Ek Chaal Tari Ek chaal mari - 9 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 9

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 9 )

દિલ્હી દૂર સહી, નામૂકીન નહીં...

મરક મરક થતાં વિક્રમે રિસ્ટવોચમાં જોયું પછી પોતાનો મોબાઈલ ઊંચક્યો ને આંગળી ઝડપભેર ફરવા માંડી કી-પેડ પર... સામે છેડે ફોને રણક્યો અને વિક્રમના હેલ્લો... પછી સામેથી થોડો કાંપતો સ્વર સંભળાયો.

‘કોણ છો ? સોરી, ઓળખાણ ન પડી.’

અનંતરાવ દેશમુખને સાંભળવામાં થોડી તકલીફ તો હતી જ, એમાં આ કોઈ લોન્ગ ડિસ્ટન્સ કોલ હોય એટલે કોલ કરનારો બોલે પછી ક્ષણ રહીને આવતા પડઘામિશ્રિત અવાજને કારણે સમસ્યા વધે જતી હતી.

‘અંકલ... મને ન ઓળખ્યો ? અરે, હું વિક્રમ.. ?

જોજનો દૂર બેઠેલા વિક્રમને ઘડીભર માટે થયું કે એવું તો ન હોય કે આ દેશમુખ પોતાની દીકરીની જેમ ગરજ સરે પછી વૈદ વેરી જેવી માનસકિતા ધરાવતા હોય એટલે સંભળાતું ન હોય એવી એક્ટિંગ કરી રહ્યો હોય !

‘કોણ, વિક્રમ ? વિક્રમ પાલેકર?’ દેશમુખની કાનની સમસ્યા હતી, યાદ- શક્તિની નહી.

‘જી અંકલ, ઓળખ્યો ખરો મને...’વિક્રમને હાશ થઈ.

‘અરે વિક્રમ, બોલ બેટા... કેમ છે તું ? ક્યાં છે તું ? અરે, પુણેથી મુંબઈ દૂર કેટલું ? પણ તું તો જાણે ગૂમ જ થઈ ગયો !’ દેશમુખના સ્વરમાં રહેલો હૂંફાળો ઉમળકો વિક્રમના દિલને ઠંડક આપી ગયો.

કાશ ! આ બધું જો થયું જ ન હોત તો ? પણ એ બધું વિચારવાને બદલે હવે મુદ્દાની વાત જરૂરી હતી.

થોડી વાર ખબર-અંતર અને પુણેના સમાચારની વાતો નાછૂટકે વિક્રમે કરવી પડી. કદાચ દેશમુખ અંકલ પોતાના કોલ કરવા પાછળનું મૂળ પ્રયોજન જાણી જાય તો ?

‘અંકલ, પહેલાં પણ કેટલીય વાર સલોનીને કહેલું... આઈ-બાબા મુંબઈ આવે ત્યારે જાણ તો કર, પણ એ તો કરે શાની? ‘વિક્રમે પોતાની સલોની સાથેની મિત્રતા એટલી જ મજબૂત અને બરકરાર રહી છે એનો આડકતરો ઉલ્લેખ કરતો રહ્યો. સલોનીએ પોતાનાં મા-બાપને પણ અંધારામાં જ રાખ્યાં હશે. એ બંનેને ખબર પણ નહીં હોય કે સલોની ગરજ પતે પછી જેનો ઉપયોગ કર્યો એ સીડીને કેવી બેરહમીથી ભંગારભેગી કરી શકે છે !

વિક્રમનો તર્ક સાચો પણ હતો. સલોનીના બાબાને તો નહીં, પરંતુ સુહાસિનીને પણ આ ડેવલપમેન્ટ ની જાણ નહોતી ?

‘હા, સલોનીની વાત જ જવા દે હવે...’ દેશમુખના સ્વરમાં ઊના નિસાસા જેવી દાહકતા તો નહીં. પણ નિરાશાજનક ઉચ્છવાસ તો જરૂર હતો. વિક્રમની તાલાવેલી વધી રહી હતી. શક્ય છે પોતાને પૂછવું જ ન પડે અને દેશમુખ સામેથી જ સલોનીનું ઠામઠેકાણું બોલી નાખે... અને થયું પણ એમ જ. દેશમુખ સાફ દિલનો, વિના જિંદગીભર નોકરી કરતો એક આમ આદમી હતો. સાલસ સ્વભાવના માણસને દીકરી પર તૂટી પડેલા દુ:ખે તોડી નાખ્યો હતો. એમાં વળી એક સહદય દોસ્તનો દિલાસો આપતો ફોન આવ્યો પછી...

‘જોને, વિક્રમ... સલોનીની ઘણી બધી વર્તણૂક મને નહોતી ગમતી, પણ જે એની સાથે થયું... તું તો જોતો જ હશે ને ! મુંબઈ જેવા શહેરમાં પણ મિડિયાએ છોકરીને બહાર નિકળવાનું ભારે કરી નાખ્યું...’ દેશમુખનો વ્યગ્ર સ્વર વિક્રમને કાને અથડાતો હતો.

‘હા, અંકલ... એ તો વાત તમારી સાચી, પણ તમે સલોનીને ઓળખતા નથી. એ તો ફિનિક્સ પક્ષી છે, રાખમાંથી ઊભું થાય એવું રેતપંખી...’

વિક્રમને થયું દેશમુખ પાસે વાત કઢાવવી હોય તો સલોનીને કેન્દ્રબિન્દુમાં રાખીને જ વાતચીતનો દોર આગળ વધારવો પડશે, પણ એ વાત ઝાઝી ખેંચવી ન પડવાની હોય એમ દેશમુખે સામેથી જ કહ્યું:

‘એ તો સારું થયું કે સલોનીને સારી તક મળી એટલે વિદેશનો યોગ થઈ ગયો. બાકી, અહીં રહી હોત તો ટૂંપી નાખેત હોત આ મિડિયાએ !’

દેશમુખને કદાચ જિંદગીમાં પહેલી વાર પોતાની દીકરી બિચારી લાગી રહી હતી.

‘અચ્છા... તો સલોની વિદેશમાં છે ?... ક્યાં ? વિક્રમને થયું કે પોતાના સ્વરમા અધીરાઇ છલકાઇ રહી છે એ યોગ્ય નથી.

‘હા, સ્વિત્ઝરલેન્ડમાં છે. લોકેશનનું નામ તો ભૂલી ગયો...’ દેશમુખ નામ યાદ કરી રહ્યા હોય તેમ જરા વિચારમાં પડ્યા :

‘ના, યાદ નથી આવતું. હમ્મ... પણ વિક્રમ, તું એને ફોન કરજે... કદાચ કપરા સમયમાં મિત્રો એક ફોન પણ કરે તો જખમ પર મલમપટ્ટી જેવું લાગે...’

દેશમુખે સામે ચાલીને જ ગોળનું ગાડું સોંપી દીધું વિક્રમના હાથમાં.

‘નંબર લખી લે, અહીંના નંબર તો ચાલુ જ છે, પણ એ નંબર સલોની સ્વીચ ઓફ જ રાખે છે...’

દેશમુખ સાથેની માત્ર દસ મિનિટની વાતચીત પછી વિક્રમે ફોન કટ ઑફ કર્યો ત્યારે એના ચહેરા પર વિજય સ્મિત રમી રહ્યું હતું.

હવે એકવાર સલોની સુધી પહોંચવું જરૂરી હતું. પછી સલોનીને એની પાછળ ભાગવું પડશે એ વાત નક્કી હતી.

* * *

‘ગુડ મોર્નિંગ, મિસ સલોની...’

બર્ફિલી સવારનો નજારો માણતાં મામતાં સલોનીનો બ્રેકફાસ્ટ ચાલી રહ્યો હતો ત્યાં ડો. સારાહ ગાસનો ટહુકો થયો.

‘ઓહ, ડો. સરાહ... હું ભૂલી જ ગઇ આજે તો મારો ચેક-અપ ડે છે..’ સલોની પોતાની આ ગફલત પર જરા છોભીલી પડી ગઇ.

સ્વિસ લોકો સમયનાં પાબંધ હોય છે. એમની લોક ટ્રેન જો એક મિનિટ મોડી-વહેલી ન થઇ શકે તો એ લોકો કેવા શિસ્તપ્રિય હોય એ વિચારી લેવાનું.

‘હમ્મ સલોની, ધિસ ઇઝ નૉટ ફોર ધ ફર્સ્ટ ટાઇમ...’

ડો. સારાહે હળવી ટકોર કરી.

ઝરમટ જેવાં માંડ પાંચ હજાર લોકોની વસ્તી ધરાવતા ગમમાં સલોનીને પૂરાં આઠ - દસ મહિના તો કાઢવાના હતા આ કહેવાતા સ્વર્ગમાં. સલોનીએ ઝરમટમાં પગ મૂક્યો ત્યારે તો દિલ બાગ બાગ થઇ ગયેલું. ચારે તરફ જાણે બર્ફિલી ચાદર ઓઢીને સૂતેલું કોઇ નિર્દોષ બાળક જેવું લાગતું વિલેજ મનમાં વસી ગયેલું.

ચારે બાજુ હિમનું સામ્રાજ્ય. ક્યારેક ક્યારેક ડોકિયું કરતા સૂર્યનારાયણ અને જો સૂર્યદેવ રજા પાળે ત્યારે વિના કોઇ કારણ દિલમાં ચાસ પડી જય એવું ભુખરું, ગમગીન વાતાવરણ સાથે વાત કરવા માટે કોઇ એક વ્યક્તિ નહીં. ટી. વી. પર આવતી ચેનલો પણ જર્મન અને ફ્રેન્ચ. ઇન્ડિયન ચૅનલો માથાકુટ કરી ચાલુ તો કરાવી, પણ વારેવારે ઘણી હિમવર્ષા અને પુઅર સિગ્નલ્સને કારણે રિસેપ્શન જ નહોતું મળતું. માત્ર બે મહિનામાં સલોનીને ઝરમટનો વૈભવશાળી શેલે જેલ જેવો લાગવા માંડ્યો હતો ત્યારે એક આશાનું કિરણ જેવી ડો. સારાહ મળી ગયેલી. અઠવાડિયામાં દર બુધવારે ચેક-અપ માટે ઘરે વિઝિટે આવતી સારાહને આ સલોનીની વાત પરાગ્રહવાસીઓના અનુભવ જેવી લાગતિ. સૌથી રસપ્રદ વાત હતી મુંબઇ જેવા મહાનગરની. પોતાના દેશની સમગ્ર વસતિથી વધુ લોકો મેટ્રો સિટીમાં રહે એ વાતથી લઇ ભારતના હિમાલય. સાધુ-સંત. અફીણ-ગાંજા ને ધાર્મિકતા, ઉત્સવોનું ગાંડપણને ફિલ્મોનો ક્રેઝ વગેરે જેવી વાતો ડો. સારાહ અને સલોની વચ્ચે કદીય ખૂટતી નહોતી.

‘ડો. સારાહ, હમણાંથી કંઇ બરાબર નથી લાગતું...’

ડો. સારાહને પોતાની સાથે બ્રેકફાસ્ટમાં આવકારતી હોય તેમ સલોનીએ ડાઇનિંગ ચૅર સામે ઇશારો કર્યો. સારાહ માટે હવે સલોની માત્ર પેશન્ટ ન રહેતા ફ્રેન્ડ કક્ષામાં આવી ચૂકી હતી.

અનીતાએ ડૉ. સારાહ માટે ટેબલ સેટ કરવા માંડ્યું.

‘એવી તો થોડીઘણી ફરિયાદ રહેશે જ, સલોની....’ ડૉ. સારાહ હળવું હસીને બોલી.

આમ તો સ્વિસ લોકો ભારે રિઝર્વ્ડ હોય છે અને એમાં પણ મૂળ જર્મન લોહીવાળા. જોકે ડૉ. સારાહ એમાં અપવાદરૂપ હતી.

‘થોડા હોર્મોનલ ચેન્જિસને લીધે મૂડ સ્વીંગ્સ. વજન વધવાને કારણે સ્પાઇનલ કોર્ડ પર આવતા ભારને કારણે સખત પીઠનો દુખાવો કે કળતર પણ શક્ય છે...’ એવરીથિંગ ઇઝ અ પૅકેજ ડીલ, સલોની.. આખરે એક નવી જિંદગી આ દુનિયામાં આવી રહી છે. ઇઝન્ટ ઇટ અ મિરેકલ ?’ ડૉ. સારાહે / સલોનીના હાથ પર પોતાનો હાથ પર દબાવતાં કહ્યું.

ડૉ. સારાહની વાતમાં વજુદ તો હતું જ,પણ અચાનક જ આ અવસ્થા પોતાને બોજ જેવી કેમ લાગવા માંડી હતી એ સલોનીને સમજાતું નહોતું.

હવે તો બુધવારની સવારના કલાક-બે કલાક લાગતું કે પોતે જીવે છે જ્યારે ડૉ. સારાહ સાથે કોઇ સંવાદ થતો. એટલો સમય લાગતું કે પોતે ખરેખર પૃથ્વી નામની જ જગ્યા પર છે. બાકી, એક વાર ડૉ. સારાહ વિદાય લે પછી રહી જતા બર્ફીલા પહાડો અને નરી ગુંગળામણ.

‘સલોની... આર યુ ઓકે ? ડોન્ટ થિન્ક ટુ મચ.’

ડૉ. સારાહ હળવી ચેતવણીનાં સૂરે બોલી. એ આખી વાતથી માહિતગાર તો નહોતી, પણ ગુરુનામ વિરવાનીની જીનિવા ઑફિસેથી થયેલી આ આખી ગોઠવણ પછી એટલું તો જરૂર સમજી શકી હતી કે ઇન્ડિયાના કોઇ બિઝનેસ ટાયકુન પરિવારની દીકરી કે વહુ છે, જે કોઇ શૉકમાં પણ છે અને વળી પ્રેગ્નેન્ટ પણ... વિરવાનીની જીનિવા ઑફિસે ડૉ. સારાહની સર્વિસિસ હાયર કરી ત્યારે એ પૅકેજમાં સલોની સાથે થોડો સમય વિતાવી એને હળવા મૂડમાં રાખી શકાય એવી યથાશક્તિ મદદ કરવાની વાત પણ શામેલ હતી.

‘યેસ... ડૉ. સારાહ... ટ્રાઇંગ....’ સલોની શૂન્યમનસ્કે બોલી. ડૉ. સારાહ માટે ક્યારેક આ પેશન્ટ સાથે કઇ રીતે વર્તવું એ પ્રશ્ન થઇ જતો. વારેવારે એનું વર્તન ક્લિનિકલ ડિપ્રેશનના ભોગ એવા રોગી જેવું લાગતું. બ્રેકફાસ્ટ સાથે દુનિયાભરમાં ચાલી રહેલા પ્રવાહોની વાત કર્યા પછી સલોની જરા મૂડમાં આવી હોય એમ એનો ચહેરો થોડો ખીલ્યો હતો. કલાકેક પછી બ્લડપ્રેશર અને ઉદરમાં ધબકી રહેલા જીવનો વિકાસ તપાસી ડૉ. સારાહે પોતાનો પોર્ટફોલિયો ચેક કર્યો.

‘સલોની,આઇ મસ્ટ ટેલ યુ...’ ડૉ. સારાહ થોડી ગંભીરતાથી બોલી :

‘જો કે મેં વિરવાનીઝની જીનિવા ઑફિસના મિસ્ટર શર્મા સાથે પણ આ વાત કરી લીધી છે, પરંતુ તને જણાવવું પણ જરૂરી છે...’ ડૉ. સારાહ જરા અટકી,સલોની એકચિત્તે પોતાની વાત સમજી રહી છે એ જાણ્યા પછી જ કદાચ આગળ બોલવા માગતિ હતી.

‘સી, સલોની. એઝ યુ નો... ઝરમટ તો ટુરિસ્ટ વિલેજ છે. સ્કીઇંગ માટે આખી દુનિયામાં પંકાતું અને આખી દુનિયાના ટુરિસ્ટને આવકારતું... ઈનકેફ્ટ, આઇ હેટ ટુ સે ધિસ ફોર માય લેન્ડ... પણ જે વાત સાચી છે એ છે... અને તે એ કે પાંચ હજારની વસતિવાળા આ ગામમાં કોઇ મોટી હોસ્પિટલ નથી. તારી ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે. આપણે ઇચ્છીએ છીએ કે કોઈ કોમ્પ્લિકેશન ઉભા જ ન થાય અને બધું બરાબર પાર ઊતરે... પણ... પણ... એનો અર્થ એવો તો હરગિજ નથી થતો કે એ અંગે આપણને ગાફેલ રહેવું પોસાય. અને મને ક્યારેક ચિંતા કરાવી જાય છે તારું બ્લડપ્રેશર... એવા સંજોગોમાં મારી તો એ જ સલાહ છે કે આપણે અહીંથી દોઢ કલાક દૂર છે એ સિટી સાયનની હૉસ્પિટલમાં કે પછી ઇન્ટરલાકેનની કોઇ હોસ્પિટલમાં બુકિંગ કરાવવું જરૂરી છે અને આ તો માત્ર તારી જાણ માટે, બાકી વિરવાનીની ઑફિસમાંથી એ માટે મિસ્ટર શર્માએ મને જે યોગ્ય લાગે એ કરવું એમ જણાવી પણ દીધું છે.. તો તારે શું કહેવું છે ? સાયન કે ઇન્ટરલાકેન ?

‘સલોની ઘડીભર આ પ્રશ્નથી મુંઝાઇ ગઇ. પોતે આવો તો કોઇ વિચાર કર્યો જ નહોતો. જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવતો જતો હતો તેમ તેમ પેટમાં પતંગિયા ઊંડતાં હોય એવી લાગણી ઊઠતી અને શરીર આખામા પ્રસરી જતી હતી. આ રોમાંચ હતો કે ડર ? પોતાના ઉદરમાં પોષાતા અંશને હાથમાં લેવાની અધિરાઇ હતી કે પછી એનાથી મૂકી્તિની ઘડીનો ઇન્તેજાર ?

ડૉ. સારાહના ગયા પછી પણ ક્યાંય સુધી સલોની એમ જ બેસી રહી. સ્થિર, પોતાના જ વિચારોમાં અટવાયેલી.. જાણે પોતાના ટોળાંથી છૂટી પડી ગયેલી કોઇ હરણી. હવે નિર્ણય પોતે લેવાનો હતો કે જ્યાં ભૂલે ભાગે એક ઇન્ડિયન ટુરિસ્ટ ન ફરકતો હોય એવા સાયનની હૉસ્પિટલમાં જવું કે સ્વિત્ઝરલેન્ડની મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પ્લેસ તરીકે ટુરિસ્ટ યાદીમાં આવતા ઇન્ટરલાકેન પર પસંદગી ઉતારવી ?

ઇન્ટરલાકેન જવાનો સૌથી મોટો ગેરફાયદો હતો ઇન્ડિયન ટુરિસ્ટ અને દિન-રાત ચાલતાં બોલીવુડ - હૉલીવુડનાં શુટિંગ. એવા માહોલમાં જો પોતાની આઇડેન્ટિટી અકસ્માતે પણ ખુલ્લી પડી ગઇ તો ?

* * *

અચાનક સલોનીની આંખ ખુલી ગઇ.

ઓહ, પોતે વિચારમાં ક્યારે ઊંઘી ગઇ એ જ ખ્યાલ ન રહ્યો. રૉકિંગ ચૅર પર ન બપોરભર ઊંઘતી રહેલી સલોનીએ શાલ દૂર કરવા ચાહી. નક્કી અનીતા ચૂપચાપ ઓઢાડીને જતી રહી હશે.

સતત બે-અઢી કલાક રૉકિંગ ચૅરમાં એક જ અવસ્થામાં બેસી રહેવાથી શરીર જકડાઇ ગયું હતું. સલોનીએ હળવેકથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો ત્યારે લાગ્યું કે પગમાં ખાલી ચઢી ગઇ હોય એવી અજબ ઝણઝણાટી થઇ રહી છે. ક્યારેક કોઇ શારીરિક તકલીફથી પરેશાન ન થનારી સલોનીએ પ્રેગનેન્સી આવી ત્રાસદાયક તો હરગિજ નહોતી ધારી. પગમાં થઇ રહેલી ઝણઝણાટી જરા શમે એટલી વાર પણ એક જગ્યાએ બેસી રહેવું જરૂરી હતું...

એવું કંઇક વિચારીને સલોનીએ ઊભા થવાનો પ્રયાસ પડતો મૂકી પીઠ પાછળ મૂકીેલા કુશનને સરખું કર્યું ત્યાં જ પંડિત રવિશંકરની સિતાર રણઝણી ઊઠી. રણકી રહેલા મોબાઇલ ફોનની રિંગ ખરેખર તો સલોનીને ભારે આવકારદાયક લાગી આ ઠંડી, ભુખરી, ઉદાસ સાંજે....

કોણ હશે અત્યારે ? આઇ જ ને, બીજું કોણ ?

‘હેલો...’

નંબર અપરિચિત હતો,છતાં સલોની ફોન રિસીવ કરતા બોલી.

‘હ લ્લો... સલોનીજી... વેરી ગુડ ઇવનિંગ ટુ... યુ....’ સામે છેડેથી કાને પડ્યું : જે સાંભળતા જ સલોની ચોંકી ઊઠી.

‘હુ ઇઝ ધિસ...’ પોતાની ધારણા કદાચ ખોટી પણ હોય એવા સંદેહથી સલોની બોલી.

‘ઓહ... સલોની... કમોન, હવે મારા અવાજને પણ નથી ઓળખી શકતી ? હમ્મ... ગુડ.. ગુડ...’ સામે છેડેથી દાઢમાં બોલતાં વાક્ય પરથી સલોનીનો સંદેહ પાકો થઇ રહ્યો હતો.

ક્યાંક આ... ! સલોની વિચારી રહી હતી ને ત્યાં જ સામેથી એના કાને પડ્યું :

‘રાઇટ, તું સાચું જ વિચારી રહી છે... હું તારો મિત્ર વિક્રમ... લોકો મને પ્રેમથી વિકી કહે છે.’ બોલતા વિક્રમ ખંધું હસી રહ્યો હશે એવી અટકળ સલોની કરી રહી.

‘વિક્રમ... વ્હોટ્સ યૉર પ્રોબ્લેમ ? મને શેને માટે ફોન કર્યો ?’

સલોનીના પેટમા ફફડાટ થઇ રહ્યો હતો. સૌથી મુદ્દાની વાત તો એ હતી કે વિક્રમને પોતાનો નંબર મળ્યો કઇ રીતે ? ક્યાંક આશુતોષ ને વિક્રમ વચ્ચે... સલોનીના મગજ પર પોતે થોડાં દિવસો પૂર્વે આશુતોષને કરેલા કૉલની વાત તાજી થઇ ગઇ. ના... પણ એ નંબરવાળો ફોન તો સ્વીચ ઑફ હતો. આ નંબર તો માત્ર ને માત્ર ગુરુનામ વિરવાની તથા એનાં આઇ-બાબા પાસે જ હતો તો પછી એ વિક્રમને મળ્યો કઇ રીતે ?

‘સલોની... વગર કારણે મગજ ચલાવ્યા કરવાની તારી ટેવ હજી ગઇ નથી લાગતિ, કેમ ?’

વિક્રમ ફરી ખંધુ હસી રહ્યો છે એવું સલોનીને લાગ્યું. આ માણસ કોઇ રમત આદરી રહ્યો છે એ વાત તો નક્કી, પણ શું રમત ? હવે પોતાની પાસે હતું શું કે આ માણસને જોઇએ છે !

‘વિક્રમ કોઇ આટલાં વર્ષે જૂનાં મિત્રને મળે એની સાથે આ રીતે વાત કરે ?’ સલોનીને લાગ્યું કે યેનકેન પ્રકારે બાજી જો ફોન પર સંભાળી લેવાતી હોય તો એથી ઉત્તમ બીજું કંઇ જ નહીં.

‘હા... સલોની, એ વાત તો તારી સાચી કે અરસા પછી મળેલા જૂનાં યાર-દોસ્ત આવી રીતે વાત ન કરે, પણ તું શું માને છે ? હું તારા દોસ્તની કક્ષામાં આવું કે પછી....’

વિક્રમ શબ્દ ગળી ગયો, પણ એ ન બોલાયેલા શબ્દ સલોનીને ચાબૂકની જેમ વીંઝાયા હોય એમ સોંસરવા ઊતરી ગયા.

’વિક્રમ, તને આ નંબર મળ્યો ક્યાંથી ?’ સલોની વાત ઘૂમાવવાનો વધુ એક પ્રયત્ન કરી રહી.

‘સલોની, એ બધુ જવા દે. થેન્ક્સ ટુ ટેકનોલોજી, પણ હવે દુનિયા એટલી નાની થઇ ગઇ છે કે નંબર તો શું ? મને અહીં બેઠાં બેઠાં તારું લોકેશન પણ મળી ચુક્યું છે... બાય ધ વે... તું શું કરે છે બરફિસ્તાનમાં ?’

વિક્રમ જાણે સલોનીને પ્રત્યક્ષ રીતે જોઇ રહ્યો હોય એમ બોલ્યો. હવે સહેમી જવાનો વારો સલોનીનો હતો.

ખરેખર વિક્રમે પોતાનું આ લોકેશન શોધી કાઢ્યું હશે ? અને એ પગેરું દબાવતાં અહીં આવી પહોંચે તો ? સલોનીના શરીરમાં રીતસરની આછી કંપારી ફરી વળી.

‘વિક્રમ, એ બધી વાત જવા દે... કહે, હું કેમ યાદ આવી ? મિડીયામાં ચાલતી ગૉસિપથી કે પછી ?’ સલોનીએ વાક્ય અધુરું જ મૂક્યું.

‘ના સલોની, તને તો ખબર છે મિડિયાની ગૉસિપમાં મને ક્યારેય રસ પડતો નથી. એ ગૉસિપ કઇ રીતે ને શા માટે બનાવવામાં આવે છે- એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી લઇ માર્કેટિંગ સુધીની તમામ વાતોથી શું હું અજાણ છું ?’

વિક્રમ ગોળ ગોળ વાત જ કરતો રહ્યો.

‘વિક્રમ, એની વે થેન્કસ ફોર કૉલીંગ...’ સલોનીને થોડી પ્લેઝન્ટરી એક્સચેન્જ કર્યા પછી લાગ્યું કે વિક્રમથી ડરવાનું કોઇ કારણ નથી એટલે એણે રોકડું જ પરખાવી દેતાં કહ્યું.

‘એક મિનિટ, સલોની... મેં તારા ખબર-અંતર જાણવા આ ફોન નથી કર્યો.’ વિક્રમના અવાજમા એક ધાર હતી.

‘હમ્મ... તો ?’ સલોનીના સ્વરમાં રહેલી કુતુહલતામાં ડરની માત્રા ભળી છે કે નહીં એ તારવવાની મથામણ વિક્રમ કરતો રહ્યો.

‘સલોની, હવે ડિલિવરીને ઝાઝો સમય નથી રહ્યો એ વાત સાચી... પણ ગુરુનામ વિરવાનીને ખબર છે કે દીકરાના વંશનું મોઢું જોવા એ આ બધી જહેમત ઉઠાવી રહ્યા છે એ ખરેખર ગૌતમ વિરવાનીનું જ ફરજંદ છે કે પછી... !’

વાક્ય અધુરું મૂકી વિક્રમ હસ્યો. જે હાસ્યમાં ન તો ઉપહાસ હતો કે ન કડવાશ, બલકે એમાં સંકેત હતો કોઇ એક રમત - નવી ચાલ આદરવાનો.

‘શટ અપ વિક્રમ, મોં સંભાળીને બોલ... તને ખબર છે કે તું કોની સાથે વાત કરે છે ?’

સલોની ખરેખર તો સરથી પાની સુધી થથરી ગઇ હતી, છતાં બહાદૂરીનો મુખાવટો ઓઢી રાખવો જરૂરી હતો.

‘સલોની...’ વિક્રમનો અવાજ ધીમો થઇ ગયો. જેની ધાર પહેલાથી વધુ તીક્ષ્ણ થઇ હતી. કદાચ એકદમ દબાયેલા સૂરમાં આપવામાં આવતી ધમકી વધુ અસરકારક રહેતી હશે એ રીતે.

‘સલોની, હું ન તો મારો સમય બગાડવા માંગુ છું ન તારો... આઇ વિલ કમ ટુ ધ પૉઇન્ટ... ઓકે?’ એણે સલોનીનો પ્રતિભાવ જાણવા પ્રયત્ન કર્યો.

સામે છેડે સલોનીનું મૌન સૂચક હતું એટલે વિક્રમ ધીમો છતાં જાણે એકએક શબ્દ છૂટો પાડીને કહેતો હોય એમ સલોનીના કાનમાં પડઘાયો-

‘સલોની, તું મને બોતેર કલાકમાં ફાઇવ મિલિયન ડોલર પહોંચતા કર... ઇઝ ધિસ ક્લિયર ? ‘

સલોની કોઇ પ્રતિક્રિયા આપે એ પહેલાં જ વિક્રમે વાતનો દોર ત્વરીત સાધી લીધો,

‘એ ક્યાં કયા એકાઉન્ટમાં પહોંચાડ્વા એ હું તને ચોવીસ કલાક પછી જણાવીશ

‘આર યુ જોકિંગ ? વિક્રમ... ગાંડો થઇ ગયો છે તું ? પાંચ મિલિયન ડોલર ? હું ક્યાંથી લવવાની? આવો તદ્દન બેહૂદો, મૂર્ખામીભર્યો વિચાર તને કઇ રીતે આવ્યો.. ?

વિક્રમની વાતથી સલોની ઊછળી પડી. વિક્રમની વાતને જોક સમજી હસી કાઢવી કે એને ગંભીરતાપૂર્વક સાચી માનવી ?

‘સલોની, મારે જે કહેવાનું હતું તે કહી દીધું. હવે હું રિપીટ નહીં કરું. અરે, હા ! એક વાત કહેવાની રહી ગઇ...’ પોતાની વાતને જોકમાં ખપાવી રહેલી સલોની વાત તો બરાબર ધ્યાનથી સાંભળી રહી છે એ પ્રતીતિ થતાં વિક્રમ બોલ્યો :

‘જો આ પૈસાની જોગવાઇ તું નહીં કરી શે તો મારે ના છૂટકે તારી અસલિયત ગુરુનામ વિરવાની સુધી પહોંચાડવી પડશે... યુ નો, વ્હોટ આઇ મીન... રાઇટ... ?’ ઠંડા કલેજે જાણે કોઇ બોમ્બને જામગરી ચાંપતો હોય એમ વિક્રમ બોલી ગયો.

અવાક રહી ગઇ સલોની. જાણે કાનની બૂટ પાસે જ કોઇક બોમ્બ વિસ્ફોટ થયો હતો.

‘વિક્રમ... લિસન...’ સલોનીએ રીતસર ચીસ પાડી. ગળામાં જ ફસાયેલો અવાજ બહાર નીકળી એ પહેલાં રૂંધાઇ રહ્યો હતો, પણ સામે છેડેથી ફોન કટ થઇ ચૂક્યો હતો.

સલોનીએ લોગ લિસ્ટમાં જઇ વિક્રમનો નંબર જોવાનો પ્રયત્ન કર્યો, જેમાં કૉલ રજિસ્ટર તો થયો હતો. પણ અનરજિસ્ટર્ડ નંબરના નામે...

સલોનીને અચાનક જ લિવિંગરૂમ ગોળ ગોળ ઘૂમી રહેલો દેખાયો. ફાયરપ્લેની નજીક જ રહેલી રૉકિંગ ચૅર એવી રીતે ઝૂલી રહી હતી જાણે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ. ચારે કોર અચાનક અંધારું છવાઇ રહ્યું હતું. સલોનીએ ખુરસીમાંથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો.

‘અનીતા...’ સલોનીએ પોતાની હતી એ બધી હિંમત એકઠી કરી બૂમ પાડી અને એ સાથે સલોની ફર્શ પર ફસડાઇ પડી...

* * *

‘મૅમ.... મૅમ...’

સલોનીની દબાયેલી ચીસથી કિચનમાં કામ કરી રહેલી અનીતા દોડતી આવી. રૉકિંગ ચૅર હજી ઝુલતી હતી અને સલોની નીચે ફર્શ પર પડી હતી તદ્દન નિશ્ર્ચેતન. ગભરાયેલી અનીતાએ સ્વસ્થતા જાળવી સલોનીના ફોનમાં રહેલા ઇમર્જન્સી કૉલ પર ફોન લગાવ્યો. સલોની હંમેશાં સનીતાને કહેતી કે જરૂર પડે તો આ ઇમર્જન્સી કૉલ ડાયલ કરવો.

‘મૅમ.. અનીતા... સલોની મૅમ રેસિડન્સ...’ અનીતાએ ઇમર્જન્સી નંબરમાં નોંધી રાખેલો એકમાત્ર એવો ડૉ. સારાહનો નંબર લગાવ્યો. અનીતા અંગ્રેજી નહોતી જાણતી. પણ ઈમરજન્સી બયાન કરી શકે એટલા ત્રુટક શબ્દોમાં એણે ડો. સારાહને ઘરે બોલાવી. ગણતરીની મિનિટમાં ડૉ. સારાહ ત્યાં ધસી આવી.

‘ઓહ નો...’ સલોનીની હાલત જોઇને ડૉ. સારાહના હોઠથી સરી પડ્યું.

ડૉ. સારાહે ઝડપભેર બે-ચાર કૉલ્સ કર્યાં....

સલોનીને તાબડતોબ હોસ્પિટલ ખસેડવી જરૂરી હતી.

***