Bhadram Bhadra - 16 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 16

ભદ્રંભદ્ર - પ્રકરણ - 16

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧૬. રસોઈ, રસોડું અને ભદ્રંભદ્ર

ભોજન તૈયાર થયાના સમાચાર આવ્યાથી હું ને ભદ્રંભદ્ર યજમાનને કૃતાર્થ કરવા ભોજનગૃહમાં ગયા. ભદ્રંભદ્ર કહે, 'આનાકાની કરવાનો મારો કંઈક વિચાર થાય છે, પણ સૂર્ય આગળ જેમ ચંદ્ર અદશ્ય થઈ જાય છે તેમ ક્ષુધા આગળ વિવેક અદૃશ્ય થઈ જાય છે. ભોજન-દક્ષિણા સંબંધમાં શાસ્ત્રે બ્રાહ્મણવર્ગને પ્રશ્રયના કર્તવ્યમાંથી મુક્ત કર્યો છે.'

ભૂતેશ્વર વગેરે કોઈ અમારી સાથે આવ્યા નહોતા, તેથી ભોજન કરતી વખતે અમારે ચાકરોનો સમાગમ તથા પરિચય થયો. નવડાવતાં ભદ્રંભદ્રની દૂંદ પર ઊંચેથી પાણી રેડતાં એક ચાકરે રસોઇયા ભણી જોઈ કહ્યું,

'મહારાજ, તમારી રસોઈ પહોંચવાની નથી. તમારાં તપેલાં આખાં ઠાલવી દેશો તોયે પુરાય તેમ નથી.'

ચાકરની એક આંખ દૂંદ પર હતી ને ભદ્રંભદ્રની દૃષ્ટિ નીચી હોવાથી તેમના લક્ષમાં ન આવી, તેમણે ઊંચું જોઈ પૂછ્યું, 'તપેલાં ઠાલવી દેશો ત્યારે અમને શું જમાડશો ? અમે જમી રહ્યા પછી ઠાલવવાનાં હશે. ક્યાં ઠાલવો છો ?'

ચાકરે જવાબ દીધો, 'એ તો એક પહોળી ને ઠીંગણી કોઠી છે તેમાં કેટલું માય તેની વાત કરું છું. કોઈ ગામથી આવેલી છે.'

ભદ્રંભદ્ર કહે, 'ત્યારે તો જોવા જેવી હશે, નહિ તો પરગામથી શું કામ મંગાવવી પડે ? અહીંયાંયે કોઠીઓ તો મળે છે.'

ચાકર કોણ જાણે શાથી એકદમ હસ્યો અને પછી હસવું બંધ રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બીજા ચાકરો પણ તેની પેઠે હસવા લાગ્યા.

રસોઇયાએ એક આંખવાળું, શીળીનાં ચાઠાંથી ભરેલું અને જાડી ચામડીથી મઢેલું, ચોરસ મુખ રોષિત કરી કહ્યું, 'અલ્યા મૂર્ખાઓ, એમાં હસો છો શું ? બધા કંઈ શ્રીમંત હશે કે અહીંની કોઠીઓ વાપરે જ નહિ ને પરગામથી મંગાવે ?' ભદ્રંભદ્ર ભણી જોઈ તે બોલ્યો, 'મહારાજ' કોઠી જોવાલાયક છે, જમીને ઉપર જાઓ ત્યારે દાદર આગળ મોટો આરસો છે, તેની સામા જશો એટલે એ કોઠી દેખાશે.'

તેનું ઠાવકું રહેલું મોં પહોળું થયું પણ તે નીચો વળી ચૂલો ફૂંકવા મંડી ગયો તેથી હસ્યો કે નહિ તે દેખાયું નહિ.

સ્નાનસંધ્યા સમાપ્ત થયા પછી અમે અન્નનો સત્કાર કરવા ગયા. નાના પાટલા પર મને બેસવાનું કહી ભદ્રંભદ્ર મહોટા પાટલા પર બેઠા. બેઠા તેવો પાટલો ખસ્યો અને તેની નીચેથી પથ્થરની લખોટીઓ બહાર ગગડી આવી. મેં ભદ્રંભદ્રને ઝાલી લીધા ન હોત તો મુખનો સ્પર્શ થતાં પહેલાં અન્ન તેમનાં ઉદરાદિ ભાગને સ્પર્શ કરત. ભદ્રંભદ્ર જરા સ્વસ્થ થયા એટલે રસોઇયો બોલ્યો, 'આ ઘરમાં એવો રિવાજ છે કે કોઈ મહોટા માણસ જમવા આવે ત્યારે તેને પથ્થરના પાટલા પર બેસાડવા. પથ્થરનો પાટલો હાલ તૂટી ગયેલો છે, તેથી તેને બદલે લાકડાના પાટલા નીચે પથ્થરના કકડા મૂકીએ છીએ.'

ભદ્રંભદ્ર કહે, 'મારા જેવા મહાપુરુષોનું સન્માન કરવું એ યોગ્ય છે; પથ્થર એ બુદ્ધિ અને જ્ઞાનની સંજ્ઞારૂપે આર્યપ્રજામાં પ્રસિદ્ધ છે અને તે માટે જ તે દેવોની પ્રતિષ્ઠા માટે વપરાય છે. તેથી મહાપુરુષો અને પથ્થરનો સંસર્ગ કરાવવો એ ઉચિત સંયોગસન્માનનું અનુકૂલ સાઘન છે. પણ પથ્થરની ગોળીઓને બદલે ચોરસ કકડા રાખવા જોઈએ કે સ્થિરતા સચવાય.'

રસોઇયાએ ચાકરો ભણી જોઈ પોતાની આંખ થોડી બંધ કરી અને પછી ભદ્રંભદ્ર તરફ જોઈ બોલ્યો, 'મહારાજ, ગોળ આકાર વિના તો ચાલે નહિ. બ્રહ્માંડ ગોળ છે, સૂર્યગોળ છે, ચંદ્ર ગોળ છે અને મહાપુરુષો પણ ગોળ હોય છે.'

ભદ્રંભદ્ર કંઈ ઉત્તર ઘડી કહાડતા હોય એમ જણાયા, પણ આખરે એટલું જ બોલ્યા, 'એ પણ વિચાર કરતાં યોગ્ય લાગે છે. મોદક પણ ગોળ હોય છે.'

ભોજન કરતાં અમારો કાળ વિનોદમાં જાય માટે ચાકરો આસપાસ આવીને બેઠા. એક ચાકર કહે, 'આ લાડુ જોઈને મ્હોંમાં પાણી આવે તેમ છે.' બીજો કહે, 'પાણી શું કામ આવે, લાડુ જ ના આવે ?' ત્રીજો કહે, 'એ તો રસોઇયા મહારાજની મહેરબાની હોય તો, તે દહાડાના જેવું કરે કે વધેલા લાડુ બધા ભોંય પર ગોઠવીને તે પર ગોદડું પાથરીને સૂઈ જાય અને જોવા આવે તેને કહે કે "લાડું તો કંઈ વધ્યા નથી અને મને તો તાવ આવ્યો છે ને મારે કંઈ ખાવું નથી." તે વગર ચાકરોને ભાગે લાડુ કરચ આવે તેમ નથી.'

રસોઇયો કહે, 'તારી તો જીભ જ કબજે ના રહે. આ મહારાજ જઈને શેઠને વાત કરે તો શેઠ ખરું માને. અમે શું એવા લુચ્ચા હઈશું ?'

ચાકર કહે, 'અરે એમાં તો મીઠું જ નથી, -શેમાં ? લાડુમાં. આ મહારાજ તો જાણે છે કે અમે બધા મળીને આ રસોઇયાની મશ્કરી કરીએ છીએ. એવા મહોટા માણસ તે ખરું માને ?'

ભદ્રંભદ્ર ભણી જોઈ હાથ જોડી તે બોલ્યો, 'આમાંની કંઈ વાત ઉપર જઈને કહો તો મહારાજ, તમને આ રસોઇયા મહારાજની એકની એક આંખના સમ છે.'

રસોઇયો કડછીમાં દાળ ભરી તે ચાકર ઉપર રેડવા ઊઠ્યો. પણ, તે ચાકર બીજા ચાકરોની પૂંઠે ભરાયો અને પછી હાથ બે તરફ લાંબા કરીને અને ડોકું નીચું નમાવીને નાચ્યો. રસોઇયો પાછો બેઠો, પછી ભદ્રંભદ્ર બોલ્યા, 'મોદક પર મનુષ્ય શયન કરે એ અસંભવિત છે અને હું માની શકતો નથી. પ્રથમ તો અન્નદેવતાનું એવું અપમાન કોઈ બ્રાહ્મણ કરે નહિ.'

અડધો લાડુ મ્હોમાં મૂકી વળી ભદ્રંભદ્ર બોલ્યા, 'મોદકાદિ અન્નને ગળી જવાથી તેનું દેવત્વ ઓછું થતું નથી. બીજા દેવતાને ગળી જવાનો શાસ્ત્રમાં નિષેધ છે, પણ અન્નને ગળી જવાની આજ્ઞા છે. કેમકે ઉદરમાં વાસ કરવો અન્નને પ્રિય છે. બીજા દેવતા મનુષ્યની પૂજા-અર્ચનાથી પ્રસન્ન થાય છે. પણ અન્ન્દેવતા મનુષ્યના પર તેને ગળી જવાથી પ્રસન્ન થાય છે; વળી મોદકમાં લવણ નથી એમ જે કહેવામાં આવ્યું તે પણ બહુ ધ્યાનમાં લેવા યોગ્ય છે. સાગરમાં લવણ છે તેથી જ સાગર દેવતા છતાં વિષ્ણુ તેમાં સૂઈ શકે છે. લવણ જાતે ખારું છતાં લોકોને ભ્રાંતિમાં નાખી મીઠાશ ધારણ કરતું જણાય છે અને પોતાને "મીઠું" કહેવડાવે છે, તેથી સિદ્ધ થાય છે કે તે માયાનું રૂપ છે. એ રીતે લવણ માયા છે તેથી તે વિષ્ણુને અને સાગરને અજ્ઞાનમાં નાખી એકબીજાથી અજાણ્યા રાખી વિગ્રહ કરતા અટકાવે છે. મોદક દેવતામાં લવણ ન હોવાથી મનુષ્ય તે પર શયન કરે તો તે તરત જાણી શકે અને મનુષ્યને સહસા ઉછાળીને ફેંકી દે; તેથી મનુષ્યને એવું પાપાચરણ કરવાનો વિચાર થાય જ નહિ. પણ એમ તો જ માનવું કે મનુષ્યના સૂવાથી મોદક કચરાય જાય અને તે બીકથી મનુષ્ય તે પર શયન કરે નહિ. એવી કલ્પના મોદકના દેવત્વ વિરુદ્ધ છે, તેથી ભ્રમમૂલક તથા હસવા સરખી છે, એવા દુષ્ટ તર્ક તો સુધારાવાળાને ઘટે; મને આશા છે કે તમારામાંથી કોઈ સુધારામાં ગયા નહિ હો.'

ભોંય પર લાડુ ગોઠવવાની વાત કરનાર ચાકર કહે, 'અમારામાં સુધારો તે શો હોય, પણ આ રસોઇયા મહારાજની નાતમાં એવું છે કે બાયડી પરણે એટલે પછી રાંધવાનો ધંધો ન કરાય, તેથી એ કહે છે કે "હું રાંધવાનો સંચો લાવવાનો છું. તેમાં જોખી જોખીને બધું મૂક્યું હોય ને દેવતા સળગાવી કળ ફેરવી મેલી એટલે એની મેતે રંધાઈ જાય. એટલે પછી એમ કહેવા થાય કે રસોઇયાનું કામ કરતો નથી પણ સંચા પર માસ્તર છું" એવો સંચો થતો હશે મહારાજ ?'

ભદ્રંભદ્ર નિ:શ્વાસ બાખી બોલ્યા. 'પાશ્ચાત્ય યાંત્રિક શક્તિઓ અનેક સુપ્રવૃત્તિઓ અટકાવે છે. તેમ સ્ત્રીઓને કર્તવ્યભ્રષ્ટ અને બ્રાહ્મણોને વ્યવસાયરહિત કરવા દેવે ધાર્યું હશે તો આવું દુષ્ટ યંત્ર પણ થશે. જલની ઉત્પત્તિના હેતુને નાશ કરનાર, ઋતુઓના ભેદને નિરર્થક કરનાર અને હિમાલયનું નામ અયથાર્થ કરનાર બરફનો સંચો નીકળ્યો છે, તો સ્ત્રીઓના અને રસોઇયા બ્રાહ્મણોના જીવનને નિષ્પ્રયોજન કરનાર, તેમના હસ્તને નિરુપયોગી કરનાર, તેમની બુદ્ધિને વ્યાપારરહિત કરનાર રાંધવાના સંચા પણ નીકળશે.'

રસોઇયો કહે, 'નીકળશે શું ? નીકળી ચૂક્યા છે; મેં છાપામાં વાંચ્યું છે અને શેઠ કોઈ વેળા પૈસા ખરચવા બેસશે તે વખત એ સંચોયે મંગાવું છું.'

ચાકરો તરફ વળીને તે બોલ્યો, 'પછી તો બધું રોજ જોખાવાનું ને જોઈ લેજો કે સીધું કેમ ઘેર લઈ જવાય છે.'

પેલો ચાકર કંઈક અકળાઈને બોલ્યો, 'પોતે ઘી પી પીને જાડો થયો છે, ને ભટાણીને જાડી કરવા રોજ ઘી ઘેર મોકલે છે તે તો મારા બેટાને સૂઝતું નથી.'

રસોઇયો ચૂલામાંથી બળતું લાકડું કહાડીને તે ચાકર પર ધસ્યો. બીજા ચાકરો તેને વારવા લાગ્યા, પણ રસોઇયાનો કોપ જલદી શમે તેમ નહોતું. 'મને "બેટો" કહેનાર કોણ અને ભટાણીનું નામ શું કામ દેવું પડે, એ જ વાક્ય ઘડી ઘડી તેના મુખમાંથી નીકળતું હતું અને કોઈ પણ ઉત્તરથી એ પ્રશ્ન બંધ થતા નહોતા. પેલા ચાકરને ડામવાનો રસોઇયો શપથ લેવા લાગ્યો. સમજાવ્યો નહિ અટકે એમ લાગ્યાથી ચાકરોએ રસોઇયાને ઝાલી લીધો અને બળતું લાકડું તેના હાથમાંથી ઝૂંટવી લીધું. ભદ્રંભદ્રે સુધારાની વાત કહાડ્યાથી આખરે નુકશાન તો અમને થયું કે રસોઇયો અભડાવાથી અમને પીરસવાનું અટકી બેઠું. એમને પીરસવાનું તો હજી બહુ બાકી હતું, કેમકે જમવા માંડ્યાને હજી પોણો કલાક જ થયો હતો. ચાકરો રસોઇયાને ફરી નહાવાની વિનંતી કરવા લાગ્યા. તે કહે, 'મારે નહાવું જ નથી. આ રસોઈ બધી કોહી જાય ને નાખી દઉં પણ તમારે ભાગે એમાંથી કંઈ આવવા દઉં નહિ.' હું ને ભદ્રંભદ્ર કંઈ જાણતા ન હોઈએ તેમ નીચું જોઈ થોડું થોડું ખાવાનું જરી રાખવા મંડ્યા, પણ માયા જેમ અજ્ઞાનમાં નાખી પાછી શિવસ્વરૂપ ભણી આત્માને પ્રેરે છે, તેમ ચિંતા નીચું જોવડાવ્યા પછી ત્રાંસુ જોવડાવી રસોઇયાનો ખેલ દેખાડવા લાગી.

ભદ્રંભદ્ર મારા મનમાં કહે, 'સ્નાન કર્યા પછી અશુચિ થતાં ફરી ન નહાનારને શાસ્ત્રમાં લખેલો દોષ આ રસોઇયાને કહેવાથી લાભ થશે.' પણ મેં કહ્યું, 'તે વખતે તમારું અપમાન કરશે તેની તો ફિકર નહિ, પણ અહીંથી જતો રહેશે તો સમૂળગા ભૂખ્યા રહીશું; માટે ચાકરોને જ સમજાવવા દો.'

ભદ્રંભદ્ર કહે, 'ભૂખ્યો તો ના રહું, મારું બ્રહ્મતેજ વાપરું તો બધી રસોઈ એમ ને એમ મારા મુખમાં ચાલી આવે પણ તેમ કરું તો તું રહી જાય અને કલિયુગમાં પરિણામ વિચાર્યા વિના બ્રહ્મતેજનો ઉપયોગ કરવાનો નિષેધ છે. વળી સર્વ પરિણામ જાણવા સારુ જ્યોતિષથી ગણતરી કરવી પડે, માટે હાલ મારું બ્રહ્મત્વ પ્રગટ કરતો નથી.'

આવી વાર્તામાં અમે શૂન્ય થાળીઓના દર્શનથી ઉદ્ભૂત થતો વિષાદ દૂર કરવા પ્રયત્ન કરતા હતા, તેટલામાં ક્ષમા માગી, વખાણ કરી, ગાંજો પાવાની લાલચ આપી, મે'માનને બેસાડી રાખ્યાની વાત શેઠને કાને પહોંચાડવાની બીક બતાવી અને બીજા અનેક ઉપાયો આદરી ચાકરોએ રસોઇયા પાસે નહાવાનું કબૂલ કરાવ્યું. 'ઊના પાણી વિના નહિ નાહું,' એવી વળી તે જીદ લઈ બેઠો. વિલંબ થાય છે, એ વાત ધ્યાનમાં લેવાની તેણે સાફ ના પાડી. ચાકરો ફરી ઊનું પાણી કરવા લાગ્યા.

ભદ્રંભદ્ર મને કહે, 'આપણે દેવતા સળગાવવામાં મદદ કરવા જઈએ. મારા જેવા બ્રાહ્મણની શરમે અગ્નિ ઝટ પ્રદીપ્ત થશે અને પ્રચંડ થશે.' મેં કહ્યું, 'બીજી હરકત તો કંઈ નથી. પણ ભોજનનો આરંભ કર્યા પછી સ્વસ્થાનેથી ઊઠવાનો નિષેધ છે. આપ જ કહેતા હતા કે પ્રાણવાયુ શરીરમાંથી ઝરીને પાટલાને એવો વીંટાઈ વળે છે કે ઊઠવાનો પ્રયત્ન કરીએ તોપણ ઉઠાય નહિ.'

ભદ્રંભદ્ર કહે, 'એ વાતની મને વિસ્મૃતિ થઈ. ભોજન જેવું શાસ્ત્રવિહિત કાર્ય કરતાં સુધારાનું નામ દીધું તેથી જ આ અનિષ્ટ પરિણામ થયું અને શાસ્ત્રાજ્ઞા વીસરી જવાઈ.'

આખરે જલે અને અગ્નિએ કૃપા કરી રસોઇયા મહારાજ નહાયા અને અમૃતાસ્વાદનો અમે ફરી પ્રારંભ કર્યો. કામ ચૂપચાપ ચાલ્યું, ચાકરોએ જિહ્વાલૌલ્યને વશમાં રાખ્યું. ભદ્રંભદ્રે શાસ્ત્રકથનની ઇચ્છાને અટકાવી. રસોઇયાએ નયનવ્યાપારને બંધ કર્યો. એકાદ કલાક રસોઇયાને સમજાવવામાં ગયો હતો, તેથી તે પહેલાં ખાધેલું બધું પચી જવાથી અમારે નવેસરથી ભોજન કરતાં એક કલાક થયો. કાર્ય સમાપ્તિ કરી. આ વખતે બધા મળી ત્રણ કલાક ગયા તે બધો વખત ઇતર વ્યાપારમાં ગયો તે માટે ખેદ કરતા, અમે ઉપર ગયા. યજમાનને રાજી કરવા પેટમાં પડવા દીધેલા ભારથી ભદ્રંભદ્ર હાંફતા ઊંચી દષ્ટિ રાખી દાદર પર ચઢ્યા, તેથી દાદર પાસેના આરસા ભણી તેમની દૃષ્ટિ પડી નહિ. તેની અંદર તેમનું પ્રતિબિંબ જોઈ કોઠી કેવી હશે તેનો વિચાર કરતો અને દાદરની ભારવહન શક્તિ શી રીતે મપાય તે વિશે તર્ક બાંધતો હું તેમની પછાડી ધીમે ધીમે ચઢ્યો. ઉપર ઘણુંખરું મંડળ વીખરાઈ ગયેલું હતું. રહ્યા હતા તેટલા ઊંઘી ગયેલા હતા. ત્રવાડી બેઠા બેઠા કેટલાકના જોડામાં કાગળના ડૂચા ને કાંકરા ભરતા હતા. અમે ગયા એટલે ઊભા થઈને ભૂતેશ્વર તરફ આંગળી કરીને બોલ્યા, 'સંયોગીરાજ તો સૂઈ ગયા છે.'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'એઓ સંયોગીરાજ કેમ કહેવાય ? એ નામ તો મેં હમણાં જ જાણ્યું.'

ત્રવાડી કહે, 'એઓ જ્ઞાનથી યોગી છે, કર્મથી ભોગી છે, આ સર્વ મંડળના રાજા છે, માટે સર્વગુણનું વાચક "સંયોગીરાજ" નામ તેમણે ધારણ કર્યું.'

ભદ્રંભદ્ર કહે, 'એમના જેવા મહાપુરુષ કોઈક જ હશે, હવે મંડળ ફરી ક્યારે ભરાશે ?'

ત્રવાડી કહે, 'દરરોજ પ્રાત:કાળે અને સાંયકાળે, દીવા થયા પછી મંડળ ભરાય છે.'

બીજે દિવસે સાંયકાળે આવવાનું કહી ભદ્રંભદ્ર ને હું બહારને દાદરેથી ઊતરી ઘેર ગયા.

***

Rate & Review

Mitesh Vachheta

Mitesh Vachheta 5 years ago

Jignesh Patel

Jignesh Patel 5 years ago

Dhara

Dhara 5 years ago