Ek Chaal Tari Ek chaal mari - 10 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 10

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 10 )

‘કોન્ગ્રેચ્યુલેશન્સ મિસ સલોની... યુ હેવ ગૉટ અ ક્યુટ ક્યુટ પ્રિન્સેસ !’

પુરા સત્તર કલાકે ભાનમાં આવી રહેલી સલોનીએ આંખ ખોલી એ સાથે ડૉ. સારાહે વધામણી આપી.

સલોનીની આખો હજુ પુરી રીતે ખુલી શકતી ન હોય એમ ભારથી ઢાળી જતી હતી. અશક્તિએ એવો હલ્લો કર્યો હતો જાણે ઉપલું શરીર ચારણી જેવું બની ગયું હતું અને ઉદરથી નીચેનો ભાગ પથ્થર.

‘મૅમ...’ કપાળ પસવારી રહેલી અનીતાના મૃદુ સ્પર્શથી સલોનીએ આંખ ખોલી ખરેખર દીકરી સંબોધન અનીતાને ગળે આવી ગયું હોય એમ લાગ્યું હતું સલોનીને. જે ગળી જઇ પોતાની હેસિયત જાળવીને અનીતાએ બદલી નાખ્યું હતું.

‘કેટલા વાગ્યા છે.. ?’ સલોનીએ પહેલો પ્રશ્ન કર્યો. પોતે છેલ્લે ફોન પર વિક્રમ સાથે વાત કરી રહી હતી એ યાદ આવતાં જ સલોનીના શરીરમાંથી આછેરી ધ્રૂજારી પસાર થઇ ગઇ.

‘વાગ્યા છે નવ. સવારના નવ....’ અનીતાએ હળવેકથી કહ્યું.

‘ડૉક્ટર સારાહ પણ અહીં જ છે...’ અનીતાએ કૉટથી થોડે દૂર વિન્ડો પાસે ઊભી રહી સલોનીને જોઇ રહેલી ડૉ. સારાહ તરફ ઇશારત કરતાં કહ્યું. પોતાનો ઉલ્લેખ થઇ રહ્યો છે એ સમજી ડૉ. સારાહ નજીક આવી.

‘મિસ સલોની... નથિંગ ટુ વરી નાઉ.... ધ વર્સ્ટ ઇઝ ઓવર...’

‘ડૉકટર સારાહ... શું થયું હતું ?’ સલોની થોડાં પરિશ્રમ પછી બોલી. ડૉ. સારાહ અને અનીતાના પુલકિત ચહેરાં કટોકટી ટળી ગઇ હોવાની પુષ્ટિ કરતા હતા, પણ ખરેખરી કટોકટી તો શરૂ થઇ રહી છે એનો અંદાજ આ બંનેને ક્યાંથી હોય ?

‘સલોની.... મને અનીતાનો ફોન આવ્યો. કદાચ અકસ્માતે તું રૉકિંગ ચૅરમાંથી ઊથલી પડી હતી. એ વખતે તો મને પણ સ્થિતિ કન્ટ્રોલ બહાર લાગી હતી.’ ડૉ. સારાહે આગલી સાંજે શું થયું હતું એનો વિગતવાર આહેવાલ આપતી હોય એમ કહેવા માંડ્યું....

‘જો તને ખયાલ હોય તો ઝરમટમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનને પ્રવેશ જ નથી. આપણે ડિલિવરી સમય માટે જોગવાઇ રાખી હતી, પણ આ બધું એકદમ અણધાર્યું થશે. એવી કલ્પના નહીં એટલે જરા સમસ્યા થઇ ગઇ, પરંતુ આખરે બધું સચવાઇ ગયું. ઇન્ટરલાકેન જવા જેટલો સમય જ હાથ પર નહોતો ને ઇન્ડિયાથી મિસ્ટર વિરવાની અને એમના મિસ્ટર શર્માનો આગ્રહ જીનિવા લઇ જવાનો હતો, પણ હવામાનને કારણે ઍરલિફ્ટ જ શક્ય નહોતું. આખરે મારે મારી રીતે તને કોઇ પ્રાઇવેટ નહીં,પણ અહીં નજીકમાં નજીક એવા સિટી સાયનના બદલે બ્રિજની સરકારી હોસ્પિટલમાં લઇ આવવાનો નિર્ણય લેવો પડ્યો. સૉરી ફૉર ઇટ’ ડૉ. સારાહે પોતાની કેફિયત જણાવી દીધી.

‘ડૉકટર, થેન્કસ ફૉર એવરીથિંગ...’ સલોની બોલી. એવા સ્વરમાં ન તો કોઇ લાગણી હતી ન રોષ.

ડૉ. સારાહને થોડી નવાઇ પણ લાગી કમાલ છે આ સ્ત્રી ભાનમાં આવ્યાને વીસ-પચ્ચીસ મિનિટ થઇ ગઇ છતાં પોતાના બાળકનું મોઢું જોવા પણ નથી ચાહતી ?

‘ક્યાં છે બેબી... ?’ સલોનીએ ત્યારે જ પૂછ્યું. એ સાથે જ અનીતાનો ચહેરો ખીલી ઊઠ્યો. જાણે સલોનીનો આ પ્રશ્ન સબ સલામતની છડી પોકારતો હોય.

ડૉ. સારાહે નવજાત બાળકીને સલોનીના પગ પાસે ઝુલી રહેલા પારણામાંથી બહાર કાઢી સલોનીના પડખામાં મૂકી :

‘હિયર ઇઝ યૉર પ્રિન્સેસ !’

હળવા ગુલાબી મુસલીનમાં લપેટાયેલું જાણે ગુલાબનું ફુલ ઊંઘમાં ખલેલ પડી હોવાથી નાની સિસકી લઇ ફરી નિદ્રામાં સરી પડ્યું. સલોની હળવે હળવે એના માથે હાથ ફેરવતી રહી. કોઇ અજબ લાગણી ઘેરી રહી હતી, જેને શું નામ આપવું સમજાયું જ નહીં.

બાળકી સામે ટકટકી લગાવીને જોયા પછી પણ જાણે ધરવ જ કેમ નહોતો થતો?

સલોનીના ગળામાં, હ્રદયમાં જાણે કોઇ બરફનો ગઠ્ઠો જામી રહ્યો હોય એવો ભાર વર્તાવા લાગ્યો અને થોડી વાર પછી એ બરફ પીગળી રહ્યો હોય એમ આંખમાંથી વહેવા માંડ્યો.

આ સ્થિતિ ડૉ. સારહ માટે જરા અજુગતિ હતી,અનીતા માટે નહીં.

‘રડી લે, રડી લે.... દિલ મોકળું થઇ જશે.’

હંમેશાં મૅમને આપ કહેવા ટેવાયેલી અનીતાનો શિષ્ટાચાર સલોનીના આંસુ સાથે વહી ગયો હતો.

‘સલોની... મિસ્ટર વિરવાની ઇઝ ઑન હિઝ વે...’

ગુરુનામ વિરવાની આવી રહ્યા છેએવા ડૉ. સારાહના સમાચાર કાને અથડાતાં જ બાળકીનું માથું પસવારી રહેલી સલોનીને જાણે કરન્ટ લાગ્યો હોય એમ એણે હાથ પાછો ખેંચી લીધો.

ગુરુનામ વિરવાની અહીં શું કામ આવે છે ? ક્યાંક વિક્રમે....

જોકે આ કંઇ પણ વિચારવાનો અવકાશ કે સમય ક્યાં બચ્યો હતો હવે ?

* * *

‘મિસ્ટર શર્મા, બે દિવસથી સલોની બ્રિજની એક સરકારી હૉસ્પિટલમાં પડી છે અને તમે એને પ્રાઇવેટ હૉસ્પિટલમાં મૂવ કરવા જેટલી પણ તસ્દી નથી લીધી ? હું જોઇ રહ્યો છું કે તમે કેટલા બેજવાબદાર અને નિષ્ક્રિય છો !’

ગુરુનામ વિરવાની જીનિવા ઊતર્યા ત્યારથી જ ભયંકર ખરાબ મૂડમાં હતા.

પોતાના કુળનું સંતાન એક સરકારી હૉસ્પિટલમાં જન્મે અને એય એક કર્મચારીની બેપરવાહીને કારણે ?

‘સર, એક્સ્ટ્રિમલી સૉરી... ભૂલ થઇ ગઇ.’

જીનિવા ઑફિસનો ઇન્ચાર્જ શર્મા છેલ્લાં બે કલાકમાં ગુરુનામ વિરવાનીને પચાસ વાર સૉરી કહી ચૂક્યો હતો, છતાં ગુરુનામના મગજ પર સવાર ગુસ્સો હળવો ન થયો ત્યારે શર્માને એટલું તો સમજાયું કે નક્કી આ વાત ફૅમિલીની જ છે એટલે કે ઇન્ડિયન ચૅનલ પર ચાલતી ગૉસિપની પાછળ છૂપાયેલી હકીકત આ છે!

ગુરુનામ વિરવાની હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે ડૉ. સારાહ ડિસ્ચાર્જ પેપર તૈયાર કરાવવામાં જ પડી હતી.

સરકારી એટલે સરકારી, પછી એ ઇન્ડિયાની હોય કે સ્વિસ ગુરુનામ વિરવાનીએ હૉસ્પિટલમાં પ્રવેશતાં જ એ વાત નોંધી.

સનશાઇન યલો ને વ્હાઇટ રંગે રંગાયેલી હૉસ્પિટલ વિન્ટરને કારણે મુરઝાયેલી હોય એવી લાગતિ હતી, પણ કયાંક આવી રહેલી વસંતની ચાડી ખાતી કુંપળ ફૂટી રહી હતી. પોતાની સુકી વેરાન જિંદગીમાં આવી રહેલી વસંતની જેમ ? ગુરુનામ વિરવાનીના મનમાં એક પ્રસન્નતાની લહેર દોડી રહી.

‘કાશ, આજે ગૌતમ હોત ! અને...’ આગળ વિચારવાથી લાગણીવશ થઇ જવાશે એવું લાગતાં ગુરુનામે વિચાર પર લગામ કસી લીધી.

રૂમ નંબર-૩૬ની દિવાલો એક અજબ મિલનની સાક્ષી બની રહી.

સલોનીએ સપનેય ધાર્યું નહોતું કે ગુરુનામ વિરવાની જેવા પથ્થરદિલ માણસ આટલો ઋજુ પણ હશે.

જેવા ગુરુનામ વિરવાની રૂમમાં પ્રવેશ્યાં ને ડૉ. સારાહે એમનાં હાથમાં બાળકી મૂકી એ સાથે જ એની આંખો ભીની થઇ ગઇ. આ આંસુ દીકરી જન્મી એ ખુશીના હતા કે પુત્ર વિયોગના ? સામે ઊભેલી ચાર વ્યક્તિની આંખનાં આ પ્રશ્નને અવગણી નાખવો હોય એમ ગુરુનામે બ્લેઝરના પૅકેટમાંથી એક નાનું બૉક્સ કાઢી એમાં રહેલી એક પાતળી સોનાની ચેન બહાર કાઢી.

‘આ મારી પરી માટે... એની દાદી અમૃતા તરફથી !’

સલોનીની આંખ વરસી રહી હતી. ગુરુનામ ધારત તો મોંઘામાં મોંઘી ભેટ બાળકીને આપી શક્યા હોત, પણ ભેટમાં ગુરુનામ વિરવાનીના પત્ની-ગૌતમના માતા અમૃતાની સોનાની સેર આપી એટલે કે બીજા શબ્દોમાં પરીનો વિરવાની નો ફેમિલીનો વિઝા !

દીકરીનું મોઢું જોઇ-ડૉ. સારાહ પાસે એની તબિયતના સમાચાર જાણીને વિરવાની તો તરત જ જીનિવા જવા નીકળી ગયા. સાથે તાકીદ કરતા ગયા :

‘શર્મા, બીજી વાર ગાફેલગીરી કરી તો...’

‘સર, પ્રશ્ન જ નથી થતો. આપને આવું કંઇ કહેવાનો એકેય મોકો નહીં આપું.’ શર્મા બોલ્યો. મનમાં ગુરુનામ વિરવાનીના રોષથી બચી ગયા એનો આનંદ પણ હતો.

‘શર્મા, સલોનીને કોઇ પણ વાતની તકલીફ પડી એવો મને અણસાર પણ આવ્યો તો એ વાત હું હળવાશથી નહીં લઉં... ટેક ધિસ વેરી સિરિયસલી...’ ગુરુનામ વિરવાનીએ પોતાના સ્વભાવ પ્રમાણે વાત બહુ ખેંચી નહીં એ જ પરિસ્થિતિ સલોનીના વધતા વર્ચસ્વનો ચિતાર આપતી હતી :

કોને ખબર આવતી કાલે આ બાઇ ‘બ્લુ બર્ડ મેન્શન’ની સર્વેસર્વા બની રહે ને પોતે ગુડ બુકમાં હોય તો ચાંદી, નહીંતર....

‘મિસ્ટર શર્મા, તમને સોંપાયેલું કામ હજી પૂરૂં કેમ નથી થયું ?’

સલોનીએ હૉસ્પિટલમાંથી ઘરે આવ્યાના પાંચમે દિવસે જ જીનિવા ઑફિસના મૅનેજર ઇન્ચાર્જ શર્માને પૂછ્યું. સલોનીની ભાષા શિષ્ટ તો હતી, પણ એમાં રહેલી ધાર તીક્ષ્ણ હતી, જે શર્માને ઘસરકો કરી ગઇ.

‘જી મૅડમ, લ્યુસર્નમાં બે - એક ઍપાર્ટમેન્ટ જોયા છે. ઇન્ટરલાકેનમાં તો શેલે બિલફૂલ રેડી છે...’ શર્મા થોડો થોથવાયો. સલોનીને હવે ઝરમટમાં રહેવું નહોતું. ખોબા જેવું ગામ રળિયામણું ખરું, પણ ત્યાં ગોઠતું નહોતું. હવે રહેવું હતું નાના - સુંદર શહેરમાં ગણના થાય એવી જગ્યાએ, જેથી પરીને જરૂર પડે તો મેડિકલ ટ્રીટમેન્ટ માટે સમસ્યા ન થાય.

ભલે અસામાન્ય સંજોગોમાં જન્મી હોય,પરંતુ ડૉ. સારાહ પણ જાણતી હતી અને શર્મા પણ કે પરી નૉર્મલ ચાઇલ્ડ હતી. ડૉક્ટરોએ જરા વધુ સંભાળ રાખવાનું કહ્યું અને બાકીની વાત ગુરુનામ વિરવાનીના આદેશે પૂરી કરી. ગુરુનામ વિરવાનીની વિઝિટ પછી સલોનીનાં વાણી - વર્તન જ બદલાઇ ગયાં હતાં. જાણે બિનઅધિકૃત રીતે બ્લુ બર્ડની સામ્રાજ્ઞી હતી એ.

‘મૅમ, તો તમે જોઇ લો પછી ફાઇનલ કરી લઇશું...’ શર્માએ સલોની પર પસંદગી નો અવકાશ મૂકી એ ક્ષણ પુરતો તો રાહતનો શ્વાસ ખેંચી લીધો,પરંતુ મનમાં હતું ખરું કે ક્યારેક ગુરુનામનું મગજ આ ઇમોશનલ ડ્રામામાં ફરી ફસાશે ત્યારે મરો પોતાનો થઇ જવાનો.

પછી તો બે દિવસમાં જ લેક લ્યુસર્નની સામે આવેલી હરોળબંધ હોટેલની કતારમાં સાથે ઊભેલા પ્રાઇવેટ બિલ્ડિંગમાં એક ઍપાર્ટમેન્ટ રેન્ટ પર લેવાઇ ગયું. ન ગીચ ટ્રાફિક, ન ચોસલાં પડે એવી શાંતિ. ન ટુરિસ્ટના ધાડાં, ન સુમસામ ગલીઓ. બધું જ વ્યવસ્થિત. મનને ગમે એવું. સલોનીને જગ્યા ગમી ગઇ.

આખરે વાત થોડાં મહિનાની જ હતી. પછી તો ઘરે જવાનું હતું.

હા, ઘર એટલે મોન્ટાના નહીં. હવે ઘરનો અર્થ થતો હતો : બ્લુ બર્ડ મેન્શન.

* * *

‘કોન્ગ્રેચ્યુલેશન્સ, સલોની જી....’

સલોનીને જેનો દર હતો એ ફોન આવીને જ રહ્યો.

‘વિક્રમ.... મેં તને કહ્યું કે મારી પાસે એવી કોઇ જાદુની છડી નથી, જે ફેરવી હું તારી કોઇ માગ પૂરી કરી શકું... તો શું કામ મને હેરાન કરે છે ?’

સલોની પોતાના અવાજને શક્ય એટલો નમ્ર રાખી બોલી. જો અવાજમાં રહેલા આત્મવિશ્વાસનો રણકો જરા જેટલો પણ વિક્રમને સ્પર્શી જાત તો એ પળવારમાં પોતાની સદ્ધર થઇ રહેલી પોઝિશન પામી લેવાનો હતો.

‘આવી નાની નાની વાતમાં આમ જુઠ્ઠુ બોલવું સારું નહીં..’ વિક્રમ ખંધુ હસતાં બોલ્યો :

‘બાકી, તું જ્યારે લેક લ્યુસર્ન પર ફરવા નીકળે છેને ત્યારે લાગે છે ખૂબીસૂરત... જોકે એ સાથે બેબીનું સ્ટ્રોલર મૅચ નથી થતું, પણ ઍની વૅ...’

વિક્રમ સભાનતા સાથે એવી સાહજિકતાથી બોલ્યો કે સલોનીનાં અંગેઅંગમાં ઝાળ લાગી ગઇ. આ બ્લૅકમેઇલર મને રોજ જોતો હશે ? સલોનીના મનમાં પ્રશ્ન ઊઠ્યો :

‘અરે, સલોની. મેં નહોતું કહ્યું, હવે દુનિયા એટલી નાની થઇ ગઇ છેને કે ન ચાહો તોપણ તમને માહિતી મળતી જ રહે...’ વિક્રમ આજે વાત જલદીથી પતવવાના મૂડમાં નહોતો.

‘વિક્રમ, જો મર્દ હોય તો સામે આવીને વાત કર. આમ કોઇ એકલી સ્ત્રીને પજવનારો માણસ કાં તો નામર્દ હોય કે પછી સુવ્વર...’ સલોનીની જીભ પર ન ચાહવા છતાં અપશબ્દો આવી ગયા.

‘જો સલોની, સામે આવવાનો અવસર આવશે ત્યારે આપણે મળશું જ ને ? પણ એ વેળા હજી પાકી નથી... અને સાચું કહું તો મને પણ તારી સાથે વાત કરવી એટલું જ ત્રાસદાયક લાગે છે, જેમ તને લાગે છે... પણ થાય શું ? આખરે તો પ્રશ્ન બધો એક જ પૉઇન્ટ પર આવીને અટકી જાય છે... લે, હવે પૉઇન્ટ બ્લૅન્ક જ પૂછી લઉં... હૅપ્પી ? તો શું થયું મારા પૈસાનું ? ક્યારે પહોંચે છે ?’ સન્ન રહીને સલોની તાકતી રહી હાથમાં રહેલા મોબાઇલ ફોનને...

આ દુ:સ્વપ્ન નહીં, વાસ્તવિકતા હતી.

* * *

‘બેબી, ઘૂમને જાયેગી... બેબી, બોટિંગ કરેગી...’

પરીને સાંજે તૈયાર કરતાં કાલું-ઘેલું બોલતી રહેતી અનીતાને પોતાના નવા કમમાં ભારે આનંદ આવતો. પહેલાં ફક્ત સલોનીનું ધ્યાન રાખતી. હવે એમાં પરીનો વધારો થયો હતો.

‘અનીતા, બેબીને આજે બહાર નથી લઇ જવાની...’ સલોની જરા વ્યગ્ર સવરે બોલી. હવે થોડાં દિવસથી એક નવો ડર સતવવા લાગ્યો હતો :

ક્યાંક વિક્રમ પરીનું અપહરણ કરી ગયો તો ?

થોડાં દિવસ વીતી ગયા હતા, પણ વિક્રમનો કોઇ ફોન નહોતો. ક્યાંક એમ તો ન હોયને કે એ અહીં જ લ્યુસર્નમાં જ પોતાની પર નજર રાખી રહ્યો હોય ? સલોનીને આ વિચાર સાથે ન સમજાય એવી ગભરામણ ઘેરી વળી. જિંદગી હવે પોતાને ક્યા રસ્તે દોરવવા માગે છે ?

બીજા બે દિવસ પણ એમ જ વીતી ગયા.

‘સૉરી, મૅડમ ટાઇમ્સ અપ’ ત્રીજી સાંજે લેકની સામે ટેહલી રહેલી સલોનીના મોબાઇલ પર મેસેજ ઝળકયો. નંબર હંમેશની જેમ અનરજિસ્ટર્ડ હતો.

હવે તો કોઇક નક્કર પગલાં લેવાં પડશે. સલોનીએ મનોમન નિર્ણય લીધો, પણ પોલીસ ફરિયાદ કરવી એટલે બંધ થયેલાં પ્રકરણો પર વળેલી ધૂળ ઉડાવવી ! તો પછી ઇન્ડિયા ભેગા થઇ જવું? ત્યાં એકવાર વિરવાનીના સૂરક્ષાચક્રમાં ઘૂસી જવાય તો આ કોઇ સમસ્યા જ નહીં રહે ! સલોનીને આ તર્ક આવ્યો એવો જ હવા થઇ ગયો. ધારો કે વિક્રમ ગુરુનામ વિરવાનીના કાન સુધી બધી વાત મારી મચડીને પણ પહોંચાડી દે તો... ?

... તોના જવાબ રૂપે વિચારી રાખેલા પોતાના તર્ક જ સલોનીને ધ્રુજાવવા પુરતા હતા. આખરે જિંદગીનો આટલો મોટો જુગાર બાજી ફેંકી દેવા માટે થોડો ખેલ્યો હતો ?

* * *

‘હલો.... મિસ્ટર શર્મા, સલોની હિયર....’

એક બપોરે સલોનીએ જીનિવા ઑફિસે શર્માને જ સીધો ફોન જોડ્યો.

‘જી, મૅમ.... ઍની પ્રોબ્લેમ ?’ શર્માએ સલોનીને મદદ કરવા હાથ આવેલી તક જતી નહોતી કરવી.

‘શર્માજી મને તત્કાલિક થોડાં પૈસાની જરૂર છે.. મને અહીં પહોંચાડી શકો ? પ્લીઝ....’ સલોનીના થોડાં સમયથી ટકોરાબંધ રહેલા ટોનમાં હળવી નરમાશનો પાશ શર્માને હેરત પમાડી ગયો. જી.... જી.... કરી રહેલો શર્મા સલોનીની ડિમાન્ડ સાંભળી ઠંડો થઇ ગયો.

‘મને એક મિલિયન ડોલર્સની જરૂર છે.. કઇ રીતે પહોંચાડી શકો ?’

‘વન મિલિયન ડોલર્સ ?’ શર્માને અંતરાસ ચઢી આવી હોય એમ ઉધરસ આવી ગઇ.

‘હા. જરા ઇમર્જન્સી છે.... ને બાબુજી આઉટ ઑફ ટચ છે...’ સલોનીએ ગપગોળા જ હાક્યાં,પણ એને ખબર નહોતી કે શર્માને તો ખબર હતી કે ગુરુનામ વિરવાની આ સમયે આઉટ ઑફ ટચ હોવાના જ ને ! એ તો એમની દર વર્ષે થતી સબરીમાલા યાત્રા પર છે. પૂરા ત્રણ અઠવાડિયાં સુધી એમનો સંપર્ક ન સાધી શકાય એ વાત તો સૌને ખબર હોય છે. આમેય સબરીમાલા ઉપરાંત વિરવાની વર્ષે થતી ત્રણ - ચાર યાત્રામાં ક્યારે ક્યાં જતા એની જાણ કોઇને ન રહેતી. શક્ય છે સિક્યોરિટી કારણોસર... પણ એક મિલિયન ડોલર્સ જેવી રકમ માટે નિર્ણય કઇ રીતે લેવો ?

‘શર્મા, તમે સાંભળ્યું? મેં શું કહ્યું ?’સલોનીના અવાજમાં ફરી પેલો ટંકાર ઉમેરાયો:

‘એમ કરો તમે ગમે તેમ કરી બાબુજીને મારો મૅસેજ પહોંચાડો... પછી એ જ ઘટતું કરશે.’ સલોનીના છેલ્લાં બે વાક્યોએ શર્માનું પૅનિક બટન દબાવી દીધું. ન કરે નારાયણ ને પેલી હોસ્પિટલવાળી ગુસ્તાખી ફરી રિપીટ થઇ તો ?

‘મૅડમ, મને બે દિવસ આપો.. હું ગમે તેમ સગવડ કરું છું...’ શર્માએ બે દિવસની મહોલત તો માગી, પણ એનો જીવ અદ્ધરતાલ થઇ ગયો હતો. વાત કોઇ હજાર, પાંચ હજાર ડોલર્સની નહીં, પુરા વન મિલિયન ડોલર્સની હતી. શર્માએ સલોનીનો ફોન મૂકી સીધો મુંબઇમાં બેઠેલા ચીફ ફાઇનાન્સિંગ ઑફિસર ચતુર્વેદીને જ ફોન લગાવ્યો. આખી વાત સાંભળ્યા પછી ઠંડા થઇ જવાનો વારો હવે ચતુર્વેદીનો હતો.

‘મિસ્ટર શર્મા, નૉટ પોસિબલ... તમને ખબર છે કે સીએફઓ અમૂકી હદ સુધી જ ફંડ રિલીઝ કરી શકે. આ રકમ એટલી નાની નથી કે હું કે એકાદ ડિરેક્ટર સાઇન કરી દઇએ... વી હૅવ ટુ વેઇટ ટિલ ચૅરમૅન કમ્સ...’ ચતુર્વેદીએ પોતાની બાજુ ક્લિયર કરી ત્યારે શર્માએ બ્રિજમાં થયેલો હોસ્પિટલવાળો કિસ્સો પૂરેપૂરી વિગતથી વર્ણવવો પડ્યો.

‘ઓહ, વાત એમ છે ? પણ સૉરી... આઇ કાન્ટ ડુ ઍનીથિંગ....’ એક જ શ્વાસમાં સીએફઓ ચતુર્વેદીએ પોતાની સાઇડ સેફ કરી લીધી. સામે છેડે રહેલા શર્માની વાત પણ સમજાય એવી હતી. આખરે શર્મા પણ વિરવાનીનો વફાદાર હતો. છેલ્લાં પંદર વર્ષથી જીનિવા ઑફિસ સંભાળતો… ક્યારેય કોઇ ગફલા કર્યા હોય એવું તો ધ્યાનમાં પણ નહોતું. બલકે પંદર વર્ષમા છ વાર લૉયલ્ટી બૉનસ પણ મેળવી ગયેલો.

‘એક કામ થઇ શકે, શર્મા....’ચતુર્વેદીએ વચ્ચેનો રસ્તો કાઢ્વો હોય એમ સૂચવ્યું :

‘એમ કરો કે પચ્ચીસ, પચાસ હજાર ડોલરથી કામ પતી જતું હોય તો પતાવો... એથી વધુ રકમ માટે તો ચૅરમૅનની રાહ જોવી જ રહી.

સીએફઓ ચતુર્વેદી સાથે વાત કર્યા પછી ઘડીભર માટે પણ કોઇ ભાર વહોરવો ન હોય એમ શર્માએ તરત સલોનીને ફોન જોડી દીધો. ગણતરીની મિનિટોમાં જ શર્માનો ફોન રણક્યો એટલે સલોનીને રૂંવે રૂંવે હાશ વ્યાપી રહી.

‘મૅડમ સૉરી, જરા વાર લાગી ગઇ...’ શર્માએ એ જ નરમાશથી કહ્યું.

‘વાંધો નહી... તો હવે મને ક્યાં મોકલશો ?’ સલોનીએ તો ધરી લીધું હતું કે શર્મા એને નાણાંંની જોગવાઇ કરીને ફોન કરી રહ્યો છે.

‘સૉરી મૅડમ... પણ સર સાથે સંપર્ક થઇ શકતો નથી અને મુંબઈ ઑફિસના ચીફ ફાઇનાન્સિંગ ઑફિસર મિસ્ટર ચતુર્વેદી પાસે આટલી મોટી રકમના ચેક ઈશ્યુ કરવાની સત્તા નથી...’

‘શર્મા.... તમે આ કહેવા મને ફોન કર્યો ?’ સલોનીના અવાજમાં વિફરેલી વાઘણનો ચિત્કાર હતો.

‘જી, મૅમ... વી હેવ ટુ વેઇટ ટિલ મિસ્ટર ચેરમેન કમ્સ... અથવા તો....’શર્મા જાણી જોઇને અટક્યો.

‘હમ્મ... અથવા શું ?’ સલોનીની અધીરાઈ બેકાબૂ થઇ રહી હતી.

‘જો તમારું કામ ચાલી જતું હોય તો લગભગ પચ્ચીસેક હજાર ડૉલર સુધી સેન્કશન થઇ શકશે...’ શર્મા મમરો મૂકીને સલોનીનો પ્રતિભાવ જાણવા રોકાયો.

ક્યાં એક મિલિયન અને ક્યાં પચ્ચીસ હજાર ડૉલર્સ ? સલોની વિચારતી રહી. જો એક નાનો તો નાનો, પણ ઇન્સ્ટોલમેન્ટનો ટુકડો નાખી દેવાય તો મટનના મોટા ટુકડાની આશામાં કૂતરો ભલે પુંછડી પટપટાવતો.... કમ સે કમ એ બીજા આડાઅવળા રસ્તા લેવાની મૂર્ખામી તો નહીં જ કરે...

‘મૅમ... શું કરું ? ‘સામેથી શર્મા પૂછી રહ્યો હતો.

‘હમ્મ.. ઓ કે, એટલા તો મને પહોંચતા કરો...’સલોની કંઇક વિચારતાં બોલી પછી પોતાની સત્તા પણ કંઇ કમ નથી એ ઠસાવવા એણે ઉમેર્યું પણ ખરું:

‘બાકીની રકમ માટે હું બાબુજી આવશે ત્યારે સીધી વાત કરીશ લઇશ !’

એક વાર ટેકસ્ટ મેસેજ આવી ગયો એટલે થોડી વારમાં જ વિક્રમનો ઉઘરાણીનો કોલ આવશે ત્યારે શું વાત કરવી એ મુદ્દો સલોની ગોઠવી જ રહી હતી ને ફોનની રિંગ વાગી. સામે વિક્રમ જ હતો.

‘અત્યારે પચ્ચીસ હજાર... હું એકસાથે એથી વધુ રકમ નહીં આપી શકું...’સ્વરમાં કોઇપણ પ્રકારની નબળાઇ દર્શાવ્યા વિના સલોની એકદમ સપાટ સ્વરે બોલી ગઇ.

‘હેય... સલોની.... ભીખ આપે છે કે દાન ?’ વિક્રમ બરાબર છેડાયો હોય એમ બોલ્યો.

‘મેડમ, સમજી લો... આ નાણાંં તમે મને ચૂકવીને કોઇ ઉપકાર નથી કરતાં, સમજ્યા ? આ તો છે તમારા પ્રોટેક્શન મની... તમારા રાઝદાર બની રહેવા માટેનો હપ્તો છે. જે દિવસે હપ્તાની શૃખંલા તૂટી તે દિવસે તમારા પ્રોટેક્શન શિલ્ડમાં છેદ પડી જશે એટલું લખી રાખજો.. ઓકે ?!’

સલોની અવાચક થઇને સાંભળી રહી. વિક્રમની ધમકીમાં આવી જઇ પોતે વિરવાનીની ઑફિસથી પૈસા મંગાવ્યા એમાં કંઇ કાચું તો નથી કાપી નાખ્યું ને ?’

* * *

‘ચતુર્વેદી, મેં તમારા મિસ્ડ કૉલ જોયા ! એવી શું ઇમર્જન્સી આવી ગઇ કે મારી સબરીમાલા યાત્રામાં મને ડિસ્ટર્બ કર્યો ? એ તો સારું હતું કે ગઇ કાલે જ મારી પરિક્રમા પૂરી થઇ...’

પોતાના પ્રાઇવેટ નંબર પર ફોન ન કરવાની તાકીદ છતાં સીએફઓ ચતુર્વેદીના ફોન જોયા એટલે ગુરુનામે તરત જ ચતુર્વેદીને ફોન કરીને પૂછવું પડ્યું,

‘સર આમ તો વાત જ જાણે એવી હતી, પણ હવે અમે વચ્ચેનો માર્ગ કાઢ્યો છે એટલે ચિંતાનું કારણ નથી, બાકી વિગતવાર વાત તમે આવો પછી..’ ચતુર્વેદીને જાણ હતી કે ગુરુનામને પોતે યાત્રા પર હોય ત્યારે આ વાતોમાં ઉલઝવું લગીરે ગમતું નથી.

‘હા, એ પણ ઠીક છે.... પણ હવે બોલી જ નાખો. યાત્રા પતી ગઇ છે ને હું કાલે તો મુંબઇ આવું જ છું.’ ગુરુનામે હળવાશથી કહ્યું.

ગુરુનામ વિરવાનીની હળવાશ જોયા પછી જ સલોનીના એક મિલિયન ડોલર્સની ડિમાન્ડવાળી વાત ચતુર્વેદીએ કરી નાખી.

વન-મિલિયન ડોલર્સ ?!

ગુરુનામના મગજમાં આ એક વાક્ય ઍલાર્મની ઘંટડી વગાડવા લાગ્યું.

***