Lokmanya Balgangadhar Tilak books and stories free download online pdf in Gujarati

Lokmanya Balgangadhar Tilak

લોકમાન્ય બાળ ગંગાધર ટીળક

લોકમાન્ય બાળ ગંગાધર ટીળક એ ભારતના જાણીતા અને અત્યંત લોકપ્રિય સ્વતંત્રતા સેનાની હતા. ભારતની આઝાદીની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ‘લાલ, બાળ અને પાલ’ (લાલા લાજપત રાય, બાળ ગંગાધર ટીળક અને બિપીનચંદ્ર પાલ) ની ત્રિપુટીનો તેઓ અભિન્ન અંગ હતા. એકરીતે જોવા જઈએ તો ટીળકને ભારતનો સ્વતંત્રતા સંગ્રામ શરુ કરનારા સેનાની પણ કહી શકાય. ખુબ બ્રિટીશ ઈતિહાસકારો ટીળકને ‘ભારતીય ચળવળના જનક તરીકે ઓળખાવે છે.’ પ્રજામાં પોતાની લોકપ્રિયતા અને નેતા તરીકેની સર્વસ્વીકૃતિને લીધેજ ટીળકને ‘લોકમાન્ય’ નું ઉપનામ આપવામાં આવ્યું હતું.

‘સ્વરાજ’ એટલેકે પોતાના લોકો દ્વારા ચલાવવામાં આવતું રાજ એ શબ્દનો પ્રયોગ કરનાર ટીળક ભારતના સૌથી પ્રથમ નેતા હતા. સ્વરાજ શબ્દે દરેક ભારતીયના આત્માને અસર કરી દીધી હતી. “स्वराज्य माझा जन्मसिद्ध हक्क आहे आणि तो मी मिळवणारच”! એટલેકે “સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ રહીશ” નું વાક્ય ભારતીય ઇતિહાસમાં આજે અમર થઇ ગયું છે. બિપીનચંદ્ર પાલ અને લાલા લાજપત રાય ઉપરાંત લોકમાન્ય ટીળકે ઓરબિંદો ઘોષ અને મોહમ્મદ અલી જીન્નાની સાથે પણ લોકમાન્ય ટીળકના સારા સંબંધો હતા. સ્વરાજ માટે કાઈ પણ કરવાની તમન્ના ધરાવતા લોકમાન્ય ટીળક ગાંધીજીના સંપૂર્ણ અહિંસાવાદના ટીકાકાર હતા. આ ઉપરાંત તેઓ સત્યાગ્રહના સિદ્ધાંતમાં પણ માનતા ન હતા. ટીળકના માનવા અનુસાર અંગ્રેજો સામેની લડતમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે ભારતીયોએ કે પછી સ્વતંત્રતા સેનાનીઓએ બળનો પ્રયોગ કરવો જ જોઈએ.

પોતાના ચોટદાર વાક્યો તેમજ ભાષણોને લીધે ટીળક જનસામાન્યમાં અતિશય લોકપ્રિય થયા હતા, જેનેલીધે તેમને ઘણીવાર જેલમાં પણ જવું પડ્યું હતું. લોકમાન્ય ટીળકની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા તેમને દેશભરમાંથી ભાષણો આપવા માટે આમંત્રણો મળતા હતા. તેઓ છેક કલકત્તા સુધી પોતાના તેજાબી ભાષણો આપી આવ્યા હતા. આવા જોશીલા, પરંતુ ભારત માં માટે કશું પણ કરી છૂટવા માટે તૈયાર એવા લોકમાન્ય બાળ ગંગાધર ટીળક વિષે આજે આપણે વાત કરીશું.


જન્મ, બાળપણ અને યુવાની

અત્યારના મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં ૨૩ જુલાઈ, ૧૮૫૬ના દિવસે બાળ ગંગાધર ટીળકનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ કેશવ ગંગાધર ટીળક હતું. ટીળકનું વતન હાલના રત્નાગીરી જીલ્લામાં આવેલા ચિખલી ગામમાં હતું. કેશવ ટીળકના પિતા ગંગાધર ટીળક સંસ્કૃત ભાષાના પંડિત હતા અને રત્નાગીરીની સ્કુલમાં શિક્ષક હતા. જ્યારે કેશવ ટીળક માત્ર સોળ વર્ષની ઉંમરના હતા ત્યારેજ તેમના પિતા ગંગાધર ટીળકનું અવસાન થઇ ગયું હતું. ટીળકે પોતાનું કોલેજનું ભણતર પુણેમાં આવેલી ડેક્કન કોલેજમાંથી કર્યું હતું. આ સમયે ગ્રેજ્યુએટ થનારા સર્વપ્રથમ ભારતીયોમાં કેશવ ગંગાધર ટીળકનો પણ સમાવેશ થતો હતો. ટીળકના લગ્ન તો પિતાના અવસાનના અમુક મહિના અગાઉજ તાપીબાઈ સાથે થઇ ગયા હતા. તાપીબાઈનું નામ લગ્ન પછી સત્યભામાબાઈ કરી દેવામાં આવ્યું હતું. ૧૮૭૭માં ગ્રેજ્યુએટ થયા અગાઉ ૧૮૭૨માં ટીળકે પોતાનું મેટ્રિક પૂર્ણ કર્યું હતું. પોતાના કોલેજના ભણતરના સમય દરમ્યાન તેઓએ બેચલર ઓફ આર્ટસ ભણતી વખતે સમગ્ર ડેક્કન કોલેજમાં ગણિતમાં ફર્સ્ટક્લાસ આવનારા બહુ થોડા વિદ્યાર્થીઓ માંથી એક હતા. ગ્રેજ્યુએટ થયા બાદ કેશવ ટીળકે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ગવર્મેન્ટ લો કોલેજ, યુનીવર્સીટી ઓફ બોમ્બેમાંથી ૧૮૭૯માં LLBની ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ તેમણે MA પાસ કરવાના બે નિષ્ફળ પ્રયાસો પણ કર્યા હતા.

ગ્રેજ્યુએટ થયા બાદ એક ખાનગી શાળામાં ટીળક ગણિત ભણાવવા લાગ્યા હતા. પરંતુ અહીં સહકર્મીઓ સાથે કોઈ બાબતે વિવાદ થતાં તેઓએ આ નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ તેઓએ પત્રકારિતા પર પોતાનો હાથ અજમાવ્યો હતો. પત્રકારિતા કરતીવેળાએ ટીળક સમાજ જીવનમાં ખુબ આગળ પડતો ભાગ ભજવવા લાગ્યા હતા. ટીળકના મતે રોજિંદુ જીવન જીવવું એજ તેમનો ધર્મ હતો. સન્યાસ લેવાના તેઓ પ્રખર વિરોધી હતા. ટીળકના મતે પોતાના માટે કાર્ય કરવાને બદલે પોતાના પરિવાર અને દેશ માટે બધા સાથે ભેગામળીને જો કામ કરવામાં આવે તો તેના જેવું સારું કાર્ય બીજું કોઈજ નથી. માનવસેવા એજ પ્રભુસેવા છે એવા ગાંધીજીએ અપનાવેલા સિદ્ધાંતને ટીળક વર્ષો પહેલાં સ્વીકારી ચુક્યા હતા.

કેશવ ટીળકે પોતાના કોલેજના મિત્રોની સાથે મળીને ડેક્કન એજ્યુકેશન સોસાયટીની પણ સ્થાપના કરી હતી. તેમના મિત્રોમાં ગોપાલ ગણેશ આગરકર, મહાદેવ બલ્લાલ નામજોશી તેમજ વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકરનો સમાવેશ થતો હતો. આ તમામ મિત્રોએ ભારતના યુવાનોમાં શિક્ષણનું સ્તર કેવીરીતે ઊંચું લઇ જવામાં આવે તેના ભરસક પ્રયાસો કર્યા હતા. ડેક્કન એજ્યુકેશન સોસાયટી યુવાનોના શિક્ષણ ઉપરાંત તેમને ભારતીય સંસ્કૃતિના પાઠ ભણાવવાનું કાર્ય પણ કરતું હતું. ડેક્કન એજ્યુકેશન સોસાયટીએ જ ન્યુ ઈંગ્લીશ સ્કુલ તેમજ ફર્ગ્યુસન કોલેજની સ્થાપના કરી હતી. ફર્ગ્યુસન કોલેજમાં ટીળક ગણિત ભણાવતા હતા અને અહીંથીજ તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળ શરુ કરી હતી. ટીળક ભારતની આઝાદીની લડતમાં જો સામાન્ય માનવીને પણ જોડવો હોય તો હિંદુ ધર્મ અને તેની સંસ્કૃતિનો આધાર લઈને જોડવો જોઈએ તેવી માન્યતા પણ ધરાવતા હતા.


રાજકારણમાં પ્રવેશ

૧૮૯૦માં બાળ ગંગાધર ટીળક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. પરંતુ કોંગ્રેસનો આઝાદી બાબતે ઢીલું વલણ ટીળકને સતત ખટકવા લાગ્યું. ખાસકરીને સ્વરાજ બાબતે કોંગ્રેસના વિચારો ટીળકને જરાપણ ગમતા ન હતા. કોંગ્રેસમાં પડી ગયેલા મવાળવાદીઓ અને જહાલવાદીઓના ભાગમાં ટીળક જહાલવાદીઓનો અવાજ બની ગયા હતા. આ સમય દરમ્યાનજ ટીળક મરાઠીમાં ‘કેસરી’ અને અંગ્રેજીમાં ‘મરાઠા’ નામના અખબારો ચલાવતા હતા. બ્યુબોનિક પ્લેગના ખત્મ થયા બાદ ટીળકે આ બંને અખબારોમાં એક લેખ લખ્યો જેનો સાર એવો હતો કે કોઇપણ ઇનામ કે વળતરની આશા વગર જો આતતાયીઓને મારી નાખવામાં આવે તો એમાં કશુંજ ખોટું નથી. ટીળકે આ માટે શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોકનો આધાર લીધો હતો. ત્યારબાદ છાપેકાર ભાઈઓએ કમિશ્નર રેન્ડ અને અન્ય બ્રિટીશ અધિકારી લેફ્ટનન્ટ આયરેસ્ટને ગોળીથી ઠાર કરી દેવામાં આવ્યા. છાપેકાર બંધુઓના કહેવા મુજબ આ બંને અધિકારીઓ લોકો પર ખુબ ત્રાસ ગુજારતા હતા. બ્રિટીશ સરકારે છાપેકાર બંધુઓની આ વાતનો આધાર ટીળકના કેસરી અને મરાઠામાં લખેલા પેલા લેખને લીધો અને તરતજ તેમને પકડી લેવામાં આવ્યા. ટીળકને પ્રજાને હિંસા માટે ઉત્તેજિત કરવાના આરોપસર અઢાર મહિનાની જેલ પણ કરવામાં આવી. બસ, આ ધરપકડે ટીળકને રાષ્ટ્રકક્ષાએ હિરો બનાવી દીધા. પોતાની સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવીને જ લોકમાન્ય બાળ ગંગાધર ટીળકે તેમનું અતિપ્રસિદ્ધ સૂત્ર, “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈનેજ રહીશ.” ઉચ્ચાર્યું હતું.

બંગાળના ભાગલા પછી કોંગ્રેસ દ્વારા સ્વદેશી ચળવળ શરુ કરવામાં આવી. ટીળકે પણ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો એ આ ચળવળનો મુખ્ય હેતુ હતો. પરંતુ ટીળકના માનવા અનુસાર જો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે અને એની સામે જો સ્વદેશમાંજ આ તમામ જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તો તેની અસર વધુ યોગ્યરીતે જણાશે. આ દરમ્યાન અન્ય મરાઠી નેતા ગોપાલ કૃષ્ણ ગોખલેના મવાળવાદી વિચારોનો ટીળકે ભરપુર વિરોધ કર્યો. કોંગ્રેસના સુરત સંમેલનમાં મવાળ અને જહાલ વચ્ચેના ભેદભાવો સપાટી પર આવી ગયા. આ સંમેલનમાં જ ટીળકના તેજાબી વિચારોનો બિપીનચંદ્ર પાલ અને લાલા લાજપત રાયે ભરપુર સમર્થન કર્યું અને કોંગ્રેસના બે ભાગલા પડી ગયા. આ પછીજ આ ત્રણેય જણાની ‘લાલ-બાળ-પાલ’ ની ત્રિપુટી સામે આવી. ઓરોબિંદો ઘોષ અને વી ઓ ચિદમ્બરમ પિલ્લાઇ જેવા અન્ય મહત્ત્વના રાષ્ટ્રવાદીઓનો ટેકો પણ આ ત્રિપુટીને મળી રહ્યો.


મંડાલેની સજા અને હોમરુલ લીગ

બંગાળના ભાગલાની સામે ઉભી થયેલી આગ બરોબર ફેલાઈ ચુકી હતી. પ્રફુલ ચાકી અને ખુદીરામ બોસે અંગ્રેજોના ચીફ પ્રેસિડેન્સી મેજીસ્ટ્રેટ ડગ્લાસ કિંગ્સફર્ડ પર મુઝફ્ફરપુરમાં બોમ્બ નાખ્યા પરંતુ ભૂલથી કેટલીક અંગ્રેજ મહિલાઓ પણ મૃત્યુ પામી. ચાકી અને બોસની ધરપકડ થઇ અને તેમને ફાંસી પણ થઇ ગઈ. ત્યારબાદ ટીળકે કેસરીમાં આ બંને નવયુવાનોના કાર્યને બિરદાવ્યું અને કહ્યું કે સ્વરાજ સિવાય હવે કોઈજ આરો નથી. બ્રિટીશ સરકારે આ લેખ છપાયા બાદ ટીળક પર રાજદ્રોહનો આરોપ મુકીને તેમના પર કેસ ચલાવ્યો. જ્યુરીએ ૭-૨ના નિર્ણયથી ટીળકને ગુનેગાર ઠેરવ્યા અને જજ દિનશો દાવરે ટીળકને છ વર્ષની જેલની સજા સંભળાવી. ટીળકને બર્માના મંડાલેની જેલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમણે પોતાનું વાંચન અને લેખનનું કાર્ય ચાલુ રાખ્યું. ૧૯૦૮થી ૧૯૧૪ના સમયગાળામાં અહીં તેમણે ‘ગીતા રહસ્ય’ નામનું પુસ્તક પણ લખ્યું જે બાદમાં ખુબ વેચાયું.

સજા પૂર્ણ કરીને જેલમાંથી બહાર આવ્યા ત્યારે ટીળક ખુબ ઉંમરવાન થઇ ગયા હોય એવું લાગી રહ્યું હતું. ટીળક આ સમયે ડાયાબિટીસથી લડી રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ટીળકે બ્રિટીશ રાજાને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આ સમય દરમ્યાન બ્રિટીશરોએ લાવેલા મોર્લે-મિન્ટો સુધારાઓને પણ ટીળકે આવકાર્યા હતા. તેમના મતે આ સુધારાથી રાજ કરનારાઓ અને જેમના પર રાજ ચાલી રહ્યું છે તે લોકો વચ્ચે સુમેળ સધાશે. આ સમયે ટીળકે કોંગ્રેસ સાથેના પોતાના સંબંધો સુધારવાની પણ કોશિશ કરી હતી. પરંતુ તેમના ‘ડાયરેક્ટ એક્શન’ ના વિચારોને તેમના વિરોધી ગોપાલ કૃષ્ણ ગોખલેએ ફગાવી દીધો હતો. ટીળક અને ગાંધીજીના સંબંધો પણ સુધર્યા હતા. ગાંધીજી તેમને ‘ગુરુ’ના નામે બોલાવતા હતા. ટીળકે ગાંધીજીને સંપૂર્ણ અહિંસા છોડીને કોઇપણ ભોગે સ્વરાજ વિષે વિચારવા બાબતે ખુબ સમજાવ્યા, પરંતુ તેઓ સફળ થયા નહીં.

ત્યારબાદ ટીળક પોતાના જુના સાથીઓ સાથે પણ જોડાયા. ૧૯૧૬-૧૮ દરમ્યાન ટીળકે એની બેસંટની ઓલ ઇન્ડિયા હોમ રુલ લીગ માટે પણ કાર્ય કર્યું અને ફંડ ઉઘરાવવામાં મદદ કરી. અહીં તેઓ એની બેસંટ સાથે જી એસ ખપારડે તેમજ મોહમ્મદ અલી જીન્ના સાથે પણ પરિચયમાં આવ્યા. હોમ રુલે મવાળ અને જહાલ વાદી કોંગ્રેસીઓને ભેગા કરવાનું કાર્ય કર્યું, કારણકે છેવટે તો હોમ રુલ લીગનું મુખ્ય ધ્યેય તો સ્વરાજ જ હતું. ટીળક લીગ માટે ગામડે ગામડે ફર્યા અને ખેડૂતોને મળીને પૂર્ણ સ્વરાજની ચળવળમાં જોડાવા માટે તેમને સમજાવ્યા. હોમ રુલ લીગ માટે ટીળકે પોતાનું કાર્ય મહારાષ્ટ્ર, સેન્ટ્રલ પ્રોવિન્સીઝ અને કર્નાટક રાજ્યોમાં કર્યું.

આ સમય દરમ્યાનજ ટીળકે આઝાદ ભારત માટે એક સમવાયી સરકારની તરફેણ કરી હતી. તેમના મતે જૂની મરાઠા પેશ્વાઓ પ્રકારની સરકારો આ સદી માટે આઉટ ડેટેડ થઇ ચુકી છે. લોકમાન્ય ટીળકે જ દેવનાગરી લીપીમાં લખાયેલી હિન્દી ભાષાને આઝાદી પછી ભારતની રાષ્ટ્રભાષા બનાવવાની તરફેણ કરી હતી.


લોકમાન્ય ટીળકનું અવસાન અને વારસો

૧ ઓગસ્ટ ૧૯૨૦ના દિવસે ચોસઠ વર્ષની વયે લોકમાન્ય બાળ ગંગાધર ટીળકનું મુંબઈ ખાતે અવસાન થયું. પરંતુ ટીળકનો વારસો એટલો મજબૂત છે કે જેને લીધે આજે પણ તેઓ ભારતના એક સર્વમાન્ય અને અતિશય લોકપ્રિય નેતા તરીકે સન્માન પામે છે. મહારાષ્ટ્રના ગણેશોત્સવને સાર્વજનિક બનાવવાનું કાર્ય ટીળકે જ કર્યું હતું. આ દ્વારા તેઓએ મરાઠીઓ ને જાહેરમાં લાવીને દેશભક્તિના પાઠ શીખવાડ્યા હતા. આજે આ ઉત્સવ મહારાષ્ટ્રની સીમાઓ તોડીને ગુજરાત, કર્નાટક અને છેક આંધ્રપ્રદેશ અને તેલંગાણા સુધી પહોંચી ગયો છે. મરાઠીઓને પોતાની સંસ્કૃતિનું ભાન કરાવવા ટીળકે ૧૮૯૫માં શિવાજી ફંડ કમિટીની પણ રચના કરી હતી. આ કમિટી છત્રપતિ શિવાજી મહારાજની દર વર્ષે ભવ્ય ઉજવણી કરતી હતી.

૧૮૮૦ના દાયકામાં બાળ ગંગાધર ટીળકે સ્થાપિત કરેલી ધ ડેક્કન એજ્યુકેશન સોસાયટી આજે પણ પુણેમાં કાર્યરત છે અને તેની રાહબરી હેઠળજ પુણેની પ્રખ્યાત ફર્ગ્યુસન કોલેજ પણ ચાલી રહી છે. પુણેમાં જ ટીળક સ્મારક રંગ મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન ૨૦૦૭માં થયું હતું. આ ઉપરાંત ટીળકની ૧૫૦મી જન્મ જયંતિએ ભારત સરકારે પણ એક ખાસ સિક્કો બહાર પાડ્યો હતો. આ ઉપરાંત લોકમાન્ય: એક યુગ પુરુષ નામની ફિલ્મ આ વર્ષે રિલીઝ કરવામાં આવી હતી જેમાં ટીળકનો રોલ સુબોધ ભાવે એ નિભાવ્યો હતો અને ઓમ રાઉતે ફિલ્મનું નિર્દેશન કર્યું હતું.

ભારતના સાચા સપૂત અને ભારતની આઝાદી માટે ભારતની સંસ્કૃતિની મદદ લેનાર એકમાત્ર નેતા તરીકે લોકમાન્ય બાળ ગંગાધર ટીળક હમેશાં યાદ રહેશે. ગણેશ ઉત્સવને ભારતભરમાં લોકપ્રિય કરવા માટે ટીળકનું પ્રદાન સદાય વખાણવામાં પણ આવશે.