Mansukhlal Mann books and stories free download online pdf in Gujarati

મનસુખલાલ મન

મનસુખલાલમન

મન.. હા, એણે પોતે પોતાનું નામ મન પાડ્યું હતું..

આમ તો સ્કૂલના જી.આર.માં અને લીવીંગ સર્ટિફિકેટમાં ગરબડીયા અક્ષરે, ઝાંખું-ઝાંખું લખાયેલું સાચું નામ એટલે મનસુખ. પણ સ્કૂલના નોટીસબોર્ડ પર બે-ચાર કવિતાઓ લાગી ગઈ, ને કોલેજમાં આવતાં સુધીમાં નાના-મોટા લેખ લખવા જેવું મનપણ થવા લાગ્યું.. ને કાંઇક સારું લખાઈ ગયું હોય, ને નીચે મનસુખલખીએ તો કેવું લાગે ? એટલે પોતે પોતાના નામમાંથી સુખકાઢી નાખ્યું... એકલું મન..!

પણ સારું લગાડવાનામમાંથી સુખશબ્દ કાઢ્યો.. તેદી ની પનોતી બેઠી જાણે.. ક્યાંય સુખ મળે. આમ તો પહેલેથી સુખ શબ્દ નામમાં હતો, નસીબમાં નહિ.. માં-બાપ તો નાનપણમાં ભગવાનને ઘેર જઈને સુખી થઇ ગયાં હતાં, કોઈ દયાળુ શેઠની રહેમનઝર હેઠળ અનાથાશ્રમમાં અલગ અલગ નાથની સેવાઓ કરતાં, જેવું તેવું ખાતાં, જેમ તેમ ભણતા બી.. પાસ તો થયો.. હવે શું ?

એક પ્રાઈવેટ સ્કૂલની નોકરી મળી, ગુજરાતી શિક્ષક તરીકે... ને જીવવા માટે જરૂરી પરચૂરણ પગાર મળતો થયો. એટલે મનની પાછળ કામચલાઉ સુખ પણ લાગી ગયું.. ‘મનસુખસર...’

થવા કાળ, અનાથાશ્રમમાંથી એક કન્યારત્ન પણ મળી ગયું હતું.. સમૂહ લગ્નના ટોળે ટોળે એકમાંથી બે પણ થઇ ગયા મનસુખસર.. ગાડું ચાલ્યું નહિ.. ગબડ્યું.. હાલ્યે રાખે એની રીતે...

પણ મુસીબત ત્યારે શરુ થઇ, જયારે સ્કૂલ મેનેજમેન્ટે કહ્યું કે મનસુખભાઈ, બી.એડ. કરો તો આગળ નોકરી ચાલુ રહેશે, બાકી સરકારી પરિપત્ર મુજબ ફક્ત ગ્રેજ્યુએટને અમે શિક્ષક તરીકે રાખી શકીએ, છૂટકે અમારે તમને નોકરીમાંથી છૂટા કરવા પડશે... ને ઓલું સુખનું ઝાંખું ઝાંખું લાગેલું એટેચમેન્ટ પાછું છૂટું પડવા લાગ્યું..

નોકરીના સમય દરમ્યાન પેપરોના થોકબંધ કાગળીયામાં લાલ લીટીઓ મારતાં-મારતાં જે સમય બચતો એમાં મનનામ હેઠળ પોતાના મનના તરંગો, વિચારોને કાગળ પર પાથરવાની પ્રક્રિયા તો ચાલુ હતીપણ હવે પ્રાણ પ્રશ્ન હતો કે નોકરીની બબાલમાં ઘર કેમ ચાલશે ?

ભણતા ભણતા, નોકરી કરતાં વારંવાર એકાદો ટંક આમ તેમ કરીને ક્યારેક ગુજરી બજાર, ક્યારેક રેકડીઓમાંથી ફેરિયાઓ પાસેથી પસ્તીના ભાવે લીધેલી પોતાની ઝીંદગી જેવાં રદ્દી પુસ્તકો પણ પોટલું ભરીને રાખ્યાં હતાં.. ઘરવાળી તો રોજ કકળાટ કરતી.. બળ્યો ડામચિયો. .એનો જીવ ચોપડીયુંવેંચી નાખવામાં હતો.. બહુ જૂની થઇ જશે તો પસ્તીવાળો પણ નહી લે..

નોકરીના હાલકડોલક ખખડધજ હોડકામાં બી.એડ.ના પરિપત્રનું કાણું પડ્યું હતું.. સ્કૂલ મેનેજમેન્ટે ઓફીશીયલી જાણ કરી દીધી કે બી.એડ. કરો પણ ટ્રસ્ટી ગાંધીસાહેબ દયાળુએટલે પછીથી રૂબરૂ બોલાવીને કહી દીધું કે મનસુખભાઈ, તમતમારે નોકરીની ચિંતા કરતા, આપણે મસ્ટર પર નામ નહિ રાખીએ, હા, પણ પછી સેલેરી થોડો ઓછો... તમે એડજેસ્ટ કરી શકો તો.. તમારા જેવા સારા શિક્ષકો તો બાળકોના ઘડતરનો પાયો ચણે છે..’

મનસુખસર પાસે બીજો કોઈ ઓપ્શન ક્યાં હતો ? જી સાહેબ.. ભલે સાહેબ.. આભાર સાહેબ... કહીને નીકળ્યા પછી વિચાર આવ્યો કે ઓછો સેલેરી.. એટલે કેટલો ઓછો ? તો પૂછ્યું નહી !’

જે હોય , પણ ખખડધજ હોડકાંમાં કાણું પડ્યું છે એને બુરવા કાંઇક તો હાથ-પગ મારવા પડશેને ! એમ વિચારીને ટ્યુશન શોધવાની ટ્રાય પણ કરી જોઈ. પણ સાયન્સ-મેથ્સની ઘેલછાના જમાનામાં જીવતી પેઢીની માનસિકતા પ્રમાણે, ગુજરાતીના તો કાંઈ ટ્યુશન હોતાં હશે ! એમાં મનસુખસરનો કાંઈ મેળ ન પડ્યો.

પોતે ઘણા સમયથી પોતાના લખેલા લેખો જાત-જાતના મેગેઝીન્સ, પત્રિકાઓ વગેરેને મોકલવાં શરુ તો કર્યાં હતાં, પહેલાં કુરિયર, પછી પોસ્ટ, કોઈ ગામમાં ને ગામમાં હોય તો હાથોહાથ.. રૂબરૂ પહોંચતું કરવાનું.. કરે નારાયણ ને વળી ક્યાંક તીર કે તુક્કો લાગી જાય આશય. કોઈ મેગેઝીન-પત્રિકાવાળો સારો હોય તો સાભારપરતનું એકાદું ફરફરયું મોકલે.. બાકી મોટેભાગે ગયું ગયું..મનસુખ રાહ જોયા કરે..

પણ હવે ઘરવાળી પણ કહેવા લાગી હતી.. બધા ખર્ચા મુકો પડતા, ઘેર કરીયાણાના ઘટે છે.. એમાં આવી ટપાલુંના ખર્ચાનહી પોસાય.. કાળ તો બહુ ચડ્યો મનસુખને.. આને કેમ સમજાવવી !!

પણ એને કેમ સમજાવવી ગડમથલમાં હવે તો મનસુખને ઊંડેઊંડે સમજાવા લાગ્યું હતું.. કે થોકબંધ ચોપડીઓ અને મનના નામે લખેલા કાગળોની કિંમત ખરેખર પસ્તીથી વિશેષ નથી. બે ટંક રોટલાના ખર્ચા પણ પોસાવા બંધ થવા લાગ્યા..

ને અંતે, એક દિવસ મનના અરમાનોની જાણે ઠાઠડી બાંધતો હોય એમ મનસુખે પોતાના લખેલાં ચોપાનીયા અને હવે પસ્તી લાગતી ચોપડીઓને દોરીથી બાંધ્યાં.. બાંધી લીધા પછી એને પણ વિચાર આવ્યો. હાળું, -૧૦ કિલો ઉપર થતું હશે હો ! કોણ જાણે, કેટલા આવશે આના ? શું ભાવ હશે પસ્તીનો ? એમ વિચારીને અરમાનોની ઠાઠડીને કાંધ આપીને મન વગરનો મનસુખ ઉપડ્યો.. મનના અંતિમસંસ્કાર કરવા પસ્તીના સ્મશાને..

બજારમાં એક જૂની પસ્તીની દુકાન હતી, દુકાન.. કે જ્યાંથી ભૂતકાળમાં પસ્તીમાં પડેલ રદ્દી પુસ્તકો પોતે ખરીદ્યાં હતાં.. પસ્તીવાળા કાકા પણ દેખાવે પસ્તી જેવા હતા.. આખો દીરદ્દીની એકાદી ચોપડીમાં મોઢું નાખીને બેઠા હોય.. ઘરાક આવે ત્યારે પસ્તી જોખીને ધંધો કરી લેવાનો.. બસ.. આમાં પણ પસ્તીવાળા કાકાએ ધંધો કરી લીધો.

રોકડા સાચવીને ખીસામાં મુકતાં મનસુખને વિચાર પણ આવ્યો.. બંને વસ્તુ કાગળની છે.. મનના અરમાનોનું વજન પૂરું ૧૧ કિલો થયું, ખભે ઉચકીને આવવામાં બહુ ભાર લાગતો હતો, બે વાર થાક પણ ખાવો પડ્યો.. ને સામા મુઠ્ઠીભર કાગળિયાં મળ્યાં, ને નાનકડા ખીસામાં સમાઈ પણ ગયાં.. એનો ભાર નથી લાગતો પણ વજન તો વધી ગયું !! ખરું છે ને ? કાગળ કાગળમાં પણ કેટલો ફેર હશે ?

મન ભારે થઇ ગયું હતું. ખીસું પણ.. ઘેર આવીને પૈસા ઘરવાળીના હાથમાં મુક્યા.. એને તો ટેમ્પરરી બત્રીસ કોઠે દીવા થઇ ગયા.. પણ આખો દિવસ બંને કાગળિયાના વજનનો વિચાર કરતો મનસુખ ચૂપચાપ બેઠો રહ્યો..

***

ચાલુ કલાસે પટ્ટાવાળો કહેવા આવ્યો, સાહેબ, તમારો ફોન છે, ઓફિસમાં જાઓ... નવાઈ લાગી મનસુખને.. મને ફોન કરવાવાળું કોણ હશે વળી !!

...હેલ્લો... હા, મનસુખ બોલું છું.. શું ? હા.. બોલોને કાકા મારું શું કામ પડ્યું.. ને સામેથી કાંઇક વાત થઇ.. ને મનસુખે ભારે મૂંઝારા સાથે ફોન મૂકી દીધો..

સાંજે સ્કૂલથી નીકળ્યાની સાથે મનસુખ પસ્તીની દુકાને પહોંચે તે પહેલાં એનું મન તો ક્યારનું ત્યાં પહોંચી ગયું હતું.

પસ્તીવાળાકાકાએ પસ્તીના ઢગલા વચ્ચે મનસુખને બેસાડ્યો.. ચા પીશો ને !! એટલું કહી, બે અડધી મગાવી પણ લીધી.. મનસુખનું મન ચાની પ્યાલી કરતાં પણ વધુ ઉકળાટ અનુભવતું હતું.. ચા પીધી પીધી ત્યાં એક સજ્જન આવી પહોંચ્યા. પસ્તીવાળા કાકાએ એમને આવકાર્યા, એકાદી ખુરશી પર એમને બેસાડ્યા ને ઓળખાણ કરાવી. મનસુખભાઈ, મેં કહ્યું હતું ને ! સ્કૂલમાં શિક્ષક છે, મારે ત્યાં વર્ષોથી આવે છે, બાકી તો મેં એમની ઓળખ આપને આપી છે.. અને મનસુખભાઈ, અમૃતલાલ સાહેબ ઓફબીટ પબ્લીકેશન નામની કંપનીના માલિક, તમારી જેમ મારે ત્યાં આવી પસ્તીમાં પડેલાં અલભ્ય પુસ્તકો ખરીદી જાય છે, કાયમી સંબંધ છે અમારો, કાલે આવ્યા હતા ને પસ્તીમાં તમારા લખેલા કાગળો જોયા.. અને મને કહે કે ભાઈને મેળવી આપો.. સદભાગ્યે, તમારા લખેલા કાગળોમાં ક્યાંક સ્કૂલનું નામ એડ્રેસ હતું, એટલે તમારો સંપર્ક થઇ શક્યો..

અમૃતલાલે હવે વાતનો દોર હાથમાં લીધો.. મનસુખભાઈ, તમારાં લખાણો અદભૂતછે, આને થોડાં આમ પસ્તીમાં નખાય ? આપણે પુસ્તક બનાવીને પબ્લીશ કરીએ, બોલો છે તૈયારી?

***

પ્રોગ્રામનો સમય થઇ ગયો હતો, અનેક આમંત્રિતો, શહેરના સુપ્રતિષ્ઠિત આગેવાનો, સ્કૂલ મેનેજમેન્ટના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ સમક્ષ એક પ્રસિદ્ધ, ખ્યાતનામ લેખક પોતાનું વ્યાખ્યાન આપવાના હતા અને સ્કૂલના ટ્રસ્ટીશ્રી ગાંધીસાહેબ ખ્યાતનામ લેખકના બેસ્ટસેલર સીરીઝના નવાં પુસ્તક પસ્તી નું વિમોચન કરવાના હતા.

મનસુખે હવે નક્કી કરી લીધું હતું કે નામમાંથી સુખ કાઢવું તો નથી .. ને મન પણ રાખવું છે એટલે તમામ પુસ્તકમાં લેખકના નામમાં મનસુખલાલ મન એવું લખવાનું શરુ કરી દીધું હતું..

વિરલ વૈશ્નવ