Hu, Ek Undar ane ek Kutaro books and stories free download online pdf in Gujarati

હું, એક ઊંદર અને એક કૂતરો

હું, એક ઊંદર અને એક કૂતરો

યશવંત ઠક્કર

વાત જૂની છે પણ મજાની છે. મારા નાનીધારી ગામમાં એ વખતે આશરે પંદરસો માણસોની વસ્તી હતી. ત્યારે ગામના નાના છોકરાઓને ભણવા સિવાયનાં બીજા ઘણાં અગત્યનાં કામ કરવા પડતાં. મારે પણ કરવાં પડતાં. જેમ કે, સસ્તા અનાજની દુકાનેથી ખાંડ લેવા માટે બીજે ગામ જવું, દુકાને બેસવું, દુકાનમાં સાફસૂફી કરવી, ઉઘરાણીએ જવું વગેરે વગેરે.

એવું જ એક કામ ઊંદરોને છોડવા માટે જવાનું રહેતું. ગામમાં બધાં મકાનો માટીનાં હતાં એટલે ઊંદરોની વસ્તી પણ સારાં એવા પ્રમાણમાં હતી. કોઈ ઘર ઊંદરમુક્ત હતું નહિ. ઊંદરમુક્ત ઘર હોય એવું સપનું પણ કોઈને આવતું નહિ. પરંતુ, ગામલોકો ઊંદરોને પકડવા માટે અવનવી યોજનાઓ અમલમાં મૂક્તા. જેવી રીતે આજકાલ કાળું નાણું પકડાવા માટે દેશના વડાપ્રધાન અને નાણાંપ્રધાન અવનવી યોજનાઓ અમલમાં મૂકે છે.

મારા માતાપિતા પણ અમારા ઘરમાં પણ એક પાંજરું રાખતાં. એમાં અમે રોટલાના ટૂકડા મૂકતાં, પરંતુ ઊંદરો પણ નવી નવી ટેકનોલોજીની જાણકારીથી પોતાની જાતને તૈયાર રાખતા હતા, એટલે એ પાંજરું મોટાભાગે ખાલી જ રહેતું. પરંતુ એક વખત એમાં એક ઊંદર ફસાયો. મારા ઘરની બાજુમાં જ અમારી દુકાન હતી. એ દુકાનમાંથી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ ખાઈખાઈને એ ઘણો હટ્ટોકટ્ટો થયો હતો.

એક ઊંદર પાંજરે પુરાવાથી અમારા ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું. હું પાંજરું લઈને મારી ફરજ બજાવવા ગામ વચ્ચેથી નીકળ્યો. પારકે ઓટલે બિરાજમાન થયેલા કેટલાક લોકોએ મને કડક અવાજમાં ચેતવણી આપી કે, ‘એય છોકરા, આઘો મૂક્વ્યાવજે.’ અર્થાત, ‘તું ઊંદરને દૂર દૂર મુકીને આવજે.’

મેં વળતો જવાબ આપ્યો કે, ‘હા ભાઈ હા, તમે ફિકર કરોમા. હું ઠેઠ ધાર વાંહે જાહય.’ ધાર એટલે ટેકરી. હા, ત્યારે મારી ભાષા પણ માટીવાળી રહેતી. આજે પણ થોડીઘણી એવી જ છે.

હવે બન્યું એવું કે, ગામના ચોકમાંથી એક કૂતરો પણ અમારી સાથે સફરમાં જોડાઈ ગયો. એને પાંજરામાં ભોજનની આખી થાળીનાં દર્શન થયાં, અને એની આંખોમાં ભવિષ્યનું સુંદર સપનું રમવા લાગ્યું. પાંજરામાં રહેલો ઊંદર કૂતરાને જોઈને ચિંતામાં પડી ગયો હોય એમ શાંત થઈ ગયો. એને, કયામતનો દિવસ નજીક આવ્યો હોવાનું સમજાઈ ગયું હશે.

ટેકરી મારા ગામને અડીને જ હતી. અમે ત્રણેય પ્રાણીઓ એ ટેકરીની બીજી તરફ ઊતરવા લાગ્યાં. અર્ધી ટેકરી ઊતર્યા પછી મને લાગ્યું કે. હવે ઊંદરને મુક્ત કરવા માટે યોગ્ય સ્થાન આવી ગયું છે. મેં પાંજરું નીચે મૂક્યું. કૂતરો આક્રમણ કરવની મુદ્રામાં આવી ગયો. મેં પાંજરાનું દ્વાર ખોલ્યું, પરંતુ ઊંદર આનાકાની કરવા લાગ્યો. આઝાદીની વેળા આવી પહોંચી હતી, પરંતુ એની નજર સામે મોટી બરબાદી પણ હતી. માત્ર માનવી જ નહિ, સંસારના તમામ જીવો સમક્ષ આવાં દ્વિધામાં મૂકી દેનારાં વિકલ્પો અવારનવાર આવતાં જ હોય છે.

ઊંદરને પાંજરામાંથી બહાર કાઢવા માટે મેં પાંજરાને હલાવ્યું અને એને બહાર નીકળવા માટે પ્રેરિત કર્યો. મારા પુરુષાર્થના પરિણામે ઊંદર પાંજરાની બહાર નીકળ્યો. ઊંદર પાંજરામાંથી બહાર નીકળે એ ક્ષણની જ રાહ જોઈ રહેલા કૂતરાએ તરાપ મારી. મારી દુકાનની સામગ્રી અરોગી આરોગીને અમારા પરિવારને પીડા આપનાર દુષ્ટનો અંત નજીક આવ્યો હોય એવું મને લાગવાથી હું ઘણો રાજી થઈ ગયો.

પરંતુ, કશું જુદું જ બન્યું, અદ્ભુત બન્યું! કૂતરાએ ઊંદર પર તરાપ તો મારી પણ ઊંદરે પોતાનામાં હતી એટલી શક્તિ એકઠી કરીને, એક ભયંકર ચિત્કાર સાથે કૂતરાનો સામનો કર્યો અને અને પોતાની જાતને કૂતરાના ચહેરા પર ફેંકી. અણધાર્યા પ્રત્યાઘાતથી કૂતરો ડરી ગયો, વિચલિત થઈ ગયો અને ઊંહકારા કરતો કરતો પાંચ છ ડગલાં પાછળ હટી ગયો. આ તકનો લાભ લઈને ઊંદર દોડીને નજીકના ઝાળામાં છુપાઈ ગયો. પરાજય પામેલો કૂતરો નિરાશ ચહેરે ઊભો રહી ગયો.

મારી નજર સામે જ કેટલી અદ્ભુત ઘટના બની ગઈ હતી! પણ શું કામની? એક જમાનામાં અહમદશાહ બાદશાહની નજર સામે આવી જ ઘટના બની હોવાનું કહેવાય છે. એ ઘટનામાં એક સસલું કૂતરાની સામે થઈ ગયું હતું, અને બાદશાહે એ જ જગ્યાએ મોટું નગર વસાવવાનું નક્કી કરી નાંખ્યું હતું. એ બાદશાહ હતો એટલે એવું વિચારી શકે, કારણ કે એને ક્યાં બેંકમાંથી લોન લેવાની હતી!

સસલું કૂતરાની સામે થઈ ગયું એ તો માત્ર બહાનું હશે, ખરેખર તો અહમદશાહને એ જગ્યા જ ગમી ગઈ હશે. બાકી, જેને મોત સાવ સામે જ દેખાતું હોય એ પ્રાણી પોતાની જીવ બચાવવા પોતાનામાં હોય એટલું જોર અજમાવે જ. ક્યારેક ફાવી જાય, ક્યારેક ન ફાવે.

એ દિવસે, એક પ્રેરણાદાયક પાઠ શીખીને હું અને પેલો કૂતરો ગામ તરફ પાછા ફર્યા.

***

Share

NEW REALESED