Adhuri raheli lagnini paribhasha books and stories free download online pdf in Gujarati

અધૂરી રહેલી લાગણીની પરિભાષા.!!!

અધૂરી રહેલી લાગણીની પરિભાષા. !!!

પ્રસ્તાવના,

એક દિવસ સાંજના પાંચ વાગ્યે મારા એક મિત્રનો કોલ આવ્યો, “મેહુલ તું મને આજે મળી શકીશ?” તે મારાથી સવા સો કિલોમીટર દૂર રહેતો હતો. આમ અચાનક મળવાની વાતથી હું ચોકી ગયો, મારા મગજમાં અમંગળ વિચારો આવવા લાગ્યા એટલે મેં પૂછ્યું “બધું ઠીક તો છેને?” સામેથી હકારાત્મક જવાબ મળવાથી મને શાંતિ થઇ. છતાં તત્કાલિન ત્રણ કલાકનું સફર કરાવી મને તેની પાસે બોલાવ્યો અને તે રાત્રે તેણે જે કહાની મને કહી તે સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો.

એક એવી સત્ય કહાની જેવી કહાની સામાન્ય રીતે બનતી જ હોય છે, કોઈકના દ્વારા લખાતી હોઈ છે અને વંચાતી પણ હોય છે, પણ મેં (લેખક) કોઈ દિવસ મહેસુસ નહિ કરી. જયારે હું આ સ્ટોરી લખી રહ્યો છું ત્યારે આ ફીલિંગ્સ હું ખુદ મહેસુસ કરી શકું છું. તે છોકરાએ પોતાનું અને તેની પ્રિયનું નામ રજુ ન કરવાના હેતુથી પાત્રોના નામ બદલવા કહ્યું છે. તેની માત્ર એક જ ખ્વાઈશ છે કે માતૃભારતી પર રજુ થનારી આ સ્ટોરી તે છોકરી વાંચે. જે ફીલિંગ્સ તે છોકરીને જતાવી શક્યો નથી તે વાત મને મારા શબ્દો દ્વારા રજુ કરવા વિનંતી કરી છે. મારાથી બનતો પ્રયાસ હું કરીશ, આ સ્ટોરી તે બંનેના નામ.

***

तु कितनी जरूरीथी मेरे लिए, आज में जताता हु,

डोली तेरी सामने देख के, जूठा ही मुस्कुराता हु,

चाहता हु कितना तुझे में देख,

दिल चिर के अपना में दिखाता हु।।।

-Mehul

“તું શું કરે છે મેહુલ, તેના આજે લગ્ન થઇ ગયા છે, શું તું પણ, તેને આટલું ના કહી શક્યો કે તું તેને હદ બહારનો ચાહે છો. કહેવાની શું જરૂર હતી તેને ખબર જ હતી ને!!!, નહીંતર તે બધા છોકરાઓને છોડીને તારી સાથે જ કેમ વાતો કરતી?, કેમ આજે જ તને આવો અહેસાસ થઇ રહ્યો છે??” પોતાની જ જાતને કોસતો અને સવાલ પૂછતો મેહુલ સિગરેટ પર સિગરેટ જલાવતો જતો હતો અને આંખોમાંથી આંસુ સારતો જતો હતો.

“આજે તેના લગ્ન થઇ ગયા, જો તારી સાથે તેની લાગણી જોડાયેલી જ ન હતી તો કાલે રાત્રે તારી સાથે આવું વર્તન કેમ કર્યું, તેને ખબર છે કે આપણી વચ્ચે કઈ જ થવાનું નહિ તો હું તેના માટે અનમોલ છું તેવું કેમ જતાવી રહી છે…માણસો કેવી વાતો કરતા હતા તમારી બંનેની, તો પણ બધું ભુલાવી સૌની વચ્ચે કેમ તને ખેંચી ગયી સાથે રાસ રમવા? શું તેને ખબર ન હતી તું તેના માટે શું વિચારે છો, શું તેનાથી દૂર રહેવાની વાતને તેણે ધ્યાનમાં ન લીધી?, શું તને તે એક સારા મિત્ર તરીકે જ જોતી હતી. આજે એકવાર પણ તેણે ખુલાસો કરવાનું ન વિચાર્યું, તેણે તો વાત કરવાના ઘણા પ્રયાસ કર્યા હશે પણ તું જ સત્યની મુરત બની ફોન બંધ કરી બેસી રહ્યો હતો, તો હવે શું આ વાતનો આગળ ખુલાસો થશે જ નહિ?હવે આગળ શું થશે…?” પોતાના જ વિચારમાં ખોવાયેલા મેહુલે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું અને હાથમાં સળગતી સિગરેટ સાથે નીચે પછડાયો સાથે બેભાન થઈ ગયો.

***

શું મેહુલનો પ્રેમ એક તરફી હતો?, ના તેનો પ્રેમ બિલકુલ એકતરફી ન હતો. ચાલો જાણીએ હકીકત શું છે.

ખરેખર કોઈ પણ તેને જુએ તો પોતાનું સંતુલન ગુમાવી બેસે, ગોરી વિદેશી મે’મ જેવો ગોરો ચહેરો, આંખો ભૂરી અને તેના પર વાળ પણ સિલ્કી ભૂરા, તેને જોઈને અપ્સરા પણ શરમાઈ જાય. મેહુલનું માનવું હતું કે “ભગવાન દ્વારા નવરાશના સમયમાં બનાવવામાં આવેલ એકમાત્ર છોકરી છે, આમ પણ પુરા ગામમાં એકમાત્ર સુંદર છોકરી, જેની હરોળમાં આવી કોઈ પણ છોકરી પોતાની બેઈઝતી કરવાનું નહી વિચારે.

ઓગણીસ વર્ષની થયેલી તે પિયા(નામ બદલ્યું) સૌનું આકર્ષણનું કેન્દ્ર બની ગયી હતી. ગામના અઢાર વર્ષથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ પણ તેનાથી આકર્ષાતા હતા. તેને ગામ તો ન કહેવાય, માત્ર પચાસેક ખોરડાં ધરાવતા એ ગામમાં મેહુલનાં દાદીનું પિયર હતું, છેલ્લા સાઈઠ વર્ષથી આ ગામમાં રહેતા મેહુલના દાદાનું એક જ ઘર જે પિયાના પરિવારથી અલગ પડતું હતું, બીજા બધા એક જ સાંખ(સરનેમ) હતા.

મેહુલના દાદા પાસે ન તો જમીન હતી ન તો રહેવા માટે ઘર, ઘરજમાઈ તરીકે રહેતા મેહુલના દાદા મોટા વડના ઝાડની બાજુમાં કાચા મકાનમાં રહેતા. સૌ ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવતા. જાણવા જેવી વાત તો એ હતી કે મેહુલનું ઘર પિયાના ઘરની બાજુમાં જ હતું અને બાળપણથી બંને સાથે અભ્યાસ કરેલો તો આજે કેમ પિયાના લગ્નમાં મેહુલ શામેલ થવા ન’હતો ઈચ્છતો.

મેં સાંભળ્યું છે કે 99% કિસ્સામાં બાળપણની દોસ્તી પ્રેમમાં પરિણમે છે, માત્ર 1% કિસ્સામાં જ તે શક્ય નથી થતું અને કદાચ તેમાં આ સ્ટોરીનો પણ સમાવેશ થઈ શકે. ચાલો જોઈએ આ અધૂરી કહાની પુરી ન થવાની શરૂઆતથી અંત સુધીની સફર.

***

ઓગણીસ વર્ષ પહેલાં તા-28/07/1998, મંગળવારે એક અપ્સરા ધરતી પર ઉતરી, જેનું નામ પિયા હતું. ભારત જેવા દેશમાં જ્યાં લગભગ સૌ ઘઉંવર્ણના જ હોય હોય છે ત્યાં વિદેશમાંથી આયાત કરેલી કોઈ નાની બાળકી કરતા પણ વધારે ગોરી, વાળ સાવ ભૂરા અને ભૂરી આંખો. તેથી જ બાળપણથી સૌ તેને ભૂરી કહેતા હશે.

તે દિવસના પાંચ દિવસ પછી, તે ગામથી બત્રીસેક કિલોમીટર દૂર કુદરત તેની કૃપા વરસાવી રહ્યું હતું. ત્રણ વર્ષથી દુષ્કાળ પડેલા ગામમાં વરસાદના દેવતા મન મૂકી વરસી રહ્યા હતા. આવા સાંબેલાધાર વરસાદની વચ્ચે એક છોકરાનો જન્મ થયો. વરસાદને સાથે લાવનાર છોકરાનું નામ રાખવામાં આવ્યું મેહુલ.

બંને પાંચ વર્ષના થયા ત્યારે પહેલીવાર મળ્યા. ત્યારે કદાચ બાળપણની ના સમજને કારણે કઇ સમજી શક્યા નહિ. બંનેએ સાતમા ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો, તેઓનું ઘર પાસે હોવાથી શાળા બાદનો સમયમાં પણ સાથે વિતાવતા. સાતમાં ધોરણ બાદ પિયાએ અભ્યાસ છોડી દીધો જ્યારે મેહુલે આગળનો અભ્યાસ શરુ રાખ્યો.

બંને યૌવનના વર્ષોની ડેલીમાં પગ મૂકે તે પહેલાં મેહુલના પાપા તેના પરિવાર સાથે ગામ છોડી બીજે ગામ રહેવા ચાલ્યા ગયા અને આ સ્થળાંતરને કારણે જ બંનેના સંબંધો જોડાયા હશે, કારણ કે તે પહેલાં બંને વચ્ચે એવી લાગણીએ જન્મ લીધો જ ન હતો કે જેથી બંને એકબીજા માટે કઈ વિચારે.

ગામમાં બધા છોકરા કરતા મેહુલ ભણવામાં અને રહેણીકહેણીમાં સાવ અલગ હતો. મેહુલમાં કહી શકાય તેવી એક જ ખામી હતી, તે પોતાની વાત ન તો કોઈ સામે રજુ કરી શકતો અને તેથી ન કોઈને સમજાવી શકતો. તેથી પિયા જોડે વાતો કરવામાં તે શબ્દો થોડા અને મૌન વધારે પાળતો.

મેહુલે જ્યારે બારમું ધોરણ પૂરું કર્યું ત્યારે તે સ્કુલ ફર્સ્ટ આવ્યો હતો અને ત્યારે જે પિયાએ મેહુલ તરફ વર્તન દાખવ્યું હતું તે વર્તન મેહુલ જેવા છોકરો કે જેને પ્રેમ શું, લાગણી શું, તેનું ભાન ન હતું તેના દિલ ઔર દિમાગમાં લાગણીનો કરન્ટ પસાર થઈ ગયો. મેહુલ પિયાના ગામથી ચાર કિલોમીટર દૂર રહેતો પણ હવે આવા વર્તનનો ભૂખ્યો મેહુલ રોજે પિયાના ગામમાં જતો, તેને ખબર ન હતી કે આને પ્રેમ કહેવાય કે દોસ્તી…કે માત્ર આકર્ષણ. તે માત્ર પિયાના બદલાયેલા સ્વભાવથી આકર્ષાઈને તે તરફ વળ્યો હતો. ત્રણ મહિના બાદ મેહુલે કોલેજ જોઈન કરી અને તે આ ગામનો રસ્તો લગભગ ભૂલી ગયો.

આ ત્રણ મહિના પહેલા તેણે પિયા સાથે ઘણીબધી વાતો કરી હતી પણ તે એટલું ન જાણી શક્યો કે પિયા તેના વિશે શું વિચારે છે અને કદાચ તે જાણવા પણ માંગતો ન હતો. તેનું પણ એક કારણ હતું…આ ગામમાં પહેલા ઘણાબધા એવા કિસ્સા, અફેર અથવા એવી અફવાઓ ઊડતી હતી જેનાથી મેહુલ વાકેફ હતો અને મેહુલ ન’હતો ઈચ્છતો કે તેના કારણે પિયા તરફ કોઈ આંગળી ચીંધે. જો કે મેહુલ જ્યારે પણ તેના ઘરે જતો ત્યારે તે એક બાળપણના મિત્ર તરીકે જ વર્તતો. થોડી હસી મજાક અને થોડો ફલર્ટનો હક્ક હતો અને આવા વર્તનથી ન તો પિયાના મમ્મી પપ્પાને તકલીફ હતી કે ન તો તે ઘરના કોઈ સભ્યોને, તકલીફ હતી તો માત્ર ગામના છોકરાઓને.

ગામમાં જ્યારે પણ કોઈના લગ્ન હોય ત્યારે મેહલ અને પિયાની રાસમાં જે કેમેસ્ટ્રી હોય તે જોઈ સૌ કોઈ દંગ થઈ જતા. ત્યારે શબ્દો કમ આંખોથી આંખો લડતી અને આવો જ એક ગયા વર્ષનો કિસ્સો જે બંનેને નજીક લાવી બેઠો. રાત્રે રાસ રમી મેહુલ થાકીને લોથપોથ થઈ કાનમાં ઈયરફોન લગાવી એક રૂમમાં ઢળી પડ્યો હતો, ક્યારે આંખ લાગી ગયી તેને પણ ખ્યાલ ન રહ્યો. બીજીબાજુ પિયા તેની બહેનપણી સાથે ફ્રેશ થવા તે રૂમમાં આવી, મેહુલ ત્યાં સૂતો છે તેને ખબર ન હતી. અંદર પ્રવેશતા મેહુલને જોઈ તે થોડી હસી અને મેહુલ કયું ગીત સાંભળે છે તે જાણવા તેણે એક ઈયરફોન લઈ કાને લગાવ્યું. અચાનક મેહુલ જાગી ગયો ત્યારે પિયાએ મેહુલ કહ્યું “મેહુલ તું આજે સરસ લાગે છો. ” બસ થઈ રહ્યું જે પ્રેમનું બીજ મેહુલના હૃદયમાં રોપાયું હતું તે છોડનું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું.

તે લગ્નમાં બંનેની આંખો એટલી લડી કે વાતોનો અવકાશ જ ન રહ્યો. હજી મેહુલ અને પિયા સમજી શકે કે આ દોસ્તી પ્રેમમાં પરિણમી શકશે તે પહેલાં પિયાની સગાઈ નક્કી થઈ ગયી. આ વાત સાંભળી મેહુલને થોડો આઘાત લાગ્યો પણ પેલી અફવાવાળી વાતો યાદ કરતા મેહુલ કઈ કહી શક્યો નહિ.

પિયાની સગાઈ બાદ મેહુલની બહેનની પણ સગાઈ થઈ ગયી જેથી પિયા અને મેહુલની બહેન બંને પાસે ફોન રહેતા, મેહુલની બહેન અને પિયા બંને બહેનપણી હતી તેથી મેહુલે તેની બહેન પાસેથી પિયાનો નંબર લઈ પિયા સાથે ફોન પર વાતો કરવાનું શરૂ કર્યું. સગાઈ બાદ પણ પિયા મેહુલ સાથે એવી જ રીતે વાતો કરતી જેમ સગાઈ પહેલા કરતી, બંનેની વાતો પરથી સ્પષ્ટ પણે દેખાતું કે બંને એકબીજાને પસંદ કરે છે પણ કદાચ મેહુલ ડરતો હશે કે એ વાત કહી ન શક્યો.

મેહુલની બહેનના લગ્નમાં પણ બંનેની આંખો એટલી જ મળી હતી, કદાચ પિયા તો આગળ વધવા માંગતી હશે પણ મેહુલના આવા વર્તનથી તે પણ અસમંજસ હશે. તે લગ્નમાં પણ એવી ઘટના ઘટી જે બંનેને વધારે નજીક લાવી બેસી હતી.

તે રાત્રે રાસ પુરા થયા બાદ મેહુલ તેની આદત મુજબ કાનમાં ઈયરફોન લગાવી સૂતો હતો અચાનક પિયા રૂમમાં આવી મેહુલ સાથે વાતો કરવા લાગી મેહુલ પણ તેની સાથે ફ્રેન્ડલી બિહેવિયર કરતો હતો બંને એકબીજાના મનની વાત જાણતા હતા પરંતુ ત્યારે પણ એ વાતની શરૂઆત ન થયી.

મેહુલ પિયા સાથે એક મિત્ર તરીકે વર્તન કરવાની કોશિશ કરતો, હા ક્યારેક મેહુલ પિયા સાથે હાથચાલાકી પણ કરી લેતો હતો. એક દિવસ પિયાએ કહ્યું “ મેહુલ હવે ખૂબ મોડું થઈ ગયું છે, મારી સગાઈ થઈ ગયી છે. ”

આ વાત સાંભળી મેહુલ થોડો ચમક્યો અને તેણે સામે એવું જ કહ્યું “ હું એ જ કહું છું પિયા, તું અત્યારે પૂનમના ચાંદ જેવી છે, હવે મેહુલના નામના ગ્રહણરૂપી દાગને તારા પર ના લગાવ. ”

આ વાત સાંભળી પિયા રડવા જેવી થઈ ગયેલી અને મેહુલ સ્વેચ્છાએ પિયાથી દૂર રહેવા લાગ્યો. કોઈ પણ પ્રસંગમાં મેહુલ પિયાથી જાણીજોઈને અંતર રાખવા લાગ્યો પણ અચાનક એક પ્રસંગમાં રાત્રે બંને સામે આવી ગયા અને કોઈ કારણસર પિયાને મેહુલની બાઈક પાછળ બેસવું પડ્યું, ત્યારે પિયા રીતસરની મેહુલને બાજી પડી હતી અને મજાકમાં મેહુલને ચીમટા ભરી લેતી. તે જ રાત્રે સૌ પિયાના ઘરની બહાર બેઠા હતા ત્યારે બંને એકબીજાના પગથી પગનો સ્પર્શ કરી એકરાર કરવા લાગ્યા અને ફરી બંને વચ્ચે વાતોનો દોર શરૂ થઈ ગયો.

આટલી કહાનીમાં મેહુલની એક જ ભૂલ : તે જાણતો હતો કે પિયા તેને કેટલી પસંદ કરે છે અને તે પણ પિયાને કેટલો પસંદ કરે છે છતાં એકવાર પણ તેણે આ વાતનો ખુલાસો(પ્રપોઝ) કરવાનું ન વિચાર્યું અને આ સબંધને આગળ ધપાવતો રહ્યો. તેણે આ સબંધને ન તો મિત્રતાનું નામ આપ્યું, ન તો પ્રેમનું નામ આપ્યું. સમય રેતની જેમ સરકતો ગયો અને બંનેનો સબંધ પણ પનપતો રહ્યો.

મેહુલને ક્યારેક પ્રેમનો એકરાર કરવાની ઈચ્છા થતી પણ સામેથી કેવા પ્રતિસાદ મળશે તે વિચારી મેહુલ બેસી રહેતો. આતો તેના જેવું જ થયું ને આગ તો દોનો તરફ સે લગી થી પર એક બુજાને મેં રહ ગયા તો દૂસરા જલાતા ગયા. મેહુલ તો આ આગને બુજાવવાની જ કોશિશ કરતો હતો પણ આ જ આગમાં તે પણ સળગી જ રહ્યો હતો.

ગામમાં એક વૃદ્ધના મૃત્યુના કારણે મેહુલને તે ગામમાં થોડા દિવસ રહેવું પડયું હતું અને તે દિવસોમાં બંને વચ્ચેની વાતો પણ વધી ગયેલી, પણ મેહુલે એટલી હદે વાતો પર નિયંત્રણ રાખ્યું હતું અને બંને વચ્ચે ચોક્કસ અંતર જળવાઈ રહ્યુ.

જેમ સુગંધ કરતા દુર્ગંધ ઝડપથી પ્રસરે છે, જેમ સારા વિચારો કરતા ખરાબ વિચારો ઝડપથી અમલમાં મુકાય છે તેવી જ રીતે ગામના લોકો મેહુલ અને પિયાને જોઈને ધારણા લાગવા લાગ્યા, અંતે મેહુલ જે વાતથી ડરી રહ્યો હતો તે જ વાત થઈ.

મેહુલ અને પિયાના અફેરની અફવાએ જોર પકડ્યો અને સૌએ જુદા જુદા તર્ક લાગવી વાતનું બતંગડ બનાવી લીધું. જ્યારે મેહુલ પાસે આ વાત પહોંચી ત્યારે મેહુલ પડી ભાંગ્યો, તે દિવસથી તેણે નક્કી કર્યું કે ન તો હવે પિયાને મળવું, ન તો કોઈ પણ પ્રકારની વાતો કરવી. તે જ કારણથી મેહુલે મોબાઈલ બંધ કરી દીધો અને તે ગામથી દૂર થઈ ગયો.

આખરે બે મહિના પછી પિયાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને એક દિવસ પિયા મેહુલના ઘરે રોટલો(ભોજન) ખાવા માટે આવી, ત્યારે પણ મેહુલ તેને ન મળ્યો, જતા જતા પિયાએ મેહુલને લગ્નમાં વહેલા આવવા કહ્યું. પિયાના લગ્નનું મંડપ મુહૂર્ત પણ થઈ ગયું, છતાં મેહુલ હાજર ન રહ્યો. મેહુલને લગ્નમાં જવાની જરા સુધ્ધાં પણ ઇચ્છા ન હતી, ન જવાનું કારણ એવું ન હતું કે તે જલસ થતો હતો, મેહુલ અને પિયાને સાથે જોઈ કોઈ વાતો ન કરે તે હેતુથી તે જવા ઈચ્છતો ન હતો.

રાત્રે મમ્મીને કારણે તેને લઈ ના છૂટકે લગ્નમાં જવું પડ્યું અને તે ત્યાં પહોંચ્યો તો ત્યાં રાસ ગરબાનો પ્રસંગ શરૂ હતો. મેહુલ એક બાજુના ખૂણામાં ઉભો રહી પિયાને જોતો હતો. જોયા પર થી એવું જ લાગતું હતું કે પિયાની નજર પણ મેહુલને જ શોધી રહી છે. બંનેની આંખો મળી, તરત જ પિયા મેહુલ પાસે દોડી ગયી.

“તને કેટલા ફોન કર્યા પણ લાગતા જ નહિ”ગુલાબી ચણિયાચોળી પહેરેલી પિયાએ કહ્યું.

“બંધ છે, ખૂબ જ સુંદર લાગી રહી છો. ”મેહુલે ગંભીર થઈ કહ્યું.

“તને વહેલા આવવા કહ્યું હતું ને? અને ચાલ હવે રાસ લેવા તારા વીના મજા નહિ આવતી. ”કહી પિયાએ નેણ ઊંચા કર્યા.

“આવું છું, તું જા. ”કહી મેહુલે નજર ફેરવી લીધી.

પિયા ફરી ટોળામાં ચાલી ગયી અને વારંવાર મેહુલ સાથે આંખો મેળવતી જતી હતી. પિયા બીજીવાર આવી મેહુલને ટોળામાં ખેંચી ગયી, પિયા સાથે રાસ લઈ મેહુલ ભાન ભૂલી ગયો અને માત્ર પિયાને જ નિહાળવામાં મશગુલ થઈ રહ્યો. સૌ જોઈ રહ્યા છે મેહુલને તે વાતનું ભાન થતા તે ટોળામાંથી દૂર થઈ ગયો અને બીજા ઘરે ચાલ્યો ગયો.

ત્યાં પિયા પાછળ આવી અને પૂછ્યું “ શું થયું મેહુલ?”

“કઈ નહિ થયું. ”પિયાથી નજરો છુપાવી મેહુલે કહ્યું.

“મેં તને વહેલા આવવા કહ્યું હતું ને કેમ ના આવ્યો?”પિયાએ હક્કથી ફરી પૂછ્યું.

“તારા લગ્નમાં કોઈ કમી નહિ રહે અને બધા જ કામ થઈ જશે, મારુ રહેવું જરૂરી તો નહીં ને?”કંઈપણ વિચાર્યા વિના મેહુલ બોલી ગયો.

“આવું ન બોલ હું રડી પડીશ . ”રડમસ અવાજે પિયાએ કહ્યું.

“હા, હું અહીં જ છું તું જા તારી રાહ જોવાઇ છે. ”મેહુલે પિયાને અંગળીનો ઈશારો કરી કહ્યું. પિયા એ જ ગુલાબી ચણિયાચોળીમાં પગમાં જાંજરી ખણકાવતી ખણકાવતી ચાલી ગયી. મેહુલ ત્યાંથી ઘરે આવી ગયો અને સૌ રાસ ગરબામાં ગયા હોવાથી, ઘરે જ સિગરેટ પર સિગરેટ જલાવતો ગયો.

મેહુલની એક ઈચ્છા હતી કે “ભલે પિયા મેહુલના પ્રેમને ન જાહેર કરે પણ એકવાર સ્વીકારી તો લે જ કે તે મેહુલને પ્રેમ કરે છે. ”અને આ જ ઈચ્છા પૂરી કરવા તે પિયાને મળવા ગયો હતો, પણ તેની કમજોરી કહો કે મજબૂરી તે પિયાને એક શબ્દ પણ ના કહી શક્યો. પછીના દિવસે પિયાના લગ્ન થઈ ગયા જ્યાં મેહુલની ગેરહાજરી હતી.

પિયાના ગામથી દસ કિલોમીટર દૂર એક સુનસાન મંદિર પાછળના વડલાના થડને ટેકો દઈ, પૂરો દિવસ મેહુલ રડતો રહ્યો. સદનસીબ કહો કે ભોળાનાથની મહેરબાની તેને શું સુજ્યું મેહુલે મને ફોન કર્યો અને તાત્કાલિક મને મળવા બોલાવ્યો. ઉપરની બધી ઘટના મેં સાંભળી અને એકવાર પિયા સાથે વાત કરવાની મેં સલાહ આપી.

આઠ-દસ દિવસ પછી તેનો મારામાં ફોન આવ્યો અને તેણે મને કહ્યું, “આજે પિયા સાથે વાત થયી હતી. ”તેના અવાજમાં દર્દ હતો અને સાથે શબ્દોનો પ્રાસ પણ બદલાતો જતો હતો, મને લાગ્યું તેણે નશો કરેલ છે.

“ક્યારે થઈ, શું કહ્યું?”કદાચ વાતનો જવાબ મને મળી ગયો હતો છતાં વાતનો સિલસિલો આગળ વધારવા મેં પૂછ્યું.

“આપણી બંને વચ્ચે પ્રેમ હતો?, મેં ખુલાસો કરવા પૂછ્યું તો તેણે મારી એક પણ વાત ન સાંભળી અને ફોન કાપી નાખવા કહ્યું. ”નશામાં તેનો અવાજ લથડાતો જતો હતો.

“તો તે શું કર્યું?”મેં પૂછ્યું.

“મેં વાત ન કરવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે હું મારા પતિ સાથે પ્રમાણિક રહેવા ઈચ્છું છું, મારા ભૂતકાળથી અમારા બંનેના સંબંધ વચ્ચે દરાર ન પડવી જોઈએ. ”તેણે પિયાને ધૂત્તકાર કહ્યું.

“પછી?”મેં ઉત્સાહિત થઈ પૂછ્યું.

“મેં કહ્યું આ છેલ્લો કૉલ આપણો, હવે જિંદગીમાં મારી સામે નહિ આવતી, જો પ્રેમ સ્વીકારવાની તાકાત ન હોય તો પ્રેમ કરાય જ નહિ અને હા આપણી વાતનો ખુલાસો થાય જ છે તો કહી દઉં, હું તને પ્રેમ કરતો હતો, હવે નહિ. તારા અને તારા પતિના સંબંધ વચ્ચે દરાર પડે તે મને પણ પસંદ નહિ, સામેથી તેનો રડવાનો અવાજ આવવા લાગ્યો અને મેં ફોન કટ કરી નાખ્યો. ”લગભગ રડવા જેવા અવાજે તેણે કહ્યું.

“સલામ છે દોસ્ત, તારા સમર્પણને, તે જે કર્યું છે તે ખૂબ ઓછા વ્યક્તિ કરી શકે છે. ”તેના સમર્પણને બિરદાવતા મેં કહ્યું.

“એક કામ કરીશ મારુ?”આશાના લાગણીથી બોલાયેલા શબ્દો મારા કાને અથડાયા. અને ‘બોલ’સિવાય આગળ હું કઈ બોલી પણ ન શક્યો.

“મારી સ્ટોરી લખજે ને, હું જે જતાવી ન શક્યો તે તું જતાવી દઈશ. ”તેના અવાજમાં પિયાને કહેવાની બધી લાગણીઓ ભેગી થઈ ગઈ હતી.

“હા, ચોક્કસ”આગળ બોલવા માટે મારી પાસે શબ્દો ન હતા તેથી મેં ફોન કાપી નાખ્યો.

***

તો Ms. પિયા, Sorry Mrs. પિયા, તમે આ કહાની વાંચો તો એકવાર મેહુલને કહી આવજો કે તમે પણ તેને સાચો જ પ્રેમ કર્યો હતો, સંજોગો અને પરિસ્થિતિ એવી થઈ ગઇ કે તમારો પ્રેમ અધૂરો રહી ગયો. મેહુલની સારી વાત એ છે કે તેણે તમારી યાદમાં દિવસો વ્યર્થ કરવાના બદલે પોતાના કરિયર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

आहिस्ता चल ज़िन्दगी, अभी कई क़र्ज़ चुकाना बाकी है,

कुछ दर्द मिटाना बाकी है, कुछ फ़र्ज़ निभाना बाकी है|||

આવા ઘણાબધા મેહુલ હશે અને ઘણીબધી પિયા પણ હશે, બસ કોઈ મેહુલ બની પોતાની જ વાતોમાં ઉલજતા નહિ, જે હોય તે એક્સપ્રેસ કરી દેજો, બીજું કંઈ નહિ તો કંઈ નહિ ખુલાસો તો થઈ જશે. આઈ હોપ હવે આવા કોઈ મેહુલનો મારા પર આમ કૉલ ન આવે, આવે તો ખુશીના સમાચાર સાંભળવા મળે.

-પૂર્ણવિરામ (પર્સનલ ડાયરીમાંથી)

-Mer Mehul