Baba adikhamno darbar books and stories free download online pdf in Gujarati

બાબા અડીખમનો દરબાર

બાબા અડીખમનો દરબાર

યશવંત ઠક્કર

‘માણસના જીવનમાં જયારે મુસીબત આવે છે ત્યારે જ એના મિત્રો અને સંબંધીઓની ખરી કસોટી થાય છે અને માણસને ખબર પડે છે કે, કોણ કેટલાં પાણીમાં છે.’ બાબા અડીખમના દરબારમાં એક ભક્ત ઊભો થઈને બોલ્યો.

‘હે ભક્ત, તને આ વાત કોણે કરી?’ અડીખમ બાબાએ ભકતને પ્રશ્ન કર્યો.

‘બાબા, મારા મોબાઇલમાં આ સુવિચાર આવ્યો છે.’

‘તો તું પણ સુવિચારોના ચાળે ચડ્યો છે! મોબાઈલમાં સુવિચારો મોકલનારાઓ નવરી બજારમાં દુકાનો માંડીને બેઠા છે. ટાણે કટાણે ગમે ત્યારે બીજાને સુવિચારો મોકલે છે, પરંતુ એ સુવિચારોને તેઓ પોતે જ અમલમાં નથી મૂકતા. તું એવા લોકોનો માલ ખરીદે છે?’

‘ખરીદતો નથી, મને મફતમાં મળે છે.’

‘મફતમાં મળે છે એટલે જ તને આ સુવિચાર વહાલો વહાલો લાગ્યો છે?’

‘ના બાબા, સાવ એવું નથી. આ સુવિચારમાં મને હકીકતનાં દર્શન થાય છે.’

‘એવું થવાનું કારણ? તને એવો કશો અનુભવ થયો છે?’

‘હા બાબા, હમણાં મારા જીવનમાં એક મુસીબત ઊભી થઈ છે, પરંતુ કોઈ મિત્ર કે સગો મને સાથ નથી આપતો. મેં ડગલે ને પગલે જે લોકોનાં કામ કર્યાં હતાં એ લોકો જ આજે મારાથી આઘા આઘા ભાગે છે ત્યારે મને એમ થાય છે કે, દુનિયા સ્વાર્થની સગી છે.’

‘મને લાગે છે કે, તારી દૃષ્ટિમાં ખામી છે. તું જેટલું દૂરનું જોઈ શકે છે એટલું નજીકનું નથી જોઈ શકતો.’

‘બાબા, મને વિસ્તારથી સમજાવો. મુજ અબૂધને આપની વાત નથી સમજાતી.’

‘સીધી અને સરળ વાત છે. તું તારા મિત્રો અને સંબંધીઓને જેટલો જોઈ શકે છે એટલો તારી જાતને નથી જોઈ શકતો. તું મને જવાબ દે. માણસના જીવનમાં જ્યારે મુસીબત આવે છે ત્યારે શું માત્ર એના મિત્રો અને સગાંઓની જ કસોટી થાય છે? એની પોતાની કસોટી નથી થતી?’

ભક્ત થોડો મૂંઝાયો અને બોલ્યો: ‘બાબા, આવો વિચાર તો મને કદી આવ્યો નથી.’

‘એ જ તો તારી તકલીફ છે. મનગમતી વાત મળે એટલે તું વારી વારી જાય છે, પરંતુ વિચાર નથી કરતો કે, આ વાત સાચી છે કે ખોટી. સાચી છે તો કેટલી સાચી છે એનું માપ પણ નથી કાઢતો. તારા જીવનમાં કોઈ મુસીબત આવે છે ત્યારે તારાં મિત્રો અને સગાંનું પાણી તો મપાય છે, પરંતુ એથી વિશેષ તો તારું પોતાનું પણ પાણી મપાય છે. તેં એ વિષે કદી કશું વિચાર્યું છે?’

‘ના બાબા, હવે વિચારીશ.’

‘પૂરો વિચાર કરીશ તો તારે ફરીથી આવી ફરિયાદ નહિ કરવી પડે. તને ખ્યાલ આવશે કે, કોઈ પણ માણસ મુસીબતમાં મુકાય છે ત્યારે વિશેષ તો એની પોતાની જ કસોટી થાય છે. બીજા બધાની વાત પછી.’

‘આપની વાત મને સમજાય છે બાબા.’

‘વાત જ એવી સરળ છે કે બધાને સમજાય.’

‘બીજા બાબાઓ આવી સીધી અને સરળ વાતને શા માટે અઘરી બનાવતા હશે?’

‘અહીં બીજા બાબાઓની વાત નહિ કરવાની. આ બાબા અડીખમનો દરબાર છે.’

‘ભલે બાબા, હવેથી એવી ભૂલ નહિ કરું.’

‘અને બીજી વાત, મારા દરબારમાં આવી રીતે હાથ જોડીને કે દયામણા થઈને વાત નહિ કરવાની. તું માણસ છે. નિરાશાનું પોટલું નથી. અહીં વટથી વાત કરવાની અને વટથી જવાબ મેળવવાનો. આ વાત ધ્યાનમાં રાખજે.’

‘ભલે બાબા. પણ મને એ તો કહો કે, મારે કેવા રંગનો રૂમાલ રાખવો કે કેવાં રંગનાં કપડાં પહેરવા?’

‘ભલા માણસ, તારે જે રંગનો રૂલામ રાખવો હોય એ રાખ. એ ચોખ્ખો હોય એ જરૂરી છે. અને જે રંગનાં કપડાં પહેરવાં હોય એ રંગનાં કપડાં પહેર. એ સાફસુથરાં હોવાં જોઈએ. પ્રસંગને અનુરૂપ હોવાં જોઈએ. તારું મન સાફ રાખ. તારી જાત પર ભરોસો રાખ. રૂમાલ બદલવાથી કશો ફેર નહિ પડે. તારી જાતને બદલ.’

‘આપની ઘણી કૃપા.’

‘કૃપા ઈશ્વરની. બાકી, જલસા કર. હવે તું તારું સ્થાન ગ્રહણ કર. બધા સવાલોના જવાબ મારી પાસેથી ન મેળવ. તારી જાતને પણ થોડું કષ્ટ આપ.’

‘ભલે બાબા.’

***