરપંચ બનવા માટે કોઈ ડીગ્રી કે વિશેષ ભણતરની જરૂર નહતી એટલે આગામી ચુંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે દીપકનું નામ જાહેર થયું. પણ પોતાની ગામલોકો પરની પકડ હવે ઓછી થતી જી રહી હતી તેમ વિચારીને દીપકના તમામ હરીફ ઉમેદવારોને ધાકધમકી અને લાંચ રિશ્વત આપીને એમની ઉમેદવારી પાછી ખેંચાવી લીધી. આખરે ગ્રામ પંચાયતની ચુંટણી સમરસ થઇ અને દીપકને સરપંચ જાહેર કરાયો. પછી ‘બાપ નંબરી બેટા દસ નંબરી’ કહેવતને સાર્થક કરતો દીપક ઉદ્દંડ અને સ્વચ્છંદી બની ગયો હતો. વાતવાતમાં કોઈ એને ચીડવે તો મારામારી કરવાથી લઈને ગામની છોકરીઓની છેડતી કરવાનું જાણે એણે મન આહ્લાદ હતું. શારદા પોતાનો ડર સાચો પડવાના લીધે અંદરથી સાવ તૂટી ગઈ હતી. આવા ઉદ્ધત ભાઈના કારનામાંઓના લીધે ત્રણેયમાંથી એકેય બહેનના લગ્નની શરણાઈ વાગતી નહતી. પણ દીપકને એની કઈ પડી નહતી. પોતે તો જે છોકરીને પ્રેમ કરતો હતો એને માતાપિતાને પૂછ્યા વગર જ વહુ બનાવીને ઘરમાં લઇ આવ્યો. એ નવી વહુએ પોતાના જ ઘરનાં વિરુદ્ધ દીપકના કાન ભર્યા અને એ બંને એમનાથી અલગ રહેવા ચાલ્યા ગયા. પુત્રને આટલા લાડકોડથી ઉછેરીને હવે એ પુત્રના અવતરવા પર સતુભા ધિક્કાર પામી રહ્યો હતો. એના મનમાં ને મનમાં ક્યાંક એક ઉચાટ રહેતો હતો. સતત ટેન્શન અને ચિંતાના લીધે સતુભાની તબિયત દિવસે ને દિવસે લથડતી જતી હતી. ઉપરથી શારદા પણ હવે પોતાની અંદર વર્ષોથી દબાવેલો ગુસ્સો સતુભા પર ઠાલવતી હતી એ અલગ! શારદાના રોજના મહેણાં અને ત્રણેય જુવાનજોધ દીકરીઓનું કુંવારાપણું સતુભાથી સહન નહતું થતું. રહી રહીને એના મનમાં થતું કે ‘આ એ જ પાપની સજા છે કે જે પાપ મેં એક તાજી જન્મેલી દીકરીને તરછોડીને કર્યું હતું’.

એક રાત્રે પોતાનાથી ઉપાડી શકાય એટલો સામાન બાંધીને સતુભાએ ઘર છોડીને એ મંદિર તરફ ડગ માંડ્યા જે મંદિરના દરવાજે એણે પોતાની બાળકીને ત્યજી દીધી હતી. એના મનમાં એમ હતું કે કદાચ એ મંદિરે બેસીને શાંત મને તે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકશે અને જો ભગવાને ચાહ્યું તો ત્યાં જ એક બેનામી ભિખારી તરીકે મૃત્યુને પામશે.

સતુભા વહેલી સવારે ત્યાં પહોચે છે. બધા ભીખારીઓથી દુર એવો અલગ એક લીમડાના વૃક્ષ નીચે બેસે છે. ભૂખથી જઠર પીડાતું હતું પણ માંગવાની આવડત ન હોવાથી કોઈ પાસે મગાય એમેય નહતું. આથી સુનમુન બેઠો હતો. પુજારી વિઠ્ઠલદાસ મીઠાઈના મોટા મોટા બોક્સ લઈને મંદિરના પ્રાંગણમાં આવ્યા. દરેક ભિખારીને એક એક બોક્સ આપી રહ્યા હતા. આજે એમના ઘરે ઉત્સવ જેવું વાતાવરણ હતું.અને કેમ ન હોય?! દેવિકાને શહેરના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી મળી ગઈ હતી એટલે વિઠ્ઠલદાસ અને માલતીની ખુશીનું કોઈ ઠેકાણું નહતું. બધા ભિખારીઓને મીઠાઈના બોક્સ દેવિકાના હાથે અપાવડાવ્યા પછી વિઠ્ઠલદાસની નજર અલગ અને દુર બેઠેલા સતુભા પર પડી. બધા ભીખારીઓમાંથી એકને એમણે પૂછ્યું,

“પેલો કોણ છે? તમારામાંથી કોઈ છે?”

“અરે ના ના! ખબર નહિ ક્યાંથી આવ્યો છે મહારાજ. મેં સવારે જ જોયો”, એણે કહ્યું.

“ચલ જો બેટા આપણે એને પણ આપી આવીએ. પહેલી નજરે જોતાં જ ભૂખ્યો લાગે છે”, વિઠ્ઠલદાસે દેવિકાને કહ્યું.

“હા પપ્પા ચાલો”, કહીને દેવિકા આગળ થઇ.

પહેલી વાર એણે પોતાના સગા બાપને જોયો હતો. બીમાર અને લાચાર. હજી સુધી ક્યારેય વિઠ્ઠલદાસે કે માલતીએ કોઈ વાર દેવીકાને આ વિષે જણાવ્યું નહતું.

“બાબા!”, દેવિકાના ટેરવાંના સ્પર્શથી સતુભાને જાણે પોતીકાપણાનો અહેસાસ થયો.

“હા”, સતુભા માત્ર આટલું જ બોલી શક્યો.

“બાબા, ભૂખ લાગી છે ને? લો આ મીઠાઈ”, દેવિકાએ કહ્યું.

સતુભાએ ભૂખ સંતોષવા તરત જ એ બોક્સ લઈને ખાવા માંડ્યું.

“તમે ક્યાંથી આવો છો ભાઈ? તમને ક્યારેય અહી જોયા નથી”, વિઠ્ઠલદાસે કહ્યું.

પણ સતુભાએ કશો જવાબ ન આપ્યો.

“તમને પૂછું છું ભાઈ”, વિઠ્ઠલદાસે ફરી પૂછ્યું.

“હું અહી આવ્યો નથી ભાઈ. મારું પાપ મને અહી લઇ આવ્યું છે.”

ભિખારી આટલું શુદ્ધ અને માર્મિક બોલે એ જાણીને વિઠ્ઠલદાસ આશ્ચર્ય પામ્યા.

“કયું પાપ?”, દેવિકાએ પૂછ્યું.

દેવિકાના આ સવાલથી સતુભા ભાંગી પડ્યો. મીઠાઈનું બોક્સ ત્યાં જ બાજુમાં મુકીને ચોધાર આંસુએ રડવા લાગ્યો.

“પાપ બધાથી થાય છે ભાઈ! અને ઈશ્વર એને સુધારવાનો મોકો અવશ્ય આપે છે. આમ ભાંગી ન પડો”, વિઠ્ઠલદાસે કહ્યું.

“હું હવે એ પાપ સુધારી નથી શકવાનો મહારાજ. ક્યારેય નહિ”

“એવું તે શું હતું?”

“મેં મારી તાજી જન્મેલી દીકરીને આ જ મંદિરના દરવાજે તરછોડી હતી મહારાજ. કેવો બાપ હતો હું? આવી નિર્મમતા કુદરતે કેમ મૂકી હશે મારામાં?”, ડુસકા લેતા લેતા સતુભાએ ખુલાસો કર્યો.

આ સાંભળતા જ વિઠ્ઠલદાસ સડક થઇ ગયો. અચાનક એક ઝણઝણાટીએ એના શરીરના રુંવાડા ઉભા કરી દીધા.

“એવી તે શી મજબૂરી હતી તમારી બાબા?”, દેવિકાએ સહજ સવાલ પૂછ્યો.

“પુત્રપ્રેમ. ત્રણ દીકરીઓ પછી ચોથી વાર દીકરો ન આવ્યો એટલે એ જ ગુસ્સામાં મેં આવું ખરાબ કૃત્ય કર્યું”

“એ છોકરીને તમે માવતરથી ભલે દુર રાખી પણ એના નસીબથી દુર ન કરી શકો ભાઈ”

“એટલે?”, સતુભાના મનમાં આશાનું કિરણ ઝળક્યું.

“એટલે એમ કે જો એ તમારે ત્યાં હોત તો કદાચ ઉપેક્ષા સિવાય કઈ ખાસ મેળવી ન શકી હોત”

“તમે શું કહો છો એ મને ખબર નથી પડતી મહારાજ”

“દેવિકા!”

“જી પપ્પા બોલો”

“જો તું મારો અને તારો ડીએનએ ટેસ્ટ કરાવે તો તને ખબર પડશે કે હું તારો બાપ નથી કે માલતી તારી માં નથી”

“તમે શું કહો છો પપ્પા?”, દેવિકાના પગ તળેથી જમીન સરકી ગઈ.

“હા સાચું કહું છું. આ ભાઈ જે તરછોડાયેલી છોકરીની વાત કરે છે એ તું જ છે બેટા!”

સતુભાની આંખો વિશ્વાસ નથી કરી શકતી.

“અને ભાઈ, આ દીકરીના નસીબમાં વિધાતાએ ડોક્ટર બનવાનું લખેલું હશે એટલે જ આજે એ મારી સાથે છે”

“મારું સંતાન આ મુકામ પર છે એવું જાણ્યા પછી હવે મને હાશકારો છે મહારાજ. તમે જ એનું સાચું માવતર છો. એને તમારી સાથે જ રાખો. પણ બેટા તારે મને એક વચન આપવું પડશે”

“બોલો પપ્પા”, સતુભાને પિતાજી કહેતાવેંત દેવીકાની આંખે અશ્રુની ટશર ફૂટી.

“મારું જયારે પણ મૃત્યુ થાય ત્યારે મારી ચિતાને અગ્નિદાહ આપવાનો હક હું દીપકને નહિ, તને આપું છું”

પછી ભેટીને બંને બાપ-દીકરી ખુબ રડ્યા. વિઠ્ઠલદાસ શંકર ભગવાનની મૂર્તિ તરફ બંને હાથ ફેલાવી એમની લીલાને સતત વધાવતો રહ્યો.

***