love affair at the marin drive books and stories free download online pdf in Gujarati

લવ અફેર એટ ધ મરીન ડ્રાઈવ

લવ અફેર એટ ધ મરીન ડ્રાઈવ

ઓફિસે જવા યોગેશ ઉતાવળમાં ફટાફટ જમીને ઊભો થઈ ગયો.

બાજુમાં બેઠી દડીના બેઠેલા તેના મમ્મીએ દેશી લહેકામાં કહ્યું, “વહુ બેટા… ટિફિન ભર્યું ક નઇ...?”

રસોડાની ગરમીમાં બફાઈ ગયેલી વહુએ જવાબ આપ્યો, “બસ આ તૈયાર જ કરું છું...”

યોગેશે બુટ-મોજા પહેરીને ઓફિસ બેગ ખભે કરી. કાંડા ઘડિયાળમાં સમય જોયો. દરરોજની જેમ આજે પણ થોડુંક મોડું થઈ ગયું હતું. હેલ્મેટ હાથમાં લઈને બાઈકની ચાવી શોધવા તેણે આમતેમ નજર ફેરવી, પણ ચાવી ક્યાંય મળી નહીં. તેણે જરાક અકળાયેલા અવાજે ભવાં સંકોચી બૂમ પાડીને કહ્યું, “તન્વી.., જલ્દી બાઈકની ચાવી શોધ જે... લેટ થાય છે મારે...”

તન્વીએ બાઈકની ચાવી શોધીને તેના હાથમાં આપી. યોગેશ ટિફિન લઈને લીફ્ટમાં નીચે ઉતર્યો. સાંકડા રસોડામાં તન્વી બાકીના પાંચ જણાની રસોઈ કરવા કામે લાગી ગઈ. યોગેશના મોટા ભાઈના ત્રણેય છોકરાઓ ગામડેથી મુંબઇ વેકેશનમાં ફરવા આવેલા હતા. સાસુમાં બેઠકરૂમમાં પગ વાળીને નિરાંતે એમની સાથે ટીવી જોતાં હતા, અને સસરા ચશ્માં ચડાવી ખુરશીમાં છાપું વાંચી રહ્યા હતા.

~

યોગેશ ઓફિસમાં કોમ્પ્યુટર પર વર્ક કરી રહ્યો હતો. સૉફ્ટવેરનું કોડિંગ કરીને તેણે એન્ટર પ્રેસ કર્યું. સ્ક્રીન પર સૉફ્ટવેર રન થતું જોઈને તેણે આંગળીના ટચાકા ફોડ્યાં. હાથ ઊંચો કરીને ઊંડો શ્વાસ છાતીમાં ભર્યો. ગરદન ગોળ ફેરવી જોઇંટ્સ રિલેક્સ કર્યા એટલામાં જ... ડેસ્ક પર મૂકેલા મોબાઈલમાં મેસેજની ટોન રણકી. અંગડાઇ લઈને હવામાં અધ્ધર ખેંચેલા હાથ તરત નીચે ખેંચ્યા. મેસેજ વાંચતાં જ તેના હોઠ પર સ્મિત રેલાઈ ગયું. સવારથી ઓફિસના વર્કલોડથી થાકીને કરમાઈ ગયેલો ચહેરો ક્ષણભરમાં ખીલી ઉઠ્યો. મલકાતા હોઠ પર દાંત દબાવી તેણે રિપ્લાય કર્યો: આઈ મિસ યુ ટુ, ડાર્લીંગ

‘વેન આર યુ કમિંગ એટ આવર પ્લેસ...?? ઇટ્સ બીન અ લોંગ ટાઈમ સીન્સ વી મેટ હિયર. આઈ એમ ડાઈંગ ટુ ગેટ યોર વોર્મ હગ...’ હાર્ટ-શેપવાળા ઇમોજીસ સાથેનો મેસેજ આવ્યો.

  • ‘આઈ નો ડાર્લીંગ, જસ્ટ હાફ એન આવર. આઈ કાન્ટ વેઇટ ટુ મીટ યુ ધેર, માય રોસગુલ્લા...’ બન્ને આંખે હાર્ટ-શેપવાળા ઇમોજી મોકલ્યા.
  • ‘રોસગુલ્લા??? કમ ઓન, વોટ્સ રોંગ વિથ માય નેમ??’ મોઢું ચડાવેલા બે-ત્રણ ઇમોજી સાથેનો મેસેજ આવ્યો.

  • ‘રોસગુલ્લા સાઉન્ડ્સ મોર ક્યૂટર ઓન યુ...’ ફરીથી હાર્ટ-શેપવાળા ઇમોજીસ સેન્ડ કર્યા.
  • ‘આઈ એમ વેઇટિંગ હિયર... ગેટ યોર વર્ક ડન’ ફરીથી મોઢું ઉતરેલા અને હાર્ટ-શેપવાળા ઇમોજીસ મોકલ્યા.

  • ‘યસ માય બોસ... આઈ ગાટ્ટા ગો નાઉ... મીટ યુ સૂન... લવ યુ. બાય...’ હાર્ટ-શેપની ચૂમ્મી છોડતો ઇમોજી સેન્ડ કર્યો.
  • લવી-ડવી ચેટ બાદ યોગેશે ભારે પ્રયત્ને ઓફિસ વર્કમાં મન પરોવ્યું. અડધો કલાક બાદ કોમ્પ્યુટર શટ ડાઉન કરતાં જ તેના વિચારો ટર્ણ્ડ ઓન થઈ ગયા. આજે ઘણા દિવસે તેની સાથે ‘મેક આઉટ’ કરવાનો ચાન્સ મળશે એ વિચાર સાથે જ આછી ઉત્તેજનાની ઝણઝણાટી તેના શરીરમાં પ્રસરી ગઈ. એણે સામેથી મેસેજ કરી ત્યાં બોલાવ્યો એ વિચારના આવેગથી ઉશ્કેરાઈ તેણે જલ્દીથી ઓફિસ બેગ ખભે કરી, કાંડા ઘડિયાળમાં ટાઈમ દેખ્યો. ઉતાવળા પગે ઓફિસની બહાર નીકળીને તેણે બાઇક મરીન ડ્રાઈવ પર મારી મૂક્યું.

    ~

    મુંબઈના દરિયા કિનારે રળિયામણી સાંજ ઢળી રહી હતી. ધીમી આંચે શેકાતો સૂર્ય કેસરી જ્યોતે ઝળહળી રહ્યો હતો. નારંગી-પીળા રંગમાં લસોટાયેલા કેસરિયા વાદળો પર સફેદ લિસોટો પાડતું રોકેટ જઈ રહ્યું હતું. માળામાં પાછા ફરતા પંખીઓના ટોળાં, ઊંચી ગગનચુંબી બિલ્ડીંગો અને રોડ પર જતાં વાહનોના ઘોંઘાટ સાથે ઘૂઘુવતો દરિયો, જેના હિલોળા લેતા મોજા કિનારે પથરાયેલા કેટલાયે પથ્થરોની હારના ખડકલા પર અથડાતાં ઉછળતા હતા. પથ્થરો પર પોતપોતાની જગ્યા શોધીને એકબીજાના પ્રેમરસમાં ગૂંથાયેલા પ્રેમીપંખીડા ઠેરઠેર તેમનું અલાયદું પ્રેમવિશ્વ બનાવી તેમાં મગ્ન થયેલા હતા.

    આહલાદક શીતળ પવનની લહેરથી ઊડતાં ખુલ્લા રેશમી વાળની લટ તેના ગોરા ગાલ પર ઉડી રહી હતી. તેણે વાળની લટ હાથમાં લઈ કાનની પાછળ સેરવી લીધી. ડેનિમનું ટાઈટ બ્લ્યુ જીન્સ અને પેટલ પિન્ક સ્લીવવાળું શિફોન ટોપ તેણે પહેરેલું હતું. મુંબઈની ઢળતી સાંજનું મનોરમ્ય દ્રશ્ય તે બાળસહજ વિસ્મયતાથી દેખી રહી હતી. સોનેરી તડકામાં તેની ગોરી ત્વચા કંચનવર્ણી બનીને ચમકી રહી હતી. કવિયત્રીની જેમ તેની આંખો આસપાસના દ્રશ્યોનું નિરીક્ષણ કરી રહી હતી. મનમાં શબ્દો ગોઠવાતા જ તેના ગુલાબી હોઠ પર આછું સ્મિત રેલાઇ ગયું. હાથમાં પકડેલા મોબાઈલમાં તેણે પંક્તિઓ લખી લીધી. થોડીકવારમાં તેની પાછળ બાઇકનો ઓળખીતો આવાજ સંભળાયો. તેણે ગરદન જરાક પાછળ ગુમાવી. યોગેશને આવતો જોતાં જ તેના બંધ હોઠ પરનું સ્મિત ગુલાબની પાંખડીઓની જેમ ખૂલીને હસી ઉઠ્યું. તેના બન્ને ગાલ પર ખંજન પડી ગયા.

    યોગેશે તેની બાજુમાં બેસી, હસતાં હોઠે જરાક ડોક પાછી કરીને કહ્યું, “વા...વ”, તેને ઉપરથી નીચે નિરખીને તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા, “યુ લૂકિંગ ગોર્જિયસ ઇન ધીસ ડ્રેસ... એનીથીંગ સ્પેસિયલ ટુડે?”

    જવાબ આપવાને બદલે નારાજ થઈ પ્રશ્ન પૂછીને ફરિયાદ કરી, “વ્હાય આર યુ સો લેટ...?”

    “તારા માટે ખાસ એક વસ્તુ લેવાની હતી એટ્લે...”

    “કઈ વસ્તુ??” પૂછતા જ તેના હોઠના ખૂણા જરાક મલકાઈ ઉઠ્યા.

    “અહીં નજીક આવે તો આપું...” કહીને બે હાથ તેની ફરતે બાંધી દીધા. એકબીજાના હૂંફાળા આલિંગનમાં બન્ને ભીંજાઇ ગયા. યોગેશના ખભા પર તેને માથું ઢાળી બન્ને હાથ વેલની જેમ તેની ફરતે વીંટાળી દીધા.

    યોગેશે તેને આલિંગનમાં દબાવી, તેના ગોરા ગાલ પર હળવું ચૂમી લઇ પ્રેમી અંદાજમાં પૂછ્યું, “ડિડ યુ મિસ મી સો મચ?”

    માથું હકારમાં હલાવી તે મુસ્કુરાઈ.

    છેલ્લા ત્રણેક મહિનાથી તેમનું લવ અફેર અહીં એકબીજાના હૈયામાં ગુંથાઇ રહ્યું હતું. પબ્લિકમાં યોગેશને ચૂમતાં તેની ગરદન શરમથી ઝૂકી જતી હતી. યોગેશે તેના ગાલ પર લસરી આવેલી લટ નજાકતથી તેના કાન પાછળ સેરવી. તેના ગોરા ગાલ પર શરમની લાલી ઉતરી આવી. ખૂબસૂરત ચહેરા સાથે ઝૂકી ગયેલી પાંપણો ઊંચી કરવા તેના ગાલ પર અંગુઠો પસવારીને પૂછ્યું, “લૂક એટ મી માય રોસગુલ્લા,” કહીને તેની હડપચી હળવેકથી ઊંચી કરી, તેની આંખમાં દેખીને કહ્યું, “ફિલિંગ શાય ટુ...” તેના હોઠ પર નજર કરી વાક્ય અધૂરું છોડી દીધું.

    માથું જરાક ધુણાવી કહ્યું, “નો... બટ હિયર...ઇન પબ્લિક...” તેના હોઠ ફરીથી મલકાઈ ગયા.

    યોગેશે તેના ખંજન પડતાં ગાલ પર અંગુઠો પસવારીને કહ્યું, “જસ્ટ ક્લોઝ યોર આઇઝ એન્ડ થિંક ઓફ મી. ફરગેટ ધ વર્લ્ડ...” તેની આંખોમાં દેખીને કહ્યું.

    મલકાતા હોઠમાં તેણે આંખો મીંચી દઇ, ગુલાબી હોઠ જરાક ખોલી દીધા. બન્ને હોઠ એકબીજા પર બિડાઈ પ્રગાઢ ચુંબનરસથી ભીના થઈ ગયા. દુનિયા ભૂલીને બન્ને બંધ આંખોમાં એકબીજાના ચહેરા કલ્પી, તસતસતા ચુંબનો ભરી એક અલગ જ દુનિયામાં ખોવાઈ ગયા. હૂંફાળા તેજ શ્વાસ એકબીજાના ચહેરા પર અફળાઇ રહ્યા હતા. હૈયામાં ઉભરાઇ આવેલો પ્રેમ આગળ વધવા ધીરે ધીરે વાસનાના તણખા ખેરવે એ પહેલા એકબીજાના ભીના હોઠ પર વરસતી ચુંબનોની બોછાર ઉત્તેજિત શ્વાસ સાથે ધીમી પડી. ચુંબનરસથી તરબોળ હોઠ અળગા થયા, મદહોશ થઈને ઢળેલી પાંપણો પ્રેમવિશ્વમાંથી બહાર આવવા હળવેકથી ખોલી, એકબીજા સામે નજર કરતાં જ સાહજિકપણે ગુલાબી ભીના હોઠ ખિલખિલ મલકાઇ ઉઠ્યા. જરાક આજુબાજુ નજર ફેરવી તેણે જોઈ લીધું. કેટલાયે પ્રેમીયુગલો તેમના અલાયદા પ્રેમવિશ્વમાં હજુ ખોવાયેલા હતા. તેણે યોગેશના ખભે માથું મૂકી બન્ને હાથ તેની ફરતે બાંધી આલિંગી લીધું.

    થોડીક પળો બન્ને વચ્ચે નિ:શબ્દ વહી ગઈ. ઝળહળતો સૂર્ય કેસરિયા વાદળોમાં લપાતોછુપાતો ક્ષિતિજે ડૂબી રહ્યો હતો. ઉડતા પંખીઓ સાથે થતાં સૂર્યાસ્તનાં અદભૂત કુદરતી દ્રશ્યને બન્ને પ્રેમયુગલો આહલાદક પવનની લહેરોમાં માણી રહ્યા હતા. ઢળતા સૂર્યનો કેસરીરંગ તેના ગોરા ગાલ પર ઉતરી આવ્યો હતો. છૂટી પડેલી વાળની લટ યોગેશે તેના કાન પાછળ મૂકીને તેના કપાળ પર હળવું ચૂમી લેતાં પૂછ્યું, “આમ આજે અચાનક બોલાવી લેવા પાછળ કોઈ ખાસ કારણ?”

    તેણે યોગેશના ખભા પર જ માથું રાખીને કહ્યું, “આઈ વોઝ મિસિંગ ધીસ મોમેન્ટસ ઓફ બીઈંગ ટુગેધર, ધેટ્સ વાય.” કહીને તેણે મોબાઈલ હાથમાં લીધો, પછી કહ્યું, “બાય ધ વે, ખાલી તને જ મળવા હું વહેલા નથી આવી, ઓકે? અહીં દરરોજ ફરતી મારી બેસ્ટ ફેન્ડ કવિતાને મળવા અને એને શબ્દોમાં ઉતારી લેવા આવી હતી.” તેણે કાવ્યત્મક અંદાજમાં કહ્યું.

    “આહા... યુ સાઉન્ડ પોયેટિક. મને વાંચી સંભળાવ... જોઈએ તારી કવિતામાં કેટલી બ્યુટી છલકાય છે...”

    “ઓકે... લેટ મી રીડ... ઇટ્સ ઇન ઇંગ્લિશ...” કહીને તેણે કવિતા વાંચવાનું શરૂ કર્યું.

    A million stars up in the sky,

    One shines brighter, I know why

    My love for you is unconditional,

    Your feelings for me is nutritional

    Feeling of love is so precious and true,

    That kind of love comes from me to you

    All these feelings for you in my heart I just can't hide,

    My heart feels so much love, just being by your side

    Thoughts of you, blossom love in my heart,

    I can't bear the pain when we are apart.

    But I am promising you one thing oh my dear,

    You'll always be in my heart

    Till death do us apart

    ખુશ થઈ ઉઠેલા યોગેશે તાળીઓ પાડીને પોયેમના વખાણ કરતાં કહ્યું, “વાહ... અદભૂત... યુ જસ્ટ સ્ટોલ માય હાર્ટ ઓહ ડીયર...”

    સૂર્ય ક્ષિતિજે અડધો ડૂબી ચૂક્યો હતો. અંધારું પ્રસરી રહ્યું હતું. બિલ્ડીંગો અને વાહનોની લાઇટની ઝઘમગાહટ રોડ પર રેલાઈ રહી હતી. યોગેશે ઘડિયાળમાં સમય જોઇને રમૂજમાં કહ્યું, “આજે અહીં જ રોકાવાનો ઇરાદો હોય તો પછી...” નોટિ સ્માઇલ વેરતા તેણે કહ્યું, “...રૂમ બૂક કરી લઈએ...?”

    હુંફાળું આલિંગન છોડીને યોગેશના ખભે હળવી થપાટ મારી, જરાક હસતાં હોઠે કહ્યું, “ધેટ્સ ઓલ ગોઇંગ ઇન યોર હેડ? ઇટ્સ ગેટિંગ ડાર્ક... આઈ થિંક આઈ શુડ ગો હોમ નાઉ...”

    “યા, મારે હેરકટિંગ કરાવવાનું છે. તને ઘર સુધી ડ્રોપ કરી જઉં?”

    “ના, અપ્સરા શોપિંગ મોલ આગળ ડ્રોપ કરી દે. ત્યાંથી હું ઓટોમાં જતી રહીશ...”

    બન્ને ત્યાંથી બાઇક પર નીકળ્યા. મોઢા પર રૂમાલ બાંધીને તે યોગેશની પીઠને આલિંગી લઈ બન્ને હાથ તેના પેટ આગળ વીંટી દીધા. યોગેશે તેને અપ્સરા મોલ આગળ ડ્રોપ કરી દઈ, તે હેરકટિંગ કરાવા ત્યાંથી નીકળ્યો. યોગેશ હેરકટિંગ કરાવી, નજીકના બુક સ્ટોરમાંથી બે પુસ્તકો અને ડાયરી ખરીદી ઘરે પહોંચ્યો.

    ~

    પાંચ માળના ફ્લેટમાં તે લિફ્ટમાં ઉપર પહોંચ્યો. ભાડેથી રહેતા બે રૂમ રસોડાવાળા મકાનનો કોલબેલ વગાડતા કહ્યું, “તન્વી...?” સાડી પહેરેલી સ્ત્રીએ દરવાજો ખોલ્યો. ઔપચારિક સ્મિતની આપ-લે થઈ. તેણે યોગેશની બેગ હાથમાં લઈ તેની યોગ્ય જગ્યાએ મૂકી, તે રસોડામાં પાછી રસોઈ માટે જતી રહી.

    “બેટા આજ ઘણીવાર વાર કરી ઓફિસથી આવતા? વાળ કપાઇ આયો...?” લસણ ફોલતા મમ્મીએ જરાક દેશી લહેકામાં પૂછતાજ કરી.

    યોગેશે બુટ કાઢતા હકારમાં માથું હલાવ્યું.

    “વહુ બેટા… પોણી ગરમ કરવા મુકજો...”

    રસોડામાંથી વહુનો હંકારો સાંભળી તે ફરી પાછા લસણ ફોલવામાં વ્યસ્ત થઈ ગયા.

    ટીવીમાં ચાલતી ક્રિકેટ મેચનો સ્કોર અને કોણ જીતશે એની બધી જ માહિતી પલંગમાં આડા પડેલા મોટા છોકરાએ આપી. બીજા બે છોકરાઓ જમીન પર ઉંધા પડી વિડીયો ગેમ રમી રહ્યા હતા. બાપુજી ચેક્સવાળી વાદળી લુંગી અને કાણાં વાળી ગંજી પહેરી ટીવી જોઇ રહ્યા હતા. તેમણે મસાલો ભરેલા લાલ મોઢે જરાક માથું ડોલાવી યોગેશની હાજરી પૂરી.

    ~

    બધાંયે સાથે જમી લીધા પછી યોગેશે કહ્યું, “પપ્પા, રૂમમાં ખૂબ બફારો લાગે છે. ચાલો, બહાર ગાર્ડનમાં આંટો મારીને છોકરાઓને આઇસ્ક્રીમ ખવડાવતા આવીએ.”

    આઇસ્ક્રીમનું નામ સાંભળીને ત્રણેય ગામડિયા છોકરાઓએ હોઠ પર જીભ ફેરવી ભીના કરી દીધા. ટીવી અને ગેમ રમવા પડતું મૂકી એકબીજા સામું જોઈને મલકાઇ ઉઠ્યા. સાસુમાં ઢીંચણનો ટેકો લઈને ઊભા થતાં બોલ્યા, “મુંયે બહાર જરાક પગ છૂટો કરતી આવું. મોયન મોય રઈન તો બફાઈ જઈ બાપ! હેડો લ્યા છોકરો... લેફ્ટમો નેચ જઈએ...” કહીને બહાર નીકળ્યા. ત્રણ મહિનાથી ત્યાં રહેતા છોકરાઓ લિફ્ટની સ્વીચોથી પરેપુરા પરિચિત થઈ ગયા હતા. ગેલમાં આવીને ત્રણેય ઊછળતા પગે બહાર નીકળ્યા. યોગેશના પપ્પા જાણે ગામડામાં જ ફરતા હોય એમ લુંગી-બંડીમાં જ દાંત ખોતરતા બહાર નીકળ્યા. યોગેશે તેમને ઊભા રાખી શર્ટ આપતા કહ્યું, “સાંભળો પપ્પા, આવી ફાટેલી બંડી પહેરીને સાવ લગરવગર બહાર ના નીકળાય...” કહ્યું ત્યારે તેમણે શર્ટ પહેર્યો. લેંઘો પહેરવાનું કહ્યું એટલામાં તો છોકરાઓ તેમને ખેંચીને લીફ્ટમાં લઈ ગયા.

    નીચે ઉતરીને ગાર્ડનમાં જતાં યોગેશના મોબાઈલમાં મેસેજની ટોન રણકી. મેસેજ વાંચતાં જ તેના હોઠ મલકાઇ ઉઠ્યા. મરીન ડ્રાઈવના ખુલ્લા વાતાવરણમાં અનુભવેલી પ્રેમની લાગણીઓ ફરીથી હૈયામાં હિલોળા લેતી છલકાઈ આવી. તેણે મેસેજનો તરત જ રિપ્લાય આપ્યો: ‘આઈ વિશ આઈ કૂડ સ્પેન્ડ મોર ટાઈમ વિથ યુ, માય રોસગુલ્લા...’

    ‘ધેન કમ હિયર, નોબડી ઈઝ હોમ...' આંખ મારતો ઇમોજી સેન્ડ કર્યો.

  • ‘આર યુ સિરિયસ?’
  • ‘યસ આઈ એમ.’ ખડખડાટ હસતો ઇમોજી મોકલ્યો.

  • ‘ઓકે ધેન... કીપ ધ ડોર ઓપન... આઈ એમ કમિંગ...’
  • ‘આઈ વોઝ જસ્ટ જોકિંગ...’ ખડખડાટ હસતાં ઇમોજીસ મોકલ્યા.

    ‘હેય... લીસન ઈડિયટ!’

    ‘યોગેશ...?? આર યુ ધેર...?’

    ....નો રિપ્લાય...

    ‘હેલ્લો યોગેશ...???’

    ~

    મોબાઈલ સાઈલેન્ટ મોડ પર કરી યોગેશ બધાને સોસાયટી બહાર નજીકના આઇસ્ક્રીમના સ્ટોલ પર લઈ ગયો. ત્યાંથી નીકળવાનું બહાનું બનાવવા તેણે સોની નોટ પપ્પાને આપીને કહ્યું, “તમે આઇસ્ક્રીમ ખાઈને ગાર્ડનમાં બેસજો. હું અહીં એક ખાસ મિત્રને મળીને આવુ છું. ઓકે?’ કહીને તે ત્યાંથી નીકળ્યો. થોડુંક આગળ જઈને તેણે પાછળ જોઇને તપાસી લીધું કે કોઈ દેખતું તો નથી ને! મોકો મળતાં જ તેના પગ ઉત્તેજનાના સળવળાટ સાથે જ વેગીલા બન્યા. તરત જ લિફ્ટની સ્વિચ દબાવીને તે સડસડાટ ઉપર જતો રહ્યો. દરવાજો સહેજ ધક્કો મારતાં જ ખૂલી ગયો. તે અંદર પ્રવેશ્યો. રસોડાના દરવાજે ખભો ટેકવી ગોરા ગાલમાં ખંજન પડે એવું મધુર સ્મિત રેલાવતી તે ઊભી હતી. યોગેશે દરવાજો વાખી દઈ પ્રેમભરી આંખે તેની નજીક સરક્યો. બન્ને હાથ તેની કર્વાકાર કમર પર મૂકી દીધા. સરકતી આંગળીઓ તેની પીઠ પાછળ બાંધી દઈ તેને નજદીક ખેંચી, નોટિ સ્માઇલ વેરતા પૂછ્યું, “હજુ પણ દિલ ભરાયું નથી? માય રોસગુલ્લા...”

    તેણે મોઢું મચકોડી પ્રેમભરી આંખે માથું ધૂણાવ્યું.

    “નેક્સ્ટ ટાઈમ મરીન ડ્રાઈવથી દિલ નહીં ભરાય, રૂમ જ બુક કરાવો પડશે...” કહેતા જ લુચ્ચું સ્મિત તેના હોઠ પર ફરકી ગયું.

    લજાઈ ગયેલી પાંપણો સાથે તેનો ચહેરો નીચે ઝૂકી ગયો. હળવી મુઠ્ઠી યોગેશની છાતી પર મારીને પૂછ્યું, “ક્યાં સુધી આવી રીતે ચોરીછુપી મળતાં રહીશું? આઇ ડોન્ટ ફિલ કમ્ફર્ટેબલ ટુ મેક લવ વિથ યુ...”

    “આઈ નો ડાર્લીંગ, પ્રમોશન મળે પછી હું કંઈક ગોઠવું છું. પછી તો તું અને હું...” કહીને તેની નજદીક ઝૂક્યો. બન્ને હોઠ ફરીથી એકબીજા પર બિડાઈ પ્રગાઢ ચુંબનરસથી તરબતર થઈ ગયા. થોડીકવાર બાદ, પ્રેમવિશ્વમાં ખોવાઇને પાછા આવેલા પ્રેમીપંખીડાએ ભીના હોઠ એકબીજા પરથી અળગા કર્યા. મૌન રહીને બન્ને મુસ્કુરાતા હોઠે એકબીજાની આંખની ગહેરાઈમાં દેખતા રહ્યા. યોગેશે હસતાં હોઠે કહ્યું, “તારા માટે એક સરપ્રાઈઝ છે.”

    તેણે ટ્રિમ્ડ આઇબ્રો અદાથી ઉછાળીને પૂછ્યું, “સરપ્રાઈઝ? ફોર વોટ?”

    યોગેશે બેગમાંથી ગુલઝાર અને ટાગોરની સેલેક્ટેડ પોયેમ્સની બુક તેના હાથમાં મૂકી. પછી તેણે ડાયરી હાથમાં રાખીને કહ્યું, “તારી પોયેમ્સનું એબોર્સન ના થાય એટ્લે આ ડાયરીમાં હવેથી તારી પોયેમ્સને તારે જીવતી રાખવાની છે, ઓકે? આઈ લાઈક ધ વે યુ એક્સ્પ્રેસ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ... આઈ લવ યુ માય રોસગુલ્લા...”

    યોગેશના પ્રેમભીના શબ્દો અને કાળજી જોઈને તેના હૈયામાં સ્નેહનું ઘોડાપૂર ઉમટી પડ્યું. ભાવભીની આંખે તે ભેટી પડીને ‘આઈ લવ યુ ટુ...’ કહ્યું ત્યાં જ....

    દરવાજે કર્કશ કોલબેલ રણક્યો....

    “વહુ બેટા...દરવાજો ખોલો...” અવાજ સાંભળતા જ બન્નેનું હ્રદય થડકી ઉઠ્યું. યોગેશે દીવાલ ઘડિયાળમાં સમય જોઈને અધમણનો નિસાસો નાંખ્યો. મોઢું બગાડીને હવામાં મુક્કો માર્યો. પ્રેમમયમાં કેટલો સમય વહી ગયો એનું ભાન ન રહેતા તે અકળાઈને ધીમા સાદે બબડ્યો : યાર, હજુ પાંચ મિનિટ તો થઈ હતી એટલીવારમાં... પોણો કલાક વીતી ગયો? હવે શું કરું??”

    તન્વીએ ખિલખિલાટ હસીને બન્ને ખભા ઉછાળ્યાં, “આઈ ડોન્ટ નો... વ્હાય ડિડ યુ કમ...?”

    “ઓહહ? નાઉ આર યુ બ્લેમિંગ મી...??” ભરાઈ પડેલા હાવભાવે ભ્રમરો કપાળે ચડાવીને કહ્યું.

    યોગેશના હાવભાવ જોઈને ખિલખિલાટ હસતી તન્વીએ મોઢા પર હાથ દબાવીને કહ્યું, “આઈ હેડ ટોલ્ડ યુ આઈ વોઝ જસ્ટ...”

    ફરીથી કર્કશ બેલ રણક્યો... સાસુમાંએ અકળાયેલા સાદે કહ્યું, “તન્વી બેટા...દરવાજો ખોલો... બળ્યા આ ઢેચણ દુખી જ્યાં આટલું હેડત તો...”

    તન્વીએ હસું દબાવી નોર્મલ હાવભાવે દરવાજો ખોલવા તરફ પગ ઉપાડ્યા...

    યોગેશે તેને રોકવા બે હાથ લાંબા કર્યા, પણ દરવાજો ખૂલતાં જ... તેના હાથ તૂટેલી ડાળની જેમ અધમણનો નિસાસો નાંખીને લટકી પડ્યા.

    ~*~*~*~

    A/N :– I was intrigued after watching short film ‘The Affair’, directed by Hardik Mehta (It is on YouTube). Basic plot of the story I took from short film. Just for an experiment that if I can develop the suspense or not.

    Share your thoughts and don’t forget to rate…

    Poem was by me…

    Email Id: parthtoroneel@gmail.com